આજે વિભૂતિ સવાર થી આકુળ વ્યાકુળ હતી. ઉઠી ત્યારથી ઘરને શણગારવા અને રસોડામાં વિવિધ પકવાન બનાવવામાં લાગી ગઈ હતી. સાવને કહ્યું પણ ખરું કે આપણે બહાર ક્યાંક જમી આવશું પણ વિભૂતિ એ ચોખ્ખું કહી દીધું કે લગ્નના દશ વર્ષે મારા ઘરમાં થી કોઈ આવે છે. તો તેમની આગતા સ્વાગતા માં ક્યાંય કોઈ કમી નહીં આવવા દઉં. આજ થી દશ વર્ષ પહેલાં માતા પિતાની વિરુદ્ધ જઈ ભાગી ને સાવન સાથે લગ્ન કર્યા હતાં. સાવન વિભૂતિના પિતા રાજીવ ભાઈની ફેકટરી માં કામ કરતા કનુ ભાઈનો દીકરો હતો. સાવન કોલેજમાં ભણતો હતો સાથે પાર્ટ ટાઈમ ડ્રાયવર તરીકે કામ કરતો હતો. વિભૂતિ અને તેની મમ્મીને ક્યાંય જવું હોય અને જો રાજીવ ભાઈ ફ્રી ન હોય તો સાવનને બોલાવવામાં આવતો. વિભૂતિ અને સાવન એક જ કોલેજ માં ભણતાં હતાં. માટે વિભૂતિ ને જ્યારે કંઈ શીખવું હોય તો તે સાવન ને બોલાવતી.
સાવન વિભૂતિ થી એક વર્ષ આગળ હતો સાથે દર વર્ષ ગોલ્ડ મેડલ લાવનાર માં એનું નામ હતું. મિત્ર માં થી ક્યારે એક બીજા ને પ્રેમ કરવા લાગ્યાં હતાં તે ખ્યાલ જ ન રહ્યો. સાવને કેટલીય વખત વિભૂતિ ને સમજાવી હશે કે "વિભુ પ્રેમ કરવો સહેલો છે પણ લગ્ન કરી નિભાવવું અઘરું છે. તારું ઘર અને મારું ઘર કોઈ તુલના જ ન થાય. તારા હોલ અને કિચન છે એવડું જ અમારું ઘર છે જેમાં બે રૂમ આવી જાય અને તે પણ ભાડે છે." "મારી અને તારી જ્ઞાતિ માં પણ ફરક છે પ્રેમ છે એટલે આંખે પાટો છે લગ્ન પછી ખરેખર મારા કરતાં વધુ એકજેસ્ટ તારે જ કરવું પડશે." "અમારા તમારા રહેણીકરણી માં પણ ખૂબ અંતર છે, અમારે જેટલી આવક એટલી જ જાવક હોય છે મોજશોખ કરવા માટે કોઈ અલગ થી વ્યવસ્થા પણ નથી"
વિભૂતિ એ બધું જ સાંભળી એક જ જવાબ આપ્યો કે આજે તું જે પરિસ્થતિ માં છે તે કાયમ તો નહીં રહે અને હું પણ ભણી ને તને સાથે કમાઈ ને આપીશ જેથી આપણી દરેક ઈચ્છા ઓ પૂરી કરી શકીએ . હું બે જોડી કપડાં અને બે ટાઈમ ખીચડી માં પણ ખુશ રહીશ પણ જો તારી સાથે હોઈશ તો. સાવન મનોમન બબડ્યો "કહેવું સહેલું છે" ખબર જ હતી કે લગ્ન માટે જાણ કરશે તો ઘરમાં તોફાન આવી જશે અને પછી તો સાવન ને હેરાન કરવામાં આવશે માટે વિભૂતિ એ જ નિર્ણય લીધો કે સીધાં લગ્ન કરી ને જ આશીર્વાદ લેવા જવા. કોલેજ પણ પૂરી થઈ ગયેલ અને સાવન ને રેલ્વે માં ટિકિટ ચેકર તરીકે ની નોકરી પણ મળી ગઈ હતી. સાવન પણ વિભૂતિ ને ખુબ જ પ્રેમ કરતો હતો. લગ્ન માટે માત્ર એક જ શરત રાખેલ કે "વિભુ તારા ઘરે થી તું પહેરે કપડે જ આવીશ એક પાંચ રૂપિયાનો સિક્કો પણ તારી સાથે તું નહીં લાવે છે મંજૂર" વિભૂતિ એ ગર્વ સાથે હા પાડી અને લગ્ન થઈ ગયા થોડો વખત એમ જ સાવન ની નોકરી ને લીધે ઘરે કોઈને જાણ થવા ન દીધી તે દરમ્યાન માં વિભૂતિ માટે માગા આવતાં વિભૂતિ બહાના કાઢીને ના પાડી દેતી હતી. અંતે છ મહિના પછી સાવનને ઘરે બોલાવ્યો અને માતા પિતા સામે લગ્ન કરી લીધાં ની વાત જાણકારી ખાલી હાથે ઘર થી વિદાય લીધી .
આ વિદાય કંઈ સામાન્ય વિદાય ન હતી. વાત ની જાણ થતાં જ રાજીવભાઈનો ગુસ્સો સાતમે આસમાને ચડી ગયો ખૂબ બોલી ને બાથરૂમમાંથી પાણી ભરેલ ડોલ લઈ આવી માથે રેડી કહી દીધું કે જા અમારે કોઈ સંતાન ન હતું તે અમે સમજી લઈશું. તારા નામ નું આજ થી નાહી લીધું. વિભૂતિ પણ રડતાં રડતાં સાવન સાથે તેના ઘરે ગઈ જ્યાં તેનું સ્વાગત તો કરવામાં આવ્યું પણ પરાણે વારે વારે વિભૂતિ ને યાદ અપાવવામાં આવતું કે તે બીજી જ્ઞાતિ ની છે. વિભૂતિ માટે અઘરું થતું ક્યારેક તો સાવન પાસે રડી લેતી. વિભૂતિ એ પણ નોકરી શરૂ કરી દીધી હતી પણ સાસરા માં થી કોઈ જ સપોર્ટ નહી સવારે કામ પતાવી ને જાય આવી ને ફરી કામ કરે. સાવન જે જ્ઞાતિ નો હતો તે જ્ઞાતિ માં વહુ ને ક્યારેય કોઈ સપોર્ટ ન મળતો. પણ વિભૂતિ એ હાર ન માની અને સાવન પણે જ્યારે ઘરે હોય વિભૂતિ ને મદદ માં લાગી જાય.
સાવન ના પાડોશ માં અને મમ્મી પણ કહે કે વહુ ઘેલો છે પણ સાવન તો મદદ કરતો. ચાર વર્ષે વિભૂતિ ને ત્યાં એક મસ્ત દીકરાનો જન્મ થયો ત્યારે પણ વિભૂતિ ના માતા પિતાને જાણ કરવામાં આવી હતી પણ હજી વિભૂતિ એ જે કર્યું હતું તે ભૂલ્યા ન હતાં. વિભૂતિ એ ધીમે ધીમે સાવન ના ઘરનાં ઘણાં જ રિવાજો અપનાવી લીધા હતાં અને સાવનના માતાના હૃદયમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી હતી. લગ્નના દશ વર્ષે હવે કોઈ પણ રિવાજ કે કામમાં વિભૂતિ ના મતનું મહત્વ રહેતું. બંને એ નોકરી કરી ને એક નાનકડો ફ્લેટ પણ લઈ લીધો હતો.
રાજીવભાઈ એક વખત ટ્રેનમાં પોતાની ફેકટરી ના કામે બહાર જતાં હતાં રાજીવ ભાઈ ને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને સંજોગો જોવો તે જ ટ્રેન માં સાવન ટિકિટ ચેકર તરીકે હતો. રાજીવ ભાઈ ને તાત્કાલિક યોગ્ય સારવાર માટે જરૂરી પ્રક્રિયા કરી અને વિભૂતિને ફોન કરી જાણ કરી આ બધું જ તો કોઈ પણ વ્યક્તિ કરે પણ લગભગ બે મહિના વિવિધ દવાખાના માં સાવન જ રજા મૂકી રહેલ. વિભૂતિ ની મમ્મી ડાયાબિટીસ પેશન્ટ હતી તો હોસ્પિટલમાં રહેવું શક્ય જ ન હતું. દરેક જાતની ચિકિત્સા થી લઇ વિવિધ પદ્ઘતિ વિશે જાણવું બધું જ કરી રાજીવ ભાઈ ને સ્વસ્થ કર્યા. (#MMO)
બે મહિના જે રીતે તેણે સાવનની સેવા અને સ્વભાવ જોયો તેમનાં સાવન પ્રત્યેના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું. રાજીવે પોતે જે ભૂલ કરી સાવનને સમજવામાં તેની માફી માંગી પણ સાવને તરત રોકી લીધાં. આજે પહેલી વખત ઘર જોવા સ્વસ્થ થઈ ને આવવાના હતાં જેની ફૂલ તૈયારીમાં વિભૂતિ લાગી હતી. બેલ વાગી વિભૂતિ આરતીની થાળી લઈ દરવાજા સામે ઉભી રહી આજે વિભૂતિ એ પોતાના માતા પિતા નો ગ્રહ પ્રવેશ કરાવ્યો. (સમાપ્ત)