64 Summerhill - 84 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 84

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

64 સમરહિલ - 84

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 84

ત્રણ બાજુ શુધ્ધ ધવલ પહાડો, ચોથી તરફ પ્રિયતમના બાવડે ચૂંટી ખણીને દોડી જતી મુગ્ધ કન્યા જેવી કૈલુ નદી અને બેયની વચ્ચે પથરાયેલી સમથળ લીલીછમ્મ તળેટી...

ત્સાલિંગ.

દોમદોમ સાહ્યબીથી હરીભરી હવેલી, શેઠ દેવાળુ કાઢે પછી નિઃસાસા નાંખતી નાંખતી ખંડેર થઈ જાય, ત્સાલિંગની નિયતિ ય કંઈક અંશે એવી જ હતી.

સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં લોબસાંગ ગ્યાત્સો પંચેન લામા તરીકે બૌધ્ધ ધર્મવાહક બન્યા એ સમય તિબેટના ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજીક ઉપરાંત રાજકીય રીતે પણ બહુ જ ધારદાર બની રહ્યો હતો. તિબેટ એ સમયે ચાર અલગ અલગ વંશના રાજાઓમાં વહેંચાયેલું હતું અને ચારેય સતત એકમેક સાથે યુધ્ધે ચડેલા રહેતા હતા. પરિણામે ધર્મસત્તા પાંગળી બની ચૂકી હતી.

પાડોશી દેશમાંથી મંગોલ આક્રમકોના ધાડા વારંવાર તિબેટ પર ચડી આવીને સર્વત્ર તારાજી અને વિનાશ વેરી જતા હતા. સેંકડો બૌધ્ધ મઠો વેરણછેરણ થઈ ચૂક્યા હતા અને સમગ્ર પ્રજાની માનસિકતાને જ હિણપતનો લૂણો લાગી ચૂક્યો હતો.

લોબસાંગ માટે બૌધ્ધ મતને અને ધર્મશાસનને પૂર્વવત્ત સ્થાપિત કરવું એ બહુ કઠિન પડકાર હતો. તેમણે તેમના પૂર્વસૂરિઓની માફક લ્હાસામાં બેસીને દર્શન આપવાને બદલે સમગ્ર તિબેટનો પ્રવાસ શરૃ કર્યો. કુશાગ્ર બુધ્ધિ, ધર્મશાસ્ત્રોનો પ્રખર અભ્યાસ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા લોબસાંગની સંમોહિનીની તીવ્ર અસર થઈ અને બહુ ઝડપથી બૌધ્ધ મઠનો અંકૂશ પુનઃસ્થાપિત થયો. અત્યાર સુધીના દરેક લામાઓ ફક્ત ધાર્મિક બાબતોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા. લોબસાંગે સમાજજીવનને ય એટલું જ પ્રાધાન્ય આપ્યું અને તિબેટના દરેક છેડે બૌધ્ધવિહાર સ્થાપીને વર્ષભર વિવિધ સાંસ્કૃતિક મહોત્સવો શરૃ કરાવ્યા. અત્યંત દુર્ગમ પહાડોથી છવાયેલા દેશને એકજૂટ કરવા માટે તેમણે વર્ષના ચાર મુખ્ત ઉત્સવ માટે તિબેટની ચાર દિશામાં ચાર અલગ કેન્દ્રો સ્થાપ્યા. એક કેન્દ્ર યજમાન હોય તો બાકીના કેન્દ્રો મહેમાન બનીને એ ઉત્સવ માણવા માટે ત્યાં પધારે. લોબસાંગે અપનાવેલી આ પધ્ધતિએ સમગ્ર તિબેટી પ્રજાને એકત્વની પ્રચંડ ભાવનાથી પ્રેરિત કરી.

એ સમયે મહોત્સવનું એક મહત્વનું કેન્દ્ર હતું ત્સાલિંગ.

તિબેટિયન કેલેન્ડર મુજબ વર્ષના ત્રણ મહિના બૌધ્ધ સાધુઓ અજાણ સ્થળોએ સાધના કરવા જતા રહે અને પછી કેલેન્ડરના સાતમા મહિને પરત ફરે. સાધુઓના પુનરાગમનના એ સમયે શોટોન મહોત્સવનો આરંભ થતો અને તેનું યજમાન હતું ત્સાલિંગ.

અહીં પહાડીઓનો ઢાળ ઉતરતી ટેકરીઓ પર બેઠા ઘાટનો વિહાર બંધાયેલો હતો. વિહારની નીચેથી શરૃ થતી સમથળ તળેટી નદીની દિશામાં નૈસર્ગિક ઢાળ ધરાવતી હોઈ ચોમાસામાં પર્વતો પરથી દદડતો જળપ્રવાહ વરસાદ શમે કે તરત નદીમાં ભળી જતો અને રહી જતી માત્ર લીલીછમ્મ રમ્યઘોષા.

એવા માહોલમાં અહીં ઉત્સવ મંડાતો. વિહારના દરેક ટોડલે કાગળના રંગબેરંગી ફાનસમાં માખણના દિવા પ્રગટતા. દિવસભર ઘોડાદોડની હરિફાઈમાં પરસેવો પાડીને લાલઘૂમ થયેલા તિબેટિયન જુવાનિયા સાંજ ઢળે એટલે રંગીન અતલસી વાઘા સજીને તળેટીના ચોકમાં ઉમટી પડતા.

ઊંચા ઓટલા પર ચડીને તૂરી વગાડતા સાજિંદાઓ, દૂર ક્યાંક ખીલે બાંધેલા ઘોડાઓની હણહણાટી, આકાશમાં ક્વચિત ગર્જી જતો મેઘ, એકમેકના ખભે હાથ વિંટાળીને આમતેમ નજર ફેંક્યા કરતા છેલબટાઉ જવાનિયાઓ અને રંગીન ફાનસની થરથરતી જ્યોતના જાંબલિયાળા ઉજાસ તળે મારકણા સ્મિત વેરતી, આંખોમાં આંજેલા આંજણના કામણથી તરબોળ કરતી છોકરીઓ...

રોજ સમી સાંજે શરૃ થતો નૃત્ય અને નાટકનો એ સમો વહેલી સવારના પહેલા પ્રહર સુધી જારી રહેતો અને ત્સાલિંગની સોહામણી તળેટી શોટોન ઉત્સવના દિવસોમાં ખુશમિજાજ તરુણીની માફક ખિલખિલાટ કિલ્લોલતી રહેતી.

પોતાની જ દુનિયામાં મશગુલ રહેતા નિર્દોષ તિબેટીઓની આ સાંસ્કૃતિક પ્રણાલિ પર પહેલો કુઠારાઘાત થયો ઈસ. ૧૮૯૨માં. યન્નાનના રસ્તે ચીની આક્રમણકારીઓ દક્ષિણ તિબેટમાં ઘુસ્યા ત્યારે તેમનું પહેલું નિશાન હતા બૌધ્ધ મઠ. હાન વંશના સૈનિકો પોતે ય બૌધ્ધ હતા પણ જાણે તિબેટના બૌધ્ધ જુદા અને ચીનના બૌધ્ધ ચડિયાતા હોય તેમ બર્બર સૈનિકોએ રસ્તામાં આવતાં કેટલાંય વિહારોનો સફાયો કરી નાંખ્યો. જગતને અહિંસા અને સદ્ભાવનો ઉપદેશ આપનાર ભગવાન બુધ્ધના કરુણાચક્ષુમાંથી આંસુ દદડવાની એ પહેલી ક્ષણ હતી.

ત્સાલિંગનો વિહાર પણ એ આક્રમણમાં જમીનદોસ્ત થઈ ગયો. શોટોન ઉત્સવના સમયે જ થયેલા એ આક્રમણમાં સેંકડો નિર્દોષ તિબેટીઓએ જીવ ગુમાવ્યો. ભીષણ રક્તપાતમાં કૈલુ નદીના જળ પણ લાલ બની ગયા. અસંખ્ય કોડીલી છોકરીઓ પર અત્યાચારો થયા. બે મહિના સુધી આખાય વિસ્તારને રગદોળીને હાન સૈનિકો પાછા ફર્યા પરંતુ ત્યાં સુધી ભોળા, અબૂધ, નિહથ્થા તિબેટીઓની હામ તૂટી ગઈ હતી.

એ પછી લગાતાર એ માર્ગે આક્રમણો થતા રહ્યા. વિહાર બંધાતો રહ્યો, તૂટતો રહ્યો... તૂટતો રહ્યો. છેવટે શોટોન ઉત્સવની પ્રણાલિ જ બંધ થઈ ગઈ.

માખણના રંગબેરંગી દિવડા ક્યારના ઓલવાઈ ગયા હતા. ઘોડાઓની હણહણાટી અને ખચ્ચરની ખરીના અવાજ દાયકાઓથી નિઃસ્તબ્ધ થઈ ગયા હતા. ઘેનભર્યા સ્મિતના કામણ દંતકથાઓ પર વહીને વિસરાઈ ગયા હતા અને રંગબેરંગી વેશભૂષા પહેરીને પરંપરાગત તિબેટી કથાઓની નાટયાત્મક ભજવણી ઘરડેરાંઓના સ્મરણમાં બુઝાઈ રહી હતી.

હવે બચ્યા હતા ટેકરીઓના વળાંક પર ઊભેલા ખંડેર, ખુલ્લી તળેટીમાં ચોમાસામાં છૂટાછવાયા બંધાયેલા ભરવાડોના કૂબા અને વળી કદીક કોલાહલ ઊઠશે, ઉત્સવઘેલા લોકો ઉમટશે એ આશાએ ઊંચા થઈ થઈને તળેટી ભણી નીરખી રહેલા પહાડો...

મૂગો સન્નાટો ઓઢીને કારમા સન્નાટા નાંખતી લીલોતરી ફરતો હવે નર્યો હાયકારો વિંઝાતો હતો.

* * *

'ફોલ ડાઉન...'

કેસીએ પહેલાં તિબેટી ભાષામાં અને પછી અંગ્રેજીમાં આદેશ કર્યો એ સાથે સૌ કોઈ જ્યાં હતા ત્યાં જ ખોડાઈ ગયા. મુક્તિવાહિનીના આદમીઓએ તરત માલસામાનના કોથળા, ખોખાં જ્યાં દેખાયા ત્યાં ખડકની આડશમાં ગોઠવવા માંડયા. ચઢાણ મુશ્કેલ હતું પરંતુ ચારેબાજુ અડાબીડ પહાડોને બદલે છૂટાછવાયા ખડકો પથરાયેલા હતા.

ત્વરિતે જોયું કે, આવા વખતે ભોંય પર લપાવાની ય તેમની આગવી પધ્ધતિ હતી. કોઈ ભોંય પર અધૂકડી સ્થિતિમાં આડા પડી ગયા હતા તો કોઈ છાતી સુધી પગ ખેંચીને ઊંધા મોંએ ભોંય સાથે ચિપકી ગયા હતા. કોઈ કમરમાંથી કમાન આકારે ખેંચાઈને મડદાની માફક પડી રહ્યું હતું.

મુસાફરી શરૃ કરતાં પહેલાં જ રોજેરોજ દરેકને મોટા શણિયા આપી દેવાતા હતા અને દરેકે પોતાના સામાન ફરતો શણિયો વિંટાળવો ફરજિયાત હતો. ત્વરિતને હવે એ શણિયાનો અસલ ઉપયોગ સમજાતો હતો. કઢંગા આકારમાં ભોંયસરસા સજ્જજ ચંપાઈ ગયેલા દરેક આદમી માથા પર શણિયા ઓઢી રહ્યા હતા.

મુક્તિવાહિનીની તરકીબ પર તે મનોમન આફરિન પોકારી ગયો.

સેંકડો ફિટ ઉપરની સ્હેજ પાતળી હવામાં ગતિશીલ હેલિકોપ્ટરમાંથી બાયનોક્યુલર વડે જોઈ રહેલો આદમી કઈ રીતે થાપ ખાઈ શકે તેનો ગેરિલાઓએ પાક્કો અભ્યાસ કર્યો હતો.

એરિયલ વ્યુના ટોપ એન્ગલમાં એ ભોંય પર લપાયેલા માણસનો આકાર પારખવા પ્રયત્ન કરે. હેલિકોપ્ટરના અવાજથી ભાગો તો ય દૂરથી નજરે ચડી જવાય અને ચત્તાપાટ કે ઊંધેકાંધ પડયા રહો તો પણ કદ, આકારને લીધે હાજરી પરખાઈ જાય. તેને બદલે શરીરને શક્ય તેટલું કઢંગુ બનાવો અને ઉપર શણિયો ઓઢી લો તો વેરવિખેર પથરાયેલા ખડક સાથે એકરૃપ થઈ જવાશે અને થાપ આપવાના ચાન્સ વધી જશે.

પહેલા બે હેલિકોપ્ટર સડસડાટ આગળ નીકળી ગયા પણ ત્રીજુ હજુ ય માથા પર મંડરાતું હતું. ઘડીક એ સ્થિર રહ્યું. ઘડીક ડાબી દિશા પકડી પછી જમણી પહાડીઓ તરફ વળ્યું અને પછી ઊંડી ડૂબકી મારીને એ પણ આગળની તરફ વળી ગયું.

ક્યાંય સુધી કોઈ હલનચલન વગર બધા એમ જ પડયા રહ્યા. છેવટે તીણો સિસોટી જેવો અવાજ થયો કે તરત ભોંયમાંથી પ્રગટતો હોય તેમ આખો કાફલો ખડો થયો.

હિરન દોડીને તરત કેસી તરફ લપકી. સૌ કોઈ હેલિકોપ્ટરની દિશામાં નજર માંડી રહ્યા હતા ત્યારે કેસી અને તાન્શી ચિંતાતુર ચહેરે ઉપરના ચઢાણ તરફ નીરખી રહ્યા હતા.

'ઈટ વોઝ બોર્ડર ફોર્સ...' હિરન કશું જ પૂછે એ પહેલાં કેસીએ કહી દીધું, 'સમથિંગ ઈઝ રોંગ... એબસોલ્યુટલી રોંગ...'

સાધારણ સંજોગોમાં ચોમાસાની સિઝનમાં આ દુર્ગમ રસ્તે કોઈ ઘુસણખોરી થતી નહિ. રસ્તો મુશ્કેલ અને નિર્જન હતો અને ધારો કે કોઈ આવે તો પણ આગળ શરૃ થતા યાત્રાળુઓ માટેના ત્રિભેટે કડક ચોકીપહેરો હતો જ. વળી, આવા વરસાદી માહોલમાં ગમે ત્યારે હવામાન બદલતા પહાડો પર હેલિકોપ્ટર બે જ સંજોગોમાં નીકળે. એક તો યુધ્ધ જેવી કોઈ પરિસ્થિતિ હોય તો અથવા ઘુસણખોરીની પાક્કી બાતમી હોય તો...

કેસીના રૃંવાડા કાંપી રહ્યા હતા. આ કાફલાના તિબેટ પાર કરાવવાનું બીડું ઝડપીને તેણે ભૂલ કરી હતી કે શું?

પહેલેથી જ સતત અણધારી ઘટનાઓ બની રહી હતી એટલે બરાબર વહેમાયેલા કેસીએ તરત તાન્શી અને હિરન જોડે મસલત કરવા માંડી. થોડી વારમાં પ્રોફેસર પણ તેમાં જોડાયા.

બ્રહ્મપુત્રના કાંઠે હુમલો કરવા આવેલા લોકો ભારતના બોર્ડર ફોર્સ સાથે સંકલાયેલા હોય તો તેમણે અત્યાર સુધીમાં સરકારને પોતાનો રિપોર્ટ મોકલ્યો જ હોય. આઈપીએસ અફસરનું મોત થયું હતું એટલે શક્ય છે કે ભારત સરકારે ચીનનો ય સંપર્ક સાધ્યો હોય.

કેસીનો તર્ક બિલકુલ સાચો હતો પણ તેનું તકદીર ખોટી દિશામાં દોડી રહ્યું હતું.

'આ રસ્તે આગળ ત્સાલિંગ નામનો કસ્બો આવશે...' તેણે પહેલી જ વાર પોતાનો ગેમપ્લાન સૌની સામે મૂક્યો, 'આપણે ત્યાં જવાનું હતું'

'તો?' હિરનના ચહેરા પર પણ ઉચાટ હતો, 'હેલિકોપ્ટર તો આગળ જતા રહ્યા. હવે મને નથી લાગતું કે...'

'મને એર સર્વેલન્સનો નહિ પણ ગ્રાઉન્ડ ફોર્સનો ડર છે...' દૂરંદેશી કેસીએ સ્પષ્ટતા કરવા માંડી, 'આ સિઝનમાં હેલિકોપ્ટર નીકળે નહિ. નીકળ્યા છે મતલબ આપણા વિશે બાતમી પહોંચી ગઈ છે. એ સંજોગોમાં ગ્રાઉન્ડ ફોર્સ પણ હરકતમાં આવી જ ગયું હોય.'

'હમ્મ્મ્મ્...' હિરનને પણ હવે ભયસ્થાન સમજાતું હતું, 'મતલબ કે ત્સાલિંગના કસ્બાઓ પણ તેમની નજર તળે જ હોવાના, પણ આપણે ત્યાં જવું જરૃરી છે? મેપમાં તો બીજો રસ્તો ય છે જ...' હિરને મનોમન મેપ ચકાસી લીધો, 'આપણે સીધી દિશાએ ત્સાલિંગ જવાને બદલે જમણી તરફ ફંટાઈ જઈએ અને રાતભર ચકરાવો મારીને પિલગ્રિમ રૃટ પર પહોંચી શકીએ...'

'યસ્સ્...' હિરન તદ્દન અજાણી જગાએ પણ મનોમન કેટલી વિચક્ષણતાથી વિચારી રહી હતી એ પારખીને તાન્શીએ અહોભાવથી તેની સામે જોયું, 'એમ જ કરવું જોઈએ. હેલિકોપ્ટરની દિશા જોતાં બાતમી ડેવિલ્સ બેડ તરફથી આપણે ઘૂસ્યા એ પ્રકારની જ છે. એ સંજોગોમાં ત્સાલિંગથી પિલગ્રિમ રૃટના ત્રિભેટે જતા માર્ગ પર જોખમ છે. પરંતુ જમણી તરફનો રસ્તો કદાચ સલામત બની શકે.'

'હમ્મ્મ... તો પછી?' હિરનને હજુ ય ગડમથલનું કારણ સમજાતું ન હતું.

'પિલગ્રિમ રૃટ પર પરમિટ આપનારા અધિકારી દર પંદર દિવસે બદલાય છે. આપણી પાસે બનાવટી પરમિટ છે પણ તેમાં અધિકારીના સહી-સિક્કા બાકી છે. અત્યારે કોણ ફરજ પર છે એ ત્સાલિંગ પહોંચ્યા બાદ જ ખબર પડે. મારા માણસો નિયમિત રીતે બદલાતા દરેક અધિકારીની સહીના નમૂના તફડાવી રાખતા હોય છે. પરમિટ પર આપણે એ સિક્કા મારીએ પછી જ આગળ વધવાનું શક્ય બને'

ત્સાલિંગ પહોંચવાની અનિવાર્યતાનું ખરું કારણ, ચીનની જડબેસલાક તકેદારી અને મુક્તિવાહિનીની ગજબનાક દૂરંદેશીભરી કુનેહ પારખીને હિરન થીજી ગઈ.

'તો હવે?'

હિરનના સવાલના જવાબમાં કેસી આડું જોઈ ગયો. તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી, માયુસી અને પરવશતા વર્તાતા હતા. હિરન અને પ્રોફસરના ચહેરા પર ઉચાટ હતો.

- અને અચાનક તાન્શી ઊભી થઈ.

'લેટ મી ચેક...' તેણે મક્કમ અવાજે કહ્યું એ સાથે કેસી રોષભેર ઊભો થઈ ગયો.

'નોઓઓઓ...' તેણે ઝાટકા સાથે તાન્શીનો ખભો ઝકઝોરી નાંખ્યો. તેના અવાજમાં અજીબ અકળામણ વર્તાતી હતી. કદાચ તેના કંઠમાં ડૂમો બાઝ્યો હોય તેમ પણ હિરનને લાગ્યું.

જવાબમાં તાન્શી તેની સામે જોઈ રહી. તેની કાળી, મોટી, ચમકતી આંખોમાં ભીનાશ હતી કે ખુન્નસ? તેના પાતળા, નમણાં ચહેરા પર કાળઝાળ દૃઢતા હતી કે સંવેદનાની છાલક?

હિરન અને પ્રોફેસર તાજુબીથી બેયની વણબોલાયેલી જબાનમાં ફક્ત આંખોમાંથી પ્રગટતા, પ્રગટીને ક્ષણાર્ધમાં જ વિલાઈ જતા સંવેગોને જોતા રહ્યા.

બેયના મનોભાવ પારખીને પ્રોફેસરના ચહેરા પર અપાર પીડા તરી આવી અને અનાયાસે જ તેમણે આંખ બંધ કરીને આકાશ તરફ ગરદન ઊંચકી નાંખી. તેમનું મિશન કેટકેટલો ભોગ માંગવાનું હતું?

* * *

મટન સૂપનો છેલ્લો કટોરો પરાણે ગળા નીચે ઉતાર્યા પછી તેણે શર્ટની બાંયથી ગંદા હોઠ લૂછ્યા. બેહુદા અવાજે ડરામણો ઓડકાર કાઢ્યો અને બાજુમાં બેઠેલા પોતાના સાથીદાર તરફ જોયું.

'કેરિંગ્વા ત્યોટો?' દોરજીના અવાજમાં ચોખ્ખી ચાંપલુશી અને ચહેરા પર નરી ભાટાઈ વર્તાતા હતા. તેણે સૂપનું વાસણ આગળ ધરીને ફરીથી પૂછ્યું, 'આપું વધારે?'

બપોર ઢળી અને આસપાસના કૂબાના ભરવાડો પોતપોતાના દૂધાળા ઢોર અને ખચ્ચરને ચરિયાણમાંથી પાછા હાંકવા ઘોડા પલાણી રહ્યા હતા એ જ વખતે દિમ-લા તરફથી બે આદમીઓ ખચ્ચર ઉતારતા હતા. તેમના ખભા પર લટકતી ગન જોઈને દૂરથી જ તેમને પારખી ગયેલા મુખિયા શે દોરજીના પેટમાં ફાળ પડી હતી.

આવે વખતે ચીનના બોર્ડર ફોર્સના આદમી અહીં આવે એ જેટલું અજુગતું હતું એટલું જ જોખમી પણ હતું. કેસીનો સંદેશો મળ્યો તેને અઠવાડિયું થયું હતું. હવે ગમે તે દિવસે કેસીનો કાફલો પ્રગટ થવો જોઈએ. તેમા વળી આ લપ...

ખંધા દોરજીએ તરત બંદોબસ્ત કરવા માંડયો હતો. સૌથી પહેલાં તો તેણે દીકરા હેંગ્સુનને ખચ્ચર પર સવાર કરીને વિહારના ખંડેરોની પાછળ ધકેલી દીધો હતો. ચીનના લઠ્ઠાઓને તે કૂબામાં લઈ આવે એટલે તરત હેંગ્સુને પહાડ ઓળંગીને રાહ જોવાની હતી અને કેસીનો કાફલો સામે મળે તો તેમને રોકી લેવાના હતા.

પહાડ ઉતરીને આવેલા લશ્કરી આદમીઓ દોરજીના આવકારાને ધ્યાનમાં લીધા વગર કરડા ચહેરે સીધા જ કૂબામાં ધસી ગયા હતા અને પછી તરત હાજર હોય એ દરેકને ઓળખપત્ર સાથે મૌજુદ થવા ફરમાન કર્યું હતું.

આવા ચેકિંગની તિબેટમાં નવાઈ ન હતી. ચીની લશ્કર ગમે ત્યારે, ગમે તેના ઘરમાં પ્રવેશીને ઓળખના પૂરાવા ચકાસી શકતું હતું અને જરાક સરખો વિરોધ થાય તો સીધી ગોળી જ છૂટતી હતી. ગયા વરસે લ્હાસાની ઉત્તરે ન્યાસોગ ગામે ઓળખપત્રો ચકાસવાની અને મહિલાઓની અંગજડતી લેવાની વાતમાં ચડભડ થઈ અને પાંચ જ મિનિટમાં ૧૧ લાશો ઢળી ગઈ ત્યારે સમગ્ર તિબેટમાં ભારે તંગદીલી પ્રસરી હતી. ચોરીછૂપીથી મુક્તિવાહિની સુધી પહોંચી ગયેલા કરપીણ હત્યાકાંડના ફોટાઓનો તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારે પ્રચાર કર્યો હતો અને આખી દુનિયાએ ચીનની આપખુદ સરમુખત્યારી સામે માછલા ધોયા હતા.

એ પછી નવા નિમાયેલા રિજન્ટે પ્રમાણમાં હળવાશ દાખવવાનું શરૃ કર્યું હતું પણ તોય લોહી ચાખી ગયેલા લશ્કરી આદમીઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ખાસ ઘટયો ન હતો. ઓળખપત્રો આઘા-પાછા થયા હોય, ફાટેલા હોય કે રિન્યુ ન થયા હોય એવા સહજ કિસ્સામાં ય પૈસા પડાવતા ચીની ફૌજીઓ ખનખનિયા મળતા હોય તો નાના-મોટા ગુનાઓમાં આંખ આડા કાન પણ કરી લેતા.

ચીનના ફૌજીઓની એવી જ બીજી બદી હતી રૃપાળી છોકરીઓને ભોગવવાની લત. શરૃઆતમાં અફીણના દાણચોરોએ અફઘાન સરહદેથી ઉત્તર તિબેટમાં અફીણ ઘુસાડવા માટે તગડી લાંચ ઉપરાંત છોકરીઓ ધરવાનો ય રિવાજ દાખલ કર્યો એ પછી ફૌજીઓ પોતાની જોહુકમીની તાકાત અને તિબેટીયનોની વિવશતા બરાબર પારખી ગયા હતા. પછી તો, જરાક સરખા વાંકમાં ય છોકરીઓની માગણીઓ થવા માંડતી હતી.

કૂબામાં ઉતરી આવેલા ફૌજીઓની નજર ખંધા દોરજીએ તરત પારખી લીધી હતી. દરેકના ઓળખપત્રો ચકાસતી વખતે ચકળવકળ ઘૂમતી તેમની આંખો મહિલાઓ, યુવતીઓના વળાંક પર અટકતી હતી ત્યારે દોરજીનું મગજ ફાટી જતું હતું. ઘડીક તેને થઈ આવતું હતું કે બેયને સાલાને તેમની જ ગનથી ફૂંકી મારે.

એ ધારે તો ફૂંકી ય શકે પણ પછી તેના માટે, તેની આખીય વસાહત માટે જીવવું દોહ્યલું થઈ જાય એ પણ નક્કર હકિકત હતી.

મનમાં પારાવાર રોષ અને જીભ પર રસઝરતું મધ ચોપડીને તેણે બેયને પટાવવા માંડયા હતા. બહુ બહુ તો ઓળખપત્રો ચકાસીને બેય રવાના થશે તેવી દોરજીની ધારણા વચ્ચે બંને જણાએ ખચ્ચર ખીલે બાંધવાનો હુકમ કર્યો અને ચોકમાં ચારપાઈ પથરાવી રાતના ખાણાની ફરમાઈશ કરી દીધી ત્યારે દોરજીને ખબર પડી કે આ લોકો તો બીજો હુકમ ન થાય ત્યાં સુધી અહીં જ રહેવાના હતા!

રાત્રે વાળુ કરતાં પહેલાં બંનેએ સરખાઈથી ચોખાનો દારુ ઢિંચ્યો હતો અને મટન સૂપના વાટકા ગટગટાવ્યા હતા.

'કેરિંગ્વા ત્યોટો??' દોરજીએ ફરીથી મધઝરતા અવાજે પૂછ્યું અને પછી વગર કહ્યે કટોરામાં સૂપ રેડવા માંડયું.

'ના... ના...' એક આદમીએ રાતીચોળ આંખો તગતગાવીને હાથ આગળ ધરી દીધો અને પછી દોરજીની આંખમાં આંખ માંડીને સીધું જ પૂછી લીધું, 'કંઈ ગરમાવાની વ્યવસ્થા કરી આપ...'

તેની નિંભર માગણીથી છળી ઊઠેલા દોરજીના ચહેરા પર લાલાશ તરી આવી. તે ગમ ખાઈને નીચું જોઈ ગયો. તેની વિવશતા પર જાણે હસતા હોય તેમ બેય જણા ઠહાકા મારતા બહાર પાથરેલા ખાટલા ભણી દોરવાયા ત્યારે દોરજીનું મગજ અપમાન અને લાચારીથી ફાટાફાટ થતું હતું.

બેયને રેઢા મૂકાય તેમ ન હતા અને સાથે બેસીને તેમની બેહુદી વાતો સાંભળી લેવી અઘરી હતી. દોરજી કઠણ કાળજુ કરીને તેમની પાછળ દોરાયો. આખો જગ ભરીને શરાબ ઢિંચવા છતાં બેય હરામીઓ સાલા ઘોરતા ન હતા. મનોમન ગાળો બબડતા દોરજીએ બેયની પગચંપી કરવા માંડી પણ તેના મનમાં આવનારા કાફલાના જ વિચાર અવિરત ચાલ્યા કરતા હતા.

બેય ફૌજી કૂબા ભણી આંગળી ચિંધીને ગંદા ઠહાકા મારતા એકબીજા સાથે ચાઈનિઝ ભાષામાં વાતો કરતા હતા એ જ વખતે કૂબાના બારણે તેનો દીકરો હેંગ્સુન ડોકાયો.

હેંગ્સુન આવી ગયો? તેને જોઈને દોરજીના પેટમાં રીતસર ફાળ પડી. મતલબ કે, કાફલો આવી પહોંચ્યો હતો અને અહીં માથે આ બલા ઝિંકાઈ હતી.

પેટમાં વળતા લોચા ચહેરા પર છતા થઈ જતા પરાણે અટકાવીને પાણી લાવવાના બહાને એ કૂબામાં પાછો ફર્યો. હેંગ્સુન તેને કૂબાની પછીતે લઈ ગયો. દસેક મિનિટ પછી તે પાછો ફર્યો ત્યારે તેના રૃંવે રૃંવે જાણે વિવશતાના ડામ પડતા હતા.

* * *

ખુલ્લામાં પાથરેલા ખાટલા એક ખાલી કૂબામાં ખસેડાઈ રહ્યા હતા. દોરજી હવે ખોટું ખોટું હસવાના ય મૂડમાં ન હતો. નત મસ્તકે પારાવાર ગ્લાનિ, શરમ અને લાચારીથી તેણે હોઠ ભીડી રાખ્યા હતા અને બેય ફૌજીના ચહેરા ગલગોટા જેવા થઈ ગયા હતા. મુખિયાએ અચાનક જ કેમ તેમની માંગણી સ્વીકારી લીધી હતી એ સમજવાના બેયને હોશ ન હતા. મોટો કૂજો ભરીને શરાબ પીને ભરપેટ મટન પેટમાં ઠાંસ્યા પછી કૂમળુ માંસ દબોચવાની કલ્પના માત્રથી બેય ગેલમાં આવીને ઘડીક દોરજીને ભેટી રહ્યા હતા તો ઘડીક એકબીજાને તાળીઓ દેતા હતા.

એક કલાક પછી...

ત્સાલિંગની તળેટી પર રાત ઘેરાવા આવી હતી. ચંદ્રના ઝાંખા અજવાળામાં એક ફૌજી પાટલૂનના બટન ભીડતો કૂબામાંથી બહાર નીકળ્યો. તેના ચહેરા પર પરમ સંતૃપ્તિના ભાવ હતા. ભદ્દા હાવભાવથી તે દોરજીની સામે જોઈને હસ્યો. બીજા ફૌજી સામે હાથથી બિભત્સ ચેનચાળા કર્યા અને ખાટલા પર પડતું મૂક્યું.

એ બહાર આવે તેની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બીજો ફૌજી હરણફાળ ભરતો અંદર ધસ્યો હતો. પછીની દસ જ મિનિટમાં સાંકડા કૂબાની વાંસ મઢેલી ભીંતો સાથે નાજૂક ઊંહકારા અથડાવા લાગ્યા.

ફૌજીના કદાવર દેહ તળે એક નમણી, સુરેખ, ભરીભરી છોકરી ચગદાઈ રહી હતી. તેના ઉંહકારા કે કશાની પરવા કર્યા વગર ચીની ફૌજી બેય હાથે તેને ભીંસીને તેના પર છવાઈ ગયો હતો.

એ તાન્શી હતી.

કૂબામાં ક-મને એ ફૌજીને પસ્ત કરી રહી હતી અને બહાર દોરજી મૂગા મૂગા ડુસ્કા ભરી રહ્યો હતો. વતનની મુક્તિ કાજે હણાયેલા સેંકડો શહીદોની કસુંબલ શહાદત સામે આ છોકરીઓ પોતાના શિયળની જે રીતે કુરબાની આપી રહી હતી એથી દોરજીનું હૈયુ વલોવાઈ જતું હતું.

પણ કારમું કલ્પાંત આદરનારો દોરજી એકલો ન હતો.

પરમિટના રૃક્કા પર સહી-સિક્કા લાગી ગયા પછી પહાડીનો જમણી તરફનો ઢોળાવ ચડી રહેલા કેસીની આંખો ય ચોધાર થઈ રહી હતી.

ભડભાંખળું થાય ત્યાં સુધી સૌએ મૂંગા મોંએ ચાલ્યા જ કર્યું હતું. આખરે એક પહાડી પર તેઓ રોકાયા. પાછળ કશોક અવાજ સંભળાતો હતો. ખચ્ચર પર સવાર થયેલો હેંગ્સુન તાન્શીને મૂકી ગયો હતો. ત્સાલિંગની તળેટીમાં રાક્ષસ જેવા બેય ફૌજી ચેનથી ઊંઘતા હતા ત્યારે તેમને બરાબર હાથતાળી આપી દઈને કાફલો બીજી દિશાએ છટકી ગયો હતો.

કેસી શી વાતે ય તાન્શીથી નજર મિલાવી શકતો ન હતો અને હિરન પણ તાન્શીને ભેટીને રડી પડી હતી. પ્રોફેસરની આંખો ભીંજાઈ ગઈ હતી. બાકીના લોકો યા તો આખાય મામલાથી અજાણ હતા અથવા તો મૌન હતા.

હજુ ત્રણેક કલાકના આરોહણ પછી તેઓ ત્રિભેટે પહોંચવાના હતા એટલે સૌના કદમમાં તેજી આવી હતી.

પણ એ વખતે એ કોઈને ખબર ન હતી કે તેમનાથી બે ડગલા આગળ ચાલતું તેમનું તકદીર પણ તેજ કદમે આગળને આગળ દોડી રહ્યું હતું.

(ક્રમશઃ)