GEBI GIRNAR - EK RAHASYA - 13 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૩)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૩)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૩)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનાર પર આડા રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે અજગર અને ત્યારબાદ દીપડીથી બચીને અમે ભાવેશને ભોંયરામાંથી શોધી કાઢીએ છીએ. ત્યારબાદ જે છોકરી અમને દેખાય છે તેની પાછળ જતાં અમને પાણીથી ભરેલો ઘૂનો મળી આવે છે. ઘૂનામા નહાતી વખતે મગરના સકંજામાંથી બધા મિત્રો મને છોડાવે છે. તે દરમિયાન એક યુવાન સ્ત્રી અમને આ વેરાન વિસ્તારમાં આવતી દેખાય છે..
હવે આગળ...

અમે ઝાડીની પાછળ સંતાઈને જોયું તો એક યુવાન સ્ત્રી જેણે સુંદર ચણીયો અને માથે માટીની નાની માટલી મૂકીને ઘુના તરફ આવી રહી હતી.

એ દૂરથી અમારી તરફ આવી રહી હતી. તેના માથા પર રહેલી નાની માટલી જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કદાચ આ ઘુના પર પાણી ભરવા આવી રહી હોય. તેણે માથા પર એક સુંદર ઓઢણી જેવું વસ્ત્ર ઓઢેલું હતું.

જેમ - જેમ એ યુવતી નજીક આવી રહી હતી તેમ - તેમ તેનો ચહેરો ધીમે - ધીમે અમને દેખાઈ રહ્યો હતો. અમે તેનાથી કેમ છુપાઈ રહ્યા હતા એ સમજાતું નહોતું પણ જે સ્થિતિ અને અજાણ્યું સ્થળ હતું તે પ્રમાણે અમારું છુપાઈ જવું સ્વાભાવિક હતું. કારણ કે ક્યારે નવી મુસીબત સામે આવીને ઊભી રહી જાય તેનું કંઈ નક્કી નહીં.

એ યુવતી ઘૂનાના કાંઠે આવી. એ યુવતીનો ચહેરો અને એનું દેહ લાલિત્ય જોઈને અમે બધા આભા જ રહી ગયા. એકદમ સુંદર અને ઘઉંવર્ણો ચહેરો અને નમણાઈની તો જાણે સાક્ષાત મૂર્તિ હોય એવી એમાં લાવણ્યતા હતી. નાકમાં નાની અને સુંદર વાળી પહેરેલી હતી. એ યુવતીએ જે ઓઢણી ઓઢી હતી તેના નીચેના બે છેડા તેણે પહેરેલાં બ્લાઉઝ જેવા વસ્ત્રમાં ખોસેલા હતા. હરણી જેવી ચકોર અને સુંદર કાજળઘેરી આંખો હતી. તેના વસ્ત્રોમાંથી દેખાતી તેની સફેદ દૂધ જેવી કટીમેખલા નાગણને પણ શરમાવે એવી પાતળી હતી. તેનું સમગ્ર દેહ લાલિત્ય આજના સમયની કોઈ પણ હિરોઈનને ટક્કર મારે એવું હતું. જાણે કે સાક્ષાત કામદેવ કોઈ અપ્સરાનું રૂપ ધરીને અમારી સમક્ષ આવ્યા હોય એવું લાગતું હતું.

તેનાં રૂપને મન ભરીને માણ્યા બાદ જાણે કે અમે કોઈ સ્વપ્નમાંથી જાગ્યા હોય એમ એક બીજાના સામું જોવા લાગ્યા. જાણે એક બીજાને પૂછી રહ્યા હતા કે આટલી સુંદર યુવતી આ નિર્જન અને અવાવરૂ વિસ્તારમાં શું કરતી હશે?? શું તેની સાથે તેનો કોઈ પરિવાર પણ હશે કે કેમ તે પણ એક સવાલ હતો પરંતુ અત્યારે તો અમે બધા છૂપાઈને તેની સમગ્ર ગતિવિધી જોઈ રહ્યા હતા.

એ યુવતીને જાણે ઘૂનામાં રહેલા મગરની ખબર હોય તેમ તે નીરખીને ઘૂનાના પાણીને જોઈ રહી હતી. થોડીવાર જોઈ લીધા બાદ સંતોષકારક લાગતાં તેણે નીચાં નમીને પાણીની માટલી ભરી લીધી. પાણી થોડું નીચે હોવાથી તેને થોડી તકલીફ પડી હતી. માટલીમાં પાણી ભરતી વખતે તેની નજરો પાણી પર બધે ફરી રહી હતી.

પાણીની માટલી ભરી લીધા બાદ તેણે એને કાંઠા પર મૂકી અને આસપાસ નજર કરીને સૂકા લાકડાં વીણવા લાગી. એ અમારી સામે જ હતી. એ લાકડાં વીણતી - વીણતી એકદમ અમારી નજીક આવી ગઈ.

અમારી તરફ પીઠ કરીને એ નીચે બેસી ગઈ અને પોતે વીણેલા લાકડાઓને હાથેથી ભાંગીને વ્યવસ્થિત ગોઠવવામાં લાગી ગઈ. કોણ જાણે કેમ પણ તેનાં મુખ પર એક અજીબોગરીબ સ્મિત જળવાઈ રહેતું હતું. અત્યારે અમારી તરફ એની પીઠ હતી છતાં પણ તે એટલી જ સુંદર લાગી રહી હતી.

અમે એકદમ ચૂપચાપ કોઈપણ જાતનો અવાજ કર્યા વિના પૂતળાં બનીને તેને જોઈ રહ્યા હતા. જાણે કોઈ અજાણી દુનિયાની અજાયબી અમે જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. તેના શરીર સૌષ્ઠવ પરથી માંડ તે વીસેક વર્ષની હોય એવું લાગતું હતું.

તેણે લાકડાંના નાના ટૂકડા કરીને એક ગાંસડી જેવું બનાવ્યું અને તેને બાંધી દીધા બાદ ઊભા થઈને બંન્ને હાથ એક બીજામાં પરોવી ઊંચા કરીને એક જોરદાર અંગળાઈ લીધી. કોઈ મદનયની હરણી હોય એવી કામૂક અવસ્થા જોઈને અમે તો હતપ્રભ બની ગયા.

બીજી એક નવાઈની વાત એ પણ હતી કે જ્યારથી તે આવી હતી તેનાં પગ અમે જોયા નહોતા. બીજાની તો ખબર નહીં પણ મેં વારંવાર પગનું નિરીક્ષણ કરવાની કોશિશ કરી પરંતુ તેના પગ તેણે પહેરેલાં ઘેરદાર ચણીયામાં જ ઢંકાયેલા રહેતા હતા.

ધીમે - ધીમે હવે સાંજ ઢળવા આવી હતી. સૂર્ય નારાયણ પણ પશ્ચિમ દિશામાં ઢળી રહ્યા હતા. મોબાઈલમાં જોયું તો સવા પાંચ થઈ ચૂક્યા હતા. ગીરનાર ચડવાની વાત તો દૂર રહી પણ અમે કદાચ આ જંગલમાંથી પણ બહાર નહીં નિકળી શકીએ એ વાત પણ હવે નક્કી લાગતી હતી. રાત્રીના સમયે જંગલમાંથી નિકળવું એ પણ ખૂબ જ જોખમી કહેવાય એ વાત કદાચ અમે બધા જાણતા હતા. મને એ વાતની પણ નવાઈ લાગી રહી હતી કે મારા સિવાય કોઈને આવા વિચારો કેમ નથી આવી રહ્યા.

અહીંથી નીચે ઉતર્યા સિવાય મોબાઈલમાં નેટવર્ક આવવું મુશ્કેલ હતું એ વાતની મને ખબર હતી. જો અમે અહીં જ ફસાયેલા રહીશું તો કોઈપણ અમારો સંપર્ક નહીં કરી શકે એ વાત પણ નક્કી હતી. અમારા કારણે બધા લોકો ખૂબ જ પરેશાન થવાનાં હતાં. મને તો એવું જ લાગી રહ્યું હતું.

" તમે લોકો અહીં છૂપાયેલા છો તે હું જાણું છું. મેં તમને બધાને દૂરથી જોઈ લીધા હતા પરંતુ મારાથી કેમ છૂપાયેલા છો તે મને સમજાતું નથી." તે યુવતીએ અમારી તરફ પીઠ રાખીને લાકડાં સરખાં કરતાં - કરતાં જ કહ્યું.

અચાનક આવી રીતે તેના વેધક શબ્દો સાંભળીને અમને તો જાણે કે સાપ સુંઘી ગયો હોય તેવી અમારી હાલત થઈ ગઈ. શું બોલવું તે કંઈ સમજાતું નહોતું. તે અમને ક્યારે જોઈ ગઈ હશે તે પણ એક સવાલ હતો. અમે એના શબ્દો સાંભળીને બાઘાની જેમ એકબીજાને જોઈ રહ્યા.

" હજુ પણ આમને આમ છૂપાઈને જ રહેવું છે કે પછી બહાર આવવું છે! કે પછી તમે બધા મારાથી શરમાઈ રહ્યા છો..!! " તેણીએ ખડખડાટ હસીને કહ્યું.

અમે બધાએ વારાફરતી એક બીજા સામે જોયું અને પછી એક - એક કરીને બહાર નીકળીને તેની સામે આવ્યા. અત્યારે જાણે કે અમારા બધાની વિચાર શક્તિ શૂન્ય થઈ ગઈ હતી.

તે અજાણી યુવતીએ મંદ સ્મિત સાથે એક પછી એક અમારા બધા પર ઉડતી નજર ફેંકી લીધી. જાણે એક જ નજરમાં અમને બધાને જાણી ગઈ હોય તેમ તે બોલી.

" દેખાવથી તો તમે બધા કોઈ સારા ઘરના લાગો છો. તમે લોકો અહીં સુધી કેમ આવી ચડ્યા? આ વેરાન વિસ્તારમાં કોઈ માણસ ક્યારેય આવતું નથી. આ ડુંગરનો એક એવો વિસ્તાર છે જ્યાં માણસો સહેલાઈથી પહોંચી શકતા નથી. તમે લોકો અહીં સુધી પહોંચ્યા કઈ રીતે?" તેણીએ જાણે બધું પારખી લીધું હોય એવી રીતે પૂછ્યું.

એ યુવતીએ જે રીતે વાત કરી તેના પરથી એક વાત તો નક્કી હતી કે અમે કોઈ એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં કોઈ ક્યારેય જતું નથી. અહીંથી નીકળવું પણ એટલું જ મુશ્કેલ હશે કદાચ.

મનોજભાઈ : " અમે લોકો ગીરનાર ચડવા માટે અને ફરવા માટે આવ્યા હતા પરંતુ આડે રસ્તે થઈને ઉપર ચડતાં અમે ફસાઈ ગયા અને ભૂલા પડ્યા એટલે અહીં સુધી આવી ચડ્યા. હવે આ જંગલમાં થઈને બીજી તરફ નીકળી જશું. અમારી પાસે પાણી પણ નહોતું એટલે પાણી શોધતા - શોધતા અહીં આવ્યા અને આ ઘૂનો મળી ગયો."

" આ વિસ્તાર ખૂબ જ જોખમી છે અહીંથી નીકળવું સહેલું નથી. અમુક જગ્યાએ મોત જેવા ભોંયરાઓ છે અને રાતે આ વેરાન વિસ્તારમાં ચૂડેલો પણ આવી ચડે છે." તેણીએ એક ડરામણા હાસ્ય સાથે કહ્યું.

એ યુવતીની વાત સાંભળીને અમે બધા થથરી ઊઠ્યા. ચૂડેલોની વાત સાંભળીને આંખો સામે ભયાવહ દ્રશ્યો ઊભા થઈ ગયાં. અમે તેનાથી જાણી જોઈને ઘણી વાતો છૂપાવી હતી. પેલી છોકરી વિશે પણ અમે કોઈ વાત ન કરી.

મેં થોડી હિંમત કરીને આગળ આવીને કહ્યું, " તમે કહો છો કે આ વિસ્તાર ખૂબ જ જોખમી છે અને અહીં કોઈ આવતું પણ નથી તો તમે આ વિસ્તારમાં કેવી રીતે રહો છો? તમે આટલાં સુંદર અને યુવાન છો તો એક સ્ત્રી તરીકે તમને ડર નથી લાગતો?? "

" તમે અહીં કેમ રહો છો? તમારી સાથે તમારો કોઈ પરિવાર કે કોઈ બીજું રહે છે? તમારૂં ઘર ક્યાં છે? " આશિષે પણ મારા સૂરમાં સૂર પૂરાવીને તેણીને પૂછ્યું.

અમારી આવી વાત અને આવા એકધારા સવાલો સાંભળીને તેને કદાચ એવું લાગ્યું કે અમે તેના ધાર્યા કરતાં વધુ સમજદાર છીએ. તેને થોડી ખચકાટ થઈ પરંતુ તેણીએ તરત જ સ્વસ્થ થઈ સસ્મિત જવાબ આપ્યો.

" અત્યારે સાંજ પડવા આવી છે અને હમણાં અંધારું થઈ જશે. હું અહીં કેમ આવી, કેમ રહું છું એ બધી કથની બહું લાંબી છે. એક કામ કરો તમે બધા મારી સાથે ચાલો. હું બધું નિરાંતે કહીશ. આજની રાત ગાળીને સવારે નિકળી જજો. રાત પડ્યે જવું બહુ જ જોખમી છે."

એના અવાજમાં એક પ્રકારની જાદુઈ શક્તિ હતી. કલ્પેશ અને મારા સિવાય બધા તરત જ તેની સાથે જવા તૈયાર થઈ ગયા.

કલ્પેશ : " આપણે તેને ઓળખતા નથી કોણ હશે ને ક્યાં લઈ જશે. તેની સાથે જવું ઠીક નથી."

" કલ્પેશભાઈની વાત સાચી છે અને આમ પણ આપણે જો આજે રાતે નહીં પહોંચી શકીએ તો બધા કેટલાં હેરાન થશે એની તમને બધાને તો ખબર જ છે. આપણે આપણી રીતે અહીંથી નીકળી જઈએ."

ભાવેશ : " આમ પણ આપણે આજે અહીંથી નીકળી શકીશું નહીં અને તેણે જેમ કહ્યું તેવું હોય તો રાતે એવું જોખમ લઈને અહીંથી ન જવાય. આપણે સવારે વહેલા નિકળી જશું. "

મનોજભાઈ : " ભાવેશની વાત સાચી છે આપણે તેની સાથે જવું જોઈએ અત્યારે અહીંથી જવું યોગ્ય નથી. અંધારું થયા પછી આપણે રસ્તો કેમ ગોતીશું! "

જાણે પેલી યુવતીએ કોઈ મોહિની અસ્ર માર્યુ હોય તેમ તે લોકો કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. કોણ જાણે કેમ બધા તેની વાતોમાં આવી ગયા હતા. એક રીતે તેણીએ કહ્યું તે યોગ્ય પણ હતું છતાં મન માનવા તૈયાર નહોતું.

પેલી યુવતીને તો જાણે કે વિશ્વાસ જ હતો કે અમે આવીશું જ એમ તે માથા પર લાકડાંની ગાંસડી અને કેડ પર પાણીની માટલી મૂકીને ચાલવા લાગી.

બધા તેની પાછળ જવા લાગ્યા. અમે પણ ના છૂટકે એમની સાથે જવા તૈયાર થઈ ગયા. અમને બધાને આવતા જોઈને તેણીએ પાછળ ફરીને એક મોહક સ્મિત કર્યું. એનું સ્મિત કોઈ ભેદી રહસ્ય જેવું ભાસી રહ્યું હતું....( વધુ આવતા અંકે )

એ યુવતીનું શું રહસ્ય હશે?? પેલી છોકરી કોણ હતી?? અમે સહી સલામત નીકળી શકીશું કે કેમ?? અમારી મંઝીલ અમને ક્યાં લઈ જવાની હતી?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી રહસ્યમય યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.