Vaidehi ma vaidehi - 3 in Gujarati Fiction Stories by Vandan Raval books and stories PDF | વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-3)

Featured Books
Categories
Share

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-3)

પ્રકરણ – 3

દુનિયા ઘણી સારી છે. જે થશે એ સારા માટે જ થશે........
*****

આવી ગયું વિરમગામ. બસ વિરમગામનાં બસ-સ્ટેશનમાં ઊભી છે. મેં સમય જોયો- ૮.૧૧
બસમાંથી ઊતર્યો કે તરત જ ઠંડી વીંટળાઈ વળી. પીળી લાઈટ્સનો પ્રકાશ બસ-સ્ટેશનમાં પથરાયેલો છે. બહુ ઓછા લોકો બસ-સ્ટેશનમાં ઉપસ્થિત છે. હું આવ્યો એ બસમાંથી ઉતરેલું ટોળું બસ-સ્ટેશનની બહાર નીકળવાના માર્ગે ચાલતું થયું છે. હું પણ ચાલ્યો. બહાર આવ્યો. લોકોની અવરજવર વધારે છે. દુકાનોના સાઈનબોર્ડ્સ પરની લાઈટ્સ ઝળહળી રહી છે. મોટાભાગની સ્ટ્રીટ-લાઈટ્સ બંધ પડી ગયેલી છે. અહીંથી રેલવે-સ્ટેશનના રસ્તાની મને જાણ છે. ચાલ્યો. ગલ્લાઓની ફરતે વીંટળાયેલા ટોળાંમાંથી સિગારેટના ધુમાડા ઊડી રહ્યા છે. કોઈક જોરજોરથી હસે છે અને પછી બાજુવાળાને થાપટ મારે છે. સામે પેલો ગાળ બોલે છે અને પછી બંને હસવા લાગે છે. આ બધું અવગણતો હું રેલવે સ્ટેશન તરફ ચાલી રહ્યો છું.
બરેલવે-સ્ટેશન આવ્યું. પગથિયાં ચડ્યો. દરેક રેલવે-સ્ટેશનમાં દાખલ થતાં વિશાળ હૉલ જેવી જગ્યા આવતી હોય છે. અહીં જ ક્યાંક ટિકિટબારીઓ હોય છે અને વચ્ચે કોઈ ઘૂસી ન જાય એ બીકે કબાટમાં મૂકેલાં પુસ્તકોની જેમ માણસો લાઈનમાં ઊભાં હોય છે. આ હૉલમાં, નીચે પડેલા ગોળ ફરતે ઉભરાયેલી કીડીઓની જેમ માણસો ઉમટ્યાં હોય છે. હું આગળ ચાલ્યો. પ્લૅટફોર્મ-૧ પર મારી ટ્રેન આવવાની છે. એ પણ વિચારવા જેવું છે કે, જે ટ્રેન કે બસમાં આપણે જવાનું હોય છે તેને આપણે ‘આપણી ટ્રેન’ કે ‘આપણી બસ’ કહેવા લાગીએ છીએ!
હું પ્લૅટફોર્મ-૧ પર આવ્યો. એક બાંકડા પર બેઠો. ત્રણ માણસો બેસી શકે એ પ્રકારનો બાંકડો છે. વચ્ચેની સીટ પર હું બેઠો છું અને બૅગ મારી જમણી બાજુની સીટ પર મૂકી છે. ડાબી બાજુની સીટ ખાલી છે.... હતી! હવે ત્યાં એક આકર્ષક છોકરી આવીને બેઠી. તેની ઉંમર મારા કરતાં વધારે હશે. તેણે હજી મારા પર નજર નથી કરી પણ તે મારી ખૂબ નજીક બેઠી છે. આ યોગ્ય નથી. ડાબી બાજુએ મારી બૅગ મૂકી છે એ વચ્ચે લાવીને હું તે તરફ સરકી જઉં. ડાબી બાજુ ફરીનૅ મેં બૅગ ઊંચકી અને ત્યાં સરકી ગયો. અમારી વચ્ચે બૅગ મૂકી દીધી.
આ છોકરીની સાથે સામાન નથી. તેને ટ્રેનમાં નથી જવાનું? કે તે સામાન વગર જ મુસાફરી કરે છે? કે પછી સામાન બીજે ક્યાંક મૂકીને આવી છે? તેણે નાના ડાયલવાળી પોતાની કાંડા-ઘડિયાળમાં જોયું અને બોલી-
“આઠને બાવીસ.”
મેં મારી ઘડિયાળમાં જોયું-૮.૨૨
“તારી ટ્રેન આવવામાં હજી બાવીસ મિનિટની વાર છે, નહિ?” પૂછીને તે મારી સામે ફરી.
“હેં?” હું ડઘાઈ ગયો, તેની આ વાતથી અને તેનો સુંદર ચહેરો આમ અચાનક દેખાવાથી.
“એમાં આમ બાઘાની જેમ શું જુએ છે?” તે જરા હસીને બોલી- “મેં કંઈ ખોટું કહ્યું?”
હું કંઈ ન બોલ્યો. શું બોલું? અરે હા, આમાં આણે કંઈ વાઘ નથી માર્યો! આ પ્લૅટફોર્મ પર હવે જે ટ્રેન આવવાની છે તેની વિગત ઈલેક્ટ્રોનિક બોર્ડ્સમાં લખેલી દેખાય છે. તેમાં ટ્રેન આવવાનો સમય ૮.૪૦ છે તેવું લખેલું આવે છે. એ પરથી ગણતરી કરીને તેણે કહી દીધું કે ૨૨ મિનિટની વાર છે. પણ એ છે ચતુર!
“હા, સાચું કહ્યું.” હું બોલ્યો.
“સાડા છ વાગ્યે નીકળ્યો હતો ને, શંખેશ્વરથી?”
લે, આવું બોર્ડ ક્યાંય નથી માર્યું! આને કઈ રીતે ખબર પડી આ વાતની? વિચારું...... હં.... એ મને બસ-સ્ટેશનથી આવતો જોઈ ગઈ હશે. તેને એ જાણ હશે કે આ સમયે આવનારી બસ શંખેશ્વરથી સાડા છ વાગ્યે ઉપડે છે. વાહ વેદ, શોધી કાઢ્યું! આ છોકરીય જબરું મગજ દોડાવે છે.
“તને ભૂખ તો લાગી હશે.” તેણે કહ્યું- “જમ્યા વગર નીકળ્યો હતો ને, ઘરેથી? સામેના સ્ટૉલ પરથી થોડો નાસ્તો ખરીદી લે અને અહીં જ ખાઈ લે.”
“વાત સાચી છે તારી.” કહીને હું નાસ્તાની એક ડિશ લઈ આવ્યો.
“તું ખાઈશ?” મેં તેને પૂછ્યું
“ના, થેંક્સ!”
આ વખતે પણ તેણે સામાન્ય અનુમાન જ લગાવ્યું હતું. સાંજના સાડા છ વાગ્યે નીકળેલો માણસ જમ્યા વિના જ નીકળ્યો હોય ને! પણ તે આવા તર્ક કેમ કરી રહી છે? તે મારાં પર પોતાનો પ્રભાવ પાડવા માંગે છે? હા, એના સિવાય બીજું શું કારણ હોઈ શકે? ખાતાં ખાતાં હું બોલ્યો-
“તેં અત્યાર સુધી જે કંઈ બડાઈ હાંકી છે એનાથી હું જરાય પ્રભાવિત નથી થયો. તેં આ બધા અનુમાન કઈ રીતે લગાવ્યા છે એ હું સમજી ગયો છું.”
“એ તો મને ખ્યાલ આવી ગયો હતો.”

“હં, એટલે જ તો મને પ્રભાવિત કરવાના વ્યર્થ પ્રયત્નો તેં ચાલુ રાખ્યા છે.”
“પ્રયત્નો ચાલુ છે એ વાત તારી બરાબર.” તે સહેજ મલકીને બોલી- “પણ એ વ્યર્થ નથી ગયાં.”
“હું તારાથી પ્રભાવિત નથી થયો અને થઈશ પણ નહિ.” મેં મક્કમતાથી કહ્યું.
“ના, એવું તો તું ન કહી શકે!” તે ઠાવકાઈથી બોલી.
“એવું હું કહી શકું છું અને એવું છે જ.” મેં વધારે દ્રઢતા બતાવી.
“છાનોમાનો નાસ્તો ખાઈ લે. હમણાં ટ્રેન આવી જશે.”
“તું વાત બદલીશ નહિ.”
“જો વેદ, તું અ-”
“તું મારું નામ જાણે છે?” તેની વાત પૂરી થાય એ પહેલાં જ મારાથી પૂછાઈ ગયું.
“જો, તું પ્રભાવિત થઈ ગયો ને?” તે મલકી.
“ ના રે, ના!” સ્વસ્થતાનો ઢોંગ કરતાં હું બોલ્યો અને નાસ્તો ચાલુ રાખ્યો. અંદરથી ક્યાંક મને મારું આ વર્તન ખટક્યું. આપણે આપણી લાગણીઓને એકદમ સરળાતાથી વ્યક્ત કેમ નથી કરતા? હું આ છોકરીથી પ્રભાવિત થઈ ચૂક્યો છું. હું બાજુમાં સરકવા જતો હતો ત્યારે તે ‘રહેવા દે’ બોલી હતી, ત્યારથી હું એના પ્રભાવમાં આવી ગયો છું. અને આ છોકરી પણ એ જાણતી જ હશે તેવો મને વિશ્વાસ છે. છતાંય હું ઢોંગ કરું છું કે હું એનાથી પ્રભાવિત નથી થયો. હું એકલો નહિ, બધાં આવું જ કરે છે. સરળતાથી વ્યક્ત થવામાં શું વાંધો છે? કદાચ, આપણો અહમ્ આપણને નડે છે.
“વેદ, હું એમ કહેતી હતી..” પગ પર પગ ચડાવીને તે આગળ બોલી- “તું મારા પર વિશ્વાસ રાખી શકે છે. હું તારી હિતેચ્છુ છું. ને આ યાત્રાના સંદર્ભમાં હું તારા વિશે તારા કરતાં પણ વધુ જાણુ છું.”
“અહીં ગમ્મત-ગુલાલ ચાલે છે?”
“તું પાછો નહિ માને, નહિ?”
“ના.”
“તો હું પૂછું એનાં જવાબ આપ.” કહીને તેણે પોતાની નાનકડી કાંડા-ઘડિયાળમાં નજર કરી લીધી.
“પૂછ.”
“પરબીડિયામાંના પત્રો વાંચીને તું મૂંઝાયો હતો. એ વખતે તારા પપ્પા આવી ગયા હતા. તેં વૈદેહીનો ફોટો કવરમાં પાછો મૂક્યો હશે અને બાકીના પત્રો ખુલ્લા રાખ્યા હશે. તારા પિતાએ એ પત્રો ન જોયાં અને કવરમાં મૂકેલો ફોટો બહાર કાઢીને જોયો, કેમ? તારા માસીનો ફોન કોઈ દિવસ સાંજના છ વાગ્યે આવે છે? નથી આવતો. આજે કેમ આવ્યો હતો? તારા પપ્પાએ એ કેવી રીતે કહ્યું કે મમ્મી એની બહેન સાથે વાત કરે છે? એમણે તો અનુમાન લગાવ્યું હશે. તો તારા મમ્મી પર કોનો ફોન આવ્યો હતો? તેં પપ્પાને કહ્યું હતું કે આ બધાં કાગળિયાં સળગાવી દેજો? છતાંય તેમણે કાગળિયાં કેમ સળગાવ્યાં? બોલ, આપ જવાબ!”
નાસ્તાની ડિશ તો મારા હાથમાંથી ક્યારનીય પડી ગઈ છે. મારાથી નીચે ઊતરી જવાયું, ઘુંટણિયે પડી જવાયું, હાથ જોડાઈ ગયા અને મુખમાંથી જાણે આપોઆપ શબ્દો સર્યા-
“ક્ષમા કરી દો, દેવી! આપની શક્તિઓની અવગણાના કરીને આ અબુધ બાળકે અપરાધ કર્યો છે!”
તે હસી... ખડખડાટ હસી...પેટ પકડીને હસી... સીટ પરથી પડતાં માંડ બચી. હસતાં હસતાં જ બોલી-
“ઊભો થા, ઊભો થા! બેસ અહીં.....”
હું પાછો ગોઠવાયો. તે શાંત પડી. મેં પૂછ્યું-
“કોણ છો તમે?”
“અવની.”
“તમે-”
“આટલું બધું માન આપવાની જરૂર નથી. હું કોઈ દેવી નથી! તું મને અવની કહીને બોલાવીશ તો પણ ચાલશે. આપણે મિત્રો છીએ.”
“ક્યારે બન્યાં?”
“બહુ ખરાબ પ્રશ્ન પૂછ્યો!”
“અવની....” મેં પૂછ્યું- “પત્ર તેં લખ્યો છે?”
“ના.” તેણે ખૂબ જ ગંભીરતાથી જવાબ આપ્યો- “મેં પત્રો નથી લખ્યાં”
“તો પછી તું આ બધું કેવી રીતે જાણે છે? તેં પૂછેલા પ્રશ્નોનાં જવાબ શું?” મેં વ્યથા વ્યક્ત કરી.
ટ્રેનની વ્હીસલ સંભળાઈ. ટૂંક સમયમાં ટ્રેન પ્લૅટફોર્મ પર આવી રહી છે એવી જાહેરાત સ્પીકર્સમાં થવા માંડી છે. પ્લૅટફોર્મ પરના લોકો પોતપોતાનો સામાન ઊંચકીને ઊભાં રહ્યાં છે. અવની બોલી-
“એ વિશે વાત કરવાનો સમય તો અત્યારે છે નહિ. પણ હા, હું તને મદદ કરી રહી છું. હું તારી મિત્ર છું. ને આમેય તારે મારો વિશ્વાસ કરવો જ રહ્યો. મેં શું કર્યું અને કેવી રીતે કર્યું એ અંગે ચર્ચા કરવા આપણે ફરી મળીશું. તારી ટ્રેન આવી રહી છે. તું વૈદેહી પાસે જાય એમ હું ઈચ્છું છું. એક મિત્ર તરીકે તને આ કહું છું, વેદ. ગમે તે થાય, હિંમત ન હારતો. જે કંઈ રહસ્ય અને રોમાંચ તું હાલ અનુભવી રહ્યો છે એ તો માત્ર શરૂઆત છે.”
ટ્રેન આવી. અમે ઊભા થયાં. મેં જૅકેટ સરખું કર્યું અને બૅગ ખભે ભરાવી. અવની મારી સામે મલકી અને બોલી-
“હેપ્પી જર્ની, વેદ!”
“થેંક્સ, અવની!”
અહીંથી એન્જિન પસાર થઈ રહ્યું છે. આખુંય પ્લૅટફોર્મ ધણધણવા લાગ્યું છે. ટ્રેનમાં ચડવા માટે તૈયાર ઉભેલા લોકોનો શોર દબાઈ ગયો છે. એનાઉન્સમેન્ટ્સ માટેનાં સ્પીકર્સનો અવાજ માંડ સંભળાય છે. ટ્રેનના ડબ્બા પસાર થઈ રહ્યાં છે અને પ્લૅટફોર્મ પર ઉભેલાં લોકો ડબ્બા પર લગાવેલી પીળી તકતી વાંચી-વાંચીને ‘પોતાનો’ ડબ્બો શોધી રહ્યાં છે. આછા ધક્કા સાથે ટ્રેન ઊભી રહી. ટ્રેન પ્લૅટફોર્મ પરનાં માણસો પોતાના ડબ્બાના બારણે દોડી ગયાં. ટ્રેનમાં બેઠેલાં લોકો ‘કયું સ્ટેશન આવ્યું’ એ જોવા માટે બારીના સળીયામાંથી આમતેમ નજર દોડાવી રહ્યાં છે. અવની નીચી નમી. મેં જે ડિશ નીચે પાડી હતી તે ઉઠાવી. મને ‘આવજો’ કહીને ચાલતી થઈ. થોડે દૂર કચરાપેટીમાં ડિશ નાંખીને તે બહાર ચાલી ગઈ. હું તેને જતી જોઈ રહ્યો.

ટ્રેન આવ્યે એક મિનિટ થઈ ગઈ છે. મારાં સિવાય બધાં જ મુસાફરો ટ્રેનમાં ચડી ગયાં છે. ટ્રેન આવી ચૂકી છે એની જાહેરાત સ્પીકર્સમાં થવા લાગી છે. એસ-૪ માં ૨૭ નંબરની બર્થ મારા માટે કન્ફર્મ થયેલી છે એ મેં ટિકિટમાં જોયું હતું. એસ-૪ શોધ્યો. ટ્રેનમાં પ્રવેશતાં જરા અચકાયો. જઉં કે ન જઉં? મારા મનમાં ઘૂસી ગયેલી અવનીએ મને કહ્યું- “જા વેદ, તારે જવાનું જ છે. હિંમત ન હારીશ, વેદ. કોઈકને તારી મદદની જરૂર છે. એની જિંદગીનો સવાલ છે. હું તારી સાથે જ છું, વેદ, જા.”
ટ્રેનની વ્હીસલ વાગી. હું ઝબક્યો અને ટ્રેનમાં ચડી ગયો. દરવાજે ઊભો રહ્યો. આછેરો ધક્કો અનુભવાયો અને એન્જિનનો અવાજ વધ્યો. દરવાજા બહારનું દ્રશ્ય દેખાય એ રીતે હું ઊભો રહ્યો. પ્લૅટફોર્મ ધીમી ગતિએ પાછળ સરકવા માંડ્યું છે. વધુ એક વ્હીસલ સંભળાઈ અને સાવ ધીમો આંચકો વાગ્યો. ટ્રેનની ગતિમાં વધારો થયો. વિરમગામના રેલવે-સ્ટેશનને પાછળ છોડીને ટ્રેન પોતાની વધતી જતી ગતિ સાથે વિરમગામની બહાર નીકળવાની તૈયારીમાં છે. દરવાજામાંથી ઠંડો પવન આવી રહ્યો છે. રાત્રે અને એ પણ ટ્રેનમાંથી, વિરમગામ કંઈ જુદુ જ લાગે છે. ટ્રેન વિરમગામને પાછળ સરકાવી રહી છે, જે મને એ યાદ દેવડાવે છે કે હું દૂર જઈ રહ્યો છું. વિરમગામ વટાવી ચૂક્યા પછી ટ્રેનની ગતિમાં ઘણો વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી શહેરની લાઈટ્સને કારાણે બહારના દ્રશ્ય જોઈ શકાતાં હતાં પણ હવે બહાર કશું જ દેખાતું નથી. ટ્રેન હવે પૂરપાટ ઝડપે દોડવા લાગી છે અને મને ડોલાવી રહી છે. ટ્રેન જ્યારે બરાબર વેગ ધારણ કરી લે છે ત્યારે એવું લાગે છે કે તે મદમસ્ત બનીને ઝૂમી રહી છે! નિઃસંદેહપણે, એની અસર મુસાફરોને પણ થાય છે. બધાં ડોલવા લાગે છે. શરીર જેટલું ઊંચાઈ પર હોય તેટલું વધારે ડોલે છે. જો અપર-બર્થ પર સૂઈ જઈએ અને ટ્રેનનો વેગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય તો એવું લાગે કે આપણે ઘોડિયામાં સૂતાં છીએ અને સાવ ધીમે ધીમે મમ્મી ઝૂલાવી રહી છે... પણ હું તો મમ્મી-પપ્પાથી ઘણો જ દૂર જઈ રહ્યો છું... એક અનામી પત્રના ભરોસે... અવનીના પ્રોત્સાહનથી... વૈદેહીની મદદ કરવા...
(ક્રમશઃ)