ખોફનાક ગેમ
વ્રજલાલ હિરજી જોષી
ખજાનાવાળો ટાપુ
ભાગ - 4
પ્રલયે નીચે નજર ફેરવી. તે ચમકી ગયો. કદમા પગ પાસે કાંઈ સાપ જેવું જળચર ચોંટેલું હતું અને કદમના પગ પર વીંટોળા લેતું પગના ઉપરના ભાગ તરફ આગળ વધી રહ્યું હતું.
“પ્રલય... પ્રલય... આ શું છે...?” કોઈ વસ્તુ મારા બંને પગને જકડી રહી છે. નીચા નમી હાથ-પગ પાસે લઈ જઈ દહેશતથી ધ્રૂજતા અવાજે કદમ બોલ્યો.” બેબાકળો બનેલ કદમ કાંઈ કરે તે પહેલાં તે ફર્શ પર ઊથલી પડ્યો. તેના પગ પર જકડાયેલ તે જળચરનો પંજો તેના પગને વીંટાળતો તેના કમર સુધી પહોંચી ગયો હતો.
“પ્રલય... તેના મોંમાંથી ચીસ સરી પડી તેનું પૂરું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. તેનો દેહ નીચે પછાડાતા તેના માથા પરનો હેલ્મેટ કોઈ નક્કર વસ્તુ સાથે ભટકાયો અને હેલ્મેટ પર લાગેલી લાઈટ તૂટી પડી.
“પ્રલય પગ પાણી-પાણી થઈ ગયાં. તેનો દેહ ધ્રૂજી ઊઠયો. તેની નજર સામે કોઈ જળચર પ્રાણીએ કદમના પગથી કરીને કમર સુધી ભરડો લઈ લીધો હતો. તેના ભરડામાંથી છૂટવ કદમ તરફડિયાં મારતો હતો. તેમ તેમ તે જળચરનો ભરડો તેના કમરથી છાતી તરફ ભીંસ આપતો વધતો જતો હતો.
“પ્રલય....પ્રલય... કદમ.... નીચે શું થઈ રહ્યું છે... નીચે કોની ચીસનો અવાજ આવી રહ્યો છે. પ્રલય...” માઈક્રોફોનમાં વિનયની ચીસનો અવાજ ગુંજી રહ્યો હતો.
વિનયની ચીસોના અવાજથી હેબતાયેલા પ્રલયના દિમાગમાં ઝાટકા લાગ્યા. પ્રલેય દાંત ભીંસ્યા. મગજને જોરથી માથુ ધુણાવીને ઝાટકો આપ્યો. પછી તે કદમા પગ તરફ ધસી ગયો અને બંને હાથેથી કદમના શરીર પર વેલાની જેમ વીંટળાયેલા તે જળચરને પકડીને ઉખેડવા લાગ્યો.
ધુઉઉઉ.... ધુઉઉઉઉ... અચાનક જોરથી આવેલા ફુંફાડાના અવાજથી પ્રલય ચમક્યો અને મોં ઊંચું કરી સામેની તરફ જોયું અને તે પૂરેપૂરો ધ્રૂજી ઊઠ્યો. દહેસાતથી તેની આંખો ફાટી ગઈ.
ભયાનક મહાકાય જળચર તેની સામે પડ્યો હતો. જાણે માંસના લોચા પડ્યા હોય તેવો બેડોળ અને ભયાનક તેનો આકાર હતો. તેના ઉદર પટલ પર આવેલાં છીદ્રો શ્વાસની ક્રિયા સાથે ઊંચાં-નીચાં થઈ રહ્યાં હતાં. અચાનક તેની વચ્ચો-વચ્ચ આવેલી લાલ કોલસા જેવી આંખ ખૂલી. પ્રલયનું હૃદય ધડકી ઊઠ્યું. તે ભયાનક રાક્ષસની નજર પ્રલય પર હતી. પ્રલયે નજર ફેરવી તેના શરીરના રૂંવાટાં ઊભાં થઈ ગયાં. વેલાની જેમ કદમના કમર સુધી વીંટાયેલા તે જળચરની ભુજાઓ અત્યારે તેની છાતી સુધી વીંટળાઈ વળી હતી અને વેલા જેવી તેની ભુજાઓ કદમના શરીરને ધીમે ધીમે ઊંચો ઉઠાવતી જળચરના વિકરાળ મોં તરફ ધીરે ધીરે સરી રહી હતી. તે જળચર એક વિશાળકાય ઓક્ટોપસ હતો. ઓક્ટોપસ તે સોનાની પડેલી પેટીઓ પર પર બેઠો હતો. જાણે કોઈ નાગરાજ ખજાનાથી રક્ષા કરી રહ્યો હોય અને તેના શરીરમાંથી નીકળેલી અજગર જેવી ભયાનક મોટી ભુજાઓ ચારે તરફ કમરામાં ફેલાયેલી હતી.
બુબળુક... બુબળુક... તેની ભુજાઓના હલન-ચલનથી પાણી આમથી તેમ હાલી રહ્યું હતું અને એક વિચિત્ર અવાજ અવાજ પેદા થતો હતો.
“પ્રલય... પ્રલય... વેલાઓની જેમ લપેટાયેલી તે રાક્ષસી જળચરની ભુજાઓને દૂર કરવા પ્રયત્ન કરતો કદમ જોરથી ચિલ્લાયો, આજ તેને પોતાનું મોત તેની સામે દેખાઈ રહ્યું હતું. તેના શરીર પર વીંટાળેલ તે રાક્ષસી જળચરનાં ઉપાંગો તેને રહેંસી નાખવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યાં હતાં, અને તેના વેલા જેવાં અંગોમાં વચ્ચે વચ્ચે આવેલા ગોળ ગોળ ચાકાઓ કદમને ચૂસી લેવો હોય તેમ અંદરથી કદમના શરીરને ચૂસતાં હતાં.”
“કદમ”... કદમની ચીસોથી બેબાકળા બનેલા પ્રલયની ચેતના જાગ્રત થઈ. તેનું જડબું સખ્ત રીતે ભીંસાયું. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. ‘કદમ... ચીસ પાડતો તે કદમ તરફ ધસી ગયો. તેને એક મોટી બીક હતી કે જો જળચરની ભીંસથી કદમના ખંભા પર લાગેલું ઓક્સિજનનું ક્નેકશન તૂટી ગયું તો...?’
પ્રલયે ચારે તરફ નજર ફેરવી. તેની હિલચાલ તે રાક્ષસી જળચરના ફેલાયેલા વેલા જેવા બીજા અવયવોમાં જાણે ચેનત આવ્યું હોય તેમ પ્રલયની તરફ સરવા લાગ્યા.
મહાકાય રાક્ષસી જળચરની ભયાનક મોટી આંખોના ડોળા કદમ અને પ્રલય તરફ વારાફરતી ફરી રહ્યા હતા. કદમનો દેહ તેની ભુજાઓના બળથી નીચેની ફર્શથી પાંચ ફૂટ ઉપર ઊંચકાયેલો હતો.
પ્રલય કદમ પાસે પહોંચ્યો તે સમય દરમિયાન જળચરની ફર્શ પર ફેલાયેલી બીજી ભુજાઓ પણ પ્રલય સુધી પહોંચી ગઈ અને વેલાઓની જેમ પ્રલયના પગમાં વીંટળાવા લાગી.
“હે મા ભવાની.” એક પળ પ્રલયે આંખો બંધ કરી.
પ્રલયની આંખો ખૂલી ત્યારે તેનો ચહેરો શેતાન જેવો વિકરાળ બની ગયો હતો. આંખો તે આંખો નહીં પણ ધગધગતા અંગારા જેવી લાગી રહી હતી.
ઝડપથી કમરપટ્ટામાં ખોસેલું ખંજર તેણે હાથના પંજાથી ખેંચી કાઢ્યું અને અને પછી કદમના તરતા, લટકતા દૈત્યના પંજામાં જકડાયેલા દેહ પર જમ્પ મારી તે કૂદ્યો.
ખચ.... ખચ... ખચ.... ના અવાજ સાથે પ્રલયના હાથમાં પકડેલું ખંજર કદમના દેહ પર વીંટળાયેલા તે જળચર શરીર પર ફરી વળ્યું. જળચરનાં અંગો તૂટીને નીચે ગરોળીની પૂંછ જેમ સળવળતાં હતાં. ચારે તરફ બ્લ્યુ રંગનું લોહી ફેલાઈ રહ્યું રહ્યું. કદમના દેહ પર વીંટળાયેલા તે જળચરના અંગો તૂટીને નીચે પડતાં તરત તેનું સ્થાન લેવા ફર્શ પર મૂળિયાની જેમ છવાયેલી તેની બીજી ભુજાઓ કદમના શરીર તરફ સરવરવા લાગી. તેના સિવાય કેટલીય ભુજાઓ પ્રલયના પગ પર વીંટળાઈ ગઈ હતી.
“કદમ... કદમ... હિંતમથી કામ લે જો તે રાક્ષસી બીજી ભુજાઓ તને વળગી પડવા તારા દેહ તરફ સરી રહી છે. કમદ....” પ્રલય ચિલ્લાયો.
પ્રલયની ચીસથી કદમ જાણે સંમોહનમાંથી જાગ્યો હોય તેમ જાગ્રત થયો ને પોતાના દેહને ઝાટકો મારી ઊભા થવાની કોશિશ કરવા લાગ્યો.
પોતાના અંગના ટુકડા થતા અને શિકારને પોતાના પંજામાંથી છટકતો જોઈ તે જળચરે ભયાનક ઘુઘવાટ કરતાં પોતાનું માંસના લોચ જેવું જડબુ ખોલ્યું અને ઊંચું કરી ધીરે ધીરે પ્રલય તરફ તે સરકવા લાગ્યો. તેની ભયાનક લાલ અંગારા જેવી મોટી આંખો પ્રલય તરફ જ જકડાયેલી હતી.
“મિ. ડેનિયલ, હું સમુદ્રના તળિયે જઈ રહ્યો છું. વાયરલેસ માઈક્રોફોનમાં સંભળાયેલી ચીસ કદમની હતી. ચોક્કસ તેઓ સંકટમાં ફસાયા હોય તેવું લાગે છે.” બેબાકળો બનેલ વિનય બોલ્યો અને તરત જ સમુદ્રના તળિયે જવા તૈયાર થવા લાગ્યો.
“વિનયબાબુ... મને સમુદ્રના તળિયે જવા દ્યો. ગમે તેવા સંકટમાંથી પ્રલય અને કદમને છોડાવી લાવીશ...!” વિનયના ખંભા પર હાથ મૂકતાં મોગલો બોલ્યો.
“આભાર...! મોગલો... પણ મોટર બોટ પર તમારી હાજરી જરૂરી છે. ચિંતા ન કરો...” કહેતાં વિનય તૈયાર થઈ ઝડપથી બોટના ડેક પાસે આવ્યો તેણે ઓક્સિજન વાલ્વને ખોલ્યો. પ્રેસરગેજ મીટરમાં ચારનો આંક એકઝેસ્ટ કર્યો અને પછી દરિયામાં કૂદી પડ્યો.
જળ રાક્ષસનું ખૂલેલું જડબું ધીરે ધીરે પ્રલયના માથા તરફ આગળ વધી રહ્યું હતું. તેના મોંમાંથી નીકળતો આછી ઘુરઘુરાટીનો અવાજ પ્રલયના વાયરલેસ સેટની ફિકવન્સીમાં પકડાતો હતો.
“કદમ.... મારા બૂટની ઉપર લાગેલા બેલ્ટમાંથી રિવોલ્વર કાઢ.... જલદી...” પ્રલય ચિલ્લાયો અને ત્યારબાદ તેણે પોતાનું બધું જ ધ્યાન તેની સામે ફેલાયેલા જળચરના કદાવર જડબા તરફ કેન્દ્રિત કર્યું.
કદમને તે જળચરના રેસા જેવાં અવયવો જળોની જેમ ચોંટતાં જતાં હતાં. ફરીથી તેના બંને પગ પર તે જળચરની ભુજાઓ વેલાઓની જેમ ચોંટી ગઈ હતી. ધીરે ધીરે કદમ પાણીની અંદર નીચો નમ્યો પછી તેનાથી થોડે દૂર તરતા પ્રલયના પગને પકડી લીધો.
તે જળચરનું જડબું પ્રલયના માથાથી સાવ નજીક પહોંચી ગયું હતું. બસ બે-ચાર ક્ષણો જ બાકી હતી.
બે-ચાર ક્ષણોમાં જ પ્રલયનું માથું તે જળચરના ફેલાયેલા જડબામાં જકડાઈ જાય તેમ હતું. કટોકટીની ક્ષણોમાં પણ પ્રલય મક્કમતાપૂર્વક પોતાના ખંજરવાળો હાથ ધીરે ધીરે ઉપર ઉઠાવતો જતો હતો. પ્રલયનો હાથ જેમ જેમ ઉપર ઊઠતો જતો હતો. તેની સાથે તે જળચરની આંખો પણ ઉપરની તરફ ફરતી જતી હતી. તેનું ધ્યાન પ્રલયના હાથ પર જ હતું.
“પ્રલય... કદમ ... ક્યાં છો...? હું આવી ગયો છુ...” વાયરલેસ સેટમાં વિનયની બૂમો સંભળાઈ રહી હતી. પણ અત્યારે તેનો ઉત્તર આપવા જેટલો સમય પ્રલય કે કદમ પાસે ન હતો. કદમના હાથ પ્રલયના પગ પર લાગેલા બેલ્ટને ખોલી રિવોલ્વરને કાઢી રહ્યા હતા. અને પ્રલયનું પૂરું યાન તે જળચરના જડબા પર કેન્દ્રિત થયેલું હતું. જો તેનું ધ્યાન જરા પણ વિચલિત થાય તો તે જળચર પ્રલયનું માથં પોતાના ફાડેલ વિકરાળ જડબામાં સમાવી લે તેમ હતો.
કદમ કમર સુધી તે જળચરની વેલા જેવી ભુજાઓમાં જકડાઈ ગયો હતો. અત્યારે તેના હાથમાં પ્રલયના પગ બેલ્ટમાં ખોસેલી રિવોલ્વર આવી ગઈ હતી. તે ધીરે ધીરે પોતાના શરીરને ઉપરની તરફ ઉઠાવતો જતો હતો.
પ્રલય પોતાની ધડકન ચૂકી ગયો.
ધીરે-ધીરે તે જળચર પોતાનું વિકરાળ જડબું પ્રલયના માથા તરફ લઈ જઈ રહ્યો હતો. તેના મોંમાંથી નીકળતો સુસાવાટા જેવો અવાજ પ્રલયને હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતો.
ત્યારબાદ ભલભલાના છક્કા છોડાવી દે તેવું ર્દશ્ય પેદા થયું.
એકાએક તે જળચરે પ્રલયનું માથું પોતાના જડબામાં લેવા માટે ઝાપટ મારી અને તે જ પળે પ્રલયનો ઊંચો થયેલો ખંજરવાળો હાથ સિફતથી ફર્યો.
ખચ્ચ.... અવાજ સાથે પ્રલય તે જળચરના શ્વસન ક્રિયાથી ઊંચા-નીચા થતા તેના ફેફસામાં ખંજરને હુલાવી દીધું અને તે જ ક્ષણે જોરદાર ધમાકો થયો.
પ્રલયે ‘મા ભવાની’નું નામ લઈ આંખો મીંચી દીધી.
તેના માથા પર અંધકાર છવાઈ ગયો અને જળચરનું કાબેલ વિકરાળ જડબું પ્રલયનું માથું તેનાં મોંમાં સમાવી લેવા માટે ધસી આવ્યું.
‘ધાંય....’ પાણીમાં આગના લિસોટા વેરતી કદમના હાથમાં રહેલી રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને તે રાક્ષસીકાય જળરના કપાળમાં ચોંટી ગઈ. તેનું માથું છુંદાઈ ગયું અને બ્લુ કલરના લોહીના ફુવારાથી ઊડવા લાગ્યા.
ધાંય.... ધાંય... ધાંય... કેટલીય ગોળીઓ તે રાક્ષસી જળચરના માથામાં ઘૂસી ગઈ. ચારે તરફ માંસના લોચા ઊડ્યા અને પાણીનું તેનું લોહી ફેલાઈ ગયું અને ચારે તરફ બ્લુ કલરનાં વાદળો છવાઈ ગયાં.
“પ્રલય.... પ્રલય... તું ઠીક તો છો ને...” રિવોલ્વરને કમર પર ખોંસતાં વિનય પ્રલયને હાથમાં લેતાં બોલ્યો.
ઓક્ટોપસનું માથું છુંદાઈ જતાં તેનો પૂરો દેહ તરફડિયાં મારતો હતો. ધીરે ધીરે તે શાંત પડતો જતો હતો. તેનું મોત થતાં જ તેના વેલાની જેમ કદના શરીરમાં વીંટળાયેલી ફુજાઓ ઢીલી પડવા લાગી. કદમે ધીરે-ધીરે તેના શરીર પર વીંટળાયેલી તેની ફુજાઓ હાથથી દૂર કરી.
“કદમ... આર... યુ.ઓ.કે....?” તેની પાસે આવી તેને મદદ કરતાં વિનય બોલ્યો.
“હોકે.... હોકે... વિનય... આવા તો કેટલાય જળચર જોઈ નાખ્યાં.” હસતાં-હસાતં કદમ બોલ્યો.
“રેવા દે... ભાઈ બે-ચાર પળનો વિલંબ થયો હોત તો તારા ફોટા પર “સુખડનો હાર”” ચડી ગયો હોત... ” નજીક આવતાં પ્રલય બોલ્યો.
“વિનય.... તારે મોટરબોટ છોડીને અંદર કૂદી પડવું ન હતું....” થોડા સવસ્થ થયા બાદ પ્રલયે કહ્યું.
“પ્રલય.... તારી અને કદમની જિંદગી મારે મન કિંમતી છે. બાકી ડેનિયલ ખજાનો છોડી મોટરબોટ લઈને ભાગી ન જાત અને રહી મોટરબોટની વાત તો તે લઈને ચાલ્યો ગયો હોત તોય આપણે ટાપુ પર આરામથી પહોંચી જાત પછી જોઈ લેવાત...”
“પ્રલય... આ જળચર સોનાના ખજાના પર દૂત બનીને બેઠો હતો અને એટલે જ આપણા ડેનિયલ સાહેબ ખજાનો અત્યાર સુધી કાઢી નથી શક્યા. બાકી તેણે પ્રયત્ન તો ચોક્કસ કરેલો છે. તે આ વહાણની સ્થિતિ જોતાં ખબર પડે છે. સમજાય છે, તને મારી વાત...?” કદમે કહ્યું.
“ખરી વાત છે, કદમની....” ડોકું ધુણાવતાં વિનય બોલ્યો.
“હવે આપણે જલદી કરવું પડશે, ચાલો ત્રણે સાથે મળીને આ જળચરના મરેલા શરીરને દૂર કરે. પછી પેટીઓ ભંડકિયામાંથી બહાર ઢસડી લઈ જઈ તેને રાંઢવામાં બાંધી ઉપર મોકલી દઈએ....” કદમે કહ્યું.
અને ત્યારબાદ ખૂબ મહેનત પછી ત્રણે જણા વિશાળકાય ઓક્ટોપસના મૃત શરીરને હટાવી શક્યા અને પછી મહામહેનતે પેટીઓને ઢસડીને ભંડકિયામાંથી બહાર કાઢી ડેક પર લાવ્યા. ત્યારબાદ પેટીઓને દોરડાથી બાંધી હૂકમાં ભરાવી.
મોગલોમાં ખરેખર અગાધ બળ હતું. મોગલોએ એક એક પેટીને ખેંચી ઉપર મોટર-બોટમાં લીધી અને એકલા હાથે જ પેટીઓ ભંડકિયામાં મૂકી પણ આવ્યો.
પ્રલય, કદમ, વિનય દરિયાનાં તળિયેથી ઉપર આવ્યા. મોગલોએ તરત સૌને ઉપર ખેંચી લીધા અને તેના શરીર પર લાગેલ મરજીવાનો પોષાક, હેલ્મેટ, ઓક્સિજન સિલિન્ડરને દૂર કર્યા. ત્રણે જણ પંદર-વીસ મિનિટ સુધી મોટરબોટના ડેક પર સૂતા રહ્યા. કદમને ઉબકા આવતા હતા. તે આંખો બંધ કરી લાંબા લાંબા શ્વાસ લેતો ડેક પર પડી રહ્યો. મોગલોએ ત્રણને લીંબુ શરબત બનાવીને પિવડાવ્યું. લગભગ અડધા કલાકના સમય પછી ત્રણે સ્વસ્થ થયા.
***