Friendship of last bench - 1 in Gujarati Fiction Stories by Rayththa Viral books and stories PDF | છેલ્લી બેન્ચ ની મિત્રતા - 1

Featured Books
Categories
Share

છેલ્લી બેન્ચ ની મિત્રતા - 1

દરરોજ ની જેમ આજે પણ મીત અને અમીત પ્રિન્સિપાલ ની ઓફિસ ની બારે ઊભા હતા.આમ તો મીત અને અમીત માટે આ કઈ નવું નહતું , દિવસ માં એક વાર તો તેમની મુલાકાત પ્રિન્સિપાલ જોડે થઈ જ જતી.વી.ડી. હાઇ સ્કૂલ ની અંદર કાર્યરત એવા દરેક શિક્ષક મીત અને અમીત ના તોફાન અને મસ્તી થી કંટાળી ગયા હતા.હવે તો એવું થઈ ગયું હતું કે શિક્ષક ક્લાસરૂમ માં આવતાની સાથે જ છેલ્લી બેન્ચ પર બેઠેલા મીત અને અમીત ને ક્લાસરૂમ ની બારે કાઢી મુક્તા , પછી ભલે એમને કોઈ તોફાન કે મસ્તી કરી હોય કે ના કરી હોય.તેમનું માનવું એવું હતું કે મીત અને અમીત ને ક્લાસરૂમ ની બારે કાઢી નાખવાથી બીજા વિદ્યાર્થીઑ શાંતિ થી ભણી શકે છે.

આમ તો બાલમંદિર થી મીત અને અમીત સાથે ભણતા હતા , બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી તેમના માં ઘણો બધો પરીવર્તન આવ્યો.પરંતુ એ પરીવર્તન સકારાત્મક કરતાં નકારાત્મક વધુ હતું.હવે તેવો નાની નહીં , પરંતુ મોટી મસ્તી અને મોટા તોફાનો કરતાં.ચાલુ ક્લાસ માં અવાજો કરવા , ચાલુ ક્લાસ માં બીજા ના ટિફિન બોક્સ ખોલી અને નાસ્તો કરી લેવો , ક્લાસ ના બીજા છોકરા ઑને મારી ધમકાવી ને પોતાના લેસન પૂરા કરાવવા , ક્લાસરૂમ ના બોર્ડ પર બૉલપેન ના ઢાકણ મારવા , બેન્ચ ને તોડી અને શિયાળા માં તે બેન્ચ ના લાકડા થી તાપણી કરવી , પરીક્ષા ની અંદર કાપલી લઈ જવી , છેલ્લું પેપર પત્યા પછી ક્લાસ માં ફટાકડા ફોડવા , ક્લાસરૂમ ના બોર્ડ પર શિક્ષકો વિશે ગમે તેમ લખવું.આવા અવનવા હજારો તોફાનો એમને બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી કર્યા હતા.બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી કેટલા બધા શિક્ષકો એ મીત અને અમીત ને સુધારવાનો પ્રયત્ન કર્યો , પરંતુ દરવખતે તેમના હાથે નિષ્ફળતા જ લાગી. મીત અને અમીત માટે બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી ઘણું બધુ બદલાયું પણ એક વસ્તુ હતી જે નહતી બદલાય , અને એ એટલે કે એમની છેલ્લી બેન્ચ. બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી મીત અને અમીત બે જ જગ્યા પર જોવા મળતા ,અથવા તો તેઓ ક્લાસરૂમ ની છેલ્લી બેન્ચ પર બેઠા બેઠા તોફાન મસ્તી કરતાં હોય અથવા તો તેઑ ક્લાસરૂમ ની બારે સ્કૂલ માં રખડતા હોય.

ખરેખર છેલ્લી બેન્ચ પર બેસવાની મજા જ કઇંક અલગ હોય છે , એક સર્વે મુજબ સ્કૂલ ની અંદર છેલ્લી બેન્ચ પર બેસી ને બંધાયેલી મિત્રતા લગભગ જીવન ના છેલ્લા શ્વાશ સુધી યાદ રહે છે.શાળા પૂર્ણ થયા પછી લગભગ બધાને પોતાના શાળા જીવન ની યાદો વિશે કહેવામા આવે તો એમને યાદ આવતી વધુ પડતી વાતો છેલ્લી બેન્ચ પર બેસી ને કરેલી મસ્તી અને તોફાન હશે.ખરેખર આ પહેલી બેન્ચ પર બેસવા વાળા તો ખાલી વિષય ગણિત ને સમજે છે , જ્યારે છેલ્લી બેન્ચ પર બેસવા વાળા જીવન ના ગણિત ને સમજે છે. સફળ થવા વાળા વધુ પડતા લોકોની જીવન ગાથા જ્યારે આપણે સાંભળતા હોયે છીએ.ત્યારે એક વાત બધા માં સરખી હોય છે , “ તેઓ ભણવા માં બહુ નબળા હતા અને છેલ્લી બેન્ચ પર બેસતા “ . આપણાં ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસયાલ મેન એવા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એ એક વખત કહ્યું હતું કે “ છેલ્લી પાટલી પર બેસવાવાળા જ્યાં સુધી સ્પર્ધા માં ભાગ નથી લેતા , ત્યાં સુધી જ પહેલી પાટલી પર બેસવાવાળા વિજેતા બની રહે છે “. છેલ્લી બેન્ચ એ દરેક વ્યક્તી ના વિદ્યાર્થી જીવનનો એક અમૂલ્ય હીસો છે , પહેલી બેન્ચ પર માત્ર સ્વાર્થ ની મિત્રતા બંધાઈ છે જ્યારે છેલ્લી બેન્ચ પર તો લાગણીઓ ની મિત્રતા બંધાય છે.આવી જ છેલ્લી બેન્ચ ની મિત્રતા હતી મીત અને અમીત ની,બંને જણ એક બીજા ના પડછાયા હોય તે રીતે આખો દિવસ ભેગા રહેતા.શિક્ષક્ના નો માર ખાવાનો હોય કે પછી કલાસ ની બહાર જવાનું હોય.જે દિવસે મીત રજા પર હોય તે દિવસે અમીત પણ રજા લઈ લે અથવા તો અમીત રજા પર હોય ત્યારે મીત રજા લઈ લે.આ બંનેની મિત્રતા એટલે જાણે શોલે ફિલ્મ ના જય અને વીરુ ,બંને ને એક બીજા વગર ના ચાલતું.

-------------------------------------------------------------------------------------------------------

કાલે બંને જાણ પોતાના મમ્મી પપ્પા ને લઈ આવજો....આટલું કહી ને પ્રિન્સિપાલ એ મીત અને અમીત ને એમના ક્લાસ માં જવા કહ્યું.

મીત અને અમીત માટે આ કોઈ નવી વસ્તુ નહતી.બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી લગભગ મહિના માં ૩ થી ૪ વખત આ બંને ના પપ્પા અથવા મમ્મી સ્કૂલ વિઝિટ માટે આવતા. સમાન્ય રીતે સ્કૂલ માં વાલી મિટિંગ મહિના માં અથવા તો બે થી ત્રણ મહિને એકાદી વખત થતી હોય છે . પરંતુ મીત અને અમીત એ ખાસ વિદ્યાર્થીઑ હતા ,આથી તેમની વાલી મિટિંગ અઠવાડિયે એક વાર થતી.

મીત ના પપ્પા કાલુરામ સ્કૂલ ના ટ્રષ્ટિ ને ત્યાં ડ્રાઇવર હતા , એટલે દરવખતે એમની ભલામણ થી આ બંને બચી જતાં હતા.મીત એ કાલુરામ નો એકનો એક દીકરો હતો એટલે તેને તે બહુ જ પ્રેમ કરતો હતો , મીત પણ તેના પપ્પા ને બહુ જ પ્રેમ કરતો.બસ મીતને વાંધો હતો એના પપ્પા ના નામ થી , કારણકે આખી સ્કૂલ મીત ને એના પોતાના નામ કરતાં એના પપ્પા ના નામ થી ઓળખતી હતી.આખી સ્કૂલ મીત ને “ કલું “ કહી ને બોલાવતી , જે મીત ને બિલકુલ પસંદ નહતું.અને આજ કારણો થી મીત અને અમીત ના બીજા વિદ્યાર્થીઑ સાથે વધુ પડતાં જગડા થતાં.

અમીત પણ મધ્યમવર્ગીય પરિવાર નો છોકરો હતો , અમીત ના પપ્પા એક કંપની માં નામું ( આજની ભાષા માં ACCOUNT) લખતા.અમીત ની એક બહેન હતી જેનું નામ હતું રીયા , જે તેના કરતાં બે વર્ષ મોટી હતી અને બંને ભાઈ બહેન એક જ શાળા માં ભણતા હતા.રીયા ભણવામાં બહુ જ હોશિયાર હતી અને ધોરણ ૧૦ માં તો તેને માત્ર પોતાની સ્કૂલમાં નહીં પરંતુ આખા અહેમદાબાદ માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આથી રીયાએ વધુ પડતાં શિક્ષકો ની લાડલી હતી , અને આજ વાત નો ફાયદો ઉપાડી અમીત અને મીત તોફાન કરી અને ઘણી વખત શિક્ષકોથી બચી જતા.પરંતુ હવે મીત અને અમીત ધોરણ ૧૦ માં હતા અને આપણી સાદી ભાષા માં કહીયે તો બોર્ડ ની પરીક્ષા આપવાના હતા ,અને એ બંને ને મૂકી ને આખી સ્કૂલ ને વિશ્વાસ હતો કે આ બંને બોર્ડ ની પરીક્ષામાં નપાસ થવાના.

બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી મીત અને અમીત શાળા ની વાર્ષિક પરીક્ષા માં આગળ પાછળ જ બેસતા.આનું એક માત્ર કારણ હતું બંને નો રોલ નંબર , અમીત નો રોલ નંબર ૩૯ અને મીત નો રોલ નંબર ૪૦.આ બંને જણની આગળ બેસતી અદિતિ , જેનો રોલ નંબર હતો ૩૮.અદિતિ એ ક્લાસની હોશિયાર છોકરી હતી , બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી અદિતિ નો નંબર ક્લાસ માં પ્રથમ જ આવતો.આ જ કારણ હતું કે મીત અને અમીત બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી પોહચી ગયા હતા ,અમીત અદિતિ માથી જોઈને લખતો અને મીત અમીત માથી જોઈને.પરંતુ હા અદિતિ , મીત અને અમીત વચ્ચે એક મંત્રણા થયેલી હતી કે મીત અને અમીત ક્યારે પણ અદિતિ ના કામ માં વચ્ચે નહીં આવે , શાળા માં અદિતિ દ્વારા થતી કોઈ પણ પ્રવૃતિ માં તે લોકો ડાહપ્ણ નહીં કરે , અને પરીક્ષા માં અદિતિ મીત અને અમીત ને માત્ર ૪૦ માર્કસ નું જ પેપર બતાવશે એટલે કે પાસ થવા જેટલું.

“ભાઈ મીત બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી તો આપણે અદિતિ ની મદદ થી પોહચી ગયા.પરંતુ હવે શું આ વખતે તો બોર્ડ છે.?“ અમીત એ મીતને સ્કૂલ ની કેન્ટીન માં ચા પીતા કહ્યું.

“ભાઈ તું ટેન્શન નહીં લે કઇંક ને કઇંક તો જુગાડ કરીશું આપણે ,અને વધુ માં શું થશે નાપાસ થશુ ને કે બીજું કઈ.તું ચા પીને ઠરી જશે.“ મીતએ અમીત ને આશ્વાશન આપતા કહ્યું.

“ભાઈ મીત ચા ગઈ ઘરે , ભાઈ મને નાપાસ થવા ની કોઈ બીક નથી. જો આપણે નાપાસ થઈને પાછા આજ શાળા માં રેવાના હોત ને તો તો કહી વાંધો નહતો. પણ મારા બાપાએ મારા એ સપના પર પાણી ફેરવી દીધું. મારા બાપાએ મને ચોખ્ખા શબ્દો માં કહી દીધું છે કે ” જો ૧૦ માં પાસ ના થયો તો હોસ્ટેલ માં મૂકી દઇશ “. બોલ હવે શું કરવાનું..?“ અમીત એ નિરાશ થતા-થતાં મીત ને કહ્યું.

“તારો બાપો પણ જબરો છે હાં.તને ખબર છે આ દુનિયા માં દરેક ના બાપા છોકરા ને પાસ થઈ જઈશ તો સાઇકલ લઈ આપીશ , મોબાઇલ લઈ આપીશ , ફરવા લઈ જઈશ ,આવા અવનવા ઓફર આપતા હોય છે. જેથી છોકરો ઉત્સાહમાં આવીને મહેનત કરે.તને ખબર છે મારા બાપા એ મને શું ઓફર આપી..??“ મીત એ અમીત ને કહ્યું.

“શું.?“ અમીત એ મીત ને પૂછ્યું.

“મારા બાપાએ મને કહ્યું કે જો તું પરીક્ષા માં પાસ થઈ જઈશ તો હું મારૂ નામ “ કાલુરામ “ થી બદલી ને કનૈયો રાખી દઇશ. બોલ આવી ઓફર આપે છે મારો બાપો , ખરેખર ગજબ છે યાર મારો બાપો.“ મીતએ અમીતને કહ્યું

“હા,હા,હા.! ભાઈ સાચે હાં આ બેસ્ટ ઓફર છે તારા માટે , પાસ થઈજા એટલે તને જે આ લોકો “કલું“ કહી ને બોલાવે છે એમાથી તને છુટકારો મળે.” અમીતએ હસતાં-હસતાં મીતને કહ્યું.

“બહુ સારું હો ભાઈ,તું ચા પીને ઠરી જશે.“ મીત એ અમીત ને કહ્યું.

મીત અને અમીત વચ્ચે લગભગ બધી વાતો સરખી હતી માત્ર એક વાત મૂકીને.અને એ વાત એટલે કે “ અદિતિ”. શાળાના લગભગ દરેક છોકરાને આ વાત ખબર હતી કે મીત અદિતિ ને બહુ જ પસંદ કરતો હતો.પરંતુ અદિતિ ને મીત જરા પણ પસંદ નહતો.કારણકે અદિતિ એ બહુ હોશિયાર અને શિસ્તા વાળી છોકરી હતી તેને જગડા,કલાસમાં તોફાન આ બધુ જરા પણ ન ગમતું.

અમીત નું માનવું એવું હતું કે છોકરી જીવન ને બરબાદ કરી નાખે છે , તે ક્લાસ માં છોકરીઑથી બહુ દૂર રહેતો જે વાત શાળા ના બધા વિદ્યાર્થીઑ અને બધા શિક્ષકો ને ખબર હતી.એટલે જ્યારે પણ અમીત અને મીત વધુ તોફાન કરતાં એટલે શિક્ષકો મીત ને ક્લાસ ની બહારે અને અમીતને બે છોકરી ની વચ્ચે બેસાડી દેતા , એટલે ક્લાસ માં શાંતિ બની રહેતી.લગભગ બધા શિક્ષકો નું માનવું હતું કે મીત અને અમીત જીવન માં ક્યારે પણ કઈ નહીં કરી શકે.વધુ માં વધુ તેવો મવાલી કે ગુંડા બની શકે તેમ છે.અને આ વાત તેવો નિરંતર મીત અને અમીત ને સંભળાવતા , જે વાત રીયા ને જરા પણ ન ગમતી.

“બોર્ડ ની પરીક્ષા હવે એક અઠવાડીયા માં શરૂ થવાની છે અને તમે બંને મેચ જોવા બેસી ગયા છો.“ રીયાએ મીત અને અમીતને ટોકતા કહ્યું. આમ તો રીયા અમીત ની બહેન હતી.પરંતુ મીત ને કોઈ બહેન ન હોવાથી દર રક્ષાબંધનના રીયા તેના બંને ભાઈ મીત અને અમીત ને સાથે રાખડી બાંધતી.

“હા હવે જોવા દે ને હજુ પરીક્ષા ને એક અઠવાડીયા ની વાર છે અને આ એક અઠવાડીયામાં ૧૬૮ કલાક હોય છે , ૪ ૫ કલાક મેચ જોઈ લેશું તો શું ફર્ક પડવાનો.“ મીત અને અમીતએ રીયા ની વાત ઉડાવતા કહ્યું.

આમ તો હજુ પરીક્ષાની હૉલ ટિકિટ આવી નહોતી , એટલે મીત અને અમીત બંને ને ખબર ન હતી કે એમનો નંબર કઈ શાળા માં લાગશે.પરંતુ તેમને બંને ને આશા હતી કે દરવખતે બોર્ડ વાળા જેમ નામ ના પ્રમાણે ( A – Z , ક – જ્ઞ ) ચળતા ક્રમ માં સીટ નંબર અને શાળા ની ગોઠવણી કરતાં હોય છે એ પ્રમાણે અમીત અને મીત નો નંબર તેમની જ સ્કૂલ વી.ડી. હાઇ સ્કૂલ માં લાગશે અને તેવો કોઈ પણ રીતે ચોરી કરી અને પાસ થઈ જશે.

શાળા ના બધા શિક્ષકો રાજી હતા.કારણકે એમને ખબર હતી કે મીત અને અમીત કોઈ પણ રીતે આ વખતે ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા પાસ નહીં કરી શકે.ત્યારબાદ જેવુ અમીત ના પપ્પા એ કહ્યું હતું કે જો અમીત આ વખતે ધોરણ ૧૦ માં પાસ નહીં થાય તો તેને હોસ્ટેલ માં મૂકી દેવામાં આવશે.જો અમીત આ સ્કૂલ માં નહીં રહેશે , તો મીત ની તાકાત અડધી થઈ જશે અને તે એકલો તોફાન અને મસ્તી નહીં કરી શકે.

“મીત ક્યાં છે ભાઈ.?“ અમીતએ મીતને ફોન પર પૂછ્યું.

“ઘરે છું ભાઈ હમણાં જ ઉઠ્યો,કેમ કઈ કામ હતું.?” મીતએ અમીતને પૂછ્યું

“ભાઈ તને યાદ છે,આજે સ્કૂલ માં હૉલટિકિટ મળવાની હતી.?” અમીતએ મીતને યાદ કરાવતા પૂછ્યું.

“હા ભાઈ પણ કોણ એવી ઉપાદી કરે.હજુ પરીક્ષા ને ૨ દિવસ ની વાર છે,આપણે નિરાતે લઈ આવીશું હૉલ ટિકિટ.”મીતએ આળસ ખાતા-ખાતા અમીતને કહ્યું.

“ભાઈ લઈ આવીશું નહીં , આપણી હૉલ ટિકિટ આવી ગઈ છે.મારી બહેન રીયા બંનેની હૉલ ટિકિટ લઈ આવી છે.અને એક લોચો પણ થયો છે.” અમીતએ મીતને કહ્યું.

“કેમ લોચો,લોચો શું થયો વળી.?” મીતએ પોતાની આંખ ચોરતા-ચોરતા કહ્યું.

“ભાઈ આપણે બંને અલગ અલગ સ્કૂલ માં આવ્યા છીએ.” અમીતએ મીતની ઊંઘ ઉડાવતા કહ્યું.

“શું વાત કરે છે કઈ સ્કૂલ માં આપનો નંબર આવ્યો છે..?? ભાઈ આપણે બંને તો એક જ સ્કૂલ માં આવવા જોઈએ ને.?” મીતએ આશ્ચર્યની સાથે અમીતને પૂછ્યું.

“આવવા જોઈતા હતા પણ આવ્યા નથી.ભાઈ હવે લોચો છે પાસ થવાનો.કારણકે મારો નંબર “મોડર્ન સ્કૂલમાં” અને તારો નંબર “કે.ડી.માણેક સ્કૂલમાં” આવ્યો છે.તને તો ખબર જ છે આ બંને સ્કૂલમાં ચિટિંગ(ચોરી) કરવી શું , ચિટિંગ નો વિચાર કરવો પણ શક્ય નથી.ભાઈ મને તો લાગે છે મારે હોસ્ટેલ માટે થઈ ને તૈયારી શરૂ કરી દેવી પડશે.” અમીતએ નિરાશ થતાં મીતને કહ્યું.

“ભાઈ ટેન્શન ના લે આપણે કઇંક કરીશું.ભાઈ સાંભળ આમ પણ પાસ થવા માટે કેટલા ૩૫ માર્કસ જોઈતા હોય છે.આપણે થોડું ઘણું વાંચી લેશું અને બાકી નું આજુ-બાજુ માથી જોઈ લેશું એટલે મામલો સેટ.” મીતએ અમીતને અને પોતાની જાતને આશ્વશન આપતા કહ્યું.

“સારું ચલ જોઇયે શું થાય છે પરીક્ષામાં.” અમીતએ આટલું કહીને ફોન મૂકી દીધો.

-------------------------------------------------------------------------------------------------------

“બેટા આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે દહી ને સાકર ખાઈને જા એટલે પેપર સારૂ જશે.” અમીતની મમ્મીએ અમીતને દહીને સાકર ખવડાવતા કહ્યું.

“મમ્મી દહી-સાકર ખાવાથી કહી પેપર સારા ના જાય એના માટે વાંચવું પડે.” રીયાએ અમીતને ટોંટ મારતા કહ્યું.

અમીત કહી પણ બોલ્યા વગર ચાલ્યો ગયો.કારણકે તે જાણતો હતો કે રીયા ની વાત ક્યાંક ને ક્યાંક તો સાચી જ હતી.પણ તેને મીતને મળવાનું કહ્યું હતું એટલે તે જલ્દી થી ઘરે થી નીકળી ગયો.આમ પણ કે.ડી.માણેક સ્કૂલ અને મોડર્ન સ્કૂલ બંને વચ્ચે બહુ ખાસું અંતર નહતું.

“ભાઈ બેસ્ટ-ઓફ-લક હવે હનુમાન ચાલીસા બોલીને પેપર લખવાનું ચાલુ કરી દેજે.” મીતએ અમીતને કહ્યું.

“ભાઈ હનુમાન ચાલીસા બોલી લઇશ.પણ પેપર માં લખીશ શું મને કઈ પણ નહીં આવડતું.” અમીતએ મીતને કહ્યું.

“ભાઈ ટેન્શન નહીં લે આમ પણ આજે ગુજરાતી નું પેપર છે.ગુજરાતી ના પેપરમાં નિબંધ ને એવું બધુ આવે એટલે ૩૫ લેવા કોઈ મોટી વાત નથી.” મીતએ અમીતની હીમત વધારતા કહ્યું.

“સારું ચલ તને પણ બેસ્ટ-ઓફ-લક.” આટલું કહીને મીત અને અમીત છૂટા પડ્યા.

પેપર ચાલુ થયું અને કેમ ત્રણ કલાક નીકળી ગયા મીતને ખબર જ ના પડી.મીત જલ્દી થી અમીત ની મોડર્ન સ્કૂલ પાસે પોહચી ગયો અને અમીત ની રાહ જોવા લાગ્યો.ઘણી એવી વાર થઈ ગઈ એટલે મીત અમીત ને આમ તેમ શોધવા લાગ્યો.એવા માં તેની નજર સામે થી આવી રહેલા અમીત અને અદિતિ પર પડી.બંને એક સાથે આવી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા.જેવુ અમીત એ મીત ને જોયો એટલે તરત જ એને અદિતિ ને આવજો કાલે મળીશું કહી ને જવા કહ્યું અને તે ભાગીને મીત પાસે આવ્યો અને બોલ્યો,

“ભાઈ આપણી બોર્ડ ની પરીક્ષા પાસ છે,મારી આગળ ની બેન્ચ પર અદિતિ છે હવે કોઈ પણ ટેન્શન નથી. હવે મારે હોસ્ટેલ માં નહીં જવું પડે,આપણે બંને સાથે આજ સ્કૂલ માં રહીશું.” અમીત મીતને ખુશ થઈને આખી વાત કહી રહ્યો હતો.

“વાહ ભાઈ તારો તો મેડ પડી ગયો.તારી બોર્ડની પરીક્ષાતો પાસ એમને સારું સારું.બસ હવે મને થોડી ચિંતા થઈ રહી છે.હું પણ પાસ થઈ જાઉં તો બંને સાથે ધોરણ ૧૧ માં જઈ શકીએ.” હવે મીત નિરાશ થતાં-થતાં અમીતને આ આખી વાત કહી રહ્યો હતો.

“ભાઈ ટેન્શન નહીં લે સાંભળ,આમ પણ પાસ થવા માટે કેટલા ૩૫ માર્કસ જોઈતા હોય છે.તું ખાલી થોડું ઘણું વાચી લેજે , અને બાકી નું આજુ-બાજુ માથી જોઈ લેજે એટલે મામલો સેટ.” હવે અમીત મીતને આશ્વાન આપતા કહી રહ્યો હતો.

“ભલે હો મારા કીધેલા ડાયલોગ મારા પર ના મારીશ.ચલ ચા પીવા જઈએ.” મીતએ અમીતને ટપલી મારતા કહ્યું.

હવે જાણે રોજ નો રૂટિન બની ગયો હતો.દરેક પરીક્ષામાં મીત અમીતની સ્કૂલ પાસે આવી ને રાહ જોતો.અમીત અને અદિતિ પેપર પૂરું થયા પછી બારે આવી ને મીત ને બધી વાતો કરતાં.કઈ રીતે તેમણે આજે ચિટિંગ કરી અને કેમ આખું પેપર પુરૂ કર્યું.હવે ધીરે-ધીરે અદિતિ પણ મીત અને અમીત ની દોસ્ત બની રહી હતી.અદિતિ ને પોતાની પાસે જોઈને મીત અંદર-અંદર બહુ જ રાજી થઈ રહ્યો હતો.કારણકે જેવુ તે ઈચ્છતો હતો કે અદિતિ તેની ભાવના સમજે અને તેને સ્વીકારવાનો પ્રયત્ન કરે તેવું અમુક અંશે થઈ રહ્યું હતું.બધા પેપર માં અમીત અદિતિ માથી જોઈને લખી લેતો,પરંતુ ખાલી એક ગણિત નું પેપર એવું ગયું હતું જેમાં અમીત જરા પણ ચિટિંગ નહતો કરી શક્યો.વધુમાં આ વખતે ગણિત નું પેપર બહુ જ અઘરું પૂછાયું હતું.આ બધા થી અલગ મીત ને ગણિત માં થોડી ઓછી તકલીફ પડતી હતી.આખો ક્લાસ અને દરેક શિક્ષકો જાણતા હતા કે મીત ને ગણિત વિષય પર સારી એવી પકડ હતી.અમીત ના પપ્પા ભલે નામું લખતા પરતું અમીત ગણિત માં અતિશય નબળો હતો.

-------------------------------------------------------------------------------------------------------

આમ ને આમ બોર્ડ ની પરીક્ષા પૂરી થઈ.દરેક ના જીવનમાં ધોરણ ૧૦ પછી એક અલગ જ દુનિયા શરૂ થાય છે,અને એમાં પણ એ ૩ મહિના નું વેકેશન.ખરેખર એ ૩ મહિના માં જેટલો આનંદ,તોફાન અને મસ્તી કરવા મળે તેવી કદાચ કોઈ વેકેશનમાં નથી મળતી.

ક્લાસ ના બધા લોકો હવે રિજલ્ટ ની રાહ જોતાં હતા.ક્યારે રિજલ્ટ જાહેર થવાની તારીખ આવે,અને આ બધા થી અલગ બે જણા મીત અને અમીત પોતાની જ ધૂન માં મસ્ત હતા.આખો દિવસ મસ્તી,મજાક,સાથે રખડવાનું જગડા કરવા બસ આજ કામ.મીત અને અમીતની મિત્રતા દિવસે અને દિવસે વધુ અને વધુ ગાઢ બની રહી હતી.આ જોઈ ને બાકી બધા ને ઈર્ષા થઈ રહી હતી,કારણકે આ બંનેની દોસ્તી એટલી ગાઢ બની ગઈ હતી કે જેની કોઈ સીમા નહતી.ભલે બંને જણા આખો દિવસ તોફાન અને મસ્તી કરતાં પરંતુ તેમનો એક બીજા માટે થઈ ને પ્રેમ અને મિત્રતા પ્રત્યે નિષ્ઠા જોઈને સૌ કોઈ દંગ રહી જતું.બંને જણાં એક બીજા માટે કઈ પણ કરી શકે તેમ હતા.બસ હવે બંને ભગવાનને પ્રાથના કરી રહ્યા હતા કે બંને બોર્ડની પરીક્ષા માં પાસ થઈ જાય.એટલે ધોરણ ૧૧ માં જઈ ને પોતાની મસ્તી અને ધમાલ નો નવો અધિયાય શરૂ થઈ શકે.

“અમીતયા તારું રિજલ્ટ ૨ જૂનના આવવાનું છે.” રીયાએ નેટ પર ચેક કરતાં અમીતને જણાવ્યું.

“સારું પણ આપણે રિજલ્ટની ચિતા નહીં,આપણે તો પાસ જ છીએ.આજે જ મમ્મી ને મારા ૧૦માં ના ચોપડા બાજુ વારા ટીનયા ને આપવા કહી દીધું છે.” અમીતએ રીયાની સામે ખોટા ઢીંગા મારતા કહ્યું.

“તે ભલે મમ્મી ને ચોપડા આપવા કહ્યું હોય,પણ મમ્મી એ ટીનયાને ચોપડા હજુ આપ્યા નથી.કારણકે આખી સ્કૂલને ખબર છે,તું અને મીત આ વખતે આ બોર્ડની પરીક્ષા પાસ નહીં જ કરી શકો.એમાં પણ આ વખતે ગણિત નું પેપર બહુ જ અઘરું પૂછાયું હતું.જેમાં સારા-સારા લોકો ફાફા મારી રહ્યા છે,તો તમારું તો શું કહેવું.” રીયાએ અમીતને ઘબરાવતા કહ્યું.

“ભલે હો..! તું તો એ જ ઈચ્છે છે કે અમે બંને નાપાસ થઈ જઇયે.” આટલું કહીને અમીત ત્યાંથી ચાલ્યો ગયો.

અમીત રીયાની સામે તો ખોટા ઢીંગા મારી રહ્યો હતો.પરંતુ અંદર થી એને પણ ક્યાંક ને ક્યાંક હતું જ કે ગણિતના વિષય સીવાય બાકી બધા પેપર જોરદાર ગયા છે.ભગવાન ખાલી ગણિત નું જોઈલે એટલે બસ.બીજી બાજુ મીત ભગવાનને પ્રાથના કરી રહ્યો હતો કે ગણિત સીવાય ના બાકી બધા પેપર માં ભગવાન જોઈલે એટલે બસ.

-------------------------------------------------------------------------------------------------------

જેની મીત,અમીત,અદિતિ,રીયા અને કલાસ ના બીજા વિદ્યાર્થીઑ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ તે દિવસ આવી ગયો હતો.તે દિવસ એટલે કે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના રિજલ્ટ નો દિવસ.આમ તો શાળામાં રિજલ્ટ લેવા બપોરે જવાનું હતું.પરંતુ આ ઇન્ટરનેટના ઝડપી સમયમાં રિજલ્ટ સવારે જ આવી જતું.પેલા ના સમયમાં જ્યારે ઇન્ટરનેટ નહતું ત્યારે બોર્ડની પરીક્ષા નું રિજલ્ટ સવારે છાપા(NEWS-PAPER) માં આવતું.તે સમયે છાપા વાળા પાસે છાપા લેવા માટે થઈ ને મોટી-મોટી લાઈનો લાગતી અને પોતાના રિજલ્ટ ની સાથે સાથે કોનું શું રિજલ્ટ આવ્યું છે,તેની પણ જાણ સહેલાઇથી થઈ જતી.

“ભાઈ ક્યાં છે તું..??” મીતએ અમીતને ફોન કરીને પૂછ્યું.

“ભાઈ ઘરે જ છું , હમણાં તને જ ફોન કરવાનો હતો. એક કામ કર તું પણ મારા ઘરે આવીજા આમ પણ રિજલ્ટ ૯ વાગે આવવાનું છે.બંને સાથે મળી ને અહિયા મારા ઘરે રિજલ્ટ જોઇયે.” અમીતએ મીતને કહ્યું.

“સારું ચલ આવું છું ૧૦ મિનિટ માં.” આટલું કહી ને મીત એ ફોન મૂક્યો.

“મીત તું પણ અમીતની જેમ દહી-સાકર ખાઈને રિજલ્ટ જોવા બેસ એટલે તું પણ પાસ થઈજા.” અમીતની મમ્મીએ મીતને દહી સાકર ખવડાવતા કહ્યું.

જેવુ અમીતની મમ્મી દહી-સાકર નું બોલી એટલે અમીતએ તરત જ રીયાની સામે જોયું.તેને હતું હમણાં રીયા કઇંક બોલશે.પરંતુ આ વખતે રીયાએ એની મમ્મી પાસેથી દહી-સાકરનો વાટકો લીધો અને પોતાના બંને ભાઈઓ ને દહી અને સાકર ખવડાવતાં કહ્યું “મને આશા છે તમે બંને પાસ થઈ જશો.”

રીયા દ્વારા આવું વર્તન જોઈ અને મીત અને અમીતના આત્મવિશ્વાશમાં વધારો થયો.હવે તેમનું ટેન્શન જાણે અડધું થઈ ગયું તેવું બંનેને લાગ્યું. ખરેખર ભગવાનને બનાવેલા અમૂલ્ય સબંધો માનો એક સબંધ એટલે કે ભાઈ અને બહેનનો નિશ્વાર્થ સબંધ. બહેન ભાઈ વચ્ચે લગભગ અગણિત જગડા થતાં હશે,પરંતુ જ્યારે ભાઈને બહેનની જરૂર પડે ત્યારે બહેન એક મિનિટ નો પણ વિચાર કર્યા વગર ભાઈની પડખે ઊભી રહી જાય છે. બહેન માટે તેનો ભાઈ સૌથી પહેલા હોય છે.સામે બહેનએ ભાઈ માટે થઈને બીજી માં હોય છે.ભાઈ કદાચ એની બહેન ને ખૂબ હેરાન અને પરેશાન કરશે પણ જ્યારે વાત એની બહેનની ખુશી ની આવે,ત્યારે એક સેકંડ નો પણ વિચાર નથી કરતો.ભાઈ જે વસ્તુ એના માતા-પિતા ને નથી કહી શકતો તે તેની બહેનને જણાવે છે.ભાઈ માટે થઈને બહેન એ બધુ જ હોય છે , પણ હા એ અલગ વસ્તુ છે કે ભાઈ ક્યારે પણ આ વાત એની બહેનને કહેતો નથી.

“૮૫% આવ્યા છે રમેશ ભાઈ ના છોકરા નિખિલ ને.” અમીતના પપ્પાએ અમીત અને મીત ને જોતાં કહ્યું.

“બહુ સરસ કહેવાય હવે જલ્દી થી તમારું રિજલ્ટ જોવો બેટા અમીત.” અમીતની મમ્મીએ અમીતને કહ્યું.

“બસ મમ્મી એમનું જ રિજલ્ટ ખોલું છું.બોલો પેલા કોનું રિજલ્ટ જોવું છે,અમીત તારું કે મીત તારું..??” રીયાએ અમીત અને મીતને પૂછતાં કહ્યું.

“ગમે એનું જોવોને શું ફરક પડવાનો..!!” અમીતએ નિસાસો નાખતા કહ્યું.

અમીતને ગણિત વિષય નું ટેન્શન હતું અને મીતને ગણિત વિષય મૂકી ને બાકી બધા વિષય નું ટેન્શન હતું.પણ રિજલ્ટ તો જોવાનું જ હતું એટલે બંને જણાએ હીમત કરી અને રીયા ને કહ્યું તારે જેનું રિજલ્ટ જોવું હોય એનું જો.

“ઠીક છે તો આપણે પેલા મીત નું રિજલ્ટ જોઇએ..!!” રીયા એ કહ્યું.

“ઠીક છે મારૂ જો , લે આ મારો સીટ નંબર..!!” મીતએ રીયાને સીટ નંબર આપતા કહ્યું.

રિજલ્ટ ખૂલી રહ્યું હતું અને મીતના ધબકારા જાણે પ્લૅટફૉર્મ થી ધીરે ચાલતી ટ્રેન જેમ અચાનક ફાસ્ટ ચાલવા લાગે,તે રીતે મીતના ધબકારા ફાસ્ટ-ફાસ્ટ વધી રહ્યા હતા.પરંતુ અચાનક જાણે મીતના ધબકારા એક ઘડી માટે ધબકવાનું ચૂકી ગયા હોય તેમ મીત ને લાગ્યું.જ્યારે તેને જોયું કે મીત ગણિતને મૂકીને બાકી બધા વિષય માં પાસ છે.

આખા રૂમમાં સાવ શાંતિ છવાય ગઈ હતી,બધા મીતની સામે જોઈ રહ્યા હતા અને મીત રિજલ્ટ ને જોઈ રહ્યો હતો.આ બધા વચ્ચે મીત ભાનમાં આવ્યો અને બોલ્યો “ આ શક્ય ન હોવું જોઈએ ખબર નહીં કેમ પણ મને લાગે છે રિજલ્ટ આપવાવાળા થી કઇંક ભૂલ થઈ છે.હું એક ગણિત વિષય માં જ હોશિયાર છું.જો એને મને બધા માં નપાસ કર્યો હોત તો ચાલત પણ ગણિત માં તો હું નપાસ થઈ જ ના શકું.”

“કોઈ વાંધો નહીં મીત,તું ફરીથી પેપર ખોલાવીને રી-ચેક કરાવી શકે છે.” રીયાએ મીતને આશ્વશન આપતા કહ્યું.

“હા એ તો છે પણ જો એમાં પણ હું પાસ ના થયો તો..?” મીત હવે ટેન્શનમાં આવી રહ્યો હતો.

“ભાઈ તું પાસ થઈ જઈશ મને વિશ્વાસ છે.કારણકે ગણિત વિષય પર તારી સારી એવી પકડ છે.” અમીતએ મીતને કહ્યું.

“હા..! સારું જોશું હવે જલ્દી થી તારું રિજલ્ટ તો જો ભાઈ..!” મીતએ અમીત અને રીયાની સામે જોઈને કહ્યું.

“હા બસ હવે એનું જ રિજલ્ટ ખોલી રહી છું,અમીત તારો સીટ નંબર આપ.” રીયાએ અમીતને કહ્યું.

“હા જો આ છે મારો સીટ નંબર.” અમીતએ રીયાને સીટ નંબર આપ્યો.

રિજલ્ટ ખૂલી રહ્યું હતું અને અમીત નું ટેન્શન વધી રહ્યું હતું.કારણકે મીતને ગણિતમાં થોડું ઘણું આવડતું હતું છતાં પણ એ નાપાસ થયો.જ્યારે અમીત તો પહેલાથી જ ગણિતમાં નબળો હતો.હવે શું થશે અમીતને તો બસ એનું જ ટેન્શન થઈ રહ્યું હતું.

રિજલ્ટ ખૂલીયું...અને બધા અમીત ની સામે જોવા લાગ્યા અને અમીત રિજલ્ટને જોઈ રહ્યો હતો.તેને રિજલ્ટ જોઈને વિશ્વાસ નહતો આવી રહ્યો,કારણકે અમીત ફક્ત પાસ નહીં પરંતુ એને ૮૫% આવ્યા હતા.

બસ પછી શું હતું આખા રૂમ માં જાણે એક સાથે અવાજો આવવાના ચાલુ થઈ ગયા.અમીતના પપ્પા,મમ્મી,રીયા અને મીત બધા એ અમીતને ચારે બાજુથી ઘેરી લીધો.બધા અમીતને અભિનંદન આપવા લાગ્યા.

બધા લોકો આ બધામાં વ્યસ્ત હતા,ત્યારે મીત નો ફોન વાગ્યો.મીત થોડો બાજુ પર જઈને વાત કરવા લાગ્યો.મીત ફોન પર વાત કરીને અમીત પાસે આવ્યો,ત્યારે અમીતએ જોયું કે મીતના ચહેરા પર અજીબ જ ટેન્શન દેખાઈ રહ્યું હતું. એટલે આ જોઈને એને મીત ને પૂછ્યું,

“શું થયું ભાઈ કોનો ફોન હતો...??” અમીત મીતને જોઈને બોલ્યો.

“ભાઈ આપણાં ક્લાસના રવિનો ફોન હતો.” મીતએ અમીતને જોઈને કહ્યું.

“હા ભાઈ રવિ એજ ને જેનો દરવખતે ક્લાસ માં બીજો નંબર આવે છે. કેટલા ટકા આવ્યા એને..??” અમીતએ મીતને કહ્યું.

“ભાઈ એને મૂક તું,એને મને કહ્યું કે ક્લાસ માં દરવખતે પ્રથમ આવનારી અદિતિ આ વખતે ગણિત વિષય માં નાપાસ થઈ છે.” મીતએ અમીતને ચોકાવતાં કહ્યું.

( ક્રમશ...)

To Be Continued…

તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.