Once Upon a Time - 86 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 86

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 86

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 86

મોતને નજર સામે જોઇ ગયેલા યુવાને કારમાંથી બહાર નીકળીને દોડીને જવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધીમાં એના શરીરમાં પૂરી અગિયાર ગોળી ધરબાઇ ચૂકી હતી. વહેલી સવારે આ સમાચાર અંડરવર્લ્ડમાં ફેલાઇ ગયા ત્યારે તમામ ગેંગના તમામ ગુંડાઓને આંચકો લાગ્યો હતો. આવું બની શકે એની કોઇએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી. અંડરવર્લ્ડની એક ગેંગમાં આઘાતથી સોપો પડી ગયો તો બીજી તમામ ગેંગના આશ્ચર્યની લાગણી ફેલાઇ ગઇ. અને દગડી ચાલમાં ફરી એકવાર તહેવાર જેવું વાતાવરણ સર્જાઇ ગયું.

એ યુવાન નાઇક ગેંગનો લીડર અમર નાઇક હતો અને ધેરી લેનારા શસ્ત્રધારીઓ મુંબઇ પોલીસનાં ઓફિસરો હતા. સીનિઅર ઇન્સ્પેક્ટર અજિત વાઘ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વિજય સાળસકર અને પોલીસ ઓફિસરોએ નાઇક ગેંગના લીડર અમર નાઇકને એન્કાઉન્ટરમાં ઢાળી દીધો એ સમાચાર અંડરવર્લ્ડમાં પહોંચ્યા ત્યારે અંડરવર્લ્ડની તમામ ગેંગમાં આશ્ચર્યની લાગમી ફેલાઇ ગઇ અને નાઇક ગેંગના તમામ સભ્યો હેબતાઇ ગયા.દાદરમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા મારુતિ નાઇકનો દીકરો અમર દોઢ દાયકા સુધી મધ્ય મુંબઇના વેપારીઓને ધ્રુજાવતો રહ્યો હતો. પણ એનો અંત બહુ ખરાબ આવ્યો. અમર નાઇકના કમોતના સમાચાર જાણીને શિવસેનાના સંસદસભ્ય મોહન રાવલે મુંબઇના એન.એમ.જોશી. વિસ્તારમાં નાઇકના ઘરે દોડી ગયા.રાવલે અરુણ ગવળીની જેમ અમર નાઇકના પણ મિત્ર હતા. બીજી બાજુ મુંબઇ પોલીસથી છુપાતી ફરતી અંજલિ નાઇકને પતિના મોત પછી જાહેરમાં આવવાની ફરજ પડી. અમર નાઇકનો મોતથી એન.એમ.જોશી માર્ગ વિસ્તારમા તોફાન ફાટી નીકળશે એવી દહેશતથી મુંબઇ પોલીસ એ વિસ્તારમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ખડકી દીધી. જોકે મુંબઇ પોલીસે ધાર્યુ હતું એવું કંઇ ન બન્યું.

અમર નાઇકના મોત પછી નાઇક ગેંગનો પણ અંત આવી જશે એવી મુંબઇ પોલીસની ધારણા હતી પણ પોલીસની એ ધારણા ખોટી પડી. અમર નાઇકના ભાઇ અશ્વિન નાઇકે અમર નાઇકની ગેંગનું સુકાન સાંભળી લીધું. નાઇક ગેંગના મોટાભાગના ગુંડાઓ અશ્વિન નાઇક ગેંગના નામ હેઠળ ‘કામ’ ચાલુ રાખ્યુ. અમર નાઇકના કમોતથી કળ વળી એ પછી એના ગુંડાઓની આગેવાની લઇને લકવાગ્રસ્ત અને વ્હીલચેર સિવાય ફરી ન શકતા અશ્વિન નાઇક ગેંગ મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસ શરૂ કરી દીધા અને સાથે એણે અરુણ ગવળીને ટક્કર આપવા માટે નવેસરથી તૈયાર પણ આદરી લીધી.

‘ અમર નાઇક એન્કાઉન્ટરમાં માર્યો ગયો એ પછી અરુણ ગવળી ગેંગ અને નાઇક ગેંગ વચ્ચે થોડો સમય મારામારી અને ખૂનખરાબા બંધ રહ્યા, જોકે એ દરમિયાન ગવળી અને દાઉદ ગેંગ વચ્ચે તથા છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચેની લડાઇ ચાલું જ હતી...’ પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડ કથાને વળાંક આપતા કહ્યું, ‘ છોટા રાજને દાઉદ ઇબ્રાહિમ ગેંગના શૂટર્સની ‘વિકેટ’ પાડવાનું ચાલું રાખ્યું હતું. દાઉદ ગેંગમાંથી મેન પાવર અને એ પ્રકારના મેન પાવરને કારણે મની પાવર દિનપ્રતિદિન વધી રહ્યો હતો. મુંબઇમાં સીરિઅલ બોમ્બ બ્લાસ્ટસ પછી છોટા રાજનની સાથે ભાઇ ઠાકુર, સુભાષસિંહ ઠાકુર અને બીજા ખેરખાં ગુંડા સરદારોની સાથે સાધુ શેટ્ટી પણ આવી ગયો હતો. સાધુ શેટ્ટી અને તેનો સાથીદાર મોહન કોટિયન દક્ષિણ ભારતમાં સારુ વર્ચસ્વ ધરાવતા હતા. સાધુ શેટ્ટીને કારણે દાઉદનું વર્ચસ્વ દક્ષિણ ભારતમાં પણ જામવા માંડ્યું હતું પરંતુ છોટા રાજન દાઉદ સાથે છેડો ફાડ્યા પછી સાધુ શેટ્ટીએ પણ દાઉદને છોડી દીધો એટલે દક્ષિણ ભારતમાં એના નેટવર્કનો ફાયદો છોટા રાજન ગેંગને મળવા લાગ્યો.’

‘ પોતાની ગેંગ છોડીને છોટા રાજન સાથે ગયેલા બીજા સીનિઅર ગુંડાઓની જેમ સાધુ પર પણ દાઉદને કાળ ચડ્યો હતો. સાધુ શેટ્ટીને ઠેકાણે પાડવા માટે એણે પોતાના સીનિઅર શૂટરોને કહી રાખ્યું હતું. પણ ઘણા લાંબા સમય સુધી સાધુ શેટ્ટી દાઉદના શૂટરોના હાથમાં આવ્યો નહોતો. મજાની વાત એ હતી કે દાઉદ ગેંગના જે શૂટરોની સાથે મળીને સાધુ શેટ્ટીએ અનેક ‘ઓપરેશન્સ’ પાર પાડ્યા હતા એ શૂટરો જ સાધુ શેટ્ટીને ગોળીએ દેવા માટે શોધી રહ્યા હતા.’

‘ જેમ રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા એ જ રીતે અંડરવર્લ્ડમાં પણ કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા.’ પપ્પુ ટકલાએ નવી ફાઇવફાઇવફાઇવ સળગાવતા કહ્યું, ‘ અંડરવર્લ્ડમાં ક્યારે દોસ્ત દુશ્મન બની જાય અને દુશ્મન દોસ્ત બની જાય એ કહી શકાય નહી. એક તબક્કે અમર નાઇક અને અરુણ ગવળી ભાઇબંધ હતા અને દાઉદની સામે એમની દુશ્મની હતી. પણ પછી અમર નાઇક અને અરુણ ગવળીને વાંકુ પડ્યું એ પછી એ બંને દુશ્મન બની ગયા. એવી જ રીતે એક સમય એવો હતો કે છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે સગાભાઇ કરતા પણ વધુ સારો સંબંધ હતો. દાઉદ પોતાના સગાભાઇઓ કરતા છોટા રાજન પર વધુ વિશ્વાસ મૂકતો હતો. પણ પછી છોટા રાજનને દાઉદ ઇબ્રાહિમ સાથે વાંકુ પડ્યું. ત્યારબાદ છોટા રાજન અને દાઉદ એકબીજાના જાની દુશ્મન બની ગયા.એ પછી છોટા રાજન અને અરુણ ગવળીએ દુશ્મની ભૂલીને દોસ્તી કરી લીધી. આવી રીતે સાધુ શેટ્ટીએ દાઉદ ગેંગને અલવિદા કહીને છોટા રાજન સાથે દોસ્તી કરી સાધુ શેટ્ટીને સાથે શૂટર તરીકે જઇને અનેક માણસોને ખતમ કરનારા શૂટરો ખૂદ સાધુ શેટ્ટીને જ ખતમ કરવાનો મોકો શોધી રહ્યા હતા. અને 1996માં એમને એક સોનેરી તક મળી ગઇ. સાધુ શેટ્ટી મુંબઇ પોલીસના હાથમાં ઝડપાઇ ગયો. એટલે દાઉદ ગેંગના શૂટર્સ ખુશ થઇ ગયા.’ અચાનક મૂડમાં આવેલા ટકલાએ વાત કરવાની સ્ટાઇલ બદલાવી દીધી.

***

‘ભાઈ સાધુ શેટ્ટી કો કલ પુલીસ સેશન્સ કોર્ટમેં લે જાયેગી,’ દાઉદ ઈબ્રાહીમ ગેંગનો એક શૂટર છોટા શકીલને ફોન પર માહિતી આપી રહ્યો હતો.

‘તુમ લોગ સેશન્સ કોર્ટમેં પહુંચ જાના, ટપકા દો સાલેકો,’ છોટા શકીલે ઓર્ડર આપ્યો.

‘ઈસ બાર મામલા થોડા ગજબડવાલા હૈ ભાઈ, ખુદ ડીસીપી ઉનકો લેકર કોર્ટમેં જાયેગા ઔર બાકી કંઈ પોલીસ ઓફિસર ઉસ કમીને કે સાથ રહેંગે,’ શૂટરે છોટા શકીલ સમક્ષ એના મનમાં ઘોળાઈ રહેલી મૂંઝવણ રજૂ કરી.

‘ઈસમે ઘભરાને કી ક્યા બાત હૈ, તુમ ઐસા કરો...’ છોટા શકીલે શૂટરને ફોન પ્લાન સમજાવવા માંડ્યો.

‘ઠીક હૈ ભાઈ, કલ મેં આપકો અચ્છી ખબર દેતા હૂં,’ છોટા શકીલને ખાતરી આપીને શૂટરે વાત પૂરી કરી. એણે તરત જ પોતાના સાથી શૂટર્સ સાથે વાત કરી અને બીજા દિવસ માટે બધી તૈયારીઓ શરૂ કરી દીધી.

(ક્રમશ:)