Once Upon a Time - 76 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 76

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 76

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 76

‘આ કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામી એટલે ચંદ્રાસ્વામી એવું હવે તમારે વાચકોને કહી દેવું જોઈએ. આ ભેદી માણસ વિશે તમે એક અલગ સિરીઝ લખી શકો, પણ આપણે તો એ માણસનું નામ જ્યાં જ્યાં ખરડાયું છે અને એના જેટલી વાતો જાહેર થઈ છે એ જ વાતો કરીએ.’ પપ્પુ ટક્લાએ કહ્યું.

ફાઈવફાઈવફાઈવ પૂરી કરીને બીજી સિગારેટ સળગાવવા માટે નાનકડો બ્રૅક લઈને વાત આગળ ધપાવતાં પપ્પુ ટકલાએ કહ્યું, ‘૧૯૪૯માં રાજસ્થાનના અલવર જિલ્લામાં અચલાદેવી અને ધર્મચંદ જૈનના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે એ દંપતીએ કલ્પના નહીં કરી હોય કે, એમનું એ ફરજંદ દેશના વડા પ્રધાનોને પણ પોતાની આંગળીએ નચાવશે. દીકરાનું નામ એમણે નેમિચંદ પાડ્યું. નેમિચંદે બાળપણમાં તો માબાપને હતાશા જ આપી. એનું ભણવામાં ધ્યાન લાગ્યું નહીં. નવ ચોપડી સુધી ભણીને નેમિચંદ જંગલોમાં ભટકતો થઈ ગયો. સ્કૂલમાં જવાનો સમય એણે નેપાળ અને બિહારનાં જંગલમાં તાંત્રિક સાધુઓ સાથે ગાળવા માંડ્યો. એ પછી યુવાન વયે એ શહેરી દુનિયામાં આવી ગયો. એ દરમિયાન એનું કુટુંબ આંધ્રપ્રદેશ જતું રહ્યું હતું. નેમિચંદ જૈનની મહત્ત્વાકાંક્ષા અમાપ હતી. એણે સૌપ્રથમ હૈદરાબાદમાં પોતાનો અડ્ડો જમાવ્યો અને તાંત્રિક તરીકે કારકિર્દી શરૂ કરી ત્યાં એણે ચંદ્રાસ્વામી નામ ધારણ કરીને રાજકારણીઓ સાથે સંબંધ વિકસાવવા માંડ્યો. હૈદરાબાદમાં એની મુલાકાત નરસિંહરાવ સાથે થઈ. નરસિંહરાવ સાથે દોસ્તી થયા પછી ચંદ્રાસ્વામીને રાજકારણીઓ ભક્તોરૂપે મળવા લાગ્યા. ચંદ્રાસ્વામીએ ચમત્કારોનું તૂત ચલાવીને ઘણા રાજકારણીઓને આંજી દીધા. મહત્ત્વાકાંક્ષી રાજકારણીઓ સત્તા મેળવવા માટે ચંદ્રસ્વામીનાં ચરણોમાં આળોટવા લાગ્યા. રાજકારણીઓ પછી ફિલ્મસ્ટાર્સ પણ સામે ચાલીને ચંદ્રાસ્વામીના ભક્તો બનવા માંડ્યા. હેમામાલિની અને રાજ બબ્બર જેવા ફિલ્મસ્ટાર્સ ચંદ્રાસ્વામીથી અંજાઈ ગયા એ પછી બીજા અનેક ફિલ્મસ્ટાર્સ પણ એમની પાછળ પાછળ ચંદ્રાસ્વામીના શરણે થવા લાગ્યા.

ચંદ્રાસ્વામી મહત્ત્વાકાંક્ષી રાજકારણીઓ અને ફિલ્મસ્ટાર્સ માટે તાંત્રિક વિદ્યા અજમાવવા લાગ્યા પણ એની પોતાની મહત્ત્વાકાંક્ષા અમાપ હતી. એમણે નરસિંહરાવ પછી દેવીલાલ, વિદ્યાચરણ શુક્લ, કેપ્ટન સતીશ શર્મા, ઓમપ્રકાશ ચૌટાલા અને આર. કે. ધવન જેવા રાજકારણીઓ સાથે સંબંધ વિક્સાવ્યો. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે ચંદ્રાસ્વામીએ ઈન્દિરા ગાંધીને પોતાનાં આધ્યાત્મિક બહેન ગણાવવાનું તૂત પણ ચલાવ્યું. કટોકટી પછી તો ચંદ્રાસ્વામી દિલ્હીની પાવરલૉબીમાં અત્યંત વર્ચસ્વ ધરાવવા માંડ્યો. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે અસંતુષ્ટ કૉંગ્રેસી નેતાઓએ રાજીવને હટાવવા માટે ચંદ્રાસ્વામીની મદદ લીધી હતી, પણ રાજીવ ગાંધીને આ વાતની ખબર પડી ગઈ ત્યારે ચંદ્રાસ્વામીએ સામે ચાલીને રાજીવ ગાંધી સાથે સમાધાન કરી લીધું હતું. બોફર્સ કૌભાંડ બહાર આવ્યું ત્યારે ચંદ્રસ્વામીએ વિપક્ષી નેતાઓને અને અસંતુષ્ટ કૉંગ્રેસી નેતાઓને ખાતરી આપી હતી કે તેઓ પોતાના વિદેશસ્થિત મિત્રોની મદદથી રાજીવ સામે ત્રણ પુરાવા અપાવશે. ચંદ્રાસ્વામીએ શેખી કરી હતી કે તેઓ સોનિયા ગાંધીના પિતાનું વસિયતનામું લાવી આપશે જેનાથી એવું સાબિત કરી શકાશે કે રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા પછી એમની સંપત્તિમાં કેટલો વધારો થયો હતો. ચંદ્રાસ્વામીએ બીજું વચન એ આપ્યું હતું, કે હું એવી તસવીરો લાવી આપીશ જેમાં સોનિયા ગાંધીના પિતાની અંતિમવિધિ વખતે બોફર્સના અધિકારીઓ રાજીવના સાળા વૉલ્ટર વિન્સી સાથે વાત કરી રહ્યા હોય અને એનાથી પણ મોટી ડિંગ તો એમણે એ હાંકી હતી કે હું બોફર્સના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન આર્ડબોની એવી ટેપ લાવી દઈશ કે જેમાં એમણે કબુલ્યું છે કે રાજીવ ગાંધીએ કંપનીની હોવિત્ઝર તોપના સોદામાં કટકી મેળવી હતી! કહેવાની જરૂર નથી કે, ચંદ્રાસ્વામી વિપક્ષી નેતાઓને ક્યારેય આ બધા પુરાવા અપાવી શક્યા નહોતો...’

ચંદ્રાસ્વામીની કરમકુંડળી કહેતા કહેતા અચાનક પપ્પુ ટકલાને હસવું આવ્યું. આ પણ એની એક સ્ટાઈલ હતી. વાત કહેતા કહેતાં એને કોઈ કિસ્સો કે કઈક રમૂજી વાત યાદ આવી જાય તો એ હસી પડે અને પછી રમતિયાળ ઢબે વાત આગળ ચલાવે. બ્લેક લેબલનો પેગ પૂરો કરીને નવો પેગ બનાવતાં એણે ચંદ્રાસ્વામીની કરમકથા આગળ ચલાવી, ‘ઘણા કબાડી માણસો માટે આપણે કહેતા હોઈએ છીએ કે, એ તો ઊડતા પંખી પાડે એવો ખેલાડી છે. ચંદ્રાસ્વામીને તમે એ કેટેગરીમાં મૂકી શકો. એ માણસે આપણા દેશના ટોચના રાજકારણીઓ સાથે સબંધ ગાઢ બનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે દોસ્તી કરવા માંડી. એણે બ્રુનેઈના સુલતાનથી માંડીને બહુ વગોવાયેલા શસ્ત્ર સૌદાગર અદનાન ખાશોગી સુધી પોતાની ‘માયાજાળ’ ફેલાવી. આ માણસના ઊંધાચત્તા ખેલ જાણીને તમને આશ્ચર્ય અને રમૂજની મિશ્ર લાગણી થયા વિના રહે નહીં. અને ક્યારેક તમને આઘાત પણ લાગે કે આ માણસ સાથે કેવા નેતાઓ સંબંધ રાખતા હતા અને રાખે છે. પ્રિન્સેસ ડાયનાના પ્રેમીથી માંડીને આંતરરાષ્ટ્રીય સેક્સ કૌભાંડમાં જેનું નામ ચમક્યું હતું એ પામેલા બૉર્ડ્સ પણ ચંદ્રાસ્વામીની ‘કબાડીકથા’ના પાત્રો રહી ચૂક્યાં છે. પ્રિન્સેસ ડાયેનાના પ્રેમી ડોડી ફયાદના પિતા મોહમ્મદ ફયાદને લંડનનો વિશ્વવિખ્યાત ‘હેરોડ્સ’ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખરીદવો હતો ત્યારે એમને આર્થિક સહાયની જરૂર પડી હતી અને એમાં કેટલાક રાજકીય વિઘ્નો પણ આવ્યા હતા. ચંદ્રાસ્વામીએ મોહમ્મદ ફયાદની મુલાકાત બ્રુનેઈના સુલતાન સાથે કરાવી આપી અને મોહમ્મદ ફયાદની આર્થિક સમસ્યા દૂર થઈ ગઈ અને બીજી બાજુ ઈંગ્લેન્ડના તત્કાલીન વડા પ્રધાન માર્ગારેટ થેચરના દીકરા માર્ક થેચરે હેરોડઝ સ્ટોર ખરીદવામાં ઊભી થયેલી રાજકીય અડચણ દૂર કરી આપી.’

‘મોહમ્મદ ફયાદની બ્રુનેઈના સુલતાન સાથે મુલાકાત ગોઠવીને એને આર્થિક સહાય અપાવવા માટે ચંદ્રાસ્વામીને તગડું કમિશન મળ્યું હોવાની અને એ કિસ્સામાં પાછળથી ચંદ્રાસ્વામીએ ફેરાનો ભંગ કર્યો હોવાની વાત બહાર આવી હતી. શેક્સપિયરની ભાષા બદલીને વાત કરીએ તો વિશ્વની રંગભૂમિમાં ચંદ્રાસ્વામીએ એક કલાકારને બદલે દિગ્દર્શકનો રોલ ભજવવાનું પસંદ કર્યું હોય એમ પડદા પાછળ રહીને એમ પડદા પાછળ રહીને એણે જાતભાતના નાટકો કરાવ્યાં છે. જોકે ચંદ્રાસ્વામીના અનેક નાટક નિષ્ફળ ગયા હતા એમ છતાં ચંદ્રાસ્વામીને ‘માનનારા’ રાજકારણીઓનો એક મોટો વર્ગ હતો. રાજીવ ગાંધીને વડા પ્રધાન તરીકે બરતરફ કરાવીને એમની જગ્યાએ પી.વી. નરસિંહરાવને લાવવા માટે ચંદ્રાસ્વામીએ અનેક કાવાદાવા કર્યા હતા. આ માણસની હિંમત કે ધુષ્ટતા તો એ હદ સુધીની હતી કે એણે એક તબક્કે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહને એવી ઓફર કરી હતી કે, તમે રાજીવ ગાંધીને વડા પ્રધાનપદેથી બરતરફ કરશો તો તમને રૂપિયા ૪૦ કરોડ મળશે! ખુદ જ્ઞાની ઝૈલસિંહે પણ આ વાત જાહેર કરી હતી. પણ આ વાતની ખબર પડી જતા રાજીવ ગાંધીએ ચંદ્રાસ્વામીને પાઠ ભણાવ્યો એ પછી ભાજપના એક ટોચના નેતા (એનું નામ પપ્પુ ટકલાએ આપ્યું હતું, પણ તેણે એ સાથે જ ભલામન કરી હતી કે એ નેતા થોડા સમય અગાઉ જ બીમારીથી મ્રુત્યુ પામ્યા છે એટલે એનું નામ ન લખતા!) અને એક ટોચના અંગ્રેજી દૈનિકના માલિક ચંદ્રાસ્વામીની વહારે ધાયા હતા. વિખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણી પણ ચંદ્રાસ્વામીના એડવોકેટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પણ પછી છેવટે ચંદ્રાસ્વામી પોતે જ પાણીમાં બેસી ગયા. અને એમણે રાજીવ ગાંધી સાથે સમાધાન કરી લીધું. જોકે આ ઈન્ટરનેશનલ ખેલાડીને એવું કરવામાં શરમ આવી નહોતી. એણે પોતાનો ‘ખેલ’ ચાલુ જ રાખ્યો હતો. પણ ૧૯૯૫માં નેમિચંદ ધર્મચંદ જૈન ઉર્ફે ચંદ્રાસ્વામીના ગ્રહો વંકાયા હોય એમ એમના પર કાનૂની આફત આવી પડી અને એ આફત દાઉદ ઈબ્રાહિમના કટ્ટર દુશ્મન અને છોટા રાજનના દિલોજાન દોસ્ત બની ગયેલા બબલુ શ્રીવાસ્તવને કારણે આવી હતી. ચંદ્રાસ્વામી જેને મગતરું માનતા હતા એ બબલુ શ્રીવાસ્તવ ચંદ્રાસ્વામીને માટે આફતનું પોટલું સાબિત થયો હતો.

* * *

‘મૈં આપ કો એક હોટ સ્ટોરી દે સકતા હૂં, લેકિન યે સ્ટોરી કિસી ભી હાલત મેં પેપર મેં આની ચાહિયે...’

કાનપુર સેન્ટ્રલ જેલમાં એક પત્રકાર સાથે વાત કરતાં બબલુ શ્રીવાસ્તવ બોલી રહ્યો હતો.

‘આપ સ્ટોરી બતાઈયે તો સહી,’ પત્રકારે અધીરા બનીને કહ્યું.

‘મૈં આપ પર ભરોસા કર કે બતા રહા હૂં.’ કહેતાં બબલુ શ્રીવાસ્તવ બોલતો ગયો અને પત્રકાર પહોળી આંખે અવાચક બનીને એને સાંભળતો રહ્યો!

(ક્રમશ:)