વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 80
પપ્પુ ટકલાની ગાડી આડે પાટે ચડી ગઇ હોય એવું અમને લાગ્યું. એણે કદાચ અમારી આંખમાં આ ભાવ વાંચીને કહ્યું, ‘આપણે રાજકારણીઓની ટાંટિયાખેંચની વાત નથી કરવી,. પણ અંડરવર્લ્ડ સાથે રાજકારણીઓનો કેવો ઘરોબો હોય છે અને એમ છતાં તેઓ સમાજમાં કેવી પ્રતિષ્ઠાથી જીવી શકતા હોય છે એની વાત તમારે વાચકો સુધી પહોંચાડવી જોઈએ એવું મને લાગે છે એટલે હુ આ બધું કહી રહ્યો છું.” વળી એણે ફાઇવફાઇવફાઇવનો ઊંડો કશ લઇને મૂળ ટ્રેક પર આવતાં કહ્યું, ‘કલ્પનાથ રાયને કાનૂની સકંજામાં ફસાવી દેનારા સુભાષસિંહ ઠાકુરને મુંબઇની સેશન્સ કોર્ટે જે.જે. શૂટઆઉટ કેસમાં જનમટીપની સજા ફટકારી હતી. એ કેસમાં સુનાવણી દરમિયાન અને સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે એને પત્રકારો સાથે વાત કરવાની તક મળી એ વખતે દાઉદ સામેનું ખુન્નસ ઠાલવતા એણે કહ્યું હતું કે, દાઉદ ઇબ્રાહિમ દેશદ્રોહી છે અને જાહેરમાં ગોળીઓ દેવો જોઇએ. મને તક મળે તો હું એને ખતમ કરી નાખીશ. સુભાષસિંહ ઠાકુર છોટા રાજનની ભાષા બોલી રહ્યો હતો. એ અગાઉ છોટા રાજન પણ અનેકવાર આવી ધમકી ઉચ્ચારી ચૂક્યો હતો કે દાઉદ અને એના તમામ ગુંડાઓને વીણીવીણીને સાફ કરી નાખીશ.’ છોટા રાજન ભલે આવું બોલતો હોય, પણ એને ખબર હતી કે દાઉદ ગેંગને એમ આસાનીથી ખતમ કરી શકાય એમ નથી. દાઉદ ગેંગના જેટલા ગુંડાઓ મરે તેની સામે નવા-નવા ગુંડાઓ તૈયાર થઈ જતા હતા અને 1996ની શરૂઆતમાં તો દાઉદ ગેંગના બે સ્ટાર અબુ સાલેમ અને છોટા શકીલ અને અબુ સાલેમે દાઉદ ગેંગમાં છોકરીઓની પણ ભરતી શરૂ કરી હતી. અબુ સાલેમ મહત્વાકાંક્ષી અને સુંદર યુવતીઓને દાઉદ ગેંગમાં ખેંચવા માંડ્યો. એ જ રીતે છોટા શકીલે પણ મુંબઈની ઘણી રૂપાળી યુવતીઓને દાઉદ ગેંગ માટે કામ કરવા લલચાવી. એમને એવી યુવતીઓ સહેલાઈથી મળવા માંડી, જે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હોય. દાઉદ ગેંગ સાથે જોડાનારી યુવતીઓએ ખાસ તો શૂટર્સને ભાગી છૂટવા માટે મદદ કરવાની રહેતી. મુંબઈ કે દિલ્હી જેવા શહેરોમાં કોઈને ગોળીઓ દઈને નાસી છૂટવાનું હોય ત્યારે પોલીસને શંકા ન આવે એ માટે દાઉદ ગેંગના શૂટર્સ સાથે આવી સુંદર યુવતીઓ કારમાં નીકળતી. ચેકનાકા પર શૂટર કારમાં નીકળે ત્યારે એની સાથે છોકરીને જોઈને પોલીસ અધિકારીઓને શંકા ન જાય અને શૂટર આસાનીથી છટકી જઈ શકે. આવી રીતે શૂટર્સને ઓથ આપવા ઉપરાંત ખંડણીની રકમ લાવવાનું કામ પણ આવી છોકરીઓને સોંપાતું હતું. શકીલે નવા-નવા ગુંડાઓની ભરતી સાથે એક નવો જ ખેલ શરૂ કર્યો હતો, દાઉદ ગેંગમાં આવેલી યુવતીઓ પાસે નવાનવા કામ કારવવાનો! શસ્ત્રોની હેરફેરનું, મેસેજની આપ-લેનું અને કરપ્ટ (લાંચિયા) પોલીસ અધિકારીઓને ‘કંપની’ આપવાનું કામ પણ આવી યુવતીઓને સોંપાવા માંડ્યું.
આવી અનેક છોકરીઓને મુંબઈ પોલીસે નેવુંના દાયકાના મધ્ય ભાગમાં પકડી પાડી હતી. પેસાની લાલચમાં ઐયાશીભર્યું જીવન વિતાવવાનાં સપનાં જોનારી ઘણા ખાનદાન કુટુંબોની યુવતીઓ પણ દાઉદ ગેંગ માટે કામ કરવા માંડી હતી. મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં રહેતા એક ગુજરાતી કુટુંબની દીકરી દાઉદ ગેંગના એક ગુંડા રોબીન સાથે લગ્ન કરીને દુબઈ ભાગી ગઈ હતી. એ પછી રોબીને એને મુંબઈ પાછી મોકલીને જાતજાતના કામ સોંપવા માંડ્યા. એ યુવતી માબાપના ઘરે પાછી જઇ શકે એમ નહોતી અને પ્રેમીમાંથી પતિ બનેલો ગુંડો કહેતો હતો એ પ્રકારના કામ કરવાની એની તૈયારી નહોતી એટલે એના પતિના મિત્ર રાજન કાપકોટીએ એની હત્યા કરી નાખી. આવી રીતે શબાના નામની મુસ્લિમ યુવતી છોટા શકીલ ગેંગના અને ગુંડાના પ્રેમમાં પડીને છોટા શકીલ ગેંગ માટે કામ કરવા માંડી હતી. શબાનાના પતિ ઈમરાન મોહસીને પત્નીનો ઉપયોગ શસ્ત્રોની હેરફેર માટે શરૂ કર્યો હતો. એકવાર શબાના શસ્ત્રો સાથે પોલીસનાં હાથમાં ઝડપાઈ ગઈ અને એના પર ‘ક્રિમિનલ’નું લેબલ લાગી ગયું એ પછી એની હિંમત ખૂલી ગઈ.
ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને ટકલાએ ખુલાસો કર્યો, ‘આ બધી માહિતી હું એટલા માટે આપી રહ્યો છું કે અંડરવર્લ્ડમાં સ્ત્રીઓના વધતા જતા મહત્વ વિશે તમે વાચકોને ચિતાર આપી શકો. દાઉદ ઇબ્રાહિમની જેમ અન્ય ગુંડા સરદારોએ પણ સ્ત્રીઓનો ઉપયોગ એક યા બીજી રીતે શરૂ કર્યો છે. અરુણ ગવળીને તો પોલીસ પકડવા જાય એટલે દગડી ચાલની મહિલાઓ વચ્ચે આવી જાય એવું અનેકવાર બન્યું છે. બબલુ શ્રીવાસ્તવે ખંડણી વસૂલવા માટે એની પ્રેમિકા અર્ચના શર્માનો ઉપયોગ કર્યો હતો. એણે ઉજ્જૈનથી ફિલ્મ સ્ટાર બનવા મુંબઈ આવેલી અર્ચનાને સોફિસ્ટીકેડ કોલગર્લ બનાવી દીધી હતી. તેની મદદથી બબલુએ સેક્સ રેકેટ શરૂ કર્યું હતું અને પછી અનેક ધનાઢ્ય માણસોને બ્લેકમેઈલ કરીને કરોડો રૂપિયા પડાવ્યા હતા. જો કે આ બધા ગેંગ લીડરમાં નાના ગજાના કહી શકાય એવા મુંબઈના સુરેશ મંચેકરે અન્ય ગેંગ લીડર્સથી એક ડગલું આગળ વધીને કોલેજિયન યુવતીઓ પાસે શૂટર્સ તરીકે કામ લેવા માંડ્યું. 1998માં થાણે પોલીસે કાજલ પટેલ અને રંજના ચેલૈયા નામની બે યુવતીઓને પકડી પાડી હતી. એ પછી પોલીસને ખબર પડી હતી કે સુરેશ મંચકર ગેંગ માટે કોલેજિયન યુવતીઓ શૂટર્સ તરીકે કામ કરે છે. મંચેકર ગેંગની કોલેજિયન યુવતીઓ કોઈની હત્યા કરવાનું અને ઠંડે કલેજે ધમકી આપવાનું કે ખંડણી ઉઘરાવી આવવાનું કામ પત્યા પછી માસૂમ ચહેરા સાથે બીજે દિવસે કોલેજમાં જાય ત્યારે કોઈને કલ્પના પણ નહોતી આવતી કે આ યુવતી મર્ડરર હશે’!
‘આ સુરેશ મંચેકર નામની ખોપડી વિશે તમારા ગુજરાતના વાચકોને બહુ ખ્યાલ નહીં હોય પણ મુંબઈના પૂર્વ વિસ્તારનાં ઉપનગરોમાં એણે પોતાની ગેંગની જે ધાક ફેલાવી હતી એ વિશે હું તમને આગળ માહિતી આપીશ.’ પપ્પુ ટકલાએ સુરેશ મંચેકરનો અછડતા ઉલ્લેખ કરીને વાત આગળ ચલાવી, ‘અબુ સાલેમ અને છોટા શકીલે દાઉદ ગેંગમાં યુવતીઓની ભરતી ચાલુ કરી એથી દાઉદ ગેંગના ઘણાં કામ સરળ બની રહ્યાં હતા. દાઉદની આંગળી પકડીને ચાલતા આ અંડરવર્લ્ડ સ્ટાર્સ દાઉદની મુશ્કેલીઓ ઓછી કરી રહ્યા હતા...’
અચાનક પપ્પુ ટકલાના મોબાઇલ ફોનની રિંગ રણકી ઊઠી. થોડે દૂર જઇને મોબાઈલ ફોન પર વાત કર્યા પછી એણે કહ્યું, ‘સોરી પણ મારે બહાર જવું પડશે.”
વળી એક વાર રહસ્યનું જાળું ઊભું કરીને એ રવાના થઈ ગયો. અમે પણ ઘર ભણી પ્રયાણ કર્યું.
ટકલાએ અમને પાછા બોલાવ્યા એ દિવસે મુંબઈ બંધનું એલાન હોવાથી પોલીસ ઓફિસર ફ્રેન્ડ અમારી સાથે આવી શકે એમ નહોતા એટલે અમે એકલા જ ટકલાના ઘરે ગયા. કારનો દરવાજો બંધ કરીને અનાયાસ અમે ઉપર જોયું તો પહેલા માળના ફલેટમાં સ્લાઇડિંગ વિન્ડોને અડીને ઊભેલા પપ્પુ ટકલા પર અમારી નજર પડી. એણે અમારી સામે હસીને હાથ હલાવ્યો. બીજા હાથે અડધી સળગી ચૂકેલી સિગરેટ હોઠ ઉપર મૂકી એક ઊંડો કશ ખેંચીને તેણે બેફિકરાઇથી ધુમાડો હવામાં ઉડાડ્યો.
અમે ડોરબેલ વગાડીએ તે પહેલા જ પપ્પુ ટકલાએ દરવાજો ઉઘાડી નાખ્યો, ‘આવો, બોસ, આવો, આજે તો કંઈ મારુતિ અર્ટિગામાં આવ્યા છો ને?’ પછી તે ટેસમાં આવી ગયો હોય એમ બોલ્યો, ‘અરે યાર! મને કહ્યું હોત તો ફર્સ્ટ ક્લાસ ઈમ્પોર્ટેડ સેકન્ડહેન્ડ કાર સસ્તામાં અપાવી દેત ને!’
ગુંડાઓની દોસ્તી અને દુશ્મની એ બેઉ ખતરનાક સાબિત થાય, એવી નસીહત અમે ઘણી વાર સાંભળી હતી અને ખાસ તો આજે જ્યારે પપ્પુ ટકલાનો જુદો રંગ અમે પહેલી વાર જોઇ રહ્યા હતા ત્યારે અમને ઘણા દોસ્તોએ આપેલી એ સલાહ યાદ આવી. અત્યારે અંડરવર્લ્ડના માત્ર ખૂણાઓ જ નહીં પણ એની દીવાલની એક એક ઈંટથી વાકેફ અને ખુદ આ લાઈનમાં ‘મોભાદાર’ સ્થાન ભોગવી ચૂકેલો પપ્પુ ટકલા અમારી સાથે બેઠો હતો એ વિચારથી અમે સહેજ સહમી ગયા. અમે કાર ખરીદી છે એવી ગેરસમજ પપ્પુ ટકલાને થઇ હોય એવું અમને સમજાયું એટલે અમે તરત ખુલાસો કર્યો, ‘આજે શિવસેનાએ મુંબઈ બંધનું એલાન આપ્યું છે. અને ઓફિસની કારની બેટરી ડાઉન હતી એટલે આ કાર ભાડે લીધી છે. નહિતર ટેક્સી-રિક્ષા વિના રખડી પ઼ડવાનો વારો આવે’
’અચ્છા એમ વાત છે!’ કહીને પોતાના જ પગ ઉપર જોરથી હાથ પછાડીને પપ્પુ ટકલા ખડખડાટ હસી પડ્યો. એ આજે ખરેખર ભળતા જ મૂડમાં હતો. તેણે કહ્યું, ‘તમે હજી ભાડાની કાર વાપરો છો. અરે, અમારે ત્યાં તો ભાડાનું હેલિકોપ્ટર વાપરવાનો અને પાછી પાછું પણ નહીં, આપવાનો રિવાજ છે, સમજ્યા બોસ!’
સાચું કહીએ તો અમને કશું જ સમજાયું નહીં પણ પપ્પુ ટકલાએ વાત શરૂ કરી એટલે અમારા દિમાગમાં ઝબકારો થયો કે એ રોમેશ શર્માની વાત કરી રહ્યો હતો.
‘1996માં રોમેશ શર્માએ મુંબઈમાં એચ. સુરેશ રાવ પાસેથી હેલિકોપ્ટર ભાડે લીધું. રોમેશ શર્મા ઉત્તર પ્રદેશના ફુલપુર વિસ્તારમાથી ચૂંટણી લડ્યો હતો એ તમને કદાચ ખબર હશે.’ પપ્પુ ટકલાએ બિયર ભરેલા માગમાંથી મોટો ઘૂંટડો ભરતાં કહ્યું.
પપ્પુ ટકલાને અમે આજે પહેલી વાર બિયર પીતો જોઈ રહ્યા હતા. અમારી અચરજભરી નજર જોઇને અચાનક યાદ આવ્યું હોય એમ એણે અમને પૂછ્યું, ‘બિયર તો ચાલશે ને?’ અમે સ્મિત કરીને ના પાડી અને કહ્યું, ‘અત્યારે તો ફક્ત તમારી વાતો ચાલશે!’
પપ્પુ ટકલા આ વાત પર ફરી ખડખડાટ હસી પડ્યો અને હોઠની ઉપર લાગેલા હેવર્ડઝ ફાઈવ થાઉઝન્ડ બિયરના ફીણને નેપકીન વડે લૂછીને બોલ્યો, ‘હા તો આપણે ક્યાં પહોંચ્યા હતા?’
અને પછી એની સ્ટાઇલ પ્રમાણે અમારા જવાબની રાહ જોયા વિના જ એણે વાત આગળ ધપાવી દીધી, ‘ઈલેક્શનમાં અવારનવાર યુ.પી.ની પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં આંટા મારવા રોમેશ શર્માએ હેલિકોપ્ટર ભાડે લીધું એ વખતની વાત આપણે કરી રહ્યા હતા.’
અને એ વાત કહેતા કહેતા પપ્પુ ટકલા ફલેશબૅકમા સરી ગયો.
(ક્રમશ:)