લાઇમ લાઇટ
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૩૭
રસીલીને ખબર ન હતી કે ફિલ્મ સાઇન કરવા આવેલો સુજીતકુમાર કોણ નીકળવાનો છે? તેણે મદારીની સાપવાળી ટોકરીમાં હાથ નાખી દીધો હતો. એક ભોજપુરી નિર્માતાની ભલામણથી સુજીતકુમારને બોલાવ્યો હતો. અને તેણે રસીલીની સામે જે રહસ્યોદ્ઘાટન કર્યું હતું એ ચોંકાવનારું અને આંચકો આપનારું હતું. સુજીતકુમારે તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની વાત કરી ત્યારે રસીલીનું મગજ છટક્યું હતું. અત્યારે તે ફિલ્મોમાં મુખ્ય હીરોઇન તરીકે અને મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી હતી ત્યારે આ માણસ સી ગ્રેડની નહીં અને છેક પોર્ન ફિલ્મની ઓફર લઇને આવ્યો હતો. તેની હિંમત દાદ માગી લે એવી હતી. પોર્ન ફિલ્મ કરતી સ્ત્રીને હીરોઇન તરીકે ઓફર કરવાની વાત તેને લોટરી લાગ્યા જેવી લાગે. પણ આ તો અવળી ગંગા વહેવડાવવાની વાત હતી. આ ગંગા અગાઉ મેલી હતી પણ હવે તે ઉજળી હતી. તેનું નામ હતું. અને સુજીતકુમાર એને છેલ્લી કક્ષાની ઓફર કરી રહ્યો હતો. રસીલીએ તેને પોલીસની ચીમકી આપી ત્યારે તો તેની હિંમત વધી હોય એવું લાગ્યું. તેણે મોબાઇલમાં એક તસવીર બતાવીને રસીલીની બોલતી બંધ કરી દીધી હતી.
રસીલી એ તસવીર જોઇને સમજી ગઇ કે ખરેખર અત્યારે તો તેની વિરુધ્ધ કંઇ થઇ શકે એમ નથી. એ તેને ઓળખતી ન હતી. પણ તસવીર પરથી થોડો અંદાજ આવી રહ્યો હતો. તેણે જે ફોટો બતાવ્યો એ પોતાની માતા સુનિતા સાથેનો હતો. તો શું સુજીતકુમાર સાથે જ માતા ભાગી ગઇ હતી? માએ જ તેને મારી પાસે મોકલ્યો હશે? પણ વર્ષોથી માએ મારો સંપર્ક કર્યો નથી. તે કેવી હશે? આ માણસ તેની સાથે કેવો વ્યવહાર કરતો હશે? તેનો મારી સાથેનો વ્યવહાર જોતાં તો લાગે છે કે ખરાબ માણસ છે. રસીલીએ પોતાની કલ્પનાની ઉડાનને અટકાવી. પહેલાં તે બધું જાણી લેવા માગતી હતી. તેણે અજાણ્યા બનવાનો ડોળ કર્યો. તેણે મનને સ્વસ્થ કર્યું અને બોલી:"આ સ્ત્રી કોણ છે? અને મને શા માટે ફોટો બતાવી રહ્યા છો?"
સુજીતકુમાર કુટિલતાથી હસ્યો. "રસીલી, કમાલ છે, તને જન્મ આપ્યો એ સ્ત્રીને જ તું ભૂલી ગઇ? એનું તારા પર કોઇ અહેસાન નથી? મોટી હીરોઇન બની ગઇ એટલે પોતાનાને ભૂલી જવાના? અને હું તો તારો બાપ કહેવાય. મારું કહ્યું તો તારે કરવું પડે..."
"ઓહ! તો મારો બાપ બનીને હુકમ ચલાવવા માગે છે? તો સાંભળી લો, હું બે બાપની નથી. મારો બાપ બીજો છે. મારી મા અમને છોડી ગયા પછી અમારો કોઇ સંબંધ નથી. અને મારે તમારું કહ્યું શા માટે કરવું જોઇએ?" રસીલીએ ચહેરા પર ક્રોધ લાવી કહ્યું.
સુજીતકુમાર પર તેની જાણે કંઇ જ અસર ના થઇ હોય એમ બોલ્યા:"વાહ! કીડીને પણ પાંખો આવી ગઇ છે ને! અંધારામાં શરીર વેચતી બાઇ હવે આંખો બતાવવા લાગી છે. તારો ધંધો તું ભૂલી ગઇ લાગે છે? પણ તું દુનિયાને મૂરખ બનાવી શકે છે મને નહીં. મારી પાસે તારા ભૂતકાળની બધી માહિતી આવી ગઇ છે. તારે આ પોર્ન ફિલ્મમાં કામ કરવું જ પડશે...."
"અને ના કરું તો?" રસીલીએ ડર વગર સામો સવાલ કર્યો.
"અચ્છા, તો તું એમ માનશે નહીં. લાગે છે કે તારી માની પડી નથી. એમ કર, આજે તું તારી માને મળી લે અને પછી તારો જવાબ આપજે. આ લે સરનામું." કહી સુજીતકુમારે તેને એક કાગળ પર સરનામું આપ્યું પછી ઉભા થતાં કહ્યું:"આજે જ મળી લે જે. એમ ના બને કે તારી પાસે પછી સમય જ ના બચે...."
સુજીતકુમારના ગયા પછી રસીલી સોફામાં ફસડાઇ પડી. આ કેવી મુસીબત આવી ગઇ? મારી માએ આવા માણસ માટે ઘર છોડ્યું હશે? તેની શું દશા હશે? તેની સાથે સંબંધ નથી એમ કહેવાથી લોહીનો સંબંધ પૂરો નથી થઇ જતો. મા બિચારી પિતાના ત્રાસથી ભાગી ગઇ ત્યારે પોતે જ તેના પગલાને યોગ્ય માન્યું હતું. પોતે પણ ભાગી જ આવી હતી ને? મા સુનિતાની પિતા જશવંતભાઇ મારઝૂડ કરતા હતા. તેનું રૂપ કરમાઇ રહ્યું હતું. અને એક દિવસ સુનિતા ભાગી ગઇ. એ કોઇની સાથે ભાગી ગઇ એ બધા જ જાણતા હતા. તે ગૂમ થઇ ન હતી. તેણે પોતાનું ઠેકાણું શોધી લીધું હતું. પણ એ આ સુજીતકુમાર સાથે ભાગી હતી એની આજે ખબર પડી રહી છે. માને મળવું તો પડશે જ. આજે જ.
રસીલી પોતાનું કામ પતાવી માને મળવા જઇ રહી હતી ત્યારે કામિનીનો ફોન આવ્યો:"રસીલી, તારો આભાર માનવા જ ફોન કર્યો છે. અને તને એક વાત કરવાની હતી."
"હા, બોલો..."
"હું થોડા દિવસો માટે વિદેશ જઇ રહી છું.....પછી શાંતિથી વાત કરીશ..."
"અચ્છા, વાંધો નહી..."
રસીલીને થયું કે પ્રકાશચંદ્રના મોતના વીમાના ઘણા પૈસા આવ્યા છે. અને 'લાઇમ લાઇટ' હિટ થયા પછી કામિનીનું બેંક બેલેન્સ વધી ગયું છે. ભલે, ફરી આવે. રસીલીને કામિની વિશે વિચારવાનો સમય ન હતો. તેનું મન અત્યારે મા સુનિતાને મળવા ઉતાવળું બની રહ્યું હતું. તે સરનામાવાળી જગ્યાએ પહોંચી. શહેરથી દૂર તેનો એક નાનો બંગલો હતો. આસપાસમાં છૂટાછવાયા બંગલા હતા. એમાં કેટલાકમાં લોકો રહેતા હોય એવું લાગ્યું નહીં. હજુ આ વિસ્તારનો વિકાસ થયો ન હતો. સસ્તામાં મળી ગયો હોય એવું લાગતું હતું. તેની નજર તો માને જોવા તડપતી હતી. તેણે બંગલાના બેલની સ્વીચ દબાવી. દરવાજો ખૂલ્યો અને સામે સુજીતકુમાર ઊભા હતા.
"આવ, આવ... મને ખાતરી જ હતી કે તું તારી માને મળ્યા વગર રહી શકશે નહીં." સુજીતકુમારના ચહેરા પર વિજયી સ્મિત ફરકી ગયું.
સુજીતકુમાર તેને અંદરના રૂમમાં લઇ ગયા. સામે માને જોઇ રસીલી ચમકી ગઇ. માની આ સ્થિતિ જોઇ તેનું દિલ રડી ઊઠ્યું. તે માના પગમાં બેસી ગઇ. પણ આ શું.....?
***
અજ્ઞયકુમાર રસીલી સાથેની ફિલ્મ 'પતિ, પત્ની ઔર મોબાઇલ' નું શુટિંગ શરૂ થયા પછી ખુશ હતો. તેને રસીલી સાથે કામ કરવાની મજા આવી રહી હતી. સેટ ઉપર તે રસીલી સાથે વધુ હળવા મળવા લાગ્યો હતો. તે શોટ આપીને અલગ જઇને બેસતો ન હતો. તે આગળના દ્રશ્યની ચર્ચા કરતો હતો. નિર્દેશક પણ ખુશ હતા કે અજ્ઞયકુમાર તેમની ફિલ્મ દિલથી કરી રહ્યો છે. અજ્ઞયકુમારની અત્યાર સુધીની ફિલ્મો એટલે જ સુપરહિટ રહી હતી. તેની સામાજિક ફિલ્મોએ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડ્યા હતા. પણ તેણે તો સાકીર ખાન સાથેની રસીલીની ફિલ્મનો રેકોર્ડ તોડવો હતો. તે સાકીરની ફિલ્મને ફ્લોપ કરવા માગતો હતો. સાકીરે તેની સાથે કામ કરતી હીરોઇનો સાથે ફિલ્મો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. 'પતિ, પત્ની ઔર મોબાઇલ' નું શુટિંગ આગળ વધતું હતું એમ તેના વિશેના સમાચારો પણ મિડિયામાં આવતા રહેતા હતા. આજે એક સમચાર આવ્યા એ બહુ જલદી વાયરલ થઇ ગયા.
"અજ્ઞયકુમારના દામ્પત્યજીવનમાં ભૂકંપ" એવા મથાળા સાથેના સમાચારથી ફિલ્મી દુનિયામાં હલચલ મચી ગઇ. અને તેના ચાહકો પણ નવાઇમાં ડૂબી ગયા. સમાચારમાં લખ્યું હતું કે અજ્ઞયકુમાર 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ની પોતાની પતિની ભૂમિકામાં એવો ગળાડૂબ થઇ ગયો કે પત્ની રિંકલને બદલે રસીલીને પોતાની પત્ની માની મોબાઇલ પર મેસેજ મોકલવા લાગ્યો હતો. અને સેટ ઉપર પણ તેને પત્ની માનવા લાગ્યો હતો. આ સમાચારથી રિંકલ પણ ચોંકી ઊઠી હતી. જોકે, એ સમજતી હતી કે ફિલ્મી દુનિયામાં આવું બધું ચાલતું જ રહે છે. પબ્લિસિટી માટે કલાકારો, પોતાનું વેચાણ વધારવા અખબારો અને ટીઆરપી માટે ટીવી ચેનલો નવા નવા ગતકડાં કરતા જ રહે છે. અને સાથે વહેતા થયેલા બીજા એક સમાચારથી તેને શાંતિ થઇ ગઇ કે આ બે સ્ટારની લડાઇ છે. બીજા સમાચારમાં હતું કે "સાકીર ખાન સાથે રસીલીની જોડી જામતી નથી" એમાં કહેવાયું હતું કે સાકીરની ઉંમર વધુ લાગી રહી છે. તેનાથી ઓછી ઉંમરની રસીલી સાથે તેની કેમેસ્ટ્રી જામશે એવું લાગતું નથી. રિંકલ સમજી ગઇ કે આ બધી ગોસિપ એકબીજાને ચર્ચામાં રાખવાની છે. છેલ્લા કેટલાક દિવસથી અજ્ઞયકુમાર તેની ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત રહેતો હતો એટલે રિંકલ તેની સાથે વાત કરી શકી ન હતી. આજે તેનું દિલ આ બધી ખબરોથી બોઝિલ થયું હતું. તેને હવે પોતાના લગ્ન જીવન માટે ચિંતા થવા લાગી હતી. આજે અજ્ઞયકુમાર સાથે તે ખૂલીને વાત કરી લેવા માગતી હતી.
મોડી રાત્રે અજ્ઞયકુમાર ઘરે પાછો ફર્યો ત્યારે રિંકલ જાગતી તેની રાહ જોતી બેઠી હતી. અજ્ઞકુમાર થાકી ગયો હતો. તે ઊંઘવા જઇ રહ્યો હતો. રિંકલ તેને બાઝી પડી. અને બોલી:"એકે, આ બધા સમાચારમાં સત્ય તો નથી ને? " રિંકલ અજ્ઞયકુમારને લાડમાં 'એકે' કહેતી હતી.
"કયા સમાચાર?" અજ્ઞયકુમારે નવાઇથી પૂછ્યું.
"તેં રસીલીને પત્ની તરીકે મેસેજ કર્યા એના..." રિંકલ ચંતાથી કહી રહી.
અજ્ઞયકુમાર બેફિકરાઇથી બોલ્યો:"તો એમાં ખોટું શું છે? હું એને પત્ની માનું છું તો પત્ની સમજીને મેસેજ ના કરી શકું?"
અજ્ઞયકુમારની વાત સાંભળી રિંકલ ચોંકી ગઇ. તે દારૂ પીતો ન હતો. એટલે હોશમાં જ વાત કરતો હતો. પણ તેની વાત રિંકલના હોશ ઊડાવી દે એવી હતી.
"એકે, હું તમારી પત્ની છું. તમે આવું કેવી રીતે કહી શકો?"
"પત્ની હતી. હું છુટાછેડા આપવા માગું છું. રસીલી પત્ની તરીકે બધી રીતે મને સુખી કરી શકે એવી છે...ચલ જા, હવે મને સૂવા દે..."
અજ્ઞકુમાર ખરાબ રીતે વાત કરી બેડરૂમનો દરવાજો બંધ કરી સૂઇ ગયો.
રિંકલને થયું કે મિડિયામાં આવતા સમાચાર અફવા હશે. પણ અજ્ઞયકુમારે તેને ખોટા સાબિત કરવાને બદલે સાચા સાબિત કર્યા હતા. રિંકલને થયું કે રસીલીને કારણે તેના માટે અજ્ઞયકુમારે પોતાના દિલનો જ નહીં ઘરનો દરવાજો પણ બંધ કરવાનું નક્કી કરી લીધું હશે? હવે તેના માટે એક જ રસ્તો છે?
વધુ આવતા સપ્તાહે...
*
મિત્રો, આ પ્રકરણમાં મા સુનિતાને કઇ સ્થિતિમાં જોઇ રસીલી ચોંકી ગઇ ? સુજીતકુમાર રસીલીને પોર્ન ફિલ્મમાં કામ કરવા મજબૂર કરી શકશે? રસીલીની મા સુજીતકુમાર સાથે ભાગી ગયા પછી શું થયું હતું? અજ્ઞયકુમારે રસીલીને પત્ની બનાવવાની વાત કર્યા પછી રિંકલ માટે હવે કયો રસ્તો બાકી રહ્યો હતો? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!
*
મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે એ કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી', પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી અને બાળવાર્તાઓ પણ આપને જરૂર વાંચવી ગમશે.
***