શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૩: વંશ : ટીપ ઓફ આઇસબગૅ...!
ઝાંકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ,
જળની છે કે મૃગજળની છે
શેની છે આ તરસ
આ વ્હાલ માં શુ હાલ છે
મારે કોઇને કેહવુ નથી,
આ પ્રેમ છે બસ પ્રેમ છે,
નામ કોઇ પણ દેવુ નથી,
સતરંગી રે, મનરંગી રે
અતરંગી રે, નવરંગી મુજ સંગે તારી પ્રીત.
રાતના ૩ વાગ્યાનો સમય,
ચીર નિંદ્રામાં પોઢેલી જાણે દુનિયા.
છઠ્ઠા માળ પર થોડાક દિવસો માટે શિફ્ટ કરેલા પિડિયાટ્રિક્સ વોડૅમાં હુ બેઠો હતો અને મારા મનમાં આ ગીત "કોઇક"ની યાદમાં વારંવાર વાગી રહ્યું હતુ.
ચોમાસુ હજી જામ્યુ ન હતું, ઉનાળાની બસ છેલ્લી છેલ્લી રાતો હતી, વોડૅની બારીઓમાંથી સૂસવાટા મારતો ઠંડો પવન આવી રહ્યો હતો અને હાથમાં "હથકળી" ભરાવી હોય તેમ ઇન્ટરાકેથ નાખેલા બાળકો સૂતા હતા.
કોઈ જ ગૂના વગર જાણે કે એ બાળકો આકરી સજા ભોગવી રહ્યા હતા.
અચાનક વૉર્ડનો દરવાજો ખોલ્યો અને ૬ વષૅનો છોકરો દોડતો દોડતો વોડૅની અંદર આવી ગયો. હજી કંઇ પણ બોલીએ એ પહેલા તો એ છોકરો સીધો નસિઁગ સ્ટેશનમા આવી ગયો અને નીચે બેસી ગયો. અમે કૂતૂહલવશ ફક્ત તેને જોઇજ રહ્યા હતા ત્યાં તો તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, "મને જલ્દી નોટબૂક આપો."
અમે હજી પણ આઘાતમાં જ હતા, એટલામાં તેણે અમે જેમા પેશન્ટની ટ્રિટમેન્ટ લખીએ તે કાગળ લીધું અને ત્રાડૂક્યો,
"મને જલ્દી પેન આપો , મારે હોમવકૅ કરવાનું છે.
અમે કંઇ પણ સમજીએ એ પહેલાતો તે વોડૅના દરવાજા તરફ દોડ્યો અને બોલ્યો,
"હમણા મારા સર આવશે અને જો હોમવકૅ નહીં કર્યુ હોયતો મને બોલશે,..."
છોકરાનુ આવુ વતૅન ઘણા પ્રશ્નો મનમાં ઉભા કરે એવુ હતુ. ઘણી મહેનતે તેને ઇન્ટરાકેથ નાખવામાં આવી.
વંશ નામ હતુ એ છોકરાનું.
તેના પેરેન્ટસ સાથેની વાતચીતથી ખ્યાલ આવ્યો કે, વંશ કેટલાય દિવસથી સ્કૂલમાં જવાની ના પાડતો હોય છે, સરખુ જમતો નથી અને રાતે શાંતીથી સૂઇ પણ નથી શક્તો, અને આખી રાત કંઇકનુ કંઇક બબડ્યા કરે છે.
પ્રાથમિક તપાસમાં એટલો ખ્યાલ આવી ગયો હતો કે વંશ અમદાવાદની સારી ગણાતી સ્કૂલોમાંની કોઇ એક સ્કૂલમાં ભણતો હતો. તેના આ વતૅન વિશેની વધારે તપાસ કરવા માટે તેનો સાઇકાયટ્રિક રેફરન્સ કરાવો જરૂરી હતો.
વંશ સાઇકાયટ્રિક્સને બતાવીને પાછો આવ્યો,
તેની ઓ.પી.ડી. બુક ખોલીને જોયુ તો ડાયગ્નોસિસ લખ્યુ હતુ, "સ્કૂલ ઇનવાયરનમેન્ટલ ટ્રોમા"...!!
વંશની તકલીફનું કારણ તેની સ્કૂલનુ તણાવપૂણૅ વાતાવરણ હતું.
વંશ એવી સ્કૂલમા ભણતો જેમાં એડમિશન ના ફોમૅ સૂધ્ધાં લેવા માટે સવારે ૪ વાગ્યાથી લાઇન લાગતી
અને જેમા સ્ટુડન્ટની સાથે તેના પેરેન્ટસના પણ ઇન્ટરવ્યુ લેવામાં આવતા. માનવુ અઘરૂ હતું પણ વાત એકદમ સાચી હતી.
વંશ હોશિયારતો હતો જ, પણ બેસ્ટ સ્કૂલના બેસ્ટ ટિચીંગને સમજવામા વંશને થોડીક વાર લાગતી હતી.
દરેક પેરેન્ટસ મિટિંગમા પણ એજ કહેવામાં આવતુ કે વંશ ભણવામાં પાછળ જ રહી જાય છે, વંશના કોમળ મન પર આ "પાછળ રહી જવુ" શબ્દ એ ઘણો મોટો ટ્રોમા આપી દીધો હતો.
કદાચ વંશને "બેસ્ટ ટિચર" કરતા એક "માસ્તર" ની જરૂર હતી કે જે તેને સમજાવી શકત કે પાછળ રહેવુ એક દમ નોમૅલ છે..
૨ દિવસના સાયકોથેરાપીના સેશન બાદ વંશની માનસિક તબિયતમા ઘણો સુધાર હતો,
વંશને ડિસ્ચાજૅ આપવામા આવ્યું.
વંશ જ્યારે રજા લઇને ઘરે જતો હતો ત્યારે મને "ટાઇટેનિક" ની વાત યાદ આવી કે કેવી રીતે એ કેપ્ટનને એક મોટી હિમશીલા બરફનો નાનો ટૂકડો લાગી અને ટાઇટેનિક ડૂબ્યુ, આ વસ્તુને "આઇસબગૅ ફિનોમેના" કહેવાય..વંશ પણ "ટાઇટેનિક ના આઇસબગૅ" જેવો જ હતો.
વંશ જેવા કેટલા બાળકો આ "સ્કૂલ ઇન્વાયરનમેન્ટલ ટ્રોમા" થી હેરાન થતા હશે તે જાણવું ખરેખર મુશ્કિલ છે....!
ડૉ. હેરત ઉદાવત.