Teacher of the year - Movie review in Gujarati Film Reviews by Jigisha Raj books and stories PDF | ટીચર ઑફ ધ યર - ફિલ્મ રિવ્યુ

Featured Books
Categories
Share

ટીચર ઑફ ધ યર - ફિલ્મ રિવ્યુ

ફિલ્મ “ટીચર ઑફ ધ યર”નો રિવ્યુ

બહુ સમય પછી એક જૂનો-જાણીતો અને છતાંય તદ્દન નવા રૂપમાં રજૂ થતો વિષય જોવા મળ્યો. એક ગુજરાતી ફિલ્મ અમદાવાદના જ લોકેશનમાં નિર્માણ પામે અને એટલી સરસ માવજત સાથે આ વિષયને એના પાત્રો ન્યાય આપે ત્યારે આ ફિલ્મ ગુજરાતી ભાષાને પ્રેમ કરતાં લગભગ દરેકની પસંદગીની ફિલ્મ જરૂર બની જાય. આ ફિલ્મનું નામ છે “ટીચર ઑફ ધ યર”. જે હાલમાં જ તેરમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે.

ફિલ્મના પ્રોડ્યુસર જયંતિભાઈ ટાંક અને પાર્થ ટાંકે તેમની ટીમ પાસે જે કામ કરાવ્યું છે, તે અદભુત જ થયું છે. ડો. વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસની જુગલજોડી લેખક અને નિર્માતા તરીકે જે રીતે આ ફિલ્મને રજૂ કરી શક્યા છે, તે માટે તેમને ખરેખર દિલથી સલામ.ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં આ ફિલ્મ એક નવું સીમાચિહ્ન બની શકે તેવી કથાવસ્તુ સાથે લેખક અને નિર્માતાએ અહીં ઘણી જ મહેનત કરેલી અનુભવાય છે. આમ જુઓ તો સાવ સામાન્ય વિષય અને તોય એકદમ નવી તાજગીસભર વાર્તામાં રજૂ થયેલો વિષય એટ્લે આ ફિલ્મ “ટીચર ઑફ ધ યર”.

બ્રિટિશ પ્રણાલીના શિક્ષણ પાછળ આંધળી દોટ મૂકતાં માતાપિતા માટે આ ફિલ્મ અચૂક જોવા જેવી છે. શિક્ષક અને શિક્ષણ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ આમાં પોતાની છબી જોઈ શકશે. તો બીજી તરફ સમાજની અસંતુલિત વ્યવસ્થા અને સાવ છેવાડાના લોકોમાં પણ ભણતર અંગે જે પ્રશ્નો ઉઠી શકે તે દરેક વિષયનું અહીં સુંદર કથાવસ્તુમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે જ સમાંતરે ચાલતી પ્રણયકથા પણ તેના આદર્શો, પ્રશ્નો અને સમર્પણને ઉજાગર કરતી દેખાય છે. ફિલ્મ જોતી વખતે દરેક દર્શક પછી તે કોઈ પણ ઉંમરનો હોય તે પોતાની જાતને અહીં ક્યાંક ને ક્યાંક જોડી શકે એટલી બારીકાઈથી ફિલ્મની વાર્તા ઘડાઈ છે. દરેક પાત્રોનું ચિત્રણ અને દરેક પાત્રનો અભિનય વાર્તાને જકડી રાખે તેવો છે.

“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” જેવા વાક્યની આંટીઘૂંટીને અહીં ફિલ્મના મુખ્ય પાત્રોના જીવનસંઘર્ષ અને તેમના વ્યવહારુ અભિગમ સાથે તાલબદ્ધ રીતે ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આદર્શ અને છતાં તદ્દન વ્યવહારુ અને આપણાં પોતીકા મૂલ્યો અને આપણી સંસ્કૃતિનું જતન કરતાં વાતાવરણની પશ્ચાદભૂમાં વાર્તા આગળ વધે છે અને કરુણા, હાસ્ય અને ઉત્સાહ જેવા શબ્દોને તાદૃશ કરીને શિક્ષણક્ષેત્રે એક નવી વિચારધારાને પ્રગટાવે છે, જ્યાં શિક્ષણનો અભિગમ માત્ર શાળાકીય શિક્ષણ જ નહીં પણ જીવનની શાળામાં પણ નવી દિશા તરફ આગળ વધવાનો છે.

ફિલ્મના નામ પ્રમાણે “ટીચર ઑફ ધ યર”ની પસંદગી કરવાની એક સ્પર્ધા ફિલ્મનું મુખ્ય પીઠબળ છે. પણ ફિલ્મનો ઉઘાડ એક આદર્શ શૈક્ષણિક સંસ્થા સાથે થાય છે, જ્યાં બાળકો તેમના રસ અને અભિગમ મુજબ વિષય પસંદ કરે છે, જ્યાં પાયાનું શિક્ષણ હકીકતે વ્યવહારુ રીતે અપાય છે. જ્યાં બાળકો ખુલ્લા આકાશની સાક્ષીએ ભણતર સાથે જ ઘડતરના પણ પાઠ શીખે છે. વળી સાથે જ તેઓ ખેતી અને અન્ય કામકાજની સાથે જ આરોગ્યની જાળવણી પણ શીખે છે અને અહીં તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું પણ સિંચન થતું જોવા મળે છે. એક આદર્શ ગુરુકુલમની રીતનું શિક્ષણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. રમત રમતમાં બાળકો ગણિત અને વિજ્ઞાન જેવા અઘરાં વિષયો પણ શીખી લે છે અને સાથે જ સંગીત અને નૃત્યને પણ આવરી લેવાયાં છે.

એક તરફ આદર્શ વૈદિક પરંપરાને સાકાર કરતું ગુરુકુલમ દર્શવાયું છે, તો બીજી તરફ બ્રિટિશ શિક્ષણનો મહિમા કરતી એક શાળા છે, જેને પ્રખ્યાત શિક્ષણવિદ દ્વારા ચલાવવામાં આવે છે. વર્તમાન સમયની ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા પોતાની જાતને પણ ભૂલાવી દેનાર પ્રો. શાસ્ત્રી એક ટીવી રિયાલીટી સ્પર્ધાનો ભાગ બને છે. જ્યાં તેઓ પસંદગી પામેલા દસ શિક્ષકો અને તેમને જજ કરવા માટે આમંત્રિત કરાયેલા શાળાના વિદ્યાર્થીઓના જાણે કે રિંગ માસ્ટર છે.

સ્પર્ધાના ભાગરૂપે આવેલા દસેય શિક્ષકો તેમના પોતાના વિષયમાં ઉત્તમ રહી ચૂક્યા છે અને અહીં તેમણે જે વિદ્યાર્થીઓને ભણાવવાના છે , તેઓ પણ વિશેષ રીતે પસંદ થયેલા છે. ગણિત, ફિઝિક્સ, સાઇકોલોજી, અંગ્રેજી, કેમિસ્ટ્રી, એકાઉન્ટ્સ, સંગીત, નૃત્ય, પી.ટી. જેવા વિષયના શિક્ષકો આવીને બાળકોને ભણાવે છે અને સાથે જ બાળકો તેમને કેવી રીતે આગળ લઈ જાય છે એનું બહુ જ મજા-મસ્તી, સંઘર્ષ, કરુણા, હાસ્ય અને ઉત્સાહથી નિરૂપણ થયું છે. દરેક શિક્ષક અને તેની વિશેષતા અને સાથે જ તેના આંતરિક ગુણો દ્વારા દરેક શિક્ષકનું એક અલગ જ વ્યક્તિત્વ અહીં ઉભરતું જણાય છે. તો સામે છેડે દરેક વિદ્યાર્થીનું પણ પાત્રચિત્રણ કોઈ પણ સમયના વિદ્યાર્થીઓની વિશેષતા, થોડી ઘણી મસ્તીમજાક અને અત્યારના નવી પેઢીના જનમાનસનું પ્રતિનિધિત્વ કરતાં જણાય છે. તો વળી સમાંતરે સમાજના નીચલા વર્ગના શોષિત અને અભણ વર્ગને પણ શિક્ષણ વિષેની સમજ અને મદદ કેવી રીતે મળે છે અને તેમનામાં પણ એક શિક્ષક દ્વારા કેવી રીતે સંસ્કારો અને મૂલ્યોને ઉમેરવામાં આવે છે તે દર્શાવાયું છે. અને આ બધાંની સાથે જ સમાંતરે એક પ્રેમકથાનું પણ નિર્માણ થતું જોઈ શકાય છે.

ફિલ્મના મુખ્ય પાત્રોમાં ગણિતના શિક્ષક તરીકે પાર્થ ટાંક તરીકે શૌનક વ્યાસ પોતે અભિનય કરે છે, તો તેમને સાથ આપે છે ફિઝિક્સના શિક્ષક રેવા એટ્લે કે અલિશા પ્રજાપતિ. પ્રો. શાસ્ત્રીના પાત્રને ન્યાય આપ્યો છે મેહુલ બુચે. તો મુખ્ય પાત્રને બરાબરની ટક્કર આપે છે સાઇકોલોજીના જાણકાર પ્રો. શેખ એટ્લે કે રાગી જાની. જ્યારે સમગ્ર ફિલ્મ જે બે પાત્રોના દોરી સંચારે આગળ વધે છે તેમાં ગુરુકુલમમાં બુલબુલનું પાત્ર ભજવે છે જીયા ભટ્ટ , તો બીજી તરફ રિયાલીટી શોના એન્કર તરીકે રૌનક કામદાર ભૂમિકા ભજવે છે. આ સિવાય ગૌરીશંકર તરીકે નિસર્ગ ત્રિવેદી, ચૈતન્ય તરીકે ચૈતન્યક્રિશ્ના રાવલ અભિનય કરે છે. જ્યારે અન્ય પાત્રોમાં અર્ચન ત્રિવેદી, જીતેન્દ્ર ઠક્કર, રેખા મુખર્જી, હિમ્મતસિંહ રાઠોડને ગણી શકાય. જ્યારે વિદ્યાર્થીઓની ભૂમિકામાં પાર્થની બાલ કલાકાર તરીકેની ભૂમિકા નિભાવે છે કરણ પટેલ. ને બીજી તરફ જગા તરીકે જશ ઠક્કર, સામંત તરીકે અંકિત ગજેરા, જતિન તરીકે યુવરાજ ગઢવી, જુલી તરીકે હિમાદ્રી જોશી, માયા તરીકે ચાર્મી જાની અને મુસ્કાન તરીકે અંતરા ઠક્કર પણ વિદ્યાર્થીઓ તરીકે ધૂમ મચાવે છે.

ફિલ્મમાં આવતા અમુક સીન તમને જાણે તમારા પોતીકાં જ લાગે છે. તો ક્યારેક અમુક સિકવન્સ તમે પોતે અનુભવેલી કે જોયેલી અનુભવાય છે. જેમકે, પસંદ થયેલા વિદ્યાર્થીઓ ક્લાસમાં આવતાં દરેક ટીચરને ભગાડવાના જુદા જુદા કીમિયા કરે છે. જેમાં કયાંક તેઓ સફળ થાય છે ને ક્યાંક તેઓના ટીચર સફળ થતાં જોવા મળે છે. ટીચરને ભગાડવા માટેના કીમિયાઓમાં કશું નવું નથી અને તો પણ તાજગી સાથે રજૂ થઈ શક્યું છે એ જોવાની ખૂબ મજા આવે છે. તો બીજી તરફ નાનકડા અને ગરીબ પાર્થને તેના શિક્ષક જે રીતે વિદ્યાદાન કરે છે તેમાં તમારી આંખો ભીંજાયા વિના રહેશે જ નહીં. તો જ્યારે પાર્થ શિક્ષક તરીકે ક્લાસના વિદ્યાર્થીઓને ગણિતના પુસ્તક બેગમાં મૂકી બેગને બંધ કરી દેવાનું કહે છે, ત્યારે હવે પછી શું થશેનો રોમાંચ પણ અનુભવાય છે. રસાકસીની હરીફાઈમાં આખરે સાચા અર્થમાં “ટીચર ઑફ ધ યર” કોણ બની રહે છે તે અપેક્ષિત છતાં કેમેરાની નજરે જોવાનું ગમે તેવા સંજોગોમાં પરિણમે છે તે આ આખી વાર્તાને નવી જ ઊંચાઈ બક્ષે છે.

અનિલ ચાવડા, તેજસ દવે અને શૌનક વ્યાસ દ્વારા લખાયેલા ગીતો સાથે પ્રથમેશ ભટ્ટનું સંગીત ફિલ્મને આગળ ધપાવે છે. ગીતોને અવાજ આપ્યો છે કીર્તીદાન ગઢવી, સની શાહ અને બાળકોએ. જ્યારે ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે તપન વ્યાસે. 157 મિનિટ્સની આ ફિલ્મને એડિટર નીરવ પંચાલે સરસ ન્યાય આપ્યો છે.

ટૂંકમાં મારી દ્રષ્ટિએ આ ફિલ્મ શૈક્ષણિક કથાવસ્તુ સાથે આજના સમયના શિક્ષણની મર્યાદાઓને ઉજાગર કરે છે અને સાથે જ સમાજના દરેક બાળકને ભણવાનો અધિકાર છે તે વાતને આપણી સમક્ષ લાવી આપે છે. એક સાચો શિક્ષક પોતાના શિક્ષણમાત્રથી સમગ્ર સમાજને ગૌરવભેર જીવતા શીખવે છે તેનું આ ફિલ્મ સૌથી મોટું ઉદાહરણ કહી શકાય.

- જિગીષા રાજ