?વાછંટના વધામણાં ?
????
પાર્ટ -1
ઝરમર વરસતા વરસાદમાં મલય પોતાના શહેરમાં જુની યાદોના ભીના આવરણ ઓઢીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉતર્યો વરસાદની ઝીણી-ઝીણી વાછંટ મલય માટે જાણે વધામણા લઈને આવી હતી .
પોતાના જુના અને જાણીતા શહેરમાં નવા ઘરની તરફ ડગ માંડવા ટેક્ષી કરી રામુકાકા સાથે રવાના થયો .
કારમાં બેસતા જ એના પિતા સમાન રામુકાકાની સાથે એની જૂની યાદોની શૃંખલા છલક છલક થઈને બહાર આવી રહી હતી .
રામુકાકા મલયની વાતને વચ્ચેથી જ અટકાવતા બોલ્યા ' દીકરા એવું લાગે છે આ શહેરના એક-એક રસ્તાનું ચિત્રપટ હજુ પણ તારી યાદોમાં છપાયેલું લાગે છે .
જૂની યાદોતો એક અમૂલ્ય ખજાના સમાન હોય છે .
હૃદયના એક ખૂણે સમાયેલી યાદો જે ક્યારે પણ ના વિખરાય એવી ફિક્સ ડિપોઝિટમાં અકબંધ અમૂલ્ય ખજાનો .....
મલયની કાર જે રસ્તે જઈ રહી હતી એ રસ્તો એના જુના ઘરનો જ હતો . બાળપણથી લઈને જવાની સુધીનો નિભાવેલો કિરદાર આ શહેર સાથે સંકળાયેલો હતો . મલયનું જૂનું ઘર રોડ પર જ હતું . મલય વિસ વર્ષે આ શહેરમાં પાછો ફર્યો હતો .
બની શકે કદાચ એ ઘર કોઈએ તોડીને નવેસરથી બનાવ્યું હોય ?
એ વિચારતો જ હતો અને બરોબર એ જ સમયે જુના ઘરની સામેથી કાર પસાર થઈ . અને રામુકાકાને આંગળીના ઇશારાથી ઘર દેખાડતા બોલ્યો ' રામુકાકા આ જુવો મારુ જૂનું ઘર ...'
એ જ લીમડાનું ઘટાદાર વૃક્ષ , કાટ ખાઈ ગયેલા સળિયાથી અને સુકાયેલ પાંદડાઓથી સજેલી એ બારી ......નાનકડી એ બારીમાં સમાયેલ ભૂતકાળની યાદો.... મલયની યાદોમાં ડોકિયું કરવા લાગી .
રામુકાકા એ જોયું જુના ઘરની યાદમાં મલયની આંખો થોડી ભીની થઇ ગઇ હતી .
રામુકાકા મલયના માથે હાથ ફેરવતા બોલ્યા ' હવેતો આપણે આ શહેરમાં આવી ગયા ને એટલે એકવાર તારું આ ઘર જોવા જરુર જઈશું .
જૂની યાદો તો ખેતરમાં ઉઘેલા તાજા લીલાછમ મબલખ પાક જેવી હોય છે . જૂની મીઠી યાદો તો જિંદગીના સુકાયેલ રણને ફરી ભીની અને લીલીછમ કરી નાખે છે .
મલય એક મલ્ટિનેશનલ કંપનીમાં CEO ના પ્રમોશન સાથે આ શહેરમાં આવ્યો હતો .
મલય ખૂબ મહેનતી હતો . તેની કામ કરવાની આવડત , ઈમાનદારી લોકો સાથેનો વ્યવહાર ખરેખર પ્રસંશનીય હતું .
આ શહેરના નવા ઘરમાં પ્રવેશતા જ અચંભીત થઈ ગયો . કંપની તરફથી ખૂબ શાનદાર વેલી ટાઈપનું ઘર મળ્યું હતું . ફોર બેડરૂમ વિથ હોલ .....
અહા-હા-હા મલય તો જોઈને પાગલ થઈ ગયો .
અને રામુકાકાને કહેવા લાગ્યો ' ' રામુકાકા જુવો તો ખરા કેટલું વિશાળ , અટલું આલિશાન ' જાહોજલાલી વાળું !!!
ત્યાં રામુકાકા એનો કાન પકડતા બોલ્યા ' મારા દીકરા આ બધી તારી મહેનતનું પરિણામ છે .
અને હા હજુ પણ મોડું નથી થયું .આ ઘરને શણગારે એવી તારી જીવનસંગીની લઈ આવ....
રામુકાકાની વાત સાંભળતા જ મલયના ચહેરા પર એક ફિક્કું સ્મિત ફરી વળ્યું ...અને દુઃખી અવાજમાં બોલ્યો
' રામુકાકા આ ઉંમરે ફરી પરણું ?
અને જીવનસંગીની તો હતી જ ને પરંતુ મારા જીવનના કપરા અને કટોકટીના સમયે જ એ મારો સાથ છોડી ગઈ . ..
એને જીવનમાં હંમેશા જાહોજલાલી , મોજશૌખ , હરવુંફરવું એવા રાજાશાહી ઠાઠની જિંદગી જીવવી હતી . એવી જાહોજલાલી મારી જિંદગીના શરૂઆતના દિવસોમાં મારી પાસે ન્હોતી .
મારા પિતાને કેન્સર હોવાથી અમારી બધી મૂડી વપરાય ગઈ હતી . અને પરિણામ શૂન્ય ...
પિતા હંમેશા પોતાના ઈલાજ માટે ના ,ના કરતા રહ્યા . પરંતુ ઈલાજ પણ તો જરુરી હતો .
મારા પિતાના ગયા પછી મને નૌકરી લાગી . અને આજે જુવો જાહોજલાલી છે પણ માતા-પિતા બંનેની ગેરહાજરી ...
મલય રામુકાકાની તરફ જોઈને આ બધી વાતોનું વિસ્તરણ કરી રહ્યો હતો .
પોતાની જૂની વાતો પુરી કરતા ફરી બોલ્યો ...
' રામુકાકા કાલે રવિવાર છે એટલે હું વિચારું છું આપણે મારુ જૂનું ઘર જોવા જઈશું '
રામુકાકા બોલ્યા ' દીકરા કાલે તો તું એકલો જ જજે હો ...હું તો આ લાંબી મુસાફરી કરીને ખૂબ થાક્યો છૂ .
રામુકાકા એમ પણ એને એકલો જ મોકલવા માંગતા હતા . એ પણ વિચારતા હતા કે હું સાથે જઈશ તો એની યાદોને ખુલ્લા મનથી માણી નહીં શકે .
મલય બોલ્યો ' ઠીક છે રામુકાકા , પણ એકવાર તો હું તમને ત્યાં લઈને જ જઈશ .
હા , ફરી કોઈવાર નીકળી પડશું આપણે બંને જણા .....
બીજા દિવસે રવિવારની વ્હેલી સવાર ....
સૂરજને પણ પોતાની ઉગતી વ્હેલી સવારથી મળવાની ચાહ....
આછા કેસરિયા કલરનું રેશમી પીતાંબર પહેરી સૂર્યદેવતા લોકોને જગાડવા ફરી એક નવો દિવસ લઈને હાજર થઈ ગયા ...
કલરવ કરતા પક્ષીઓનો ધીમો
શોર...
મંદિરોમાં વાગી રહેલી વ્હેલી પરોઢની આરતી....
રાતે પડેલા વરસાદની મીઠી સુગંધ...
સવારની ગરમાગરમ ચા ની ચુસ્કી ઓ લેતા લેતા મલય આ અદભુત પળોને માણી રહ્યો હતો .
ચા પીને રામુકાકાને કહી મલય પોતાના જુના ઘર તરફ ચાલી નીકળ્યો .પણ મનમાં એક ડર જરુર હતો . ત્યાં કોઈ બીજું રહેતું હશે તો ???
પણ એમ તો સાંભળવામાં આવ્યું હતું કે જેને વેચ્યું હતું એમણે પણ આ ઘર છોડી દીધું હતું .
જુના ઘરની આસપાસ હજુ નવું કંઈ બન્યું ન હોવાથી મલયને થોડી શાંતિ થઇ .
સુકાયેલા પાંદડાઓના ઢગલામાં પૂરું ફળિયું ઢંકાઈ ગયું હતું. બારીમાં બાજેલા કરોળિયાના જાળા , કાયમી અડ્ડો જમાવીને બેઠેલી ધૂળ...
મલયે હલ્કે હાથે બારીને સ્પર્શ કર્યો . અને સ્પર્શ કરતા જ બારી ખુલ્લી ગઈ .
વર્ષોથી પડેલી અનેક અવાજો જાણે એક-એક કરીને બહાર આવવા લાગી ...
અંદરથી આવતી અવાજોને જવાબ દેવા મલય તત્પર બની ગયો .
બારીના એ ધૂળિયા સળિયાને પકડીને મલય પોતાની યાદોમાં સરકી ગયો . એના શરીરમાં એક ઠંડી લહર પ્રસરી ગઈ .
આ એ જ બારી હતી . જ્યાંથી એના પ્રણયની શરુઆત થઈ હતી . એનું નામ હતું શ્રુતિ..
...
? આવો મળીશુ શ્રુતિને પાર્ટ -2 માં ?