રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 5
દેવતાઓ દ્વારા રચવામાં આવેલી યુક્તિ મુજબ ભગવાન વિષ્ણુ બકાર વિશેની સંપૂર્ણ હકીકત જાણ્યાં વગર એક વૃદ્ધ બ્રાહ્મણ નો વેશ ધરી બકાર ની વિરુદ્ધ યુદ્ધ આરંભે છે.. બકાર શ્રી હરિ વિષ્ણુ સામે પરાસ્ત થયાં બાદ પોતાની મોત પહેલાં પોતે માં ગંગા ને પાતાળલોકમાં કેમ લાવ્યો એનો વૃતાંત કહેવાનું શરૂ કરે છે.. નંદી આવીને મહાદેવને બકાર વિરુદ્ધ રચાયેલાં ષડયંત્રની જાણ કરે છે.. એ સાંભળી મહાદેવ બકાર ને શ્રી હરિ વિષ્ણુથી બચાવવા વીંધ્યાચળ તરફ પ્રયાણ કરે છે.
બકાર દ્વારા પોતાનાં મનુષ્યો ની સેવા માટે કરેલાં સત્કાર્યોનાં બદલામાં દેવતાઓ દ્વારા એની સાથે થયેલાં દુર્વ્યવહારનો બદલો લેવાં પોતે માં ગંગા ને પૃથ્વીલોક પરથી પાતાળલોકમાં લાવી એની સઘળી વાત વિષ્ણુ ભગવાનને જણાવતાં જ વિષ્ણુ ભગવાનનું બકારની તરફનું પોતાનું વલણ બદલાતાં કહ્યું.
"યક્ષરાજ, મને માફ કરજો મેં સંપૂર્ણ સત્ય જાણ્યાં વગર જ તમને યુદ્ધ માટે આહવાન કર્યું.. અને તમારો વધ કરવાનું દેવતાઓને વચન પણ આપી દીધું.. આ સુદર્શન ચક્ર ને પણ તમારો અંત કરવાનો આદેશ આપી દીધો.. હવે તમારી મૃત્યુ નો સમય નજદીક છે.. "
"પ્રભુ, તમે તમારી રીતે સાચા છો.. માં ગંગા ને પૃથ્વીલોક પરથી પાતાળલોકમાં લાવી મેં મનુષ્યો ને રંઝાડવાનો જે જઘન્ય અપરાધ કર્યો છે એની સજા મૃત્યુદંડ જ હોઈ શકે છે.. મને મારું મૃત્યુ સ્વીકાર્ય છે.. "શાલીનતાથી બકારે શીશ ઝુકાવી કહ્યું.
બકાર નાં આટલું બોલતાં જ વિષ્ણુ ભગવાને પોતાનાં સુદર્શન ચક્ર ની તરફ નજર ફેંકી.. અને ઈશારાથી જ સુદર્શન ચક્ર ને બકારનો વધ કરવાનો પુનઃ આદેશ કર્યો.. આ સાથે જ બકારનાં તરફ સુદર્શન ચક્ર આગળ વધ્યું.. આ દરમિયાન નંદી પર સવાર થઈને મહાદેવ ત્યાં આવી પહોંચ્યા. ત્યાં શું થઈ રહ્યું છે એ મહાદેવ સમજે એ પહેલાં તો ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર બકારનાં શરીરને ચાર ટુકડાઓમાં વિભાજીત કરી ચૂક્યું હતું.
બકારનું મસ્તિષ્ક, ધડ, હાથ અને પગ અલગ-અલગ ભાગમાં વિભાજીત થઈને પાતાળલોકનાં ચાર અલગ-અલગ વિસ્તારમાં જઈને પડ્યું.. ઘડીનાં છઠ્ઠા ભાગમાં તો મહાશક્તિશાળી બકાર નું પ્રાણ પંખેરું ઉડી ગયું.. બકાર ની આ હાલત જોઈ ક્રોધમાં આવી મહાદેવે ત્રાડ નાંખતાં સાવજની માફક ગર્જના કરતાં કહ્યું.
"બકાર... "
મહાદેવ નો ઘરા ધ્રુજાવી મુકતો સાદ લાંબો સમય સુધી વીંધ્યાચળ ની પર્વતશ્રેણીમાં ગુંજતો રહ્યો.. મહાદેવ ને ત્યાં અચાનક આવી ચડેલાં જોઈ ભગવાન વિષ્ણુ પણ નવાઈ પામી ગયાં.. ક્રોધ અને પસ્તાવાનાં મિશ્ર ભાવ સાથે ત્યાં આવી ચડેલાં મહાદેવ ની તરફ આગળ વધી એમને વંદન કરતાં શ્રી હરિ વિષ્ણુ મૃદુતાથી બોલ્યાં.
"મહાદેવ, અહીં અચાનક તમારાં આગમન નું કારણ તમારાં જ અંશ એવાં યક્ષરાજ બકાર છે એ તો મને સમજાઈ ગયું.. પણ પ્રભુ બકાર નો વધ કર્યાં વગર મારી જોડે કોઈ બીજો માર્ગ નહોતો.. હું દેવરાજ ઈન્દ્ર ની વાતોમાં આવી સંપૂર્ણ સત્ય ની તપાસ કર્યાં વગર બકાર નો વધ કરવાનું વચન આપી ચુક્યો હતો.. એટલે જ યક્ષરાજ દ્વારા મને પોતાનાં જોડે થયેલાં ષડયંત્ર બાદ બદલાની ભાવનામાં એમનાં દ્વારા માં ગંગા ને પાતાળલોકમાં લઈ જવાનું પગલું લેવાઈ ગયું હતું એ જાણ્યાં બાદ પણ બકાર નો વધ કરવાનું પાપ કરવું પડ્યું.. પ્રભુ, મને માફ કરજો.. "
ભગવાન વિષ્ણુ ની વાત નો મહાદેવ કંઈપણ પ્રતિભાવ આપે એ પહેલાં યક્ષરાજ બકાર નો અવાજ વાતાવરણમાં સંભળાયો.
"હે ભગવંત, હે પ્રભુ, હે દેવોનાં દેવ મહાદેવ.. તમારો આ દાસ તમારાં ચરણોમાં શીશ ઝુકાવી તમને શાંત થવાં અનુરોધ કરે છે.. મને મૃત્યુદંડ મળ્યો એનું કારણ એકરીતે હું સ્વયં છું.. મેં સારાં-નરસા નો જરા અમથો પણ વિચાર કર્યાં વગર દેવતાઓ ને પાઠ ભણાવવા આવેશમાં આવી માં ગંગા ને પૃથ્વીલોક પરથી પાતાળલોકમાં લાવવાનું જે પાપ કર્યું છે એનાં બદલામાં શ્રી હરિ વિષ્ણુ એ મને આપેલી સજા યોગ્ય જ છે.. આમ પણ જ્યારે કોઈપણ જીવ હોય એને જ્યારે વધુ પડતો ઘમંડ આવી જાય ત્યારે એનાં મૃત્યુનો સમય પણ નજીક જ હોય છે.. "
અવાજ ની સાથે-સાથે મહાદેવ ની સમક્ષ બકાર ની અંતરાત્મા ની પ્રતિકૃતિ પ્રગટ થઈ.. મહાદેવે બકાર ની વાત ધ્યાનથી સાંભળ્યાં બાદ કહ્યું.
"યક્ષરાજ, મને ક્રોધ શ્રી હરિ વિષ્ણુ પર નથી.. મને તો સ્વયં મારી ઉપર ક્રોધ છે.. હું પણ નારદજી ની વાતોમાં આવીને મારાં જ અંશ પર લગાવવામાં આવેલાં આરોપ ને સત્ય માનવાની ભૂલ કરી બેઠો હતો.. એ બદલ મને ક્ષમા કરજો.. "
"ના મારાં નાથ.. તમને ક્ષમા આપવાની ક્ષમતા આ જગતમાં કોઈની જોડે નથી.. મારો ભોળો મહાદેવ એવું કંઈ કરી જ ના શકે જેની ક્ષમા એને માંગવી પડે.. મને તો ફક્ત દેવતાઓ પર જ ક્રોધ છે જેની સજા એમને મળે અને મારી આત્માની સદગતિ થાય એવો કંઈક ઉપાય તમે કરો મહાદેવ.. "મહાદેવ ની સમક્ષ બે કર જોડી બકાર બોલ્યો.
બકાર ની વાત સાંભળ્યાં બાદ મહાદેવે આંખો બંધ કરી ગ્રહો અને નક્ષત્રો ની દિશા અને દશા નું અવલોકન મનોમન કરતાં થોડું વિચારીને કહ્યું.
"યક્ષરાજ, તમારી મુક્તિનો માર્ગ મને મળી ગયો છે.. તમારી આત્મા સદાય મનુષ્યો ની સેવા કરવાં ઈચ્છતી હતી.. તો એ આત્મા ને ત્યારે જ શાંતિ મળે જ્યારે એને પુનઃ આવો અવસર સાંપડે.. અને એ માટે નો અવસર આજથી છ હજાર વર્ષ પછી પૃથ્વીલોક પર એક એવું મહાસંકટ આવશે જેને દૂર કરવું ફક્ત કોઈ પૃથ્વીવાસી મનુષ્યનાં હાથમાં હશે.. કળયુગ સમગ્ર જગત ને પોતાની પકડમાં લઈ ચુક્યો હશે ત્યારે જગતને જરૂર હશે એક મસીહા ની જે સમગ્ર જગતનું રક્ષણ કરે.. આ સમયે પૃથ્વી પર તમારું અવતરણ થશે.. એ પણ મારાં જ એક અન્ય અવતાર રૂપે.. અઘોરી રૂપે"
"મહાદેવ તમે મારાં મોક્ષ ની વાત તો કરી પણ દેવતાઓનું શું.. એમને મારી સાથે કરેલાં દુર્વ્યવહારનું શું..? "બકારે પૂછ્યું.
"જ્યારે તમારું અઘોરી અવતાર રૂપે પૃથ્વી પર અવતરણ થશે ત્યારે દેવતાઓનાં અંશ તમારાં દાસ બનીને રહેશે.. તમારાં જ આદેશ ઉપર એ ચાલશે અને જગતનું રક્ષણ કરવામાં તમારી મદદ કરશે.. "મહાદેવે કહ્યું.
"ધન્યવાદ પ્રભુ.. ધન્યવાદ.. પણ આટલાં વર્ષો સુધી હું શું કરીશ..? "મહાદેવ નું વચન સાંભળી બકારે સવાલ કર્યો.
બકાર ની વાત સાંભળી મહાદેવે શ્રે હરિ વિષ્ણુ સામે જોયું અને ઈશારા માં જ વિષ્ણુ ભગવાન ને કંઈક સંકેત કર્યો અને પછી બોલ્યાં.
"યક્ષરાજ, આજથી લઈને એક હજાર વર્ષ સુધી તમારી અંતરાત્મા ક્યાં સ્થાન પામશે એની સઘળી વ્યવસ્થા શ્રી હરિ વિષ્ણુ કરી દેશે.. પણ એક હજાર વર્ષ પછી તમે ક્યાં સ્થાન પામશો એ હું નક્કી કરીશ.. જેની સમય આવે તમને ખબર પડી જશે એટલે થોડી ધીરજ રાખો.. "
મહાદેવ નાં આટલું બોલતાં જ શ્રી હરિ વિષ્ણુ એ પોતાની શક્તિ વડે બકારની આત્મા એક રુદ્રાક્ષ નાં મણકા માં પરિવર્તિત કરી દીધી.. અને આ રુદ્રાક્ષ ને મહાદેવે પોતાનાં ગળામાં મોજુદ રુદ્રાક્ષની માળામાં સ્થાન આપ્યું.
"ચલો મહાદેવ હવે જે થઈ ગયું એ આપણે બદલી તો નથી જ શકવાનાં.. પણ યક્ષરાજ બકાર માટે જે તમે ભવિષ્યમાં વિચાર્યું એ બાદ બકારનો પ્રસન્ન ચહેરો જોઈ મારાં મનને રાહત જરૂર થઈ.. "મહાદેવ ભણી જોઈ શ્રી હરિ વિષ્ણુ એ કહ્યું.. જેનાં પ્રત્યુત્તરમાં મહાદેવે શ્રી હરિ તરફ જોઈ એક સ્મિત વેર્યું.
ત્યારબાદ માં ગંગાને પાતાળલોકમાંથી પુનઃ પૃથ્વીલોકમાં લાવ્યાં બાદ મહાદેવ અને ભગવાન વિષ્ણુ પોતપોતાનાં વાહનો અનુક્રમે નંદી અને ગરુડ પર સવાર થઈને પોતપોતાનાં સ્થાન તરફ નીકળી પડ્યાં.
અહીં જે કંઈપણ થયું એ બધું સમસ્ત દેવગણ સ્વર્ગમાંથી નીરખી રહ્યો હતો.. બકાર નાં નવાં અવતાર માં એમને બકારનાં સેવક બનીને રહેવું પડશે એવું વચન મહાદેવનાં મુખેથી સાંભળ્યાં બાદ છ હજાર વર્ષ પછી બનનારી આ ઘટના ને લઈને દેવતાઓ અત્યારથી ચિંતિત થઈ ગયાં હતાં.
****
વિષ્ણુ ભગવાને દેવતાઓને આપેલાં વચન મુજબ યક્ષરાજ બકારનો વધ કરી દીધો અને મહાદેવ દ્વારા બકાર ની ઈચ્છા ને માન આપી એની મુક્તિ તથા જગતનાં ઉદ્ધાર માટે બકારને વચન આપ્યું કે આજથી હજારો વર્ષ પછી એક અઘોરી રૂપે એનો પૃથ્વીલોક પર જન્મ થશે.
બકાર ની પુણ્ય આત્મા તો રુદ્રાક્ષ બની મહાદેવનાં ગળા ની માળામાં પરોવાઈ ગઈ.. પણ બકારનાં નશ્વર દેહ ને સુદર્શન ચક્ર દ્વારા ચાર ટુકડાઓમાં વિભાજીત કરી દેવાયો હતો.. જે ચાર ટુકડા પાતાળલોકમાં અલગ-આલગ જગ્યાએ જઈને પડ્યાં અને જે-તે પ્રદેશની જમીનમાં, પાણીમાં, હવામાં સમયનાં વહેણની સાથે વિલીન થઈ ગયાં.
બકાર નો વધ થયો ત્યાં સુધી તો પાતાળલોકનાં મૂળ રહેવાસી એવાં નિમ લોકો કોઈ જાતની માથાકૂટમાં પડ્યાં વીનાં સુખેથી પોતપોતાની જીંદગી વ્યતિત કરતાં હતાં.. પણ બકારનાં દેહ નું અલગ-અલગ વિસ્તારની આબોહવામાં જેવું વિલીનીકરણ થયું એ સાથે જ નિમ લોકોની માનસિકતા અને શરીર રચનામાં ફેરફાર થવાં લાગ્યો.
લગભગ આઠ થી દસ શતાબ્દીથી પણ વધારે સમયગાળા સુધી નિમ લોકોની અંદર ચાલુ થયેલો આ બદલાવ કાળક્રમે આગળ વધતો જ રહ્યો.. અને જેવી અલગ-અલગ વિસ્તારમાં વસતાં નિમલોકોને પોતપોતાની શક્તિનો અહેસાસ થયો એ સાથે જ બકારનાં શરીરનાં ચાર ટુકડાઓ મુજબ પાતાળલોક પણ ચાર ભાગોમાં વહેંચાઈ ગયું.
બકાર નું મસ્તિષ્ક જે જગ્યાએ જઈને પડ્યું એ પાતાળલોકનાં વિસ્તારમાં વસતાં નિમ લોકોની અંદર જાદુઈ શક્તિઓ અને મેલી વિદ્યાની શક્તિઓ પ્રવેશ કરી ચુકી હતી.. આ બધી શક્તિઓની સૌ પ્રથમ જાણ થઈ વિરભદ્ર નામક એક નિમ ને.. જેને આ શક્તિ ધરાવતાં લોકોનું એક જૂથ બનાવ્યું અને પોતાને એ જૂથ નો, એ પ્રદેશનો રાજા ઘોષિત કરી દીધો. આ વિસ્તારનું એને નામકરણ કર્યું ચિત્ર પ્રદેશ તરીકે.
આજ રીતે બકારનાં પગ જે જગ્યાએ જઈને પડ્યાં ત્યાંનાં નિમ લોકો સ્વભાવે વધુ શાલીન બન્યાં.. એમની અંદર કોઈ શક્તિ તો ના આવી પણ તેઓ મનથી ભોળા અને ભલી પ્રકૃતિનાં બની ગયાં.. એમની આ સરળ અને ભલી માનસિકતા નો ફાયદો ઉઠાવતાં વિરભદ્ર એ એમનાં વિસ્તાર ને પણ પોતાનાં આધિપત્ય નીચે લઈ લીધો.. વિરભદ્ર એ આ વિસ્તારને નામ આપ્યું વિચિત્ર પ્રદેશ.
યક્ષરાજ બકારનાં બંને હાથ કપાઈને જ્યાં પડ્યાં એ વિસ્તારનાં લોકો નું શારીરિક કદ ધીરે-ધીરે વિસ્તરતું ગયું.. કદ ની સાથે એ વિસ્તારમાં વસતાં નિમ લોકોનાં બળમાં પણ વધારો થઈ ચૂક્યો હતો.. ત્યાં નો એક એક માણસ દસ-બાર લોકોની શક્તિ ધરાવતો હોય એવો શક્તિશાળી બની ચુક્યો હતો.. આ નિમ લોકોમાં એક વ્યક્તિ હતો સુબાહુ. જે હાથી ને પણ ઊંચકવાની ક્ષમતા ધરાવતો હતો.. એની આ અપાર શક્તિને જોઈ એ બળશાળી નિમ લોકોએ સુબાહુ ને પોતાનાં પ્રેદેશનો રાજા ઘોષિત કર્યો.. અને સુબાહુ એ પોતાનાં આધિપત્ય નીચેનાં વિસ્તાર ને નામ આપ્યું દુમલ દેશ.
બકાર નાં હાથ-પગ તથા મસ્તિષ્ક સિવાયનો ધડ નો ભાગ જે જગ્યાએ જઈને પડ્યો ત્યાંનાં લોકોને શરુવાતમાં તો પોતાની અંદર કઈ શક્તિ પેદા થઈ છે એની ખબર ના પડી.. પણ અમુક સમય બાદ જ્યારે એ વિસ્તારનાં લોકો જ્યાં પાણી પીતાં એ નદીની અંદર વસતાં જળચરો નું અચાનક મૃત્યુ થયું ત્યારે એ લોકો સમજી ચુક્યાં કે એ લોકો વિષધારી બની ચુક્યાં છે.. બકારનાં હૃદયમાં દેવો માટે જે બદલાની ભાવના હતી એ વિષમાં પરિવર્તન પામી ચુકી હતી.. અને આ વિષ નાં લીધે જ એનાં પેટ અને છાતી નો ભાગ જ્યાં પડ્યો ત્યાંનાં લોકો વિષધારી બની ગયાં.
ચિત્ર પ્રદેશ, વિચિત્ર પ્રદેશ અને દુમલ દેશ ને પોતપોતાનાં રાજા હતાં એટલે વિષધારી લોકો ને પણ થયું એમને પણ એક રાજાની જરૂર હતી.. અને આ જરૂર પુરી કરવાં એમને વાનુકી નામનાં વિષધારી નિમને પોતાનો રાજા ઘોષિત કર્યો.. વિષધારી લોકોનાં આ વિસ્તારને વાનુકી એ નામ આપ્યું સર્પદેશ.
આમ બકાર તો મૃત્યુ પામ્યો પણ એની શારીરિક ક્ષમતાઓ નાં લીધે પાતાળલોકનાં નિમ લોકોની અંદર ચાર ભાગ પડી ગયાં અને પાતાળલોક ચાર વિસ્તારમાં વહેંચાઈ ગયું.. પાતાળલોકનું આમ વિભાજીત થઈ જવું ત્યાંનાં નિમ લોકો માટે ભવિષ્યમાં મુશ્કેલી સર્જનારું સાબિત થવાનું હતું.
એક અખંડ પાતાળલોક હવે ચાર ભાગમાં વહેંચાઈ જવાની ગંભીર ઘટના ઓછી હોય એમ જ્યાં બકાર નાં શરીર નો કોઈ ટુકડો નહોતો પડ્યો એ પાતાળલોકનાં છેક છેવાડાનાં વિસ્તારમાં વસતાં લોકો ધીરે-ધીરે અન્ય નિમ લોકોથી અલગ થઈ ગયાં.. અને પાતાળલોકમાં આવેલાં કારા પર્વતની તળેટીનાં વિસ્તારમાં વિષમ પરિસ્થિતિ નીચે જીવવા મજબુર થઈ ગયાં.
જગતનાં પાલનકર્તા ભગવાન વિષ્ણુ ને પૃથ્વીલોક પર વસતાં માનવો ની ઉપર જેવી લાગણી હતી એવી જ લાગણી એમને પૃથ્વીની સપાટીથી નીચે વસતાં નિમ લોકો માટે પણ હતી.. એટલે જ એમને પૃથ્વી પર અમુક એવાં માયાવી સ્થાનકો બનાવ્યાં હતાં જે સૂર્ય કિરણો નું શોષણ કરી એને પાતાળલોક સુધી લઈ જતાં.. જેનાં કારણે પાતાળલોકમાં પણ મનુષ્યલોક ની જેમ જ નિમ લોકો જીવન પસાર કરી શકતાં.
સૂર્ય ની કિરણો પાતાળલોકમાં બીજે બધે તો પહોંચતી પણ કારા પર્વત ની આસપાસનાં ભાગમાં મહાપરાણે પહોંચી શકતી. આજ કારણોસર કારા પર્વત ની નજીકનો વિસ્તાર હિમાચ્છાદિત હતો.. ત્યાં જે નિમ લોકો જઈને વસ્યા એ પણ સમયનાં પ્રવાહની સાથે હિમમાં વસતાં સજીવોની માફક બની ગયાં.. એમનાં શરીર ની ત્વચા શ્વેત બની ગઈ અને માથાનાં વાળ લગભગ ગાયબ થઈ ગયાં.. આ સિવાય ચપટું નાક અને સુકલકડી દેહ ધરાવતાં એ નિમ લોકો હિમાલ તરીકે ઓળખાવાં લાગ્યાં અને એમનો રાજા બન્યો હિમભદ્ર.
દેવતાઓની પ્રપંચકારી નીતિ અને મહેચ્છાઓ નાં લીધે સુખેથી જીવતાં પાતાળ વાસીઓ હવે અલગ-અલગ વિભાજીત થઈ ચુક્યાં હતાં.. અને પૃથ્વી ની માફક એમની વચ્ચે પણ સત્તા મેળવવાની અને પોતાનાં આધિપત્ય નીચેનો વિસ્તાર વધારવાની હોડ જામી ચુકી હતી. નિમ લોકોની આ સત્તા લાલસા એમની દશા બદ થી બદતર કરી મુકનારી સાબિત થવાની હતી એ વાતથી એ બધાં નિમ લોકો બેખબર હતાં.
★★★
વધુ નવાં અધ્યાયમાં.
નિમ લોકોની સત્તાલાલસા નું શું પરિણામ આવશે..? નિમ લોકો ફરીવાર એક થઈ શકશે..? નિમ લોકોને એક કરવાનું ભગીરથ કાર્ય કોણ કરશે..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***