પ્રેમ કે પ્રતિશોધ-35
(આગળના ભાગમાં જોયું કે વિનય કોલેજે ન પહોંચતા રાધી વ્યાકુળ થઈ જાય છે. અને વિનય સવારથી ઘરે પણ નથી એમ માહી કોલ કરીને જણાવે છે.)
હવે આગળ....
રાધી અને દિવ્યા બંને વિનયના ઘર તરફ જાય છે જ્યારે નિખિલ સહિત બાકીના મિત્રો કોલેજે જ રહીને વિનયની રાહ જોવાનું નક્કી કરે છે.
રાધી અને દિવ્યા વિનયના ઘરે પહોંચે છે ત્યારે વિનયના મમ્મી-પપ્પા અને માહી બધા ચિંતિત અવસ્થામાં આમતેમ સંભવતઃ વિનય જે પણ જગ્યાએ જતો ત્યાં ફોન દ્વારા તપાસ કરી રહ્યા હતા.
“શું થયું, કઈ કોન્ટેકટ થયો?" રાધીએ માહી પાસે જઈને કહ્યું.
માહીએ જવાબ આપતાં કહ્યું,“ના, હજુ તો કઈ... અને ભાઈ આમ કહ્યા વગર ક્યાંય જાય જ નહીં, આઈ હોપ કે....."
દિવ્યાએ આશ્વાસન આપતાં કહ્યું,“ ખોટી ચિંતા ન કર માહી, વિનય ક્યાંક જરૂરી કામથી જ ગયો હશે. થોડીવારમાં આવી જશે.."
વિનયના મમ્મીએ વચ્ચે કહ્યું,“ભગવાન કરે મારો દીકરો જ્યાં હોઈ ત્યાંથી જલ્દી ઘરે આવી જાય બસ."
“હું પોલીસ સ્ટેશને જાવ છું."વિનયના પપ્પાએ સોફા પરથી ઉભા થતાં કહ્યું.
“અંકલ ત્યાં જવાની જરૂર નથી. હું અર્જુન સરને કોલ કરું?"રાધીએ પૂછ્યું.
“હમ્મ"
રાધીએ અર્જુનનો નંબર ડાઈલ કર્યો. કોલ રિસીવ થતાં જ તેણે કહ્યું.“સર હું રાધી.."
“હમ્મ, શું કઈ કામ હતું?"
“સર, આજ સવારથી વિનયનો કઈ પતો નથી લાગતો.."
“મતલબ?"
“સવારથી એનો ફોન બંધ છે. કોલેજે નથી આવ્યો અને ઘરે પણ નથી, ખબર નહી ક્યાં ગયો હોય.."રાધીએ થોઠવાતાં સ્વરે કહ્યું.
“તું અત્યારે વિનયના ઘરે..."
“હા સર, હું અને દિવ્યા બંને વિનય કોલેજે ન આવ્યો અને ફોન પણ બંધ હતો અને માહીનો ફોન આવ્યો કે વિનય ઘરે પણ નથી એટલે...."
“એક કામ કરો, ત્યાં જ રહો હું ત્યાં બસ 10 થી 15 મિનિટમાં પહોંચું છું."
રાધીએ ફોન મૂકી વિનયના મમ્મી પાસે જઈને બેસે છે. બધા બસ વિનય ક્યાં હશે તેની જ અટકળો લગાવી રહ્યા હતા.
અર્જુન અને રમેશ થોડીવાર બાદ વિનયના ઘરે પહોંચ્યા. ત્યાં બધાના ચહેરા પર ઉદાસી અને ગમગીની છવાયેલી હતી.
“છેલ્લે વિનયને કોણે અને ક્યારે જોયો હતો?"અર્જુને જતા વેંત મુદ્દાની વાત કરતાં પૂછ્યું.
માહીએ જવાબ આપતાં કહ્યું,“સર, કાલે રાત્રે 12 વાગ્યે, ભાઈ અને હું એના રૂમમાં બેઠા હતા. પછી હું મારા રૂમમાં જતી રહી."
“હમ્મ, પછી"
“મેં સવારે 6 વાગ્યે એના રૂમમાં જઈને જોયું તો વિનય ત્યાં હાજર નહોતો"વિનયના મમ્મીએ કહ્યું.
“તો આજ સવારથી તમે કોઈએ એને જોયો જ નથી?"
“સર, ઘણી વાર ભાઈ સવારે વહેલો ઉઠી જાય તો મોર્નિંગ વોક કરવા જાય એટલે અમને એમ કે એ વોક કરવા ગયો હશે.."
“તો તમે ક્યારે તપાસ કરી વિનયની?"
“ભાઈ 7 વાગ્યે પણ આવ્યો નહીં એટલે મેં એનો ફોન ટ્રાય કર્યો પણ મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. પછી વિચાર્યું કે કદાચ કોલેજ બાજુ ગયો હશે એટલે રાધીને કોલ કરીને તપાસ કરી તો ત્યાં પણ નહોતો."
“અચ્છા, તો વિનય બીજે ક્યાંય જઈ શકે ખરો?"રમેશે પૂછ્યું.
વિનયના પપ્પાએ કહ્યું,“ના, વિનય ઘરે જણાવ્યા વગર તો ક્યાંય જાય જ નહીં"
અર્જુને રમેશને ઉદ્દેશીને કહ્યું,“રમેશ, હેડક્વાર્ટર ફોન કરીને તપાસ કર કે વિનયના ફોનની લાસ્ટ લોકેશન ક્યાંની હતી."
“OK SIR."આટલું કહી રમેશે વિનયના મોબાઈલની લોકેશન જાણવા હેડક્વાર્ટર ફોન જોડ્યો.
“વિનયનો રૂમ ક્યાં છે?"અર્જુને પૂછ્યું.
“આ બાજુ સર"આટલું કહી વિનયના પપ્પા અર્જુનને રૂમ બતાવવા ઉભા થઈને આગળ ચાલ્યા. અર્જુન તેમને અનુસરીને સીડીઓ ચઢવા લાગ્યો. રૂમની અંદર જઈ અર્જુને બારીકાઈથી રૂમનું નિરીક્ષણ કર્યું પણ કઈ અજુગતું જોવા મળ્યું નહીં.
અર્જુન નીચે આવ્યો એટલે રમેશે બાજુમાં જઈને કહ્યું,“સર ફોનની લાસ્ટ લોકેશન અહીં જ બાજુમાં ગાર્ડનની બતાવે છે."
“મતલબ કે વિનય ઘરેથી જાતે જ નીકળ્યો અને ગાર્ડનમાં ગયો હશે..."
બાજુમાં ઉભેલી માહીએ રમેશની વાત સાંભળીને કહ્યું,“સર, સમાન્યતઃ ભાઈ અહીં જ બાજુમાં આવેલા ગાર્ડનમાં જ વોક કરવા જતાં હોય છે."
અર્જુને વિનયના પપ્પા પાસે જઈને કહ્યું,“તમે જરા પણ ચિંતા કરશો નહીં, વિનયને હવે સહી-સલામત ઘરે પહોંચાડવાની જવાબદારી અમારી છે."
વિનયના મમ્મીએ વચ્ચે કહ્યું,”બસ, મારા દીકરા સાથે કઈ અનર્થ ન થાય તો સારું...."
રમેશના ફોનની રિંગ વાગી, દીનેશનો કોલ આવી રહ્યો હતો એટલે રમેશે થોડે દુર જઈ ફોન પર વાત પૂર્ણ કરી અર્જુન પાસે આવીને કહ્યું,“સર દીનેશનો કોલ હતો."
“કઈ જાણવા મળ્યું?"
“એક કાર રાત્રે 4 વાગ્યે ત્યાંથી અમદાવાદ બાજુના રસ્તે નીકળી હતી જે હજી પરત નથી ફરી."
“એવું બને કે રાજેશભાઈ ક્યાંય ગયા હોઈ"
“આશ્ચર્યની વાત એ છે કે રાજેશભાઈ પણ હમણાં જ ઘરેથી નીકળ્યા છે અને તેઓ પોતાની ફેકટરી બાજુ ગયા છે."
“તો રાત્રે 4 વાગ્યે જે કાર નીકળી તેમાં કોણ હતું, એ કઈ જાણવા મળ્યું?"
“ના સર, દીનેશે એ કાર ચાલાકનો ચહેરો તો સ્પષ્ટ નથી જોયો પણ એ કારના નંબર નોટ કરીને મોકલ્યા છે."
“ગ્રેટ, તો એ કાર અત્યારે ક્યાં છે તેની ફટાફટ તપાસ કર."
આમ બંને અંદરોઅંદર વાતચીત કરતાં કરતાં ગાર્ડન બાજુ આવ્યા. રમેશે હેડક્વાર્ટર ફોન જોડીને અર્જુનને આપ્યો.
સામેથી હેડક્વાર્ટરમાં ટ્રેકરમાં રમેશના ફોનની અને વિનયના ફોનની લોકેશન જોઈને ત્યાંના ઓફિસરે કહ્યું,“યસ સર, એ મોબાઈલ તમારાથી 70 થી 80 મીટર દુરની લોકેશન પર છે."
અર્જુન ગાર્ડનમાં વોક ટ્રેક પર આગળ ચાલ્યો. આગળ પચાસેક મીટર ચાલ્યા પછી કહ્યું,“ઓફિસર આગળ તો ગાર્ડનની બેક સાઈડની દીવાલ છે."
“સર, હજુ 15 થી 20 મીટર...."
અર્જુને આમતેમ નજર ફેરવી, રમેશને ઉદ્દેશીને કહ્યું,“રમેશ, સામે રોડની સાઈડમાં કચરા પેટી દેખાઈ છે તે બાજુ ચેક કરતો."
રમેશ અર્જુન પાસેથી ફોન લઈ રોડ ક્રોસ કરી ડસ્ટબીન પાસે પહોંચ્યો ત્યાં તો હેડક્વાર્ટરના ઓફિસરે કહ્યું,“એક્સેટલી તમે મોબાઈલની આજુબાજુમાં જ છો."
રમેશે અર્જુનને ઈશારા દ્વારા ત્યાં બોલાવ્યો અને ફોન અર્જુનને આપીને ડસ્ટબીન ફોરવા માંડ્યું. તેણે આખું ડસ્ટબીન ઊલટું કરી નાખ્યું. ડસ્ટબીનના કચરાનો રોડ પર ઢગલો થયો. એ કચરાને આમ-તેમ ફેરવતાં રમેશના હાથમાં એક મોબાઈલ જેવી વસ્તુ આવી. તેણે જોયું તો મોબાઈલ ફોન હતો અને ફોનની પાછળની સાઈડ કોઈએ જાણી જોઈને એક ચિઠ્ઠી ચીપકાવેલી હતી.
રમેશે મોબાઈલ અને ચિઠ્ઠી અર્જુનને આપી.
અર્જુને ચિઠ્ઠી ખોલીને વાંચી એના ચહેરાના ભાવ પારખીને રમેશે કહ્યું,“ સર, એ જ સેમ ચિઠ્ઠી છે ને?શું લખ્યું છે આ વખતે?"
અર્જુને ક્રોધથી દાંત ભીંસતા કહ્યું,“એ જ CATCH ME IF YOU CAN."
રમેશે કહ્યું,“તો એ તો ફાઈનલ કે વિનયને પણ એણે જ ગાયબ કર્યો છે. અને કદાચ એણે વિનયની પણ...."
અર્જુને રમેશને અટકાવતાં કહ્યું,“ ના રમેશ, વિનયને હજી માર્યો નથી, આગળના બંને બનાવોમાં આપણને અજય અને શિવાનીની લાશ મળી હતી જ્યારે અહીં તો ખાલી મોબાઈલ અને આ ચિઠ્ઠી મળી છે. એટલે કદાચ એણે વિનયને કેદ કરીને ક્યાંક રાખ્યો હોઈ તે પણ બને."
“પણ હવે એ કેમ શોધવું કે વિનય ક્યાં છે?"
બંને વચ્ચે વાતચીત ચાલુ હતી ત્યાંતો રાધી અને દિવ્યા પણ વિનયના પરિવાર સઃ ત્યાં પહોંચી ગયા. રમેશ અને અર્જુનની વાત સાંભળીને વિનયના મમ્મી, માહી અને રાધી તો ત્યાં જ વિલાપ કરવા લાગ્યા. અર્જુન, રમેશ અને વિનયના પપ્પાએ જેમ તેમ કરી તેઓને શાંત કરી ઘરે મોકલ્યા. અને અર્જુન આગળ શું કરવું તે વિચારી રહ્યો.
******
વિનય જાણે ભરી નીંદરમાંથી ઉઠ્યો હોય તેમ માંડ માંડ કરીને તેણે આંખ ખોલી, પણ જાણે હજી ઊંઘ ઊડી ન હોઈ તેમ તેની આંખો ભારી લાગતી હતી. તેણે આંખ ચોળવા હાથ ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ વ્યર્થ.... એના બંને હાથ ખુરશીમાં બાંધેલા હતા. તેણે આંખ ખોલી પણ ક્યાં છે? કે પછી શા માટે આમ બાંધેલી અવસ્થામાં છે કઈ સૂઝ પડી નહીં...
મગજ પર જોર કરી વિચાર્યું તો યાદ એટલું આવ્યું કે તે સવારે સાડા પાંચ વાગ્યે ઉઠીને રાબેતા મુજબ વોક કરવા ગયો હતો જ્યાં પાછળથી કોઈએ તેના ચહેરા પર નાકના ભાગે રૂમાલ વીંટાળ્યું અથવા સૂંધાવ્યું....... અને પછી તેની આંખ અત્યારે છેક ખુલી...
(ક્રમશઃ)