વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 75
‘દાઉદ ગૅંગના શાર્પ શૂટર સલીમ હડ્ડીએ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં પડાવ નાખ્યો હતો. ઈન્દોર શહેર સલામત આશ્રયસ્થાન છે, એવું સલીમ હડ્ડી માનતો હતો. પણ મુંબઈ પોલીસની ટીમ સલીમ હડ્ડીનું પગેરું કાઢીને ઈન્દોર પહોંચી ગઈ અને પોલીસે સલીમ હડ્ડીના ઘરમાં દરોડો પાડ્યો ત્યારે એના ઘરની દીવાલના પોલાણમાંથી ચાઈનીઝ બનાવટની પિસ્તોલ્સ સહિત શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો.
ભારતમાં કોઈ સલામત આશ્રયસ્થાન નથી એવું લાગતાં દાઉદ ઈબ્રાહિમ અકળાયો હતો. એ જ અરસામાં રોમેશ શર્માએ એની સામે એક દરખાસ્ત મૂકી. રોમેશ શર્મા સકળ રાજકારણી બનવા માગતો હતો. એણે આડાતેડા ધંધા કરીને અબજો રૂપિયા બનાવ્યા હતા. પણ એની સત્તા મેળવવાની લાલસા અધૂરી હતી એણે દાઉદની સામે એક દરખાસ્ત મૂકી અને એ દરખાસ્તનું વજન વધારવા કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની મદદ લીધી.’
પપ્પુ ટકલાએ વચ્ચે એક નાનકડો બ્રેક લીધો. તેણે બ્લેક લેબલનો વધુ એક લાર્જ પેગ બનાવીને એમાંથી મજેદાર રીતે એક ઘૂંટ ભર્યો અને પછી ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને એ રિંગાકારે મોંમાંથી ધુમાડો બહાર કાઢવા માંડ્યો. ધુમાડાની રિંગમાં કોઈ દૃશ્ય જોઈ રહ્યો હોય એમ એણે નાટકીય ઢબે અંડરવર્લ્ડ કથા આગળ ચલાવી.
* * *
‘યે રોજ રોજ કી ખીટપીટ સે બહાર નિકલને કે લિયે પોલિટિક્સ મેં ઘૂસના ચાહિયે, એક બાર પાવર હાથ મેં આ જાને કે બાદ સબ લોગ આપ કો સલામ કરેંગે. ઈન્ડિયા કે સબ પોલિટિશિયન કિતને ચાલુ ઔર ઘટિયા કિસમ કે હૈ વો આપ ભી જાનતે હૈ ઔર મૈં ભી જાનતા હૂં. કિતને મર્ડરર આજકલ મિનિસ્ટર બનકે ઘૂમ રહે હૈ..’
રોમેશ શર્મા દાઉદ ઈબ્રાહિમને સમજાવી રહ્યો હતો.
‘લેકિન હમારે લિયે યે સબ ઈતના ઈઝી નહીં હૈ, બમ્બઈ મેં બૉમ્બ બ્લાસ્ટ્સ કે બાદ તો હાલત ઔર મુશ્કિલ હો ગયે હૈ,’ દાઉદે રોમેશ શર્માને બ્રેક મારતા વાસ્તવિકતા યાદ કરાવી.
‘અરે, આપ કો કહાં પિક્ચર મેં આના હૈ, હમ નયી પાર્ટી બનાયેંગે. કુછ નેતા લોગ કો હમારે સાથ લે લેંગે. એક બાર હમારે દસ સે બીસ લોગ ભી પાર્લામેન્ટ મેં પહુંચ ગયે તો ફિર પ્રાઈમ મિનિસ્ટર્સ કી કુર્સી પે બૈઠના ભી આસાન હૈ, ઈન્ડિયા મેં સબ કુછ પૈસે સે ચલતા હૈ. સ્વામીજીને એમ.પી. ખરીદને મેં હેલ્પ કરને કા પ્રોમિસ દિયા હૈ. સ્વામીજી કે આશીર્વાદ સે વો બુઢ્ઢા બડે પ્યાર સે પ્રાઈમ મિનિસ્ટર બન ગયા ઔર કોઈ ભી ઉન કા કુછ ભી નહીં બિગાડ સકા. લેકિન અબ બુઢ્ઢા હમારે કોઈ કામ કા નહીં રહા. સ્વામીજી ભી ઉનસે નારાજ હૈ. સ્વામીજી કહતે હૈ કિ અબ હમેં હી કુછ કરના પડેગા,’ રોમેશ શર્માએ કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીનો હવાલો આપીને દાઉદને સમજાવવાની કોશિશ ચાલુ રાખી.
‘લેકિન યે સબ હોગા કૈસે? એમ.પી. લોગોં કો ખરીદના ઈતના આસાન હોગા ઐસા તુમ્હેં લગતા હૈ? ઔર આજકલ સ્વામીજી ભી તો બડી મુશ્કિલ મેં આ ગયે હૈ’, દાઉદે આશંકાભર્યા સ્વરમાં કહ્યું.
‘સ્વામીજી કો કુછ નહીં હોગા, મૈં લિખ કે દે સકતા હૂં. ઐસે છોટે-મોટે લફડે તો હોતે રહતે હૈં. સ્વામીજી બોલેંગે તો સૌ સે જ્યાદા પાર્લામેન્ટ મેમ્બર કો ચુટકી બજાતે અપને સાથ લે લેંગે, ઔર વૈસે ભી એક એમ.પી. કી કિંમત ક્યા હૈ? કુછ એમ.પી. તો દો-તીન કરોડ મેં અપની બહન-બેટી કો ભી હમારે પાસ ભેજ દે ઐસે હૈ,’ રોમેશ શર્માએ વિશ્ર્વાસપૂર્વક કહ્યું.
‘યે બાત તો તુમ કો જ્યાદા માલૂમ હો સકતી હૈ. તુમ્હારી કોઠી મેં હાઈ કોર્ટ કે જજ ભી અપની બેટી કો લે કે આતે હૈ,’ દાઉદે રોમેશ શર્માની કમેન્ટ પર ટીખળ કરી.
થોડા સમય અગાઉ હાઈ કોર્ટના એક જજ તેમની બે દીકરીઓને લઈને રોમેશ શર્માના પૅલેસ જેવા ઘરે જતા હતા અને તેમને પોતાની બંને યુવાન દીકરીઓને રોમેશ શર્માના બૅડરૂમમાં ઉપરના માળે મોકલી આપતા અને પોતે નીચે શરાબ પીવા બેસતા હતા એ સ્ટોરી મીડિયામાં ચમકી હતી એ સંદર્ભમાં એ ટીખળ હતી.
‘સબ કુછ હો સકતા હૈ. પાંચસો કરોડ રૂપિયા તો બહુત હો જાયેગા. તુમ દોસો કરોડ રૂપિયા નિકાલો બાકી મૈં સબ મેનેજ કર લૂંગા. સ્વામીજી કહતે હૈ કિ ઉનકે પૂરે કૉન્ટેક્ટ્સ વો યુઝ કરેંગે,’ રોમેશ શર્માએ દાઉદને પાનો ચડાવતા ઉમેર્યું. પછી એ દાઉદને એની યોજના સમજાવતો ગયો. અખિલ ભારતીય કૉંગ્રેસ નામનો નવો પક્ષ બનાવીને એ પક્ષના નેજા હેઠળ કેન્દ્ર સરકાર બનાવવાની રોમેશ શર્માની નેમ હતી. આખરે દાઉદના ગળે રોમેશ શર્માની વાત ઊતરી હતી.
‘ઠીક હૈ ચલો, યે ભી કર કે દેખ લેતે હૈ. ઈતના રિસ્ક લે કે અગર પાવર મિલતા હૈ તો મુઝે કોઈ ઐતરાઝ નહીં હૈ. તુમ જબ ચાહો પૈસા તુમ્હેં મિલ જાયેગા, મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર!’ રોમેશ શર્માની સાથે સહમત થયા બાદ દાઉદે કરેલી મજાક પર બંને ખડખડાટ હસી પડ્યા.
* * *
ભારતના વડા પ્રધાન બનવાનાં સમણાં જોઈ રહેલા રોમેશ શર્માએ દાઉદ ઈબ્રાહિમ પાસેથી ખાતરી લઈને પોતાની ‘રાજકીય’ પ્રવૃત્તિઓમાં વેગ આણ્યો. રોમેશ શર્માએ અખિલ ભારતીય કૉંગ્રેસ નામનો પક્ષ રચ્યો. એ વખતે શર્મા ઈન્ટરનેશનલ ગ્રુપ યુનિટી સેન્ટર અને ઑલ ઈન્ડિયા કોમી એકતા કમિટી જેવાં સંગઠનોનો અધ્યક્ષ હતો. રોમેશ શર્મા પોતાની અને કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની તાકાત પર મુસ્તાક હતો. બીજી બાજુ એણે દેશનાં કેટલાંક ટોચનાં ઉદ્યોગગૃહો સાથે વાટાઘાટો શરૂ કરી. નંબર વન ગણાતા એક અત્યંત પાવરફુલ ઉદ્યોગગૃહના પ્રેસિડેન્ટ સાથે તો રોમેશ શર્માને ઘર જેવો સંબંધ હતો. એ સિવાય બીજા એવા ઘણા કબાડી ઉદ્યોગપતિઓ હતા જે કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીના ભક્ત હોય. એ વખતે પી.વી. નરસિંહરાવ અને કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની દોસ્તી જાહેર હતી. વડા પ્રધાન નરસિંહરાવ સાથે કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીને એટલો ગાઢ સંબંધ હતો કે નરસિંહરાવના સત્તાવાર બંગલોમાં કેબિનેટ પ્રધાનો એમને મળવા આવે ત્યારે એમની પણ કારની તપાસ થતી, પણ દાઢીધારી સ્વામી એમની ઈમ્પોર્ટેડ કારમાં નરસિંહરાવના બંગલોમાં જતા ત્યારે એમની કાર ચૅક કરવાની સિક્યુરિટી ઑફિસર હિંમત કરતા નહોતા.
દાઢીધારી સ્વામીની આવી વગને કારણે અંડરવર્લ્ડના ડૉનથી માંડીને સિનિયર કેબિનેટ પ્રધાનો પણ એમનો ‘આદર’ કરતા હતા, પણ દાઉદ ઈબ્રાહિમ અને રોમેશ શર્માના ગુરુ સમા તાંત્રિક સ્વામી અચાનક સીબીઆઈની ઝપટમાં આવી ગયા અને દાઉદ અને શર્મા હતપ્રભ બની જાય એવી ઘટના બની. દાઉદ અને રોમેશ શર્મા અને તાંત્રિક સ્વામી બબલુ શ્રીવાસ્તવને થોડો સમય માટે જાણે બિલકુલ ભૂલી ગયા હતા. બબલુ શ્રીવાસ્તવ ઈન્ટરપોલના અધિકારીના હાથમાં ઝડપાઈ ગયો એ વખતે તો આ બધા હરખાઈ ગયા હતા. સિંગાપોરના એરપોર્ટમાં બબલુની ધરપકડ થયા પછી કાનૂની વિધિ પતાવીને એને દિલ્હી લાવવામાં આવ્યો ત્યારે બબલુએ ઘણા ઉધામા કર્યા હતા, પણ એ કાનૂની જાળમાં બરાબર ફસાઈ ગયો. જોકે થોડા સમયમાં બબલુને જેલ માફક આવી ગઈ અને એણે જેલમાં બેઠા-બેઠા ‘કારોબાર’ ચલાવવા માંડ્યો. એના બહારનાં ‘કામ’ પર છોટા રાજન દેખરેખ રાખવા માંડ્યો. દાઉદે રોમેશ અને સ્વામીને એમ કહ્યું કે, સીબીઆઈના હાથમાં ગયેલો બબલુ શ્રીવાસ્તવ ટાઢો પડી જશે અને સીબીઆઈ એ વખતે પી.વી. નરસિંહરાવના હાથમાં હતી અને નરસિંહરાવ તાંત્રિક સ્વામીના મિત્ર હતા એટલે છોટા રાજન પણ થોડો સમય ઉચાટમાં હતો, પણ બબલુ શ્રીવાસ્તવ ઉસ્તાદ સાબિત થયો. એણે સીબીઆઈને એવી માહિતી પૂરી પાડી કે દાઉદ અને શર્માના પગ તળેથી ધરતી સરકી જાય, પણ સીબીઆઈના ઉત્સાહી અધિકારીઓએ દેખીતી રીતે અકળ કારણથી (અને પાવર લૉબીની નજરે કળી શકાય એવા કારણથી) એ માહિતી દબાવી રાખી, પણ બબલુ શ્રીવાસ્તવે મોકો જોઈને સોગઠી મારી અને રોમેશ શર્મા દાઉદ ઈબ્રાહિમ અને તાંત્રિક સ્વામીને એરકંડિશનરની ઠંડીમાં પણ પરસેવો વળી ગયો એવી ઘટના બની.
(ક્રમશ:)