64 Summerhill - 95 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 95

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

64 સમરહિલ - 95

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 95

તબેલા પર છાપો માર્યા પછી ય નિષ્ફળ ગયેલો મેજર ક્વાંગ યૂન હવે મરણિયો બન્યો હશે તેમાં કોઈ શંકા ન હતી. તબેલા સુધી એ પહોંચ્યો તેનો એક જ અર્થ થાયઃ કેસીના ચક્રવ્યુહમાં કોઈક રીતે ઘૂસ મારવામાં એ સફળ થયો હતો.

કેસીએ જૂની તમામ લિન્ક વિખેરીને નવા લોકોને કામે વળગાડી દીધા હતા. લાકાન્ગ મોનેસ્ટરી તરફ જતા હાઈ-વે પર આવેલ આ મકાન તેણે સત્વરે ખાલી કરવાનું હતું. પ્રોફેસરનો સામાન પેક થયો એ પહેલાં છપ્પન, ઝુઝાર, હિરન અને તાન્શીને મુક્તિવાહિનીના બીજા આદમીઓ સાથે રવાના કરી દેવાયા હતા.

શ્ત્સેલિંગ્કા તરીકે ઓળખાતી ટેકરી એ વિરાટ, ભવ્ય પોતાલા પેલેસનો એક હિસ્સો હતી. શોટોન ઉત્સવને લીધે સ્વાભાવિક રીતે જ અહીં ભારે કડક બંદોબસ્ત હતો. એ લોકોએ અહીં પહોંચતા પહેલાં ફરીથી શોટોન કલાકારોનો સ્વાંગ સજી લેવાનો હતો.

એ ટીમ રવાના થઈ તેના એક કલાક પછી જૂના મોડેલની ફોર્ડ ગાડી આવી અને કેસી તેમાં આગળ બેઠો. બૌધ્ધ સાધુ જેવા ઉપરણા-દુશાલામાં સજ્જ પ્રોફેસર અને ત્વરિત પાછળની સીટ પર ગોઠવાયા. આગળ જતા એ કાફલાની સાથે બીજાય ત્રણ-ચાર વાહનો જોડાયા.

વિહાર પૂર્ણ કરીને પુનઃ લાંબા એકાંતવાસ પર જઈ રહેલા લામાના કાફલા જેવો એ દેખાવ હતો. અગાઉ ઝેંગ્પાના મઠમાં થયેલી ઊઠાંતરી જાહેર થઈ ગઈ હોય તેમ ધારીને કેસીએ પગપાળા કે બસની મુસાફરી ટાળી હતી.

લ્હાસાની મુખ્ય સડક ઉતરીને ગાડી નામ-કૂ સરોવર તરફ આગળ વધી. સરોવર વટાવ્યું ત્યાં સુધીમાં દેખાડા માટે સાથે જોડેલા વાહનો એક પછી એક દૂર થતા ગયા અને સરોવર પાછળની ટેકરીઓ તરફ રિન્દોમ મઠ દેખાયો ત્યારે સડકના વળાંક પર ઊભેલા સફેદ વસ્ત્રો પહેરેલા એક બૌધ્ધ ભીખ્ખુએ ગાડી થોભાવી.

'ભારતથી આવેલા પ્રોફેસરનું આ વાહન છે?' કેસીએ કાચ ઉતાર્યા કે તરત અંદર મોં ખોસીને તેણે પૂછ્યું ત્યારે જાણે વીજળી પડી હોય તેમ સન્નાટો વિંઝાઈ ગયો હતો. કિરમજી ઉપરણમાં મોં છૂપાવવા મથતા પ્રોફેસર અને ત્વરિતના ચહેરા પર ફડકની રેખાઓ ઉપસી આવી હતી. આઘાતથી બહેર મારી ગયેલો કેસી નેફામાંથી ગન કાઢે એ પહેલાં જ એ ભીખ્ખુએ એવા જ નિર્દોષ અવાજે ઉમેરી દીધું હતું, 'રિન્દોમ લામાએ પોતે જ સ્વાગત માટે મને અહીં ઊભો રાખ્યો છે!!'

'રિન્દોમ મઠમાં આપનું સ્વાગત છે...'

ખરલમાં ઘૂંટાતા પથ્થરના અવાજ જેવા ખરબચડા સ્વરે પાકટ વયના લામાએ તેમને આવકાર્યા ત્યારે સૌ સ્તબ્ધ થઈને તેમને જોઈ રહ્યા. અત્યાર સુધી પ્રોફેસરના મોંએ જેના વિશે ફક્ત વાતો જ સાંભળી હતી એ વિદ્યાઓના જીવંત અનુભવથી દરેકના હૈયામાં ધ્રાસ્કા પડવા માંડયા હતા.

'તમને ધ્રાસ્કો પડે છે એ હું સમજી શકું છું...' આગળના બે દાંત પડી ગયા હતા. ઉચ્ચાર સ્પષ્ટ થતા ન હતા. છતાંય વૃધ્ધ લામાના અવાજમાં રહેલું હેતાળપણું અછતું રહેતું ન હતું, 'સાધારણ રીતે હું સામે બેઠેલી વ્યક્તિના વિચારો વાંચીને તેમને ચોંકાવી દેવાનું પસંદ કરતો નથી પણ પ્રોફેસર એ વિદ્યાના એક્સપર્ટ છે અને એ હેતુથી જ આવ્યા છે એટલે કહી રહ્યો છું.'

'આમ તો આવનારા લોકો પરિચય આપે અને પોતાના આગમનનો હેતુ કહે એવો શિષ્ટાચાર હોય છે પણ અહીં તેની જરૃર નથી...' તેમણે ખડખડાટ હાસ્ય વેર્યું, 'એટલે પહેલાં હું મારો પરિચય આપી દઉં. મારૃં નામ રિન્દેમ નામલિંગ. તમે અહીં આવવા વિશે વિચાર કર્યો એ જ વખતે તમારા વાઈબ્રેશન મારા સુધી પહોંચે એ કર્ણોયતિ વિદ્યાની એક શાખા છે!!'

પ્રોફેસર પગથી માથા સુધી કંપી ઊઠયા. પોતે આટલા વરસથી આટલા ઉધામા કરીને પ્રાચીન સંપર્ક વિદ્યાનું ફક્ત લિસ્ટ ભેગું કરી શક્યા છે ત્યારે આ માણસ એ જ્ઞાન પચાવીને અહીં આટલી નિર્જન જગાએ શાંતચિત્તે બેઠો હતો.

'યઃ અકર્ણઃ તદપિ શ્રુણોતિ સઃ કર્ણોયતિઃ...' તેમણે ફરીથી પ્રોફેસરની સામે જોયું, ચહેરા પર રૃપકડું સ્મિત મઢાયું, 'કાન વગર જે સાંભળી શકે છે એ કર્ણોયતિ છે. યઃ અચક્ષુઃ તદપિ પશ્યતિ સઃ સુદૃશ્યોયતિઃ... જે આંખ વગર જોઈ શકે છે, કાન વગર સાંભળી શકે છે, સ્થળ પર હાજર ન હોય છતાં ય એકસાથે અનેક લોકોને હાજરીનો અનુભવ કરાવી શકે...' આસન સ્હેજ નજીક ખસેડીને તેમણે પ્રોફેસરના ખભે હાથ મૂક્યો, 'બોલો, શું જાણવું છે તમારે?'

પ્રોફેસરે એ જ ઘડીએ સજળ આંખે તેમને દંડવત્ત પ્રણામ કરી લીધા. કેસી અને ત્વરિત તરફ એવી જ ભાવસભર આંખે જોતાં રહીને રિન્દેમ નામલિંગ પ્રોફેસરના માથા પર હાથ પસવારતા રહ્યા.

'તમે ભયાનક જોખમ ઊઠાવ્યું છે...' ભાવવિભોર થઈ ગયેલા પ્રોફેસરને પોતાની સાવ પાસે બેસાડીને તેમણે કહેવા માંડયું. તેમનું અંગ્રેજી બિલકુલ સાફ હતું. ઉંમરની અસર અવાજમાં વર્તાતી હતી પણ વિચારોની મક્કમતા યથાવત હતી, 'દાયકાઓ પહેલાં જ્ઞાનની પ્રબળ ભૂખનો દોરાયેલો રાહુલ સાંકૃત્યાયન આવ્યો હતો અને આજે હવે તમે આવ્યા છો...'

'રાહુલની વાત અલગ હતી પણ મારા માટે તો આ પ્રાચીન સંપર્ક વિદ્યા સાચી સાબિત કરવી એ અસ્તિત્વનો સવાલ છે' પ્રોફેસરના અવાજમાં હજુ ય ભીનાશ છલકાતી હતી, 'મને આ વિદ્યાનું પગેરું આપો. મારી સમગ્ર જિંદગી... તમારાથી હું કશું છાનું રાખી શકવાનો નથી એટલે પૂરી પ્રામાણિકતાથી કહું છું કે, મારી જિંદગીના છેલ્લા બે દાયકાઓની એક-એક ક્ષણ ફક્ત અને ફક્ત આ ધૂનમાં જ વીતી છે. હવે કાંઠે આવીને મને..'

'તમારા વિશે મને કશું જ કહેવાની જરૃર નથી...' નામલિંગે હાથ ઊંચકીને અધવચ્ચે જ પ્રોફેસરને રોક્યા, 'મારા માટે ય આ વિદ્યા બહુ મોટો ભાર છે. અઢીસો વર્ષથી રિન્દેમ મઠ આ ભાર વહેતો આવ્યો છે. ભારતે આપેલા આ દૈવી જ્ઞાનવારસાનો હું છેલ્લો વાહક છું. હવે મારે એ જ્ઞાનનો યોગ્ય વારસદાર શોધવો પડે અથવા એ વિદ્યાનો નાશ કરવો પડે અથવા તો ભારતને એ પરત સોંપવી પડે. તમારા આગમન પછી હવે હું પણ સુખેથી મરી શકીશ...'

રિન્દેમ નામલિંગે દુશાલાથી ચહેરો લૂછ્યો. બોઝિલ બનતી જતી આંખો સ્હેજ ઘસી અને પછી શૂન્યમાં તાકીને ઘડીક મૌન થઈ ગયા. તેમની આંખોની ભીતર સદીઓના વહેણ એકધારો ઘૂઘવાટ કરતાં વહી રહ્યા હતા.

ભારતમાં ઈસ્લામિક સત્તા વધુ દૃઢ બની રહી હતી. નાલંદા વિદ્યાપીઠ ધ્વસ્ત થયા પછી પ્રાચીન ભારતીય જ્ઞાનના સંપૂટો વેરવિખેર દશામાં ચિંથરેહાલ બનતા ઠેરઠેર ભમી રહ્યા હતા. છેવટે દશનામી, કૌંઢ્યો અને કૃષિકો પણ થાક્યા. પ્રબળ તાકાત ધરાવતી સલ્તનતો સામે ઝૂઝવાનું તેમનું હવે ગજુ ન હતું. સમય બદલાયો હતો અને બદલાયેલા સમયની ધાર વધુ ઘાતક બનતી જતી હતી.

દેશભરમાં વિરવિખેર રઝળતા જ્ઞાનવારસાને નાછૂટકે કાશ્મીર લાવવામાં આવ્યો. કાશ્મીરમાં એ ખજાનો લગભગ દોઢસો વર્ષ સુધી પડયો રહ્યો અને પછી જ્યારે ત્યાં પણ જોખમ ખડું થયું ત્યારે હિમાલય પાર કરીને તેને તિબેટ પહોંચાડવામાં આવ્યો.

અત્યંત ધર્મચુસ્ત તિબેટમાં બૌધ્ધ આજ્ઞા મુજબ કેટલીક વિદ્યાઓ પ્રતિબંધિત હતી પરંતુ સાતમા દલાઈ લામા કેલ્ઝામ ગ્યાત્સો બહુ જ વિચક્ષણ હતા. કાપાલિક શાસ્ત્રનો હિસ્સો ગણાતી પ્રાચીન સંપર્ક વિદ્યાનું મહત્વ તેઓ સમજ્યા. બૌધ્ધ ધર્મ પોતે એ શીખી શકે તેમ ન હતો પણ રિન્દેમ પરંપરાના બૌધ્ધ લામાઓને તેનો છોછ ન હતો. તેમણે એ તમામ હસ્તપ્રતો, ભોજપત્રો અને તામ્રપત્રો રિન્દેમ મઠને સોંપી દીધા.

રિન્દેમ લામાઓની ચાર પેઢીએ હજારો વર્ષ જૂની આ વિદ્યાઓને સુગ્રથિત કરવામાં અપાર મથામણો કરી. છેવટે તેનું પધ્ધતિસરનું શિક્ષણ શક્ય બન્યું. બે-બે કે ચાર-ચારના જૂથમાં રિન્દેમ ભિખ્ખુઓને અલગ અલગ વિદ્યાઓ આ મઠમાં જ શીખવવામાં આવતી હતી પરંતુ દરેક વિદ્યાઓ જાણનાર એકમાત્ર લામા અહીં હતો - રિન્દેમ યુતાંગ યાને કે હસ્તપ્રતો પર મિતાક્ષરી સહી કરનારા રિ.યુ. પોતે.

તિબેટ પર ચીનની હકુમતનો પેસારો વધવાના અણસાર હતા ત્યારે ભય પારખીને રિન્દેમ યુતાંગે જ આ દરેક હસ્તપ્રતોનો ખજાનો ઉનાળુ ટેકરી પર શ્ત્સેલિંગ્કા ખાતે પહાડ નીચે કોરેલા વિરાટ ભોંયરામાં અનેક પ્રાચીન હસ્તપ્રતો ભેગી છૂપાવી દેવાનો આદેશ કર્યો હતો. એ રિન્દેમ યુતાંગનો એક જ શિષ્ય હતો અને એ શિષ્ય એટલે સામે બેઠેલા રિન્દેમ નામલિંગ.

'તો તમે કેમ એ જ્ઞાનનો વારસો આગળ ન વધાર્યો?' પ્રોફેસરે પૂછી લીધું.

'સમગ્ર માનવજાતના હિતમાં ન હોય તેવો કોઈપણ ઉપયોગ અમારા માટે વર્જિત ગણાય છે. અમે આ વિદ્યા વેચી શકતા નથી, તેનાંથી ધન કમાઈ શકતા નથી. રિન્દેમ સાધુઓએ ફક્ત સાચવણીના ઉદ્દેશથી જ આ વિદ્યા શીખવાની હોય છે. બદલાયેલા સમયમાં કદાચ હું એવો કોઈ યોગ્ય શિષ્ય જોઈ શક્યો નહિ...' નામલિંગે ઘડીક હાંફ ખાધો. તેમની આંખોમાં સદીઓની કથની કંઠે આવ્યાનો અવસાદ તરી આવ્યો હતો, 'બૌધ્ધ ઉપદેશના ખરા અનુયાયી તરીકે મને ચીની આક્રમકો પ્રત્યે ય કોઈ કડવાશ ન હોવી જોઈએ. પણ ખરું કહું તો મારા મનમાં તેમના પ્રત્યે ભારોભાર કડવાશ અને નારાજગી છે. મને બેહદ ડર છે કે આ પ્રાચીન જ્ઞાન જો તેમના હાથમાં જઈ ચડે તો તેઓ દુનિયાની શી હાલત કરે એ કલ્પના કરતાં ય હું થથરી ઊઠું છું'

'આપણે આ પ્રાચીન ભારતીય જ્ઞાન હસ્તગત કરીને ચીનને તિબેટમાંથી તગેડી શકીએ ખરાં?' એકધારી તલ્લિનતાથી સાંભળી રહેલો કેસી આખરે બોલી ઊઠયો.

'તેનો જવાબ હા પણ છે અને ના પણ છે...' નામલિંગે એકીટશે તેની તરફ જોઈને ઉમેર્યું, 'હા એટલા માટે કે તમે આ વિદ્યાની મદદથી ચીનની દરેક પાશવી તાકાતને પહોંચી શકશો પણ ના એટલા માટે કે આ વિદ્યાઓ હસ્તગત કરવામાં પેઢીઓ જતી રહેશે. એક આદમીની એક જિંદગી એક વિદ્યા હાંસલ કરવા માટે ઓછી પડે છે. જોતજોતામાં સાઠ વર્ષ થઈ ગયા...' તેમણે ઊંડો નિઃશ્વાસ નાંખ્યો, 'શક્ય છે કે પાકટ અવસ્થાએ પહોંચીને હું વધારે હતાશ થઈ ગયો હોઉં...'

'પરંતુ...'

'તારો ઈરાદો સાચો છે...' તેમણે કેસી સામે આંગળી ચિંધીને ધારદાર અવાજે કહી દીધું, 'પણ એ બેહદ ભયાનક છે. તું સફળ થઈશ તો શું થશે એ મને ખબર નથી પણ તું નિષ્ફળ નીવડયો તો શું થશે તેની કલ્પના જ મને કમકમાટી ઉપજાવી દે છે. બરાબર વિચારીને જ તારી યોજના અમલમાં મૂકજે...'

કેસી સ્તબ્ધ થઈને નીચું જોઈ ગયો. અહોભાવથી નામલિંગને સાંભળી રહેલો ત્વરિત પણ કશું ન સમજાવાથી પ્રોફેસર તરફ જોવા લાગ્યો અને પ્રોફેસર એકધારા કેસીના ચહેરાના બદલાતા હાવભાવ નિરખી રહ્યા.

દલાઈ લામાએ દેશ છોડયો પછી તેમના પવિત્ર મુકુટ અને પદછાપ હજુ પણ અહીં તિબેટમાં જ હતા. હાલ ભારતમાં આશરો લઈ રહેલા ૧૪મા દલાઈ લામા મૃત્યુ પામે પછી તિબેટીઓ પર ભાવનાત્મક અંકૂશ મેળવવા માટે ચીનાઓ એ પવિત્ર મુકુટ અને પદછાપનો ઉપયોગ કરવા ધારતા હતા.

કેસીએ શોટોન ઉત્સવના ધમસાણ વખથે પ્રોફેસરને જોઈતી હસ્તપ્રતોની સમાંતરે એ પવિત્ર મુકુટ અને પદછાપ ઊઠાવી જવાનો છૂપો પ્લાન બનાવ્યો હતો.

*** *** *** *** ***

રણભેરીના અવાજની માફક વાગતી તૂરી, મડદાં ય બેઠા કરી દે તેવા અવાજે ઢોલ પર વિંઝાતી થાપ અને આટલો અવાજ ઓછો હોય તેમ શોટોન કલાકારોને જોવા ઉમટેલી મેદનીનો કોલાહલ...

છપ્પન અને ઝુઝાર શોટોન કલાકારનો મુખવટો પહેરીને અન્ય જમેલા પાછળ લપાઈને બેઠા હતા. હિરને ય ચહેરો છૂપાવવા જાતભાતના ચિતરામણ કર્યા હતા. દરેકનું વેશ પરિવર્તન પત્યું ત્યારથી તાન્શી પણ મુક્તિવાહિનીના બીજા આદમીઓ સાથે ક્યાંક ગાયબ હતી. રાત્રે રિહર્સલ જેવો પહેલો શો થવાનો હતો અને ગામેગામથી આવેલા શોટોન કલાકારો પોતપોતાના પાઠ પાકા કરી રહ્યા હતા.

આથમતી સાંજે રંગબેરંગી કાગળમાં લપેટાયેલા માખણના દિવડાંઓની હારમાળા વચ્ચે ઝળહળી રહી હતી શ્ત્સેલિંગ્કાની ટેકરી યાને સમરહિલ..

એ જ વખતે રિન્દેમ મઠમાંથી ફોર્ડ મોટર નીકળી હતી. આગળની સીટ પર બેઠેલો કેસી હજુ ય શૂન્યમનસ્ક હતો અને પાછળ પ્રોફેસરના હાથમાં બે નકશા હતા...

સમરહિલ યાને શ્ત્સેલિંગ્કા પહાડની નીચેના વિરાટ કદના ભોંયરામાં ૬૪ નંબરનો ઓરડો, ૮૩ નંબરની અલમારી અને લાલ માદરપાટમાં વિંટાળેલા ચાલીસ જેટલાં પોટલા...

સદીઓથી ખોવાયેલા સત્યનું એ સરનામું હતું.

શ્ત્સેલિંગ્કાની પહાડી પર રંગબેરંગી દિવડાંના ઉજાસમાં ઘેરાતી સાંજે પારાવાર કોલાહલ વચ્ચે દીવડાંની જ્યોત અજબ આકારે થથરી રહી હતી.

(ક્રમશઃ)