Jindagini Safar - 1 in Gujarati Fiction Stories by Bhavik books and stories PDF | જિંદગીની સફર ભાગ -૧

The Author
Featured Books
Categories
Share

જિંદગીની સફર ભાગ -૧

દરરોજની જેમ ૯:૦૦ વાગતાં શાળાનો એ બેલ રણક્યો પોત પોતાની વાતોમાં મશગુલ વિદ્યાર્થીઓના ગ્રૂપ હવે એક સામટા ક્લાસરૂમ તરફ દોડ્યા .
ક્લાસરૂમમાં પોતપોતાની જગ્યા લીધા પછી પણ જેમ દરેક વિદ્યાર્થી ટેવાયેલા હોય એમ પોતાની આજુબાજુના મિત્રો સાથે ફરી વાતોમાં મશગૂલ થઈ ગયા. કેટલા અજીબ હોય છે ને આ દિવસો માત્ર યાદ કરવાથી દુનિયા ફરી આંખ સામે જીવંત બની જાય છે એ મારો બેસ્ટ ફ્રેન્ડ, એ મારો દુશ્મન ,મારી બેન્ચ,મારા પ્રિય શિક્ષક ,શાળાના દરેક ખૂણા જાણે આપણી આસપાસ ગોઠવાઇ અને ફરી એ દુનિયાનું નિર્માણ કરી જાય છે .ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થયું ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થતાં દરેક વિદ્યાર્થીઓ નિયમિત ગોઠવાઇ શિક્ષકને વંદન કર્યા .શિક્ષકે બધાને બેસવાનું કહી હાજરી પત્રકમાં હાજરી લેવાનું શરૂ કર્યું .

રોલ નંબર -૦૧ - હાજર

રોલ નંબર -૦૨ -હાજર

રોલ નંબર -૦૩ -હાજર

રોલ નંબર -૦૪-____________

"ક્લાસમાંથી કોઇ અવાજ ન આવ્યો "

શિક્ષકે બીજી વખત કહ્યું : ' રોલ નંબર ૦૪ ',પણ બસ એ જ શાંતિ ભર્યું વાતાવરણ રહ્યું જે પહેલી વખત બોલ્યા ત્યારે હતું .આમ તો શિક્ષક એક વખત નંબર બોલી જો કોઈ હાજર ન બોલે તો આગળ ચાલ્યા જતા પરંતુ આ નંબર બે વખત બોલવા માટેનું એક કારણ હતું .

અને એ કારણ હતું " અયાન "

રોલ નંબર ૦૪ એટલે કે અયાન આ શાળામાં છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરતો હતો પરંતુ આ પાંચ વર્ષના સમયગાળામાં એક પણ વખત એવું ના બન્યું હતું કે રોલ નંબર ૦૪ બોલતાં સામેથી હાજર જવાબ ના મળ્યો હોય .

અને કદાચ આ જ કારણ હતું કે શિક્ષકને એ રોલ નંબર બીજી વખત બોલવો પડ્યો .

પોતાના સ્વભાવ અને વિનમ્રતાના ગુણને લીધે અયાન ખૂબ જાણીતો હતો . આ શાળામાં સફાઇ કરનાર કાકાથી લઇને શાળાના પ્રિન્સિપાલ સુધીના દરેકનો પ્રિય વિદ્યાર્થી હતો અયાન.
શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ બીજા કોઈ પાસેથી મળે કે ના મળે પણ અયાન પાસે જવાબ હંમેશા હાજર રહેતો .ક્લાસમાં પણ દરેક વિદ્યાર્થી સાથે હળી મળીને રહેવું તેને પસંદ હતું .

' કદાચ કોઈ અંગત કારણ હશે કે શક્ય છે કે બીમાર હોય તેવું વિચારીને શિક્ષકે પોતાનું કામ આગળ વધાર્યું '

લેક્ચર પ્રમાણે આવનારા દરેક શિક્ષક અયાનની ગેરહાજરી પર થોડા આશ્ચર્યચકિત થતાં પરંતુ પહેલા શિક્ષકની જેમ કદાચ કોઈ અંગત કારણ હશે એમ વિચારી બધા ચાલ્યા જતાં બસ આમ જ દિવસ પૂરો થયો સાંજના ૫:૦૦ વાગતા ફરીએ બેલ રણક્યો અને આ રણકાર દરેક વિદ્યાર્થીઓ માટે હંમેશાં એમની મનપસંદ ધૂન હતી .

બીજા દિવસની શરૂઆત પણ બસ કંઈક આ જ રીતે થઇ વિદ્યાર્થીઓ ગોઠવાયા, શિક્ષક આવ્યા, પણ આ શું ??????

"અયાન આજે પણ નથી "

પરીક્ષા નજીક આવી રહી હતી અને અયાન આ શાળાનો તેજસ્વી તારલો હતો જે વિદ્યાર્થી માધ્યમિક શાળામાં પણ કદી ગેરહાજર ન રહ્યો હોય તે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના દિવસોમાં બે દિવસ ગેરહાજર રહે એ વાત ગળે ઉતરે તેવી નહોતી .

લેક્ચર પુરો થતાની સાથે જ આજે શિક્ષકે અયાનના ઘરે ફોન કર્યો .પહેલી વખત તો મોબાઇલની ઘંટડી એમનમ જ વાગતી રહી કોઇએ ફોન ઉપાડ્યો નહીં ,પરંતુ બીજી વખત કોઇએ ફોન ઉપાડ્યો.

સામેથી કોઇનો અવાજ આવ્યો " હેલો "

શું તમે અયાનના ઘરેથી વાત કરો છો ???શિક્ષકે પૂછ્યું

હા હુ અયાનના કાકા બોલું છું પણ તમે કોણ ????

"જી હુ અયાનની શાળામાંથી વાત કરું છું પરીક્ષાના દિવસો છે અને અયાન કોઈ પણ જાણ વગર સતત બે દિવસથી ગેરહાજર છે " ફરિયાદના સૂરે શિક્ષકે કહ્યું ;

સામેથી હલકા સૂરે જવાબ મળ્યો એ હજુ સાત દિવસ નહીં આવે

જવાબ સાંભળતાં જ શિક્ષક ચીડાયા સાત દિવસ!!!! તમને ખબર પણ છે વીસ દિવસ પછી પરીક્ષા છે અને હજુ સાત દિવસ નહીં આવે .

પણ સાહેબ વાત તો સાંભળો

પરંતુ ફરી શિક્ષકે વાત કાપી અને કહ્ય ; તમે સમજી નથી રહ્યા હું શું કહેવા માગું છું ?તેના જીવનની મહત્ત્વની પરીક્ષા છે અને અયાન અમારી શાળાનું પરિણામ છે જો તે સાત દિવસ ગેરહાજર રહેશે તો તેનું જીવન અને અમારી શાળાનું પરિણામ બન્ને બગડી શકે તેમ છે .

સામેથી પણ હવે થોડા ચીડાયેલ સ્વરે જવાબ મળ્યો

સાહેબ તમારી પરીક્ષાને તો સમજ્યા પણ એ પરીક્ષાનું શું જે જિંદગી અત્યારે અયાન સાથે લઇ રહી છે !!!
એ બાળકને શું સમજવું જેને કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવી છે ???

આ વાક્ય સાથે બંને તરફ શાંતિ છવાઈ ગઈ .
હા આ કઠોર વાત સાચી છે અયાન ના પિતા હવે વધુ આ દુનિયામાં નહોતા .

શિક્ષકને હજુ પોતાના શાળાના પરિણામની ઉપાધી હતી પરંતુ અયાનના કારણની સામે કશું બોલી શકે તેમ નહોતા .
બીજી બાજુ પિતાના અગ્નિસંસ્કાર બાદ અયાન અને તેની માતાને તેના મામા ને ઘેર જવાનું આયોજન થવા લાગ્યું .હજુ તો અયાન પાસે આખી જિંદગી પડી છે કોના સહારે મા- દીકરો પોતાનું જીવન ગાળશે ?? આ પ્રશ્ન જ કદાચ અયાન અને તેની માતાને મામાના ઘરે જીવન ગાળવાના કારણ માટે પૂરતો હતો .

હા અયાન ની ઉંમર હજુ નાની હતી , અે એક હજુ ખીલતું કમળ હતું પરંતુ દ્રઢ નિર્ણય શક્તિ અને ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં પણ અડગતાથી સામનો કરવો એ ગુણો જાણે એના પિતા તેને વારસામાં આપી ગયા હતા .વાત સાંભળતા જ અયાને આ વાતની ના પાડી હા તેના મમ્મીને તો મામા અને તેના પરિવારે ગમે તેમ કરી મનાવી લીધા ,

પરંતુ અયાન આ વાત માટે કદી રાજી નહોતો અયાનની આ એક નાને લીધે ઘણા પ્રશ્નો તેની સામે આવીને ઊભા રહ્યા અને દરેકનો એક મુખ્ય પ્રશ્ન એ હતો કે હજુ તો જિંદગીની શરૂઆત છે અને તારે કમાવવાની પણ વાર છે જિંદગીના ખર્ચા કઇ રીતે કાઢશો ???કોના સહારે જીવશો તમારા જીવનને ???

"પિતાનું પેન્શન "અયાને જવાબ આપ્યો અયાનના પિતા સરકારી ઇજનેર હતા. તેમને સારું પેન્શન મળે તેમ હતું .અને આમ પણ અયાનના પિતા ખૂબ જ વ્યવહારુ માણસ હતા .તેમને કંઈક આવી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેંકમાં અમુક થાપણ પણ એકઠી કરી રાખેલ હતી .

અયાને પાડેલા ના માં પણ તેના પિતાના સ્વાભિમાનનો ગુણ બધાને ચોખ્ખો નજરે ચડતો હતો જિંદગીને હરહંમેશ પોતાની હિંમતથી જીવવી અને શક્ય બને ત્યાં સુધી કોઈનો પણ ઉપકાર ના લેવો એ અયાન ના પિતાનો જિંદગીભરનો સિદ્ધાંત હતો હવે તેમના સ્વર્ગવાસ બાદ જો તે તેમના મામાના ઘરે જાય તો અયાનના મને આ તેના પિતાના સ્વાભિમાન નુ અપમાન હતું .

હા એ વાત અલગ છે કે જો કદાચ અયાનના પિતાને આવી પરિસ્થિતિમાં પૂછવામાં આવે તો તે ચોક્કસ પણે અયાનના ભવિષ્ય અને પરિવારના સુખ માટે તે તેમને મામાને ઘરે રહેવાનું સૂચન કરેત,પરંતુ અયાન હવે એકનો બે થાય તેમ ન હતો હવે તો અયાનની માતા પણ અયાનનો સાથ આપવા લાગી હતી

હવે કદાચ એની સાથેની દલીલ વ્યર્થ થશે એવું માની બધાએ હાર માની લીધી થોડા દિવસોના શોક બાદ ફરી એક નવા જીવનની શરૂઆત થઇ પરંતુ હવે આ જીવન એ નહોતું જે પહેલાં તેઓ જીવ્યા કરતા .ખુશ થવાના મોકા હવે પણ આવતા પરંતુ હવે આ ચહેરાને ખુશ થવા પહેલા દિલનું દુઃખ આડે આવતું , ઇચ્છા નામનો શબ્દ તો જાણે ઘરમાંથી ક્યાંક જતો જ રહ્યો હતો .ઈચ્છા અે માનવમનની સહજ વૃત્તિ છે એટલે ઈચ્છા તો ઘણી થતી ,પણ એ ઈચ્છાની સાથે જ આવતા મહિનાના કરિયાણાનું શું થશે??? હમણાં બાર ધોરણ પુરું થશે કોલેજમાં ફી ભરવાની થશે ત્યારે??? આવા પ્રશ્નો એ ઇચ્છાને મારી નાખતા પેન્શન તો હતું પણ અે પૈસાથી ઇચ્છા નહિ જરૂરિયાત પૂરી થઈ શકે તેમ હતી .

જિંદગીએ ખૂબ નાની વયે અયાનને એ દિવસોમાંથી પસાર કર્યો હતો કે કદાચ વિચાર કરવાથી પણ હૃદય દ્રવી જાય પરંતુ અયાન પણ કાચી માટી અે પાકેલ નહોતો નાનપણથી જ માતા પિતાએ કોઈ પણ પરિસ્થિતિ માટે તેને સહજ બનાવ્યો હતો .

" સાત દિવસ પુરા થયા "

અયાનનો આજે ફરી શાળામાં પહેલો દિવસ હતો શાળામાં લગભગ હવે બધાને ખબર હતી કે અયાન સાથે છેલ્લા કેટલાક દિવસોમાં શું બન્યું હતું અયાન શાળા અે પહોંચ્યો પરંતુ તેના ચહેરામાં હવે એ ચમક નહોતી જે તેને કદાચ શાળાના દરેક વિદ્યાર્થીથી અલગ પાડતી હતી રોલ નંબર ૦૪ આજે હાજર તો હતો પણ કશું વધારે ફરક નહોતો તેની હાજરી અને ગેરહાજરીમાં .

શિક્ષકના સવાલ પૂરા થયા પહેલાં જે જવાબ સાથે હાજર હોય એ અયાન આજે પોતાની જિંદગીના પ્રશ્નોથી ઘેરાયેલો રહેતો. મિત્રો અને શિક્ષકો અયાનને સાંત્વના ચોક્કસ આપતા પરંતુ અયાન માટે એ માત્ર વાતો હતી .પતિના મૃત્યુ બાદ અયાનની માતાને પણ હવે જિંદગી જીવવામાં કંઈ ખાસ રસ નહોતો .પોતાની કુશાગ્ર બુદ્ધિથી અયાનની માં પણ ઘરને ખૂબ આયોજનપૂર્વક ચલાવતી પણ હવે એ શોકમાંથી બહાર આવી એટલું વિચારવા સક્ષમ નહોતી .

અયાનની પરીક્ષા શરૂ થઈ જોકે હવે આ પરીક્ષા તો અયાને આપેલ પરીક્ષા સામે રમત જ હતી અયાન મનને મક્કમ બનાવી ફરી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો .હા હવે એ વાત સ્વાભાવિક હતી કે અયાન પોતાનું ધાર્યું પરિણામ મેળવી શકશે નહીં શિક્ષકો અને શાળાને પણ હવે અયાનના સારા રિઝલ્ટની કોઈ ખાસ આશા નહોતી.

પરીક્ષા પૂરી થઈ બધા રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અયાન પોતાના ઘરને કઈ રીતે ચલાવવું તેના જ આયોજનમાં રહેતો. રિઝલ્ટની તારીખ જાહેર થઈ .આજ સુધી અયાન માટે આ દિવસ એટલે કે રિઝલ્ટનો દિવસ જાણે કોઈ તહેવાર રહેતો પણ આ વખતે તેણે તેમાં કોઈ ખાસ રસ નહોતો.

રિઝલ્ટ આવી ગયું

આ વખતે ટોપ કોણે કર્યું???? એ જાણવા કરતાં પણ વધારે આકર્ષણનું કેન્દ્ર હોય તો તે હતું ત્યારનું રિઝલ્ટ .રિઝલ્ટ ખરેખર ચોંકાવનાર હતું અયાને શાળામાં ત્રીજો રેન્ક મેળવ્યો હતો આ શિક્ષકોને પણ ઘણું આશ્ચર્ય થયું જે વિદ્યાર્થી પાસેથી તેમને માન ૮૦ %ની આશા રહી હતી તે વિદ્યાર્થી શાળામાં તૃતીય હતો .


આખી શાળામાં ખુશીની લહેર વ્યાપી ગઈ પરંતુ અયાને માત્ર ધીરેથી હસીને દિવસ પૂરો કર્યો .વેકેશનનો સમયગાળો હતો પણ હવે અયાન માટે તો વેકેશન માત્ર એનો ભૂતકાળ જ હતો અયાન ઘરને બહુ સારી રીતે સંભાળતો જવાબદારીના બોઝે બહુ નાની વયે અયાને સંપૂર્ણ બનાવી દીધો હતો .

પણ આમ ને આમ જિંદગી થોડી જીવાય???? હવે એને પિતાના મૃત્યુના શોકમાંથી બહાર આવવું જોઈએ હજુ તો આખી જિંદગી સામે પડી છે ,અને જે થયું એ તો ઈશ્વરના હાથની વાત હતી લોકોમાં અવાર નવાર અાવી વાતો થતી રહેતી .કદાચ અયાનની પરિસ્થિતિ માટે આ સાચું પણ હતું .અયાનના શોકથી એમના પિતા ફરી એમની વચ્ચે આવવાના નથી આ કઠોર સત્ય ને અયાને ગળે ઉતારવું પડશે .જો તે શોકમાં જ જિંદગીને વ્યતીત કરશે તો તેના ભવિષ્યનું શું થશે ?????

વેકેશન પૂરું થતાં કોલેજના દિવસો શરૂ થશે .

"કોલેજ"

ત્રણ અક્ષરના આ શબ્દોની તાકાત તો જોવા કોઇ નાના વ્યક્તિને કહેવામાં આવે તો તે પણ ભવિષ્યનો વિચાર કરી અને કોલેજની જિંદગી જીવશે અને મજા કરશે એ વિચારીને ખુશ થાય અને કોઇ મોટા વ્યક્તિને કહો તો પોતાના દિવસો યાદ કરીને ખુશ થાય આમ કોલેજ શબ્દ જ સીધો ખુશી સાથે જોડાયેલ છે .

અયાન પણ હવે આ જિંદગીમાં પ્રવેશવાનો હતો . શું બધાની જેમ અયાન પણ બદલશે કોલેજની આ રંગીન દુનિયામાં???? શોકથી અને ચિંતાથી ઘેરાયેલા અા આત્મા જે પ્રેમ અને હૂંફની શોધમાં છે તે ભૂતકાળને ભૂલી આગળ વધી શકશે???? શું અયાનના જીવનમાં કોઇ એવું પાત્ર પ્રવેશશે જે એને પ્રેમ અને સહાનુભૂતિની હૂંફ આપી ફરીથી એક નવા જીવન તરફ લઈ જશે ???કેવી હશે ત્યારની કોલેજ લાઇફ ????

કાવ્યા શો ભાગ ભજવશે એની જિંદગીમાં ??કોણ છે આ કાવ્યા???
અયાન સાથે તેનો શુ સબંધ ????કાવ્યા અયાનને જીવનના નવા માર્ગે લઈ જશે કે પછી કાવ્યાએ અયાન માટે જીવનની નવી પરીક્ષા બનશે ???

શું થશે અયાનની જિંદગીમાં જાણવા માટે વાંચવાનું ચૂકતા નહીં

"જિંદગીની સફર ભાગ -૨"