મન અને મોહના આજે પાછાં બહાર ગયાં હતાં. સાંજ ઢળી ગઈ હતી. ઠંડીનો ચમકારો આજે રોજ કરતાં વધારે હતો કે મન ગભરાતો હતો, ગમે તે કારણ હોય મન જરા જરા ધ્રુજી રહ્યો હતો. એ બંને આજે રીસોર્ટના રુમમાં બેઠાં હતાં. મોહનાએ સુંદર વન પીસ ડ્રેસ પહેર્યો હતો અને થોડો ભડક કહી શકાય એવો મેકઅપ કરેલો. મનને એ વિચિત્ર તો લાગ્યું હતું, મોહનાને એણે ક્યારેય આટલાં ભડકીલા રુપમાં જોઈ ન હતી, છતાં એણે વિચાર્યું કે આ એની સ્ટાઈલ હશે. આમેય રાત્રે બહાર જવાનું હોય ત્યારે છોકરીઓ થોડો વધારે મેકઅપ કરતી જ હોય છે !
“તને ખબર છે, મેં હંમેશા એવો છોકરા વિષે જ વિચારેલું જે મને અને ફક્ત મને જ ચાહતો હોય. તું મારી આટલી નજીક હતો, મને આટલું ચાહતો હતો તો જણાવ્યું કેમ નહિ, પાગલ?” મોહના મનની સામેની સોફાચેરમાં બેસીને કહી રહી હતી, “જો એ વખતે તે કહી દીધું હોત તો મારી જિંદગીમાં બીજો કોઈ છોકરો ક્યારેય આવ્યો જ ના હોત.” મોહના જવાબની આશાએ મનની આંખોમાં જોઈ રહી હતી. મને જવાબ આપ્યા વગર છૂટકો જ ન હતો. એણે ખોંખારો ખાઈને કહ્યું,
“વેલ.. પ્રયત્નતો ઘણો કરેલો પણ, તારી સામે આવતા જ મારી બોલતી બંધ થઇ જતી. મનમાં ઘમાસાણ મચ્યું હોય અને હોઠેથી એક શબ્દ પણ ના નીકળી શકતો,”
“ખેર થયું એ થયું. હવે આપણે સાથે છીએ ફોર એવર, હંમેશાં હંમેશાં માટે.” મનને બોલતો રોકીને મોહના બોલી પડી અને એની જગ્યાએથી ઉભી થઇ મનની બાજુમાં આવીને, એને અડીને બેઠી. એની આંગળીઓ મનના વાળમાં, એના કાનની પાછળના ભાગે ફરવાં લાગી. મનને કોઈ અજીબ સંવેદન થઇ રહ્યું હતું. એ પ્રેમ ન હતો. શારીરિક આવેગ પણ નહિ, તો શું ?
“મન તને કાંઈ નથી થતું? હું તારી આટલી નજીક છું, તારા શ્વાસ મારા શ્વાસને અથડાઈ રહ્યા છે, એ તારા શરીરમાં તોફાન નથી જગાડતાં? મને તારી બાહોમાં ભરીલે મન, હું તને ખુબ ખુબ લવ કરું છું, આઈ લવ યુ બેબી!” મોહના મનની વધારે નજીક સરકી હતી. મનને ખરેખર કોઈ જ આવેગ નહતો આવી રહ્યો. આ વાત એના માટે પણ આશ્ચર્યજનક હતી. એની મહેબુબા એની બાહોમાં આવવા તડપી રહી હતી અને પોતે સાવ જડ બનીને બેસી રહ્યો હતો, કેમ? મોહનાને ખુશ કરવા મને એની કમર ફરતે પોતાનાં હાથ વીંટાળ્યા પણ મોહનાની કરીબ જતાં એનાં શરીરમાં જે હલચલ દરેક વખતે મહેસુસ થતી એ ગેરહાજર રહી.
મોહના મનના ગાલે ચુંબન કરવાં લાગી, ગાલ પરથી એના નાજુક હોઠ ધીરે ધીરે મનની ગરદન તરફ ખેંચાઈ રહ્યાં. મનને જાણે કોઈ ઘેન ચઢી રહ્યું હતું. એના હાથ પગ શીથીલ પડી રહ્યાં હતાં. એણે આંખો બંધ કરી લીધી. આંખો આગળ અંધારું છવાતાં જ મનની સામે તુલસીનાં મણકાની માળા તરી રહી. એણે મનોમન પોતાના ભગવાનને યાદ કર્યા અને એને જે યોગ્ય લાગે એ કરવાં કહ્યું.
**************
ભરત ઠાકોર એની સાથે એક અજાણ્યાં માણસને લઈને મોહનાના ઘરનાં દરવાજા લગી આવી ગયો હતો. પેલાએ ભરતના પડખામાં પિસ્તોલ દબાવી રાખેલી, એ ઈચ્છે તો પણ કંઈ કરી શકવાની હાલતમાં ન હતો.
“મોહના અને મન બંનેએ મને બોલાવેલો અહીં,” ભરતે ગેટ પાસેના ચોકીદારને કહ્યું, એને ખબર હતી કે એ બંને નીકળી ગયા તોય પૂછ્યું, “એ લોકો અંદર છેને?”
“નહિ. સાહેબ ઔર મેમસાહેબ દોનો બહાર ગયે.” ચોકીદારે જણાવ્યું. એ ભરતને ઓળખતો હોવો જોઈએ, મન સાથે એ જ્યારે અંદર ગયો ત્યારે પોતે પણ છેક દરવાજા સુંધી આવીને અચાનક કોઈ કામ યાદ આવી ગયું હોય અને ફરીથી આવું છું એમ નાટક કરીને પાછો ગયેલો. હકીકતે ચોકીદાર કોઈ જાતની પૂછપરછ કર્યા વિના ભરતને જરૂર પડે અંદર જવા દે એટલે જ એ લોકોએ આમ નાટક કરેલું.
“ઓહ.. નીકળી ગયા. કોઈ વાંધા નહિ મેં ઉનકા ઇંતજાર કરુંગા. વો દોનોને મુજે બુલાયાથા, ક્યાહે કે ઉનકો મુજસે કુછ જરૂરી બાત કરનીથી, હમ લોગ સ્કુલ ટાઈમકે દોસ્તાર હેં, તીનો. મેં અંદર બેઠકે ઉનકી રાહ જોતાં હું.” ભરતે મનમાં શબ્દો ગોઠવી ગોઠવીને કહ્યું. પેલો ગુંડો અત્યારે એનાં કોટના ગજવામાં પિસ્તોલ રાખી એનું નાળચું ભરત તરફ તાકીને ઉભો હતો. અત્યારે એણે મોઢાં પર મફલર વીંટાળ્યું હતું જેથી એનું મોઢું કોઈ જોઈ ના જાય. ભરતને બીક લાગી રહી હતી. મનમાંને મનમાં એ હનુમાન ચાલીસાનું રટણ કરી રહ્યો હતો. એણે જો પોતે આ ગુંડાથી બચીને સહીસલામત ઘરે પહોંચી જાય તો ચાર શનિવાર ઉપવાસ કરવાનું પ્રોમિસ પણ આપ્યું, હનુમાનજીને! ભરત એની આંખો ઉપર નીચે, સાઈડમાં કરીને ચોકીદારને ઈશારો કરી રહ્યો હતો કે એ પેલાને અંદર જવાની મનાઈ કરી દે. એની તલાશી લે, પેલો તો ભરતની આવી હરકત જોઈ હસી પડ્યો અને એને જવાની, પેલાને સાથે લઈને અંદર જવાની પરવાનગી આપી દીધી.
ભરત મનોમન ધૂંધવાતો અંદર ગયો. સાલા ગધેડાં, તને નોકરીમાંથી નીકાળી ના દેવડાવું તો મારું નામ ભરત નહિ, જો જીવતો બચું તો. મનમાં બબડતો ભરત બેઠકખંડમાં જઈને સોફામાં બેસી પડ્યો,
“જો તે કહ્યું હતું કે, હું તને અંદર પહોચાડી દઉં મેં પહોંચાડી દીધો, હવે હું આ બેઠો તું તારું કામ પતાવી દે, પણ પ્લીજ કોઈના પર ગોળી ના ચલાવતો. અહીં કોઈ આવશે તો હું એને વાતોમાં લગાવી રાખીશ, તું તારે આરામથી તારું કામ કરી આવ.” ભરત બોલી રહ્યો હતો અને પેલો એની સામે જોઈ જરાક હસીને ચાલી ગયો, “હાથમાં ગન પકડીને બીવડાવે છે, એમણેમ આવ તો બતાવું ટોપા!”
પેલો અજાણ્યો માણસ જાણે એને ખબર હોય કે એને ક્યાં જવાનું છે એમ એ સીધો ઉપર ગયો હતો અને એક કમરામાં ઘુસી ગયેલો. એ સાજીદનો સાથીદાર હતો. ત્રણ દિવસથી સાજીદ લાપતાં હતો. ત્રણ દિવસ પહેલા એ લતીફની સાથે જ અહીં સુધી આવેલો. પછી સાજીદ સીધો મોહનાના રૂમમાં ગયેલો અને આ માણસ એટલે કે લતીફ ટેલીફોનના વાયર ચેક કરવાનું નાટક કરી બહાર ચોંકી કરી રહ્યો હતો. એ બંને અહી ટેલીફોનની લાઈન ચેક કરવાને બહાને આવેલાં. એમને ખબર હતી કે કર્નલ અત્યારે દિલ્હીમાં છે અને મોહના બહાર ગઈ હતી જે કદાચ બે ત્રણ કલાક પહેલા પછી નહિ આવે એવું સાજીદે માનેલું. એમને ખબર હતી કે હાલ ઘરમાં મહારાજ સિવાય કોઈ નહિ હોય. માળી અને બીજો એક નોકર બંગલાની બહાર આવેલી નોકરો માટેની ઓરડીમાં જ બપોરે પડી રહેતાં એ એણે મોહનાના લગ્ન વખતે નોધેલું. એમની પાસે બહું સમય નહતો. લતીફ પેલા મહારાજને કોઈ બહાને બહાર રોકી રાખે અને સાજીદ ઉપરનાં કમરામાં તલાશી લઇ ફાઈલ શોધવાનો પ્રયાશ કરશે એવો એમનો પ્લાન હતો.
સાજીદ ઉપર મોહનાના કમરામાં ગયેલો અને ખોજબીન ચાલું કરેલી. એક એક કબાટ ખોલતો એ અંદર નજર નાખી રહ્યો હતો ત્યારે એક કબાટ ખોલતા સાજીદના હાથ એક બે ફૂટની ઢીંગલી આવેલી. એ ઢીંગલી જાણે સાજીદની સામે જ જોઈ રહી હતી. એણે એ ઢીંગલીને પકડી એના ગાલ ઉપર હાથ ફેરવેલો. એ વખતે મોહના મન સાથે લાયબ્રેરીમાં હતી. અચાનક એને કંઈક થયેલું અને એ મનને ત્યાં એકલો છોડી ઘરે પાછી આવી ગયેલી. એને આમ જલદી પાછી આવેલી જોતા નીચે ઘરની બહાર ટેલીફોનના વાયરો તપાસવાનું નાટક કરી રહેલો લતીફ ગભરાઈ ગયેલો. એણે બૂમ મારીને સાજીદને બોલાવેલો, પણ કોઈ જવાબ નહતો મળ્યો. જે જગ્યાએ લતીફ ખડો હતો એના ઉપરના માળે એક બારી ખુલ્લી હતી, સાજીદ એ રૂમમાં જ હતો એની લતીફને ખબર હતી. મોહના સીધી એના રુમમાં ગઈ હતી અને એનો દરવાજો બંધ થઇ ગયેલો. લતીફ પાસે હવે અહીં રોકાઈ રહેવાનું કોઈ કારણ ન હતું. પકડાઈ જવાના ભયે એ ભાગી ગયેલો. એણે બહાર જઈને બંગલામાં કોઈ હંગામો થવાની કે છેવટે પોલીસના આવવાની રાહ જોયેલી, પણ નાતો કોઈ હંગામો થયો કે ના પોલીસ આવી. સાજીદ જાણે ગાયબ થઇ ગયો હતો... એ વાતને આજે ત્રીજો દિવસ થયો હતો. જે કામ સાજીદને કરવાનું હતું, અમરની ભારતનાં જાસૂસોની વિગતો આપતી ફાઈલ શોધવાનું એ હવે લતીફને સોપાયું હતું. એ લોકોને તો ફાઈલથી મતલબ હતો ભલે એ કોઈ પણ લાવે!
લતીફ પહેલાં જે કમરામાં ગયો એ કદાચ કર્નલનો હતો. એમાંથી ફાઈલ ના મળી. લતીફે એ આખો રૂમ ફેંદી નાખ્યો હતો. નીચે બેઠેલાં ભરત માટે મહારાજ ચા મૂકી ગયેલો. ભરતે લાગ જોઈ નિમેશને ફોન જોડ્યો હતો. એ જ હવે એનો આખરી બચવાનો રસ્તો હતો. બે રીંગ ગઈ અને નિમેશ ફોન ઉપાડી ‘હલો’ બોલ્યો હતો. ભરત આગળ કંઈક બોલે ત્યાં તો ફોન કટ થઇ ગયેલો. એની બેટરી લો હતી હવે ફોન બંધ થઇ ગયેલો. ભરતને ફોન છૂટો ફેંકી દેવાનું મન થઇ થઇ આવ્યું. ખરા ટાણે જ એણે દગો દીધો હોય એવું ભરતને લાગ્યું. એને થયું મનને બચાવવા જતાં આજે એની જ બલી ચઢી જવાની.
લતીફ હવે મોહનાના કમરામાં પહોંચ્યો હતો. એણે દાખલ થતાં જ તલાશી લેવાં એ કમરાના બધાં કબાટ ખોલેલાં અને કબાટ ખોલતાં જ એણે મોટી ચીસ પાડી હતી, નીચેથી મહારાજ જેને હજી ખબર નહતી કે ભરતની સાથે કોઈ બીજું પણ આવેલું હતું એ આ અવાજ સાંભળી ચોંક્યો હતો અને ઉપર ભાગેલો એની પાછળ પાછળ ઉપર શું થયું એ જોવાં ભરત પણ ભાગેલો. હવે લડી લીધા વગર બચવાનો કોઈ રસ્તો નથી એવું એણે મન મનાવી લીધું હતું અને હવે પોતે એકલો નહતો મહારાજ અને બીજા નોકરો પણ એની મદદે આવી પહોંચવાનાં, આગળ પછી જે થશે એ જોયું જશે એ વિચારે ભરતને હિંમત આપેલી.
એ લોકો ઉપર પહોંચ્યા ત્યારે લતીફ પલંગ પર બેસેલો હતો. થોડીવાર ચીસાચીસ કર્યા બાદ એ હવે ચુપ હતો, સાવ ચુપ. એની ગન નીચે પડી હતી. એની હવે એને જાણે કોઈ જરૂર નહતી. એ ધ્રુજી રહ્યો હતો. એની હાલત જોઇને ભરત પણ ડઘાઈ ગયો. થોડીવાર પહેલા જેના ઉપર ગુસ્સો આવતો હતો, જાનથી મારી નાખવાનું મન થતું હતું એની ઉપર હવે દયા આવી ગઈ, સીધો માણસ હતો ભરત.
“શું થયું? તે આમ બુમો કેમ પાડી?” ભરતે પૂછ્યું.
“આ છે કોણ? અહીં શું કરે છે?” મહારાજે પૂછ્યું.
લતીફ થોડીવાર ચુપ જ રહ્યો પછી એણે કબાટ તરફ એનો હાથ લંબાવ્યો. ભરત અને મહારાજ બંનેએ એ ખુલ્લા કબાટમાં નજર કરી...
ત્યાં પૂતળાની જેમ હાથ, પગવાળીને બેસાડેલો સાજીદ હતો. એનું શરીર લેવાઈ ગયું હતું. એ જીવતા જાગતાં હાડપિંજર સમાન ભાસતો હતો. એની દાઢી વધી ગયેલી હતી. એની આંખો જાણે પથ્થરની બનેલી હોય એમ મટકુંય માર્યા વગર સ્થિર થઇ ગઈ હતી. આટઆટલો અવાજ થયો હતો રુમમાં છતાં એ કશું સાંભળતો જ નહોય એમ પુતળા માફક સ્થિર બેઠી રહેલો...
લતીફ સાજીદને આવી હાલતમાં કબાટમાં જોતાં જ ડરી ગયો હતો, એને એમ કે આ સાજીદનું ભૂત છે અને એણે ચીસાચીસ કરી મુકેલી. ભરત અને મહારાજે સાજીદને બહાર કાઢ્યો હતો. એ જીવતી લાશ સમાન હતો એને પલંગ ઉપર બેઠાડ્યો તો એ ઢળી પડેલો અને એના પગ વળીને એના પેટ પર ગોઠવાઈ ગયેલા, હકીકતે એનું આખું શરીર જકડાઈ ગયેલું, કેટલાય વખતથી એ આ કબાટમાં એક જ સ્થિતિમાં પુરાયેલો હશે! એને હલવા પૂરતી પણ જગ્યા ન હતી એટલે હાલ એને પલંગ પર સુવડાવ્યો હોવા છતાં એ જે સ્થિતિમાં કબાટમાં હતો એજ સ્થિતિમાં પડ્યો હતો. જે કબાટમાંથી એને બહાર કાઢ્યો ત્યાં એની પાછળ એક ઢીંગલી પડેલી હતી. એ જાણે આ બધાં સામે જોઈ હસતી હતી. માણસની ચામડી જેવા કલરના કપડાંની બનેલી એ લગભગ બે ફૂટની ઢીંગલી હતી. એણે લાલ સાડી પહેરેલી હતી. કોઈ દુલ્હનની જેમ એને સજાવવામાં આવી હતી. આમ તો કંઈ ખાસ ન હતું એમાં એ એક સીધી સાદી ઢીંગલી જ હતી છતાં ભરતની નજર એ ઢીંગલી તરફ ગઈ હતી એણે આકર્ષિત થઈ એ ઢીંગલીને બહાર નીકાળી હતી. એ ઢીંગલીની આંખો ખુબ સુંદર હતી, એવું લાગે જાણે સાચે જ તમારી સામે જોઈ રહી હોય અને એકવાર જે એની આંખોમાં જુએ એ એના સંમોહનમાં ખોવાઈ જાય. ભરત પણ ખોવાઈ ગયો. ત્યાં હાજર મહારાજ અને લતિફ સાજીદને જોઈ રહ્યા હતા જ્યારે ભરત ઢીંગલીને!
મહારાજે સાજીદ ઉપર થોડું પાણી છાંટ્યું અને એને ભાનમાં લાવવા પ્રયાસ કર્યો. લતીફ પણ હવે હોશમાં આવી ગયેલો અને એણે સાજીદને હલાવીને ઉઠાડવાની કોશિશ કરી જોઈ.
બધું જ વ્યર્થ હતું. સાજીદ જાણે કોઈ બીજી દુનિયાનું પ્રાણી હોય એમ આ લોકો સામે ફક્ત ટગર ટગર જોઈ રહ્યો હતો. એની આંખોમાં કોઈ ભાવ નહતા. અચાનક લતીફને થયું કે આ બધું બકી ના મારે તો સારું. એ પોતે તો જેલમાં જશે જ જશે અને મારી પણ વાટ લાગી જશે. એ લોકોની ઓળખાણ અહીં છતી થઇ જાય તો પછી પોલિસ અને એમના સાથીઓ બંને એમના દુશ્મન થઇ જાય, એ લોકો એમને ખતમ કરી નાખે.