પ્રકરણ ૧
આજે કોલેજ કેમ્પસ માં થઇ રહેલી હલચલ જોઈ ને દેવર્ષિ ને થોડું અચરજ થવા લાગ્યું.હજુ આજે કોલેજ નો ત્રીજો દિવસ હતો.કેટલાક સીનીયર વિદ્યાર્થીઓ કૈક ચોપાનીયા વહેચી રહ્યા હતા,અને અમુક ચોપાનીયા ને કોલેજ ની કંપાઉંડ વોલ પર લગાવી રહ્યા હતા.દેવર્ષિ એ ડરતા ડરતા એક સીનીયર વિદ્યાર્થી ને પૂછ્યું,”સર આ શેના ચોપાનીયા તમે વહેંચી રહ્યા છો?”
પેલા સીનીયર વિદ્યાર્થી એ એક હળવા સ્મિત સાથે દેવર્ષિ ને કહ્યું,”કાલે સાંજે આપણી કોલેજ ના હોલ માં જાણીતા માર્ક્સવાદી,બૌધિક અને ક્રાંતિકારી વિચાર ધરાવતા દિલ્હી યુનીવર્સીટી ના ખુબજ જાણીતા પ્રોફેસર ડો.શાંડિલ્ય નું વ્યક્તવ્ય છે.જેનું આમંત્રણ અમે આ ચોપાનીયા દ્વારા આપી રહ્યા છીએ”
દેવર્ષિ નું અચરજ ઓર વધી ગયું,અને થોડા ખચકાટ સાથે ફરી પૂછ્યું,”પણ સર તમે મને કહેશો કે આ વ્યક્તવ્ય શેના વિષય પર છે?.”
પેલો સીનીયર વિદ્યાર્થી દેવર્ષિ ના અંદર વધી રહેલી કુતુહુલતા ને પામી ગયો અને તેની અંદર વધારો કરવા ના આશય સાથે ફરી હળવા સ્મિત સાથે બોલ્યો,”ભાઈ તું કાલે જાતે આવી જજે ને તને તારા બધા સવાલો નો જવાબ મળી જશે.”એમ કહી દેવર્ષિ ના હાથ માં એક ચોપાનિયું પકડાવી દીધું.દેવર્ષિ એ ચોપાનીયા પર નજર ફેરવી.પણ એમાં કઈ વિશેષ જાણકારી નહોતી.બસ કાલ ના પ્રોગ્રામ નો સમય અને ડો.શાંડિલ્ય ની તસવીર હતી અને એની નીચે એમની ડીગ્રીઓ વિષે લખેલું હતું.
દેવર્ષિ કોલેજ ના બધા લેકચર અટેન્ડ કરી ને સાંજે હોસ્ટેલ પર પહોંચ્યો.પણ તેના મગજ માં હજુ પેલી કુતુહુલતા શોર મચાવી રહી હતી.દેવર્ષિ શહેર થી ખુબ દુર એક અંતરિયાળ ગામડા માં એક દલિત પરિવાર ના ઘેર જન્મેલો પણ જન્મજાત ખુબજ તેજસ્વી બાળક હતો.તેના માતા પિતા ગામ ના અમીર ખેડૂતો ને ત્યાં મજુરી કરતા હતા.પણ એક નો એક દીકરો હોવા થી તેમના થી કરાવી શકાય એટલા લાડકોડ થી ઉછેરેલો હતો.તેના માં બાપ જ્યાં કામ કરતા હતા તેવું એક ઘર અમરશીભાઈ પટેલ નું હતું.અમરશીભાઈ ફક્ત ૨ ચોપડી જ ભણેલા પણ તેમના માં ભણેલા કરતા પણ વધુ આવડત હતી અને માણસ ને ઓળખવા માં એમનો જોટો જડે તેમ નહોતો.તેમને દેવર્ષિ માં રહેલું હીર પારખી લીધેલું.અમરશી ભાઈ નો એક દીકરો અમેરિકા સેટલ થયેલો હતો અને મોટો દીકરો અહી ગામ માં રહી ને ખેતી ની દેખરેખ રાખતો હતો.અમરશીભાઈ નો સ્વભાવ ખુબજ સરળ હતો.તેઓ હમેશા સહુ મજુરો પ્રત્યે કુણું વલણ દાખવતા અને ક્યારે પણ ગામ માં થી કોઈ પણ વ્યક્તિ તે પછી કોઈ મજુર હોય કે ગામ નો કોઈ પણ વ્યક્તિ હોય તેમની તરફ મદદ માટે હાથ લંબાવે તો તે હાથ ક્યારે પણ ખાલી પાછો ના ફરતો.એથી વિરુદ્ધ એમનો મોટો દીકરો મહેશ ખુબજ કઠોર અને બરડ સ્વભાવ નો હતો.તેના પિતા કોઈ ને પણ મદદ કરે તે તેનાથી ક્યારે પણ સહન નહોતું થતું.દેવર્ષિ નો જયારે જન્મ થયો ત્યારે પણ અમરશીભાઈ એ તેના પિતા બાબુ ને
૨૫૦૦૦ રૂપિયા ની મદદ કરેલી.બાબુ અને તેની માં રૂખી ગદગદ થઇ ગયેલા અને અને છોકરા નું નામ પાડવા નું કામ અમરશીભાઈ ને સોંપેલું.દેવર્ષિ નું નામ પણ અમરશીભાઈ ની દેન હતી. મહેશ ને આ વિષે ખબર પડી તો બાબુ ના ઘેર જઈ તેમને ધમકાવી આવ્યો અને કહ્યું,”મારા બાપા એ તને ભલે પૈસા આપ્યા પણ જો એક વર્ષ માં પૈસા પાછા નહિ આપે તો તારી ચામડી ઉતેડી લઈશ”.આજે દેવર્ષિ કોલેજ ના અભ્યાસ સુધી પહોચ્યો તે પણ અમરશીભાઈ ની દેન હતી.અમરીશભાઈ દેવર્ષિ ની અંદર રહેલા હીરા ને પારખી ગયા હતા અને તેના પિતા બાબુ ને કહ્યું હતું કે,”બાબુ,આ બાળક તારી પાછળ ની જીંદગી સુધારી દેશે બસ એને વ્યવસ્થિત કેળવણી ની જરૂર છે અને તેને કેળવવા માટે હું તને પુરતી મદદ કરીશ,અને આ કરવા માં મને ખુબજ સંતોષ મળશે.”બાબુ ની આંખો માંથી માલિક પ્રત્યે પ્રેમ ની લાગણી આંસુ બની ને વહેવા લાગી.
દેવર્ષિ ને ૧૨ માં ધોરણ માં સામાન્ય વિભાગ માં ૮૮ ટકા આવ્યા અને અમરશીભાઈ એ એને ગામ થી ૨૦૦ કિલોમીટર દુર મોટા શહેર માં ખુબજ પ્રતિષ્ઠિત યુનીવર્સીટી માં ભણાવવા ની નિર્ણય કર્યો.કોલેજ થી નજીક જ આવેલા દલિત છાત્રાલય માં દેવર્ષિ નો દાખલો આરામ થી થઇ ગયો.
બીજા દિવસે સવારે કોલેજ ગયો તો સાંજ ના કાર્યક્રમ નો જોર શોર થી પ્રચાર થઇ રહ્યો હતો.આજે દેવર્ષિ ને ૨ જ લેકચર હતા.તે થોડો અસમંજસ માં હતો સાંજે કાર્યક્રમ માં જઉં કે નહિ.તેના અંદર નું કુતુહુલ તેને જવા માટે વિવશ બનાવી રહ્યું હતું.કોલેજ માં આજે તેનો એક મિત્ર પણ બન્યો હતો.તેનું નામ સ્વરિત હતું.સ્વરિત શહેર માં જ તેના માતા પિતા સાથે રહેતો હતો તેના પિતા શહેર ના એક જાણીતા ઉદ્યોગપતિ હતા.અને ખુબજ સુખી સંપન હતા.શહેર ના પોશ વિસ્તાર માં એક બંગલા માં રહેતા હતા.સ્વરિત ખુબજ મોંઘી બાઈક લઇ ને કોલેજ આવતો હતો.આટલા સુખી પરિવાર માં જન્મ્યો હોવા છતાં ખુબજ સરળ સ્વભાવ ધરાવતો હતો.એના સ્વભાવ માં જરા પણ અભિમાન નો અંશ નહોતો.બંને ક્લાસ માં એક જ બેંચ પર બેસતા હતા તેમાં થી એક બીજા નો આજે પરિચય થયો અને બંને ને લાગ્યું કે તેમની વચ્ચે જામશે.જેથી આજે તેમની દોસ્તી નો પ્રથમ દિવસ હતો.સ્વરિત દેવર્ષિ ને તેની બાઈક પર બેસાડી કોલેજ ની બહાર આઈસક્રીમ ખાવા લઇ ગયો.દેવર્ષિ નો સ્વભાવ જરા પણ મળતાવળો નહોતો પરંતુ કુદરતી રીતે જ તેને સ્વરિત ની દોસ્તી ગમવા લાગી હતી.તેનું કારણ સ્વરિત ની સમૃદ્ધિ નહિ પણ તેનો સુંદર સ્વભાવ હતું.આઈસક્રીમ ખાતા ખાતા દેવર્ષિ એ સ્વરિત ને સાંજ ના કાર્યક્રમ વિષે પૂછ્યું.તો સ્વરીતે કહ્યું,”મને આવા કાર્યક્રમો માં રસ નથી પણ તને નવું નવું જાણવા માં રસ હોય તો તું જા.”
સાંજે લગભગ ૫:૪૫ દેવર્ષિ કોલેજ ના હોલ માં પહોચી ગયો.હજુ હોલ માં અમુક ગણ્યા ગાંઠ્યા લોકો જ દેખાઈ રહ્યા હતા.દેવર્ષિ ને થોડા ભોંઠા પડવા જેવું લાગ્યું.એને થયું કે એ થોડો વધારે વહેલો આવી ગયો છે.તે પીઠ ફેરવી ને પાછો જવા ગયો ત્યાં પાછળ થી કોઈ એ તેના ખભા પર હાથ મુક્યો.તેને પાછળ ફરી ને જોયું તો કોલેજ ના ખુબજ વિદ્વાન અને રાજનીતિ ભણાવતા પ્રોફેસર વાર્ષ્ણેય હતા.પ્રોફેસર બોલ્યા,”ક્યાં જાય છે બેટા,બસ હવે કાર્યક્રમ શરુ થવા ની તૈયારી છે,તારા જેવા હોનહાર વિદ્યાર્થીઓ એ આ પ્રકાર ના કાર્યક્રમ માં જરૂર હિસ્સો લેવો જોઈએ.”દેવર્ષિ હસી ને બોલ્યો,”હા સર હું કાર્યક્રમ માં હિસ્સો લેવા જ આવ્યો હતો પણ ખુબજ ઓછા લોકો ની ઉપસ્થિતિ જોઈ ને પાછો ફરી રહ્યો હતો.પણ હવે કાર્યકમ પતાવી ને જ જઈશ.”
આટલું કહી દેવર્ષિ આગળ ની હરોળ માં જઈ ને બેસી ગયો.૧૫ મિનીટ માં તો હોલ વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રાદેશિક પક્ષ ના દેખાતા કાર્યકર્તાઓ થી ખચાખચ ભરાઈ ગયો.થોડી વાર માં ડો.શાંડિલ્ય હોલ માં પ્રવેશ્યા.બધા એ ઉભા થઇ તાળીઓ વગાડી ને તેમનું હાર્દિક સ્વાગત કર્યું.કોલેજ ના જ એક ખુબજ સીનીયર લાગતા વિદ્યાર્થી એ કાર્યક્રમ ની પ્રસ્તાવના આપી.અને ડો.શાંડિલ્ય નાં હાથ માં માઈક આપ્યું.
ડો.શાંડિલ્ય એ લેકચર શરુ કર્યું,અને પ્રસ્તાવના માં કાર્લ માર્ક્સ ની જીવન કથા થી શરૂઆત કરી,”કાર્લ માર્ક્સ નો જન્મ ૧૮૧૮ માં ત્રેવેસ માં એક યહૂદી પરિવાર માં જન્મ થયો હતો.અને ૧૮૨૪ માં તેમને પુરા પરિવાર સાથે ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો.કાર્લ માર્ક્સ ખુબજ મોટા અર્થશાસ્ત્રી,દાર્શનિક,ઇતિહાસકાર,સમાજશાસ્ત્રી,અને નિપુણ પત્રકાર હતા.તેમનો વૈચારિક સંઘર્ષ સમગ્ર વિશ્વ ની મૂડીવાદી સરકારો સાથે હતો.તેમની લાગણી સમગ્ર વિશ્વ ના મજૂર,ગરીબ,દલિત અને શોષિત એવા વ્યક્તિઓ કે જેમનું ઉચ્ચ વર્ગ ના મુડીવાદી સામંતો દ્વારા શોષણ કરવા માં આવતું તેમની સાથે જોડાયેલી હતી.”
દેવર્ષિ સમગ્ર ભાષણ એકાગ્ર મન થી સાંભળી રહ્યો હતો.અને ડો.શાંડિલ્ય ના પ્રભાવશાળી વ્યક્તિત્વ ને માણી રહ્યો હતો.તે વિચારી રહ્યો હતો કે ડો.શાંડિલ્ય નું વ્યક્તિત્વ આટલું પ્રભાવશાળી છે તો તેઓ જેના વિષે વાત કરી રહ્યા છે કાર્લ માર્ક્સ તો કેવા તેજસ્વી વ્યક્તિત્વ ના માલિક હશે.તેને અંદર થી કાર્લ માર્ક્સ વિષે વધુ જાણવા ની તાલાવેલી થવા લાગી.
સમગ્ર કાર્યક્રમ પૂરો થયો.દેવર્ષિ પણ ઉભો થયો અને હોલ ની બહાર નીકળી હોસ્ટેલ તરફ ચાલવા લાગ્યો.તેના પણ ની સાથે તેના મગજ માં વિચારો પણ ચાલી રહ્યા હતા.એને આજ ના કાર્યક્રમ પર થી એવું તારણ કાઢ્યું કે,”દરેક દેશ માં ઉચ્ચ વર્ગ દ્વારા નિમ્ન વર્ગ ના લોકો નું હમેશા શોષણ જ થતું હોય છે,અને આ અંગે દેશ ની સરકાર સામે બાંયો ચડાવ્યા વગર ગરીબો નો તેમનો હક મળતો નથી.”વિચારતો વિચારતો હોસ્ટેલ પર પહોચ્યો હાથ પગ ધોયા અને પલંગ પર આડે પડખે થયો ત્યાં જ બાજુ ના રૂમ માં રહેતો લક્ષ્મણ તેને બોલાવવા આવ્યો કહ્યું ચલ ભાઈ જમવા ની ઘંટી વાગી ગઈ છે.બંને સાથે ભોજનાલય માં જમવા ગયા.જમતા જમતા દેવર્ષિ એ લક્ષ્મણ ને પૂછ્યું,”ભાઈ તું કાર્લ માર્ક્સ વિષે કાઈ જાણે છે?”
લક્ષ્મણ આંખો પોહળી કરી દેવર્ષિ ની સામે જોઈ બોલ્યો,”ક્યાં ના છે એ ભાઈ? આપણી બાજુ ના છે?”
દેવર્ષિ પેટ પકડી ને હસવા લાગ્યો અને બોલ્યો,”ભાઈ રેવા દે તું,તારા સિલેબસ બહાર નો પ્રશ્ન મેં તને પૂછી લીધો?”
લક્ષ્મણ મોં લટકાવી ને જમવા લાગ્યો.
આજે બીજો લેકચર ફ્રી હતો તો દેવર્ષિ એ લાઈબ્રેરી તરફ પગ માંડ્યા.ત્યાં જઈ ને જોયું તો વાર્ષ્ણેય સર એક ખૂણા ના ટેબલ પર બેસી ને કઈક વાંચી રહ્યા હતા.દેવર્ષિ કુતુહુલ થી તેમની સામે જોઈ રહ્યો હતો ત્યાં સર ની નજર તેના પર પડી અને તેમને દેવર્ષિ ને ઇશારા થી પોતાની તરફ બોલાવ્યો.દેવર્ષિ તેમની સામે જઈ ને ઉભો રહ્યો.વાર્ષ્ણેય સરે તેને કહ્યું,”બેસ”.
દેવર્ષિ શરમાતો શરમાતો તેમની સામે ની ખુરશી માં બેઠો.
સર બોલ્યા,”હું જાણું છું કે તારી અંદર ઘણા બધા સવાલો ઘર કરી ને બેઠા છે,અને એ પણ હું માનું છું કે જેના મન માં સવાલો પેદા નાં થાય એ વિદ્યાર્થી જીવન માં ક્યારે પણ આગળ ના વધી શકે.સવાલો પેદા થવા એ તારા જેવા હોનહાર વિદ્યાર્થી ની નિશાની છે.અચરજ થવું માનવસહજ એક પ્રક્રિયા છે એ બધા ને થાય,પણ એ અચરજ ને નોલેજ માં ફેરવવા માટે પુરુષાર્થ કરવો એ તારા જેવા વિદ્યાપિપાસુ વિદ્યાર્થી જ કરી શકે.”
દેવર્ષિ ને સર ની વાતો સાંભળી શરમ મિશ્રિત ગર્વ ની લાગણી અનુભવાઈ રહી હતી.અને શું બોલવું એની ખબર પડી રહી નહોતી.પણ હિંમત ભેગી કરી ને બોલ્યો,”સર કાલે પેલા કાર્યક્રમ માં મને ડો.શાંડિલ્ય ને સંભાળવા ની ખુબ મજા આવી અને થોડી થોડી સમજ પણ પડી.પણ એ પછી મારા મગજ માં ઘણા બધા અધૂરા સવાલો એ જન્મ લીધો છે જેમ કે માર્ક્સવાદ ની સંપૂર્ણ પરિભાષા શું હશે?,માર્ક્સવાદ એટલે શું શ્રીમંતો સામે સીધી લીટી નું યુદ્ધ?,શું સાચેજ માર્ક્સવાદ થી ગરીબો ને એમનો હક મળી શકે? શું હજુ પણ વિશ્વ ના દરેક દેશ માં “સામંતશાહી” નું એટલું જ વર્ચસ્વ છે જેટલું વર્ષો પહેલા હતું?,અને જો આનો જવાબ “હા” હોય તો શું આજ ના સમય માં “સામંતશાહી” સામે લડવા માટે “માર્ક્સવાદ” નું હથિયાર એટલું જ અસરદાર છે જેટલું પહેલા હતું?”
પ્રોફેસર તો દંગ રહી ગયા દેવર્ષિ ના સવાલો સાંભળી ને અને તેમને થયું કે,”આ છોકરો શું છે?,આટલી નાની ઉંમર માં આટલી બધી કુતુહુલતા અને આટલું તેજસ્વી દિમાગ કરી રીતે શક્ય છે?”
પણ એમને અંદર થી આનંદ પણ થયો કે ઘણા વર્ષો પછી એક એવો વિદ્યાર્થી મળ્યો કે જેને ભણાવવા માં રોમાંચ આવશે.પ્રોફેસર વાર્ષ્ણેય કોલેજ માં ઈતિહાસ નો વિષય ભણાવતા હતા.તેમને હસી ને કહ્યું,”દેવર્ષિ તને તારા બધા જ સવાલો ના જવાબ મળશે હજુ આપનો સાથ ૩ વર્ષ સુધી રહેવા નો છે.”દેવર્ષિ પણ હસી ને બોલ્યો,”હા સર.”પ્રોફેસરે એક ચિઠ્ઠી પર કઈક લખી ને દેવર્ષિ ને આપ્યું.દેવર્ષિ એ ચીઠ્ઠી ખોલી ને જોયું તો એમાં લખેલું હતું “દાસ કેપિટલ”.દેવર્ષિ એ સર ને પૂછ્યું “આ શું છે સર?”.
સર બોલ્યા,”આ કાર્લ માર્ક્સ ની ગીતા છે,તારા મગજ માં જે સવાલો છે તેના બધા ઉત્તર તને આ બૂક માં થી મળી જશે.તું આ લાઈબ્રેરી માં થી આ પુસ્તક લઇ જઈ શકે છે અને એક વાત યાદ રાખજે આ પુસ્તક ને ખુબજ ચાવી ચાવી ને વાંચજે, આઈ મીન ખુબજ ધીરજપૂર્વક અને સમજી વિચારી ને વાંચજે તો જ તને પચશે,ભલ ભલા આને પચાવી નથી શક્યા પણ મને વિશ્વાસ છે તું આને પચાવી જાણીશ.”
દેવર્ષિ ની કુતુહુલતા એકદમ વધી ગઈ આ પુસ્તક વિષે અને હસી ને બોલ્યો,”હા સર ચોક્કસ પચાવવા નો પ્રયત્ન કરીશ.”
એમ કહી એ લાઈબ્રેરી ની ઓફીસ તરફ વળ્યો અને ત્યાં જઈ પેલી ચિઠ્ઠી લાઈબ્રેરિયન ને આપી અને “દાસ કેપિટલ” નું પુસ્તક ૧૫ દિવસ માટે લીધું.એને આ પુસ્તક વાંચવા ની એટલી બધી તાલાવેલી લાગી હતી કે આજે બાકી ના ૨ લેકચર પણ બંક કરવા નું નક્કી કર્યું અને હાથ માં પુસ્તક લઈ છાત્રાલય તરફ નીકળી પડ્યો...
વધુ આવતા અંકે (ક્રમશ:)