પ્રેમ કે પ્રતિશોધ-37
(આગળના ભાગમાં જોયું કે વિનય કોઈ જગ્યાએ બાંધેલી અવસ્થામાં હતો જ્યાં એક અપરિચિત વ્યક્તિ તેની દેખરેખ રાખી રહ્યો હતો. જ્યારે રાધી ઘરે વિનયની યાદોમાં ખોવાઈ જાય છે અને એને કોલેજના પ્રથમ દિવસો યાદ આવે છે.)
હવે આગળ....
વિનયના શરમાળ સ્વભાવને કારણે તે વધારે કોઈ જોડે વાત કરતો નહીં પણ રાધીને તો બાળપણથી વિનયનો આ સ્વભાવ જ આકર્ષિત કરતો હતો. થોડા દિવસો બાદ તો દિવ્યા અને શિવાની સાથે પણ રાધીની સારી એવી ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી અને બીજી બાજુ વિનયને પણ અજય, પ્રેમ, સુનિલ તેમજ નિખિલ સાથે સારું બનતું હતું. આમ જ કોઈને કોઈ ફંક્શન કે કોલેજની ઇવેન્ટના કારણે આ લોકો વધારે ને વધારે નજીક આવતાં ગયા અને ઓટોમેટિકલી એક નાનકડું ફ્રેન્ડ સર્કલ તૈયાર થઈ ગયું.
રાધી વિનયને પસંદ તો પહેલાંથી જ કરતી હતી પણ એના મનમાં પણ પેલી દુવિધા હતી ‘બેસ્ટ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ' વાળી, આમ જ જેમ કોલેજના દિવસો પસાર થતા ગયા તેમ તેમ તે તમામ લોકોની ફ્રેન્ડશીપ વધારે ગાઢ બનતી ગઈ.
અને પ્રથમ વર્ષમાં જ વેલેન્ટાઈન દિવસે પ્રેમે રાધીને પ્રપોઝ કરી પણ રાધીએ તેને જવાબમાં એક તમાચા સાથે સ્પષ્ટ ના પાડી. પ્રેમ તો પછી કોલેજ છોડીને ગયો ત્યારબાદ પણ થોડા સમય માટે તો કોઈ છોકરાએ રાધી જોડે વાત કરવાની હિંમત જ ન કરી. અને વિનયને તો એ જ વાતની બીક હતી કે તે રાધીને પ્રપોઝ કરે અને એવું પણ બને કે મિત્રતા પણ ગુમાવવી પડે.
અજયની બર્થડે પાર્ટીમાં સાંજે લગભગ બધા મિત્રો હાજર હતા. પાર્ટી હોઈ અને એ પણ ફ્રેન્ડ્સ સાથે એટલે દિવ્યા, રાધી, શિવાની અને બીજી કેટલીક ગર્લ્સ તો એક-બીજાથી સુંદર દેખાવવાની સ્પર્ધામાં ઉતરી હોઈ એમ તૈયાર થઈને આવી હતી. રાધી પાર્ટીમાં તો હતી પણ એ થોડી થોડી વારે મુખ્ય દરવાજા બાજુ દ્રષ્ટિ કરતી, જાણે કે કોઈના આગમનની રાહ જોઈ રહી હોય.
દિવ્યાએ હાથમાં કોલ્ડ ડ્રિન્કનો ગ્લાસ લઈ રાધી પાસે જઈને એને હાથમાં ગ્લાસ થમાવતાં કહ્યું,“ફોન કરી લે ને?"
રાધીએ જવાબમાં કહ્યું,“શું કહે છે. કોને ફોન કરું?"
“ઓ મેડમ, મને બનાવવાની જરૂર નહીં, મને ખબર છે કે તું વિનયની આતુરતાથી રાહ જુવે છે."
“એવું કંઈ જ નહીં, આતો ખાલી.."
રાધી આગળ કઈ બોલે એ પહેલાં દિવ્યાએ ઉત્સુકતાથી કહ્યું,“ જુવો આવી ગયા તમારા...."
“બસ હો હવે, મને એમ લાગે કે તું થોડું વધારે જ વિચારે છે."
આમ વાત કરતાં કરતાં બંનેએ વિનયને મેઈન ડોરથી અંદર પ્રવેશતાં જોયો...
વિનય અંદર પ્રવેશ્યો એટલે બધા તેને આશ્ચર્ય પુર્વક નિહાળી રહ્યા હતા. અને એનું કારણ હતું કે આ મોડર્ન પાર્ટીમાં વિનયનો પહેરવેશ...., સમાન્યતઃ છોકરા કે છોકરીઓ જે અત્યારે સ્ટાઈલિશ કપડાં પહેરે તેવો નહીં, પણ સીધો-સાદો અને સિમ્પલ..સિમ્પલ હેરસ્ટાઈલ, પગમાં સૂઝ નહીં પણ ચપ્પલ, કપડાં પણ પ્લેન વાઈટ શર્ટ અને જિન્સનું પેન્ટ.. અને બધા એને જોઈને જે એક્સપ્રેશન આપતાં તેનાથી વિનય જરા પણ ફરક ન પડતો...
“અજય હવે કેક કટ કરીએ, તમારા પરમ મિત્ર પણ સરસ હીરો જેવા લૂકમાં આવ્યા છે."નિખિલે અજયની બાજુમાં જઈને વિનય સામે જોતા કહ્યું.
વિનયે નિખિલની વાત સાંભળીને નજીક જઈ અત્યંત ધીમા સ્વરે જવાબ આપ્યો,“ જો ભાઈ મને છે ને આ ફેશન-બેશનમાં રસ નહીં, આપણે જેવા છીએ એવા જ રહેવાના અને દુનિયા સામે ખોટા દેખાવ કરતા મને નહીં આવડતો..."
ત્યાં તો રાધી,દિવ્યા અને શિવાની પણ વિનય અને નિખિલ ઉભા હતા ત્યાં આવ્યા, શિવાનીએ કહ્યું,“ વિનય યાર, પાર્ટીમાં તો કમ સે કમ કઈક ઢંગથી તૈયાર થઈને...."
“તો હું તૈયાર થઈને નથી આવ્યો?"વિનયે પ્રશ્નાર્થ નજરે શિવાની સામે જોતાં કહ્યું.
દિવ્યાએ વ્યંગ કરતાં કહ્યું,“છોડને શિવાની, તારા કહેવાથી વિનયને જરા પણ ફરક નહીં પડે, હા રાધી કહે તો હજી...."
“ઓ હેલ્લો, હું શું કામ એને કઈ કહું અને એ શું કામ મારી વાત માનવાનો...અને હા મારે કઈ કહેવું પણ નથી. તને તો બસ એક મોકો જોઈએ બોલવાનો.."રાધીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું.
“છોડો એ બધું કેક કટ કરવાનો સમય થઈ ગયો છે."શિવાનીએ બંનેને ઉદ્દેશીને કહ્યું.
કેક કટિંગ, ડાન્સ, ગેમ્સ એમ કરતાં લગભગ મધ્યરાત્રી સુધી પાર્ટી ચાલી, અને મોડી રાત્રે બધા મિત્રો પોત-પોતાના ઘરે જવા છુટા પડ્યા.
“ચલો, બાય રાધી, કાલે કોલેજે મળીએ..."દિવ્યા અને શિવાની બંનેએ એકસાથે કહ્યું.
“બાય, કાલે કોલેજે મળીએ..." આટલું કહી રાધી પણ પોતાના સ્કુટર તરફ આગળ વધી. વિનયને પોતાની બાજુ આવતો જોઈ થોડીક્ષણ ત્યાં જ ઉભી રહી.
“ક્યાં નિખિલ, તમે બંને સાથે જ જવાના હતા ને?"વિનયને એકલો આવતો જોઈ રાધીએ પૂછ્યું.
“એક્ચ્યુલી, એને થોડું કામ હતું એટલે એ મારી બાઈક લઈને નીકળી ગયો, અને મને કહ્યું કે થોડીવારમાં આવશે મને પિક કરવા..."
રાધીએ કહ્યું,“જો તને કઈ પ્રોબ્લેમ ન હોઈ તો મારી સાથે આવી શકે છે, હું તને ડ્રોપ કરી..."
વિનયને તો જાણે ભાવતું હતું ને વૈદે બતાવ્યું એવી સ્થિતિ થઈ, છતાં તેણે માથું ખંજવાળતા કહ્યું,“તારાથી ચાલશે...?"
“ઓ હેલ્લો, મને આવડે છે હો.. વધારે નખરા કરવાની જરૂર નહીં...ચાલ બેસ..."
થોડું આગળ વધ્યા હશે ત્યાં વિનયે વ્યંગ કરતાં કહ્યું,“ તને એકલા જવામાં ડર લાગતો હતો, એટલે મને સાથે લીધો છે ને?"
“તારી ફાલતુ વાતનો જવાબ આપવાનો મારી પાસે સમય નથી"રાધીએ કહ્યું.
“હમ્મ, હશે બીજું શું હું તો ફાલતુ જ વાતો કરું છું..."
“હા તો એમ જ, આમ પણ મેં તને કયારેય કોઈ સિરિયસ વાત કરતાં જોયો જ નથી..."
“અને લગભગ તો જોઈશ પણ નહીં.., તારી જેમ મને વાત વાતમાં મોઢું બગડતા નહીં આવડતું..."
આમ જ વાત વાતમાં જ વિનયના ઘરની નજીક પહોંચી ગયા. રાધીએ સ્કુટરની બ્રેક મારી એટલે વિનયે કહ્યું,“કેમ શુ થયું?"
“તમારું ઘર આવી ગયું જનાબ..., ક્યાં ખોવાયેલા હોઈ.."
“હમ્મ, ચલ કાલે કોલેજે મળશું ત્યારે કહીશ ક્યાં ખોવાયેલો હતો.. નહીં ખોવાયેલો છું."
“તારી આ પહેલી જેવી વાતો મારા મગજમાં તો બેસવાની જ નથી..."
વિનયે ઘર તરફ આગળ ચાલતાં કહ્યું,“મગજમાં ન બેસે તો કઈ નહીં પણ...."
રાધી કદાચ વિનયની વાતનો મર્મ તો સમજી કેમ કે બંને ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા પણ રાધીએ જાણતી હતી છતાં કઈ સમજાયું ન હોઈ એ રીતે પૂછ્યું,“ કઈ સમજાયું નહીં.. આગળ કઈક બોલ તો..."
પણ વિનય કઈ બોલ્યા વગર જ ઘરના દરવાજા અંદર પ્રવેશ્યો.
વિનયના જતા રાધીએ પણ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. અને રસ્તામાં વિચારતી જતી કે વિનય શુ કહેવા માંગતો હતો. ખાલી હસી-મજાકમાં જ કહેતો હતો કે પછી....
(ક્રમશઃ)