18.
(ઇવેન્ટના છેલ્લા એટલે કે દસમા દિવસે અખિલેશ સફળતાપૂર્વક ઇવેન્ટની પુર્ણાહુતી કર્યા બાદ, આકાશ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરાયેલ વિનંતિને લીધે અખિલેશ તે લોકો સાથે આલિશાન પબમાં જાય છે, ત્યાં જઈ બધાં સેલિબ્રેશન કરે છે, પછી અખિલેશનાં ખિસ્સામાંથી જ્યારે મોબાઈલ નીચે પડે છે, ત્યારે તેણે શ્રેયાને 6 વાગ્યે મળવાની પ્રોમિસ આપેલ હતી તે યાદ આવે છે, આથી અખિલેશ બેબાકળો થઈને તે બગીચા તરફ દોડવા લાગે છે, પરંતુ તેના હાથ માત્ર નિરાશા અને હતાશા જ લાગે છે, શ્રેયા તો જતી રહી હોય છે, આથી અખિલેશ દુ:ખી થઈને હોટલે પરત ફરે છે, અને વિચારતાં -વિચારતાં સુઈ જાય છે…)
સમય - સવારનાં 8 કલાક.
સ્થળ - ધ સન સીટી હોટલ.
અખિલેશ આજે કઈ ખાસ કામ ન હોવાથી સવારે 8 વાગ્યે જાગ્યો, અખિલેશ આજે સુસ્તી જેવું ફિલ કરી રહ્યો હતો, તેને આજે મૂડ સારો ના હોય તેવું લાગી રહ્યું હતું, ગઈકાલે સૂતાં પછી પણ અખિલેશને શ્રેયા વિશે વિચારો આવતાં ઝબકીને બે - ત્રણ વખત જાગી ગયો હતો, અખિલેશને આજે પોતાના રૂમની બહાર નીકળવાની પણ જરાય ઈચ્છા થતી ન હતી, પરંતુ પોતાના મનમાં રહેલા અનેક પ્રશ્નોનો જવાબ આજે જ મેળવવાના હોવાથી અખિલેશે પોતાનું મન મક્કમ કરીને ઉભો થયો અને ફ્રેશ થવા માટે ગયો, થોડીવારમાં અખિલેશ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો, અને પોતાના રૂમ પર જ ચા - નાસ્તો મંગાવી લીધો, ચા-નાસ્તો કર્યા બાદ અખિલેશ પોતાના મનમાં રહેલા અનેક પ્રશ્નોના જવાબ શોધવાની એક રહસ્યમય સફરમાં નીકળી પડે છે.
અખિલેશે અગાવ દીક્ષિતને કોલ કરીને ઊટીમાં એક દિવસ વધુ રોકવા માટેની પરમિશન મેળવેલી હતી, જેથી તેને નોકરી કે જોબ બાબતે કોઈ ચિંતા હતી નહીં, ત્યારબાદ અખિલેશ શ્રેયા જે હોટલમાં રહેતી હતી કે દરરોજ જે હોટલ તરફ જતી હતી તે હોટલે ગયો, ત્યાં હોટલની બહાર સિલ્વર સેન્ડ હોટલ એવું બોર્ડ દેખાયું, ત્યારબાદ અખિલેશ સિલ્વર સેન્ડ હોટલમાં પ્રવેશે છે અને રિસેપનીસ્ટને પૂછે છે…!
"એક્સકયુઝમી !..."
"યસ ! સર ! હાઉ કેન આઈ હેલ્પ યુ….?" - સામે એકદમ મીઠાસ ભરેલા અવાજમાં ઉભેલ લેડી રીસેપનીસ્ટે પૂછ્યું.જેની નેમ પ્લેટ પર સાક્ષી એવું લખેલ હતું.
"આઈ વોન્ટ સમ ઈન્ફોર્મેશન રિગાર્ડિંગ ટુ માય ફ્રેન્ડ, વુ સ્ટે હિયર.." - અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો.
"ઓકે ! સર ! ટેલ મી હર નેમ…!" - સાક્ષી બોલી.
"હર સ્વીટ નેમ ઇસ શ્રેયા…!" - અખિલેશ શ્રેયાને યાદ કરતાં બોલ્યો.
સાક્ષીએ પાંચ - દસ મિનિટ હોટલનું એન્ટ્રીવાળું રજીસ્ટર ફંગોળ્યું, રજીસ્ટર ફંગોળયા બાદ સાક્ષી પોતાના વાળ સરખા કરતાં - કરતાં બોલી.
"સોરી ! સર ! આ નામની છેલ્લા બે અઠવાડિયામાં અમારા રજીસ્ટરમાં કોઈ જ એન્ટ્રી બોલતી નથી…!" - સાક્ષીએ કહ્યું.
"હાઉ ધેટ ઇઝ પોસીબલ..! એ શક્ય જ નથી...તમે રજીસ્ટર હજી એકવાર સરખું ચેક કરો તેમાં મારી શ્રેયાનું નામ હશે જ તે…!" - અખિલેશ બેબાકળો થતાં બોલ્યો.
ત્યારબાદ સાક્ષીએ ફરી એકવાર રજીસ્ટર ચેક કર્યું, પંદરેક મિનિટ રજીસ્ટર ચેક કર્યા બાદ સાક્ષી બોલી.
"આઈ ! રિયલી ! સોરી સર ! બટ આ નામની કોઈ જ એન્ટ્રી ખરેખર નથી બોલતી.
આ સાંભળી જાણે અખિલેશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, જાણે એક વીજળીનો કરંટ અખિલેશનાં શરીરમાંથી ઝટકા સાથે પસાર થઈ ગયો હોય તેવું અખિલેશે અનુભવ્યું, પોતાનું મન સાક્ષીએ આપેલ જવાબ માનવા તૈયાર નહોતું થઈ રહ્યું, આથી પોતે પણ એ એન્ટ્રી માટેનું રજીસ્ટર એકવખત ચેક કર્યું, છતાંપણ અખિલેશનાં હાથે માત્ર નિરાશા જ લાગી, તે રજીસ્ટરમાં ખરેખર શ્રેયા એવું નામ હતું જ નહીં.
ત્યારબાદ અખિલેશ સાક્ષીનો આભાર માનીને હોટલનાં દાદરા ઉતારવા લાગે છે, અખિલેશ પોતાનાં મનમાં રહેલા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે હોટલે ગયો હતો, એના બદલે પ્રશ્નો ઉલ્ટાના વધી રહ્યાં હતાં. એવામાં અખિલેશનાં કાને એક અવાજ સંભળાયો, જે અવાજ સાક્ષીનો હતો.
"સર ! શ્રેયા ખરેખર કોણ છે..? કેવી હશે…? એ બાબતની મને જાણ નથી પરંતુ જેવી પણ હશે...પણ હશે ખુશ નસીબ…?" - સાક્ષી હોટલનાં દાદરા પાસે આવીને બોલી.
"તમારી વાત મને કંઈ સમજાય નહીં…!" - અખિલેશ બોલ્યો.
"સાહેબ ! હું એમ કહેવા માગું છું કે શ્રેયા ખરેખર નસીબદાર હશે...કારણ કે તમે તને ખુબ જ પ્રેમ કરો છો…?" - સાક્ષી તેના મધુર અવાજમાં બોલી.
" હા ! પરંતુ તને એ બાબતનો કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું શ્રેયાને ખુબ જ પ્રેમ કરું છું…?" - અખિલેશે નવાઇ સાથે સાક્ષીને પૂછ્યું.
"સાહેબ ! તમે જ્યારે પેલા રજીસ્ટરમાં શ્રેયાનું નામ શોધી રહ્યાં હતાં, ત્યારે મેં તમારી બેચેની અને તમારી આંખોમાં શ્રેયા પ્રત્યેનો પ્રેમ જોઈ લીધો હતો….અને જ્યારે તમને શ્રેયાનું નામ રજીસ્ટરમાં ના મળ્યું ત્યારે મેં તમારા ચહેરા પર વ્યાપેલ ઉદાસી પણ જોઈ...આથી મને ખ્યાલ આવી ગયો કે તમે શ્રેયાને ખૂબ જ પ્રેમ કરતાં હશો…"! - સાક્ષી પોતાનાં વિચાર જણાવતાં બોલી.
"હા ! પણ...તને આ બધી બાબત કેવી રીતે સમજાય ગઈ…" - અખિલેશ વધુને વધુ મૂંઝાતા બોલ્યો.
"સાહેબ ! હું પણ ! એક સ્ત્રી જ છું, દુનિયામાં રહેલ દરેક સ્ત્રી પોતાને જે વ્યક્તિ પ્રેમ કરતો હોય તેની આંખોમાં આવો પ્રેમ જોવા માટે અને પોતાની પ્રેત્યે આવી બેચેની જોવા માટે ઉત્સુક હોય છે…..શ્રેયા ખરેખર નસીબદાર છે..!" - સાક્ષી અખિલેશને સમજાવતાં બોલી.
ત્યારબાદ અખિલેશ સાક્ષીને પોતાની સાથે ગઈકાલે સાંજે જે કંઈ પણ ઘટના બની હતી, તેના વિશે વિગતવાર જણાવે છે, આ સાંભળી સાક્ષીની આંખોમાં પણ પાણી આવી જાય છે, તેને એકબાજુ અખિલેશ પર શ્રેયાને છેલ્લી વાર મળવાં જવાનું હતું તે દિવસે દારૂ પીવાં બેસી ગયો હતો તે સાંભળીને ગુસ્સાની લાગણી આવી રહી હતી, અને બીજી બાજુ શ્રેયા પ્રત્યેનો આટલો બધો પ્રેમ જોઈને દયા પણ આવી રહી હતી.
"સાહેબ ! ચિંતા ના કરો….તમારો પ્રેમ જો સાચો હશે...તો પછી તમને શ્રેયાનો પ્રેમ મળશે જ એ સો ટકા સનાતન સત્ય છે, પછી ભલે તમે દુનિયાનાં કોઈપણ ખૂણે કેમ ના હોય…?" - સાક્ષીએ અખિલેશને હિંમત આપતાં કહ્યું.
"સાહેબ ! તમારી પાસે હાલમાં શ્રેયાનો કોઈ ફોટો છે….?"- સાક્ષીએ મદદ કરવાના ઈરાદે અખિલેશને પૂછ્યું.
"હા ! ગઈકાલે સાંજે હું શ્રેયાને મળવા બગીચે ગયો હતો, ત્યાં મને શ્રેયા ન મળી હોવાનાં દુઃખને લીધે, હું અને શ્રેયા બગીચાના જે બાંકડા પર બેસતાં હતાં, એ બાંકડા સામે ગોઠણિયા વાળીને બેઠો, ત્યારે મારું ધ્યાન બાંકડાની નીચે ગયું, બાંકડાની પાછળના ભાગે નીચે શ્રેયાનું પર્સ પડેલું હતું, તેમાં શ્રેયાનો બે ફોટા મને મળ્યાં હતાં..!" - અખિલેશ ગઇકાલની ઘટના યાદ કરતાં-કરતાં બોલ્યો.
"સાહેબ ! જો તમને વાંધો ના હોય તો મને શ્રેયાનો એક ફોટો આપશો….?...તો હું તમને મારીથી બનતી શક્ય હશે તેટલી મદદ કરીશ...અથવા ભવિષ્યમાં પણ જ્યારે મને શ્રેયા વિશે માહિતી મળે કે ફરી ક્યાંક મને શ્રેયા મળે તો હું તમને તેની જાણકારી સાચી અને સારી રીતે આપી શકુ..!" - સાક્ષીએ અખિલેશને મદદ કરવાના ઈરાદા સાથે પૂછ્યું.
"હા ! ચોક્કસ..!" - અખિલેશ પોતાની પાસે રહેલા શ્રેયાના બે ફોટામાંથી એક ફોટો સાક્ષીને આપતાં બોલ્યો.
"ઓકે ! સર..મને કોઈ માહિતી મળશે તો હું તમને ચોક્કસથી જાણ કરીશ." - સાક્ષી બોલી.
"થેન્ક યુ વેરી મચ...સાક્ષી…!" - ત્યારબાદ અખિલેશ સાક્ષીને પોતાનું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ લખાવે છે, અને સાથો - સાથ ડિજિટેક સોફ્ટવેર કંપનીનું વિઝીટિંગ કાર્ડ પણ આપે છે, અને ત્યારબાદ સિલ્વર સેન્ડ હોટલમાંથી બહાર નીકળીને ફરી પાછો પોતાના મનમાં રહેલા પ્રશ્નોનો જવાબ મેળવવા નીકળી પડે છે.
ત્યારબાદ અખિલેશ ડ્રાઇવર હનીફને કોલ કરે છે, અને પૂછે છે કે.
"હેલો ! હનીફ…!"
"હા ! સર ! ગુડ મોર્નિંગ…!"
"ગુડ મોર્નિંગ….હનીફ…" - પોતાની મોર્નિંગ ગુડ ન હોવા છતાંય અખિલેશે હનીફને ગુડ મોર્નિંગ વિશ કરી.
"હા ! સાહેબ ! બોલો..!"
"હનીફ ! મારે તારી મદદની જરૂર છે…!"
"હા ! બોલોને સાહેબ...તમારે મારી જેવા મામુલી ડ્રાઇવરની મદદની એકાએક શું જરૂર આવી પડી….?" - હનીફ અચરજ પામતાં બોલ્યો.
"તું ! અત્યારે પહેલા ધ સીટી પેલેસ હોટલ પર આવ...પછી હું તને બધું જણાવીશ…!" - અખિલેશે હનીફને વિનંતિ સાથે ઓર્ડર કર્યો.
ત્યારબાદ અખિલેશ સિલ્વર સેન્ડ હોટલથી ધ સીટી પેલેસ હોટલ તરફ પોતાના પગલાં ઉપડવા માંડ્યો, અને થોડીવારમાં ધ સીટી પેલેસ હોટલની બહાર ઉભા રહીને હનીફ આવે તેની રાહ જોવા લાગ્યો, થોડીવારમાં હનીફ પણ પોતાની ઇનોવા કાર લઈને ધ સીટી પેલેસ હોટલે આવી પહોંચ્યો.
અખિલેશ ઇનોવા કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં રહેલ સીટ પર બેસી જાય છે…અને હનીફને કહે છે કે..
"હનીફ ! હું આજે આખો દિવસ ફ્રિ જ છું...હું તને આજે ઊટીમાં જે જે જગ્યાનાં નામ જણાવું તે જગ્યાએ મને લઈ જઈશ…" - અખિલેશ જાણે હનીફને પોતાનું દુઃખ જણાવવા માંગતો ન હોય તેવી રીતે કહ્યું.
"હા ! સાહેબ ! ચોક્કસ...તમે બસ માત્ર જગ્યાનાં નામ જણાવો.." - હનીફ કાર ગેરમાં નાખતાં- નાખતાં બોલ્યો.
ત્યારબાદ અખિલેશ હનીફને પોતે અને શ્રેયા ઊટીમાં જે - જે જગ્યાએ ફરવા ગયેલા હતાં એ સ્થળે એટલે કે ઊટી ટ્રેન, ધ બોટેનિકલ ગાર્ડન ઓફ ઊટી, ધ ટાઇગર હિલ ઓફ ઊટી વગેરે...સ્થળોએ અખિલશ કદાચ શ્રેયા તેને ક્યાંક ભેગી થઈ જશે…..અથવા મળી જશે એવા એકમાત્ર વિચારથી આખો દિવસ આ બધા જ સ્થળોએ ફર્યો, અને અંતે તો અખિલેશને માત્ર નિરાશા જ મળી, આખો દિવસ શ્રેયાને શોધવામાં જ સાંજના 6 વાગી ચૂક્યાં હતાં, અખિલેશ શ્રેયાને શોધવામાં એટલી હદે ભાન ભૂલી ગયો હતો કે તે બપોરે જમવાનું પણ ભૂલી ગયો કે યાદ ના આવ્યું.
ત્યારબાદ બધી જ જગ્યાએ ફરી લીધા બાદ અખિલેશ ઉદાસી ભર્યા અવાજમાં હનીફને કહ્યું કે
"હનીફ ! હવે મને પાછો ધ સીટી પેલેસ હોટલ પર ડ્રોપ કરી જા…!"
"ઓકે ! સાહેબ…!" - હનીફ પોતાની કાર ચાલુ કરતાં- કરતાં બોલ્યો.
એકાદ કલાકમાં અખિલેશ ધ સીટી પેલેસ હોટલ પર આવી પહોંચે છે...કારમાંથી ઉતરી અખિલેશ હનીફને કહે છે કે
"હનીફ ! થેન્ક યુ વેરી મચ…"
"અરે...સાહેબ ! એમાં તમારે મને થેન્ક યુ થોડી કહેવાનું હોય...આ તો મારી ડ્યુટી છે...છતાંપણ તમારે મારું કાંઈ કામકાજ હોય તો મારો નંબર તો છે જ તે તમારી પાસે અડધી રાત્રે કોલ કરશો તો પણ હું તમારી મદદ કરીશ…!" - હનીફ ભાવુક થતાં બોલ્યો.
ત્યારબાદ હનીફ પોતાની કારનો વળાંક વાળીને પોતાના ઘરે જવા માટે નીકળે છે, અને આ બાજુ અખિલેશ પોતાની હાર માનીને હથિયાર મૂકી દે છે….તેણે મનમાં વિચારી લીધું હતું કે હવે શ્રેયા ફરી ક્યારેય પોતાને મળશે નહીં…..શ્રેયા જાણે અખિલેશ માટે ભર ઊંઘમાં જોયેલ એક મીઠું સપનું હોય એવું માની બેસે છે.
અખિલેશ ત્યારબાદ પોતાના રૂમમાં જઈને પોતાનો સમાન પેક કરે છે, પોતાની જમવાની જરાપણ ઈચ્છા ન હોવા છતાં-પણ અખિલેશ હોટલના રેસ્ટોરન્ટમાં જાય છે, અને કહેવા પૂરતું થોડુંક જમી લે છે, અને રાતે 1વાગ્યે હોટલની જ કાર દ્વારા કોઈમ્બતુર જવા માટે રવાના થાય છે, અખિલેશ કોઈમ્બતુર એરપોર્ટથી રાતે 2:45 વાગે મુંબઈ જવા માટે રવાનાં થવાનો હતો.
અખિલેશ પોતે મુંબઈ આવવા માટે ધ સીટી પેલેસ હોટલમાંથી ચેક આઉટ કરીને કોઈમ્બતુર એરપોર્ટ તરફ જવા માટે નીકળી ગયો છે, એ બાબતની જાણ અખિલેશે દીક્ષિતને કોલ કરીને કરી દીધી.
અખિલેશ જ્યારે ઊટી આવ્યો ત્યારે તે સમયે ઊટી શહેર અખિલેશ માટે એકદમ અજાણ્યું જ હતું, પરંતુ ઊટી આવ્યાં પછી અખિલેશને એવું લાગ્યું કે આ શહેર સાથે તેનો કોઈ વર્ષો જૂનો સબંધ હોય, હાલમાં અખિલેશ ઊટી શહેર તો છોડી રહ્યો હતો, પરંતુ પોતાની સાથે ઊટીની ઘણી સોનેરી યાદો, શ્રેયા સાથે વિતાવેલા એક-એક પળ, મેગા-ઈ સોફ્ટવેરની સફળતાનો આનંદ લઈને નીકળ્યો હતો, તો બીજી બાજુ શ્રેયાને કદાચ કાયમી માટે ગુમાવી દીધાનું દુઃખ, શ્રેયાને છેલ્લા દિવસે ખુબ જ શોધવા છતાંપણ ન મળવાની હતાશા, સાથે સાથે વણઉકેલ્યા રહસ્યો પણ લઈને પાછો મુંબઈ ફરી રહ્યો હતો.
ત્યારબાદ અખિલેશ રાત્રીના 3 કલાકે કોઈમ્બતુર એરપોર્ટ પર પહોંચી જાય છે, અને પોતાની ફલાઇટ આવે તેની વેઇટિંગ રૂમમાં બેસીને રાહ જોવા લાગે છે, થોડીવારમાં અખિલેશની ફલાઇટ આવે છે, અને અખિલેશ પોતાની સીટ પર બેસી જાય છે...અને દર્દ ભરેલી ગઝલો સાંભળવા લાગે છે, આ દર્દ ભેરલી ગઝલો સાંભળીને અખિલેશને એવું લાગી રહ્યું હતું કે જાણે આ બધી ગઝલો માત્રને માત્ર તેના માટે જ લખાયેલ હોય. આ દર્દ ભરેલી ગઝલોમાં અખિલેશ એવો ખોવાઇ ગયો કે તેને ઊંઘ ક્યારે આવી ગઈ એ પણ યાદ ના રહ્યું.
શ્રેયા ફરી પોતાને મળશે કે કેમ ? શ્રેયા જે હોટલમાં દરરોજ અખિલેશને મળીને જતી હતી, તે હોટલના રજીસ્ટરમાં શ્રેયાનું નામ કેમ નહીં બોલતું હોય…? આ પાછળ કોઈ રહસ્ય તો નહીં હશે ને…? શું શ્રેયાએ અખિલેશને પોતાનું નામ ખોટું જણાવ્યું હશે….? શું સાક્ષી અખિલેશ સાથે ખોટું બોલી હશે…? આ બધા પ્રશ્નોના જવાબ અખિલેશને મળશે કે પછી એ કોઈ નવો જ વળાંક લઈને આવશે...કે પછી અખિલેશનાં નસીબમાં વિધાતાએ કંઈક અલગ જ લખ્યું હશે….આ બધાં જ પ્રશ્નોનો જવાબો હાલ તો અખિલેશ પાસે ન હતાં, કદાચ તેને આવનાર ભવિષ્ય કે સમયમાંથી આ બધા પ્રશ્નો કે રહસ્યોના જવાબ મળી રહેશે કે નહીં...એતો આવનાર સમય જ જણાવશે.
ક્રમશ :
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.
મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com