Sapna advitanra - 47 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૪૭

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૪૭

સમીરા!!!

એની યાદ આવતાજ રાગિણી ના શરીરમા આવેલી કંપારી કેયૂરે પણ અનુભવી. પણ તેણે મૌન રહેવાનું જ પસંદ કર્યું. તે ઇચ્છતો હતો કે રાગિણી આજે બધુજ બોલી દે... એકદમ હળવી થઇ જાય... એના મનનો બધોજ ભાર ઉતરી જાય...

"એ રાત હું મારી જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકું. "

કેયૂર ના હાથ પર રાગિણી એ પોતાનો બીજો હાથ મૂકી સ્હેજ દબાવ્યો. અંદરખાને ક્યાક તેને એવી ઇચ્છા હતી કે કેયૂર ના હાથની સંવેદના શારિરીક સીમા તોડી તેના હાથમાં પ્રવેશે... પણ એ શક્ય બનતું નહોતું. ક્યાંક કશીક અડચણ હતી જે વર્તુળ પૂરુ થવા નહોતી દેતી. કેયૂર ની આંખમાં, પોતાનો હાથ થપથપાવી રહેલા કેયૂર ના હાથમાં, તેની દરેક ક્રિયામાં પોતાની પ્રત્યે લાગણી દેખાતી હતી, પણ તે આ લાગણી અનુભવી શકતી નહોતી... તે બોલતા બોલતા એકદમ ચૂપ થઈ ગઈ. તેની નજર શૂન્યમાં તાકી રહી. ફરી તેની આંખો સામે એજ કાળું ડિબાંગ અંધારૂ છવાઈ ગયું...

એજ અંધારૂ જે હમણાં કેટલાય ટાઇમથી સપનામાં છવાતુ હતું... ખાસ કરીને તે જ્યારે પણ કેયૂર સાથેના તેના ભવિષ્ય વિશે વિચારતા વિચારતા સૂઈ ગઈ હોય ત્યારે આ અંધારુ તેને ઘેરી વળતુ. એક અજીબ ખામોશી તેના મનોમસ્તિષ્કમા છવાઇ જતી. મુંઝારો... સખ્ખત મુંઝારો... ગળે બાઝેલો ડુમો... ઊંડેથી ઉગતો પરિસ્થિતિઓનો અસ્વીકાર... છાતી પર વધતી ભીંસ... પરસેવાના રેલા... અને હાંફતા શ્વાસ સાથે ખૂલી જતી આંખો... ક્યારેક અકારણ આવી જતુ રૂદન... આ બધુજ તેની સમજથી બહાર હતું. અત્યાર સુધી દ્રશ્ય સપનાઓ ઉકેલવામાં પણ તે સંપૂર્ણ સફળ નહોતી થઇ, એમા આ દ્રશ્યવિહિન અંધારુ! આજે તો જાગૃત અવસ્થા હતી, છતાં...!!!

એક બે વાર કેયૂર ને કહેવાની કોશિશ કરી, પણ તે કદાચ આ બધી સંવેદનાઓ સમજવામાં અસમર્થ હતો! હા, તેનો પ્રેમ અણીશુધ્ધ હતો, અને એટલેજ તે આજે મિસિસ રાગિણી કેયૂર ખન્ના હતી.

કેયૂરે કેટલીય વાર સુધી રાગિણી ના બોલવાની રાહ જોઇ. પણ તે એમજ સ્થિર બેસી રહી, એટલે ધીમેથી તેનો ગાલ થપથપાવી તેના કપાળે એક ચુંબન કર્યું. રાગિણી જાણે એ અંધારામાંથી ખેંચાઈ ને વર્તમાનમાં આવી ગઇ. તેની પાંપણ પર ઝળુંબેલુ આંસુ સરકીને તેની ચિબુક પર લટકી રહ્યું. કેયૂરે તેને પહેલી આંગળી પર ઝીલીને રાગિણી ની નજર સામે લાવીને કહ્યું,

"બરબાદ ન કર આંસુઓને, મોતી એની સામે ફિક્કા છે.
હાસ્ય સમી ભેટ છે ઈશ્વર ની, શાને એની સાથે કીટ્ટા છે?"

રાગિણી ના કાન ચમક્યા. તેની નજર શૂન્યમાંથી ખેંચાઈને કેયૂર ના ચહેરા પર સ્થિર થઇ. તેણે આંખો પટપટાવી. કેયૂર અને શાયરી!!! આ કોમ્બિનેશન તેણે પહેલી વાર જોયુ. રાગિણી ના ચહેરા પર આવેલ ભાવપલટો જોઇ કેયૂરે રાગિણી ની આંખમાં આંખ પરોવી ફરી કહ્યું,

"તમારા નયનોને જોયા પળવાર,
કે ભૂલ્યા અમારુ સાનભાન.
આ અદા, આ છટા, આ અણિયાળા છેડા...
એ છેડાએ કર્યું કટારનુ કામ. "

એ સાથે જ રાગિણી ના ચહેરા પર એક લજામણુ સ્મિત ફરી વળ્યું. ફરી કેયૂર બોલ્યો,

"હાથ પ્રસારીને ઉભી છે ખુશી.. "

અને રાગિણી એ તેના હોઠ પર પોતાનો હાથ મૂકી દીધો.

"બસ, બસ... કેટલી ઉધારી કરી છે? અને ક્યાંથી? "

કેયૂરે રાગિણી ની આંગળી પર એક હળવુ બટકુ ભરી લીધું.

"આઉચ્... "

રાગિણી નો હાથ પાછો ખેંચાઈ ગયો. તેણે સ્હેજ ગુસ્સાથી કેયૂર સામે જોયું. કેયૂર ના ચહેરા પર એનાથી પણ વધારે ગુસ્સો જોઇ તે કંઈ બોલી નહી. કેયૂરે જ અવાજ મા કઠોરતા લાવી કહ્યું,

"આમ હોય? આવી રીતે બોલતા અટકાવાય? આમ મોઢુ બંધ કરાય? "

રાગિણી સ્હેજ ઝંખવાઇ ગઇ. તે કંઈક બોલવા ગઇ, પણ કેયૂરે તેના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા... એક દીર્ઘ ચુંબન... જીવનનુ પ્રથમ ચુંબન... બંને એ નશામાં વહેતા ગયા... બંધ આંખે સંપૂર્ણ સમર્પણ સાથે એ ચુંબન પૂરુ થયુ... રાગિણી એ આંખ ખોલી... ધડકતા હૈયા પર હાથ રાખી તે ફરી બોલવા ગઇ,

"હાય, હું તો ડરી જ ગઇ... "

પણ ફરી શબ્દો તેના ગળામાં અટવાઇ ગયા. ફરી કેયૂરે તેની બોલતી બંધ કરી દીધી હતી! હવે રાગિણી નુ હૈયુ તેના કહ્યામાં નહોતુ. તેના શરીરમાં ઉઠતા આવેગો ખાળવા અશક્ય હતા. અને ખાળે પણ શું કામ? આ તેમની ફર્સ્ટ નાઇટ હતી, અને એ પણ વાતોમાં ને વાતોમાં અડધી વીતી ગઇ હતી.! આખરે કેયૂર ની ધીરજની કસોટી પણ ક્યા સુધી?

રાગિણી એક ધસમસતો પ્રવાહ બની ગઇ... સાગરમા ભળી જવા અધીરી બનેલી સરીતાની જેમ...

***

"સમીરાના કોઈ સમાચાર? "

બોબીએ સમીરાને શોધવા માટે પોતાનુ તંત્ર કામે લગાડી દીધુ હતું.

"સોરી બોસ. આખા મુંબઈ માં શોધી લીધી. એ છોકરી એવી રીતે ગાયબ થઇ ગઇ છે કે... "

"જસ્ટ શટ અપ. મને કોઈ એક્સક્યુઝ નથી જોઈતા. મુંબઈ માં ન મળે તો મુંબઇ ની બહાર શોધો. આઇ વોન્ટ હર. અન્ડરસ્ટેન્ડ? "

"ઓકે બોસ. "

બોબી પર દાદા તરફથી પ્રેશર વધતુ જતુ હતુ. કોઈપણ સંજોગોમાં સમીરા મળવી જરૂરી હતી. જ્યારે આ અસાઇન્મેન્ટ હાથમાં લીધુ ત્યારે તેને સપને પણ ખ્યાલ નહોતો કે એ કેવા મોટા ચક્કરમાં ફસાઈ રહ્યો છે. હવે જો તે સમીરા ને શોધવામાં નિષ્ફળ જશે તો કદાચ... કદાચ દાદા તેને જીવતો નહી છોડે. અને જેટલુ તે દાદા વિશે જાણતો હતો, તેને ખાતરી હતી કે આસાન મોત પણ નહી મળે!

બોબી બરાબર મુંઝાયો હતો. કેવી રીતે આ ચક્કરમાંથી બહાર નીકળવુ તે સમજાતું નહોતું. એક જ ઉપાય હતો... સમીરા ની શોધ..

***

"હેલો, આદિ બેટા. આર યુ ફ્રી ફોર સમ ટાઇમ? "

કેદારભાઈ નો આટલો ઢીલો અવાજ સાંભળીને આદિના મનમાં અનેક શંકાકુશંકા ઉદ્ભવી ગઇ. તેણે અવાજને શક્ય એટલો સંયત કરતા પૂછ્યું,

"હા... બોલો અંકલ. એવરીથીંગ ઓકે? કે. કે. ને... "

"નો.. નો.. બેટા. હી ઈઝ ઓકે. હી વીલ બી ફાઇન વેરી સુન. "

આ વાક્ય કેદારભાઈ એ આદિને કહ્યું કે પોતાની જાતને.. તે સમજવુ અઘરું હતું. તેમના શબ્દોની ઢીલાશ અને અવાજ ની હતાશા આદિને બહુ સારી રીતે સમજાતી હતી. પણ તે કશુ કરી શકે એમ નહોતો. હવેતો સાંત્વના ના શબ્દો પણ ખૂટી ગયા હતા.

"ડો. શાહ વોન્ટ્સ ટુ ટોક વીથ યુ. "

"ડો. શાહ? "

"હા. હી ઈઝ અ સાઇકીયાટ્રીસ્ટ એન્ડ કૌશલ વિશે તારી સાથે વાત કરવા માંગે છે. "

"મારી સાથે? "

આદિને થોડુ આશ્ચર્ય થયું.

"હા, બેટા. તમે બંને સાથે જ મોટા થયા. તમે બંને એકગાંઠ છો. એટલે એવી પણ કેટલીક વાતો હશે જે કદાચ અમે નહી જાણતા હોઇએ, પણ તને ખબર હોય. "

"ડોન્ટ વરી અંકલ. અત્યારે એક પેશન્ટ ની અપોઈન્મેન્ટ છે. બસ અડધા કલાક પછી કોલ કરુ છું. "

કોલ તો કટ થયો, પણ આદિનુ મગજ ચકરાવે ચડી ગયુ. પરવારીને તેણે કેદારભાઈ ને કોલ કર્યો. ડો. શાહ લાઇન પર આવ્યા એટલે ઔપચારિક વાતચીત બાદ ડો. શાહ મુળ મુદ્દા પર આવ્યા.

"લુક ડો. આદિત્ય, એક ડોક્ટર હોવાના નાતે તમે કે. કે. ની સિચ્યુએશન થી સારી રીતે વાકેફ છો. અને તમે જાણતાજ હશો કે કે. કે. નુ બોડી કોઈ પણ ટ્રીટમેન્ટ પર રીસ્પોન્સ નથી આપી રહ્યુ. અમને શંકા છે કે તેના મનમાં કોઈ વાત ઉંડે ઉતરી ગઇ છે અને એના કારણે જ તેની જિજીવીષા મરી પરવારી છે. આપણે એ વાતના મૂળ સુધી પહોંચવુંજ પડશે. અધરવાઈઝ... "

ડો. શાહના શબ્દોએ આદિને વિચારતો કરી દીધો. કેકેનુ અત્યાર સુધીનુ વર્તન તેણે મનોમન ચકાસી લીધું. શરૂઆતમાં કેકેએ ઈલાજ માટે મોડુ કર્યું, પણ એનુ કારણ.. એ ફેશન શો તો સક્સેસફુલ રહ્યો હતો. તો પછી... ફરી ફરીને તેનુ મગજ એક નામ પર આવીને અટકી જતુ હતુ... રાગિણી...