Kamau Dikari in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | કમાઉ દીકરી

Featured Books
Categories
Share

કમાઉ દીકરી

કમાઉ દીકરી

ધોધમાર વરસાદ ચાલી રહ્યો. ક્યાંય સુધી સાવ સુનમુન બેસી રહ્યા પછી અંતરની દઝાડતી આગ ઓલાવાવા બહાર નીકળી. વરસતા વરસાદની ધારે આખીયે ભીંજાઇ ગઈ. અંદરથી કંઇક બહાર નીકળવા ધક્કો મારી રહ્યું. કંઇક અગૂઢ ગૂંગળામણ....વરસતા વરસાદની ઝડીઓ...વચ્ચે આકાશમાં ગાજતા વાદળોનો પડઘો અંતરમન સુધી પહોંચ્યો. વીજળીનો ઝબકારો હ્રદયને ચીરતો આંખે નીતરતા આંસુના ટીપે ઝબક્યો. નખશીખ નીતરતા પાણીમાં પણ મારી આંખે વહેતી આંસુની ધાર કંઇક અલગ ઉપસી રહી. પાણી તો પાણી જ છે..પછી તે વરસાદનું હોય કે આંસુનું...પણ ના...મારે મન આ બંને પાણી ક્ષીરનીર સમા અલગ ભાસ્યા. વરસાદથી નીતરતા પાણી સાથે તે દિવસે પણ મારા આંસુ ભેળવાયેલા...ખુશીના આંસુ...જ્યારે કેશવે મને ભરબજારમાં મેરેજ માટે પ્રપોઝ કરેલુ...હું ફરી ફરી અંદરથી તરફડતી રહી. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે હું તરસતી ઊભી....ક્યાંય બે ઘૂંટડાભર પાણી મળી જાય....હું વેરાન બનેલા રણમાં મૃગજળ બની તરફડતી ઊભી રહી. કોરીધાગડ નદીના કીનારે વીરડા ગાળવા હવાતિયા મારતા મારા અંતરમનના ગૂંચવાટે મારી આંખો બેબાકળી બની કાંઇ શોધી રહી. ફરી એ જ કડાકા સાથે વરસાદ વરસતો રહ્યો. હું નખશીખ ભીંજાયેલી કોરી ધાગડ બની ઊભી રહી.

મારા જન્મથી જ મને સૌએ એક નામ આપ્યું -- રાધિકા....રાધિકા...વરદાન કે અભિશાપ....! સદાય તેના કેશવ માટે ઝૂરતી સરિતા....કોરી ધાગડ સરિતા....મારા વહેણ વખતે પણ કેટકેટલાયે કાંકરા અને પથ્થરોથી ઘસાઇ કેટલાયે ઉઝરડા બની ગયેલા. તે ઉઝરડા ક્યારેય ના ભૂલી શકાય તેવા....તેવામાં મારા એકાંતમાં ઘૂઘવતા દરિયા જેવો કેશવ...તેના ઘૂઘવાટનો ધ્વનિ હજુ સંભળાય ના સંભળાય કે ફરી આ વરસતા વરસાદનો ઘોંઘાટ મને ખલેલ કરતો રહ્યો. જમીનમાં જીવતી જ ઊંડે દટાતી જ રહી..બહાર આવવા ઘણા હવાતીયા મારુ, પણ કોઇ હાથ આપતું જ નથી... ઘેરા અંધકાર આંખના ઊંડાણમાં ઉતરતા રહ્યા....શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ પડ્યો....ચીસ પાડતી વીજળી મારા અંતરમનથી નીકળી આખાયે ગગનને ધ્રુજાવતી ગઈ...વીજળીની ચીસ અંતરમનમાં કેશવના નામનો ચિત્કાર કરી પસાર થઈ ગઈ...હવાની લહેરખી સાથે ઘડીભર ધ્રુજારી આવી ગઈ...વળી હું કોરી ધાગડ..!

“રાધિકા માટે તો કોઇ કાનો જ આવશે...!” દાદીમાના આ શબ્દે સર્જાવેલ કૈંક કૂતુહલ પ્રશાંત સાથેના લગ્નજીવનમાં ક્યાંય અદ્રશ્ય બની ગયું...તેના માટે હું નહીં, પણ માત્ર મારી સેલરી જ મહત્ત્વની... મારી જાણ બહાર મારા એકાઉન્ટમાંથી ધડાધડ ઓનલાઇન ખરીદીઓ થાય...મને તો જાણ માત્ર હોમ ડીલીવરી વખતે જ થતી...તેના મોંઘાદાટ જીન્સ, ટી શર્ટ્સ, સ્પ્રે, બ્લેઝર્સ....અઢળક જરૂરિયાતો સામે મારી એકમાત્ર જરૂરિયાત...બસ અગાઢ પ્રેમ, જે તે ક્યારેય પૂરી ના કરી શક્યો...! હું ભીંજાયેલી કોરી ને કોરી જ રહી....ઘણા કહેતા કે તેની પાસેથી બાપુએ સેટલમેન્ટના પાંચ લાખ પડાવ્યા, પણ મને મારા બાપુ પર પૂરો વિશ્વાસ...મારા બાપુ....હા, કોઇ કોઇ વાર પ્રસંગે કે વાર તહેવારે દારૂ માણી લેતા....અમારા સમાજમાં કોઇ પ્રસંગે દારૂ ના પીવે તો અપમાન ગણે તેવી વાત બાળપણથી સમજતી આવી....અમે ત્રણેય બહેનો બહુ સમજાવતી પણ બાપુને દારૂની ભારે લત જ હતી... આ તો છેક મારા વળામણાં સમયે જાણ્યું કે મારી બા પણ બાપુને પાછી પાડે તેવી...તમાકુના વ્યસનની તો જાણ હતી, પણ દારૂ પણ...! મારા શ્વાસે પ્રશાંતના મોંથી વછૂટતી દારૂની દુર્ગંધ અનુભવી...મને મારા પર જ સૂગ આવી...પોતાના પર જ થૂંકવા મન થયું...ઘરે પાછા આવ્યા પછી બસ મારી જૉબમાં જ ધ્યાન પરોવ્યું...ધોધમાર વરસતા વરસાદે ફરી ફરી મારા અંતરને ભીંજવવા નિષ્ફળ પ્રયત્નો ચાલુ રાખ્યા...!

જીવનરસ સૂકાયેલી હું છૂપી રીતે પ્રેમની મીઠી વીરડી ખોળતી રહી, પણ અંતરમનની આ ભાવના મનના ભોંમાં ભંડારી રાખી...ઘણા સમય સુધી ઉજ્જડ રણમાં ભટકતી મારી નજરે દૂર દૂરથી કાળા ડિબાંગ વાદળો ઘેરાતા થયા, જ્યારે મારી સાથે જૉબ કરતા કેશવ સાથેની મિત્રતા વધુ ગાઢ બની...સૂકાભટ અંતરમન પર પ્રેમના અમીછાંટણા પડતાંની સાથે મન મોર બની થનગનાટ કરવા લાગ્યું...કેશવ, બહુ સામાન્ય છોકરો..પણ મનમાં લાગણીની કૂંપળો ફૂંટ્યાં પછી સાવ અસામાન્ય બનેલો...જેમ તેને સમજવા લાગી તેમ તેનામા સારો દેખાવ, સ્વચ્છ છબી, વિશેષ જ્ઞાન, વાક્પટુતા, વિનમ્રતા, અરેરે ઘણીયે બાબતો ધ્યાનમાં આવી...પણ મને મારા દુર્ભાગ્યનો ખ્યાલ આવ્યો...કેશવ અપરણિત અને હું ત્યક્તા..! હૃદયના ઊંડાણે જાગેલા ઊર્મિઓના કૂમળા છોડને મારા જ પગે ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યો. આંખ આડશે બાઝેલા આંસુના ટીપાંને ચહેરા પર વહેવડાવવા માથાથી વરસતા વરસાદની બૂંદોએ ધક્કો માર્યો અને મને ફરી ધોધમાર વરસતા વરસાદનો અને તે વરસાદની ઝડી નીચે ઊભા રહ્યા હોવાનો ખ્યાલ આવ્યો...પોતાના મનને ખૂબ મક્કમ રાખવા છતાંયે રાધા ક્યાં કૃષ્ણથી અળગી રહી શકેલી કે હું – રાધિકા કેશવથી અળગી રહી શકું..!

તે દિવસ ધોધમાર વરસતા વરસાદમાં આખી દુનિયા કશેય દેખાઇ જ નહીં, જ્યારે કેશવે મને ભરબજારમાં મેરેજ માટે પ્રપોઝ કરેલુ...ધોધમાર વરસતા વરસાદ વચ્ચે હું તરસતી ઊભી...તેના હાથના સ્પર્શે મારા અંતરની તરસ છીપાતી રહી...હું તેનામાં ડૂબતી રહી...મારી આસપાસનું જગત સાવ સૂકુંભટ દેખાવા લાગ્યું, ભીંજાયેલા તો બસ અમે બે જ, એકમેકની લાગણીના તોફાની વરસાદે..! વીજળીના ચમકારા સાથે થયેલા ભારે કડાકા સઆથે ભાન આવ્યું કે ક્યાં કેશવ...એક બ્રાહ્મણ પરિવારનો અપરણિત ફૂંટડો યુવાન અને ક્યાં હું....વસાવા પરિવારની ત્યક્તા..!

“તને ભાન છે તું શું બોલે છે..? હું આ વર્ણપ્રથામાં નથી માનતો..!”

“તુ નથી માનતો, તેનાથી દુનિયા નથી બદલાઇ જવાની..!”

“મને તેનાથી કોઇ ફેર નથી પડતો..!”

“હું પહેલેથી પરિણિત છુ અને મારી મેડીકલ કંડીશન વિશે મેં તને કહ્યું છે...બે વખત એબોર્શન પછી મારા ભાગ્યમાં હવે માતૃત્વ નથી..!

“મારે હવે આ શબ્દો સાંભળવા નથી....મારી દુનિયા બસ તુ જ છે..!”

વરસતા વરસાદમાં ગડગડાટને ભેદી ભૂતકાળના શબ્દો સમયરેખા પસાર કરી મારા આવેગોને તીવ્ર કરતા રહ્યા. એક...બે...ત્રણ...એમ કરતા કરતા મારી ખાતર પોતાની યુવાનીના સાત વર્ષ હોમી દઈ જાણે તપસ્યા આદરી હોય તેમ કેશવ મારી રાહ જોતો રહ્યો. આ સાથે મારી દરેક નાની મોટી જરૂરિયાતો તો જાણે મેં કોઇ અદ્રશ્ય સંબંધ બાંધી કેશવને સોંપી દીધી અને તે પણ આ બધું હોંશેહોંશે નીભાવતો રહ્યો. હું મનોમન એ જ વિચાર કરતી રહી કે કોઇ આટલો બિનશરતી પ્રેમ કઈ રીતે કરી શકે..? પછી જાત સાથે જ સમાધાન નીકાળ્યું કે આ કેશવ...કૃષ્ણ આ રાધિકા માટે જ સાક્ષાત....ફરી વરસતો વરસાદ આજે બંધ થવાનું નામ જ લેતો ના હતો...મનમાં સ્મૃતિનું ઘોડાપૂર લાવીને જ તેને શાંતિ વળશે..! બાપુને મનાવવા ફરીફરીને કેશવે કેટલાયે પ્રયત્નો કર્યા હશે...મને પામવા મારા બાપુ, બા, બહેનો, જીજાજી, કેટલાયે સંબંધી બધાયની કસોટીઓમાંથી તે સફળ પાર ઊતર્યો...છતાં બાપુએ કેટલીક આકરી શરતો મૂકી.!

“જો લગ્ન પછી તારે તારા સમાજ સાથે દરેક સંબંધ તોડી નાખવા પડશે...રાધિકાના નામે મકાન લેવા તારે થતી મદદ કરવી પડશે અને હું કેટલાક દસ્તાવેજ આપુ તેમાં સંમતિ દર્શાવવા સહી કરી માન્ય પણ...” બાપુની આ શરતો અમારા સંબંધને કાયમ માટે તોડવા જ...કેશવને આ કોઇ જ શરતો માનવા જરૂર નથી તે કહેવા જાઉ ત્યાં જ તેણેઅઅબધી શરતો સહર્ષ સ્વીકારી... આ ત્યાગ ગણું કે માત્ર ગાંડપણ તે ના સમજાયું..! મારા ભાગ્ય પર પહેલી વાર મને ઘમંડ થયો..સમગ્ર દુનિયા જાણે સાવ પામર લાગવા લાગી...અમારા પ્રેમ સંબંધને લગ્ન સંબંધની મહોર લાગી ગઈ...વર્ષોથી સૂકી જમીન પર પ્રેમનો ઘૂઘવાટ કરતો ઉદધિ જ છલકાયો...હું કેશવમય બનતી રહી....વરસતા વરસાદમાં ભીંજાયેલા બે સંબંધો ક્યારે આંસુના પાણીએ ભીંજાવા લાગ્યા તેનો ખ્યાલ જ ના રહ્યો....મારા ગર્વીત ભાગ્ય પર ક્ષણવારમાં અંધકાર છવાયો...અને દુર્ભાગ્યએ પોતાનો અસલી રંગ બતાવ્યો. સાવ નાનકડી વાતના ઝઘડામાં મારા બાપુએ મને કેશવથી દૂર થઈ જવા કહ્યું...કેશવે તેમનું અપમાન કર્યું હોવાની વાતની પુષ્ઠી મારી જ સગી બહેનોએ આપી પછી મારો ઇગો કાંઇ પાછો પડે તેમ ના હતો... ક્ષણવારમાં તેનામાં ભાળેલી વિશેષતા મને સઆવ જૂઠી લાગવા લાગી...તેની સત્યતા પરની મારી અડગ શ્રધ્ધા ચૂરચૂર થઈ ગઈ...માત્ર ગણ્યા ગાંઠ્યા લગ્નજીવનના દીવસો પછી ફરી ડીવોર્સ માટે મેં જીદ કરી...અને કેશવને આ કરવા મજબૂર કરવા જૂઠા પોલીસ કેસ અને એટ્રોસીટીની ધમકીઓ બાપુએ વહેતી કરી...કેશવને આ કોઇ બાબતથી ફેર પડતો નહીં, પણ મારો મક્કમ નિર્ણય સાંભળી તે આઘાતમાં સરી પડ્યો. કેશવ પાસેથી મારા નામે મકાન લેવા ઘણી મોટી રકમ આપ્યા હોવાની વાત સાંભળી હું ઉકળી પડેલી કે તે કેટલો જુઠ્ઠો છે...બાપુએ પણ આ જ કહ્યું કે જો આ કેટલો જુઠ્ઠો છે..! અંતરમાં દબાવી રાખેલો ગુસ્સો હવે બહાર વાદળ બની ગર્જવા લાગ્યો.

મને પણ ગુસ્સામાં બોલવામાં ભાન ભૂલાયું, “આ બીજો મળ્યો છે, તો ત્રીજો પણ મળી રહેશે...મારી ચિંતા છોડ હવે...!” મારા શબ્દો પર હજુ મને સૂગ આવે છે....ફરીફરી થૂંકવા મન થાય છે..... બોલાયેલા શબ્દોને ઘસીઘસી ધોઇને સાફ કરવા મન થાય છે...પણ મારા કાજળઘેરા મેલા શબ્દો કેમેય ઉજળા થતા જ નથી...પાછલા મહિને ગામડાના ઘરે પ્રસંગમાં રાતે બાપુએ સૌ કુટુંબીઓ સાથે ચીક્કાર દારૂ પીધો...તે નશામાં બાપુની વાતો સાંભળતા ફરીફરી મારી જાત પ્રત્યે સૂગ વધવા લાગી...કેશવની કહેલી વાતો સાવ સાચી જાણવા મળી...બાપુએ જ તેની પાસે મોટી રકમ મંગાવેલી અને લીધેલી....કમાઉ દીકરી બીજાના ઘરે ચાલી જશે તો પોતાના ઘરના ખર્ચા ભારે પડશે....બાપુના આવા હીન ઉદ્દેશ્યને મેં અજાણતા જ સિધ્ધ કરી દીધો...! હવે કયા મોંથી કેશવ પાસે જાઉં....બાપુને છોડતા સાથે રહેતા ભાઇભાંડુઓ સાથે અન્યાય થાય અને હવે જૂઠા ચહેરા બનાવતા બનાવતા જૂઠ જ સાચું ભાસવા માંડ્યું. આ નવો બનાવટી ચહેરો ગમવા લાગ્યો હતો...પણ ક્યાંથી આજે ફરીએ તે જ વરસાદ આવી ચઢ્યો....અજાણતા જ વરસતા વરસાદમાં વર્ષોથી સૂકભટ રહેલી હું ભીંજાવા ડગ માંડતી બહાર આવી ગઈ....શરીર પર વરસતી વર્ષાના ટીપાએ મને અસ્પૃશ્ય ગણ્યું...નખશીખ પલળતી હું સાવ કોરીધાગડ જ રહી...! મનમાં ગૂંગળામણ વધતી રહી....કેટલાયે વર્ષોથી દાબી રાખેલ લાવા અંતર ચીરી જ્વાળામુખી બનવા આતુર બન્યો... ગભરામણ વધતી રહી....કેટલાયે હવાતિયા મારી ક્યાંક બહાર નીકળી જવા, પોતાનાથી જ નાસી છૂટવા મનમાં ધક્કો વાગ્યો...અંતર મનમાં દુ:ખ અને પસ્તાવાનો ભારેલો અગ્નિ દબાવી રાખી બાહ્ય જગત આગળ હસીહસી થાકી જવાયું....જે જૂઠાણા લોકોથી હું નફરત કરતી હતી, હું પણ તેમના જેવી જ બની ચૂકી...રાધિકા નામ લેતા મનમાં નફરત છૂટતી... ધોધમાર વરસતા વરસાદને સ્પર્શવા હું નખશીખ તરબોળ બની, તેમ છતાં હું સ્પર્શી શકી નહીં...વર્ષાના દરેક ટીપે કેશવને અનુભવવા ખૂબ હવાતિયા માર્યા...પણ હવે કેશવ ક્યાંય નથી.....ધોધમાર વરસતા વરસાદ વચ્ચે હું તરસતી ઊભી... વેરાન બનેલા રણમાં મૃગજળ બની તરફડતી ઊભી રહી. કોરીધાગડ નદીના કીનારે વીરડા ગાળવા હવાતિયા મારતા મારા અંતરમનના ગૂંચવાટે મારી આંખો બેબાકળી બની કાંઇ શોધી રહી. ફરી એ જ કડાકા સાથે વરસાદ વરસતો રહ્યો....નખશીખ ભીંજાયેલી છતાં હું રહી સાવ કોરીધાગડ...!