Rudra ni Premkahani - 3 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | રુદ્ર ની પ્રેમકહાની - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રુદ્ર ની પ્રેમકહાની - 3

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 3

બકાર નામનાં યક્ષની સેવાભાવી વૃત્તિનાં કારણે દેવતાઓ ને બકાર પ્રત્યે ઈર્ષ્યા પેદા થાય છે.. આ ઈર્ષ્યા નાં લીધે ઈન્દ્ર અને બીજાં દેવતાઓ મળી બકાર ને સ્વર્ગમાંથી કાઢી મૂકે છે.. દેવર્ષિ નારદ પણ આ ષડયંત્રમાં દેવતાઓનો સાથ આપી ભગવાન શંકર સમક્ષ ઝુઠાણું ચલાવે છે જેથી મહાદેવ દેવતાઓ ઉપર ક્રોધિત ના થાય.. સ્વર્ગમાંથી પાતાળલોક પહોંચેલા બકારને નિમ લોકોનાં કુળગુરુ ગેબીનાથ નો ભેટો થાય છે.. જે બકારને જણાવે છે એની વિરુદ્ધ દેવતાઓએ ચાલ ચાલી હતી.

"પણ આમ કરવાનું કારણ.. હું તો ફક્ત પૃથ્વીલોક પર જરૂરિયાતમંદ લોકોની સેવા કરતો હતો.. એમાં એ બધાં દેવતાઓને કઈ વાતનું માઠું લાગ્યું..? "ઈન્દ્ર દેવે બકાર ની વિરુદ્ધ કઈ રીતે ષડયંત્ર રચ્યું એની વાત ગુરુ ગેબીનાથે જ્યારે બકારને કરી ત્યારે એને સવાલસુચક નજરે ગેબીનાથ તરફ જોતાં કહ્યું.

"યક્ષરાજ, આ દુનિયા તમે માનો છો એવી સરળ નથી.. અહીં બધાં ને પોતાનું કામ કરવું નથી અને બીજો જો એમનાં ભાગનું કામ કરે તો એમને પોતાનું સ્થાન ગુમાવવાનો ભય રહે છે. આવું જ કંઈક દેવતાઓને લાગ્યું કે ક્યાંક તમારાં સત્કાર્યો નાં લીધે મનુષ્યો તમને મસીહા માની પૂજવા ના લાગે.. આવું થાય તો મનુષ્યો દેવતાઓની પૂજા ના કરે અને એવું થાય તો એમની શક્તિ માં ઘટાડો થાય.. "દેવતાઓએ કેમ બકાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું એનો સવિસ્તર જવાબ આપતાં ગુરુ ગેબીનાથે કહ્યું.

ગુરુ ગેબીનાથની વાત સાંભળી બકારનાં હૃદયમાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી.. પોતે કંઈપણ ખોટું નહોતું કર્યું છતાં દેવતાઓએ પ્રપંચ કરી પોતાની સાથે જે પ્રકારનો વ્યવહાર અને નીચાં જોવાંપણું કર્યું હતું એની દાહ હવે બકારને દઝાડી રહી હતી.. અત્યાર સુધી શાંત રહેલાં બકારનાં મનમાં જે ક્રોધ અને નફરત ની લાગણી પેદા થઈ હતી એનાં કારણે એનાં દેહમાં અચાનક પરિવર્તન આવવાં લાગ્યું.

યક્ષરાજ બકાર નાં દેહ નો રંગ આગની માફક કેસરી થઈ ચૂક્યો હતો.. અને દર્દ તથા પીડા ની અપાર લાગણી સાથે બકાર નાં પીઠનાં ભાગમાંથી ગરુડ પક્ષીની માફક વિશાળકાય પાંખો નીકળી આવી.. બકાર નાં રોમરોમમાં અત્યારે ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો.. શક્તિશાળી બકાર હવે મહાશક્તિશાળી બની ચુક્યો હતો.

"ગુરુદેવ મને રજા આપો.. હવે હું એ ઘમંડી ઈન્દ્રરાજ અને સમસ્ત દેવતાઓને સબક ના શીખવાડું તો મારું નામ બકાર નહીં.. "આખરે એક વિશાળકાય સ્વરૂપમાં પરિવર્તિત થઈ ચુકેલાં બકારે પોતાની મનની ઊર્મિઓને શબ્દોમાં રજૂ કરતાં કહ્યું અને ગેબીનાથ નાં ચરણસ્પર્શ કર્યાં.

"યક્ષરાજ, તમે એકલાં છો અને એ દેવતાઓ જોડે સમસ્ત દેવગણ તથા મનુષ્ય જાતિ પણ છે.. તો કઈ રીતે તમે દેવતાઓ ને હાનિ પહોંચાડી તમારાં ક્રોધને શાંત કરશો..? "બકાર ની તરફ લાગણીસભર ભાવ સાથે જોતાં ગુરુ ગેબીનાથે સવાલ કર્યો.

"ગુરુવર, એકલો થયો તો શું થયું.. મારી સાથે મારાં મહાદેવ નો આશીર્વાદ છે અને જ્યાં સુધી આ આશીર્વાદ મારાં માથે બન્યો રહેશે ત્યાં સુધી મને ઉની આંચ પણ નહીં આવે.. "મક્કમ નિશ્ચય કરતાં બકારે નતમસ્તક થઈ ગુરુ ગેબીનાથ ને કહ્યું.

"સારું તો હવે તમે મન બનાવી જ લીધું છે એ દ્યુત દેવતાઓને પાઠ ભણાવવાનું તો મારાં આશીર્વાદ તમારી સાથે જ છે કે તમારી સઘળી મંછાઓ પૂર્ણ થાય.. હર મહાદેવ. "બકારનાં માથે હાથ મૂકી ગુરુ ગેબીનાથે કહ્યું.

"હર હર મહાદેવ.. હર હર મહાદેવ.. "આટલું કહી બકાર માં ભૈરવીનાં મંદિરમાંથી બહાર નીકળી ગયો.

"દેવતાઓ એ મને સ્વર્ગમાં જવાની મનાઈ ફરમાવી છે.. પણ હું પૃથ્વીલોક ઉપર તો જઈ શકું જ છું.. "માં ભૈરવીનાં મંદિરમાંથી બહાર પગ મુકતાં ની સાથે જ બકાર મનોમન બોલ્યો.

પોતાનાં વિચાર ને પરિણામ માં તબદીલ કરવાનાં ઉદ્દેશથી બકારે પોતાની પાંખો ને ફફડાવી અને પાતાળલોકમાંથી પૃથ્વી લોક તરફ જતાં રસ્તે પ્રયાણ કરી દીધું.. બકાર ની પાંખોનો વ્યાપ અને તીવ્રતા એટલી હતી કે એ જ્યાંથી ઉડીને નીકળતો ત્યાં નાનું વંટોળ આવી ગયું હોય એવું માલુમ પડતું.

બકારે હવે મન બનાવી લીધું હતું કે કોઈને કોઈ રીતે દેવતાઓ જોડે બદલો લેવો જ.. નફરત ની આગમાં સળગતાં બકારે સાન-ભાન ગુમાવી દીધું હતું.. આમ પણ ક્રોધ માં કોઈને પણ સારું શું અને નરસું શું એની માલુમાત રહેતી નથી હોતી.. દેવતાઓ ની આ ધૃણા નાં લીધે બકારની અંદર પેદા થયેલો ક્રોધ એની સારપનો અંત કરી ચુક્યો હતો.

પૃથ્વીલોક ઉપર પહોંચતાં જ બકારે એ કઈ વસ્તુ છે જેનાંથી દેવતાઓ ને તકલીફ થશે એ શોધવાનું શરૂ કરી દીધું.. આ શોધ દરમિયાન બકાર જઈ પહોંચ્યો વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીમાં.. અહીં કાશી વિશ્વનાથ નાં ચરણોમાં શીશ ઝુકાવી જ્યારે બકાર માં ગંગા માં સ્નાન કરવા માટે ગયો ત્યારે એનાં મનમાં એક એવાં વિચારે જન્મ લીધો જે આગળ જતાં બકારની સાથે સમસ્ત મનુષ્ય જાતિનું જીવન બદલી નાંખનારો સાબિત થવાનો હતો. ગંગા મૈયા માં સ્નાન કરી જેવો બકાર અશ્વમેઘ ઘાટ પર આવ્યો એ સાથે જ એને પોતાની જાત સાથે વાત કરતાં કહ્યું.

"જો હું આ જગતને પોષતી માં ગંગા ને પૃથ્વીલોકમાંથી કંઈપણ કરીને પાતાળલોકમાં લઈ જાઉં તો સમગ્ર માનવજાત ને પાણી વગર રિબાવવું પડશે.. લોકો ત્રાહિમામ પોકારી જશે અને પોતાની આ સમસ્યા નું નિવારણ કરવાં દેવતાઓને કરગરશે.. પણ દેવતાઓ મને હરાવી માં ગંગા ને પુનઃ પૃથ્વીલોક પર લઈ જવામાં અસમર્થ રહેશે. એટલે છેવટે માનવો નો ભરોસો દેવતાઓ ઉપરથી ઉઠી જશે.. જેની તક વાપરી હું માં ગંગા ને પુનઃ પૃથ્વીલોક ઉપર લઈ જઈશ. "

"આમ કરી હું સમસ્ત મનુષ્યજાતિ નો મસીહા બની જઈશ.. અને માનવો દેવતાઓનાં સ્થાને મારી પૂજા કરશે.. યક્ષરાજ બકાર ની.. "

આટલું બોલતાં જ બકાર નાં ચહેરાનાં ભાવો બદલાઈ ગયાં અને એનું અટ્ટહાસ્ય વાતાવરણમાં ગુંજી વળ્યું.

*****

પોતાનાં આ ક્રોધમાં લેવાયેલાં નિર્ણયને અમલમાં મૂકવાં બકાર જઈ પહોંચ્યો સીધો માન સરોવર.. જે માં ગંગાનું ઉદગમસ્થાન હતું.. અહીં આવીને બકારે પોતાની અપાર શક્તિ વડે માં ગંગા નાં ઉદગમસ્થાન નજીક એક એવી સુરંગ ની રચના કરી જેનાં લીધે ગંગા નું વહેણ સુરંગ મારફતે ભૂગર્ભમાં ઉતરી પાતાળલોકમાં વહેવા લાગ્યું.. બકારે ગંગા ને પાતાળગંગા બનાવી મૂકી હતી.

દેવતાઓની ઈર્ષા નાં લીધે એક સેવાભાવી યક્ષ રાક્ષસ સમાન દુરાચારી અને દુષ્ટ બની ચુક્યો હતો.. જેને પોતાનાં બદલાની આગમાં લાખો-કરોડો મનુષ્યો ની જીંદગી સાથે કોઈ નિસ્બત નહોતી.

અચાનક માં ગંગા નું પૃથ્વી પર થી ગાયબ થઈ જવું સમગ્ર માનવજાત માટે આશ્ચર્ય પેદા કરનારું સાબિત થયું.. કરોડો લોકો પોતાનાં જીવન નિર્વાહ માટે ગંગા નદી ઉપર નભતા હતાં.. એ સર્વ માટે હવે ગંગા નદી નું આમ સાવ સૂકું થઈ જવું અત્યંત મુશ્કેલી ભર્યું સાબિત થઈ રહ્યું હતું.

બકાર દ્વારા માં ગંગા ને પાતાળલોકમાં સ્થાપિત કર્યાં નાં પાંચ દિવસની અંદર તો ફક્ત ગંગા નદીનાં વહેણ ઉપર નભતાં કરોડો મનુષ્યો ની દશા ખૂબ વિકટ બની ગઈ.. પીવા માટે, ઘરકામ માટે કે ખેતી માટે નભતા આ સામાન્ય મનુષ્યજનો માટે આ પરિસ્થિતિ કષ્ટદાયક અને દયનિય હતી. હજારો લોકો પાણી ની અછતનાં લીધે મરવાની અણી ઉપર આવીને ઉભાં રહી ગયાં.

મનુષ્યો પોતાની ઉપર આવેલી આ આફતોનાં નિવારણ માટે સમગ્ર દેવતાઓનું અંતઃકરણથી આહવાન કરવાં લાગ્યાં.. મનુષ્યો પર આવેલી આ વિપદા ની આમ તો ભોગ વિલાસમાં આળોટતાં દેવતાઓ ઉપર અસર ના જ થાય.. પણ જો મનુષ્યોનું નિકંદન નીકળી જશે તો પોતાની પૂજા અને ધ્યાન કોણ કરશે..? અને જો એવું નહીં થાય તો પોતાની અપાર શક્તિ કઈ રીતે બરકરાર રહેશે..? આ વિશે વિચારી દેવતાઓએ મનુષ્યોની મદદ કરવાનું નક્કી કર્યું.

"વરુણદેવ, તમે જઈને તપાસ કરો કે આમ પૃથ્વીલોક પરથી માં ગંગા આમ અચાનક કેમ અદ્રશ્ય થઈ ગયાં..? "મનુષ્યોની મદદ આ વિકટ સમયમાં કેમ કરવી એનો વહેલી તકે ઉકેલ શોધવા એકઠી થયેલી સભામાં ઈન્દ્ર દેવે વરુણદેવને આદેશ આપતાં કહ્યું.

"જેવી આજ્ઞા દેવરાજ ઈન્દ્ર.. હું હમણાં જ આ વિષયમાં જાણકારી મેળવીને આવું છું.. "

એક પહોર બાદ જ્યારે વરુણદેવ ઈન્દ્રસભામાં પધાર્યાં ત્યારે એમનાં ચહેરા પર અપાર ક્રોધ હતો.. જે જોઈ સૂર્યદેવે પૂછ્યું.

"શું થયું વરુણદેવ, કેમ આટલાં ક્રોધયમાન લાગો છો..? "

"સૂર્યદેવ, તમને જ્યારે માલુમ પડશે કે માં ગંગા પૃથ્વીલોક પરથી અચાનક કેમ અદ્રશ્ય થઈ ગયાં છે તો તમે પણ મારી જ માફક કોપાયમાન થઈ જશો.. "વરુણદેવે સૂર્યદેવનાં સવાલનાં જવાબમાં કહ્યું.. એમનાં અવાજમાં હજુપણ તાપ વર્તાતો હતો.

"મહેરબાની કરી તમે એ જણાવવાનો કષ્ટ લેવાની તસ્દી લેશો કે માં ગંગા પૃથ્વી પરથી અચાનક ક્યાં ગાયબ થઈ ગયાં છે..? "યમરાજે વરુણદેવ તરફ જોઈને કહ્યું.

"યમરાજ, .. આ બધાં પાછળ બકાર નો હાથ છે.. "દાંત કચકચાવીને વરુણદેવે કહ્યું.

"શું કહ્યું.. બકાર નો હાથ છે એ બધાં પાછળ..? "વરુણદેવ ની વાત સાંભળી ઈન્દ્રએ વિસ્મયપૂર્વક કહ્યું.

"હા, દેવરાજ.. બકારે જ માનસરોવર જોડે એક સુરંગ બનાવી માં ગંગાને ભૂગર્ભમાં ઉતારી દીધાં છે.. આપણે બકારની જોડે જે ષડયંત્ર રચ્યું એનાં વિશે બકારને જાણ થઈ ગઈ અને એટલે જ એને આ પગલું ભર્યું હોવું જોઈએ.. "વરુણદેવ બોલ્યાં

"તો પછી ચલો બકારની સામે યુદ્ધ કરી માં ગંગાને મુક્ત કરી પુનઃ પૃથ્વીલોક લેતાં આવીએ.. અને મનુષ્યો નું કષ્ટ દૂર કરી એમની નજરોમાં આપણી મહત્તા સાબિત કરી દઈએ.. "અગ્નિદેવે કહ્યું.

"હા તો ચાલો ત્યારે બકાર ને યુદ્ધ માટે આહવાન આપીએ.. અને એને યુદ્ધમાં પરાસ્ત કરી ગંગે મૈયાને માનવોનાં ઉદ્ધાર માટે પૃથ્વીલોક પર લેતાં આવીએ.. "ઈન્દ્ર દેવે પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં કહ્યું.

આ સાથે જ દેવતાગણ નીકળી પડ્યો મહાશક્તિશાળી બકાર ની સામે યુદ્ધ કરવાં માટે.. દેવતાઓ એ વાતથી અજાણ હતાં કે બકારે આવું જ કંઈક ઈચ્છયું હતું.. !

*****

દેવતાઓ એ બકાર ને એમની સાથે યુદ્ધ કરવાનું નિમંત્રણ મોકલાવ્યું જેનો બકારે સહર્ષ સ્વીકાર તો કર્યો પણ સાથે દેવતાઓ સમક્ષ એક શરત મૂકી કે એ યુદ્ધ ત્યારે જ કરશે જ્યારે એક પછી એક કરીને દેવતાઓ એની વિરુદ્ધ યુદ્ધ કરશે તો.. ઘમંડમાં રાચતાં દેવતાઓ ને એવું હતું કે બકાર ને એમનામાંથી કોઈપણ સરળતાથી હરાવી દેશે એટલે દેવતાઓએ બકાર ની શરત નો સ્વીકાર કરી લીધો. આખરે રિક્ત થઈ ગયેલી ગંગા નદીનાં કિનારે જ અહંકારી દેવતાઓ અને બદલાની આગમાં સળગી રહેલાં બકાર વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો.

"વરુણદેવ તમે આ યક્ષ ને એની સાચી ઔકાત બતાવો.. "વરુણદેવ ભણી જોતાં દેવરાજ ઈન્દ્ર એ આદેશ આપતાં કહ્યું.

ઈન્દ્ર દેવનો આદેશ સ્વીકારી પોતાની ગરદન હલાવી સ્મિત સાથે વરુણદેવ બકારની સામે યુદ્ધ કરવાં યુદ્ધમેદાનમાં તૂટી પડ્યાં.. વરુણદેવ ને એમ હતું કે ચપટી વગાડતાં જ બકાર ને પોતે યુદ્ધમાં માત આપી દેશે.. પણ થયું ઊલટું જ.. વરુણાસ્ત્ર ની સામે બકારે આગનેયાસ્ત્ર નો ઉપયોગ કરી વરુણદેવ ને પળવારમાં ધૂળ ચાટતાં કરી દીધાં.

વરુણદેવ ની આ હાલત જોઈ અગ્નિદેવે આવેશમાં ઈન્દ્ર દેવ ને કહ્યું.

"દેવરાજ હવે મને રજા આપો.. હું આ ઘમંડમાં રાચી રહેલાં યક્ષને ઠેકાણે પાડી દઉં.. "

"અવશ્ય.. "અગ્નિદેવને બકાર વિરુદ્ધ યુદ્ધ કરવાની રજા આપતાં ઈન્દ્ર એ કહ્યું.

ઈન્દ્રદેવ ની રજાઓ મળતાં અગ્નિદેવે બકાર ની સામે જંગે ચડ્યાં.. શરુવાતમાં તો અગ્નિદેવે પોતાની અગનજવાળો વડે બકારને હેરાન પરેશાન કરી મુક્યો.. પણ થોડી ક્ષણો બાદ બકારે પોતાની ચોતરફ રક્ષા કવચ ની રચના કરી અગ્નિદેવનાં બધાં જ પ્રહારો ને નિષ્ફળ બનાવી દીધાં.. અને પછી હિમારી નામનાં શસ્ત્ર નો ઉપયોગ કરી અગ્નિ દેવને ઠંડા કરી દીધાં.

ઉપરાઉપરી બે દેવતાઓને માત આપ્યાં બાદ બકાર નો આત્મવિશ્વાસ આકાશને આંબી ગયો હતો.. જ્યારે દેવતાઓ તો બકાર ની આ પ્રચંડ શક્તિને જોઈ આભા જ બની ગયાં હતાં. વરુણદેવ અને અગ્નિદેવનાં કારમા પરાજય બાદ મને-કમને સૂર્યદેવ બકારની સામે મેદાને પડ્યાં.

સૂર્યદેવે પોતાની અસીમ તાકાત અને ઉર્જા નો ઉપયોગ કરી ઘણો સમય સુધી બકાર ની માયાવી શક્તિઓ સામે ટક્કર ઝીલી.. પણ બકારનાં છલાવરણ ની સામે સૂર્યદેવ ને છેવટે ઝૂકી જ જવું પડ્યું.. હવે છેલ્લે બકાર ની સામે મેદાને ચડેલાં યમરાજ ને પણ યક્ષરાજ બકારની સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો.

પોતાનાં સમસ્ત દેવગણ ની એક યક્ષ સામે થયેલી હાર જોઈને ધૂંવાપુંવા થયેલાં ઈન્દ્રદેવે જાતે જ બકારની સામે બાથ ભીડવવાનું નક્કી કરી લીધું. બકાર આ જ ક્ષણની રાહ જોઈને બેઠો હતો કે ક્યારે એનો મુકાબલો અહંકારી ઈન્દ્ર જોડે થાય અને પોતે ઈન્દ્ર ને માત આપી પોતાની સાથે થયેલાં અન્યાય નો બદલો લે.. આખરે એ ઘડી આવી ગઈ હતી જ્યારે બકાર નો મુકાબલો પોતાનાં સૌથી મોટાં દુશ્મન એવાં દેવરાજ ઈન્દ્ર ની સાથે થવાનો હતો.

વ્રજ હાથમાં લઈને બકાર ની સામે યુદ્ધ કરવાં પહોંચેલા ઈન્દ્ર ને ભરોસો હતો કે પોતે વ્રજ નાં એક પ્રહારથી જ બકાર નો અંત આણી દેશે અને પુનઃ મનુષ્યો વચ્ચે પોતાની સર્વોપરિતા સાબિત કરશે. વ્રજ નો પ્રહાર કર્યાં પહેલાં મેઘનાં દેવ એવાં ઈન્દ્ર એ મુશળધાર વરસાદ વરસાવી બકારની આસપાસનું વાતાવરણ એ હદે ધૂંધળું કરી દીધું કે બકારની દ્રષ્ટિક્ષમતા શુન્ય થઈ ચૂકી હતી.

ઈન્દ્ર આ ક્ષણ નો લાભ ઉઠાવી બકાર પર પ્રહાર કરવાં જ જતાં હતાં ત્યાં અચાનક એક ભયાનક વંટોળ ઉત્તપન્ન થયું અને એ વંટોળ ઈન્દ્ર દેવે ત્યાં સર્જન કરેલાં વાદળોને પોતાની સાથે દૂર લઈ ગયું.. આ સાથે જ ઈન્દ્ર દેવની નજર બકાર ઉપર પડી.. બકાર પોતાની વિશાળ પાંખો ને ફફડાવતો-ફફડાવતો હાથ ફેલાવીને ઉભો હતો. આ પાંખોનાં ફફડાટ નાં લીધે જ વંટોળ નું સર્જન થયું હતું.

બકાર ની આ શક્તિ ને જોઈ આવેશમાં આવેલાં ઈન્દ્ર એ બકાર ની તરફ જોઈ ઊંચા સાદે કહ્યું.

"બકાર, તું એમ સમજે છે કે તું તારી આ માયાવી શક્તિ વડે મને, દેવરાજ ઈન્દ્રને માત આપીશ.. "

ઈન્દ્ર દેવ નાં આ ગુસ્સાનાં પ્રતિભાવ રૂપે ચહેરા પર સ્મિત લાવી બકાર બોલ્યો.

"દેવરાજ, તમારી માત થશે કે નહીં એની તો ખબર નહીં પણ જીત મારી જ થશે એ સ્પષ્ટ છે.. "

બકારનાં આ પ્રતિભાવનાં લીધે ઈન્દ્ર દેવ અકળાઈ ગયાં અને આ અકળામણમાં જ ઈન્દ્ર એ બકારની ઉપર વ્રજ વડે હુમલો કરી દીધો.. બકાર પહેલેથી જ આ હુમલા માટે તૈયાર હતો એટલે એની પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી દેવરાજ ઈન્દ્રનાં આ શક્તિશાળી વ્રજઘાત ને ખાળી દીધો.. અને પોતાની દિવ્યશક્તિ વડે ઈન્દ્ર ઉપર પ્રહાર કરી દેવરાજ ને ઘાયલ કરી દીધાં.

સમસ્ત દેવતાઓ પછી દેવરાજ ઈન્દ્ર ની પણ બકાર સામે હાર થતાં બધાં દેવતાઓ વિલાં મોંઢે સ્વર્ગલોક પાછાં ફર્યાં અને બકાર વિજયી મુસ્કાન સાથે પાતાળલોક પાછો ફર્યો. એક યક્ષનાં હાથે પોતાને મળેલાં પરાજયનાં સ્વાદ પછી દેવતાઓ જોડે કોઈ ચર્ચા લાયક મુદ્દો વધ્યો જ નહોતો.

"દેવરાજ આમ ચૂપ-ચાપ મોં નીચું કરી બેસી રહેવાનો કોઈ અર્થ નથી.. આ બકાર ને કંઈક તો સબક શીખવાડવો જ પડશે.. "ચુપ્પી તોડતાં અગ્નિદેવે કહ્યું.

"અગ્નિદેવ, તમે જોયું નહીં એ બકાર કોઈ સામાન્ય યક્ષ નથી રહ્યો. એની જોડે હવે અખૂટ શક્તિનો ભંડાર છે.. એ ઈચ્છે તો એક-એક કરીને નહીં પણ એકસાથે બધાં દેવતાઓને માત આપવાં સક્ષમ છે.. હવે જો એને યુદ્ધ નો પડકાર ફેંકીશું અને એમાં પરાજય મેળવીશું તો એવું પણ બને કે બકાર પોતાની જીતનાં બદલામાં સ્વર્ગ માંગી લે.. "સૂર્યદેવે ગહન મનોમંથન કરતાં કહ્યું.

"સૂર્યદેવ સત્ય કહી રહ્યાં છે.. આ સમયે બકાર નો સામનો કરવો આપણાં સૌ માટે અશક્ય જેવો છે.. એટલે એ વિચાર કરવો અયોગ્ય છે. "વરુણદેવે કહ્યું.

અન્ય દેવતાઓની તર્ક સંગત દલીલો ને ધ્યાનથી સાંભળ્યાં બાદ દેવરાજ ઈન્દ્ર એ ચહેરા પર કટુ સ્મિત સાથે કહ્યું.

"મારી જોડે એક યુક્તિ છે.. એક એવી યોજના છે જેનાંથી એ ઘમંડી બકારનો અંત અવશ્ય થઈ શકશે. "

★★★

વધુ નવાં અધ્યાયમાં.

દેવરાજ ઈન્દ્ર શું યોજના બનાવી રહ્યાં હતાં..? શું આ વખતે પણ બકાર ઈન્દ્ર ની યુક્તિને અસફળ બનાવશે..? આ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***