Badlaav in Gujarati Short Stories by Shaishav Bhagatwala books and stories PDF | બદલાવ

Featured Books
Categories
Share

બદલાવ

વર્ષ : ૨૦૧૯

એક સૂમસામ રાત્રીમાં મંદ મંદ ઠંડો પવન વહી રહ્યો છે. શહેરથી થોડે દૂર એક ગામડું આવેલું છે. આટલી રાત્રીમાં પણ તે ગામડામાં આજે શાંતિ નથી. બધા એક ઘરની બહાર ભેગા થયેલ છે. અને જુદી-જુદી વાતો કરે છે.

“આ લોકોને ગામની બહાર કાઢી નાખો.”

“આ ગધેડાંઓ એક છોકરો નથી સાચવી શકતાં.”

“રોજ શું એકની એક વાતો લઈને અહિયાં આવ્યા કરવાનું.”

“આજે તો આ લોકોનો ફેસલો કરવો જ પડશે.”

“આ છોકરો જો અહિયાં રહ્યો તો આપણાં છોકરાને ભરખી જશે.”

પોતાના ઘરના બારણે આવેલ લોકોની વાતો કિશોરભાઇ અને તેમના પત્ની કુસુમબેન રડતી આંખોએ સાંભળી રહ્યા હતા. તે લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા.

“આજે આ છોકરાને સબક શીખવાડવો જ પડશે, બહાર કાઢો એને.”

“અરે મારી વાત માનો, હવે પછી મારો છોકરો કોઈને હેરાન નહીં કરે, હું એને ગામથી દૂર શહેરમાં જ મોકલી દઇશ.”, કિશોરભાઇ આમ બધાને આશ્વાશન આપતા.

“રોજ આ જ વાતો સાંભળીએ છે, પણ તમે આજ સુધી આ છોકરાને સુધાર્યો નથી, કે નથી એને તમે ગામથી દૂર મોકલ્યો.”

“અમે આ મહિનામાં જ એને શહેર મોકલી દઇશું, અમને એટલો સમય તો આપો.”

“ના, તમે એની બેગ તૈયાર કરો, આજે જ એને શહેર મૂકી આવો”

“આજે? અડધી રાત્રે કેવી રીતે મૂકવા જાવ, ક્યાં રહેશે એ?”

“તમે એની બેગ તૈયાર કરો, હું ગાડી લઈને આવું છું, આપણે આજે જ શહેર જઈએ, અને એની રહેવાની સગવડ કરીને જ આવશુ.”

કિશોરભાઇ અને કુસુમબેન પરાણે બેગ તૈયાર કરી તેમના છોકરાને બહાર લાવ્યા. ૧૬ વર્ષનો છોકરો, હાઇટ લગભગ ૫ ફૂટ, દેખાવે પાતળો, નામ એનું સમીર.

એક ભાઈ ગાડી લઈને આવ્યા. કિશોરભાઇ અને સમીરને લોકોએ ગાડીમાં બેસાડયો. કુસુમબેન તો રડતી આંખોએ પોતાના છોકરાને જોયા જ કર્યું, કરે પણ શું? છોકરો કામ જ એવું કરતો હતો.

આ તરફ ગાડીમાં શહેર તરફ જતાં-જતાં કિશોરભાઇ રડતી આંખોએ દીકરાને સમજાવતા હતા.

કિશોરભાઇ : હવે શહેરમાં સખણો રહેજે, ત્યાં અમે નહીં હોઈશું તને બચાવવા માટે.

સમીર : પણ મે સાગરને નથી માર્યું. એ તો....

સમીર આગળ કાઇ કહેવા જતો હતો પણ કિશોરભાઈએ સમીરને વચ્ચે રોકીને.

કિશોરભાઇ : ચુપ થા, આખા ગામમાં તારા કારનામાં વખણાય છે. કોઈને મારે છે, કોઈને હેરાન કરે છે, સ્કૂલે જતો નથી, કાઇ કામ કરવું નથી. અને આજે, તે સાગરને માથામાં ઈંટ મારી દીધી, ખબર પડે છે તને કેટલું લોહી નીકળે છે એને.

સમીર : પણ પપ્પા, મારી વાત તો સાંભળો.

કિશોરભાઇ : હવે એક પણ શબ્દ નહીં બોલીશ તું. ચુપ ચાપ બેસ, અને આગળનું વિચાર, કે કેવી રીતે રહીશ તું.

થોડી વારમાં ગાડી શહેરમાં આવી પહોચી. તેઓ સ્ટેશન તરફ ગયા, સ્ટેશનની આસપાસ રહેવાની જગ્યા મળી જાય તેવી એમને આશા હતી. કિશોરભાઇ તો ખાલી ૧૨૦૦૦/- લઈને આવ્યા હતા. તેમને ફિકર હતી કે આવડા મોટા શહેરમાં સમીર ફક્ત ૧૨૦૦૦/- માં કેવી રીતે અને કેટલા દિવસ રહી શકીશ.

તેઓ સમીરને નોકરી શોધી ગુજરાન ચલાવવા માટેનું ફરમાન આપ્યું. તેઓ જુદી-જુદી લોજમાં જઇ તપાસ કરવા લાગ્યા, કે કઈ લોજ સસ્તી પડશે. તેઓ તપાસ કરતાં હતા ત્યારે જ તેમની પાસે એક માણસ આવ્યો.

એ માણસ : હું તમને ક્યારનો જોવ છુ, તમે એક લોજમાંથી બીજી લોજમાં ધક્કા ખાવ છો. વાત શું છે?

કિશોરભાઈએ સમગ્ર વાત જણાવી, અને એમને બનતી મદદ કરવા પણ જણાવ્યુ.

એ માણસ : તમને વાંધો ના હોય તો મારી પાસે એક નોકરી છે, સમીર કરી શકશે?

કિશોરભાઇ : હા, એક નોકરી કરશે, કેમ લ્યા બોલ.

સમીર : હા સાહેબ, હું નોકરી કરી લઇશ.

એ માણસ : તો સરસ ચાલ મારી સાથે.

કિશોરભાઇ : પણ ભાઈ, સમીરની રહેવાની સગવડ કરવાની છે.

એ માણસ : એ બધી ચિંતા તમે છોડી દો, આ નોકરી જ એવી છે. સમીરએ એમના ઘરે જ રહેવાનું, જમવાનું અને નોકરી પણ ત્યાં જ કરવાની. તમને જરૂર જણાય ત્યારે સમીર સાથે ફોન પર વાત કરી શકશો. હું ફોનની સગવડ કરી આપીશ.

કિશોરભાઇ : તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. તમારું નામ શું?

એ માણસ : સેમ

કિશોરભાઇ : મારા છોકરા સમીરએ નોકરી ક્યાં કરવાની છે, અને કોની જોડે કરવાની છે.

સેમ : મારી જોડે, હું જ એને નોકરી માટે લઈ જઈશ, મારા જ ઘરે રહેશે.

કિશોરભાઇને એનો છોકરો થોડે દુર લઈ જાય છે અને વાત કરે છે.

સમીર : પપ્પા, આને આપણે ઓળખતા પણ નથી, તો તમે મને આની જોડે કેવી રીતે મૂકી શકો છો?

કિશોરભાઇ : જો બેટા, હમણાં આપણી પાસે કોઈ રસ્તો નથી, અને તું એવા કાંડ કરી ચૂકેલો છે કે કાઇ ગરબડ હશે તો તું સંભાળી લેશે એવો મને વિશ્વાસ છે, અને આને જો તો ખરો, ૬૦-૬૧ વર્ષ નો દોશો છે, થોડો મજબૂત બાંધાનો છે. પણ ભલો માણસ લાગે છે. મારી વાત માન, હમણાં આની જોડે જા, તને નહીં ફાવે તો બીજી નોકરી અને રહેવાની સગવડ થાય ત્યાં સુધી આને ત્યાં રહેજે.

સમીર(ઉદાસી સાથે) : સારું.

કિશોરભાઇ પેલા માણસ, સેમ પાસે જાય છે.

કિશોરભાઇ : મારો છોકરો આવશે તમારી સાથે. પણ કામ શું કરવાનું રહેશે એ વિષે જણાવશો મને?

સેમ : કામમાં તો એવું છે કે સમીરએ મારા ઘરના કામ એટ્લે કે સાફ-સફાઈ વગેરે કરવાનું છે, પણ જ્યારે હું બહાર જાવ ત્યારે મારી જોડે આવવાનું, બસ.

કિશોરભાઇને હવે હાશ થઈ, કારણકે આજે એમનો છોકરો સમીર નોકરી કરવા તૈયાર થયો અને એની શહેરમાં રહેવાની, જમવાની બધી સગવડ પણ થઈ ગયી.

કિશોરભાઇ તેના છોકરા પાસે જાય છે. તેને ગળે લગાડે છે અને સેમને હાથ જોડી ગામ તરફ રવાના થાય છે.

આ તરફ સમીર હવે તેના સાહેબ, સેમને જુએ છે. પરંતુ સેમ પણ કિશોરભાઇને જોઈ રહે છે, અને એની આંખમાંથી નીકળતા આંસુને છુપાવીને લૂછી રહ્યો છે.

સમીર એના પપ્પાને ગામ તરફ જતાં જોઈ રહે છે. તે અંદરથી ખૂબ જ તૂટી ચૂક્યો છે. તેના દિલમાં છુપાયેલ આંસુ હવે ધોધમાર વરસાદની જેમ બહાર નીકળી રહ્યા છે. તે પોક મૂકીને રડે છે.

સેમ તેની નજીક આવીને તેને બાહોમાં લઈ લે છે. સમીર પણ સેમને બાઝીને રડે છે. થોડી વાર બાદ તે સ્વસ્થ થાય છે. સેમ એને પાણી આપે છે.

સેમ : સમીર, બસ હવે, નવી જીંદગીની શરૂઆત કર. ચાલ આપણે ઘરે જઈએ.

સમીર : ચાલો સાહેબ.

સેમએ ટેક્સી મંગાવી. સેમ અને સમીર બંને ટેક્સીમાં બેસી ઘર તરફ ઉપડ્યા, સેમના ઘર તરફ.

આ તરફ કિશોરભાઈ જ્યારે ઘરે પહોચ્યા, ત્યારે કુસુમબેન ઓટલા પર બેસીને તેમની રાહ જોઈ રહ્યા હતા. કિશોરભાઇએ કુસુમબેનને હિમ્મત આપતા બધી જ વાત જણાવી. કુસુમબેનને થોડી રાહત તો થઈ, પણ છોકરાની જુદાઇથી તેમનું મન ભરાઈ આવેલ છે.

*****

વર્ષ : ૨૦૬૩

દુનિયા ઘણી બદલાય ગયેલી છે. આકાશમાં ઊડતી ગાડી કોઈ નવી વાત નથી. એ.આઈ. ટેકનૉલોજીથી ભરપૂર થઈ ગયેલ આ દુનિયામાં પણ આતંક હયાત છે. ચોરી લૂટફાટ અને ખૂન હજુ પણ એટલા જ છે જેટલા પહેલા હતા.

પોલીસની તપાસ કરવાની રીત બદલાય ગયેલ છે. પણ ગુના કરવાની રીત પણ તેવી જ રીતે બદલાય ગયેલ છે. આ નવી દુનિયાનાં સૌથી ખતરનાક ગણાતાં બદમાશો એટ્લે કે સેમ અને તેનો સાથીદાર ચીન્ટુ.

સ્થળ : અંજાન દેશનો સૌથી સિક્રેટ મેન્શન.

દુનિયાનાં એક ખૂણે સિક્રેટ મેન્શન આવેલ છે. જેની બનાવટ એવી રીતે કરવામાં આવેલ છે કે એ મેન્શનની બરાબર સામે જ જો કોઈ ઊભું હોય તો તેને ખબર સુદ્ધાં ના પડે કે ત્યાં કોઈ મેન્શન છે. ૩૬૦ ડીગ્રી રોટેબલ કેમેરાથી સજ્જ એ મેન્શનની દીવાલો પર ચારે તરફ કેમેરા લાગેલ છે. ચારે તરફનાં ફોટોગ્રાફને મર્જ કરી મેન્શનની દીવાલો ઉપર એવી રીતે પ્રોજેકટ કરે કે એ મેન્શન જાણે છે જ નહીં.
ઉપરથી, નીચેથી, સામેથી, પાછળથી, બધી જ દિશામાંથી જુવો તો પણ ખ્યાલ ના આવે કે અહી કોઈ મેન્શન આવેલ છે. પણ મેન્શનની અંદર ડગલે ને પગલે કડક સિક્યુરિટી છે. કોઈ અજાણતા પણ અંદર નહીં આવી શકે, અને જો કોઈ ભૂલથી અંદર આવી જાય તો બહાર નીકળી જ ના શકે.

સેમ તેમના સાથીદાર ચીન્ટુ જોડે આ મેન્શનમાં રહે છે. તેઓ તેમના રૂમમાં મેડિટેશન કરી રહ્યા છે. હૉલમાં ચીન્ટુ સ્માર્ટ ટી.વી. ઉપર ચેનલો બદલ્યા કરે છે.

“...ઓન્લી ઓન કાર્ટૂન....”

ચીન્ટુ : ચેન્જ

“ડૉ. સિદ્ધાર્થ આનંદ હેઝ બીન કીડ...”

ચીન્ટુ : ચેન્જ

“....પતંજલિ લાયા હે આપકે લિયે એક....”

ચીન્ટુ : ઓફ્ફ.

ટી.વી. બંધ થઈ જાય છે. ચીન્ટુનો આ જ રોજિંદો કાર્યક્રમ બની ગયેલ છે. આલીશાન મેન્શનમાં બસ આમ તેમ ભટક્યા કરવાનું. તે સેમના રૂમમાં જાય છે.

ચીન્ટુ : શું વાત છે સેમ, હવે તો મેડિટેશન ફેડિટેશન શરૂ કર્યું. આમ કરવાથી તને મળતું શું હશે?

સેમ : શાંતિ. શાંતિ મળે છે.

ચીન્ટુ : શાંતિ તો આપણને પણ મળેલી જ છે. (હસતાં હસતાં)

સેમ : આ શાંતિ નથી, મજબૂરીમાં શરૂ કરેલ ગુનાની દુનિયા આપણને ક્યાં લઈ આવી? દુનિયાનાં દરેક દેશની સરકાર આપણને શોધે છે. જે સારું કામ કરે છે એમને સન્માન મળે છે, આપણને એ કોઈ દિવસ નહીં મળે.

ચીન્ટુ : વાત તો સાચી છે સેમ, પણ હવે બદલાવ થઈ શકે એમ નથી.

સેમ : આ બદલાવ લાવીશ.

આટલું બોલી સેમ પોતાના રૂમમાંથી જતાં રહે છે. ચીન્ટુ એમને જતાં જોઈ રહે છે. એને એની વાતની સમજ નહીં પડી, એમ પણ ચીન્ટુને આ બધી વાતમાં સમજ નહીં જ પડતી, એ તો સેમ જેમ કહે તેમ કર્યા કરતો.

*****

વર્ષ : ૨૦૧૯

સમીર તેના સાહેબ સેમ સાથે જાય છે. સમીર તેના સાહેબના બંગલાને જોઈ જ રહે છે. તે પોતે અચંબિત થઈ જાય છે. આટલો મોટો બંગલો. એક તરફ ખુશી હતી કે સમીર પોતે આવડા મોટા બંગલામાં રહેશે, પણ આટલા મોટા બંગલાની દેખરેખ અને કાળજી તથા સાફ-સફાઈ પણ પોતે જ કરવાની છે એ વિચારીને થોડો દુખી જરૂર થાય છે.

સેમ : કેવું લાગ્યું મારુ ઘર?

સમીર : ઘણું જ સુંદર, આવડા મોટા બંગલામાં કોણ કોણ રહે છે?

સેમ : બસ હું જ, સોરી, તું પણ....

સમીર : કેમ કોઈ બીજું નથી?

સેમ : ના કોઈ નથી.

સમીર : ચાલો હું મારૂ કામ શરૂ કરી દઉં છુ.

સેમ : એ બધુ કાલથી શરૂ કરજે. હાલ મારે તારી જોડે થોડી વાતો કરવી છે. તારા પપ્પાએ તો તારા વિષે જણાવી દીધું, પણ તારે તારા પપ્પાને હકીકત તો જણાવી દેવી જોઈએ, થોડી વધુ કોશિશ કરી હોત તો કદાચ સચ્ચાઈ સામે આવી જતે કે સાગરને તે નથી માર્યું.

સમીર : તમને કેવી રીતે ખબર પડી કે સાગરને મે નથી માર્યું.

સેમ થોડા ચોકયા, પછી થોડા સ્વસ્થ થઈ હસીને કહ્યું.

સેમ : તારા પપ્પા જ્યારે મને બધુ જણાવતાં હતાં ત્યારે તારા ચહેરા પર સાફ દેખાતું હતું કે તે કાઇ જ નથી કર્યું.

સમીર : હા, સાગરને મે નથી માર્યું, એ તો હું એનો અવાજ સાંભળીને એની પાસે ગયો, પણ ત્યાં સુધીમાં સાગરને મારવા વાળો ત્યાંથી ભાગી ગયેલો હતો.

સેમ : કોણ હોય શકે?

સમીર : મને નથી ખબર.

સેમ : ગામનો જ કોઈ હશે. જે તારી બદનામીનો ફાયદો ઉઠાવી ગયું.

સમીર : મને પણ એવું જ લાગે છે, પણ શું કરું? મારી વાત ખુદ મારા મમ્મી-પપ્પા સાંભળવા તૈયાર નથી તો બીજા શું સાંભળશે? એક વાત પૂછું?

સેમ : પૂછ, જે પૂછવું હોય તે.

સમીર : તમે કામ શું કામ કરો છો? આટલી બધી ધન-દોલત કેવી રીતે કમાઈ શકાય?

સેમ : હા હા હા, અત્યારથી જ તને મારી અદેખાઇ થઈ આવી? હું હાલમાં જેવો છું તેવો પહેલા ના હતો. મારી હાલત પણ તારા જેવી જ હતી.

સમીર : તમારે પણ ઘર છોડીને આવવું પડેલું?

સેમ : હા, મારે પણ ઘર છોડીને આવી જવું પડેલું. પણ તારી જેમ મને કોઈ મળેલું નહીં, હું તો બસ શહેરમાં ભટક્યા કરતો હતો. જ્યારે ગજવામાં એક પૈસો પણ ના હતો ત્યારે ચોરી કરવા માંડ્યો.

સમીર હવે થોડો ગભરાયો હતો.

સેમ : હું તો ફક્ત ચોરી જ કરતો. એનાથી વધારે ગંભીર ગુનાની શરૂઆત હજી થઈ ના હતી.

સમીર : ગંભીર ગુના મતલબ?

સેમ(અચાનક ઝબકીને) : બહુ પંચાત છે તને, ચાલ સૂઈ જા હવે, કાલે ઉઠીને ઘરના કામકાજ શરૂ કરી દેજે. પેલો સામે વાળો રૂમ તારો. ચલ જા હવે.

સમીર તેના રૂમમાં જતો રહે છે. સેમ પણ તેના રૂમમાં જતાં રહે છે. તેના રૂમમાં જતાં જ તેઓ એક બીજા ખુફિયા રૂમનો દરવાજો ખોલે છે. ત્યાં જઇ તેના ખિસ્સામાંથી એક રિમોટ કાઢી રિમોટ ઉપરનું એક બટન દબાવે છે અને ત્યાં એક મશીન દેખાય છે, અને તે જોઈને મન માં જ કહે છે, “હજુ બદલાવ બાકી છે.”

બીજા દિવસે ઉઠીને સવારે સમીરએ તેનું કામ શરૂ કરી દીધું. તેના સાહેબ માટે જેવી-તેવી રીતે ચા બનાવી. સેમ તેના રૂમમાંથી મસ્ત તૈયાર થઈને બહાર આવ્યા. ટેબલ પર ગોઠવાયા. તેમણે હજુ તો ચા પીધી જ, ત્યાં જ....

સેમ : સમીર, આ ચા તે બનાવી?

સમીર : હા સાહેબ.

સેમ : હવે કાઇ બનાવતો નહીં, આ નહીં ફાવતું હોય તો કહી દેવાનું.

સમીર : મે કોઈ દિવસ ચા નથી બનાવી.

સેમ : કાઇ વાંધો નહીં, હમણાં રાંધવા વાળા માસી આવશે તું ફિકર નહીં કર. ચલ ફટાફટ તૈયાર થઈ જા, આપણે બહાર જવાનું છે.

સમીર ફટાફટ તૈયાર થઈ ગયો. સેમએ ટેક્સી માંગવી રાખી હતી. બંને ટેક્સીમાં બેસી સવાર થયા. ટેક્સી એક મોલ પાસે આવીને ઊભી રહી, સેમ સમીરને લઈને મોલમાં ગયા સમીરને ગમતા કપડાં અપાવ્યા, મૂવી જોયું, બહાર જ જમ્યા. સમીર તો ખુશ થઈ ગયો. સાંજ પડતાં ઘરે પહોચ્યાં. સાંજે ઘરે આવ્યા ત્યારે સમીરએ જોયું કે ઘરનું કામ કાજ માટે એક નોકર છે.

પણ સેમએ પોતાને નોકર તરીકે ઘરે રાખેલો, પણ ઘરમાં પહેલાથી જ નોકર હતો તે જાણીને સેમ પાસે ગયો.

સમીર : આ શું સાહેબ, તમારી પાસે એક નોકર છે, છતાં પણ મને રાખ્યો? કે પછી મને નોકરીમાથી કાઢી નાખવાના છો?

સેમ : સમીર, તારે આ નોકરી કરવી છે. તને મારી જોડે મોજ-મસ્તી કરવામાં વાંધો શું છે? તારે કામ જ કરવું હોય તો બીજી કોઈ નોકરી શોધી લે, હું તો એમ ઇચ્છતો હતો કે તને કોઈ ક્લાસીસમાં મોકલી કોઈ ટ્રેનિંગ અપાવી તને પગભર બનાવું, પણ કાઇ વાંધો નહીં.

સમીર : ના ના, એવું નથી. મને તો મારી નોકરીની ફિકર હતી એટ્લે તેમ કહ્યું.

સેમ : હું કાલથી તને કોમ્પ્યુટરમાં ક્લાસીસમાં મોકલવાનો છુ, કોમ્પ્યુટરનું શીખીને કોઈ નોકરી શોધી લે એટ્લે મારુ કામ પૂરું.

સમીર : તમારું કામ પૂરું એટ્લે?

સેમ : ક...કાઇ નહીં, આજ નો જ દિવસ છે, જલ્સા કરી લે. કાલથી ક્લાસીસ શરૂ થઈ જશે.

સમીરને વિશ્વાસ નહીં આવતો હતો કે ગામ છોડયા પછી એની જિંદગી આ રીતે બદલાય જશે. આમ ને આમ જિંદગી પસાર થતી ગયી. હવે તો સમીર અને સેમ બંને જાણે આ બંગલાના માલિક હોય તેવું વાતાવરણ ઘરમાં હતું. સમીર થોડા થોડા સમયે તેના મમ્મી-પપ્પા જોડે ફોન ઉપર વાતો કરી લેતો, અને સેમ પણ થોડા થોડા સમયે સમીરના મમ્મી-પપ્પાને અમુક રૂપિયા મોકલી આપતા.

સેમનો એક નિત્યક્રમ હતો. રોજ પેલા ખુફિયા રૂમમાં જતાં, ખિસ્સામાંથી રિમોટ કાઢી બટન દબાવી પેલું મશીન જોતાં અને મનમાં એ જ વાક્ય બબડતાં, “હજુ બદલાવ બાકી છે.”

સમીર હવે સેમ જોડે મુક્ત મને વાત કરી શકતો હતો, સમીર કાઇ પણ પૂછતો સેમ બધી જ વાતોનો જવાબ આપતાં.
સમીર : શું હું આજે ઘરે જઇ શકું? મમ્મી-પપ્પાની બહુ જ યાદ આવે છે.

સેમ : હા હા, કેમ નહીં, (કેલેંડરમાં તારીખ જોતાં જ.) ના, આજે નહીં.

સમીર : પણ કેમ? આજે ક્લાસીસની પણ રજા છે.

સેમ : આજે નહીં, ફરી ક્યારેક હું જ તને લઈ જઈશ.

સમીર (ઉદાસ થઈને) : સારું.

સેમ : જો સમીર, મે પણ તારા જેવી જ ભૂલ કરેલી, ગામ ચાલ્યો ગયેલો, પણ કોઈ પણ વાંક ના હોવા છતાં પણ મારે ૧૮ મહિના રીહેબિટેશન સેંટરમાં રહેવું પડેલું. હું નથી ઇચ્છતો કે આ ઘટના ફરી થાય.

સમીર : આ ઘટના ફરી થાય એટ્લે?

સેમ : ના કરે નારાયણ પણ તું ગામ જાય અને ગામમાં કઈક અજુગતું બને તો શક તારા ઉપર જ આવશે.

સમીર નારાજ થઈને પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. સેમ પણ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. દિવસ આમ જ પૂરો થઈ જાય છે. બીજા દિવસે સમીર ન્યૂઝ પેપર સેમને બતાવતાં. જુઓ સેમ આજનું ન્યૂઝ પેપર.

સેમ : મશહૂર ડૉ. સિદ્ધાર્થ આનંદ હવે બનાવશે ટાઈમ મશ.....

સમીર : અરે આ નહીં, આ અહિયાં જુઓ, કાલે સાગરની કોઈએ હત્યા કરી નાખી.

સેમ : એટ્લે જ તને રોકતો હતો.

સમીર : મતલબ, તમને ખબર હતી? પણ કેવી રીતે?

સેમ : ના, હું તને ગામમાં જવા એટલા માટે રોકતો હતો કે.... હું તને સાચવવા માગતો હતો, બસ.

સમીર : થેંક્યું સેમ. તમે મારા માટે ભગવાન બનીને આવ્યા છો.

સેમને હવે નિરાંત થાય છે. તેઓ પોતાના રૂમમાં જાય છે અત્યંત આનંદિત લાગણી સાથે ખુફિયા રૂમનો દરવાજો ખોલે છે. ખિસ્સામાંથી રિમોટ કાઢી બટન દબાવે છે, અને તે મશીન દેખાય છે. તે જોઈને સેમ ફરી નિરાશ થઈ જાય છે. મનમાં ફરી એ જ શબ્દો, “હજુ બદલાવ બાકી છે.”

આમને આમ દિવસો પસાર થતાં જાય છે. સમીર હવે કોમ્પ્યુટરનું ઘણું બધુ શીખી ગયો હતો, હવે તે કોમ્પ્યુટર હેક પણ કરી શકતો હતો, સેમએ તેને ઘણી જ સારી રીતે સાચવ્યો હતો, જોત જોતામાં ૧૮ મહિના નીકળી ગયા. સેમએ સમીરને બોલાવ્યો.

સેમ : હા સાહેબ, બોલો.

સમીર : કાલે આપણે મુંબઈ જવાનું છે. તૈયાર થઈ જજે.

સેમ : સારું.

****

વર્ષ : ૨૦૬૩

સેમ : ચીન્ટુ, તને યાદ છે આપણે ક્યારે મળેલા?

ચીન્ટુ : હા, મૂંબઈમાં, ૧૮-૦૭-૨૦૧૯ના રોજ. તે પેલા ગુંડાઓથી મને બચાવેલો. પણ તું આ બધુ કેમ પૂછે છે?

સેમ : કાઇ નહીં, પણ તને તારીખ પણ યાદ છે?

ચીન્ટુ : ભૂલી ગયો. મારી જન્મ-તારીખ છે. યાદ જ હોય ને.

સેમ : હા, યાદ આવ્યું, ચલ કઈ નહીં...

ચીન્ટુ પોતાના રૂમમાં જાય છે અને સેમ એક ગંભીર મુદ્રામાં એના બચપનના ફોટાને જોઈને મનમાં જ કહે છે, “તૈયાર રહેજે, હું આવું છું તને મળવા.”

*****

વર્ષ : ૨૦૧૯

સેમ અને સમીર મુંબઈ આવે છે. તેઓ એક બજારમાં જાય છે. બહુ જ ભરચક બજારમાં એક છોકરો ફૂલ વહેચતો હોય છે. પણ એટલામાં જ ત્યાં ગુંડાઓ આવીને લોકોને હેરાન કરે છે. તેઓ તેમની પાસેથી હપ્તા વસૂલી કરે છે. તેઓ પેલા છોકરા પાસે પણ આવે છે.

છોકરો તેની મહેનતના પૈસા આપવાની ના પાડે છે. પેલા ગુંડાઓમાંથી એક છોકરાને થપ્પડ મારે છે. એટલી વારમાં સેમ ત્યાં પહોચે છે અને પેલા ગુંડાઓને સમજાવીને પાછા જવા કહે છે. પણ તેઓ જતાં નથી અને છોકરા પાસે પૈસાની માંગણી કરે છે. સેમ ગુંડાઓને ૫૦૦/-ની નોટનું એક આખું બંડલ આપે છે અને બજારમાંથી ચાલ્યા જવા કહે છે. ગુંડાઓ તે પૈસા લઈને ચાલ્યા જાય છે.

તેઓ તે છોકરા પાસે આવે છે. તેને તેનું નામ પૂછતા તે છોકરો જણાવે છે કે તેનું નામ ચિંતન છે.

સેમ : સમીર, આ ચિંતન, તે પણ હવે આપની સાથે જ રહેશે.
ચિંતન : પણ તમે છો કોણ?

સેમ : તને બચાવ્યો છે. અને તું અનાથ પણ છે. તને મારા આશરાની જરૂર છે.

ચિંતન : પણ તમને કેવી રીતે ખબર પડી કે હું અનાથ છુ?

સેમ : જેવી રીતે પરિસ્થિતી જાણીને તને બચાવવા આવ્યો તેવી રીતે તું અનાથ છે એ પણ જાણી લીધું.

સેમ, સમીર અને ચિંતન, ત્રણેય જણા મુંબઈની એક હોટલમાં આશરો લે છે. ત્યારે જ સમીર...

સમીર : સેમ, તમને કેવી રીતે ખબર પડી કે આ છોકરાને આપણી મદદની જરૂર પડશે, અને આ અનાથ છે તે વાત તમને કેવી રીતે ખબર પડી?

સેમ : સૂઈ જા હમણાં, બસ એટલું જાણી લે કે જેવી રીતે તારી પાસે આવી પહોચેલો તેવી જ રીતે અહિયાં આવી પહોચ્યો. કાલે આપણે મુંબઈથી નીકળવાનું છે.

સમીર : મુંબઈ આ ચિંતનને લેવા જ આવેલા?

સેમ : હા, એને લેવા જ આવેલો. જેવી રીતે તને સાચવ્યો છે. તેવી જ રીતે આ ચિંતનને પણ સાચવીશ અને તેને પણ તેના પગ ઉપર ઊભો કરીશ. હવે બહુ નહીં પૂછ, ચલ હવે સૂઈ જા.
ચિંતન ખૂણામાં સૂતો સૂતો આ બધુ જ સાંભળી રહ્યો હતો, પણ તેને તો ફક્ત શાંતિથી જીવવું હતું, એટ્લે સેમ જોડે જવા તૈયાર થઈ ગયો.

તેઓ મુંબઈ છોડવા માટે સ્ટેશન જતાં હતા ત્યારે કોઇકે તેમની ટેક્સીનો રસ્તો રોક્યો અને ત્રણેયને ટેક્સીમાંથી બહાર કાઢ્યા, અને બીજી ગાડીમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયા.

તે ત્રણેય જણાએ જોયું કે આ તો કાલ વાળા જ ગુંડાઓ હતા.

ગુંડાઓ પૈકીનો એક : કાલે તે મને ૫૦૦/-ની નોટનું એક આખું બંડલ આપી દીધું. તું છે કોણ?

સેમ : તને એનાથી મતલબ? તને જોઈશે તો હજુ પણ આપીશ, પણ અમને છોડી દે.

ગુંડો : એ તો હું લઈ જ લઇશ, પહેલા તમને લોકોને મારી તો દઉં.

આટલું કહી તે ગુંડાએ સેમના પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું. સેમ ઢળી પડ્યા. પણ થોડા સમયમાં જ હોશ સંભાળી તેઓ ગુંડાને મારવા માંડ્યા. આ જોઇ સમીર અને ચિંતન પણ જે હાથમાં આવ્યું તે લઈને ગુંડાઓ ઉપર તૂટી પડ્યા.

તે ત્રણેયનું બદલાયેલું રૂપ જોઈને થોડા ગુંડાઓ નાસી છૂટયા, અને થોડા ગુંડાઓને સમીર અને ચિંતન મારી રહ્યા હતા. સેમને પેટમાં ચપ્પુ મારેલું હોવાથી તેઓ ઢળી પડ્યા, ધીમે ધીમે બંધ થતી આંખો સાથે તેઓ સમીર અને ચિંતનને ગુંડાઓ જોડે લડતા જોઈ રહ્યા. અંતે સેમ બેહોશ થઈ જાય છે.

*****

વર્ષ : ૨૦૬૩

ચીન્ટુ અચાનક સેમના રૂમમાં જાય છે. તેના રૂમમાં એક જણને બાંધેલો હોય છે. તે સેમને પૂછે છે.

ચીન્ટુ : સેમ, આ કોણ છે? અને અહિયાં ક્યારે આવ્યો?

સેમ : આ ડૉ.સિદ્ધાર્થ આનંદ છે. એને કીડનેપ કર્યો છે, એની શોધ સાથે.

ચીન્ટુ : શોધ સાથે? કઇ શોધ સાથે?

સેમ : આ ભાઈએ ટાઈમ મશીનની શોધ કરી છે.

ચીન્ટુ : એનું આપણને શું કામ?

સેમ : કામ છે. હું મારા બચપનમાં જઈને પોતાની જાતને ગુંડો બનતો રોકીશ.

ચીન્ટુ : પણ કેમ, સમય સાથે છેડછાડ કરવી યોગ્ય નથી. આપણે કુદરતે સર્જેલ સૃષ્ટિમાં બદલાવ કરી શકીએ નહીં.

સેમ : હું બદલાવ લાવીશ જ, હું આપણને બંનેને ઠરીઠામ કરીને પાછો ફરીશ.

ચીન્ટુ : પાછો ફરીશ? કઈ રીતે?

સેમ પોતાના ખિસ્સામાંથી એક રેમોટ બહાર કાઢે છે, અને રેમોટનું બટન દબાવે છે. તરત તેઓની સામે એક મશીન દેખાય છે.

સેમ : આ ટાઈમ મશીન છે. જે અદ્રશ્ય પણ થઈ શકે છે. આના દ્વારા જ હું ભૂતકાળમાં જઈશ અને આના દ્વારા જ હું પાછો આવીશ.

ચીન્ટુ : ત્યાં તું આપણને કઈ રીતે ઠરીઠામ કરીશ?

સેમ તેમની પાસેનું એક મોટું બેગ બતાવે છે.

સેમ : આમાં ૨૦૧૯ની ચલણી નોટો છે. આના થકી જ હું આપણાં બંનેનું ભવિષ્ય બદલીશ.

ચીન્ટુ : પણ સેમ, જો આપણે બદલાય જઈશું તો આપણે આવા નહીં રહીશું.

સેમ : હું પણ તો તે જ ઇચ્છું છું.

ચીન્ટુ : નહીં તું મારી વાત સમજ્યો નહીં, આપણે આવા નહીં રહીશું તો આપણી પાસે ટાઈમ મશીન પણ નહીં રહેશે. તું ફરી ક્યારેય પાછો નહીં આવી શકીશ.

સેમ : પણ મશીન તો મારી પાસે જ રહેશે.

એટલામાં ડૉ. સિદ્ધાર્થ આનંદ, જે આ બધું સાંભળતા હતા, તેમણે કહ્યું,

ડૉ.સિદ્ધાર્થ આનંદ : વાત સાચી છે. ભૂતકાળ બદલશો તો તમારું વર્તમાન એટ્લે કે તમારા ભૂતકાળનું ભવિષ્ય પણ બદલાશે. એ રીતે આ મશીન તમારી પાસે કોઈ કાળે નહીં રહેશે. તમે ત્યાં જ ફસાઈ જશો.

સેમ : આ રિમોટ છે ને, એના ઉપરનું બટન દબાવીશ એટ્લે મશીન આવી જશે.

ડૉ.સિદ્ધાર્થ આનંદ : આ મશીન જ તમારી પાસે નહીં રહેશે તો તેનું રિમોટ કેવી રીતે રહેશે?

સેમ : હું બદલીશ મારું ભવિષ્ય.

ડૉ.સિદ્ધાર્થ આનંદ : તમે જે વાત કરી રહ્યા છો તે કુદરતના નિયમની વિરુદ્ધ છે. તમે આખી ટાઈમલાઇન બદલવાની વાતો કરો છો. જે શક્ય નથી.

સેમ : આ બધું મને સમજમાં નહીં આવે, હું મારી જાતને સુધારીને જ જંપીશ.

ડૉ.સિદ્ધાર્થ આનંદ : કુદરત સૌથી મહાન છે, તે ટાઈમલાઇનને ક્યારેય નહીં બદલવા દેશે.

સેમ : હું બદલીને રહીશ.

ડૉ.સિદ્ધાર્થ આનંદ : હું તમને ફરી કહું છુ, થોડો ઘણો ચેન્જ શક્ય છે, પણ આખે આખી ટાઈમલાઇન નહીં બદલી શકાય.

સેમ : હું મારું ભૂતકાળ બદલીને રહીશ.

ચીન્ટુ : પણ સેમ, તું ત્યાં ફસાઈ જઈશ.

સેમ : હું આપણાં ભવિષ્ય માટે આ કુરબાની પણ આપવા તૈયાર છું.

સેમ ચીન્ટુને ભેટે છે અને ટાઈમ મશીનમાં બેસી જાય છે, અને.....

*****

વર્ષ : ૨૦૧૯

સેમને ધીમે ધીમે હોશ આવે છે. તેઓ એક હોસ્પિટલમાં હોય છે. સમીર અને ચિંતન તેમની પાસે જ હોય છે. સેમ પોતે મરી રહ્યા હોવાનું અનુભવે છે. સેમ પોતાના ખિસ્સામાં હાથ નાખે છે, અને રિમોટ જુએ છે, અને તેમની આંખમાંથી આંસુ નીકળે છે.

સેમ સમીર તરફ જુએ છે અને તેને પોતાની નજીક બોલાવે છે, અને...

સેમ : આ ચિંતનનું ધ્યાન રાખજે, અને એક સારો માણસ બનીને રહેજે.

અને પછી તેઓ મનમાં જ કહે છે, “મને માફ કરી દે ચીન્ટુ, હું ભૂતકાળને નહીં બદલી શક્યો.” અને તેઓ હમેશાં માટે પોતાની આંખો બંધ કરી દે છે.

સમીર અને ચિંતન તેમની તરફ જુએ છે, પણ સેમનું મૃત્યુ થઈ ગયેલ જણાય છે. સમીર અને ચિંતન ખૂબ જ રડે છે. સમીર જ સેમની અંતિમક્રિયા કરે છે. સેમની અંતિમક્રિયા પોતાના જ હાથે!!!

ચિંતન સેમના મોતથી દુખી હતો, પોતાનું જીવન બદલાશે તે આશા એને મળી હતી, પણ હવે એ આશા ઉપર પાણી ફરી વળ્યું હતું તેને ગુસ્સો આવી રહ્યો હતો.

જે માણસે પોતાનું જીવન બદલી નાખ્યું તેમની મોતને સમીર સહન કરી શકતો ના હતો, સેમ ઇચ્છતા હતાં કે સમીર સારો માણસ બનીને રહે, પરંતુ સમીર એટલો ગુસ્સામાં હતો કે સેમના છેલ્લા શબ્દો જ યાદ ના રહ્યા, તે ગુસ્સામાં આગ-બબૂલો થઈ રહ્યો હતો. અંતે સમીરએ ચિંતનને કહ્યું....

સમીર : ચિંતન, હું સેમની મોતનો બદલો જરૂર લઇશ.

ચિંતન : ચિંતન નહીં, ચીન્ટુ, આજથી હું ચીન્ટુ અને તું મારો ભાઈ, સેમ

સમીર : તો ઠીક છે, આજથી હું સેમ, હું એ ગુંડાઓને છોડીશ નહીં.

****સમાપ્ત****

- “શૈલ” શૈશવ.