ખોફનાક ગેમ
વ્રજલાલ હિરજી જોષી
ખૌફનાક ટાપુ પર
ભાગ - 1
કોઈ નાનકડાં ગામના પાદરેથી તળાવમાંથી પાણી ભરીને આવતી નાચતી, કૂદતી, ઊછળતી, અલ્લડ કન્યાની જેમ આકાશમાં નાની-નાની પાણી ભરેલી વાદળીઓ દોડી રહી હતી. સમુદ્રની લહેરોનો અહ્લાદક સ્પર્શ પામી આનંદમય બનેલો મધુર ઠંડો પવન વ્હાઇટ રહ્યો હતો. ધરતીમાતાને ખુશ જોઈ આનંદથી થનગનતો સૂર્ય સોળે કળાએ ખીલી રહ્યો હતો.
સ્વપ્નભર્યા તે ટાપુ પાસેથી ખજાનો મેળવી સૌ સમુદ્રમાં સફર માટે આગળ નીકળ્યા હતા. મોગલો મોટરબોટને ઝડપથી હંકારી રહ્યો હતો. પ્રલય, કદમ, વિનય બોટની ડેક પર બેસી ચા-નાસ્તા સાથે ગપ્પાં મારી રહ્યા હતા, અને ડેનિયલ ભગવાન જાણે પણ સોનાનો ખજાનો પ્રાપ્ત થયા બાદ ડેનિયલ બોટના ભંડકિયામાં ખજાના સાથે જ વધુ સમય ગાળતો હતો.
‘પ્રલય... હવે આપણે હેમખેમ ખોપરીવાળા ટાપુ પર પહોંચી જઈએ તો બસ પત્યું....’ બિસ્કિટનો એક ટુકડો મોંમાં નાખતાં વિનય બોલ્યો.
“હા... હવે આપણે આપણી મંઝિલથી બહુ દૂર નથી. પણ જો ડેનિયલ આપણને પૂરો સાથે આપે તો... ચાનો ઘૂંટડો ભરતાં કદમ બોલ્યો.”
“સાથ આપશે... ચોક્કસ આપશે... જો ડેનિયલ હવે કોઈ પણ જાતનું નાટક કરશે કે આપણે ઊંધા રસ્તે દોરી જશે. તો હું તેને તેના સોના ખજાના સાથે આ સમુદ્રના તળિયે દફનાવી દઈશ...” ડેક પર મૂઠી પછાડતાં ક્રોધભર્યા અવાજે પ્રલય બોલ્યો.
“મિ. પ્રલય... ચિંતા ન કરો એવું કાંઈ જ નહીં થાય....”
અવાજ સાંભળે ત્રણે ચમક્યા અને પાછળ વળીને જોયું તો તેઓની પાછળ આછું સ્મિત ફરકાવતો ડેનિયલ ઊભો હતો.
“મિ. પ્રલય... તમે મને મારો ખજાનો જીવના જોખમે સમુદ્રના તળિયેથી કાઢી આપ્યો.... તમને હું ચોક્કસ ખોપરીવાળા ટાપુ પર પહોંચાડી દઈશ ચિંતા ન કરતા...” ડેનિયલ બોલ્યો અત્યારે તેના ચહેરા પર રહસ્યમય સ્મિત ફરી રહ્યું હતું.
બપોર થવા આવી હતી. આકાશ વાદળોથી છવાયેલું હોતાં સૂર્યનો પ્રકાશ ખૂબ ઓછો હતો. ડેક પર બેસી-બેસી સૌ કંટાળ્યા હતા. મોમ્બાસાથી સફરે નીકળ્યા ને ઘણા દિવસો નીકળી ગયા હતા. હિંદ મહાસાગરમાં આવેલ ગ્રૂપ ઓફ અલડાબરાના લગભગ સો ટાપુઓના ઝુંડમાં ખબર નહીં તેઓ ક્યાંથી ક્યાં પહોંચ્યા હતા. “ગોલ્ડન બટરફલાય” (સ્વપ્નનો ટાપુ) પર ચાર દિવસ તો તેઓએ ખૂબ જ આનંદમાં ગાળ્યા હતા. આજ તે ટાપુને છોડ્યાને પણ બે દિવસ વીતી ગયા હતા. ડેનિયલ સિવાય કોઈનેય આ સમુદ્રી રસ્તાની ખબર પડતી ન હતી. મોગલો ડેનિયલની બતાવેલ દિશામાં બોટને દોડાવ્યે જતો હતા. વિનય તેઓ પર બાઝ નજર રાખતો હતો.
ભગવાન સૂર્ય નારાયણ ધીમે ધીમે ઉપર આવતા જતા હતા. લગભગ બાર વાગ્યાના સમયે સૌ ભોજન કરી પરવાર્યા ત્યારે પવનની ગતિ વધવા લાગી હતી અને કોણ જાણે ક્યાંથી કાળાં ડિબાંગ વાદળો ઉમટવા લાગતાં હતાં.
“સર... કદાચ વરસાદ અને સાથે સાથે ઝંઝાવતી તુફાન પણ આવે તેવાં ચિહ્નો દેખાય છે. આપણે આગળ વધવામાં તકલીફ પડે તેવું લાગે છે...” ચિંતાતુર સ્વરે મોગલો બોલ્યો.
“મોગલો... તમે ચિંતા ન કરો... જે થાય તે ખરું, આપણે જરૂર આગળ વધશું...” કદમ મક્કમતાપૂર્વક બોલ્યો.
ધીમે-ધીમે પવનની ગતિ વધતી જતી હતી અને આકાશ પૂરું કાળાં ડિબાંગ વાદળોથી છવાઈ ગયું. ભગવાન સૂર્ય નારાયણ પણ કાળાં ડિબાંગ વાદળોની પાછળ છુપાઈ ગયા.
મોગલોએ ફટાફટ બોટના સઢ ઉતારી નાખ્યા અને બોટની ગતિ એકદમ ધીમી કરી નાખી.
દરિયામાં ભયાનક ઘુઘવાટના શોર મચાવતાં મોટાં-મોટાં મોજાં ઊછળવા લાગ્યાં. ધીરે ધીરે ગાઢ અંધકાર છવાઈ ગયો અને તોફાની સુસવાટા મારતો પવન ફુંકાવા ગ્યો અને પછી ઘનઘોર આકાશમાં આગના લબકારા મારતી વીજળીના લિસોટા વેરાયા.... “સ્પાર્ક... સ્પાર્ક....”
“કડડડડ.... ધડુમ....” સ્પાર્ક.... સ્પાર્ક...ના અવાજ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું. આકાશમાં વાદળ ટકરાવાના જોરદાર અવાજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો.
મોટરબોટની ડેકની રેલિંગ પકડીને પ્રલય, કદમ, વિનય અને ડેનિયલ ઊભા હતા. મોગલોએ મોટરબોટનું એન્જિન બંધ કરી નાખ્યું અને તે ડેક પર આવ્યો.
“આ રીતે તોફાન ચાલુ રહ્યું તો મિ. પ્રલય આપણે કોઈ જ બચી નહીં શકીએ...” ચિંતાતુર ચહેરે મોગલો બોલ્યો.
“આપણે કરી પણ શું શકીએ... જો દુશ્મનો સાથે હોય તો લડી લઈએ પણ... આ કુદરત છે. તેની સામે શું થઈ શકે...” પ્રલય બોલ્યો.
“એટલું સારું છે, મોગલો કે આ બોટ ખૂબ મજબૂત પાકા લાકડાની બનેલી છે. નહીંતર ક્યારનીય તૂટી પડત...” મોં પર પડેલ વરસાદના પાણીની વાછટ લૂછતાં વિનય બોલ્યો.
“તો પણ આપણે લાઈફ બોટ તૈયાર રાખવી પડશે, જરૂર પડે તો લાઈફ બોટમાં તરતા-તરતા બચી શકીએ...” આવેલ દરિયાનાં મોજાંના ઝાટકાથી પડી ન જવાય તે માટે રેલિંગને બંને હાથે મજબૂતાઈથી પકડતાં કદમ બોલ્યો.
ઘનઘો અંધકાર ભર્યા આકાશમાં ફરી એકવાર લખલૂંટ પ્રકાશ વેરતી વીજળી ફરી વળી અને પછી એક મોટો કડાકો થયો. ધડડડુડુ... ધડામ...ધડામ... અવાજ સાથે આખો દરિયો ધ્રૂજી ઊઠ્યો અને મોટા-મોટા પહાડ જેવાં મોજાંઓ ઊછળગાવ લાગ્યાં. વરસાદ વેગ પકડતો જતો હતો. બાર મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. મોટરબોટ પર ભયાનક રીતે વરસાદની ઝડીઓ વરસતી હતી.
દરિયામાં મોટા-મોટા પહાડ જેવા મોજાંઓ ઊછળતાં હતાં. મોટરબોટ ભયાનક રીતે મોજાંઓની સાથે ઉપર ઉડતી હતી, અને વળતી જ પળે મોજાઓ સાથે નીચે પછડાતી હતી અને દરિયાનું પાણી વેગ સાથે બોટની ડેક પર ધસી આવતું હતું.
ડેક પર રેલિંગ પકડીને ઊભેલા પ્રલય, કદમ, વિનય, ડેનિયલ અને મોગલો પોતાના શરીરનું બેલેન્સ જાળવી શકતા ન હતા. એક તરફ વેગ સાથે દરિયાનાં મોજાઓની થપાટો તેઓ પર વરસી રહી હતી. રેલિંગ છોડીને તેઓ બોટની અંદર જઈ શકે તેવી પણ પરિસ્થિતિ ન હતી. અફાટ દરિયામાં ભયાનક તોફાન વચ્ચે તેઓ એકલા-અટૂલા હતા. એટલું ભયાનક અંધારું છવાઈ ગયું હતું કે કાંઈ જ દેખાતું ન હતું. થોડી-થોડી વારે થતી વીજળીના પ્રકાશમાં ચારે તરફ પર્વત જેવાં મોટાં ઊછાળતાં મોજા દેખાતાં હતાં. ચારે તરફ મોત પોતાનું વિકરાળ જડબું. ફાડીને મંડરાઈ રહ્યું હતું. ભલભલા શૂરવીરોની છાતીના પાટિયાં બેસી જાય તેવું ડરામણું વાતાવરણ હતું. મન મક્કમ કરીને સૌ ઊભા હતા. શું કરવું તે કોઈને સૂઝતું ન હતું.
મોટરબોટ પર કાંઈ જ કંટ્રોલ ન હતો. તે પવનમાં વેગ સાથે અથડાતી-પછડાતી આગળ દિશા-વિહીન વધી રહી હતી.
અચાનક ભયાનક ગર્જના કરતી સન... સન... સબાક કરતી પૂર્વ દિશામાં થયેલી વીજળી લખલૂંટ પ્રકાશ વેરતી ભયાનક ધડાકા સાથે દૂર દૂર દરિયાના પાણીમાં પટકાઈ.
અને પછી ભયાનક તુફાન આવ્યું. દરિયાનાં મોટાં બેવડા જોશ સાથે ઊછળવા લાગ્યાં. વિલીન થતી વીજળીના પ્રકાશમાં તેઓએ તે ર્દશ્ય જોયું. સૌ હેબતાઈ ગયા. તે જ વખતે ક ભયાનક મોજું આવ્યું અને મોટરબોટ જાણે આકાશને અડવા જઈ રહી હોય તેમ મોજા સાથે ઊંચકાઈ સૌના હાંજા ગગડી ગયા. ઊંચકાયેલી બોટ દરિયાના પાણી સાથે લગભગ ચાલીસ ફૂટ જેટલી અધ્ધર થઈ.
ગાઢ અંધકારમાં ફરીથી થયેલ વીજળીના ચમકારામાં બોટ સાથે પોતાની જાતને દરિયાના પાણીમાં એકદમ અધ્ધર થયેલ જોઈ સૌના હાજા ગગડી ગયાં.
રેલાયેલ વીજળીનો પ્રકાશ અંધકારમાં વિલીન થયો. તે જ ક્ષણે ઘનઘોર અંધકારમાં મોજાઓની સાથે ઊંચકાયેલી બોટ નીચે આવવા લાગી.સૌને લાગ્યું કે બોટ હમણાં જ દરિયાના પાણીમાં ગરકાવ થઇ જશે.
‘‘રેલિંગ બરાબર પકડી રાખજો...” પ્રલયે જોરથી રાડ પાડી, પણ પ્રલયની રાડનો અવાજ ભયનાક ગર્જણના અવાજમાં સમાઇ ગયો.
ભયાનક તોફાનમાં પણ મોગલોનું દિમાગ કામ કરી રહ્યું હતું. ધીરે ધીરે નીચા નમી એક હાથે રેલિંગને મજબૂતાઇથી પકડ્યા બાદ, બીજા હાથે નીચે પડેલ સઢના દોરડાના ગૂંચડાને ઉઠાવ્યા. તે જ વખતે “છબાક” ના શોર મચાવતી મોટરબોટ મોજા સાથે ઉછળતી નીચે દરિયાના પાણીમાં પછડાઇ અને જોશ સાથે ચારે તરફ પાણી ઊછળ્યું અને બોટમાં વેગ સાથે પછડાયું. મોટરબોટનો સિત્તેર ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો.
એક ક્ષણ તો સૌને એવું લાગ્યું કે બોટ સાથે સૌની જળ સમાધિ થઇ જશે. સૌના શ્વાસ અધ્ધર થઇ ગયા અને સૌ દિલની ધડકનો ચૂકી ગયા.
બીજી ક્ષમે હાલક-ડોલક થતી બોટ પાણી પર આવવા લાગી.
ઉઠાવેલ દોરડાના ગૂંચડાઇને લઇ ધીરે ધીરે ડેક સાથે અથડાતો મોગલો ઉભો થયો. ત્યારબાદ એક હાથને રેલિંગના પાઇપમાં કોણીએથી વાળીને બરાબર ભરાવ્યો અને પછી તે હાથના પજા અને બીજા હથની મદદથી દોરડાને રેલિંગના પાઇપ સાથે મજબૂતાઇથી બંધી દીધો. ત્યારબાદ દોરડાના બીજા છેડાને એક હાથે બરાબર પકડીને રેલિંગ પાસે સૂઇ ગયો અને ત્યારબાદ શરીરને રડાવતા-રડાવતા મોટર બોટની કેબિન પાસે પહોંચ્યો. આટલું કરવામાં તો તેના શરીરે પરસેવો વળી ગયો હતો. ત્યારબાદ માંડ માંડ અસ્થિર બોટના ફર્શ પર કેબિનની દીવાલને પકડી તે ઊભો થયો અને કેબિનના દરવાજા પાસેની દીવાલ પર લગાવેલ કડામાં દોરડાને મજબૂતાઇથી બાંધી દીધો. ત્યારબાદ કેબિનના દરવાજાનું હેન્ડલ ખોલી ઝડપથી તે કેબિનમાં ઘૂસી ગયો અ કેબિન તથા કેબિન પર લગાવેલ બલ્બની આછા પીળા પ્રકાશમાં દરિયાનો સીન ભયાનક લાગતો હતો. જોશથી પડતો વરસાદ અને ભયાનક ગર્જના સાથે ચારે તરફ પહાડ જેવાં ઊંચા થતાં દરિયાનાં જોડાં સૌ મોતના તાંડવને દહેશત સાથે જોઇ રહ્યા.
“પ્રલય...કદમ...વિનય...મેં રેલિંગથી કેબીન સુધી દોરડાને મજબૂતાઇથી બાંધી દીધું છે. જલદી કરો...જલદી દોરડાને પકડીને કેબિન તરફ આવવાની કોશિશ કરો...” ચીસ ભર્યા અવાજે મોગલો બોલ્યો.
મોગલોનો ચીસભર્યો અવાજ સાંભળ્યા પછી જ સૌનું ધ્યાન તે મોગલોએ બાંધેલ દોરડા પર ગયું.
“ચાલ કદમ...આગળ વધ...”
“ચાલ વિનય...તું કદમની પાછળ જા...”
“ચાલો મિ.ડેનિયલ...” પ્રલય જોર-જોરથી ચિલ્લાતો હતો.
રેલિંગથી કેબિન સુધી બાંધેલા દોરડાને પકડીને ધીરે ધીરે પહેલા કદમ પછી વિનય અને ત્યારબાદ મિ.ડેનિયલ આગળ વધ્યાં.
“પ્રલય...તું ત્યાં કેમ ઊભો છો, તું પણ ચાલ...” કદમ જોરથી ચિલ્લાયો તેનો અવાજ તરડાઇ જતો હતો.
“મારી ચિંતા ન કર કદમ...એક સાથે બધા દોરડું પકડીને આગળ વધશું, તો કદાચ આવતા ઝાટકામાં દોરડું તૂટી જશે. તમે કેબિનમાં પહોંચી જાવ પછી હું આવી જઇશ...” ચીસ નાખતાં પ્રલય બોલ્યો.
વરસાદનો વેગ આટલો હતો કે આંકો ખૂલતી ન હતી. સૌ આંકો ફાડી-ફાડીને માંડ-માંડ જોઇ શકતા હતાં. કોઇના પણ પગ ફર્શ પર સ્થિર રહી શકતા ન હતાં. માંડ-માંડ દોરડું પકડી સૌ ઇંચ-ઇંચ કરી આગળ વધતા રહ્યા.
કેબિન પાસે આવતાં વારાફરતી એક-એકને મોગલોએ કેબિનમાં કેંચી લીધાં. ત્યારબાદ પ્રલય પણ દોરડું પકડી ધીરે ધીરે કેબિનમાં આવી ગયો.
“થેંક્યુ મોગલો...” બીકથી ધ્રૂજતાં ડેનિયલ બોલ્યો.
“ડેનિયલ સાહેબ...આ તો મારી ફરજ બને છે. આપણે એક-બીજાને મદદ કરતા રહેશું. તો જ મંઝીલ સુધી પહોંચી શકશું.” મોગલો બોલ્યો.
“મોગલો...તમે કઇ ચક્કીનો આટો ખાવ છો...? આટલી ઉંમરે પણ તમારામાં એક નવયુવાન જેવી તાકાત છે...?” હસતાં-હસતાં કદમે પૂછ્યું.
“બેટા...જે ચક્કીનો આટો તું ખાય છે, તેના દાદાની ચક્કીનો આટો હું બચપણમાં ખાતો હતો.”
મોગલોની વાત સાંભળી સૌ ખડખડાટ હસી પડ્યા.
એમ ને એમ રાત પડી ગઇ. વરસાદ હજુ ચાલુ હતો. સુસવાટા ભેર ઘૂમરી લેતો પવન ફૂંકાઇ રહ્યો હતો. દિશા વિહોણી બોટ દરિયાનાં મોજાં સાથે ઊછળતી ફેંકાતી આગળ વધી રહી હતી. વાતાવરણ એટલું ડરામણું હતું કે તેઓ ધરતીના કોઇ અજ્ઞાત સ્થળે એકલા-અટુલા અથડાઇ રહ્યા હોય તેવું લાગતું હતું. તેઓ ક્યાં છે કઇ દિશામાં જઇ રહ્યા તેની પણ તેઓને ખબર ન હતી. કોઇએ કાંઇ જ ખાધું ન હતું.
સૌને પોતાનાં સ્વજનો અને પોતાનું ઘર યાદ આવી રહ્યું હતું.
કદમને પોતાનું અતીત યાદ આવી રહ્યું હતું. ધરતીકંપમાં એકલો-અટૂલો નાનો બાળક પોતાના તૂટેલા ઘરની સામે બેઠો હતો. તે ઘર જે ઘરની નીચે પોતાની મા, ભાઇ, બહેન દટાયેલાં હતાં, તે જીવતાં છે કે મૃત્યુ પામ્યાં છે, તેની પણ તેને ખબર નહતી. ઠંડી કાતિલ રાતના ખુલ્લા આકાશ નીચે ખાધા-પીધા વગર સતત રડતો બેઠો હતો. ચારે તરફથી બચાવ-બચાવ ભયાનક ચીસોના અવાજ અંથકારમાં ગુંજતા હતા. સાથે કૂતરાઓના ભસવાના અવાજ...દિલ તૂટી રહ્યું હતું. દુનિયા વેરાન થઇ ગઇ હતી. આંખમાં આંસુ ખૂટ્યાં હતાં. છતાં તે રડી રહ્યો હતો. તે એકલો હતો, દુનિયામાં તેનું કહી શકગાય તેવું કાંઇ જ ન હતું. બસ...સતત રડ્યા કરતો હતો.
કદમ...કદમ...માથા પર પ્રલય વાત્સલ્યથી હાથ ફેરવી રહ્યો હતો અને કદમની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી.
પ્રલયના હૂંફાળા સ્પર્શ અને અવાજથી કદમ પોતાના અતીતમાંથી પાછો ફર્યો અને પ્રલયના સીનામાં માથું મૂકી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.(કદમના અતીતને જાણવા ધરતીકંપને ચકરાવો લેતી નવલકથા) “ધરતીનું ઋણ” વાંચો.)
વિનયના ચહેરા પર દુ:ખ તરવરી રહ્યું હતું, તેને પોતાનાં મમ્મી-પપ્પા તથા પોતાની પત્ની તથા ગુડિયા જેવી પ્યારી બેટી યાદ આવી રહ્યાં હતાં.
“હવે સૌને મળી શકાશે કે કેમ...?” તે વિચારથી તે હસ્યો, તેના હાસ્યમાં દુ: તરવરતું હતું. તેની આંખોમાં આંસુ તરવરી ઊઠ્યાં.
“પપ્પા...પપ્પા...જલદી ઘરે આવોને...” પ્યારી ગુડિયાની કાલી ઘેલી ભાષાને શબ્દો તેના કાન પાસે ગુંજવા લાગ્યા, તેનું હ્રદય રડી પડ્યું.
“આ મિશન પૂરું થશે તો તે ચોક્કસ આફ્રિકા છોડી પાલનપુર ચાલ્યો જશે...” મનથી તેવો નિર્ણય કર્યો.
સૌ પોત-પોતાનાં સ્વજનોની યાદમાં ખોવાયેલા હતા, ત્યારે ડેનિયલ ચેર પર બેસીને સિગારેટ પી રહ્યો હતો. તેનો ચહેરો કોરી સ્લેટ જેવો હતો. ચહેરા પર કાંઇ જ ભાવ ન હતા. ન કોઇ તેને યાદ આવતું હતું.
અને એક જ મોગલો જે સતત કામમાં ગૂંથાયેલો હતો. મોગલોએ બોટમાં ભરાતા પાણીને કાઢવા માટે બંને પંપની મોટરો ચાલુ કરી દીધી હતી અને બોટને તુફાનથી કેમ બચાવવી તેના પ્રયત્ન કરી રહ્યો હતો.
લગભગ રાત્રીના બાર વાગ્યાના સમયે વરસાદ ધીમો પડ્યો અને પવનની ગતિ પણ ઓછી થઇ. સૌએ હાશકારો અનુભવ્યો.
ભીના પકડા બદલાવી સૌ નિરાંતે કેબિનમાં બેઠા. વરસાદ અને ઠંડા પવનને લીધે વાતાવરણ ઠંડુગાર જેવું થઇ ગયું હતું.
“ભાઇ કદમ...આજ તો તું રોટલી, શાક, દાળ, ભાત બનાવ તો મજા પડી જાય. કેટલાક દિવસથી બહારનો કચરો ખાઇને કંટાળી ગયા. આજ જો ઘરનું ખાવા મળે તો મઝા પડી જાય...” પ્રલય કદમ સામે જોઇ બોલ્યો.
***