ચિત્રનગરીની સફરે
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-8)
એક દિવસ છાપું વાંચતો હતો. અચાનક ઘ્યાન એક એવા સમાચાર તરફ ખેંચાયું, જે વાંચીને આનંદ થયો. સમાચાર હતા, ‘શહેરના ટાઉનહોલમાં ચિત્રનગરીનું આયોજન. એક નવલોહિયા ચિત્રકારનાં ચિત્રોનું પ્રદર્શન. જે ચિત્રોના દીવાના બન્યા છે શહેરના લોકો. એ ચિત્રકારનું નામ છે : રતિ રાઠોડ.'
મને પણ મન થયું. હું પણ ગયો ટાઉનહોલમાં. એક પછી એક ચિત્રોનું નિરીક્ષણ કરતો જતો હતો. મનમાં થતું હતું, ચિત્ર દોરવાની આ હથોટી તો હું જાણતો હોઉં એમ કેમ લાગે છે! વળી થયું, હશે! ભ્રમ થયા કરે! આમ વિચારીને આગળ વધતો હતો. એક તરફ યુવક-યુવતીઓનું ટોળું એક યુવાનને ઘેરીને ઓટોગ્રાફ-ઓટોગ્રાફનો શોર કરતું હતું. પણ મને તો ચિત્રો જોવામાં જ રસ હતો. એટલે હું તો તે જોવામાં મશગૂલ હતો. ત્યાં તો મારા પગમાં આંચકો લાગ્યો. મેં જરા ગભરાટમાં પગ તરફ જોયું. તો આ શું? તે યુવાન મારા પગ પકડીને બેસી ગયો હતો. ત્યાં રહેલ બધા તેને જોઈને ઊભા રહી ગયા હતા. મેં તે યુવાનને ઊભો કર્યો.
મેં કહ્યું, ‘‘આ શું, ભાઈ?''
તે કહે, ‘‘તમે તો છો મારી આ દુનિયાના સર્જક.''
મેં પૂછયું, ‘‘હું તો તને ઓળખતો પણ નથી. તો તું આવું કેમ કહે છે?''
તે બોલ્યો, ‘‘તમે મને સારી રીતે ઓળખો છો. મારું નામ પણ તમારા કોઈ સર્જનમાં છે.''
મેં કહ્યું, ‘‘મને ઉખાણાં બહુ ઓછાં ફાવે છે. એટલે એ રહેવા દે!''
તેણે જવાબ આપ્યો, ‘‘અરે, રામોલિયાસાહેબ! હું તમારી પાસે ભણતો હતો તે - રતિયો રાજાભાઈ રાઠોડ.''
આ સાંભળીને મને તરત ઝબકારો થયો. મારાં ર૮ પુસ્તકોમાંથી ત્રીજા નંબરનું પુસ્તક - મારો હઝલસંગ્રહ - ‘મારી બલા'. મારે તેમાં કાર્ટુનચિત્રો મૂકવા હતાં. ત્યારે આ રતિયો સાતમા ધોરણના મારા વર્ગમાં હતો. એકદમ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાંથી આવે. દુઃખની વાત એ હતી, કે તેને વાંચવા-લખવા સાથે વેર હતું. પણ ચિત્રો સરસ દોરતો. મેં તેને કાર્ટુન દોરવાની વાત કરી. તે બોલ્યો હતો, ‘‘મને કાર્ટુન દોરતા ન આવડે.'' મેં કહ્યું, ‘‘હું તને રસ્તો દેખાડતો જઈશ.'' અને આ રીતે કાર્ટુન દોરવાનું શરૂ થયું. શરૂઆતમાં કોઈ નમૂના દેખાડતો અને એ રીતે દોરાવતો. પછી તો હું વર્ણન કરી દઉં ને એ દોરી નાખે. એક દિવસ એ બોલ્યો હતો, ‘‘સર! તમે તો મને કાર્ટુન દોરતા શીખવી દીધું!'' આમ, મારા એ પુસ્તકની દરેક હઝલ સાથે મૂકેલ કાર્ટુન આ રતિયાએ જ દોરેલ. મેં તેને થોડી રકમ આપી તો તે રાજી-રાજી થઈ ગયો. તે સમયે મેં તેને કહ્યું હતું, ‘‘તારામાં ચિત્રકામની આવડત ખૂબ છે. વાંચતાં-લખતાં શીખી જા અને ભણવામાં ઘ્યાન દે! પછી આગળ ભણીને ચિત્રશિક્ષક બની જાજે. તું તારી ગરીબાઈમાંથી બહાર નીકળી શકીશ.'' સમય ઉપર જાણે ઘણાં ઝાળાં બાઝી ગયાં હતાં. નાના બાળકમાંથી તે યુવાન બની ગયો હતો અને રતિયોમાંથી રતિ બની ગયો હતો. એટલે ઓળખવામાં તકલીફ થઈ હતી.
મેં પૂછયું, ‘‘કેટલું ભણ્યો? કયાં નોકરી કરશ?''
તે બોલ્યો, ‘‘સાહેબ, ભણવા સાથેનું વેર તો ગયું નહિ. પણ તમારા પ્રોત્સાહનના શબ્દોએ મને મારી ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડી દીધો. ચિત્રકામમાં ઘ્યાન આપવા લાગ્યો અને તેમાં આગળ વધી ગયો. ખૂબ પ્રસિદ્ધિ મળી.'' પછી ધીમેથી મારા કાન પાસે બોલ્યો, ‘‘સર! મારા ચિત્રોના દીવાના અને ઓટોગ્રાફ લેવા પડાપડી કરતાં આ લોકોને એ ખબર નથી કે, મને પૂરું વાંચતાંય આવડતું નથી.''
પછી મેં કહ્યું, ‘‘એ બધું મૂક! પણ તારી કળાને તેં ખૂબ ઉજાગર કરી છે. હું તો ખૂબ હરખાઈ ગયો છું. શાબાશ, દીકરા શાબાશ!''
- ‘સાગર' રામોલિયા