આજે સ્કૂલમાં નિબંધ લખવાની સ્પર્ધા હતી. નિબંધનો વિષય હતો. "મનગમતું રમકડું" માધવ કે જે ચેતન ભાઈ અને ઇલા બેનનો એકનો એક દીકરો જે સાતમાં ધોરણમાં ભણતો હતો. તેણે ઘરે આવી તેનાં મમ્મી પપ્પા ને કહ્યું કે " મમ્મી પપ્પા આજે અમારે અચાનક નિબંધ લખવાની સ્પર્ધા હતી. મનગમતું રમકડું અને મમ્મી મને ખબર નથી પડતી કે મને મારી ઢીંગલી બહુ ગમે છે એમાં ખોટું શું છે ?" માધવની ઢીંગલી, માધવને એ ઢીંગલી બહુ જ ગમતી નાનપણથી તે ઢીંગલી સાથે વાતો કરતો , બોલતા નહોતું આવડતું ત્યારે કાલીઘેલી ભાષામાં પણ તે તે ઢીંગલી સાથે રમતો હતો. આમ તો આ ઢીંગલી ઈલાબેન નાના હતા ત્યારે તેના પપ્પાએ આપેલી છેલ્લી નિશાની હતી. ઇલાબેન અને ચેતનભાઇને ત્યાં દસ વર્ષે પારણું બંધાયું હતું. માધવ એક રમકડું માગે તો અગિયાર હાજર કરી દેતા પરંતુ માધવના રમકડા બીજા બધા બાળકોથી અલગ રહેતા, જોકે દરેક બાળક અલગ હોય છે તે ચેતનભાઇ અને ઇલાબેન જાણતા હતા અને સમજતા હતા એટલે ક્યારેય કોઈ શંકાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું ન હતું.
આજે પણ જ્યારે માધવ એ ઢીંગલી વિશે નિબંધ લખ્યો તો જરાય આશ્ચર્ય પણ ન થયું અને અજુગતું પણ ન લાગ્યું. હા સ્કૂલમાં એના જેવા છોકરાઓ એ કોઈએ કાર ઉપર તો કોઈએ ક્રિકેટના બેટ ઉપર તો કોઈએ બોલ ઉપર નિબંધ લખેલો હતો. પણ માધવ તો વર્ષોથી આ એક જ ઢીંગલી સાથે રમતો આવ્યો છે એટલે ક્યારેય બીજા કોઈ રમકડા પ્રત્યે લગાવ જ નથી થયો. પરંતુ આજે જ્યારે સ્કૂલમાં શિક્ષકો દ્વારા માધવને ટોકવામાં આવ્યો ત્યારે માધવ ને જે સવાલ ઉભો થયો તેનો જવાબ ચેતનભાઇ બહુ સરળતાથી આપી દીધો. "તને ખબર છે માધવ ઢીંગલી તારા નાના એ આપેલી મમ્મીને એક સુંદર યાદગાર ગિફ્ટ છે. અને તું પણ તારા મમ્મી માટે ભગવાને આપેલી સુંદર યાદગાર ગિફ્ટ છે એટલે તને ઢીંગલી બહુ ગમે છે. એવું જરાય જરૂરી નથી કે તું છોકરો છે તો તને ઢીંગલી ન ગમે, બાજુમાં રહેતી ટીના કેવી ક્રિકેટ રમે છે. તો શું થયું એ છોકરી છે તો ક્રિકેટ ન રમી શકે તેમજ તું છોકરો છો તો ઢીંગલી સાથે ન રમી શકે? જા તને ભલે તારી સ્કૂલમાંથી નિબંધ સ્પર્ધા માં નંબર ન મળ્યો પણ અમે તને નંબર આપીએ છીએ અને આજે તારી ગમતી રેસ્ટોરન્ટમાં આપણે ડિનર કરવા જઈશું. અત્યારે તું તારા મિત્રો ભેગો રમવા જા જો જય રાહ જુએ છે." જય અને માધવ બંને એક જ સરખાં હતાં. માધવ ને જય સાથે અને જય ને પણ માધવ સાથે બહુ બનતું. ત્યાં સુધી કે જો કોઈ સાથે જગડો થાય તો બંને એક બીજા માટે ઉભા રહેતાં હતાં. બહુ જ સામાન્ય એવી વાત ચેતનભાઇ એ માધવ ને મગજમાં ઊભા થતાં પ્રશ્નો ના જવાબ માં કહી દીધી. શા માટે એવું કે દીકરી છે તો ઢીંગલી થી જ રમે અને દીકરો છે તો ક્રિકેટ બોલ કે કારથી જ રમે, પરંતુ અહીં માત્ર એટલી વાત તો હતી નહીં.
વર્ષો વીતતા ગયા માધવ બોર્ડની પરીક્ષા આપી ફર્સ્ટ ક્લાસ માર્ક સાથે પાસ થઈ ગયો હતો. નાનપણથી જ માધવને ટીચિંગમાં રસ હતો. ઇલાબેન પોતે પ્રાથમિક શાળાના શિક્ષક હોવાથી માધવે હું તો મમ્મીની જેમ શિક્ષક થઈશ સહજતાથી બધાને કહેવાનું શરૂ કર્યું હતું. માધવના મિત્રોમાં પણ છોકરા ઓછા અને છોકરીઓ વધુ રહેતી. ત્યાં સુધી દરેક છોકરી માધવ સાથે હોય તો પોતાને સુરક્ષિત માનતી. માધવ ની દરેક મિત્ર એની સખી બનીને રહેતી. માધવ ના છોકરા ઉપર મિત્ર હતા પરંતુ એક બે જ હતા. ખબર નહી કેમ બીજા છોકરાઓ માં આવતા શારીરિક બદલાવો માધવ માં હજી આવ્યા ન હતા. જો કે સામાન્ય રીતે એવું ઘણાં ને બનતું હોય છે એટલે કોઈ ચિંતા પણ ન હતી.
માધવ ક્યારેક મુંજવણ અનુભવતો ખબર નહીં સ્કૂલમાં મિત્રો બધાં કોઈ છોકરીની વાત કરે તો તેને રસ પડતો નહીં. જેમ મોટો થતો જતો હતો છોકરીયું જે ફ્રેન્ડ હતી તેનાં ઘરે થી અમુક પ્રતિબંધ આવવા લાગ્યાં હતાં છતાં ક્યારેક તે તેની સ્ત્રી મિત્રો ભેગો હોય અને તે કોઈ પુરુષો ની વાત કરે તો ખૂબ રસ પડતો હતો. આમ દિવસો વર્ષો વીતવા લાગ્યા અને માધવ કોલેજ ના પહેલાં વર્ષમાં આવ્યો. (#MMO) નાનપણ થી સાથે રહેલાં તેનાં મિત્ર જય પ્રત્યે એક અલગ જ આકર્ષણ રહેતું જે તે સમજી શકતો ન હતો. જો જય સાથે કોઈ બીજું વાત કરે તો ન ગમવાની લાગણી થતી હતી. ક્યારેક ગુસ્સો પણ આવતો હતો તો ક્યારેક ખૂબ રડવું આવતું હતું તેની ઉંમરના બધા ને જે લાગણી છોકરીયું પ્રત્યે થતી તે માધવને ક્યારેય થઈ ન હતી.
આજે તો સાવ સૂનમૂન હતો માધવ. ઇલાબેન બહાર થી આવ્યા તો જોયું કે માધવનું ધ્યાન પણ ન હતું. "માધવ જો તારા માટે તારી ફેવરીટ ચોકલેટ લાવી છું." પણ માધવ કંઇક અલગ જ મૂડમાં હતો. ઇલાબેન કપડાં બદલવા પોતાનાં રૂમમાં ગયાં ત્યાં તેને માધવના રડવાનો અવાજ આવ્યો. ફટાફટ કપડાં બદલી બહાર આવ્યાં ત્યાં માધવ ખૂબ જ રડી રહ્યો હતો. ઇલાબેન પાણીનો ગ્લાસ લઈ માધવની બાજુમાં બેઠા. માધવ કોલેજમાં આવી ગયો હતો અને વ્યસ્તતા ને લીધે સમય આપવો હોવા છતાં ન્હોતો આપી શકાતો. માધવ ઇલાબેન ને ભેટી ખૂબ રડ્યો ખૂબ પૂછવા થી માધવે ઇલાબેન ને કહ્યું કે મમ્મી જય મુંબઈ જઈ રહ્યો છે કાયમ માટે (#ક્રમશ:)