ખોફનાક ગેમ
વ્રજલાલ હિરજી જોષી
માનવભક્ષી આદિવાસીના પંજામાં
ભાગ - 2
અચાનક વિચિત્ર કદાવર દેહવાળા આદમીને જોઇ જંગલીઓ અચંબામાં પડી ગયા. પ્રલયના સશક્ત દેહ, લપકારા મારતી આગના પ્રકાશમાં રક્તવર્ણે ચમકી રહ્યો હતો. તેના માંસલ ભર્યા બાવડા હાથીના પગ જેવા મજબૂત દેખાતાં હતાં. જાણે આકાશમાંથી કોઇ દેવ સાક્ષાત ધરતી પર ઊતરી આવ્યા હોય તેવા દેખાઇ રહ્યા હતા.
કબીલાના સરદારની આંખો ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ તેનો કાળો ત્રાંબાવર્ણો ચહેરો ક્રોધથી તમતમતો હતો. તેમણે પ્રલય તરફ આંગળી ચીંધી જોરથી ચીસ નાખી.
કેટલાય પહેલવાન જેવા આદિવાસીઓ પ્રલય તરફ ધસી ગયા.
પ્રલય મારવા, મરવા માથે ઊતરી આવ્યો. તેના મોંમાંથી ગુસ્સે ભરાયેલા અવાજે જેવી ઘુરઘુરાટી નીકળવા લાગી અને આંખોમાંથી આગનો લાવા ભભૂકી ઊઠ્યો. કદમને બચાવવા તે ગમે તે જોખમ વ્હોરી લેવા તૈયાર હતો.
નજદીક ધસી આવેલા જંગલી દાંત કચકચાવીને તાકાતથી પ્રલયના ચહેરા પર જોશથી મુકકાનો પ્રહાર કર્યો.
પ્રલયનો દેહ સ્પિંગની જેમ કમરથી પાછળની તરફ એકદમ વળી ગયો.
તે જંગલીનો પ્રહાર ખાલી ગયો, તેનો દેહ પ્રલયના દેહ તરફ ઝૂકી ગયો.
અને પછી...વાળેલી સ્પ્રિંગ સીધી થાય. તેમ પ્રલયનો દેહ એકદમ ઝડપથી સીધો થયો પછી પ્રલયનું માથું “ધડામ” ના અવાજ સાથે જંગલીના માથા સામે જોરથી અથડાયું તે જંગલીના મોંમાંથી ચીસ સરી પડી અને તમ્મર ખાઇને નીચે ધરતી પર પટકાયો.
ધાંય...ધાંય...ના અવાજ સાથે વિનયની રિર્વોલ્વરમાંથી બીજી બે ગોળી છૂટી અને પ્રલય તરફ ધસી આવતા બે જંગલીઓની જાંઘમા ઘૂસી ગઇ તે બે જંગલીઓ નીચે પટકાયા.
“શાબ્બાસ...મારા શેર...શાબ્બાસ...”
“સાલ્લા હરામખોરોને બતાવી દે કે પ્રલય ભારત માતાનો વીર સૂપત છે...માર સાલ્લાઓને...” મૂડમાં આવી બંધનગ્રસ્ત હાલતમાં ઊભેલો કદમ પોતાનાં બંધનો છોડાવવાની કોશિશ કરતાં-કરતાં ચિલ્લાઇ રહ્યો હતો.
વિનય જંગલીઓ તરફ ગોળીબાર કરતાં-કરતાં કદમ તરફ દોડ્યો.
પ્રલયને મારવા કેટલાક પહેલવાન જેવા જંગલીઓ ધસી ગયા.
પ્રલય અને જંગલીઓ વચ્ચે જોરદાર જંગ છેડાઇ ગયો. કબીલાનો સરદાર પ્રલયને પકડી લેવા જોર-જોરથી ચિલ્લાતો હતો.
પ્રલયની લાતો અને મુક્કાઓના પ્રહારથી કેટલાય જંગલીઓ ઘાયલ થઇ નીચે પછડાયા. પણ પાંચ જંગલીઓ નીચે પછડાતા કે તેનું સ્થાન લેવા બીજા દસ જંગલીઓ ધસી જતા.
કદમ તરફ ધસી રહેલા વિનયને જોઇને એક જંગલીએ નિશાન લગાવી વિનય તરફ જોરથી ભાલાનો “ઘા” કર્યો.
‘ખચ્ચ...’ અવાજ સાથે ભાલો વિનયના બાવડામાં ઘૂસી ગયો અને તેના હાથમાં રહેલી રિર્વોલ્વર નીચે પડી ગઇ.
વિનયના મોંમાંથી એક ચીસ નીકળી અને તેના “પડઘા” વાતાવરણમાં ફેલાયા.
વિનયની ચીસના અવાજ સાથે પ્રલયના ચાલતા હાથ-પગ ક્ષણ માટે થંભી ગયા અને તેણે વિનય તરફ ફરીને જોયું.
બસ...તે જ ક્ષણે પ્રલય પર જંગલી રેસાઓની બનેલી જાળ પડી અને સિંહ પાંજરામાં પુરાઇ ગયો.
જેમ-જેમ પ્રલય જાળમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો હતો. તેમ-તેમ તે ગૂંચવાતો જતો તો અને ઉપરથી જંગલીઓ તેને લાતો અને મુક્કાથી ઢોર માર મારતા હતા.
વિનયે જોર કરી બાવડામાં ખૂપેલ ભાલાને ખેંચી કાઢ્યો પણ તે સમયે તે જંગલીઓથી ઘેરાઇ ગયોહતો અને તેની ચારે તરફથી જંગલીઓ ભાલા તેના શરીરમાં ખૂંપાવી રહ્યા હતા.ચારે તરફથી લાગતી ભાલાની અણીઓને લીધે વિનયના શરીરમાં લોહીની ટસરો ફૂટી નીકળી હતી અને શરીર પર લોહીના રેલા વહેતા હતા.
ત્યારબાદના થોડા સમય પછી પ્રલય અને વિનય પણ કદમની જેમ લાકડાનાં સ્તંભ પર બંધનગ્રસ્ત સ્થિતિમાં હતા.
“હવે...હવે શું કરશું...?” લાચારીથી હોઠ ચાવતાં વિનય બોલ્યો.
“ચિંતા ન કર વિનય...એવી કોઇ જાળ નથી બની કે પ્રલયને બાંધી શકે, જ્યાં સુધી પ્રલય છે, ત્યાં સુધી આપણને કોઇ જ મારી શકે તેમ નથી...” પોતાનો પગ ધીરે-ધીરે ઘૂંટણમાંથી વાળી ઊંચો કરવાની કોશિશ કરતાં કદમ બોલ્યો.
કદમના બૂટના તળિયે એક નાની છૂરી ફિટ કરેલી હતી જે વધુ દબાણ થતાં બહારની તરફ ખૂલી જતી. દબાણ આપી કદમે છૂરીના ફણને બહાર કાઢ્યો હતો. અને પગ ઊંચો કરીને પોતાના બંધનો તોડવાની કોશિશ કરતો હતો પણ તેના પગ બાંધેલા હોવાથી તેને ફાવટ આવતી ન હતી.
‘ધમ...ધમ...ઢમક...ઢમ...’ ફરીથી જંગલના ઊંડાણમાં ભેંકાર વાતાવરણમાં અવાજ આવવા લાગ્યો અને પછી જંગલીઓના નાચ શરૂ થયો. ફરીથી શરીરના રૂંવાડાં ઊભાં થઇ જોવ તેવું ખોફનાક વાતાવરણ બની ગયું. એકને બદલે ત્રણ-ત્રણ બલિ માટે મનુષ્ય દેહ મળતાં જંગલીઓ ઔર આનંદમાં આવી જઇ નાચવા લાગ્યા.
લગભગ અડધા કલાકના નાચ પછી સરદારનો પહાડી અવાજ ગુંજી ઊઠ્યો અને નાચ બંધ થયો. વાગતા ઢોલના પડઘા સમી ગયાં. સરદારે ઊંચા અવાજે પ્રલય, કદમ, વિનય સામે આંગળી ચીંધી તેના બલિ ચડાવવાનો આદેશ આપ્યો.
પ્રલય એકદમ શ્વાસ ફુલાવી શરીરને ફુલાવી કડક કરવાની કોશિશ કરતાં અને પછી શ્વાસ બહાર કાઢી શરીરને ઢીલું કરતો હતો, આમ કરવાથી તેનાં બંધનો થોડા-થોડા ઢીલો થયાં હતા.
ત્રણ શેતાની રાક્ષશ જેવા જંગલીઓ ધારદાર છુરા સાથે કદમ, પ્રલય અને વિનયની તરફ આગળ વધી રહ્યા હતા. હરએક પળે મોતના પગલા આગળ આવી રહ્યા હતાં.
“હિંમત ન હારતા...જિંદગીની છેલ્લી ક્ષણ સુધી મોત સામે ઝઝૂમતા રહેવાનું છે. ઇશ્વરની શક્તિ પર આસ્થા રાખશો તો મોત પણ પાછુ ચાલ્યું જશે...” પ્રલય, કદમ અને વિનયને કહેતો હતો પણ તે સમજતો હતો કે હવે મોત તો પલ બે પલના સમય જેટલું જ દૂર છે.
મોતના પગલાની આહટ ત્રણેન સંભળાઇ રહી હતી.
ત્રણે જંગલીઓના ધારિયા જેવા છૂરા પ્રલય, કદમ ને વિનયને મારવા ઊંચા થયા.
તે જ ક્ષણે...એક ચમત્કાર થયો અને ત્રણે જંગલીઓના છૂરા હાથમાં જ અધ્ધર રહી ગયા.
અચાનક તેઓના દેવતાની બનેલી પ્રતિમાનો હાથ ઘૂમવા લાગ્યો અને તેના મોંમાંથી એક અદ્દભૂત ઘોઘરો અવાજ જોર-જોરથી નીકળવા લાગ્યો.
‘અરે...અરે...આ શું થઇ રહ્યું છે...?’ ચોંકી ઊઠતાં કદમ બોલ્યો, અને ત્રણે જણા આશ્ચર્યથી તે દેવની બોલતી અને હલન-ચલન કરતી પ્રતિમાને જોવા લાગ્યા.
પ્રતિમાના ગળામાંથી નીકળતો અવાજ જંગલીઓની ભાષામાં હતો અને તે જંગલીઓના સરદારને ઉદ્દેશીને કોઇ આદેશ આપી રહ્યો હતો.
જંગલીઓ ધ્રુજતા શરીરે એક ફાટી આંખે દેવની પ્રતિમાને જોઇ રહ્યા.
પ્રતિમામાંથી આવતો અવાજ બંધ થયો કે તરત જ કબીલાનો સરદાર દોડ્યો અને પ્રતિમાના પગ પાસે સૂઇ ગયો, જંગલીઓએ પણ સરદારનુ અનુકરણ કરતાં સૌ પોતે-પોતાની જગ્યાએ પ્રતિમિ સામે માથું કરી સૂઇ ગયા.
સરદાર અને જંગલીઓ કશુંક બબડી રહ્યા હતા. તેઓએ આવું કૌતુંક ક્યારેય નિહાળ્યું ન હતું.
થોડીવાર પછી સરદાર દેવની પ્રતિમાને નમન કરી ઊભો થયો અને કમરમાં ભરાવેલો છૂરો હાથમાં લઇ પ્રલય, કદમ, વિનય તરફ આગળ વધ્યો.
‘બાપ રે...મારી નાખ્યા...હવે આ જંગલી પાડો આપણને રહેસી નાખશે...’ કદમ બોલ્યો.
‘કદમ...ચિંતા ન કર...તે આપણને મારવા માટે નહીં, પણ છોડવા માટે આવી રહ્યો છે.’ હસતાં હસતાં પ્રલય બોલ્યો.
‘અરે...પણ તને કેમ ખબર પડી બડે મિયાં...?’ આશ્ચર્યથી કદમ બોલ્યો.
‘કદમ...મને જંગલીઓની ભાષા થોડી-થોડી આવડે છે, જે સોમદત્તે સરને આભારી છે.’
‘વા...પ્રલય...વા...’ બસ માની લીધો તને હવે તો આપણે જંગલીઓના મહેમાન અને તું જંગલીઓનો જમાઇ...’
‘જમાઇ...?’ આશ્ચર્યથી વિનય બોલ્યો.
‘હા...ભાઇ...હા...જમાઇ હવે રિવાજ પ્રમાણે કબીલાનો સરદાર આપણા પ્રલયકુમારને જમાઇ બનાવશે અને પોતાની પુત્રીનો હાથ પ્રલયના હાથમાં સોંપશે...પ્રલય, અહીંના જંગલીઓની સ્ત્રીઓ ખૂબ આકર્ષક છે નહીં....?’
‘ચુપ...સાલ્લા ગમે તેમ બકવાસ કરશ...’ પ્રલય મીઠા ગુસ્સા સાથે બોલ્યો. વિનય હસી પડ્યો.
સરદારે ત્રણનાં બંધન છોડ્યા અને માફી માંગી ત્યારબાદ ત્રણેને વાજતે-વાજતે પોતના કબીલામાં મહેમાન બનાવી લઇ ગયાં.
સફેદ પથ્થરમાંથી કોતરીને બનાવેલી ખોપરીવાળી ગુફા-અંદરથી ખુબ સુંદર અને બેનમૂન હતી. પ્રલય, કદમ અને વિનયને કબીલામાં લઇ ગયા, પછી થોડીવારે તેઓને કબીલાના સરદારના રાજમહેલ એટલે કે તે ખોપરીવાળી ગુફામાં માનભેર લઇ આવવામાં આવ્યા, ખુદ સરદારે ફૂલોના હારથી તેઓનું સ્વાગત કર્યું.
પ્રલયે જ્યાયે તૂટી ફૂટી જંગલી ભાષામાં સરદારને પૂછ્યું કે તમે અમને બલિ ચડાવવાને બદલે સ્વાગત કરી મહેમાન બનાવ્યા, તેનું રહસ્ય શું, તો સરદાર પોતાના દેવની પ્રતિમાનો આદેશ કહી સંભળાવ્યો જે આદેશની પ્રલયને ખબર પડી ન હતી. તે સાંભળીને પ્રલય દંગ થઇ ગયો.
‘કદમ,વિનય...આ જંગલીઓના દેવે સરદારને આદેશ આપ્યો હતો કે તમે જેને બલિ ચડાવવા જઇ રહ્યા છો. તે મારા દૂતો છે અને તમારી ધરતીને પવિત્ર બનાવવા મેં તમારી પાસે મોકલ્યા છે.’
‘આશ્ચર્યની વાત છે, પ્રલય...પણ મને એ નથી સમજાતું કે પથ્થરની પ્રતિમામાં કેલ હલન-ચલન થયું અને તે કેમ બોલતી થઇ છે...?’ મૂંઝવણભર્યા ચહેરે વિનયે પૂછ્યું.
‘વિનય...આ ધરતી પર ઘણા રહસ્યો છે. જેને રહસ્ય જ રહેવા દેવું પડે. પથ્થરની પ્રતિમા ન હલન-ચલન કરી શકે છે કે ન તો તે બોલી શકે છે. પણ બ્રહ્માંડનું રહસ્ય જ અનેરું છે, જેને વિજ્ઞાન પણ સમજી શકતું નથી.’
પ્રલયની વાત સાચી છે, પણ કાલે રાત્રે હું આ દેવની મૂર્તિનું રહસ્ય ચોક્કસ જાણી આવીશ...’ મક્કમ મને કદમ બોલ્યો.
ભોજન કરી મોડી રાત્રે સૌ સૂઇ ગયા. ત્યારે કદમ જંગલીઓના દેવની પ્રતિમા તરફ ચૂપચાપ લપાતો-છુપાતો જઇ રહ્યો હતો.
સવારના સૂર્યનારાયણે દર્શન આપ્ય અને આકાશમાં ચારે તરફ લાલિમા છવાઇ ગઇ. શીતલ પવન મંદ-મંદ વાઇ રહ્યો હતો. પક્ષીઓના મધુર કલરવથી સૌ જાગ્યા.
કબીલાના પાછળના ભાગમાં વ્હેતી નદીમાં સૌ મન ભરીને ન્હાયા. સવારનો નિત્યક્રમ પતાવી સૌ ફ્રેશ થયા. નદીની આસપાસના જંગલમાં ઊગેલાં મીઠાં ફળો આરોગ્યા પછી સરદારે મોકલાવેલ બાફેલા કંદમૂળનો નાસ્તો કરી સૌ આસપાસના વિસ્તારમાં ફરવા નીકળ્યા.
બપોર થવા આવી હતી. સૂર્ય માથા પર આવી ગયો હતો. ફરી ફરીને સૌ થાકી જઇ ખોપરીવાળી ગુફા પર પરત ફર્યા.
બપોરનું ભોજન પતાવી સૌ સરદાર પાસે આવીને બેઠા.
‘સરદાર...આપની ધરતી પર કાંઇ પાપી આત્માનો પડછાયો ભટકે છે. અમારે તે પાપી આત્માઓને નષ્ટ કરવા પડશે...’ વાતની શરૂઆત કરતા પ્રલય બોલ્યો.
‘તમે અમારા દેવના દૂત છો...તમારી આજ્ઞા પ્રમાણે અમે બધું જ કરવા તૈયાર છીએ...’ હાથજોડી સરદાર બોલ્યો.
‘સરદાર...અહીં આસપાસ તમે બેદી હિલચાલ કે ટાપુ સિવાયના કોઇ બીજા આત્માઓને ક્યારેય જોવા છે...?’ મુદ્દાની વાત પર આવતાં પ્રલયે પૂછ્યું.
‘અહીં મારું સામ્રાજ્ય છે. અહીં આવવાની કોઇ હિંમત નથી કરતું, એક વખત ઊડતાં પક્ષી માથે બેસીને (હેલિકોપ્ટર) તમારા જેવા ચાર આદમી આવ્યા હતા. પણ અમને તેઓ શેતાન જેવા લાગતાં તેને તગેડી મૂક્યાં. ત્યારબાદ ક્યારેય અહીં કોઇ આવ્યું નથી. પણ હા...આગળ જંગલમાં એક મોટ્ટી ચટ્ટાનની દીવાલ આવેલી છે. તે દીવાલ એકદમ સીધી અને લીસી હોતાં તેની પાછળ કોઇ જ જઇ શકતું નથી અને અવાર-નવાર ત્યાં મોટી-મોટી આગના લબકારા પણ અમે જોયા છે. સતત ત્યાં મોટા અગ્નિકુંડો બળતા હોય તેવું લાગે છે. અને તે દીવાલ પાછળ ક્યારેક-ક્યારેક મોટા અવાજ કરતાં આકાશમાં ઊડતાં પક્ષીઓ નજરે પડે છે. ત્યાં બધુ ભયાનક શેતાની સામ્રાજય હોય તેવું લાગે છે. એક બે વખત વિચિત્ર જાનવરો પણ જોવા મળેલ જે ન તો આદમી હતા કે ન જાનવર ખૂબ વિચિત્ર લાગતું હતું.’
સરદારની વાત સાંભળી પ્રલય ચોંકી ઊઠ્યો.
‘કદમ...સરદારના કહેવા મુજબ અહીં જંગલમાં ખૂબ ઊડે-ઊંડે મોટી ચટ્ટાનો છે. તેની પાછળ...’ કહી પ્રલયે કદમ અને વિનયને બધી વિગત કહી.
વિગત સાંભળી કદમ અને વિનય પણ ચોકીં ઊઠ્યાં.
‘પ્રલય...ચોક્કસ ત્યાં જ પરજીવ વાસીઓ કે કોઇ મોટા શેતાની દિમાગવાળા કોઇ વૈજ્ઞાનિકનો અડ્ડો હોઇ શકે છે...આપણે ત્યાં જવું પડશે...’ કદમ બોલ્યો.
‘અને હા ત્યાં આગની લાંબી-લાંબી નીકળતી જવાળાઓનો મતલબ ત્યાં મોટા પ્રમાણમાં જવાળામુખી સતત સક્રિય હોય તેવું લાગે છે...’ વિનયે કહ્યું.
‘સરદાર અમને તે પહાડી ચટ્ટાનો સુધી જો પહોંચાડી શકો તો, અમે તે શેતાની સામ્રાજ્યનો નાશ કરી શકશું...? સરદાર સામે નજર ફેરવી પ્રલયે કહ્યું.
‘ના...ના...ત્યાં મોટી શેતાની તાકાતનું સામ્રાજ્ય લાગે છે. તમને અમે મોતના મોંમાં જવા નહીં દઇએ. દહેશત ભર્યા સ્વરે સરદાર બોલ્યો.
‘સરદાર અમે આ ધરતી પરથી શેતાની તાકાતનો નાશ કરવા જ આવ્યા છીએ. તમે ચિંતા ન કરો અમારી પાસે અદ્દભૂત શક્તિ છે. જે તમારા દેવે આપેલ છે. તમે ફક્ત અમને ત્યાં પહોંચાડવાની કોશિશ કરો...
ઘણી આનાકાની પછી સરદાર તૈયાર થયો. સરદારે તેના ખાસ ચુનંદા જંગલીઓને ચટ્ટાન સધી પ્રલય, કદમ, વિનયને પહોંચાડવા તૈયાર કર્યા.
એક દિવસ તે પ્રેમાળ જંગલીઓની મહેમાનગતિ માણી સૌ પોતાની મંજિલ તરફ આગળ વધ્યા. સરદારે મોકલેલા ચાર જંગલીઓ પણ તેઓની સાથે હતા. ચારે તરફ ગીચ જંગલ હતું. તેમાં ફળોનાં પુષ્કળ વૃક્ષો હતો. તેમજ જગ્યા-જગ્યાએ નાનાં-મોટાં ઝરણાં વહેતાં હોવાથી તેઓને ખાવા-પીવાની કોઇ જ ચિંતા ન હતી.
વાતો કરતા-કરતા આનંદથી સૌ આગળ વધતા હતા. જેમ-જેમ આગળ વધતા હતા. તેમ-તેમ જંગલ ખૂબ જ ગીચ થતું જતું હતું. ચારે તરફ ઊંચા-ઊંચા ગગનચુંબી ફેલાયેલા વૃક્ષો આવતાં હતા. એક-એક વૃક્ષનો ઘેરાવો આઠથી દસ ફુટનો હતો અને ચારે તરફ મોટાં-મોટાં જંગલી વેલાઓ તે વૃક્ષોની ઊંચાઇ પરથી ઠેઠ નીચે જમીન પર લટકતા હતા. જેમ જેમ જંગલના ઊંડાણમાં જતા હતા. તેમ તેમ ગીચ જંગલમાં સૂર્યનો પ્રકાશ પણ એકદમ આછો પડ્યો હતો.
ભયાનક જંગલી પ્રાણીઓની ત્રાડો અને ગીચ અંધારિયું યુગનું જંગલ જંગલી પ્રાણીઓનો તેઓને ભેટો થતો હતો, પણ તેઓ લપાઇ-છુપાઇને આગળ વધી જતાં. ક્યાંક-ક્યાંક વૃક્ષો વચ્ચે લટકતા મોટા-મોટા જંગલી વેલાઓની સાથે ભયાનક અજગરો પણ તેઓને લટકતા જોવા મળતા હતા.
સવારથી બપોર સુધી તેઓ સતત ચાલતા રહ્યા હતા, સૌ થાકીને લોથ-પોથ થઇ ગયા હતા, જંગલની અંદરનું વાતાવરણ ઠંડુ હોવાથી ખાસો વાંધો આવતો ન હતો. બપોરના તેઓ એક નાની ટેકરી પર થાક ખાવા બેઠા. આજુબાજુ થોડાં ફળ જંગલીઓ તોડી લાવ્યા તે ખાધાં અને નજીકમાં વ્હેતા ઝરણામાં ધરાઇને પાણી પીધું ત્યારબાદ ફરીથી આગળ વધ્યા.
ધીરે-ધીરે સૂર્ય પશ્ચિમમાં ઢળતો જતો હતો. સાંજ પડવાની તૈયારીમાં હતી.
‘પ્રલય...આપણે હવે આગળ વધવાને બદલે રાત્રીના છુપાઇ રહેવાની જગ્યા શોધી કાઢવી પડશે...’ એક વૃક્ષના થડ નીચે પડેલા પથ્થર પર બેસતાં કદમ બોલ્યો.
‘હા...સાચી વાતછે. આ ઘોર ભયાનક જંગલમાં એક વાર રાત્રીનો સમય પસાર થઇ ગયો તો પછી કોઇ સ્થળ પણ મળવું મુશ્કેલ છે.’ કદમની બાજુમાં બેસી પડતાં વિનય બોલ્યો.
‘પ્રલયે તરત જંગલીઓને વાત કરી અને રાતવાસો કરવા જેવું સ્થળ શોધી કાઢવા માટે કહ્યું, જંગલીઓ તરત જ આજુબાજુ કોઇ સારું સ્થળ શોધવા નીકળી પડ્યા.
લગભગ અડધા કલાકના સમયે તેઓ પરત ફર્યા અને પ્રલયને સાથે ચાલવા માટેકહ્યું. સૌ જંગલીઓ સાથે આગળ વધ્યા.
આગળ એક ઝરણું વ્હેતું હતું. તેની સામે પાર નાની-મોટી પર્વતમાળાઓ દેખાતી હતી. ઝરણાંને પાર કરી તેઓ પર્વતમાળા પાસે આવ્યા. પર્વતની કંદરાઓમાં ચારે તરફ નાની-મોટી ગુફાઓ કુદરતી રીતે બનેલી હતી. જંગલીઓને સૌને ઝરણાં પાસે બેસવાનું કહ્યું પછી તેઓ ગુફાઓને તપાસવા લાગ્યા અને એક મોટી અને ઊંડી ગુફા તેઓએ શોધી કાઢી, સૌ ગુફાના મોં પાસે આવ્યા, એક જંગલી તરત ગુફાને સાફ કરવા લાગ્યો.
સૂર્યનો લાલચોળ ગોળો ધરતીના ક્ષિતિજમાં ડૂબી રહ્યો હતો. જેમ-જેમ રાતનો સમય થતો હતો. તેમ-તેમ ટાપુ પર ધુમ્મસ છવાતું જતું હતું.
***