પ્રેમ કે પ્રતિશોધ-30
(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ પ્રેમના એક્સિડેન્ટ વિશેની વિગતે માહિતી મેળવી અમદાવાદ તરફ રવાના થાય છે. જ્યારે રાજેશભાઈ કોઈ વ્યક્તિને અર્જુન ત્યાં આવ્યો હતો એવી જાણકારી આપે છે.)
હવે આગળ.....
અર્જુન અને રમેશ લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચે છે. એટલે આ કેસ બાબતે વધારે ડિસ્કશન કાલે કરશું એમ નક્કી કરી બંને છુટ્ટા પડ્યા.
બીજી બાજુ રાધી અને દિવ્યા એક કેફે શોપમાં વિનયના કહ્યા મુજબ સાંજે 7 વાગ્યે ત્યાં પહોંચીને બાકીના બધા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. લગભગ પાંચેક મિનિટમાં સુનિલ અને વિકાસ પણ ત્યાં આવી ગયા અને અંતે નિખિલ અને વિનય પણ કેફેમાં પ્રવેશતાં દેખાયા.
બધા એક ટેબલની ફરતે ગોઠવાયા. બધાના ચહેરા પર ભય અને ચિંતાની રેખાઓ તણાઈ આવી હતી. વિનય અને રાધીએ જ્યારથી અર્જુનને પ્રેમ વિશે વાત કરી ત્યાર પછી તો જાણે બધાના મનમાં એક જ પ્રશ્ન રમી રહ્યો હતો કે,“ શું ખરેખર આ બધું પ્રેમે જ કર્યું હશે?"
પ્રશ્ન તો બધા પાસે હતો પણ જવાબ કોઈ જોડે નહીં અને સૌથી વધારે ભયભીત નિખિલ અને રાધી હતા. અને દિવ્યા તો અજયના મૃત્યુ પછી જાણે અંદરથી ભાંગી પડી હતી. શારીરિક રીતે તો હાજર હતી પણ એના માનસ પટ પર તો હજી પણ અજયના વિચારો જ ભમ્યા કરતાં હતાં.
અંતે સુનિલે મૌન તોડતાં કહ્યું,“ કોઈ કહેશે આપણે અહીં શા માટે ભેગા થયા છીએ?"
“વિનયનો કોલ આવ્યો હતો કે બધા આવજો એટલે", વિકાસે જવાબમાં કહ્યું. બધાનું ધ્યાન વિનય બાજુ કેન્દ્રિત થયું. અને વિનય કઈક કહે તેની રાહ જોવા લાગ્યા.
વિનયે જવાબ આપતાં પહેલાં તો એની અને નિખિલની જે વાત થઈ હતી એ જણાવી. અને પછી ઉમેર્યું,“નિખિલને એવું લાગે છે કે જો આ બધું પ્રેમ કરી રહ્યો હશે તો હવે પછીનો નંબર એનો છે."
બધા એક નજરે નિખિલ સામે જોઈ રહ્યા. પણ કોઈ પાસે કહેવા માટે શબ્દો જ નહોતાં કારણ કે જો આ બધા પાછળ પ્રેમ હોય તો નિખિલની વાત સો ટકા સાચી છે. એમ બધાનું માનવું હતું.
“વિનય, તે કહ્યું હતું કે કંઈક પ્લાન છે...."નિખિલે વિનય સામે દ્રષ્ટિ કરતાં કહ્યું.
“આઈડિયા ને, તો જ્યારે નિખિલે વાત કરી ત્યારે મને વિચાર આવ્યો કે અર્જુનસર પાસે જઈને વાત કરીએ કે એ કિલરનો સંભવિત આગલો ટાર્ગેટ નિખિલ હશે અને અર્જુન સર એના કોન્સ્ટેબલ કે કોઈ ને પણ એ રીતે નિખિલની સિક્યોરિટીમાં રાખે કે એ કિલરને પણ ખબર ના પડે અને એ જો નિખિલ પર અટેક કરે તો નિખિલને બચાવી પણ શકાય અને એ કિલર પણ પકડાય જાય."
“ના મારા મગજમાં આ પ્લાન બેસતો નથી, અને જો કદાચ એ ઓફિસર જે હોઈ તે થોડીક ચૂક કરી જાય તો ......"રાધીએ કહ્યું.
સુનિલે કંઈક વિચારતાં વિચારતાં કહ્યું,“hmm, આપણે તો એવું કામ કરવાનું છે કે ‘સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તુટે'.."
“હા એવું જ કંઈક પણ અર્જુન સર જોડે વાત તો કરવી જ પડશે!, એમની હેલ્પ વગર તો કઈ પોસીબલ જ નથી."વિનયે બધા સામે પોતાનો તર્ક રજૂ કર્યો.
“તો એક કામ કરીએ કાલે પોલીસ સ્ટેશન જઈએ અને વાત કરી લઈએ, એમાં શું મોટી વાત છે?"સુનીલે વિનયની વાતનું સમર્થન કરતાં કહ્યું.
અત્યાર સુધી શાંત બેસીને બધાની વાત સાંભળતી દિવ્યાએ કહ્યું,“જે કઈ પણ કરો. છતાં એટલું યાદ રાખજો કે આ કોઈ નાની સુની વાત નથી. આપણે પહેલાં જ શિવાની અને અજયને ખોઈ ચુક્યા છીએ અને હવે આપણી પર પણ લટકતી તલવાર તો ખરી જ!"
વિનયે કહ્યું,“મારા ખ્યાલથી પોલીસ સ્ટેશન જવા કરતાં આપણે સરને બહાર ક્યાંક મળીએ તો વધારે સારું."
નિખિલે ચિંતીત સ્વરે કહ્યું,“એ તારી ઈચ્છા, જ્યાં મળવું હોઈ ત્યાં પણ બસ ફટાફટ એ કિલર પકડાય જાય એવું કઈક વિચારો યાર.."
સુનીલે નિખિલને આશ્વાસન આપતાં કહ્યું,“એ તું ટેંશન ન લે, તને કઈ નહીં થાય, અમે બધા છીએ જ તારી સાથે."
“તો હવે રાહ શેની જુવે છે?"નિખિલે વિનયને સંબોધીને કહ્યું.
“શું?"વિનયે સામે પ્રશ્ન કર્યો.
“અરે યાર, અર્જુન સરને કોલ કરીને કહી દે કે કાલે...."નિખિલે ચોખવટ કરતાં કહ્યું.
વિનયે મોબાઈલ હાથમાં લઈ અને ફરી કઈક વિચારતા કહ્યું,“હમ્મ, પણ અત્યારે જ કોલ કરવો યોગ્ય રહેશે?, આઈ મીન લેટ થઈ ગયું છે."
સુનીલે કહ્યું,“કઈ લેટ નથી થયું હજી તો 8 વાગ્યા છે. અને યાર આટલી જરૂરી વાત હોય તો સવારની રાહ ન જોવાય"
“સુનીલની વાત સાચી છે."રાધીએ સુનિલની વાતને સમર્થન આપતાં કહ્યું.
“ok, હું અત્યારે જ કોલ કરું છું."આટલું કહી વિનયે અર્જુનનો નંબર ડાઈલ કર્યો.
“હેલ્લો" સામેથી કોલ રિસીવ થતાં અર્જુનનો પરિચિત અવાજ સંભળાયો.
“સર હું વિનય, થોડું જરૂરી કામ હતું."
“યસ, શું કામ હતું?"
“સર, અમે બધા આપણે મળ્યા હતા એ કેફે શોપમાં આવ્યા છીએ. અને આપની સાથે જરૂરી વાત કરવી હતી. તો શું અમે તમને મળી શકીએ?"
“એક કામ કરો તમે ત્યાં જ રહો હું થોડીવારમાં ત્યાં પહોંચું છું."અર્જુને જવાબ આપતાં કહ્યું.
“ok"આટલું કહી વિનયે કોલ કટ કર્યો.
લગભગ પંદરેક મિનિટ પછી અર્જુન ત્યાં આવ્યો. રાત્રીનો સમય હોવાથી અર્જુન ફોર્મલ કપડામાં જ આવ્યો હતો.
વિનયે તેના ફ્રેન્ડસ્ સાથે કરેલી બધી વાતચીત અર્જુનને વિગતે જણાવી.
“ok, તમે લોકોએ ક્યારેય પ્રેમનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હતી?"અર્જુને બધાને સંબોધીને પૂછ્યું.
વિનયે જવાબ આપતાં કહ્યું,“હા, સર પણ ક્યારેય કોન્ટેકટ થયો જ નહીં."
“અને હવે ગમે તેટલા પ્રયાસ કરો તો પણ ક્યારેય કોન્ટેક્ટ કરી નહીં શકો."
“એટલે?"સુનીલે કહ્યું.
“એટલે એમ કે પ્રેમનું 6 મહિના પહેલા જ એક એક્સિડેન્ટમાં અવસાન થયું હતું...."
અર્જુનની વાત સાંભળીને બધાના પગ તળિયેથી જાણે જમીન ખસી ગઈ હોય તેમ અવાચક બનીને અર્જુન સામે જોઈ રહ્યા......
(ક્રમશઃ)
આપના કિંમતી મંતવ્યો અચૂક આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470