Prem ke Pratishodh - 32 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | પ્રેમ કે પ્રતિશોધ - 32

Featured Books
Categories
Share

પ્રેમ કે પ્રતિશોધ - 32

પ્રેમ કે પ્રતિશોધ-32

(આગળ જોઈ ગયા કે દીનેશને અર્જુન વધારે તપાસ માટે મહેસાણા મોકલે છે. રમેશ રાજેસભાઈના કોલ હિસ્ટ્રી લઈને અર્જુન પાસે આવે છે.)

હવે આગળ....

અર્જુનને ફાઈલ આપતાં રમેશે કહ્યું,“સર આ બ્લુ કલરથી હાઈલાઈટ કરેલ નંબર અમદાવાદના છે."
“hmm, આ જેટલા પણ મોબાઈલ નંબર અમદાવાદના છે. તે કોના નામે રજીસ્ટર છે. તેના વિશે તપાસ કરી."
રમેશે કહ્યું,“હા સર, મોસ્ટ ઓફ તો કોઈ ને કોઈ બિઝનેસમેનના જ નંબર છે. મારા મતે તો કોઈ બિઝનેસ રિલેટેડ જ વાત કરી હશે."
“ok, પણ એક વાત થોડી વિચિત્ર લાગે છે કે આટલા બધા અલગ અલગ S.T.D નંબર.... અને જો કોઈ કારણોસર અથવા કામથી કોઈએ કોલ કર્યા હોય તો પણ આટલા અલગ અલગ...." અર્જુને અમદાવાદના s.t.d નંબર માર્ક કરતાં કહ્યું.
રમેશે થોડીવાર વિચારીને કહ્યું,“સર લગભગ બધા જ પી.સી.ઓ. અમદાવાદના અલગ અલગ સ્થળોએ આવેલા છે. અને આ રેકોર્ડ્સ લાસ્ટ 3 મહિનાના છે. એટલે વધારે એના વિશે માહિતી મળવી મુશ્કેલ છે."
“આટલા સમયથી આપણે આ કેસ પર કામ કરીએ છીએ છતાં એક પણ કળી હાથ નથી લાગી, આ કેસની એવી કોઈ બાબત તો છે જે આપણે મિસ કરી હોય, અથવા સામે હોવા છતાં આપણે નજર અંદાજ કરી હશે...."અર્જુનના ચહેરા પર હતાશા ફરી વળી હતી.
“સર આપણે બનતી કોશિશ તો કરીએ જ છીએ ટૂંક સમયમાં કોઈને કોઈ લિંક તો મળી જ જશે"રમેશે કહ્યું.
“બસ દીનેશને મહેસાણામાંથી કોઈ લિંક મળે તો કંઈક આ કેસમાં આગળ વધવાની દિશા મળે....અને આ પોટેશિયમ સાઈનાઈડ વિશે કઈ માહિતી મળી ?"અર્જુને પૂછ્યું.
“સર, પોટેશિયમ સાઈનાઈડ મેળવવું અત્યારે તો બહુ સરળ છે. એટલે એના વિશે કઈ વિસ્તૃત માહિતી મેળવીને કોઈ વિશેષ જાણકારી મળવી મુશ્કેલ છે."
“એક વખત આ વિનયના ફ્રેન્ડ સર્કલને પણ ફરી ક્રોસ ચેક કરી લેવાની જરૂર છે. ક્યાંક એવું ન થાય કે કાતિલ સામે જ ફરતો હોઈને આપણે દૂર દૂર અમથા ફાંફાં મારતાં હોઈએ..."
“તો હવે આગળ શું કરવાનું છે, સર?"
“અત્યારે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પ્રેમના અજય અને શિવાની તેમજ આ બધા સાથે કેવા સંબંધો હતા એ જાણવું પડશે"
“એના માટે તો કોલેજે જવું પડશે."
“ના, કોલેજે જવા કરતાં તારી રીતે કોલેજ બહાર જ તપાસ કર આઈ થિંક તે વધારે યોગ્ય રહેશે."
“ok, સર"
રમેશ તેને સોપાયેલ કાર્ય કરવા માટે અર્જુનની પરવાનગી મેળવી ત્યાંથી કોલેજ તરફ નીકળ્યો.
*****
બપોરના બાર વાગ્યા જેટલો સમય થયો હતો. વિનય અને રાધી તેમજ બાકીના મિત્રો કોલેજના પાર્કિંગ તરફ જઈ રહ્યા હતા.
નિખિલે આગળ ચાલતાં વિનયને કહ્યું, “કોણ જાણે ક્યારે આ પ્રોબ્લેમથી છુટકારો મળશે?"
“મળી જશે યાર, આજે નહીં તો કાલે પણ મળી જશે."સુનીલે આશ્વાસન આપતાં કહ્યું.
“આઈ હોપ, તારી વાત સાચી....."દિવ્યા આટલું બોલી અટકી ગઈ.
થોડીવારમાં બધા ગેટની બહાર નીકળીને પોત-પોતાના ઘર કે હોસ્ટેલ તરફ આગળ વધ્યા. તેઓ આગળ નીકળ્યા એટલે તરત જ તેમની પાછળ એક ટેક્ષી પણ મંદ ગતિએ તેમની પાછળ પાછળ આગળ વધી.
રમેશ પણ ત્યારે પોતાની બાઇક લઈને કોલેજ બહાર ફોર્મલ ડ્રેસમાં આવ્યો હતો. અને થોડાક સ્ટુડન્ટસ સાથે વાતચીત કરી રહ્યો હતો. વિનય અને તેના મિત્રો ગેટમાંથી બહાર આવ્યા ત્યારથી રમેશ તેમના પર ત્રાંસી નજરે ધ્યાન કેન્દ્રિત કરીને જોઈ રહ્યો હતો. પહેલા તો આ ટેક્ષીનું પાછળ જવું તેને સામાન્ય લાગ્યું પણ ટેક્ષી ઓવરટેક કરવાને બદલે પાછળ પાછળ જ જઈ રહી હતી. એ વાત એને ખટકી. એને પોતાનું બાઈક સ્ટાર્ટ કરીને ટેક્ષી પાછળ દોડવ્યું.
પણ ટેક્ષી ચાલક કદાચ મિરરમાં જોઈને પાછળ આવતી બાઈક પર સવાર રમેશને ઓળખી ગયો હોઈ તેમ એક્સિલેટર પર પગ દબાવ્યો. અને સ્પીડ વધારી. રમેશ હજુ થોડો નજીક પહોંચ્યો એટલે ટેક્ષીની સ્પીડ વધી.
લગભગ બે-ત્રણ કિલોમીટર સુધી રમેશે ટેક્ષીનો પીછો કર્યો પણ તેનો પ્રયત્ન વ્યર્થ રહ્યો. થોડીવારમાં તો તે ટેક્ષી તેની આંખોથી ઓઝલ થઈ ગઈ. પણ રમેશે પોતાના સ્મૃતિ પટ પર ટેક્ષીના નંબર છાપી લીધા.
તેણે સમય ગુમાવ્યા વગર અર્જુનને કોલ કરીને બધી વાત વિગતે જણાવી. અર્જુને તેને તાત્કાલિક RTO ઓફિસે જઈ ટેક્ષી વિશે તપાસ કરવા કહ્યું.
*****
લગભગ સાંજના પાંચેક વાગ્યે ફરી એજ અંધારિયા રૂમમાં પેલો વ્યક્તિ સિગારેટના લાંબા કસ ખેંચી રહ્યો હતો. પણ આજે તે એકલો નહોતો સામે એક વ્યક્તિ પૂતળાની માફક ટટ્ટાર ઉભો હતો. તેના ચહેરા પર ચિંતા અને ભયની રેખાઓ ઉપસી આવી હતી, કપાળ પરથી પરસેવો ઝરી રહ્યો હતો.
સિગારેટનું કસ ખેંચતા તે વ્યક્તિએ સામે ઉભેલા વ્યક્તિને કહ્યું,“તો પોલીસવાળાને તારો સુંદર ચહેરાના દર્શન કરાવ્યા કે નહીં?"
જવાબમાં ત્યાં ઉભેલા વ્યક્તિએ જમીન સાથે જ નજર જડેલી રાખીને ધ્રુજતાં સ્વરે કહ્યું, “તે પોલીસ વાળો બાઈક લઈને પાછળ તો આવ્યો પણ...."
“તું તારી હોશિયારી કે ચપળતાથી એની નજરથી બચી ગયો એમ?"અત્યંત ઠંડા પણ ક્રૂરતા ભર્યા અવાજે તે વ્યક્તિએ કહ્યું.
*****


(ક્રમશઃ)

મિત્રો સમય મર્યાદાને કારણે વધારે લાંબો ભાગ લખી શકાતો નથી. તો થોડો સહકાર આપવા વિનંતી.
અને આગળના ભાગ વધારે શબ્દો સાથે મુકીશ તે આશ્વાસન સાથે....

આભાર.

વિજય શિહોરા- 6353553470