પ્રકરણ -2
મગજ બરાબરનું ફેરવી નાખ્યું આણે.... લાગી રહ્યું છે કે જાણે સંયુક્ત રાષ્ટ્રસંઘનો તમામ કાર્યભાર મારાં માથે આવી ગયો...... પણ હું શું કરું હવે?.....
અરે વેદ, આવું તે કંઈ હોતું હશે, ભાઈ? જે વૈદેહીને તું ઓળખતો જ નથી જ તેને માટે આટલે દૂર જઈશ? આ પત્ર લખનાર પણ અઘરો માણસ છે! એ કહે છે કે પોતે મને પણ ઓળખે છે અને વૈદેહીને પણ. ભૈલા, જો તું વૈદેહીને ઓળખે છે તો પછી તું જ તેને મદદ કર ને. મને કેમ આટલે દૂર દોડાવે છે? ને યાર, આખા દેશમાંથી હું જ કેમ? બીજું કોઇ જ ના જડ્યું એને? મારે બીજા કામ નથી? મારો પરિવાર નથી? મેં કંઈ રાષ્ટ્રીય સ્તરે જનસેવા કરવાની મહાપ્રતિજ્ઞા લીધી છે? દેશના કોઈપણ ખૂણે, કોઈનેય, કંઈપણ મદદની જરૂર હોય તો મારો સંપર્ક કરવો! ના ભાઈ, ના! ભમરાહ જવું જ નથી. આ બધું–ટ્રેનની ટિકિટ પણ સળગાવી જ દઉં. અરે હા,.... આ માણસે તો ટ્રેનની ટિકિટ પણ કઢાવી આપી છે અને બસભાડુ પણ મોકલી આપ્યું છે. વળી, ભમરાહમાં સવારે ચા-નાસ્તાનો જે ખર્ચ થશે તેને માટે પણ રૂપિયા મોકલ્યા છે અને મારે ભમરાહ કઈ રીતે પહોંચવું એનું સંપૂર્ણ આયોજન પણ કરી આપ્યું છે. તો શું..... એણે આટલી મહેનત કરી એટલે મારે જવાનું જ? આ બધું કરતા પહેલાં એણે મને પૂછવું તો જોઈએ ને. મારે શું કરવાનું છે એનો નિર્ણય લેનાર એ કોણ? મારે જવું જ નથી.... થઈ ગયો નિર્ણય... આ ‘આયોજક’ને જે લાગવું હોય તે લાગે. આમ કંઈ થોડું કોઈકના ઘરે પત્ર મોકલીને કહી દેવાય કે જાઓ મધ્યપ્રદેશ? આ તો કંઈ રીત છે, યાર?
પણ.... આયોજક આ બધું કેમ કરે છે? આમાં એનો કોઈ સ્વાર્થ છે? એ તો વૈદેહી માટે આ બધું કરે છે. પણ વૈદેહી સાથે એનો શું સંબંધ છે? વૈદેહીને મદદ કરવામાં એને પોતાને પણ લાભ થવાનો હોય એવું બની શકે. ના, જો એને લાભ થવાનો હોય તો એ અન્ય કોઈને આમાં ઘૂસવા જ ન દે. હું મદદ કરવા જઉં તો એમાં એને યશ ન મળે ને. હા, મને ભમરાહ લાવવાનો યશ ચોક્કસપણે તેને જ મળે. તો પછી એને બધો યશ કેમ નથી લેવો? મને જે કામ સોંપાયું છે એમાં બહુ મોટુ જોખમ હોય તો? એટલે ભાઈ પોતે એ કામ કરવાની હિંમત ન કરતાં હોય. તો એણે મારા પર વિશ્વાસ કેમ મૂક્યો? મારામાં કોઈ વિશિષ્ટ શક્તિઓ છે? મારામાં ભગવાન ભાળી ગયો છે એ? કે પછી એ મને ‘ટ્રાય’ કરી રહ્યો છે? પણ મને જ કેમ? વારંવાર આ પ્રશ્ન આવીને ઊભો રહે છે.
હું વૈદેહીને પત્ર લખું? મારે એને જે વાત કહેવાની છે એ એમાં લખી મોકલું. વૈદેહીનું ચોક્કસ એડ્રેસ મારી પાસે નથી પણ ભમરાહ બહુ મોટુ ગામ નહિ હોય. એવું..... .... ન કરાય. જે ગામમાં બસ પણ નથી જતી એ ગામમાં ટપાલ ક્યારે પહોંચશે? ને એય પાછું શંખેશ્વરથી છેક ભમરાહ. ટપાલ મોડી પહોંચે એમાં તકલીફ એ છે કે, ટપાલ પહોંચે એ પહેલાં વૈદેહી કંઈક કરી બેઠી હોય.
ભાઈ વેદ, ટપાલ મોકલવાથી કામ થઈ જાય એવું હોત તો આયોજકે સીધી વૈદેહીને જ ટપાલ ન મોકલી હોત! મને ક્યાં વચ્ચે લાવવાની જરૂર હતી? વળી, મારે કોઈક ડૉક્ટરની દીકરીને પણ સાચવવાની છે. શું નામ એનું..... વૃંદા. એ પણ મને ઓળખતી નહિ હોય. ત્યાં જઈને મારે એને કહેવાનું શું? ‘હું છેક ગુજરાતથી તને સાચવવા માટે આવ્યો છું’ એવું કહેવાનું? જબ્બર કહેવાય.... એકને બચાવવાની અને બીજીને સાચવવાની! ને એના માટે મધ્યપ્રદેશ જવાનું! હા, ભમરાહ કેવું ગામ છે એનો જરા સરખો અંદાજ પણ નથી મને. ત્યાંનાં લોકો કેવા હશે? ભમરાહ.... નામ તો જો! પત્રમાં લખ્યું છે કે એક પર્વત ફરીને જવાનું છે અને પછી નદી આવશે. એટલે ત્યાં જંગલ પણ હોય જ. એટલે બસ ક્યાંથી જાય? બસ તો શું, કોઈ વાહન નહિ જતું હોય. તો જ આયોજક ચાલતાં જવાની વાત કરે ને! ક્યાંય દૂર આવેલું ગામ..... કોઈ વાહન પણ ત્યાં નથી જતું..... પર્વતો.... નદી...... જંગલ........ અલ્યા, આ વૈદેહી કરે છે શું એવામાં?
પણ હું નહિ જઉં તો ત્યાં ઘણુ બધું અનપેક્ષિત બની જશે. વૈદેહી મરી જશે. મારે ત્યાં જવું જોઈએ. મારી મદદથી કોઈનો જીવ બચતો હોય તો મારે ત્યાં જવું જ જોઈએ.
પણ.....
શું કરું?.........
વેદ, માનસિક સંતુલન ગુમાવી રહ્યો છે તું..... સંભાળ...... સંભાળ.....
આમ તો મારી પાસે વિચારવાનો સમય છે. હું તો એવી રીતે વર્તી રહ્યો છું જાણે હમણાં ને હમણાં નિર્ણય લઈ લેવાનો હોય! કેટલો સમય છે?..... ૨૭મી નવેમ્બર સુધીને સમ-......... અરેરે!...... ૨૭મી નવેમ્બર, ૨૦૧૫ તો આજે જ છે!..... આજે રાત્રે ૮.૪૦ કલાકે વિરમગામથી ટ્રેન ઉપડવાની છે. હું તો હજી શંખેશ્વરમાં બેઠો છું...લોકલ બસમાં જવું હોય તો અહીંથી વિરમગામ પહોંચતા બે કલાક તો થાય. બસ-સ્ટેન્ડ અહીંથી દોઢ કિલોમીટર દૂર છે. હજી તો સામાન પણ ભરવો પડશે. એ બધી ગણતરી કરીએ તો, મારે ૬.૩૦ પહેલાં શંખેશ્વરથી રવાના થવુ પડે, જે માટે ૬.૧૫ પહેલાં ઘરેથી નીકળવું પડે. હા, વિરમગામ જતી એક બસ ૬.૩૦ કલાકે શંખેશ્વરથી ઉપડે છે. અત્યારે શું સમય થયો..... કાંડા-ઘડિયામાં જોયું...... ૫.૪૮..... મરી ગયા!!!
ગાંડો થઈ ગયો હું...... વેદ પાગલ થઈ ગયો..... ડાગળી ચસકી ગઈ.......
ટટ્ટાર બેઠો. આંખો બંધ કરી. ઊંડો શ્વાસ લીધો..... છોડ્યો..... ફરી ઊંડો શ્વાસ લીધો...... છોડ્યો...... ફરી ઊં-
“આ ફોટો કોનો છે, વેદ?” પપ્પાનો અવાજ.
“હેં?” મારી આંખો ખૂલી ગઈ..... શ્વાસ અટકી ગયો..... મોં ખુલ્લુ રહી ગયું......
પપ્પાના હાથમાં વૈદેહીનો ફોટો છે.....
“કોણ છે આ છોકરી?”
“પપ્પા એ.....”હું અટક્યો.
પપ્પા આગળ ખોટું બોલીશ? ના. પપ્પાને તો બધું કહી દઉં. તેઓ કંઈક રસ્તો દેખાડશે. પપ્પાને જ પૂછી લઉં કે શું કરવું જોઈએ.
“પપ્પા, બહુ મોટી સમસ્યા આવી પડી છે.”
“શું થયું, બેટા?” તેઓ મારી બાજુમાં બેઠા.
મેં ખૂબ જ ઝડપથી બધી વાત તેમને કહેવાની શરૂ કરી. પત્રોમાં લખેલી વાત એકદમ સંક્ષેપમાં મેં પપ્પાને જણાવી દીધી. પપ્પા વિચારમાં પડ્યાં. મેં સમય જોયો- ૫.૫૬
પપ્પા શાંત સ્વરે બોલ્યા-
“જો બેટા, તું કોઈનેય મદદરૂપ થવાનું ક્યારેય ટાળતો નથી. તું સમાજસેવાના નામે બડાઈ હાંકવાને બદલે થાય તેટલી મદદ કરીને સામેની વ્યક્તિનો વિશ્વાસ અને સ્નેહ પામવાનું પસંદ કરે છે. હા, જાણું છું કે આ વખતે પરિસ્થિતિ અટપટી છે. આ કામ જોખમી પણ છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ આ કામ ન કરે. આટલું જોખમ કોઈ ન ખેડે. પણ તારાં જવા કે ન જવા પર કોઈકના જીવન-મરણનો આધાર છે. વળી, તું નહિ જાય તો પણ તું આના વિચારોમાંથી બહાર નહિ આવી શકે. વૈદેહીનું શું થયું હશે એ પ્રશ્ન તને સતત મૂંઝવતો રહેશે. વૈદેહીની સમસ્યા શું હતી? આ પત્ર કોણે મોકલ્યો હતો? એણે તને જ કેમ પસંદ કર્યો હતો? એ તને કેવી રીતે ઓળખે છે? વેદ, આ બધાં પ્રશ્નો તને સતાવશે કે નહિ? તારી ઊંઘ હરામ થઈ જશે. તારાં અને વૈદેહીનાં બધાં પ્રશ્નો ઉકેલવા માટે તારે જવું પડશે. તું શુભ હેતુથી જઈ રહ્યો છે. બધું બરાબર થઈ જશે. દુનિયા ઘણી સારી છે એવું તું જ તો સૌને કહેતો ફરે છે, બેટા! મારું કહેવું તો એમ જ છે કે તારે જવું જોઈએ. પછી તને જે યોગ્ય લાગે તે કર. આ યાત્રા થકી સમજણયાત્રામાં તને ગતિ મળે એની શક્યતાઓ ઘણી વધારે છે.”
પપ્પાની વાત સાચી છે. મારે જવું જોઈએ.
“પણ મમ્મી....” મેં પૂછ્યું.
“હું સંભાળી લઈશ.” પપ્પા ખુશ થઈને બોલ્યા- “એટલે તેં જવાનો નિર્ણય કરી લીધો!”
“હા, પપ્પા!”
“તો હવે ઝડપ કર, બેટા. તારો થેલો તૈયાર કર. પછી આપણું બાઈક લઈને બસ-સ્ટેશન જા. નસીબજોગે ૬.૩૦ની બસ છે જ. બાઈકની ચાવી કનુભાઈના ગલ્લે આપી દેજે. બસમાં બેસી જાય એટલે મને રિંગ કરી દેજે. પછી હું તારી મમ્મીને કંઈક બહાનું દેખાડી દઈશ તારા જવાનું.”
હું પપ્પાને ભેટી પડ્યો. તેઓ મારી પીઠ થપથપાવીને બોલ્યા-
“જા દીકરા, બધું સુખરૂપ પાર પડશે.”
અમે છૂટા પડ્યાં. મેં સમય જોયો- ૬.૦૪
ઝાટકા સાથે હું ઊભો થયો. મારી કોલેજબૅગ લીધી. બધી ચેઈન્સ ખોલી નાખી અને બૅગ ઊંધી કરી. બૅગમાંથી જે ઠલવાયું તે બધું એક બાજુમાં મૂક્યું. પપ્પા રસોડામાં જઈ આવ્યા. મને કહ્યું-
“તારી મમ્મી એની બહેન જોડે ફોન પર વાત કરે છે. વાંધો નહિ આવે. જલદી કર. તું તારાં કપડાં ભરી લે, હું બીજી પરચૂરણ વસ્તુઓ લાવું છું.”
જાણે ટાઈમ-બોમ્બ ફૂટે એ પહેલાં બૅગ ભરીને અહીંથી ભાગવાનું હોય ને એવી ઝડપથી અમે કામે લાગ્યાં. બે જોડી કપડાં, ટુવાલ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ઊલિયું, ઉષ્માનો વિનિમય ન થવા દે તેવી બૉટલ, મોબાઈલ-ચાર્જર, પાકીટ, બૅલ્ટ, ATM કાર્ડ, હૅરઓઈલ, કાંસકો અને ટ્રેનની ટિકિટ બૅગમાં ભરીને હું નીકળવા માટે તૈયાર થયો. ઠંડીથી બચવા માટે જૅકેટ પહેર્યું. પાણીની બીજી એક બૉટલ મને આપતાં પપ્પા બોલ્યા-
“લે, થોડું પાણી પી લે. બાઈક ધીમે ચલાવજે.”
હું ફરી પપ્પાને ભેટ્યો. બાથમાંથી છૂટા પડીને તેમણે કહ્યું-
“સાચવજે, દીકરા.” પછી સહેજ હસીને બોલ્યા- “ને વૈદેહી પરણેલી ન હોય તો.... ગોઠવતો આવજે!”
“શું પપ્પા તમેય.....”
મેં સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં. સમય જોયો- ૬.૨૦ ....... બાઈક સ્ટાર્ટ કર્યું..... ઉપડ્યો......
સંસ્થાની બહાર નીકળીને રૉડ પર આવ્યો. ઍક્સલરૅટર જાણે આપોઆપ જ વધારે ફરી ગયું! જોરદાર સ્પીડ પકડાઈ. બે કાર, ચાર બાઈક, બે ટ્રૅક્ટર અને એક ટ્રકને ઓવરટૅક કરીને તથા એક સાઈકલવાળાને અથડાતાં માંડ બચીને હું બસ-સ્ટેશને પહોંચ્યો. એક ખૂણામાં બાઈક પાર્ક કરીને મેં બસ-સ્ટેશનમાં નજર દોડાવી. વિરમગામની બસ દેખાઈ. દોડીને કનુકાકાના ગલ્લે ગયો. ભીની માટી જેવા રંગની ચામડીવાળા કનુકાકાને ચાવી આપતાં કહ્યું-
“કાકા, અમારા બાઈકની ચાવી છે. પપ્પા લઈ જશે.”
“પણ ચઈ બાજ મેલ્યું હ બાઈક?”
“પેલું પડ્યું....” બાઈક તરફ આંગળી કરીને મેં કહ્યું.
“હા, એટલઅ હોર રાખુ ન પાસી.”
“હા, બરાબર છે. ચાલો, આવજો.” હું ત્યાંથી નીકળ્યો.
અહીં ‘હોર’ શબ્દ ‘સંભાળ’ કે ‘કાળજી’ના અર્થમાં પ્રયોજાય છે.
હું બસમાં ચડ્યો. બારી પાસેની એક ખાલી સીટ શોધીને બેઠો. કંડક્ટરે ઘંટડી વગાડી. બસ ઉપડી....
બૅગ ઊતારીને બાજુમાં મૂકી. મોબાઈલ કાઢીને પપ્પાને ‘રિંગ’ કરી. મોબાઈલ પેન્ટના ખીસામાં મૂકીને મેં બારી બહાર નજર કરી. શિયાળાની સાંજના સાડા છ પછીનું શંખેશ્વર દેખાઈ રહ્યું છે. દુકાનો, લારીઓ, વેપારીઓ, ગ્રાહકો, જૈન યાત્રાળુઓ,.... આશા રાખું કે શંખેશ્વર પાછો આવી શકું.....
બસ શંખેશ્વરની બહાર આવી. પરબીડિયાના વિચારો ચાલવા લાગ્યાં. અરેરે! એ બધું સળગાવવાનું હતું..... ઉતાવળમાં રહી ગયું..... મોબાઈલ કાઢીને પપ્પાને ફોન જોડ્યો....
“પપ્પા...”
“હા, વેદ....” પપ્પાનો અવાજ આવ્યો- “તારી મમ્મીને કહી દીધું છે!”
“પપ્પા...” હું ગભરાયો- “શું કહ્યું?”
“હા, તારે વિજ્ઞાનની એક શિબિરમાં જવાનું થયું છે એ તારી મમ્મીને કહી દીધું..... તું ચિંતા કર્યા વિના શાંતિથી જા... હોં.... ”
“અરે..... ઓહ!” હું સમજ્યો. બોલ્યો- “કાગળિયા સળગાવવાના રહી ગયા છે, પપ્પા.”
“એ ફાઈલ તો ક્યારનીય તૈયાર થઈ ગઈ છે. હા, કામ પતી ગયું એ.....” ફોન મૂકાઈ ગયો.
“બોલો, ક્યાં જવાનું છે?” કંડક્ટરે પૂછ્યું
“વિરમગામ.” કહીને મેં રૂપિયા કાઢ્યા.
ટિકિટ લીધા બાદ ફરી હું બારી બહાર જોઈ રહ્યો. સૂરજ આથમી ગયો છે. અજવાળુ સંપૂર્ણપણે દૂર નથી થયું. આછાં પ્રકાશમાં પાછળ દોડી જતાં વૃક્ષો જોઇ રહ્યો છું.
વૈદેહી..... છે કોણ આ છોકરી? શું સમસ્યા ઉદ્ભવી છે તેના જીવનમાં? હું ત્યાં જઈશ એટલે બધું બરાબર થઈ જશે? એ એક વાક્ય સાંભળવાથી એને એની સમસ્યાનું સમાધાન મળી જશે? વળી, ડૉ. વિનય કોણ છે? વૈદેહી સાથે એમનો શું સંબંધ છે? એમની દીકરી વૃંદાને આ બધી સમસ્યાઓથી દૂર કેમ રાખવાની? ને એ જવાબદારી મારા માથે કેમ? વૈદેહી અને વૃંદા ગુજરાતના છે? આમેય, મધ્યપ્રદેશની શાળાઓમાં ગુજરાતી તો ન ભણાવાતું હોય ને! પણ એ લોકો ભમરાહ શું કરવા ગયા? વૈદેહી એકલી છે ત્યાં? એટલે કે તેનો પરિવાર ભમરાહમાં નથી? વૃંદાના પિતાનો ઉલ્લેખ પત્રમાં હતો પણ તેઓ ભમરાહમાં છે એવું કંઇ નહોતું લખેલું. તો શું આ બંને છોકરીઓ એકલી છે ત્યાં? એકેય મુદ્દા વિશે કંઈ જ અનુમાન લગાવી શકાતું નથી.
‘આયોજક’ પણ વિચિત્ર છે. એક વાક્ય કહેવા માટે આટલે દૂર મોકલે છે મને! અલ્યા, હું કંઈ કબૂતર છું? મસક્કલી... મસક્કલી....... ઊડ મટક્કલી..... મટક્કલી....! અને હા, આ આયોજકે એવું કેમ કહ્યું કે આ વાત કોઈનેય કહેવાની નથી? આમાં ખાનગી રાખવા જેવુ શું છે? હું કોઈ જાસૂસી મિશન પર નથી જઈ રહ્યો તે..... એ..... ખરેખર? ના...... અરે હા..... આ કોઈ ખાનગી મિશન છે..... એવું ન હોય. કેમ ન હોય? એવું જ છે. નહિ તો આયોજક શું કામ આટલી તકેદારી રાખતો હોય? તે પોતાની ઓળખ ગુપ્ત કેમ રાખે છે? તેણે પત્રમાં પોતાનું નામ કે સરનામું કેમ નથી લખ્યું? કોઈ જોખમી કામ હશે? પણ..... આ મિશન કોઈ શુભ હેતુથી થઈ રહ્યું હશે કે પછી...? મને આમાં ફસાવવામાં આવી રહ્યો હશે તો? આ કોઈ કાવતરું હશે તો?......
દુનિયા ઘણી સારી છે. જે થશે એ સારા માટે જ થશે........
(ક્રમશઃ)