64 Summerhill - 92 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 92

Featured Books
Categories
Share

64 સમરહિલ - 92

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 92

'શક્ય જ નથી...' ધુંઆપુંઆ થતા મેજર ક્વાંગ યુને ટેબલ પર જાડી બેટન પછાડી નાંખી.

'પણ સર, દરેકે દરેક ઈન્ડિયન પરમિટ હોલ્ડરનું ચેકિંગ થયું છે. એ બધા જ ઓફિશિયલ પરમિટ ધરાવે છે' મેજરના અણધાર્યા ગુસ્સાથી ડરીને નાયબ રિજન્ટ સ્હેજ સલામતે ઊભો રહીને રિપોર્ટ આપતો હતો.

મેજર ક્વાંગનું માથું ધમધમવા લાગ્યું હતું. તેણે માથું ધૂણાવીને નવેસરથી વિચારવા માંડયું.

નંબર ૧. તેના ઈન્ટેલિજન્સ ફોર્સે બે મહિના પહેલાં બાતમી આપી હતી કે શોટોન ઉત્સવ દરમિયાન કશીક બળવાખોરી થશે એવો અંદેશો છે.

નંબર ૨. એ પછી હાલમાં ઈન્ડિયન એમ્બેસીએ નવી બાતમી આપી. એ મુજબ, ઈન્ડિયન પુલિસ ફોર્સના એક અફસરનું અપહરણ કરીને ભાગેલા કેટલાંક લોકો તિબેટમાં ઘૂસ્યા હતા.

નંબર ૩. ડેવિલ્સ બેડ પછીની પહેલી ચેક પોસ્ટ પરથી તેઓ ઘૂસ્યા હતા તેના પૂરાવા ય મળ્યા. તેણે તાત્કાલિક આખું લ્હાસા ઉલેચાવી નાંખ્યું અને તોય ક્યાંયથી જરાક સરખી કડી ય મળી નથી.

નંબર ૪. બોરોમના ચોકમાં એક અજાણ્યા આદમીએ ચીની અફસરને ઢીબી નાંખ્યો અને પછી એ અને તેનો સાગરિત ક્યાંક નાસી છૂટયા. અફસરે એ આદમીને જોયો નથી અને બાકીના લોકો તેનો હુલિયો કે બીજું કોઈ વર્ણન આપતાં નથી.

'કેપ્ટન...' તેણે હવામાં તાકીને અન્યમનસ્કપણે બોલવા માંડયું, 'મુક્તિવાહિનીના સ્થાનિક મળતિયાઓ હોય એવા શકમંદો પર નજર રાખવાનું મેં કહ્યું હતું...'

'જી સર...' નાયબ રિજન્ટે અદબભેર જવાબ વાળ્યો, 'ખામ્પા જાતિના એવા કેટલાંક શકમંદો પર નજર છે જ. તમે કહો તો અત્યારે જ...'

'એવા કેટલાંક શકમંદો આપણા ધ્યાનમાં છે?' મેજર મનોમન કશીક ગણતરીઓ માંડતો હતો પણ તેના મનમાં શું ઘૂંટાઈ રહ્યું છે તેનો નાયબને અંદાજ આવતો ન હતો.

'જી... એક આદમી અગાઉ અહીં દેખાવો કરવા માટે, ઉશ્કેરણી જગાવવા માટે ગિરફતાર થયેલો હતો. હાલ એ ખચ્ચરની દલાલી કરે છે. બીજા આદમીને ત્યાંથી મુક્તિવાહિનીનું કેટલુંક સાહિત્ય ઝડપાયું હતું. તેને દસ-બાર મહિના જેલમાં રાખ્યો હતો. અત્યારે એ રસોઈયાનું કામ કરે છે. ત્રીજો આ...'

'કુલ એવા કેટલાં શકમંદ આપણી નજર તળે છે?' નાયબના લાંબા વર્ણનોથી ત્રાસીને મેજર કંટાળ્યો.

'પાંચેક જણા પર નજર છે...'

'એક કામ કર...' મેજર ઘડીક અટક્યો. તેણે કશુંક વિચાર્યું અને પછી ઉમેર્યું, 'તેમાંથી કોઈ એકને એવી રીતે ઊઠાવી લે જેની કોઈને ખબર સુધ્ધાં ન પડે. બીજા કોઈ આદમીને એવી રીતે જાહેરમાં જ જાપ્તામાં લે જેથી બીજાને તરત ખબર પડી જાય અને એ પછી બાકીના શકમંદો આસપાસ એવું ચુસ્ત નેટવર્ક ગોઠવ કે એમની પાંપણ ફરકે તોય આપણને ખબર પડે...'

દસ મિનિટ પછી નાયબનો કાફલો રિજન્ટ હાઉસથી રવાના થયો ત્યારે કેટલાંક ફૌજીઓ ટોર્ચર રૃમ સજાવવા લાગી ગયા હતા. હવે તેનો ખપ પડવાનો હતો.

***

સાંજ ઢળી એ પહેલાં જ છપ્પને કરામત આદરી દીધી હતી.

સાધના માટે આવેલો લામા જ્યાંત્યાં ફરતો ન હોય. એટલે તેણે કોટડીમાં પૂરાઈ રહેવું જરૃરી હતું. લામાઓ આવી રીતે વિહારમાં નીકળે ત્યારે તેમના અનુચરો તેમની જરૃરિયાત સાચવે. મૌન કે હઠયોગ કરી રહેલા લામાઓ વતી વાતચીત પણ એ જ કરે. કેસી અને તાન્શી એવા અનુચર દંપતિ તરીકે વર્તતા હતા.

બૌધ્ધ આચાર મુજબ સાંજે પાંચ વાગ્યે કેસીએ કોટડી ખખડાવી હતી અને છપ્પને ખોલેલી નાનકડી બારીમાંથી થાળી ધરી હતી. તેમાં તાજા કાપેલા કંદમૂળ હતા. છપ્પનને કકડીને ભૂખ લાગી હતી પણ લામાનો વેશ નિભાવ્યા વગર છૂટકો ન હતો. વહેલી સવારે કામ તમામ કરીને અહીંથી છટકી જવાનું હતું.

વર્ણન વિશે પૂછી પૂછીને તેણે પ્રોફેસરનું દિમાગ કાણું કરી નાંખ્યું હતું. પછીતની કોટડીથી ગ્રંથાગારનું અંતર કેટલું છે, જોઈતી હસ્તપ્રતો આલમારીના ક્યા માળે પડેલી છે, બે માળ વચ્ચેની ઊંચાઈ આશરે કેટલીક હશે, સાદા કાગળ પર એ હસ્તપ્રતો ચિપકાવેલી છે તો એ કાગળના બાઈન્ડિંગ ફોલ્ડથી મૂળ હસ્તપ્રત વચ્ચેનું અંતર કેટલાં ઈંચ હશે, કાગળ કેવો છે અને તેના પરનું પૂંઠું કેવું છે... પ્રોફેસરની જગ્યાએ બીજો કોઈ હોય તો છપ્પનના સવાલોથી ત્રાસીને માથા પટકી નાંખે. પણ પ્રોફેસર છપ્પનની ઝીણવટથી ટેવાયેલા હતા.

પ્રોફેસરે આપેલા વર્ણન મુજબ તેણે ગ્રંથાગારની પછીતે આવેલી કોટડી તેણે પસંદ કરી હતી. તેણે સૌ પહેલાં કટર, પક્કડ અને પતરાની ધારદાર ચપતરીઓ વડે પછીતનું લાકડું તોડવા માંડયું. આખી આડશ તોડવા જતા ભારે અવાજ થાય, જે શક્ય ન હતું. પ્રોફેસરે તેને બતાવેલી દિશા જો સાચી હોય અને પ્રોફેસરે ચિંધેલી હસ્તપ્રતો હજુ પણ એ જ જગ્યાએ હોય તો તેણે ચારેક ફૂટની ઊંચાઈએ કોતરકામ કરવું પડે.

હસ્તપ્રતની જગ્યાનો અંદાજ માંડીને તેણે ફટાફટ લાકડું કાપવા માંડયું. જ્યાં બળ વાપરવું પડે તેમ હતું ત્યાં ટાયરના કાપેલા ચોસલાનો શોક એબ્સોર્બર તરીકે ઉપયોગ કર્યો. દોઢેક કલાકની જહેમત પછી તેણે ભોંયથી ચારેક ફૂટ ઉપર ડાબી તરફ બે-અઢી ફૂટનું ગાબડું પાડી દીધું.

ઉપર છતમાં જડેલા બે કાચમાંથી આથમતી સાંજનું ઝાંખું અજવાળુ વિસરાઈ ચૂકેલા જ્ઞાનના આ પૂંજ પર સાવ આછકલો અજવાસ નાંખતું હતું. હવે ગ્રંથાગાર અને હારબંધ ગોઠવેલી અલમારી અને અલમારીઓ પર પડેલાં થપ્પા તેને નજર સામે દેખાતા હતા. સૌથી પહેલાં તેણે કપાયેલા અણિયાળા લાકડા ફરતે કળી ચૂનો અને નવસારની પેસ્ટ ભરી દીધી, જેથી હસ્તપ્રત ખેંચતી વખતે તેને નુકસાન ન થાય.

પછી તેણે ઘાસ ગૂંથીને બનાવેલું વાયર જેવું ફિંડલું કાઢ્યું. પોતાના પહેરણનું એક ચિંદરું ફાડીને તેણે એ વાયર પર આગળની તરફ વિંટાળ્યું. જોઈતી હસ્તપ્રતોનું ફીંડલું અલમારીના ત્રીજા માળ પર પડયું હતું અને ત્યાંથી કોડટીની દિવાલનું અંતર લગભગ ચારેક ફૂટ હશે એવું પ્રોફેસરે તેને કહ્યું હતું.

પ્રોફેસરને જોઈતી હસ્તપ્રત ઓળખવાનો સવાલ જ ઊભો ન્હોતો થતો. છપ્પને સંજીવની લેવા ગયેલા હનુમાનની માફક હાથ લાગે એ બધું જ ઊઠાવવાનું હતું.

સૂક્કા ખડ સાથે પક્કડ બાંધીને તેણે શક્ય તેટલા બહાર હાથ લંબાવ્યા અને આઠ-દસ વખત પક્કડ વિંઝીને હસ્તપ્રતોના થોકડા કોટડીથી શક્ય તેટલા નજીક ભોંય પર પાડી દીધા. એ પછી ગૂંથેલા ઘાસના કડક રાંઢવાની આગળ બાંધેલી ચિંદરડીને જલદ એસિડમાં તરબોળ કરીને ભોંય પર પડેલા હસ્તપ્રતોના બંચ પર ફેરવવા માંડી. ચારેક જાડા બંચ પર એ રીતે વારંવાર એસિડ ફેરવીને તેણે લાકડાની પછીતની ભોંય ખોતરવા માંડી.

ભોંયને અડેલો પછીતનો હિસ્સો કટર વડે ખોતરવાનું બહુ મુશ્કેલ હતું પણ તેને માંડ ત્રણ-ચાર ઈંચ જેટલી જગાની જ જરૃર હતી. હસ્તપ્રતોના બાઈન્ડિંગની કિનારી પર એસિડ લાગવાથી આખા ય બન્ચ છૂટા પડવા માંડયા હતા. ઘાસના ગૂંથેલા વાયર વડે તેણે છૂટા પડેલા એ દરેક જર્જરિત કાગળોને અત્યંત સંભાળપૂર્વક પોતાની તરફ ખેંચવા માંડયા.

અત્યંત ધીરજ, તીવ્ર એકાગ્રતા અને એકધારા શ્રમ પછી તેણે ભોંય પર પડેલી તમામ હસ્તપ્રતો સેરવી લીધી ત્યારે મધરાત વીતી ચૂકી હતી. એ પરસેવો રેબઝેબ થઈ ગયો હતો પણ તેના ચહેરા પર પ્રચંડ આહ્લાદ હતો.

*** *** *** ***

બપોરે બાર વાગ્યે...

તબેલાના બંધિયાર, ગંધાતા હવામાનમાં જાણે જશ્ન જામ્યો હતો. છપ્પને બહુ જ ચિવટપૂર્વક લાવેલા હસ્તપ્રતોના જર્જરિત, પૂરાણા થોકડા પ્રોફેસર ફાટી આંખે જોતા રહ્યા હતા. તેમના ચહેરા પર સતત ભાવ બદલાતા રહેતા હતા. બીજો થોકડો ઉપરછલ્લો ચેક કરીને તેમના ચહેરા પર પ્રચંડ વિસ્ફાર તરી આવ્યો હતો અને છપ્પનને તેમણે બાથમાં ભીંસીને રીતસર ઊંચકી લીધો હતો.

ત્વરિત પણ બારિકાઈથી હસ્તપ્રતો જોવામાં જોડાયો હતો. હિરનના ચહેરા પર ઉચાટ હતો પણ એ પ્રોફેસર જાતે જ કશુંક બોલે તેની રાહમાં હતી.

એ જ ઘડીએ એક જ દિશાએ ખૂલતા તબેલાના મુખ પાસે કશોક અવાજ થયો. ઝડપભેર ભાગતા લોકોના જૂતાંનો એ અવાજ હતો એવું પરખાય એ પહેલાં કોઈએ તબેલાના પગથિયા પાસે મોં ખોસીને તીણા અવાજે કશોક સિસકારો કર્યો. એ સાથે કેસી અને તાન્શીના ચહેરા ભયાનક છળી ઊઠયા. તાન્શીએ દોડીને વેપનની કિટ ઊઠાવી લીધી અને કેસીએ વેરવિખેર પથરાયેલી હસ્તપ્રતોના થોકડા પોટલામાં બાંધ્યા.

એ સિસકારો ભય નજીક હોવાનો સંકેત હતો તેની ખાતરી થઈ એ સાથે જ બીજો સિસકારો થયો... વધુ તીણો, વધુ કારમો...

ભય સાવ ઊંબરે ઊભો હોવાની એ નિશાની હતી.

*** *** ***

કેપ્ટન ફેંગ લ્યૂને ફક્ત એટલી જ સુચના હતી કે ત્સાર-વો (દેહાતી તિબેટી ભાષામાં ઘોડાર)ના ચૌરાહે પહોંચો. તે ત્સાર-વો પહોંચ્યો કે તરત તેને રિજન્ટ હાઉસમાંથી બીજો સંદેશો મળ્યો, જેમાં પરફેક્ટ લોકેશન આપવામાં આવ્યું.

ભારતથી બનાવટી ઓળખપત્ર પર તિબેટમાં ઘૂસેલા લોકો ડાબી તરફના ત્રીજા તબેલામાં છૂપાયા હોવાની પાક્કી બાતમી હતી. એ સૌને બને ત્યાં સુધી જીવતા પકડવાના હતા અને એ જવાબદારી કેપ્ટન ફેંગ લ્યૂની હતી.

ફેંગને સમય અપાયો ફક્ત વીસ મિનિટનો... એકવીસમી મિનિટે તેણે મિશન ફતેહનો રિપોર્ટ રિજન્ટ હાઉસમાં પહોંચાડવાનો હતો.

ત્સાર-વો તરીકે ઓળખાતો એ વિસ્તાર પાંચેક જેટલી ઘોડાર માટે એક જમાનામાં જાણીતો હતો. પોતાલા પેલેસના રક્ષક એવા ખામ્પા લડવૈયાઓનું ઘોડેસવાર દળ હતું અને એ ઘોડાઓને રાખવા, કેળવવાના તબેલા અહીં બાંધવામાં આવ્યા હતા.

ચીનાઓએ ઘોડેસવાર દળ વિખેરી નાંખ્યા પછી હવે આ તબેલાઓનો ઉપયોગ સ્થાનિકોના દૂધાળા ઢોર, યાક, ખચ્ચરને રાખવા માટે થતો હતો. દરેક તબેલાની બાંધણી લગભગ એકસરખી હતી. પથ્થર જડેલી સડકની સમાંતરે ખુલતા ભોંયરામાં પંદરેક પગથિયા જેટલો ઢોળાવ ઉતરતા આ દરેક તબેલા ઊંચાઈમાં સાંકડા, ઊંડાઈ-પહોળાઈમાં ખાસ્સા વિશાળ, ત્રણ બાજુએથી બંધ અને આ એક જ દિશાએથી સડક તરફ ખૂલતા હતા.

કેપ્ટને પહેલાં તો સાદા વેશમાં પોતાના આદમીઓને તબેલા તરફ મોકલ્યા. બે-ત્રણ આંટા મારીને તેમણે રિપોર્ટ કરી દીધો.

ત્રીજા તબેલાના પ્રવેશ પાસે બે ઓરત સૂંડલામાં છાણા ભરીને બેઠી છે. દૂર સામે ટેકરીના ઢોળાવ પર લીલા ઘાસચારાની હરાજી થઈ રહી છે. ત્યાં કેટલાંક દેહાતી ભરવાડોનું ટોળું છે. તબેલાના જમણાં ખૂણે એક આદમી પાણીની હોઝ પાઈપ વડે વાસીદું ધોઈ રહ્યો છે. તબેલાની અંદર ખાસ કંઈ કળાતું નથી. બીજા તબેલામાં કેટલાંક ખચ્ચરને ચરિયાણ માટે બહાર લઈ જવાઈ રહ્યા છે.

રિજન્ટ હાઉસમાંથી મળેલો ઓર્ડર સ્પષ્ટ હતો. ત્રીજા તબેલામાં જ શકમંદો હોવા જોઈએ, પણ પોતાના આદમીઓનો રિપોર્ટ તો નોર્મલ હતો. કેપ્ટનના ચહેરા પર ફરી મૂંઝવણ તરી આવી.

તેણે તરત નિર્ણય લીધો. આગળ સાદા વેશમાં મોકલેલા આદમીઓને ત્રીજા તબેલાની બરાબર સીધમાં અને સ્હેજ ડાબે પોઝિશન લેવાની સૂચના આપી. એક કાફલાને પોતે જ્યાં ઊભો હતો એ જમણી તરફના છેડે નાકાબંધીનો હુકમ કર્યો અને લશ્કરી ખટારીનું એન્જિન રાઉસ કરી પૂરપાટ ઝડપે ભગાવી દીધી.

ત્રીજા તબેલાના પ્રવેશદ્વારે ગાડી ઊભી રાખીને તેના આદમીઓ ઉતર્યા ત્યારે એક ઓરત છાણાનો સૂંડલો લઈને બહાર આવી ચૂકી હતી. તેની પાછળ બીજો એક તિબેટી આદમી મોટી કથરોટમાં કેટલ ફૂડ ભરીને ઉપર આવી રહ્યો હતો અને અંદર એક-બે તિબેટી પાવડા વડે નિરણના ઢગલા કરી રહ્યા હતા. બીજા બે-ત્રણ જણા ખંપાળી વડે ઘાસની ગંજી છૂટી પાડતા હતા.

કેપ્ટનના કાફલાએ પ્રવેશદ્વાર પર કબજો મેળવીને ડઘાયેલા એ એકેએક આદમીને ઝબ્બે કર્યા અને અંદર ઉતરીને આખો ય તબેલો કવર કરી લીધો.

તબેલામાં અને આસપાસ દેખાતા દરેક તિબેટીની ઓળખ સ્પષ્ટ કરવા તેણે આદમીઓને સૂચના આપીને તબેલાની તલાશી લેવા માંડી.

અંદર ડાબી તરફ બે નાનકડી ઓરડી હતી. એક ઓરડીમાં ચારપાઈ પાથરેલી હતી. બાજુમાં ટ્રકના રદ્દી ટાયર આમતેમ પડેલા હતા. દિવાલ પર જડેલા લાકડાના મજબૂત ખૂંટા પર રાશ લટકતી હતી. ઢોરના પગે જડવાની નાળનો કટાઈ ગયેલો થપ્પો એક ખૂણામાં ધૂળ ખાતો પડયો હતો. પાણી સિંચવા માટેની મશક અને સાથે બાંધેલું રાંઢવું ય પડયા હતા. બીજી ઓરડીમાં ઘાસની ગંજીઓ ખડકેલી હતી. દિવસોથી ભરેલું ઘાસ ગંધ મારતું હતું.

કેપ્ટને એ દરેક ગંજી ખસેડવા હુકમ આપીને તબેલાના ખુલ્લા ભાગને ચકાસવા માંડયો. ત્રણ તરફથી બંધ તબેલાના ઊંડાણમાં ખાસ્સુ અંધારું હતું. તેણે ત્રણ-ચાર જગાએ ટોર્ચ મૂકાવી. ઓરડીમાંથી મળેલું ફાનસ પણ જલાવ્યું અને તલાશી ચાલુ કરી દીધી.

તબેલાના જમણાં ખૂણે આઠ-દસ ખચ્ચર અને એટલાં જ યાક બાંધેલાં હતાં. તેણે માર્કા ચકાસી લીધા. દરેક પર લ્હાસા નોર્થ પ્રોવિન્સનો માર્કો હતો, મતલબ કે ઢોર તો સ્થાનિક જ હતા. તેણે આખાય તબેલાનો ચકરાવો મારીને દિવાલો ય ચેક કરી લીધી. ક્યાંય કોઈ છટકબારી કે પોલાણ જેવું ન હતું. અસમંજસભર્યા ચહેરે તેણે ભોંય ચકાસવા માંડી. અંદર કશુંક પોલાણ હોય તો...

પણ એવું ય કંઈ વર્તાયું નહિ. પ્રવેશદ્વારથી છેક નીચે સડક પરથી વહી આવતું વરસાદી પાણી સંગ્રહવા માટે એક મોટો ટાંકો તેણે જોયો. કોંક્રિટથી ચણેલા પાકા ટાંકા પરનું પતરાંનું ઢાંકણ ઉતારીને તે પોતે જ ઝૂક્યો અને અંદર ટોર્ચનો ઉજાસ ફેંક્યો. ટાંકામાં પાણી ભર્યું હતું. તેણે છેક નીચે હાથ ઝૂકાવીને ઠંડાગાર પાણીને સ્પર્શ કર્યો. ના, એ તાજુ ભરેલું ય ન હતું.

એ જ વખતે અંદરની ઓરડીમાં કશોક ધબાકો થયો.

બીજી ઓરડીના માળિયા પર તલાશી માટે ચડેલો એક આદમી તકલાદી માળિયાનો કાંગરો ખરી પડતાં નીચે પટકાયો હતો. પડયા પછી ય તેના ચહેરા પર કશુંક જડી આવ્યાનો ઉન્માદ હતો.

'ઉપર બંદૂક છે...' તેણે મચકોડાયેલો પગ દબાવતા અંદર ધસી આવેલા કેપ્ટનને કહ્યું.

તરત બે ફૌજીના ખભા પર સવાર થઈને ત્રીજો એક ફૌજી માળિયામાં ચડયો. ત્રણેક ફૂટ ઊંચા માળિયામાં જંતુનાશક દવાના ખાલી કેન, પતરાંના ત્રણ-ચાર ડબ્બા અને ત્રણેક જોટાળી બંદૂક પડેલી હતી.

ફૌજીએ નીચે ઉતારેલી એ બંદૂક કેપ્ટને ચકાસી. ચીનની આર્કાન કંપનીની બનાવટની એ દેશી બંદૂકો ૭૦-૮૦ વર્ષ જૂની હતી. ઢોર ચરાવતા કે ખેતરની દેખભાળ કરતાં ભરવાડોના કૂબા-તબેલામાં આવી બંદૂકોની કોઈ નવાઈ ન હતી.

ક્યાંય કશું જ શંકાસ્પદ ન હતું. ન તો એકે ય ચહેરો... ન તો એકેય ચીજ.

મૂંઝાયેલો કેપ્ટન ત્યાં જ થંભી ગયો.

ફરીથી તેણે આખાય તબેલાની ઝીણવટભરી તલાશી લેવડાવી. ઘાસની એકેએક ગંજી ખોલાવીને બધું રેડપેડ કરી મૂક્યું. પોલાણ હોવાની શંકાથી એક દિવાલ પણ જમીનદોસ્ત કરી દીધી. જમીન સમથળ કરવાનો વજનદાર ગજિયો મંગાવીને માટીની ભોંય પણ ચકાસી લીધી. ક્યાંય કોઈ નાઠાબારી વર્તાતી ન હતી.

અચાનક વજનદાર ગજિયાને અઢેલીને ઊભેલો તે અક્કડ થયો. વાંસનો લાંબો ટૂકડો તેણે ઊઠાવ્યો અને ફરીથી ટાંકી તરફ આગળ વધ્યો.

તેણે ખોલેલું મેનહોલ હજુ ય ઊઘાડું જ હતું. એક ફૌજીને ટોર્ચ ઝાલીને તેણે ઊભો રાખ્યો અને પોતે લાંબો વાંસ અંદર નાંખવા માંડયો. ટાંકી તેની ધારણા કરતાં ઘણી ઊંડી લાગી. વાંસ બહાર કાઢીને તેણે ભીનાશના આધારે અંદાજ માંડયો. ટાંકીમાં સ્હેજે સાતેક ફૂટ જેટલું પાણી ભરેલું હશે. માથોડા ઉપર પાણી ભરેલું હોય ત્યારે અંદર કોઈના હોવાની શક્યતા ન હતી. આમ છતાં તેણે ટાંકીને દરેક ખૂણે ટોર્ચનો ઉજાસ ફેંકીને નજર ફેરવી લીધી. અંધારી ટાંકીમાં પાણીના પરાવર્તનને કારણે પ્રકાશ તેની પોતાની જ આંખમાં અંજાતો હતો.

છેવટે હતાશામાં ડોકું ધુણાવીને તેણે રિજન્ટ હાઉસમાં ફોન જોડવાની સુચના આપી દીધી.

આટલી સઘન તલાશી છતાં કોઈ સુરાગ મળ્યો ન હતો. તેનો એક જ અર્થ થાય કે યા તો બાતમી ખોટી હતી અથવા તો તે અહીં પહોંચ્યો એ પહેલાં શકમંદો નાસી છૂટયા હતા.

રિજન્ટ હાઉસમાં સામા છેડે ખુદ મેજર ક્વાંગ યુન હતો. તબેલાની તલાશીના સમાચાર જાણીને તે ક્યાંય સુધી બેફામ ગાળો બોલ્યો હતો. કેપ્ટન લ્યુની સાત પેઢીને તેણે જોખી-જોખીને સંભળાવી હતી. છેવટે તબેલામાંથી પકડાયેલા તમામ તિબેટીઓને રિજન્ટ હાઉસ લાવવાનો હુકમ કર્યો હતો.

નાસીપાસ થયેલા કેપ્ટન ફેંગ લ્યુએ પોતાની ભડાસ તિબેટીઓ પર ઉતારી હતી. એકાદ-બેને ધોલધપાટ કરીને તબેલામાંથી પકડાયેલા કુલ ૬ તિબેટીઓને ખટારીમાં ચડાવી દીધા હતા. કાફલાના ચાર ફૌજીને તબેલામાં કડક ચોકી રાખવા તેણે સૂચના આપી. કોઈએ અંદર જવાનું ન હતું અને અંદર કોઈ હતું નહિ એટલે બહાર કોઈના નીકળવાનો સવાલ ન હતો.

સૂંડલામાં ભરીને છાણા વેચતી દેહાતી તિબેટી ઓરતો હતપ્રભ થઈને જોતી રહી અને જે ઝડપે ખટારી આવી હતી, એવી જ ઝડપે ચાલી નીકળી.

કાફલો આવ્યો ત્યારે કથરોટ ઊંચકીને તબેલાના પ્રવેશ સુધી પહોંચી ગયેલો કેસી અને તેના પાંચ આદમીને ખટારીમાં ચડાવી દેવાયા એ દૃશ્ય તાન્શી ઉદ્વેગપૂર્વક જોઈ રહી. કેપ્ટનનો કાફલો અંદર આવ્યો એ જ વખતે તે સૂંડલામાં છાણા ભરીને ઉપર પહોંચી ગઈ હતી એટલે વળી એ નજર બહાર રહી ગઈ.

તાન્શીએ ભારે ઉચાટભરી આંખે તબેલાની અંદર નજર ફેરવી લીધી.

- ત્યારે અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્કમાં પાંચ જણાના શ્વાસ હાંફી રહ્યા હતા. બંધિયાર ટાંકીમાં અપૂરતો ઓક્સિજન, માંડ પકડાતા બચ્યાનો હાશકારો અને હવે કેવી રીતે બહાર નીકળવું તેનો ફફડાટ તેમના નાકના ફોયણા તંગ કરી રહ્યો હતો.

(ક્રમશઃ)