વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 85
ચાર દિવસ પછી પપ્પુ ટકલાએ અમને ફરીવાર મળવા બોલાવ્યા. આ વખતે પોલીસ ઓફિસર ફ્રેન્ડ અમારી સાથે હતા. વધુ એકવાર અમે પોલીસ ઓફિસર મિત્ર સાથે પપ્પુ ટકલાના ઘરે પહોંચ્યા ત્યારે પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીની બોટલ ખોલીને ડ્રિન્ક લેવાની શરૂઆત કરી દીધી હતી. અમે એના ઘરે પહોંચ્યા ત્યારે રાતના દસ વાગ્યા હતા અને પપ્પુ ટકલાનો પહેલો પેગ પૂરો થવાની તૈયારીમાં હતો. એની સામે એશ-ટ્રેમાં ફાઈવફાઈવફાઈવના બે ઠૂંઠા પડ્યા હતા અને અડધી સળગેલી ત્રીજી ફાઈવફાઈવફાઈવ પણ એના હાથમાં હતી. ઔપચારિક વાતો થયા પછી પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડ કથાનો દોર સાધતા એની ટેવ પ્રમાણે પૂછી લીધું હતું કે ‘આપણે ક્યા પહોંચ્યા હતા?’ અને એ પછી એની આદત પ્રમાણે એણે અમારો જવાબ સાંભળ્યા વિના જ વાત શરૂ કરી દીધી હતી, ‘મુંબઈ પોલીસે એન્કાઉન્ટરમાં ગુંડાઓને ખતમ કરવાનો આઈડિયા શિકાગો પોલીસના ‘ઓપરેશન્સ’માંથી લીધો હતો. અંડરવર્લ્ડ અને પંજાબના ત્રાસવાદીઓ જેમનો ખોફ અનુભવી ચૂક્યા છે એ ભૂતપૂર્વ પોલીસ ચીફ જુલિયો રિબેરો મુંબઇના પોલીસ કમિશનર બન્યા ત્યારથી એન્કાઉન્ટરનો સિલસિલો શરૂ થયો હતો. શિકાગોમાં ગુનાખોરી કાબૂમાં લેવા માટે શિકાગો પોલીસે ગુંડાઓને ગોળીએ દેવાનું શરૂ કર્યું હતું. શિકાગો પોલીસની જેમ સ્વબચાવમાં ગુંડાઓને શૂટ કરી દેવાનું મુંબઈ પોલીસે શરૂ કર્યું. જોકે મુંબઇમાં એન્કાઉન્ટરનો સિલસિલો શરૂ થયા પછી પણ મુબઈમાં અંડરવર્લ્ડ વિકસતું જ રહ્યું હતું..’
‘મુંબઈમાં છસોથી વધુ ગુંડાઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી પણ નવા શૂટર્સ ઊભા થતા જ રહ્યા હતા. મુંબઈ પોલીસનો મૂળ હેતુ તો એન્કાઉન્ટરમાં ગુંડાઓને ખતમ કરીને લાંબી કાનૂની પ્રક્રિયાથી છૂટકારો મેળવવાનો હતો. ગુંડાઓ ગુનો કરીને પકડાઈ જાય ત્યારે પોલીસ એમને કોર્ટમાં રજૂ કરે એ વખતે વકીલોને તગડી ફી આપીને ગુંડાઓ જામીન પર છૂટી જાય એથી સાચા પોલીસ ઓફિસર્સ ભારે હતાશ થઇ જતા હતા. પણ એન્કાઉન્ટર શરૂ થયા પછી મુંબઈ પોલીસે જુદા પ્રકારની કાનૂની લડાઈનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા જતા ગુંડાઓનાં સગાંવહાલાંઓએ મુંબઈ પોલીસને કોર્ટમાં ઘસડીને ‘ન્યાય’ માગવાનું શરૂ કર્યુ એથી મુંબઈ પોલીસ માટે વધુ એક માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. જો કે મુંબઈ પોલીસ એવા કેસીસને ગાંઠતી નહોતી. મુંબઈ પોલીસના એન્કાઉન્ટર્સ નકલી હોવાનો સૌથી મોટો વિવાદ 1992માં થયો હતો. મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) આફતાબ અહમદ ખાને લોખંડવાલા કોમ્પ્લેક્સમાં માયા ડોળસ સહિત છ ગુંડાઓને એન્કાઉન્ટરમાં શૂટ કરી દીધા પછી એ એન્કાઉન્ટરને પડકારતી ફરિયાદ કોર્ટમાં થઇ હતી. એ પછી 1997માં મુંબઈ પોલીસે અબુ સાયમા નામના ને પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો એ પછી મુંબઈ પોલીસ સામે કોર્ટમાં એવી અરજી થઈ હતી મુંબઈ પોલીસે અબુ સાયમા નામના ગુંડાને નહી પણ જાવેદ ફાવડા નામના ફેરિયાને ખતમ કરી નાખ્યો છે.’
‘મુંબઈ પોલીસના એન્કાઉન્ટર્સ ત્રણ પ્રકારના રહ્યા છે,’ પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો ઘૂંટડો ગળા નીચે ઉતારતાં કહ્યું, ‘જો કે આપણા પોલીસ ઓફિસર મિત્ર આ વાત સાથે સહમત નહીં થાય, પણ મુંબઈ પોલીસ ત્રણ પ્રકારના એન્કાઉન્ટર્સ કરે છે. કેટલાક એન્કાઉન્ટર્સ પૂર્વ આયોજિત રહેતા અને કેટલાક એન્કાઉન્ટરમાં ગુંડાઓને પકડવા ગયેલા પોલીસ ઓફિસર્સ ગુંડાઓને ગોળીએ દઈ દેતી હતી. . દરેક એન્કાઉન્ટર વખતે આ એક જ પ્રકારની ન્યૂઝ આઇટમ્સ અખબારોમાં જોવા મળતી હતી, પણ આ સિવાય બે પ્રકારના એન્કાઉન્ટર્સ થાય છે. બીજા પ્રકારના એન્કાઉન્ટરમાં પોલીસ ઓફિસર્સ ગુંડાઓને પકડવા નીકળે ત્યારે પૂરી તૈયારી કરીને જ નીકળતા હતા. ગુંડાઓને પકડવાને બદલે એને ખતમ કરી દેવાના નિશ્ચય સાથે જ પોલીસ ઓફિસરો નીકળતા હતા. એ પછી ગુંડો હથિયાર ફેંકીને પોલીસ ઓફિસરોના પગમા પડીને જિદગીની ભીખ માંગે તો પણ એને ઠંડે કલેજે શૂટ કરી દેવાતો હતો. ત્રીજા પ્રકારના એન્કાઉન્ટરમાં પોલીસ ઓફિસર્સને કોઈ ગેંગ તરફથી બીજી ગેંગના શૂટરને કે અન્ય મહત્વના ગુંડાને ગોળીએ દેવા માટે સુપારી અપાતી હતી. ટૂંકમાં પોલીસ ઓફિસર્સ પૈસા લઈને કોઈ ગેંગનું કામ કરી આપતા હતા.’
પોલીસ ઓફિસર ફ્રેન્ડને પપ્પુ ટકલાની વાત પસંદ ન પડી. એમણે વચ્ચે કહ્યુ કે, ‘કોઈ રડ્યા-ખડ્યા પોલીસ ઓફિસર્સે અંડરવર્લ્ડની કોઇ ગેંગ સાથે મળીને આવું કર્યું હોય એના માટે મુંબઈ પોલીસના બધા ઓફિસર્સ પર આવું આળ મૂકી ન શકાય. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા બાકીના તમામ એન્કાઉન્ટર્સ સાચા જ હોય છે.’
‘એન્કાઉન્ટર્સના વિવાદની વાત પડતી મૂકીને હું તમને એક એવી ઘટનાની વાત કરું કે જેનાથી અંડરવર્લ્ડના બધા ગુંડા સરદારને ધ્રુજારી છૂટી ગઈ હતી,’ પપ્પુ ટકલાએ નવી ફાઇવફાઇવફાઇવ સળગાવતા કહ્યું અને એની સ્ક્રિપ્ટ રાઈટરને છાજે એવી સ્ટાઈલમાં એણે વાત આગળ ધપાવી.
***
રાતના પોણા બે વાગ્યા હતા. મુંબઈય્ત્વ્સ્નની લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ હતી અને શહેરના રસ્તાઓ પરનો ટ્રાફિક પણ નહિવત થઈ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે વિખ્યાત ‘મરાઠા મંદિર’ થિયેટરની આજુબાજુ પણ શાંતિ પથરાઈ ગઈ હતી, પરંતુ એ વખતે ‘મરાઠા મંદિર’ થિયેટરથી થોડે દૂર વાય.એમ.સી.એ. રોડ પર ‘સેવન્થ ડે એડવેન્ટીસ્ટ’ ઈંગ્લિશ સ્કૂલની આજુબાજુ અડધો ડઝન વ્યક્તિ પોઝિશન લઇને છુપાઈ ગઈ હતી. તેઓ કોઇના આવવાની રાહ જોઇ રહ્યા હતા. એક કલાક સુધી રાહ જોઈને તેઓ થોડા હતાશ થઈ ગયા હતા કે આજે ફેરો ફોગટ જશે. પણ એમ છતાં તેઓ ધીરજ રાખીને રાહ જોતા રહ્યા. વધુ પાંત્રીસ મિનિટ સુધી એમની ધીરજની કસોટી થઈ, પણ મધરાતે 2.20 કલાકે દૂરથી સફેદ રંગની એક ફિયાટ કાર આવતી દેખાઈ. એ ફિયાટ એક યુવાન ચલાવી રહ્યો હતો. હાથમાં ગન લઇને છુપાયેલી વ્યક્તિઓ વધુ સાવચેત બની ગઈ. ફિયાટ કાર ‘સેવન્થ ડે એડવેન્ટીસ્ટ’ સ્કૂલ પાસે ઊભી રહી. એ સાથે જ ત્રણ વ્યક્તિઓ એકે-ફોર્ટી સેવન અને સ્ટેનગન સાથે એની સામે ધસી ગઈ. ફિયાટમાં આવેલો યુવાન એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયો, પણ બીજી જ ક્ષણે એનું દિમાગ વીજળીથી પણ વધુ ઝડપે દોડવા માંડ્યું. એણે ફિયાટ રિવર્સમાં લીધી પરંતુ કારની પાછળ પણ સ્ટેનગનધારી માણસોને જોઇને એ ડઘાઈ ગયો.
એ યુવાનને સમજાઈ ગયું હતું કે હવે તેની પાસે બે જ વિકલ્પ છે. ક્યાં તો પોતે મરવાનું છે અને ક્યાં તો સામેવાળાને મારવાના છે. એણે ઈમ્પોર્ટેડ પિસ્તોલ કાઢીને એનું નાળચું કારને ઘેરીને ઊભેલી વ્યક્તિઓ તરફ ફેરવ્યું. એને સામેથી વોર્નિંગ અપાઈ, પણ એણે વોર્નિંગની ઐસી તૈસી કરીને ઈમ્પોર્ટેડ પિસ્તોલ ધણધણાવી. જવાબમાં સામેથી અંધાધૂધ ફાયરિંગ શરૂ થઈ ગયું. અને પછી જે બન્યું એણે આખા મુંબઈને ચોંકાવી દીધું!
(ક્રમશ:)