Jaane-ajaane - 28 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (28)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (28)

દરેકનાં મન આજે વિપરિત દિશામાં જ ફરતાં હતાં. અને રચનાની ઈચ્છા મુજબ કામ કરવાં જતાં કોનાં કામમાં કેવો ભલીવાર આવશે અને કોનાં મન કોની તરફ ભાગશે તેં માત્ર સમય આધારિત હતું.

બધાં છૂટાં પડ્યાં પણ દરેકનાં મનમાં પ્રશ્નો નો વંટોળ ફેલાતો હતો. કામ કોઈ બીજાં સાથે કરવું હતું ને કરવું કોઈ બીજાં સાથે પડશે અથવા રચના દીદીએ આ કેમ કર્યું. અથવા તો કોની સાથે કામ નથી કરવું વગેરે વગેરે.. વંદિતાથી રહેવાયું નહીં એટલે તે રચનાનાં ઘેર પહોંચી.

વંદિતા: દીદી મને તમારી વાત બરાબર નથી લાગતી. તમને કદાચ ખબર નથી પણ મેં કેટલીય વાર જોયું છે અનંતભાઈને રેવા તરફ એક અલગ જ નજરથી જોતાં. કદાચ તેમને રેવા પસંદ છે. અને એટલે જ મેં તમને કહ્યું હતું કે રેવાને અનંત સાથે કામ કરવા દો... પણ...

રચના: પણ શું વંદિતા?!... તેં કહ્યું અનંત રેવા વિશે શું વિચારે છે એ તને ખબર છે પણ રેવાનું શું?.. શું એ પણ અનંત તરફ એ જ નજરે જોવે છે?

વંદિતા (થોડું વિચારીને): એ નથી ખબર દીદી પણ અનંતભાઈને મેં જોયાં છે. અને ચલો માની લીધું કે કશું નથી રેવાનાં મનમાં પણ કૌશલભાઈ?... તેમની સાથે તો રેવાદીદીને એક મીનીટ પણ રહેવું ગમતું નથી તો તમેં એ બન્નેને કેમ સાથે રાખ્યાં?

રચના: તું હજું નાની છે વંદિતા. તને હજું ભાન ના પડે. મેં જોયું છે કૌશલ અને રેવા એકબીજા સાથે જ સારાં લાગે છે. અને બંનેનાં મનમાં એકબીજા માટે એક ખૂણે જગ્યા છે. શું કહેવાય પેલું?.. soft corner છે..
.
વંદિતા: દીદી તમેં પાગલ થઈ ગયાં છો. તમને બે દુશ્મનો વચ્ચે પ્રેમનો પ્રકાશ શોધો છો?

રચના: તને કહ્યું ને કે મેં મારી નજરે જોયેલું અને અનુભવેલું છે. થોડો સમય આપ તને પણ નજર આવશે. અને અનંત પ્રકૃતિ સાથે બરાબર છે...

વંદિતા: દીદી મને હજું આ વાત સમજ નથી આવતી પણ તમેં કહો છો તો હું એક ચાન્સ આપી જોઉં. પણ કૌશલ અને રેવા એ નામ ઝઘડા સિવાય કશું ના કરી શકે.

રચના: હા એટલે જ અશક્ય જેવું લાગતું વિનયનું કામ એક ઝાટકે પૂરું પાડ્યું નહીં!..

વંદિતા: સારું જોઈએ. હજું ઘણાં અવસર મળશે મને મારી વાત સાબિત કરવાં.

આટલું બોલી વંદિતા ત્યાંથી ચાલી ગઈ . રચના વિચારવા લાગી " વંદિતા ને ભલે જે લાગે. પણ કૌશલ ની આંખોમાં રેવા માટે જે સંભાળ અને સાચવણી જોઈ છે તે કૌશલે આજ સુધી કોઈ માટે નથી બતાવી. પોતે આટલો ગુસ્સામાં હોવાં છતાં રેવાનો જીવ તેણે હંમેશા પોતાનાં ગુસ્સાથી આગળ મુક્યો છે. રેવાની આટલી કડવાં બોલ છતાં તેણે એકપણ વખત રેવા તરફ અશોભનીય વ્યવહાર નથી કર્યો. ભલે તે રેવાને ખરું ખોટું સંભળાવશે પણ તેની ચિંતા કૌશલનાં ચહેરાં પર જોઈ છે મેં. અને રેવા... રેવાના વ્યવહારમાં પણ કૌશલ માટે એ જ ચિંતા જોઈ છે. મારી સામે ફરિયાદ કરતાં કરતાં પણ તેની વાતોમાં કૌશલ માટે ભલામણ જ સંભળાતી હતી. અને બીજું કારણ...." એટલામાં અવાજ આવ્યો " દીદી..." રચનાનું ધ્યાન તૂટ્યું અને બહાર ઉભેલી પ્રકૃતિ પર ગયું એટલે રચનાએ તેને અંદર બોલાવી. પ્રકૃતિ એકદમ રચનાને ભેટી પડી.

પ્રકૃતિ: થેંક્યુ દીદી.... તમને ભાન નથી તમેં આજે શું કર્યું છે મારાં માટે.

રચના: મને ભાન નથી?!... ખરેખર પ્રકૃતિ!

પ્રકૃતિ : એટલે હા દીદી મારો મતલબ એ નહતો. તમને તો બધું ખબર જ છે. તમને તો ખબર જ છે અનંત...
પ્રકૃતિ બોલતાં બોલતાં અટકી ગઈ અને વાક્ય અધૂરું જ છોડી દીધું.

રચના: હા ખબર છે તને અનંત પસંદ છે. એમાં શરમાવા જેવું શું!... અને એ પણ ખબર છે કે આજથી નહીં ઘણાં લાંબા સમયથી તું તેને પસંદ કરે છે. એટલે જ મેં તને તેની સાથે રાખી છે. પણ હવે આટલાં દિવસમાં કહીં દેજે અનંતને તું શું વિચારે છે અથવા એ શું વિચારે છે તારાં વિશે. કેમકે મન બદલાતાં વાર ના લાગે. તેને કોઈ બીજું ગમી જાય તે પહેલાં તું જ કહી દેજે.

પ્રકૃતિ હકારમાં માથું હલાવી જતી રહી.

રચના મોટી હતી દરેક ની બધી વાતો પર તેની નજર હતી. તેણે પોતાની બુદ્ધિ થી જ એવાં લીકોને સાથે રાખ્યાં જેનું આગળ કશું અર્થ નિકળે.

ધીમે ધીમે દિવસો વીતતા ગયાં અને લગ્નની કામગીરી શરૂ થઈ ગઈ. રચનાની ખુશી માટે દરેક પોતાને ભાગે આવેલાં કામમાં પોતાનું મન પરોવી એક ઉમદા કામ કરી બતાવવાં કોશિશ માં લાગી ગયાં. અનંતને ભલે રેવા સાથે રહેવું હતું પણ તેને પ્રકૃતિ સાથે કામ કરવામાં કોઈ વાંધો નહતો. પણ બીજી તરફ કૌશલ અને રેવાને એકસાથે કામ કરવાનું હતું અને તેમને બંનેને એકબીજા પ્રત્યે અણગમો હતો. છતાં તેમણે કોશિશ કરી અને કામની શરૂઆત કરવા ભેગાં થયાં.

રેવા: જો કૌશલ, રચનાદીદી માટે એકસાથે છે તો ગુસ્સો કરીને કે આનાકાની કરીને કોઈ ફાયદો નથી. એકસાથે મળીને કામ કરવું પડશે. તો અત્યારથી જ ચોખવટ કરી લેવો સારી. તું મારો વિચાર સાંભળજે અને હું તારો. જે વધારે યોગ્ય હશે તે પ્રમાણે દરેક વાતનો નિર્ણય થશે. મંજુર છે?

કૌશલ: હા.. મંજુર છે.

રેવા: સારું તો કાલથી આપણે આપણું મુખ્ય કામ શરું કરીએ.

બીજા દિવસે મંડપવાળા ને મળવાં જવાનું હતું. સવારનો સમય હતો અને કૌશલ તેનું બાઈક લઈને રેવાની રાહ જોતો હતો. રેવાને આવવામાં મોડું થયું અને જેવી જ આવી કે કૌશલ તેની પર ભડકી ઉઠ્યો અને જેમતેમ સંભળાવા માંડ્યો. રેવાએ તેની દરેક વાતનો જવાબ આપ્યો અને આમને આમ તેઓ ઝઘડી પડ્યા. થોડીવારમાં ભાન આવતાં કૌશલ બોલ્યો " ચાલ હવે જલદી બેસ. તારી સાથે બોલાબોલ કરવાનો ફાયદો નથી. એટલો સમય પણ નથી. " રેવાનું ધ્યાન કૌશલનાં બાઈક તરફ ખેંચાયું . પહેલાં તો કૌશલ સાથે ઝઘડો કરવામાં તેમે બાઈક જોયું જ નહતું. પણ બાઈકને જોતાં તેને મગજ પર એક જોરદાર ઝાટકો વાગ્યો. બે મિનિટ માટે તેને આંખે તમ્મર આવી ગયાં. અને એકદમ ગભરાઈ ગઈ. એકીટશે બાઈક જોતાં જોતાં જ તેનો શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. રેવાની તબિયત બગડવા લાગી. એકદમ રેવામાં આવો બદલાવ જોઈ કૌશલ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો " શું થયું?... તું ઠીક છે?... " રેવાને પોતે જ પોતાની સ્થિતિ સમજાતી નહતી તે કૌશલ ને શું કહેતી. એટલે તેણે કહ્યું " હા.. પણ મારે બાઈક પર નથી જવું. મને બીક લાગે છે આની પર બેસવાથી. " કૌશલ આ સાંભળી જોરજોરથી હસવા લાગ્યો " કોઈને બાઈક પર બેસવાથી કેવી રીતે બીક લાગી શકે?.. પોતે તો બહું મોટી નીડર બનતી ફરે છે અને અહીં એક બાઈક પર બેસવાનું તો છોડો તેને અડવાથી પણ ડરે છે!" રેવા કશું બોલી નહીં. નીચું માથું કરી ઉદાસ ઊભી રહી.

રેવાને ઉદાસ જોઈ કૌશલ એકદમ ચુપ થઈ ગયો અને બોલ્યો " સારું ચાલ બાઈક વગર જ જતા રહીએ. એમ પણ મારું પેટ્રોલ બચી જશે " કૌશલની વાતથી તરત માની ગયેલી રેવા કૌશલ સાથે રીક્ષા કે બસ પકડવા આગળ ચાલવા લાગી. બજારમાં ઘણું ફર્યા. જગ્યા જગ્યા એ જઈને છેવટે એક જગ્યાનું કામ અને ભાવ બંને માફક આવ્યું એટલે તેની સાથે બધી વાતચીત કરી બંને પાછા ફર્યા. અંધારું થઈ ગયું હતું અને કૌશલ અને રેવા બંને થાકેલાં હતાં. છતાં કૌશલ રેવાને તેનાં ઘર સુધી મૂકવાં ગયો અને છુટાં પડતાં બોલ્યો " ચાલ કાલે સવારથી ખરેખર કામકાજ ચાલું થશે. સવારે મોડું કર્યાં વગર આવી જજે. મંડપનાં પાયા રોપવા કારીગરો આવી જશે. તેમને જગ્યા અને માપ સમજાવવું પડશે. "

રેવાએ હા કહી ઘરમાં જતી રહી. કૌશલ પણ પોતાને ઘેર જતો રહ્યો. રેવાને આજે રાત્રે ઉંઘ જ નહતી આવતી. તે પોતાની તબિયત વિશે વિચારવા લાગી " આ શું થાય છે મારી જોડે!... પહેલાં તો ત્યાં વિનયનાં ઘેર એકવાર કંઈક અજુગતું દેખાતું હતું. કોઈ શબ્દો પણ સંભળાતાં હતાં. પછી આજે આ બાઈક વાળી વાત! કૌશલ સાચું જ તો બોલ્યો હતો કોઈ બાઈક પર બેસવાથી કેવી રીતે ડરી શકે! અને બીકને કોઈ કારણ પણ નથી જડતું. ખબર નથી આ શું છે બધું. આનાં કરતાં તો મને બધું યાદ કેમ નથી આવતું! મને મારાં ઘેર જવું છે.. મને અહીં રહેવામાં કોઈ શંકા નથી પણ મારું પણ ઘર છે મારો પણ પરિવાર છે , મને મળવું છે મારાં પરિવારને. મને તો એ પણ નથી ખબર કે કોણ કોણ છે મારાં ઘરમાં! પણ જ્યારે હું રચનાદીદીને તેમની માં સાથે જોઉં છું તો મને પણ મારી માં ને જોવાની ઈચ્છા થાય છે. મને તેમને ગળે વળગી રડવું છે, મને મારી માં ના ખોળામાં એ રીતે સંતાઈ જવું છે કે કોઈ બહારની દુનિયા મને શોધી ના શકે. મને પપ્પાની પાસે જીદ્દ કરી કરીને મારી વાત મનાવવા મજબુર કરવા છે. મને નખરાં કરવાં છે જે મારાં પપ્પા પૂરાં કરે. મને પણ વંદિતાની જેમ એક બહેન જોઈએ છે જે મને બધી વાતે બચાવી લે. માં ની ગેરહાજરીમાં મને વહાલથી ભેટે અને મારી સાથે ને સાથે રહે. હું આટલાં બધાં વચ્ચે હોવાં છતાં એકદમ એકલી છું. પપ્પા ક્યાં છો તમેં?... તમને મારી યાદ નથી આવતી? તમેં મને શોધવાની કોશિશ નથી કરતાં?.. જલદી શોધી લો ને મને પ્લીઝ. હું તમારી સાથે તમારી પાસે આવવાં માંગું છું. " રેવાનાં મનનાં વિચારો વધવા લાગ્યાં. અને સૂતા સૂતા જ તેની આંખોમાં પાણી આવી ગયું.

આ સમયે તેને કોઈકની જરુર હતી જે તેને સમજ આપી શકે. ઘરમાં માત્ર દાદીમાં હતાં એટલે રેવા ધીમેથી તેમની પાસે જઈને લપેટીને તેમની સાથે જ ઉંઘવાની કોશિશ કરી એટલે દાદીમાં જાગી ગયાં અને રેવાને માથે હાથ ફેરવી પુછ્યું " શું થયું બેટાં?... ઉંઘ નથી આવતી? " રેવા રડવા લાગી અને બોલી " મને મારો પરિવાર મળશે ને ?.. મારાં પપ્પા મને શોધી લેશે ને? " દાદીમાં બધી વ્યથા સમજી ગયાં. તેમણે રેવાને સમજાવતાં કહ્યું " હા બેટાં.. શોધી લેશે તને તું ચિંતા ના કર. અને ત્યાં સુધી અમેં તો છે જ ને... તું મારી સાથે વાત કરી શકે છે ને. " રેવાએ વાત ચોખવટ કરી " હા દાદી.. પણ કોઈકવાર મને એવી સ્થિતિ આવી જાય છે જ્યારે મને કોઈને કશું કહેવું નથી. તેમનાં પ્રશ્નો ના જવાબ આપવાં નથી. પણ એ જ સમયે મને આ બધી વાત કોઈકને તો કરવી જ છે. શું કરું? " દાદીએ ઘણું સહજતાથી જવાબ આપ્યો " એક કામ કર... તને હવે જ્યારે આવાં કોઈ વિચાર આવે ને કે જ્યારે તારે કોઈકની સાથે વાત કરવી પણ છે અને કોઈને જણાવવું પણ નથી તો તું ડાયરીમાં લખ. એક લાલ ડાયરી દાદીએ રેવાનાં હાથમાં પકડાવી અને વાત વધારી આ લે.. હવે આમાં તારાં મનનાં દરેક ભાવ લખજે. જેથી તારી વાત તારાં મન સુધી પણ રહેશે અને તને વાત કર્યાનો સંતોષ પણ રહેશે. " રેવા ડાયરી પકડી જોવાં લાગી અને દાદીની વાત સમજવા લાગી. તેણે આ જ રાતથી એ ડાયરી લખવાનું શરૂ કરી દીધું. પોતાને આવતાં દરેક વિચાર તેણે એ ડાયરીમાં ઉતારી લીધાં. અને ખરેખર તેનું મન હલકું થઈ ગયું.

ડાયરીની વાતોથી નિયતિનાં જીવનનો વળાંક આવ્યો હતો અને આજે ફરી એક ડાયરી રેવાને પકડાવવામાં આવી હતી શું વળાંક લેવડાવશે આ ડાયરી અને તેની વાતો?


ક્રમશઃ