પપ્પા પણ આટલી બધી ઉતાવળ શી છે?
કાલે પોતાને જોવાં છોકરાવાળા આવવાના છે એ જાણીને ગુલાબે પૂછેલું.
એના પપ્પાએ એમનું હંમેશનું માયાળુ સ્મિત ચહેરા પર રેલાવીને કહેલું,
“તૂ તો જાણે છેને બેટા તારી મમ્મીની તબિયત હમણાથી સારી નથી રહેતી. તને દુલ્હનના રૂપમાં જોઇને જાય, તું તારે ઘરે ઠરીઠામ થઇ ગઈ છે એમ એના દિલને ટાઢક વળે તો એનો જીવ મુંજાય નહિ. ગમે ત્યારે યમરાજાનું તેડું આવે તો એ હસતા મોઢે એની આગળની ગતિ કરી શકે. એ મારી પત્ની છે આખી જીંદગી આ ઘર માટે ઘસાયા કરી. ક્યારેય કંઈ માંગ્યું નથી હવે આ એની છેલ્લી ઈચ્છા છે એમ કહીને દીકરીના હાથ પીળા કરવાની વાત કરે તો હું એને ના કેમ કહી શકું?”
“બીજું એ કે આજે નહીતો કાલે તારા લગ્ન તો કરવાના જ છે, તો પછી અત્યારે જ કેમ નહિ? સારું ઘર અને વર મળતું હોય અને તને પસંદ આવે એવી વાત હોય તો જ આપણે આગળ વધીશું.”
લાલભાઈ આગળ ગુલાબ ચુપ થઇ જતી. એમના ઠરેલપણા અને હેતાળ સ્મિત આગળ એ કાંઈ ના બોલી શકતી. મમ્મી આગળ સાવ નાની બાળકીની જેમ જીદ કરતી ગુલાબ પપ્પા આગળ આવતા જ મોટી થઇ જતી! મમ્મી એની હરેક જીદ પૂરી કરતી આવી હતી આજ સુધી... પોતે એની એક ઈચ્છા પૂરી ના કરી શકે અને આ દરમિયાન જો એને કંઈ થઇ જાય તો એ પોતાની જાતને ક્યારેય માફ કરી શકશે? ગુલાબ વિચારી રહી હતી.
“તારી જરાય ઈચ્છા ન હોય તો હું એમને ‘ના’ કહેવડાવી દઉં?” લાલભાઈએ હથિયાર હેઠા મૂકી દીધા, સવાલ એમની દીકરીની આખી જિંદગીનો હતો, અહી ઉતાવળ કરે ચાલે એમ જ નહતું. જો થોડીક પણ કસર રહી જાય તો દીકરી જિંદગીભર દુખી થાય અને એવું એની મમ્મી થોડી જ ઈચ્છતી હોય!
“તમે બોલાવી લો એમને.”
ગુલાબ આટલું બોલીને અંદર ભાગી ગઈ. લાલભાઈ સમજ્યા કે છોકરી હવે મોટી થઇ ગઈ અને બાપ આગળ આવી વાત શરમાય છે, હકીકતે ગુલાબ એના માબાપથી જુદા પડવાનું દુખ અનુભવી રહી હતી. એ દિવસ એક દિવસ આવવાનો જ હતો પણ આટલી જલદી આવી જશે એવું નહતું ધાર્યું. એ એની મમ્મી પાસે ગઈ અને બધી વાત કરી. વાત તો એ હસતાં હસતાં જ કરી રહી હતી છતાં એ હસી પાછળની ઉદાસી માનું દિલ જાણી ગયું, આખરે મા કોને કીધી!
“તું ઉદાસ થઇ ગઈ?” મમ્મીના સવાલનો ગુલાબે જવાબ ના આપ્યો. “આટલા વરસો સાથે રહ્યાં પછી દીકરી માટે એનું ઘર, એના માબાપને છોડીને કોઈ અજાણ્યાં ઘરને પોતાનું માનવું આસાન નથી હોતું. રાતો રાત માબાપની જગ્યાએ સાસુ સસરા અને ભાઈ બહેનની જગ્યાએ દિયર અને નણંદ આવી જાય ત્યારે એ સ્વીકારવા મન ના માને એ સ્વાભાવિક છે પણ ધીરે ધીરે પ્રેમથી એક કુશળ દીકરી એ બધા પારકાને પોતાના કરી લે... ને ત્યારે જ એના માબાપના જીવને શાતા વળે! પોતાના કાળજાના કટકાને એમ કોઈ અજાણ્યાં લોકોને હવાલે કરી દેવાનું અમારા માટે પણ બહુ મુશ્કેલ હોય છે, એટલે તો જીવતેજીવ તને સાસરામાં સમાઈ જતી જોવાં માંગુ છું. તારા પપ્પાતો રહ્યાં સાવ ભોળા ભંડારી! કાલે તને કોઈ અગવડ પડે અને હું ના હોઉં તો તું ક્યાં જઈને તારું દુખ વહેંચે? હું હાજર હોઉં ત્યાં સુધી તને પુરતી મદદ કરતી રહીશ.”
“તું કેવી વાતો કરે છે આજકાલ? જા હું તારી સાથે નહિ બોલું!” ગુલાબે અંગુઠાનો નખ દાંતે અડાડી મમ્મીની કિટ્ટા કરી.
“આવડી મોટી થઇ ગઈ પણ હજીય અંદરથી તો નાની બાળકી જ છે! ખાલી શરીર વધ્યું છે, અક્કલ નહિ!”
“હા અને હું તો આખી જીંદગી આવી બાળકી જ બની રહેવાં માંગુ છું. તને બહુ ઉતાવળ આવી છેને મને પરણાવી દેવાની તો કહી દઉં છું કાલે જે આવે એની સાથે પરણશે મારી જુત્તી!”
આટલું કહીને ગુલાબ ઠેકડા ભરતી બહાર ભાગી ગઈ. એને સારું લાગ્યું. થયું કે પોતે ખોટી જ આટલી પરેશાન થાય છે. કાલે છોકરો જોવાં આવવાનો છે, પરણવા થોડો? એને જોઈનેજ ‘ના’ કહી દેવાની! પછી શું કંઈ જબરજસ્તી તો નહિ પરણાવી દેને?
એ ઘરની બહાર નીકળી અને એમની બાજુમાં જ આવેલા વનિતામાસીના ઘરે ગઈ. વાતવાતમાં એણે એમને આખી વાત જણાવી. પોતે છોકરાને ‘ના’ જ કહેવાની છે એ પણ કહી દીધું. એ સાંભળીને બીજા રૂમમાં પડ્યો પડ્યો પોતાના આગળના અભ્યાસની તૈયારી કરતો માધવ ખુશ થઇ ગયો. એને થયું કે ગુલાબ પણ પોતાને પસંદ કરે છે એટલેજ બીજા કોઈ પણ મુરતિયાને પરણવાની ‘ના’ કહે છે. એણે મનોમન ગુલાબને વચન આપ્યું કે થોડોક જ સમય રાહ જો પછી હું જ તારો વર બનીને આવી પહોંચીશ. તારું સાસરું અને પિયરીયું બંને બાજુ બાજુમાં, જરાય ચિંતા જ નહિ. આપણે બને સાથે મળીને આપણા માબાપને ખુબ ખુશ રાખીશું.
દિવાસ્વપ્નો! એ જોવામાં ક્યાં કોઈ ટેક્ષ લાગે છે? જેટલી મરજી પડે એટલા જુઓ. આ દુનિયામાં સપના ના હોત તો શું થાત? દિવસે જોયેલાં સપના સાચા થઇ શકે જો એને સાચા કરવા પુરતી મહેનત કરવામાં આવે નહીતર તો મનની મનમાં જ રહી જાય, એક મીઠી તો ક્યારેક કડવી યાદ બનીને...હૃદયના કોઈ ઊંડા ખૂણામાં દફન!
ગુલાબ ઘરે આવી જમી પરવારીને એની મમ્મી પાસે આવીને આડી પડી. આજ એની કાયમની ઊંઘવાની જગ્યા. મમ્મીની સોડ વગર એને ઊંઘ જ ના આવે. એ જાગતી હતી છતાં આંખો મીચીને પડી રહી. મમ્મીએ એકવાર બોલાવી હતી પણ પોતે જ જવાબ નહતો આપ્યો, રખેને પાછી એ સલાહ આપે કાલે છોકરો જોવાં આવે એટલે આમ કરવાનું, તેમ કરવાનું! પુષ્પાબેન દવાની અસર હેઠળ તરત જ સુઈ ગયેલા. ગુલાબે ધીમે રહીને પડખું બદલ્યું અને આંખો ખોલી. એના પલંગની સામે જ બારી પડતી હતી. એ બારીમાંથી ચાંદ દેખાતો હતો. ગુલાબ એ ચાંદને એકીટશે જોઈ રહી. એણે વાંચેલું કે ચાંદની અંદર બધાંને એમના પ્રિયતમની ઝાંખી થાય! એને તો આજ સુંધી એવું ક્યારેય નહતું થયું. પોતાને કોઈ પ્રિયતમ જ ક્યાં હતો હજી સુંધી? પોતાનો પતિ જે બનશે એજ એનો પ્રિયતમ. ત્યાં જ ફરી પાછો પેલો અવાજ સંભળાયો, સંમોહિત કરી દેનાર મધુર અવાજ!
“એય હું તારો કોણ છું હેં? તારો પતિ ફતી જે બને એ પણ પ્રિયતમ તો હું જ રહેવાનો! યાદ રાખજે. એટલું આસાન નથી મારાથી પીંછો છોડાવવાનું.”
ગુલાબના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. ચાંદની અંદર એણે એક ચહેરો આકાર લેતો જોયો. સ્પષ્ટ નહતો દેખાતો, પણ દેખાતો હતો! લાંબી ભાવવાહી આંખો અને હોઠો પર રમતું સ્મિત! બસ, એટલી જ એની ઓળખાણ થઇ. એણે એક હાથે એનો અંબોડો છોડી નાખ્યો અને એના કાળા ભમ્મર, ચમકતા વાળ ઓશિકા પર થઈને નીચે લહેરાવા દીધા. એણે મહેસુસ કર્યું કે એ ચાંદ પરનો માણસ નીચે ઉતરી આવ્યો છે, એણે આંખો બંધ કરી, બહારથી આવેલો ઠંડો પવન બારીમાં થઈને સીધો અંદર ધસી આવ્યો અને એના પલંગ પરથી નીચે જમીન સુંધી લંબાતા વાળને હવામાં અધ્ધર થોડીવાર માટે ઉડાડી ગયો. ગુલાબે ધાર્યું કે એનો સાજન આવ્યો અને એના મુલાયમ વાળને પોતાના હાથોમાં લઈને હળવે હળવે ચૂમી રહ્યો ચ્હે... ગુલાબના આખા શરીરમાં એક હળવી ઝણઝણાતી પસાર થઇ ગઈ. એ હવે આગળ વધ્યો અને ગુલાબના વાળ છોડીને એના માથામાં આંગળીઓ ફેરવી રહ્યો. ગુલાબ મનમાં જ બોલી, કાલે સવારે વહેલા ઉઠવાનું છે. સુઈ જવા દે હવે. ત્યાં કોઈ ન હતું તોય ગુલાબને બંધ આંખે કોઈ દેખાતું હતું...એનો સાજન..!
ક્રમશ...
©Niyati Kapadia.
(મારી જાણ બહાર ક્યાંય પણ મારા લખાણનો ઉપયોગ કરવો એ કાયદાકીય અપરાધ છે.)