સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 100
પોતાલા પેલેસ તરફ ધસી રહેલી હિરનના મગજમાં તર્કોનો ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો. પેલેસની ભૂગોળથી તે વાકેફ ન હતી. તેણે તાન્શીને મોકલવાની જરૃર હતી. પણ જો એ તાન્શીને મોકલે અને કેસીની ટીમ સહિત એ પણ જોખમમાં આવી પડે તો શ્ત્સેબુલિંગ્કા તરફથી આવનારી ટીમ (છપ્પન, ત્વરિત, પ્રોફેસર)ને બહાર કોણ કાઢે?
છેવટે તેણે જાતે જ એ જોખમ ઊઠાવી લીધું હતું.
૯૯૯ ઓરડા, ૧૦,૦૦૦થી વધુ દેવાલયો અને બેહિસાબ પ્રતિમાઓ ધરાવતા ૧૩ માળના વિરાટ પોતાલા પેલેસના પગથિયાની અંદર વાયરલેસ કમ્યુનિકેશન શક્ય નથી એવું કેસીએ કહ્યું હતું. એટલે જ તેણે ત્રીજો હેન્ડસેટ પોતાની પાસે રાખવાને બદલે ત્વરિતને આપવાનું કહ્યું હતું.
હિરને જેને વિંધી નાંખ્યો એ આદમી પાસે વોકીટોકી હેન્ડસેટ હતો. તેનો અર્થ એવો થયો કે પેલેસ સુધીના બે-અઢી કિલોમીટરના પરિસરમાં જ તેણે બીજા કોઈકને આ સંદેશો આપ્યો હોય. એ બીજો આદમી વાયરલેસ કોમ્યુનિકેશનની મહત્તમ મર્યાદામાં પેલેસથી શક્ય તેટલો નજીક ઊભો હોય અને પછી રૃબરૃ જઈને કે અન્ય કોઈ રિલે-નેટવર્કથી મેજરને સંદેશો આપે તેમ બની શકે?
અંધારામાં લપાવાની પરવા કર્યા વગર એકધારી દોડી રહેલી હિરનના વજનદાર શૂઝ ખડકની નક્કર ભોંય પર પછડાઈ રહ્યા હતા અને દિમાગમાં વંટોળ ઘૂમરાતો હતો.
જો એવું જ હોય તો મેજરે મહેલના પ્રવેશ પાસે જ કશીક વ્યવસ્થા ગોઠવી હોય. કેસી જોકે મુખ્ય પ્રવેશદ્વારેથી જ એન્ટ્રી લે એ શક્ય ન હતું.
પેલેસના પગથિયા દેખાતા શરૃ થયા એટલે તે ઘડીક થંભી. ફેફસાંના હાંફને કાબૂમાં લીધો. પગથિયાની જમણી તરફથી અહીં પહોંચેલી કેસીની ટીમ કઈ દિશાએથી અંદર પ્રવેશી હશે? ૪૩૭ પગથિયા ધરાવતા તોતિંગ પેલેસનું છેલ્લું પગથિયું છેક ચોથા માળે ખૂલતું હતું અને પગથિયાઓ પર નિયમિત અંતરે સંત્રીઓ પહેરો દેતા હતા. કેસીની ટીમ આ પગથિયાઓ વાટે તો અંદર જ ન પ્રવેશી શકે.
પગથિયાની લંબાઈ આશરે પચ્ચીસ ફૂટ હતી. ડાબી તરફથી પ્રવેશવા માટે કેસીની ટીમે સંત્રીઓની નજર ચૂકાવીને આટલું અંતર કાપવાનું થાય. પોતે કેસીની જગાએ હોય તો આવું જોખમ ન ખેડે. હિરને મનોમન વિચાર કર્યો અને બિલ્લીપગે થોડાં ડગલાં પાછળ હટીને બંદૂકમાંથી છૂટતી ગોળી જેવો વેગ પકડયો અને પલકવારમાં ચારેક ફૂટ ઊંચી કલાત્મક દિવાલ કૂદી ગઈ.
હવે તે સંત્રીની નજરમાં આસાનીથી આવે તેમ ન હતી. બગીચામાં થોડી રોશની હતી પણ પગથિયાની દિવાલની આડશે લપાઈને તે ઉપર તરફ જતા રવેશ ભણી લપકી.
એ જ ઘડીએ રવેશનો બલ્બ સળગ્યો. ઓચિંતી રોશની થવાથી ચોંકેલી હિરન દિવાલસરસી ભીંસાઈ ગઈ. ઉપર બારણું ખૂલવાનો અવાજ આવ્યો. એક સંત્રી રવેશમાં પ્રવેશીને દરેક દિશાએ પાવરફૂલ ટોર્ચ ફેંકી રહ્યો હતો.
આ હંમેશનો ક્રમ હતો કે કેસીની ટીમની હાજરી પારખીને મેજર હરકતમાં આવ્યાની નિશાની હતી?
દિવાલસરસી ચંપાઈને હિરન મનોમન અંદાજ માંડતી રહી. મધુમાલતીના વેલાથી વિંટાયેલો માંડવો તેને સહજ છાવરી રહ્યો હતો એટલે તેને પોતે દેખાઈ જશે એવો ભય ન હતો પણ એ સંત્રી ન હટે ત્યાં સુધી તે ઉપર જઈ શકે તેમ ન હતી.
એ સાલો ખાસ્સી વાર સુધી ત્યાં જ ખોડાયેલો રહ્યો. થોડી વારમાં બે જણ વાત કરી રહ્યા હોય તેવો ચટરપટર અવાજ પણ સંભળાયો અને તરત હવામાં બળતી તમાકુની ગંધ પણ ફેંકાવા લાગી. રવેશમાં ઊભા રહીને બે સંત્રી સિગાર પીતાં વાતોએ વળગ્યા હતા અને અહીં હિરનનો ઉચાટ સતત વધતો જતો હતો.
એ બંને સંત્રી રોજિંદા ક્રમ મુજબ રવેશ ચેક કરીને તરત નીકળી ગયા હોત તો હિરન સપાટાભેર ઉપર પહોંચી શકી હોત અને તો એ કેસીને સમયસર સતર્ક કરી શકી હોત. કારણ કે એ વખતે કેસીની ટીમ ઉપરના માળે રવેશમાં પ્રવેશવા માટે કઠેડો કાઢી રહી હતી.
પણ કેસની વંકાયેલી તકદીરે મોકલેલા એ બંને આદમીઓએ ગપાટા મારતા ત્યાં જ ઊભા રહીને આખી સિગાર ફૂંકી મારી...
- અને સાથેસાથે કેસીનું આયખું પણ...
એ બેય આદમી રવાના થયા. રવેશનું બારણું વસાવાનો અવાજ આવ્યો અને બલ્બ પણ બંધ થયો એ સાથે હિરને ફરીથી દોટ મૂકી. એકધારા ચઢાણને લીધે હાંફતા શ્વાસ, ગળામાં પડતી કાંચકી અને હૈયાના અજંપાની પરવા કર્યા વગર હિરન ઝડપથી ચઢાણ ચડતી જ રહી. મહેલની દરેક દિવાલો પર હાથ ફંફોસીને કેસીએ અંદર પ્રવેશવા કંઈક પોલાણ કર્યું છે કે નહિ તેની ખાતરી ય કરતી રહી.
લગભગ વીસેક મિનિટના ચઢાણ પછી તેના ચહેરા પર જરાક હાશકારો ઝબક્યો. ગોરાડુ રંગે રંગેલી દિવાલ તરફ ઝળુંબતા રવેશનો લાકડાનો કઠેડો નીચે પડેલો હતો. કેસીની ટીમ અહીંથી જ પ્રવેશ્યાની એ નિશાની હતી. તેણે અંદર ડોકિયું કર્યું. લાંબી નિર્જન પરસાળમાં ઉજાસ હતો પણ હવે એ જોખમ લેવું જ રહ્યું. તેણે પરસાળમાં ઝંપલાવ્યું એ જ ઘડીએ સુમસામ સ્તબ્ધતાના લમણે વિંઝાતો હોય તેવો ડંકાનો અવાજ આવ્યો.
ઝબકી ગયેલી હિરને શરીર સંકોરીને દરેક દિશાએ ગન તાકી દીધી. તરત બીજો ડંકો વાગ્યો.
ઓહ્હ્... આ તો પેલેસની કશીક પ્રાતઃવિધિ જેવું લાગે છે... મનોમન વિચારીને હિરને આગળ વધવા ડાંફ ભરી એ જ વખતે ડંકા-નિશાન અને ઝાલરની ગડેડાટી વચ્ચે ભીષણ ધડાકો થયો અને તેની માથેની છત આખી ય હલબલી ગઈ.
ઉપરના મજલે બ્લાસ્ટ થયો હતો. એ કેસીનું જ કારસ્તાન હોવું જોઈએ.
માથા પરથી પડતી ચુનાની પર્ત, લાકડાના ખપાટિયાની પરવા કર્યા વગર ધડાકાની દિશાએ જતો દાદર ચડવા લાગી એ જ ઘડીએ ત્રણ ફાયર થયા અને એ સાથે બેહદ સતર્ક રહી જાણતી હિરનના મોમાંથી ફક્ત કલ્પનાના આધારે ચિત્કાર નીકળી ગયો..
કેસીઈઈઈઈ....
***
પહેલી ગોળી ખભામાં વાગી એ સાથે એ ત્રણેક ફૂટ પાછો ધકેલાયો. હજુ એ કશું પણ સમજે, ગોળીની દિશા પારખે એ પહેલાં બીજો ધડાકો થયો અને તેના ડાબા પડખામાંથી માંસનો લોચો ઊડીને તેની છાતી સુધી ઉછળ્યો.
એકપણ ઉંહકારો કર્યા વગર જાણે કોઈકના ઘાવને જોતો હોય તેમ તેણે ક્ષણાર્ધ માટે પડખા તરફ જોયું, ગરદન ઊંચકી અને સામે ગન તાકી એ વખતે ત્રીજો ધડાકો થયો અને એ વળી ત્રણ-ચાર ફૂટ પાછો ધકેલાઈને ભીંતસરસો ફસકાઈ પડયો.
માંડ વીસ સેકન્ડની એ ઘટના હતી.
કેસી ભોંય પર ફસકાયો એ જ વખતે પાછળ ઊભેલ તેના સાથીદારોએ અવાજની દિશામાં ફાયરિંગ કરવા માંડયું હતું અને એ જ વખતે હિરન પરસાળમાં પ્રવેશી હતી.
સામે જમીનદોસ્ત થયેલી દિવાલ, દિવાલ પાસે લપાઈને ફાયરિંગ કરી રહેલા આદમીઓ અને એમની વચ્ચે ભોંય પર પટકાયેલો એક આદમી...
હિરને નિમિષમાત્રમાં માહોલ પારખી લીધો.
પણ એ સીધી જ ધસી જાય તો તેને ય હુમલાખોર ગણીને કેસીના આદમીઓ ગોળી મારી દે. તૂટેલી પરસાળની પાછળથી ફાયર કરી રહેલાં લોકો, સંભવતઃ મેજર પણ તેને નિશાન બનાવી શકે.
વીજળીની ઝડપે આ બધા જ પાસાંનો વિચાર કરતી હિરને તરત ભોંય પર પડતું મૂક્યું અને ભોંય પર સરકતી છછૂંદરની ઝડપે એ ફસકાયેલા આદમી પાસે લપકી. ઊંધા પડેલા, ઊભા થવા મથતા એ આદમીને તેણે ખભેથી પકડીને ઊંચો કર્યો એ સાથે તેના હૈયામાં જાણે ડામ ચંપાયો.
'ઓહ માય ગોડ... કેસી...'
કેસીએ બોઝિલ થતી પાંપણો ઊંચકી. તેની આંખોમાં ઝબકારો થયો. તેણે ભારપૂર્વક આંખો બંધ કરીને ફરીથી ખોલી. હિરન અહીં સુધી કઈ રીતે પહોંચી ગઈ એ તેને સમજાતું ન હતું.
એ જ ઘડીએ પરસાળની ડાબી તરફના દાદર પરથી ગોળી છૂટી અને ઓરડામાં ફાયર કરી રહેલો કેસીનો એક આદમી ઉથલી પડયો.
'ઓહ નો...' તેણે ચિત્કાર નાંખીને દાદર તરફ બે ફાયર કરી દીધા એ સાથે કેસીના બીજા આદમીએ ય તેને ઓળખી લીધી.
ઓરડો અને દાદર, એમ બે તરફથી તેઓ ઘેરાઈ ચૂક્યા હતા. ત્રીજી દિશા ક્યાં ખૂલતી હતી તેનો અંદાજ ન હતો. હવે જ્યાંથી પ્રવેશ્યા એ જ રસ્તે છટકવું પડે. એ માટે દાદર વળોટવો પડે અને સહીસલામત દાદર વળોટવા માટે ત્યાંથી ફૂંકાતી ગનને ચૂપ કરવી પડે.
'તું કેસીને પકડીને ઓરડા તરફ નોનસ્ટોપ ફાયર ચાલુ રાખ...' મુક્તિવાહિનીના આદમીને સુચના આપીને એક જ છલાંગમાં તે આઠેક ફૂટ લાંબી પરસાળના સામા છેડે પહોંચી ગઈ. દિવાલસરસા લપાઈને દાદરની સાવ નજીક પહોંચી. ઊંડો શ્વાસ લીધો અને પછી દાદરની બરાબર સામે આવીને બેય હાથે તેણે ધડાધડ પાંચ રાઉન્ડ ફાયર કરી દીધા.
ફાયર કરીને એટલી જ ત્વરાથી એ દિવાલ તરફ લપાવા જતી હતી ત્યાં જ ઝીણા ચિત્કાર સાથે દાદર પરથી કશુંક ગબડવાનો ધડબડ અવાજ આવ્યો અને બે આદમી નીચે ઝિંકાયા.
હવે એ સાઈડ ખુલ્લી હતી પણ ક્યાં સુધી ખુલ્લી રહેશે તે કહી શકાય તેમ ન હતું અને ઓરડા તરફથી છૂટતી ગોળીઓ સનકારા સાથે ભીંતમાં, લાકડાની બારસાખમાં અંટાતી જતી હતી. દિવાલો પર ટાંગેલા ચિત્રો ભોંય પર ઝિંકાયા હતા અને ફ્રેમના કાચની કરચો જ્યાંત્યાં વેરાઈ ગઈ હતી. અહીંસાના ઉદ્ગાતા ભગવાન બુદ્ધની કાંસાની પ્રતિમા ય ગોળી ખાઈને ખનનનન અવાજ સાથે ભોંય પર પટકાઈ હતી.
એ અવાજથી તંદ્રામાં સરતા જતા કેસીએ આંખો ખોલી. હતું એટલું મનોબળ એકઠું કરીને સાથીદારના ખભા પર હાથ દઈ એ ઊભો થયો.
'ઓહ નો... કેસી... તું...' હિરને દોડીને કેસીને પકડયો.
'આઈ એમ ઓકે...' તેણે ભારે થતી જતી પાંપણોને પરાણે લૂઢકી પડતી રોકી, 'મારો બેકપેક ખોલ અને તેમાંથી ઘેરા લાલ રંગનો ખેસ કાઢ...'
આવા વખતે કેસી શું કરવા માંગે છે તેની તાજુબીમાં અટવાતી હિરને બેકપેકમાંથી નાનકડી, પાતળી શાલ જેવો પટકો કાઢ્યો.
કેસી સ્મિતભેર અતલસના એ પટકાને જોઈ રહ્યો. તેના ખભામાંથી લોહીની ધાર થતી હતી. પડખામાં ખાસ્સું દોઢેક ઈંચનું ભગદાળું પડી ગયું હતું અને શર્ટના લીરામાંથી માંસના લોચા બહાર આવી ગયા હતા. પેઢુમાંથી નીતરતું લોહી ઢીંચણ સુધી ભીંજવતું હતું.
ઓરડા તરફ ફાયર કરી રહેલા આદમીઓની સાથે હિરને પણ કેસી પર નજર રાખતાં જઈને ફાયર ચાલુ રાખ્યા. હિપ પોકેટમાંથી બીજી ગન કાઢીને મેગેઝિન બદલ્યું. બેય તરફ ગોળીઓના સનકારા બેફામ છૂટી રહ્યા હતા અને માંડ આઠ ફૂટ પહોળી, ત્રીસેક ફૂટ લાંબી પાંચ સદીથી પ્રગાઢ શાંતિમાં રહેવા ટેવાયેલી પરસાળમાં જાણે ભુતાવળ ધૂણતી હતી.
ફાયરિંગ કરીને પાછા પગે ખસતી જતી હિરન એક હાથે કેસીને ય ખેંચતી જતી હતી. ત્યારે કેસી ધ્રૂજતા હાથે માથા પર પટકો બાંધી રહ્યો હતો. એ પટકા પર લાલ, ભુરા અને પીળા રંગમાં આરી ભરત કરેલું કશુંક ચિહ્ન હતું. ખામ્પા સરદારોનું એ પ્રતીક હતું. રણસંગ્રામે જતો ખામ્પા યોદ્ધો માથા પર ગર્વનું આ ચિહ્ન ધારણ કરીને મરણિયો બનતો હતો. સદીઓની એ પરંપરા હતી અને હિન્દુસ્તાનમાં જન્મેલો, અંગ્રેજી માધ્યમમાં ભણીને સાંપ્રત આધુનિકતામાં ઉછરેલો કેસાંગ ત્સોરપે ય આજે પોતાના વડવાઓની એ પરંપરાને અનુસરી રહ્યો હતો.
(ક્રમશઃ)