હિનાની આંખો ખુલી. બારીમાંથી પડતુ સુરજનુ ચાંદરડું જોઇ રહી. ગળે શોષ બહુ પડ્યો, તરસ બહુ જ લાગી હતી પણ બાજુમાં બોટલ ખાલી પડી હતી.
એને થયુ અવાજ મારુ, પણ માંડી વાળ્યું. આંખમાં આંસુ આવતાં રોક્યા. ખુદને આટલી નિઃસહાય ક્યારેય અનુભવી નહોતી. બાજુમાં પડેલ મોબાઇલ ઉઠાવ્યો..ઓહ 8.30 થઈ ગઇ હતી.
અત્યારે તો એ મોર્નિંગ વોક, યોગા, ચા નાસ્તો બધુ પતાવીને કામવાળી પાસે ઘર સાફ કરાવતી હોય. એક નિશ્વાસ એના મોંમાંથી સરી પડ્યો.
છેલ્લા પંદર દિવસથી એવુ લાગતુુ હતુ કે આખી દુનીયા ઉપર તળે થઈ ગઇ છે. ફરી ફરીને એ દૃશ્ય નજર સામે ફરી વળ્યું. નાની નણંદ ભૂમીના વેવિશાળની વાત ચાલતી હતી, અને એ સીલસીલામાં મહેમાન આવવાના હતાં. ભૂમિ બધી વાતે સામાન્ય હતી. દેખાવ, ભણતર, વાતચીત ક્યાંય કશુ ચડીયાતુ નહીં એટલે બધાને ડર હતો કે આ વખતે પણ ના ન આવી જાય.
ઉતાવળમાં શ્રીખંડ લાવવાનો રહી ગયેલો તો પોતે રસોઈ તૈયાર થતા જ સ્કૂટી લઇને નીકળી પડી હતી. બરાબર ઘરની આગળના ચોકમાં જ કોઈ કાર વાળો ટક્કર મારીને ભાગી ગયો હતો.
બે દીવસ હોસ્પિટલમાં રહીને ઘરે આવી, પગમાં સળીયા સાથે, ઓહ પગમાં થતા દુઃખાવા તરફ ધ્યાન ગયું. અંતે થોડી વાર રહીને અવાજ માર્યો , "ભૂમિ બેન, મમ્મી..." પણ કોઇ જવાબ ના મળ્યો. કંટાળીને મલયને મીસ કોલ કર્યો.
મલયનો પણ કોઈ જ પ્રતીભાવ નહીં. હવે તરસ હામી થતી જતી હતી. અસહાયતા અનુભવતી એ રડી પડી.
ત્યાં શાંતા માસી આવ્યાં. એ વર્ષોથી આ ઘરમાં કામ કરતા હતાં. હાથમાં ચા અને ડીશમાં કોરી બ્રેડની સ્લાઈસ.
"માસી મને કયારનુ પાણી પીવુ છે." એ બોલી. માસી પાણી લેવા ગયા. પાણી સાથે દવા લેતા થોડી શાંતિ થઈ. ચાનો કપ લીધો ને ચા પીવા લાગી. માસી સમજી ગયા. રોજ બધા માટે ગરમાગરમ નાસ્તો બનાવતી હિના માટે એક ભાખરી પણ કોઈ બનાવે નહીં. અચાનક હિનાને યાદ આવ્યુ પુછ્યું, "મલયે નાસ્તો કર્યો?' શાંતા માસીએ કહ્યુ કે "મલય ભાઈ તો ક્યારના ચા પીને નીકળી ગયા. નાસ્તો રસ્તામાં કરી લેશે."
હિનાના દીલમાં એક ટીશ ઉઠી. મળવા પણ ના આવ્યો. હિના-મલયનો રુમ ઉપર હતો પણ હિનાનો પગ ભાંગ્યો એમા એને નીચે પાછળના રૂમમાં શિફ્ટ કરેલ હતી.
પણ મલય એની સાથે એટલુ શુષ્ક વર્તન કરી શકે! માનવામાં નહોતુ આવતુ. સાસુ અને ભૂમિની તો એને નવાઈ નહોતી લાગતી. એ ભૂતકાળમાં ખોવાઇ ગઇ. મલય સાથે જ્યારે લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે એમને કોઈ સગ઼ાએ મલયના મમ્મી જાનકીબેનના સ્વભાવ વીષે ધ્યાન દોર્યું હતુ. પણ મલય એક તો બધા પર છવાઈ ગયો હતો બીજુ મમ્મીને એ વાતનુ સુખ દેખાતું હતુ કે દિકરી ગામમાં જ, નજર સામે જ રહેશે કેમ કે એકનો એક દિકરો-વહુ તો દુબઇ રહેતા હતાં. અને જાનકીબેન પણ માયાળુ વ્યવહાર કરતા હતાં. "બાકી હિના જેવી છોકરી નસીબદાર ને મળે." આવુ મલયના જ કોઈ મિત્રે કહ્યુ હતુ.
અંતે હિના અને મલયના ગોળ ધાણા ખવાઈ ગયા હતા. એ સોનેરી સમયમાં હરતા ફરતા અને એક બીજાની ઘેર જતા આવતા એકબે વાર એને સાસુની અમુક વીચીત્રતાનો અનુભવ થયો હતો, ત્યારે તેને થોડો ડર પણ લાગ્યો હતો પણ ડાર્ક, ટોલ, હેન્ડસમ મલયે કહ્યુ કે "હું બેઠો છું ને તારી ઢાલ બનીને, કોઈ ની મજાલ છે કે તને કાંઇ કહે, હા સુખી કરવાની તો ગેરંટી ન આપી શકુ, એ ફક્ત મારા હાથની વાત નથી પણ, મારે લીધે તુ ક્યારેય દુઃખી નહીં થાય એ હુ જોઇશ...ચાલ મારુ પ્રોમિસ." અને હિનાને બહુ સમજાયુ નહોતુ, પણ પ્રોમિસ શબ્દ સાંભળી ને એ હળવી થઇ ગઇ હતી.
ધામધૂમથી થયેલા લગ્ન અને કેરળનુ હનીમૂન ક્યારે પુરુ થઈ ગયુ સમજ જ ના પડી. ધીરે ધીરે સાસુના સ્વભાવની વીચીત્રતાઓ સામે આવવા લાગી. એક શાક પણ ક્યારેય સમારીને આપ્યું નહી, ત્રણે ટાઈમ જાત ભાતની ફરમાઈશ, હિનાની બધી જ્વેલરી લઇ લઇને એના કબજામાં રાખવી, સાસુ માટે પોતે ગમ્મે તેટલું કરી છૂટે, ક્યારેય મોં પર સ્મિત પણ ન આવતુ. પણ ભૂમિને જુએ તો ખુશ ખુશાલ થઈ જતા.
24 વર્ષની ભૂમિને રસોઈ તો ઠીક વ્યવસ્થિત નાસ્તો બનાવતા પણ નહોતુ આવડતું. એનુ દરેક કામ હિનાએ કરવું પડતુ, ત્યાં સુધી કે એ ભૂમિના કબાટમાં કપડા વ્યવસ્થિત ગોઠવીને થાકી હોયને બીજે દિવસે કઈક શોધવા ભુમિ બધુ ફેંદી મારે ને સાસુ વટહુકમ બહાર પાડી દેતા"આજે જ ભુમિનો કબાટ ગોઠવાઈ જવો જોઈએ, અને એને ઇઝીલી બધુ મળે એમ શાન્તિથી કરજે અને પછી દીલ લગાવીને કામ કરીએતો..ટોપીક પર ભાષણ શરૂ થઈ જતુ.
સસરા તો હતા નહીં પણ સાસુ, મલય અને ભૂમિનુ કરવામાં જ એ થાકી જતી આટલા નાના કુટુંબમાં આટલા કામ હોય! પણ સાસુમાનાં જાદુઈ પીટારામાંથી કામ નીકળે જ રાખતા અને પોતે જરા થાકે તો તરત સાસુની કથાઓનો પટારો ખુલી જતો. "પોતે પરણીને આવ્યાં ત્યારે ગામડે રહેતા અને પોતે કેટલુ અને કેવુ કામ કર્યું તેની ગાથા સંભળાવતા રહેતા અને એની સામે હિનાને તો કેવા જલસા છે" એ સંભળાવતા રહેતા. ક્યારેક એને પોતે મલયને પરણીને મોટી ભુલ કરી બેઠી એવું પણ લાગી આવતુ એનું પ્રોમિસ યાદ આવી જતું.
હિનાનો મરો તો શાંતા માસી રજા પર હોય ત્યારે થતો, ક્યારેય ન કરેલા બધા જ કામ એકલા હાથે ખેંચવા પડતા અને સાસુને રસોઈમાં એકાદ વસ્તુએ ઓછી ન ચાલતી, ઊલટું શાંતા માસી ન આવવાના હોય તયારે એમને અવનવુ ફરસાણ, પકવાન, મીઠાઈ ખાવાની ઇચ્છા ચોક્કસ થઇ જતી, એ આ બધુ બનાવીને થાકીને વાસણનો ઢગલો જોતી અને એની ભુખ જ મરી જતી. મલય ક્યારેક એને કહેતો કે "આજે રસોઈ ના બનાવતી બહાર જમીશુ અને મમ્મી અને ભૂમિ માટે પાર્સલ લઈ આવીશું." તો એે હળવુ ફીલ કરતી પણ ભૂમિ હંમેશા સાથે આવવાની જીદ કરતી અને સાસુ એમ કરને મારા માટે બે ભાખરી અને થોડુંક શાક- ખીચડી બનાવતી જજે એવું ક્હે.., બહારનુ મને નહીં ફાવે, ને એનો બધો જ ઉત્સાહ ઓગળી જતો. મલય પણ ઓફીસના કામમાં ગળાડૂબ રહેતો, એને થતુ આટલો ધસરડો શા માટે કરે છે, ઘરનું ઘર છે, ગાડી છે, ભૂમિ માટે 30 તોલા સોનુ તો સાસુએ મલય પાસે લેવડાવી લીધુ છે, તગડો પગાર છે,પછી ઓવર ટાઈમ શા માટે. પણ મલયને જાણે ઝનૂન ચડ્યું હતુ વધુ કમાવાનુ. હિના ને હવે સાવ એકલી પડી ગઇ એવું ક્યારેક લાગતું, માંડ કામ પતાવીને ક્યારેક મમ્મી ને મળવા જતી અને થોડી વારમાં સાસુ નો ફોન આવી જતો.
એમા ભૂમિની વાતો ચાલ્યા કરતી અને પોતે મહેમાનોને જમાડ્યા કરતી, એ દિવસે એમ જ એક્ષિડન્ટ થયેલોને. ખબર નહીં કેમ સાસુ કે ભૂમિ તો એની પાસે આવતા પણ નહીં અને એ સાસુ કે જે એક દિવસ બહારનું ના ચલાવતા એ રોજ સાંજે જમવાના પાર્સલ મંગાવતાં થઈ ગયા હતાં, ગરમ નાસ્તાનું સ્થાન બિસ્કીટ અને વેફર્સ અને બ્રેડનાં પેકેટ લઇ ચુક્યા હતાં અને પોતે ઉપેક્ષિત, અપંગ જેવી અહિયાં પડી હતી. મમ્મી પપ્પા પણ ભાઈ પાસે ભાભીની ડીલીવરી કરાવવા દુબઇ ગયા હતાં.
હિનાની આંખોમાંથી આંસુ ની સરવાણી ફૂટી નીકળી. એને માન્યામાં નહોતું આવતુ કે થોડી પથારીમાં પડી અને મલય આમ બદલાઇ જશે. કાલે જ રાત્રે સાસુ એને "ક્યાં સુધી સેવા કરાવવી છે, શરમ નથી આવતી." એવી એવી વાતો સંભળાવી ગયા હતા , એને સમજાતું નહોતુ કે આમાં એનો શુ વાંક.
ભૂ્મીની ઉદ્ધતાઈ પણ બહુ વધી ગઇ હતી, એક પાણીનાં ગ્લાસ માટે પણ હેરાન કરતી. ત્યાં મોબાઇલ વાગ્યો, દુબઈથી મમ્મી હતાં, "કેમ છે બેટા, ધ્યાન રાખજે, અમે પણ ત્યાં નથી પણ મલય કુમાર છે એટલે અમને જરાયે ફિકર નથી.. અને એ ફોન કટ કરી ને મોકળા મને રડી પડી."
"રડ નહી હવે" મલય નો અવાજ આવ્યો, એ ચમકી ગઇ. એ તો ઓફિસે જતો રહ્યો હતો ને! ત્યાં નર્સ આવી અને હોસ્પિટલના ગણવેશમા હોય એવા બે માણસો એને સ્ટ્રેચર પર લેવા લાગ્યા. અવઢવમાં એ પુછવા લાગી કે આ બધુ શું છે , તો મલયે એને ઈશારાથી ચુપ રહેવા કહ્યુ. મલયના ચહેરા પર રહસ્યમય સ્મિત હતુ.
બહાર ભૂમિ કે સાસુ દેખાતા નહોતા, શાંતા માસીએ કહ્યુ કે બન્ને ખરીદી કરવા ગયા છે. મલયે સ્ટ્રેચર ગાડીમાં લેવડાવ્યુ અને અંતે એક નાનકડા મકાન પાસે ગાડી ઊભી રહી. મકાન પર લખેલુ હતુ હિના-મલય. એ સાનંદાશ્ચરય જોઇ રહી. મલયે સલુંકાઈથી એને અંદર લેવડાવી અને કહેવા લાગ્યો , "નર્સ તારી 24 કલાક તહેનાતમાં રહેશે અને રસોઇ કરવા વાળા બેન આવશે મેઁ કહી રાખ્યું છે , મેં મમ્મીને સમજાવવાની બહુ કોશિશ , વિનંતિઓ કરી, પણ નથી એ સુધરતા નથી ભૂમિને સમજાવતા. હુ તને રડવા ને દુઃખી કરવા તો નથી પરણ્યો ને, હમણાં એને કહી દેજે આજે લાપસી બનાવે, આપણો આજે નવા ઘરમાં ગૃહ પ્રવેશ છેને , અને હા હું ઓફિસે રજા નું કહી, થોડુ કામ પતાવીને આવુ છું. રાહ જોજે, સાથે જમીશુ!"