* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૫)
રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.
લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..
મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી બધી ઘટનાઓ અમારી સાથે બને છે. ત્યારબાદ ભાવેશને ભોંયરામાંથી શોધી અમે પેલી નાનકડી છોકરી પાછળ ઘૂના સુધી પહોંચી જઈએ છીએ. ઘૂનાના મગરથી છૂટકારો મેળવીને અમે કામીની નામની અજાણી યુવતી સાથે આવીએ છીએ ત્યાં રાત્રે કલ્પેશ અને આશિષ અચાનક ગાયબ થઈ જાય છે. હવે આગળ....
મેં લથડતા પગે ઝૂંપડીમાં જોયું. ઝૂંપડીમાં ભેંકાર અંધારા સિવાય કંઈ નહોતું. કામીની અને તેની માં કોઈ પણ નહોતું. આસપાસ તપાસ કરી પરંતુ તેમનો કોઈ પત્તો નહોતો. આખરે એ લોકો ક્યાં ગયાં હશે? અમે એકદમ રઘવાયા થઈને એકબીજાને જોઈ રહ્યા હતા.
અમે બધા બેટરી લઈને ફરી ઝૂંપડીમાં ગયા. એક પછી એક દરેક જગ્યાએ તપાસ કરી પણ કંઈ હાથ ન લાગ્યું. મેં જે તરફથી કણસવાનો અવાજ સાંભળ્યો હતો ત્યાં બેટરી લઈને બધાને આવવા કહ્યું. તે જગ્યાએ એક નાની ખાટલી જેવું હતું. ખાટલીમાં તૂટેલા - ફાટેલાં ગોદડાં સિવાય કંઈ હતું નહીં.
જો કામીનીની માં એટલી વૃદ્ધ અને અશક્ત હોય તો તે ક્યાં ગઈ? તે તો ચાલી પણ શકતી નહોતી. અમારી બધાની છાતી હવે ધમણની જેમ ચાલી રહી હતી. અમે બરાબરના ફસાયા હતા.
હવે અમારે જેમ બને તેમ ઝડપથી આશિષ અને કલ્પેશની ભાળ મેળવવાની હતી. અમારામાંથી કોઈમાં પણ જરાય શક્તિ બચી નહોતી. જાણે કે કોઈએ કંઈ કામણ કૂટણ કરીને અમારી બધી શક્તિ શરીરમાંથી ખેંચી લીધી હોય એવી અમારી હાલત હતી.
અમે ત્યાંથી બહાર જવા જેવા પગ ઉપાડ્યા કે એવા જ મનોજભાઇને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયા. અમે ઝડપથી તેને ઊભા કરવા નીચે બેઠા. મેં ચાલુ બેટરી નીચે મૂકી અને મેં તથા રાહુલે મનોજભાઇને બેઠા કર્યા. ભાવેશ પાણી લેવા માટે બહાર ગયો.
નીચે પડેલી બેટરી મેં જેવી ઉપાડી મારું ધ્યાન બેટરીમાંથી પડતા પ્રકાશ તરફ ગયું. જેવું મેં એ ખૂણામાં જોયું એવી જ મારા મોઢામાંથી દબાયેલી ચીસ નીકળી ગઈ.
બધાનું ધ્યાન મારાં તરફ ગયું અને કારણ પૂછતાં મેં માત્ર હાથની આંગળી વડે સામેના ખૂણા તરફ ઈશારો કર્યો. જેવું બધાએ ત્યાં જોયું તો બધાંની આંખો પહોળી થઈ ગઈ. તે ખૂણામાં હાડકાંઓનો ઢગલો પડેલો હતો.
અમે મનોજભાઈને ઊભા કરીને તેં ખૂણામાં પડેલા હાડકાંઓ પાસે ગયા. એક તીવ્ર ગંધ અમારા બધાના નાકમાં આવી. બેટરીનો પ્રકાશ ફેંકીને તપાસ કરતાં જણાયું કે બધાં હાડકાં મોટેભાગે નાના પ્રાણીઓનાં હતાં. સસલાં, શિયાળ જેવા પ્રાણીઓના હાડકાંનો એક ઢગલો હતો.
હવે મને સમજાયું કે હું જ્યારે અંદર આવ્યો હતો ત્યારે આ હાડકાંઓમાંથી જ તે ગંધ આવી હતી. કામીનીની માં શું ખાતી હશે તે વાતનો પણ અંદાજ હવે અમને બધાને આવી ગયો હતો. એનો મતલબ કે એ કોઈ ડાકણ અથવા તો ચૂડેલ હોવી જોઈએ.
અમને બધાને હવે કોઈ અજાણ્યો ભય સતાવી રહ્યો હતો. આશિષ અને કલ્પેશનું શું થયું હશે એ વિચારીને અમે બધા રડવા જેવા થઈ ગયા હતા.
" આપણે કંઈપણ ખોટા વિચારો કરવા કરતાં એ બંનેને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કોઈનું ખરાબ કર્યું નથી તો એ લોકોને પણ કંઈ જ નહીં થાય એનો મને વિશ્વાસ છે. આપણે હિંમત હાર્યા વગર એ લોકોને શોધવા જોઈએ." મેં બધાને હિંમત આપતાં કહ્યું.
મેં બધાને હિંમત તો આપી પરંતુ હાલત બધાની અત્યારે બહુ જ ખરાબ હતી. માથું એકદમ ભારે થઈ ગયું હતું. ચક્કર આવતાં હતાં. પગમાં પણ ચાલવાની તાકાત નહોતી. આવું મને એકલાને નહીં પણ બધા મિત્રોને થઈ રહ્યું હતું.
અમે તે અંધારિયા ઝુંપડામાંથી બહાર નિકળ્યા. અમને એ વાતનો પણ ખ્યાલ આવી ગયો કે અમારી આ હાલતની જવાબદાર પેલી કામીની નામની યુવતી હતી. તે જ અમને ફસાવીને અહીં સુધી લાવી હતી. જમવામાં પણ તેણે જ કંઈક ભેળવી દીધું હતું એટલે જ તે અમારી સામે જમી નહોતી.
જે થવાનું હતું એ તો થઈ ગયું હતું. હવે આવા વિચારોનો કોઈ અર્થ નહોતો. અમે બેટરીના પ્રકાશમાં જોયું તો ઝૂંપડાની બીજી તરફ પણ અમને એવો હાડકાંનો ઢગલો જોવા મળ્યો.
અમે ફરીથી આસપાસ બધે તપાસ કરી પણ દૂર - દૂર સુધી અંધારા સિવાય કંઈ નજરે પડતું નહોતું. અડધી રાત્રે તે લોકોને શોધવા પણ કઈ રીતે! અમને એ પણ ખ્યાલ નહોતો કે આશિષ અને કલ્પેશની સાથે શું બન્યું હતું! એ બંને જો એમને લઈ ગઈ હોય તો ક્યાં લઈ ગઈ હશે??
અમે થાકી હારીને એક જગ્યાએ બેસી ગયા. જાણે એવું લાગતું હતું કે અમે મહિનાઓનો ઉજાગરો કર્યો ન હોય! ઘણાં દિવસોથી સુતા જ ન હોય એવું લાગી રહ્યું હતું.
ભાવેશ: " આટલી રાત્રે આપણે તે લોકોને શોધી નહીં શકીએ. આપણે આજુબાજુ બધે જોઈ લીધું. બૂમો પણ પાડી હવે આપણે બીજું શું કરી શકીએ? કદાચ એ ડાકણો તે બંન્નેને ખૂબ દૂર લઈ ગઈ હશે."
" તે બંને મારાથી નાનાં છે અને આમ તો તમારા બધાની જવાબદારી મારા પર જ હોય. હવે હું શું મોઢું લઈને ઘરે જઈશ! કદાચ આવી સ્થિતિમાં હું ઘરે જઈને પણ શું કરું? હું ઘરે પણ નહીં જ જઈ શકું. આપણે અહીં ફરવા આવવાની જરૂર જ નહોતી." મનોજભાઈએ ગળગળા અવાજે કહ્યું.
મનોજભાઈની વાત સાંભળીને અમારી દરેકની આંખો પણ ભીની થઈ ગઈ. મનોજભાઈને સાંત્વના પણ કઈ રીતે આપવી તે સમજાતું નહોતું.
" આપણે ગમે તેમ કરીને તે બંન્નેને શોધવાની કોશિશ કરીએ. કદાચ તે અહીં આસપાસ જ હોય પણ આપણે તેને શોધી શકતા ન હોય તેમ પણ બને." રાહુલે અમને બધાને હિંમત આપતાં કહ્યું.
" મને પણ એવું જ લાગે છે કે તે લોકો અહીં ક્યાંક આસપાસ જ છે. મારાં મનમાં સતત તેવા વિચારો આવી રહ્યા છે પણ કંઈ સમજી શકાતું નથી. " મેં રાહુલની વાતને સમર્થન આપતાં કહ્યું.
રાહુલ ઊભો થઈને અમારા થેલા પડ્યા હોય છે ત્યાં જવા જાય છે પરંતુ પગમાં કંઈક અથડાવાથી તે નીચે પડી જાય છે. અને કંઈક બબડતો - બબડતો ફરી ઊભો થઈ જાય છે.
" શું થયું ભાઈ?? વાગ્યું તો નથીને? અંધારામાં ધ્યાન રાખજે. " મનોજભાઈએ કહ્યું.
" કંઈ નહીં એ તો આ ઝૂંપડીનો દરવાજો છે ને! ચક્કર જેવું લાગ્યું તો પગ અથડાઈ ગયો. દરવાજો દેખાતો પણ નથી." રાહુલે કહ્યું.
" દરવાજો! અચાનક મારા મનમાં ઝબકારો થયો. હું અચાનક ઊભો થઈ ગયો. મને લાગે છે આપણે એક જગ્યાએ ફરી તપાસ કરવા જવું જોઈએ." મેં બેટરી હાથમાં લેતાં કહ્યું.
ભાવેશ : " કઈ જગ્યાએ ? આપણે આસપાસ તો બધે જોયું છે." કંઈક સમજાય તેવું બોલ ને ભાઈ!
" આપણે બગીચા સુધી ગયા હતા પરંતુ આપણે અંદર નહોતા ગયા. મેં તમને સાંજે બગીચામાં પીપળાના વૃક્ષના થડમાં એક વિચિત્ર આકૃતિ બતાવી હતી યાદ છે? મને તો લાગે છે આ બગીચો જ રહસ્યમય છે. જે કંઈ છે એ ત્યાં જ હોવું જોઈએ." મેં વાતને સમજાવતાં કહ્યું.
મારી વાત સાંભળીને બધા મારી સાથે આવવા તૈયાર થઈ ગયા. ડૂબતો માણસ તણખલું પણ પકડે , એમ અમારે પણ તમામ શક્યતાઓ માનવી પડે એમ હતી.
લથડતા પગલે બેટરીના અજવાળે અમે બગીચામાં પહોંચ્યા. તમરાં અને ચીબરીના અવાજોને લીધે બગીચો ભયાનક લાગી રહ્યો હતો. ચિત્ર - વિચિત્ર અવાજો પણ આવી રહ્યા હતા. અમે ઘોર અંધકારમાં અમે સાંજે જે પીપળાનું ઝાડ જોયું હતું તે તરફ આગળ વધી રહ્યા હતા. મનોમન ઈશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યા હતા કે અમારી સાથે કંઈ અજુગતું ન બને.
અમે એ ઘટાદાર પીપળાના વૃક્ષની નજીક પહોંચ્યા. બેટરીના પ્રકાશમાં દૂર સુધી જોઈ શકવું મુશ્કેલ હતું. જેમ - જેમ અમે નજીક આવી રહ્યા હતા તેમ - તેમ વિચિત્ર પ્રકારના અવાજો વધી રહ્યા હોય તેવું લાગ્યું. અમે એકબીજાના હાથ પકડીને આગળ વધી રહ્યા હતા.
" અવાજોથી ડરવાની કોઈ જરૂર નથી. કોઈ આપણું કંઈ જ બગાડી નહીં શકે. કોઈ અદ્રશ્ય શક્તિ આપણને ડરાવી રહી છે. એકબીજાનો હાથ પકડીને આગળ વધતા રહો." મેં બધાને હિંમત આપતાં કહ્યું.
અમે પીપળાના ઝાડ પાસે પહોંચીને બેટરીના અજવાળામાં તેના થડમાં રહેલી વિચિત્ર આકૃતિનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. કોઈ રહસ્યમય ચિત્રણ દ્વારા તેને દરવાજા જેવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
અમને કંઈ સમજાતું નહોતું કે એ શું છે? એક રીતે જોતાં એ કોઈ રહસ્યમય જગ્યાએ જવાનું પ્રવેશ દ્વાર હોય એવું લાગતું હતું. અમે હાથ ફેરવીને તેમજ પથ્થર તેના પર અથડાવીને જોયું પરંતુ કંઈ ફરક ન પડ્યો. અવાજો પણ હવે વધતા જતા હતા. જાણે કાનમાં કોઈ કીડા સળવળાટ કરતા હોય એમ એ કાનમાં પડઘાઈ રહ્યા હતા.
" આ આકૃતિ માત્ર દેખાવ માટે બનાવી હોય એવું લાગે છે. આપણે કંઈ પણ કરીશું કોઈ ફાયદો થવાનો નથી. આપણે અહીંથી નીકળી જવું જોઈએ. આ કોઈ મેલી જગ્યા લાગે છે." મનોજભાઈએ ડરતા અવાજે કહ્યું.
" નહીં. મારું મન એમ જ કહે છે કે આજ એ નિશાન છે જે કદાચ આપણને આપણી મંઝીલ સુધી લઈ જશે. બસ સમજાતું નથી કે આ નિશાન શું કહેવા માંગે છે." મેં નિશાનને સમજવાની કોશિશ કરતાં કહ્યું.
" કદાચ આ કોઈ ભૂત - પિશાચનું ચિત્રણ હોય અને આપણે તેની જાળમાં ફસાઈ જશું તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે." ભાવેશે અવાજોથી ડરતાં - ડરતાં કહ્યું.
" ડાકણ અને ચૂડેલ જેવી શૈતાની તાકતો આવી નિશાનીઓ હેઠળ જ પોતાની શક્તિઓ છુપાવીને રાખે છે. રાજસ્થાનમાં એક તાંત્રિકે આવી નિશાની પર ૧૬ જેટલી કુંવારી કન્યાઓની બલી ચડાવી હતી. તેનાં દ્વારા તે શૈતાની શક્તિઓ મેળવવા માંગતો હતો. એક કન્યા માતાજીની ભક્ત હતી. તેની બલી ચઢાવવા જતાં તે પોતે જ મોતને ભેટ્યો હતો." મેં બધાને સમજાવતાં કહ્યું.
" એ બધી વાત સાચી પણ આપણે એ ન સમજી શકીએ કે કેવી રીતે તેના રહસ્યને ઉઘાડું પાડી શકાય." મનોજભાઈએ કહ્યું.
હું હાથમાં પથ્થર લઈને બેબાકળો થઈ તે આકૃતિ પર ઘસી રહ્યો હતો. ઘણો સમય વિતવા છતાં અમને કોઈ જ સફળતા ન મળી આથી ગુસ્સે થઈ જોરથી પથ્થર તે આકૃતિ પર પછાડવા જતાં તે પથ્થર મારી આંગળી પર વાગ્યો અને તેમાંથી લોહી નિકળવા લાગ્યું.
અચાનક પથ્થર વાગવાથી મને આંગળીમાં અસહ્ય પીડા થઈ. મેં તરત જ આંગળીને પીડાને લીધે હવામાં ઝાટકી. એવું કરવાથી લોહીનાં છાંટા પેલી આકૃતિમાં પડ્યા અને ઝાડના થડની નીચે એક ભોંયરા જેવું ખુલી ગયું. અમે બધા અવાચક બનીને તે જોઈ રહ્યા...( વધુ આવતા અંકે )
ભોંયરાનું રહસ્ય શું હશે?? અમે આશિષ અને કલ્પેશને બચાવી શકીશું કે નહીં? કામીની અને તેની માંનું શું રહસ્ય છે?? પેલી છોકરી કોણ હતી?? અમે સહી સલામત નીકળી શકીશું કે કેમ?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.
મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.