"દરિયાનાં મોજાં રેતીને પૂછે કંઈ તને ભીંજાવું ગમશે કે નઈ......
ઓહ ! મારી ફેવરીટ ગઝલ.... તમને પણ ગમે છે? નિધિએ નીરવ ને પુછ્યુ. હા, કેમ નહિ. મેં તને આ ગઝલ ગાતાં સાંભળી છે અને મને પણ ગમવા લાગી સાથે જ તું પણ એમ કહી નીરવ નિધિ સામે પ્રેમભરી દ્રષ્ટિથી હસે છે. નિધિને કંઈ સમજાતું નથી એટલે તે નીરવ સામે આશ્ચર્યથી હસી દે છે.
નીરવ એક બિઝનેસમેનનો દીકરો. પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પપ્પાના બિઝનેસમાં જોડાઈ ગયો અને ઘણો સક્સેલફુલ બિઝનેસ ચલાવીને નાની ઉંમરમાં જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. દીકરાની આવી સિદ્ધિથી અનુપભાઈ પણ ખૂબ ખુશ હતા.
કોલેજના એક કાર્યક્રમમાં આ બિઝનેસમેનને સ્ટુડન્ટસને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવેલ. ત્યાંજ નીરવને નિધિ મળી ગઈ. નિધિ આ કાર્યક્રમમાં ગઝલ ગાઈ રહી હતી. મધમીઠો અવાજ અને સાદગીપૂર્ણ નિધિ નીરવનાં મનમાં જાણે અંકિત થઈ ગઈ. ત્યાર પછીનાં ઘણાં દિવસો સુધી તેના વિચારો પરથી નિધિ જાણે ખસતી જ ન હતી. હવે નીરવને નિધિને મળવું હતું.
બિઝનેસના કામ અર્થે તેને થોડો સમય બહાર જવાનું થયું એટલે તે નિધિની શોધખોળ કરી ન શક્યો. પણ નિધિને મનમાં તો રોજે શોધતો. કામ પૂરું થયું ને ઘરે પરત ફર્યો ને બીજા જ દિવસે કોલેજમાંથી નિધિ વિશે માહિતી આપવા રિકવેસ્ટ કરી આમ તો કોલેજમાંથી આ રીતે સ્ટુડન્ટસના ડેટા કોઈને આપવામાં આવતા ન હતાં પણ અહીં તો કોલેજમાં અઢળક ડોનેશન આપનાર નીરવ હોવાથી પ્રિન્સીપાલ ના ન કહી શક્યાં. પરંતુ તમે આ ડીટેલ્સનો સારો ઉપયોગ કરશો અને કોલેજનું નામ ઉચ્ચ સ્થાને રહેશે એવી આશા સાથે વિનંતી પ્રિન્સીપાલએ કરી. ડોન્ટવરી હું મિસયુઝ નહીં કરું કહી નીરવ ત્યાંથી નીકળી ગયો. હવે તેના હાથમાં રહેલ ચબરખીમાં નિધીનું પૂરું નામ, એડ્રેસ તમામ ડીટેલ્સ આવી ચૂકી હતી.
જાણે તેને તો આ નાની ચબરખી કોઈ સક્સેસ થયેલ પ્રોજેક્ટનાં કાગળો કરતાં પણ વધારે અણમોલ લાગી રહી હતી. નીરવ આખી રાત એ જ વિચારોમાં રહ્યો કેવી રીતે તેની સામે જાવ, શું વાત કરું??સપનાઓ જોતાં સવાર થઈ ગઈ. સવારે ઉઠીને ફ્રેશ થઈને નીરવ આજ ઓફિસમાંથી બ્રેક લેવાનું વિચારે છે.
નાસ્તો કરતાં સ્મિતાબેન નીરવને કહે છે - શું વાત છે નીરવ બેટા,આજ તો તું બહુ ખુશ લાગે છો. ખાસ કંઈ નહીં મમ્મી, કહેતાં નીરવ વાત ટાળવાનો પ્રયત્ન કરે છે પણ એ તો માં ની નજર તેમાંથી કોઈ બચી શકે ખરું??નીરવ તેના પપ્પા તરફ જોઈને પપ્પા મને આજે ઓફિસમાંથી લીવ લેવાની ઈચ્છા છે મળશે??
અનુપભાઈ કહે છે - તારી જ ઓફિસ છે મને કેમ પૂછે છે? અને હું ક્યારેય તને ના કહું છું દીકરા, તે તું મને હરવખતે પૂછે છો. તે મારા બિઝનેસને એ ઊંચાઈ પર લાવ્યો છે જેની મને ક્યારેય કલ્પના પણ ન હતી. આવા કાબેલ દીકરા પાસેથી મારે બીજી કોઈ અપેક્ષા ન હોઈ. આમ પણ તું હમણાં જ બિઝનેસટુરમાંથી આવ્યો છે તો એક નહિ બે દિવસ આરામ કર, મિત્રો સાથે હરવા ફરવા જા. થેન્ક યુ પપ્પા કહી, નીરવ પોતાના રૂમમાં જાય છે.
રૂમમાં જઈને ચબરખી શોધે છે પણ તે મળતી નથી. નીરવ બેચેન બની જાય છે. ફરીવાર શોધવાનો પ્રયત્ન કરે છે પણ વ્યર્થ. તેનું મન ઉદાસ થઈ જાય છે...વિચારે છે ફરીવાર કોલેજમાં જઈ ને ..... ના ના તે યોગ્ય ન કહેવાય... મારી જ બેદરકારી.....
બીજી બાજુ સ્મિતાબેન અનુપભાઈને કહે છે કે હવે આપણો દીકરો પીળા હાથ કરવાને લાયક થઈ ગયો છે. આપણે તેનાં સગપણ વિશે વિચારવું જોઈએ.
અનુપભાઈ - હજુ શું ઉતાવળ છે. હરવા ફરવાની ઉંમર છે શા માટે અત્યારથી એને લગ્નના બંધનમાં બાંધે છો? હેન્ડસમ છે,ટેલેન્ટેડ છે, સક્સેલફુલ બિઝનેસમેન છે અને અઢળક સંપત્તિનો એકલો માલિક છે. કોણ ના પાડશે તારા રાજકુમારને? નાહકની ચિંતા કરે છે. સ્મિતાબેન હસે છે અને કહે છે, હું ઉતાવળ નહીં કરતી તમારા લાડકાને ઉતાવળ છે તો હું શું કરું?અનુપભાઈએ કહ્યું મને સમજાય તેવું બોલ અને સ્મિતાબેન માંડીને વાત કરે છે.
રામલાલ કપડાં વોશિંગમશીનમાં નાખતાં પહેલાં ખિસ્સા ચેક કરે કારણકે તમારાં અને નીરવનાં ખિસ્સામાંથી ઘણી વખત કાગળો ને પૈસા નીકળતા જ હોઈ છે. જે નીકળે તે મને ત્યારે જ આપી દે છે. ખૂબ પ્રામાણિક છે આપણા રામલાલ .હા,હો ચોક્કસ રામલાલની પ્રામાણિકતા વિશે બેમત નથી. એટલે જ તો તેઓ આપણે ત્યાં વર્ષોથી કામ કરે છે.-અનુપભાઈએ કહ્યું.
હવે તું આગળની વાત કહીશ. સ્મિતાબેને વાત આગળ વધારતાં કહ્યું, હા તો હરવખતની જેમ આ વખતે નીરવનાં ખિસ્સામાંથી એક નાની ચબરખી મળી એટલે તરત જ રામલાલ મને આપી ગયા. ચબરખી ખોલીને મેં વાંચી તેમાં કોઈ યુવતીની માહિતી લખેલ હતી. તેનું નામ , એડ્રેસ વગેરે..અને બીજી મજાની વાત એ છે કે એ યુવતી બીજી કોઈ નહી આપણા જ ગામના અને તમારા જ જૂના મિત્ર એવા પ્રથમેશભાઈની દીકરી નિધિ.!તું પણ ખરી છે. દીકરાની ખાનગી વાતો પણ ખુફિયા જાસૂસની જેમ જાણી લીધી .તો હવે આગળ શું પ્લાન છે? મેડમ. અનુપભાઈ એ સ્મિતાબેન સાથે હળવો મજાક કર્યો. મને લાગે છે નીરવ તેને પસંદ કરતો હશે અનુપભાઈએ ધારણાં બાંધી.
નીરવ નિધિને શોધે તે પહેલાં આપણે જ તેમને મળાવી આપીએ તો કેવું રહે?બાકીનું હું સંભાળી લઈશ સ્મિતાબેને કહ્યું. ત્યારબાદ અનુપભાઈએ પ્રથમેશભાઈને કોલ કરી મળવાનું ગોઠવ્યું.
બીજા દિવસે સ્મિતાબેને નીરવને કહ્યું નીરવ અમે તારાં સગપણ માટે એક છોકરી શોધી છે,સાંજે આપણે તેમના ઘરે જવાનું છે તો તું તૈયાર રહેજે. આમ તો આપણું જ જૂનું વતન છે પણ તું ત્યાં કદાચ બાળપણમાં ગયો હોઈશ અને આપણા..ત્યાં તો નીરવ વચ્ચે જ બોલી ઉઠ્યો, મમ્મી, આટલી શું ઉતાવળ છે હજુ મને એ બાબત માટે..
નીરવનું મન તો નિધિ સાથે જોડાવા લાગ્યું હતું તો એ બીજા માટે કેમ વિચારી શકે??
સ્મિતાબેન- બેટા, તું ક્યારેય મારી વાતની ના નથી પાડતો તો આજે કેમ? તું પણ જાણે છે કે મેં જે કંઈ વિચાર્યું હશે તે તારા હિતમાં જ હશે અને હા,અમે ક્યાં તને ફોર્સ કરીએ છીએ તને ગમે તો જ. આમ પણ આપણે ત્યાં એક ગેસ્ટ બનીને જ જઈએ છીએ માટે તને ફાવશે. નીરવ તેના મમ્મીની જીદ સામે હારી ગયો આમ તો તેની જ જીત હતી પણ તે તેનાથી અજાણ હતો. છેવટે મને-કમને જવા માટેની તૈયારી બતાવી.
સાંજે સ્મિતાબેન, અનુપભાઈ અને નીરવ ત્રણેય પ્રથમેશભાઈનાં ઘરે પહોંચી ગયા. બન્ને મિત્રોની સમજૂતી થી બન્ને ને ધ્યાનમાં રાખીને વાતાવરણ હળવું રાખવાનો પ્રયોગ સફળ નીવડ્યો. વાતચીતનો દોર ચાલું હતો. નીરવ પણ કમ્ફટેબલ દેખાતો હતો. નિધિ તો આ વાતથી સાવ અજાણ જ હતી. થોડીવારમાં નિધિ પણ ત્યાં બધા પાસે આવે છે. નિધિને અચાનક જોતાં નીરવનું મન કલ્પી ન શકાય તેવો હરખ અનુભવી રહ્યું હતું જેની સાબિતી તેનું મુખ આપી રહ્યું હતું. મંઝીલની સાવ નજીક પહોંચ્યા હોવાં છતાં તેને કંઈ મળ્યું નહીં અને આજ આમ અચાનક...
લાઈટ પિંક કુર્તી ને વ્હાઇટ લેગીસ અને લાંબા થોડાં બાંધેલા વાળ સાથે નિધિ તો નીરવને તે દિવસ કરતાં પણ વધારે ગમી ગઈ .સાથે જ સ્મિતાબેન અને અનુપભાઈની નજરમાં પણ વસી ગઈ. બંન્ને મનોમન નીરવની પસંદ પર ગર્વ અનુભવી આ સંબંધ પર સ્વીકૃતિની મહોર લગાવી દીધી. ઘરનાં બધા સભ્યો સાથે નિધિ વાતચીત કરી રહી હતી. પોતાના હરખને કાબૂમાં રાખી નીરવ પણ જોડાયો. પ્રથમેશભાઈ અને સગુણાબેનને નીરવની નિખાલસતા અને સરળ સ્વભાવ ગમી ગયો હતો. ધીમે ધીમે વડીલો ચર્ચા માંથી જાણીજોઈને બાકાત થતાં ગયાં અને જેમના માટે આ મીટીંગ ગોઠવી હતી તેમને એકાંત આપ્યો.
પ્રથમેશભાઈ, સગુણાબેન,અનુપભાઈ અને સ્મિતાબેન મનોમન આ મીટીંગથી ખુશ દેખાઈ રહ્યા હતાં.
ઘરે આવ્યા બાદ સ્મિતાબેને કાન ખેંચવા નીરવને કહ્યું,નીરવ બેટા, તું કંઈ ચિંતા ન કરતો, તને ન ગમે તો અમે ના પાડી......ના સાંભળતાં જ નીરવ તેના સ્વભાવ વિરુધ્ધ અચાનક જ બોલી ઉઠ્યો, ના મમ્મી, ના ન કહેતી મને તો પહેલેથી જ....
કંઈક ઉતાવળ થઈ ગઈ એવું જણાતાં નીરવ અટકી જાયછે અને પછી કહે છે તમને જેમ ઠીક લાગે તેમ ....જવાબ સાંભળી અનુપભાઈ બોલ્યાં - અચ્છા બચ્ચે ,હમેં ઠીક લગે વૈસે .નીરવનો કાન ખેંચતાં બોલ્યાં, તો પછી આ ચબરખીનું શું કરીશું??બધી જ વાત આમ ખુલ્લી પડી જતાં નીરવ બધું સમજી ગયો અને શરમાઈ ગયો . સાથોસાથ નાનકડાં કુટુંબમાં હરખની હેલી ફરી વળી. હવે માત્ર રાહ હતી તો સામેના પક્ષના જવાબની.
પ્રથમેશભાઈ અને અનુપભાઈ તો આ સંબંધથી ખુશ થવાનાં જ હતાં કારણકે નાનપણનાં બે મિત્રો વેવાઈ બની શકે તેમ હતા. પરંતુ,પ્રથમેશભાઈ ઈચ્છતા હતાં કે છેવટે નિધિનાં નિર્ણયને અગ્રીમતા આપવામાં આવે, નીરવની પસંદગીની જેમ નિધિને પણ પોતાની જિંદગીનો આ મહત્વનો નિર્ણય લેવાનો અને પસંદગી જાહેર કરવાનો હક છે. આ વાત થી અનુપભાઈ પણ સંમત થયા હતાં. નીરવ પણ એવું જ ઈચ્છતો હતો.
નિધિને આ વાતની કશીય ખબર નહતી. પ્રથમેશભાઈ લાડકવાયી નિધિ સમક્ષ પ્રેમપૂર્વક પોતાની વાત રજૂ કરે છે અને નિધિને પોતાનો નિર્ણય લેવા માટે પૂરતો સમય લઈ આ બાબતે વિચારવાનું કહે છે.
થોડા દિવસ બાદ પ્રથમેશભાઈનો અનુપભાઈને કોલ આવે છે અને કહે છે કે નિધિને નીરવ પસંદ છે. પછી તો શું બંનેપરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ત્યારબાદ નિધિની ઈચ્છા મુજબ બંને પક્ષ દ્વારા બંનેની બીજી બે-ત્રણ મીટીંગો ગોઠવવામાં આવી. બન્નેને એકબીજાને સમજવાનો પૂરો સમય મળ્યો. નીરવને તેનું ગમતું પાત્ર મળી ગયું. નિધિને ખુલ્લાં વિચારો અને કેરીંગ નેચરનો નીરવ કહીએ તો સપનાનો રાજકુમાર મળી ગયો. મિત્રતા વેવાઈમાં પરિવર્તિત થઈ. થોડા દિવસમાં નિધિ અને નીરવની સગાઈ કરવામાં આવી અને ચાલુ થઈ ગયો સિલસિલો... મેસેજીસ... ફોનકોલ્સ... ગીફ્ટસ... લોન્ગ ડ્રાઈવ... અને આમ જ આજે બંન્ને એકબીજાનાં સંગાથે બેઠાં હતાં.
નિધિ નીરવને તેના હાસ્યનું કારણ પૂછે છે અને નીરવ બધી વાત નિધિને કહે છે. નિધિ વાત સાંભળી નીરવને કહે છે કે હું ખુબ નસીબદાર છું કે મારી પાસે તમારાં જેવો જીવનસાથી અને ખુબજ સમજદાર પરિવાર છે.
ભવિષ્યનાં મબલખ સપનાં સાથે દરિયાનાં મોજાં બન્નેનાં પગ અને હ્ર્દયને ભીંજવી રહ્યા હતા.
આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો...