The Ooty - 15 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | ધ ઊટી... - 15

Featured Books
Categories
Share

ધ ઊટી... - 15

15.

(શ્રેયા અને અખિલેશ ઊટીનાં પ્રખ્યાત બોટેનિકલ ગાર્ડનમાં જાય છે, જયાં શ્રેયા અખિલેશને પોતાના મનની વાત જણાવે છે, અને અખિલેશે મુકેલ પ્રપોઝલનો સ્વીકાર કરે છે, બનેવ આજે ખુબ ખુશ હતાં, કારણ કે આજે બે પ્રેમી પંખીડાઓ એક થઈ ગયાં હતાં, ત્યારબાદ ડિનર લઈને બંને હનીફની કાર દ્વારા હોટલ સુધી આવે છે, અને એકબીજાને ગુડનાઈટ વિશ કરીને પોત-પોતાની હોટલે જવાં માટે છુટ્ટા પડે છે……)

ધીમે-ધીમે દિવસો વીતવા લાગ્યાં, જેમ - જેમ દિવસો વીતતા ગયાં, તેમ-તેમ અખિલેશ અને શ્રેયાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ગાઢ થતો ગયો. બનેવ એકબીજાને પોતાના મનની વાત નિઃસંકોચપણે જણાવી શકતાં હતાં, બનેવ એકબીજાની લાગણીઓ પણ સહેલાઈથી સમજી શકતા હતાં.

આમ અખિલેશ પોતાની જાતને ખુશનસીબ માની રહ્યો હતો, કારણ કે એકતરફ તેને "મેગા-ઈ"સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટમાં પણ ભવ્ય સફળતા અને પ્રતિસાદ મળી રહ્યો હતો, જ્યારે બીજીતરફ તે શ્રેયાનું દિલ જીતવામાં પણ સફળ થયો, પોતે જેને પહેલી નજરથી જ પોતાના હૃદયમાં વસાવી બેઠો હતો, તે શ્રેયાએ પણ પોતાનાં દ્વારા મુકવામાં આવેલ પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો હતો.

અગાવ શ્રેયાએ અખિલેશને જણાવ્યું હતું કે પોતે ઊટી ટુર માટે આવેલ છે, અને આ ટુર દસ દિવસની હતી જેના પહેલા જ દિવસે અખિલેશનો ભેટો થઈ ગયો, પરંતુ તે સમયે અમુક કારણોસર બનેવે વચ્ચે કંઈ ખાસ વાતચીત થઈ ન હતી, અખિલેશ પણ આમ તો ફરવાનો શોખીન હતો, તેને કુદરતી સૌંદર્ય માણવું કે જોવું ખુબ જ પસંદ હતું, પરંતુ સમયના અભાવે પોતે આ શોખ પૂરો કરી શકતો ન હતો, એમાં પણ ઊટીમાં આવીને પ્રાકૃતિક સૌંદર્યને માણવાનો મોકો જાણે સામે ચાલીને આવ્યો હોય તેવું અખિલેશને લાગી રહ્યું હતું, અહીં પણ સમયનો તો અભાવ હતો જ પરંતુ અખિલેશને જ્યારે પણ સમય મળે ત્યારે તે ચોક્કસ નજીકમાં આવેલ કોઈ બાગ, બગીચો, જંગલો, સરોવર, નદી, તળાવ, ઝરણાં વગેરે જેવી જગ્યાએ લટાર મારી લેતો.

અખિલેશને એવું લાગી રહ્યું હતું કે પોતાના આ હરવા - ફરવાના અને પ્રાકૃતિક કે કુદરતી સૌંદર્યને માણવાનાં શોખને જ લીધે આજે શ્રેયા પોતાને મળી, કારણ કે અખિલેશને ફરવાની ઈચ્છા પૂરી કરવા માટે જ્યારે ડ્રાઇવર હનીફ અખિલેશને ટોય ટ્રેનમાં મુસાફરી કરવાં માટે ઉદગમંડલ્મ સ્ટેશને ઉતારે છે, ત્યારબાદ ટોયટ્રેન જ્યારે આગળ વધીને લવડેલ સ્ટેશને પહોંચે છે, અને ટોયટ્રેન જ્યારે લવડેલ સ્ટેશનેથી ઉપડે છે ત્યારે શ્રેયા ઉતાવળમાં દોડતી - દોડતી અખિલેશ ટ્રેનના જે ડબ્બામાં બેસેલો હતો, તે ડબ્બામાં ચડાવા માટે પ્રયત્ન કરી રહી હોય છે, જેમાં અખિલેશ શ્રેયાને મદદ કરે છે. આવી રીતે શ્રેયા અને અખિલેશની પહેલી મુલાકાત લવડેલ સ્ટેશન પર થઈ હતી.

ત્યારબાદ શ્રેયાને ઊટીમાં આવેલા જેટલા સાઇટસીન કરવાના હતાં, તેમાંથી અમુક સાઇટસીન તેણે અખિલેશ સાથે કર્યા, કારણ કે અખિલેશ મોટાભાગે સાંજે 4 કે 5 વાગ્યાની આસપાસ ફ્રી પડી જતો હતો, અને ફ્રેશ થઈને અખિલેશ હનીફને કોલ કરતો એટલે હનીફ અખિલેશ અને શ્રેયાને ફરવા માટે લઈ જતો હતો, અને રાતે 8 કલાકની આસપાસ હોટલ પર ઉતારી જતો હતો.

જેમ - જેમ "મેગા-ઈ" સોફટવેર લોન્ચિંગ ઇવેન્ટ આગળ વધે છે, તેમ - તેમ અખિલેશ અને શ્રેયાના પ્રેમની નૈયા પણ, પ્રેમ રૂપી દરિયામાં આગળ વધી રહી હતી.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સમય : સાંજના 4:30 કલાક
સ્થળ : ધ સીટી પેલેસ હોટલ
દિવસ : "મેગા - ઈ" સોફ્ટવેરની ઇવેન્ટનો 8મો દિવસ.

અખિલેશ ઈવેન્ટનો આજનો દિવસ પણ શેડ્યુલ મુજબ જ પુરો કરીને પોતાનાં રૂમમાં જાય છે, અને રિસેપ્શન કાઉન્ટર પર કોલ કરીને એક કડક ચા ઓર્ડર કરે છે, અને ત્યારબાદ ફ્રેશ થવા માટે જાય છે, જ્યારે અખિલેશ ફ્રેશ થઈને પાછો આવે છે, એટલીવારમાં વેઈટર ચા લઈને અખિલેશનાં રૂમ પર આવી પહોંચે છે, અને અખિલેશના રૂમમાં ટ્રેમાં ચા રાખીને જતો રહે છે, અખિલેશ જાણે આખા દિવસનો થાક ઉતારતો હોય તેમ પોતાના રૂમની બારી પાસે ઉભા રહીને ચાની એક પછી એક ચૂસકીઓ લગાવતો જતો હતો,અને બારીની બહાર જોતો જતો હતો, એવામાં તેનું ધ્યાન થોડેક દૂર ઉભેલ શ્રેયા પર પડ્યું, શ્રેયા અખિલેશને ઈશારો કરીને પોતાની તરફ બોલાવી રહી હોય તેવું લાગ્યું, આથી અખિલેશ કપમાં અધૂરી ચા છોડીને શ્રેયાને મળવા હોટલની બહાર દોડી આવે છે.

અખિલેશ હોટલની બહાર આવીને શ્રેયા પાસે જાય છે, શ્રેયા પણ અખિલેશને પોતાની તરફ આવતો જોઈને ખુબ જ ખુશ થાય છે, શ્રેયાને અખિલેશની વાતો પરથી એ બાબતનો ખ્યાલ આવી ગયો હતો કે અખિલેશ સાંજના 5 કે 6 વાગ્યાની વચ્ચે ફ્રી થઈ જાય છે. અખિલેશ શ્રેયા પાસે જાય છે અને બોલે છે.

"શ્રેયા ! અત્યારે ...તું અહીં..?" - અચરજ પામતા અખિલેશે પૂછ્યું.

"હા ! હું અહી તને મળવા માટે જ આવી છું…" - શ્રેયા સ્પષ્ટતા કરતાં બોલી.

"હા ! બોલ તો…!"

"તો તારી ઇવેન્ટનો આજનો દિવસ કેવો રહ્યો…?" - વાતની શરૂઆત કરતાં શ્રેયાએ પૂછ્યું.

"સરસ ! દરરોજની માફક જ આજે પણ હાજર રહેલા બધાં મહેમાનોનો પ્રતિભાવ સારો જ રહ્યો, અને આજે જે કર્મચારીનું પ્રેઝન્ટેશન હતું, તેણે પણ ખુબજ અસરકારક રીતે જ તેને આપવામાં આવેલ ટોપીકનું સારું એવું પ્રેઝન્ટેશન કર્યું હતું." - અખિલેશ બોલ્યો.

"સારું ! હું તને શું કહેતી હતી….?" - મૂંઝાતા અવાજમાં શ્રેયા બોલી.

"હા ! બોલ..કંઈપણ સંકોચ વિના…"

"મારી ...ત..બી...ય...ત....!" - શ્રેયા થોડુક અચકાતા - અચકાતા બોલી.

"શું ? થયું તારી તબિયતને…? કોઈ ડૉક્ટરને બતાવ્યું….? કંઈ દવા લીધી….? કોઈ હોસ્પીટલે જાવું છે બતાવવા માટે…?" - અખિલેશે શ્રેયાને અધવચ્ચે અટકાવીને એકસાથે ઘણાં-બધાં પ્રશ્નો પૂછી લીધાં.

"અરે ! પાગલ ! એટલી સિરિયસ કોઈ બીમારી નથી મને….બસ આજે સવારે હું 10 વાગ્યાની આસપાસ જ્યારે જાગી ત્યારે મને ખુબ જ હેડએક થઈ રહ્યું હતું, મારી પાસે પેરાસીટામોલ ટેબ્લેટ પડી હતી, તે મેં પી લીધી...ત્યારબાદ મને થોડુંક સારૂ લાગ્યું…!" - શ્રેયાએ અખિલેશને જણાવ્યું.

"તો ! અત્યારે તને કેવું લાગે છે હવે….?" - અખિલેશે ચિંતિત સ્વરોમાં શ્રેયાને પૂછ્યું.

"આમ તો બપોર કરતાં અત્યારે સારું લાગે છે, પરંતુ આજે આખો દિવસ રૂમમાં જ રહી છું, તો મારો જીવ મૂંઝાય છે, મને કંટાળો આવે છે….માટે હું તારી પાસે આવી છું..!" - શ્રેયા પોતાનો પ્રોબ્લમ જણાવતાં બોલી.

"તો ! આપણે ક્યાંક બહાર જઈએ તો...કેવું રહેશે…? જેથી કરીને તારે હવા ફેર પણ થઈ જાય, અને તને જે કંટાળો આવે છે એ પણ દૂર થઈ જશે...અને તારો જે જીવ મૂંઝાય છે, તેમાં પણ તને સારૂ લાગશે…!" - અખિલેશે શ્રેયાએ જણાવેલ પ્રોબ્લમનું સોલ્યુશન કાઢવા માટે આ વાત કે પ્રસ્તાવ શ્રેયા સમક્ષ મુક્યો.

"ઓહ ! ધેટ્સ ગ્રેટ…! ચોક્કસ ! હું આજુબાજુમાં કોઈ સારી જગ્યાએ જઈશ તો મને ચોક્કસથી ગમશે...અને સારું લાગશે...એમાં પણ તું મારી સાથે હોઇશ...તો એનાથી વધુ મારા માટે શું સારું હશે….!" - શ્રેયા અખિલેશની વાતોમાં સુર પુરાવતા બોલી.

"હા ! તો આપણે ક્યાં જઈશું…?" - અખિલેશે શ્રેયાને પૂછ્યું.

"તને ! નજીક રહેલું જે સ્થળ સારું લાગે ત્યાં મને લઈ જા...મને કોઈ પ્રોબ્લમ નથી….!" - શ્રેયા પોતાની સહમતી દર્શાવતા બોલી.

ત્યારબાદ અખિલેશ ડ્રાઇવર હનીફને કોલ કરે છે, અને આજુ-બાજુમાં જોવા લાયક સ્થળ વિશે પૂછપરછ કરે છે...હનીફ જણાવે છે કે…

"સાહેબ ! હાલમાં સાંજના પાંચ વાગી ચુક્યા છે….અને તમારે જો સાઇટસીન માટે જવું જ હોય તો, તમારી હોટલથી માત્ર 6 કિ. મી દૂર એક અદભુત અને નયનરમ્ય સ્થળ આવેલ છે જેનું નામ છે...ટાઇગર હિલ." - હનીફે ફોન પર જણાવ્યું.

"ટાઇગર હિલ…એ કેવું નામ??" - અખિલેશે હનીફને આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા ! સાહેબ ! ટાઇગર હિલએ ઊટીનાં મુખ્ય આકર્ષણોમાંથી એક આકર્ષણ છે, જ્યાં લોકો સનરાઈઝ અને સનસેટ જોવા માટે દૂર-દૂરથી આવે છે, ટાઇગર હિલ પરથી સનરાઈઝ અને સનસેટ જોવો એ એક લાહવો છે, જે તમારે ચોક્કસથી માણવો જ જોઈએ...આ ઉપરાંત આ ટાઇગર હિલએ ડોટાબેટા ટેકરીની નીચે જ આવેલ છે, આ ટાઇગર હિલએ એક કુદરતી સૌંદર્યને માણવા માટેનું ઉત્તમ સ્થળ છે, જ્યાં ઊંચા-નીચી ટેકરીઓ આવેલ છે, આ ટેકરીની ઉપરથી આખું ઊટી શહેર જોઈ શકાય છે, આ ઉપરાંત ટાઇગર હિલ પર અલગ - અલગ ગુફાઓ અને તળાવ આવેલ છે, જે ટાઇગર હિલની શોભામાં ચાર ચાંદ લગાડે છે, જેની સાથે ઊટી શહેરની અમુક દંતકથાઓ પણ જોડાયેલ છે, અહીંની અમુક - અમુક દંતકથાઓમાં પણ આ ગુફાઓ અને આ તળાવનો ઉલ્લેખ જોવા મળે છે, આ ઉપરાંત ટાઇગર હિલ પર એક જૂનું કબ્રસ્થાન પણ આવેલું છે, આ કબ્રસ્તાન અંગ્રેજ લોકોએ બનાવડાવેલ હતું, જેમાં વિવિધ અંગ્રેજ લોકોની કબરો હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ હાલમાં આ કબ્રસ્તાનની હાલત એકદમ ક્ષીણ થઈ ગયેલ છે, અને નબળા હ્ર્દયવાળા લોકોએ આ કબ્રસ્તાને જવાની વાત તો અલગ છે, પરંતુ તેની નજીક પણ ન જાવું જોઈએ, આ કબ્રસ્તાન એટલું ભયાનક અને ડરામણું છે કે તે જોઈને અથવા ત્યાં ગયાં પછી સારા - સારા લોકોના હાજા ગગડી જાય , અને પરસેવો વળી જાય…….અને શરીરપર રહેલા બધા જ રુવાટા ઉભા થઇ જાય...…...ટૂંકમાં તમારે પ્રકૃતિની ગોદમાં બેસવાનો અનુભુવ કરવો હોય તો ચોક્કસ જઈ શકાય…!" - હનીફ ટાઇગર હિલનું વર્ણન કરતાં બોલ્યો.

હનીફે કરેલા ટાઇગર હિલના વખાણ સાંભળી, અખિલેશ એટલો પ્રભાવિત થઈ ગયો કે તેણે હાલ જ ટાઇગર હિલ મુલાકાત લેવાનું મન બનાવી લીધું હતું.

"ટાઇગર હિલમાં એન્ટ્રી કેટલા વાગ્યા સુધી હોય છે….?" - અખિલેશને ટાઇગર હિલ જવામાં રસ પડતો હોય તેવી રીતે હનીફને પૂછ્યું.

"સાહેબ ! તમે લગભગ 5:30 વાગ્યાં સુધીમાં ટાઇગર હિલે પહોંચી જશો, તો પણ તમારી પાસે બે કલાક જેવો સમય રહેશે ટાઇગર હિલની સૌંદર્યને માણવા માટે...જે તમારા માટે પૂરતો સમય છે..!"

"ઓકે ! તો એ જ મારા માટે અત્યારે યોગ્ય રહેશે...હે ને…?" - અખિલેશે ખાતરી કરતાં પૂછ્યું.

"હા ! સાહેબ ! એ જ વિકલ્પ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તમારા માટે બેસ્ટ રહેશે….તો હું આવું તમને પીક- અપ કરવા માટે….?" - હનીફે પોતાની ફરજ બજાવતા પૂછ્યું.

"ના ! હનીફ ! તું આવીશ તો મારે કદાચ થોડું વધારે મોડું થઈ જશે….અને હું ઓલરેડી હોટલની બહાર આવી ગયો છું, માટે તારે અત્યારે હેરાન થવાની જરૂર નથી, હું અહીંથી લોકલ ટેક્ષી દ્વારા ત્યાં જતો રહીશ….આમપણ તે મને માહિતી આપી એ જ મારા માટે પૂરતું છે, અને હું હાલમાં એકલો નથી… માટે હું મારી રીતે જ ટાઇગર હિલ પર ફરી આવું છું."

ટાઇગર હિલ શબ્દ સાંભળતાની સાથે જ તેની મુલાકાત લેવાનું મન થાય તેવુ નામ છે, અને જો તમારે ઊટી ક્યારેય ફરવા માટે જવાનું થાય તો ટાઇગર હિલની મુલાકાત લેવાનું ચૂકશો નહીં, જો તમે પ્રકૃતિની ગોદમાં ફરતાં હોવ તેવો અનુભવ કરવા માંગતા હો તો આ સ્થળ એટલે કે ટાઇગર હિલની અવશ્ય મુલાકાત કરવી….તેની સુંદરતા જોતા જાણે આપણી લાઈફ ચાર્જ થઈ ગઈ હોય તેવો અનુભવ થશે…!

ત્યારબાદ અખિલેશ અને શ્રેયા ટાઇગર હિલ જવા માટે ત્યાંની લોકલ ટેક્ષી કરે છે, અને ટેક્ષી દ્વારા અખિલેશ અને શ્રેયા ટાઇગર હિલ પર 5:30 કલાકના ટકોરે પહોંચી જાય છે, ટાઇગર હિલની રોમાંચક સફરની શરૂઆત ટાઇગર હિલ પર જતાં રસ્તાની શરૂઆત સાથે જ થઈ જાય છે, ઉંચા-નીચા રસ્તાઓ, બાજુમાં લીલીછમ ટેકરીઓ, વૃક્ષો, વળાંકો વાળા રસ્તાઓ વગેરે ટાઇગર હિલ તરફ જવાની ટ્રીપને વધુ રોમાંચક અને થ્રિલ ભરેલ બનાવે છે.

ટાઇગર હિલ પર પહોંચ્યા બાદ, અખિલેશ આ ટાઇગર હિલમાં પ્રવેશવા માટેની ટીકીટ લઈને પ્રવેશ કરે છે, ટાઇગર હિલ પર પહોંચતાની સાથે જ અખિલેશનું મન ખૂબ જ ખુશ થઈ ગયું, કારણ કે ટાઇગર હિલનો નજારો જ એવો હતો, જ્યારે શ્રેયાને તો હેડએક ક્યાં ગાયબ થઈ ગયું એ ખ્યાલ ના રહ્યો, શ્રેયાએ આખા દિવસ દરમ્યાન જેટલો કંટાળો અનુભવ્યો હતો, તેના કરતાં ચાર ગણો આનંદ અને ઉત્સાહ પોતે અનુભવી રહી હતી, જાણે શ્રેયાના શરીરમાં નવી શક્તિઓનો સંચય થયો હોય તેવું લાગી રહ્યું હતું.

ટાઇગર હિલ પરથી આખુ ઊટી શહેર જોઈ શકાતું હતું, જે જોતા અખિલેશ અને શ્રેયા ખૂબ જ ખુશ થયા, ઊંચી- ઊંચી લીલીછમ ટેકરીઓ જાણે લીલા રંગની ચાદર ઓઢીને બેસી હોય તેવી મનમોહક લાગી રહી હતી, અને આ ટેકરીઓથી ચારેબાજુ ઘેરાયેલ તળાવ, ટાઇગર હિલની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું હતું, ખુલ્લા આકાશમાં મુકતમને વિહાર કરતાં પક્ષીઓ પણ મનને પ્રફુલ્લિત કરી રહ્યાં હતાં, આજુબાજુ માંથી આવતા પક્ષીઓનો કલરવ એટલો મીઠો ભરેલો હતો કે જે સાંભળીને એવું લાગતું હતું કે બસ બધું જ ભૂલીને માત્રને માત્ર આ મીઠાસ ભરેલો સુમધુર અવાજ સાંભળ્યાં જ કરીએ….આ હિલ પર આવેલ ગુફાઓ જાણે હજારો રહસ્યો અને કથાઓ પોતાના હૃદયમાં વર્ષોથી દબાવીને બેઠી હોય તેવું લાગતું હતું, ત્યારબાદ ત્યાં આવેલ કબ્રસ્તાન પાસે જવાની માત્ર હિંમત કરવી એ પણ એક સાહસ જ હોય એવું લાગી રહ્યું હતું, કબ્રસ્તાનની હાલત એવી હતી કે માનો કે આપણે કોઈ હોરર મુવી માટેના શૂટિંગના સેટ પર આવી ગયાં હોય એટલું ડરામણું અને ભયાનક લાગી રહ્યું હતું.

ટાઇગર હિલ પર લગભગ અડધી કલાક ફર્યા બાદ શ્રેયા અને અખિલેશ સનસેટ જોવા માટે એક બાંકડા પર બેઠા, અને સનસેટ થાય તેની રાહ જોવા લાગ્યાં.

એવામાં સનસેટનો સમય થઇ ગયો, આ સનસેટ જોઈને મન એટલું પ્રફુલ્લિત થઈ જાય કે તેનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે, અખિલેશ અને શ્રેયાએ આ નજારો પોતાની આંખો વડે માણયો, જેવી રીતે નાનું બાળક રમત - રમતમાં ઓઢેલ ચાદર ઉપર-નીચે કરે, તેવી જ રીતે જાણે સૂર્ય નારાયણ વાદળાઓ સાથે નાના બાળકની માફક જાણે સંતાકુકડી રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જેવા સૂર્યનારાયણ આથમ્યા એવું તરત જ અંધકારે પોતાનું વર્ચસ્વ જમાવવાનું શરૂ કરી દીધું….જે દર્શાવે છે કે તમે ભલે ગમે તેટલા મહાન કે પ્રભાવશાળી ભલે હોવ, પરંતુ તમારો અસ્ત તો નક્કી જ છે, જે ચોક્કસ સમયે તમારી લાઈફમાં તો આવશે જ તે, માટે પોતાની મહાનતા કે વર્ચસ્વ પર વધારે અભિમાન ના કરવું જોઈએ.

ટાઇગર હિલ પરથી સનસેટ જોયા બાદ અખિલેશ અને શ્રેયા જ્યારે પાછા ફરી રહ્યાં હતાં, ત્યારે આ ટેકરીથી થોડેક જ દુર આવેલ એક બાંકડા પર અખિલેશની નજર પડી, જે બાંકડો ટેકરીની કિનારીથી થોડોક જ દૂર હતો, આ બાંકડો જોઈને અખિલેશનાં પગ એકાએક થંભી ગયાં, આ જોઈ અખિલેશે આ જગ્યા અને આ બાંકડો અગાવ ક્યાંક જોયેલો હોય એવું લાગ્યું પરંતુ ક્યાં….?.....ક્યારે…..? એ કંઈ ખાસ યાદ આવી રહ્યું ન હતું, આ જગ્યા જોઈને અખિલેશને લાગ્યું કે આ જગ્યા સાથે પોતે કોઈ જૂનો સંબધ ધરાવતો હોય.

જ્યારે અખિલેશ પેલા બાંકડા પાસે ઉભો હતો, અને યાદ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો, એ દરમ્યાન શ્રેયામાં પણ અમુક પ્રકારનું પરિવર્તન આવી રહ્યું હતું, તેનો અવાજ ભારે થઈ રહ્યો હતો, તેની નજરોમાં પણ બદલાવ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, તેનું શરીર ધ્રુજી રહ્યું હતું…..અચાનક અખિલેશનું ધ્યાન શ્રેયા તરફ ગયું, જેવું અખિલેશે શ્રેયા તરફ જોયું, તો શ્રેયા પહેલાની માફક જ નોર્મલ થઈ ગઈ….અખિલેશને લાગ્યુ કે કદાચ અત્યારે મોડું થઈ ગયું એટલે અથવા કબ્રસ્તાન જોઈને શ્રેયા ડરી ગઈ હશે…..આથી અખિલેશ શ્રેયાને લઈને ઝડપથી ટાઇગર હિલની બહાર નીકળી જાય છે….અને રસ્તામાં એક સારી એવી રેસ્ટોરન્ટ આવી, તે રેસ્ટોરન્ટમાં બનેવ સાથે ડિનર કરે છે, અને ફરીપાછા ટેક્ષીમાં બેસી જાય છે, અને ઊટી આવી પહોંચે છે.

ત્યારબાદ બનેવ એકબીજાને ગુડનાઈટ વિશ કરીને છુટા પડે છે, અખિલેશ પોતાની હોટલ તરફ પગલાં ભરવા લાગે છે, જ્યારે શ્રેયાએ પણ પોતાની હોટલ તરફ જતાં રસ્તે પગલાં ભરવાનું શરૂ કર્યું, અને પોત-પોતાની હોટલે પહોંચે છે, જ્યારે આ બાજુ ટેક્ષી ડ્રાઇવર અચરજ ભરેલી નજરોથી અખિલેશ તરફ જોઈ રહ્યો હતો, અખિલેશનું વર્તન ટેક્ષી ડ્રાઈવરને થોડુંક અજુગતું લાગી રહ્યું હતું, અખિલેશ સાથે સાથે હાલમાં કંઈક એવું બની રહ્યું હતું, જે આગળ જતાં અખિલેશને ખુબ જ આઘાત પહોંચાડનું હશે, આવું વિચારતાં- વિચારતાં ડ્રાઇવર પોતાની ટેક્ષીનો વળાંક લે છે, અને ટેક્ષી પોતાનાં ઘર તરફ જતાં રસ્તા પર વાળે છે, અને ટેક્ષી ધૂળની ડમરીઓ ઉડાળતાં - ઉડાળતાં ઝડપ પકડે છે.

અખિલેશ પોતાના રૂમમાં પહોંચીને ફ્રેશ થઈ જાય છે, અને પોતાનું લેપટોપ સ્ટાર્ટ કરીને ઇવેન્ટના આગળનાં શેડ્યુલ પર નજર ફેરવે છે, થોડીવાર લેપટોપમાં વર્ક કર્યા બાદ અખિલેશની આંખો ઘેરાવા લાગી, આથી તેણે સુવા માટે પોતાના શરીરને બેડ પર લંબાવ્યુ, અને આંખો બંધ કરી….જેવી અખિલેશ પોતાની બનેવ આંખો બંધ કરી તો તેની સમક્ષ ફરી એ જ બાંકડો અને એ જ ટાઇગર હિલ વાળો સીન આવીને ઉભો રહ્યો.

શાં માટે અખિલેશનાં પગ પેલા બાંકડા પાસે એકાએક ઉભા રહી ગયાં….? શાં માટે અખિલેશને આ જગ્યા અગાવ પણ ક્યાંક જોઈ હોય એવું લાગી રહ્યું હતું…..? અખિલેશનો ટાઇટર હિલ સાથે શું સબંધ હશે….? બરાબર આ જ સમય દરમ્યાન શ્રેયાના શરીરમાં આવેલા ફેરફાર કે બદલાવ પાછળનું શું કારણ હશે….? શું શ્રેયા પણ ટાઇગર હિલ સાથે કોઈ સંબંધ ધરાવતી હશે….? આવા વગેરે પ્રશ્નો અખિલેશની સામે આવીને ઊભા રહ્યાં જેનો જવાબ અખિલેશ પાસે તો હતો જ નહીં….કદાચ શ્રેયાને પણ આ બાબતે કોઈ ખ્યાલ નહિ હોય...એવું અખિલેશે વિચારી લીધું.

આ બાબતે વિચાર કરતાં કરતાં અખિલેશને ક્યારે ઊંઘ આવી ગઇ એ ખ્યાલ ના રહ્યો, આમપણ અખિલેશ આજે ખૂબ જ થાકેલ હતો, આથી તેને ઊંઘ આવતા વધુ વાર ના લાગી, પથારીમાં પડતાની થોડીક જ મિનિટમાં અખિલેશ ઘસઘસાટ ઊંઘમાં ડૂબી ગયો….પરંતુ આવનાર સમય હજુપણ અખિલેશ માટે ઘણા રહસ્યો લઈને આવવાનો હતો...જે બાબતે અખિલેશ એકદમ અજાણ હતો.



ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com