? આરતીસોની ?
આ શીર્ષક મેં એમ જ નથી આપ્યું.. કંચને સેવાને આત્મસાક્ષાત કરી પોતાના જીવનને જ પૂજા બનાવી દીધી હતી.. એનું ઘર એક ઘર નહીં પણ મંદિર હતું.. એ પ્રેરણામૂર્તિ હતી.. એનામાં એક દૈવી તત્ત્વ હતી. સ્નેહ નીતરતી સમર્પણની દેવી હતી.. જેને કારણે એમના પ્રત્યે અહોભાવ જન્મે. પૂજ્ય ભાવ જન્મે. સાચે જ એક સ્નેહ નીતરતો કૂબો એટલે કંચન.. નિર્મળ, સ્વચ્છ.. પવિત્રતાની લ્હાણી કરતી હતી એ.. એનામાં ધરબાયો હતો એક સ્નેહનો કૂબો..
❣️કૂબો સ્નેહનો❣️
એક નાનકડા મકાનની બહાર લાગતાં વળગતા સૌ ડાઘુઓ ખભે પનિયાં નાખી ટોળું વળી ઊભા રહ્યાં હતાં. એમાં સૌ સગાં સંબંધીઓની વચ્ચે ઘેરાયેલો વિરાજ દૂરથી એકીટશે બધું નિહાળી રહ્યો હતો. એની નાની બહેન મંજરી હજુ ઘુંટણથી ચાલતા પણ શીખી નહોતી અને આજે બેઉં ભાઈ-બહેને પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. એમના પિતાએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.
મકાનમાં અંદર એક ઓરડાની વચ્ચોવચ્ચ ગાયના છાણને લીંપીને એક ઘરડાં વડીલ દ્વારા સાથરો બનાવવામાં આવ્યો હતો અને એ સાથરા ઉપર ઉત્તર દિશામાં દેહ સુવડાવી, કપાળે ચંદનની આડ કરી મુખમાં ગંગાજળ રેડ્યું, તુલસી પત્ર મૂકીને દેહની બાજુમાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવ્યો..
મકાનના અંદરના બીજા ઓરડામાં સ્ત્રીઓ ભીડમાં લાજ કાઢીને રોકકળના અવાજો કરી નિહાકાની પોકાપોકમાં મોંકાણના મરસિયા ગાતી હતી અને ક્યાંક મરનારના વખાણોનીયે વણઝાર ચાલી હતી. કંચન મંજરીને ખોળામાં રાખી લાજ કાઢી અંદર દુઃખદ આક્રંદ કરી રહી હતી ને ત્યાં જાણે ભયંકર રુદન નીચોવાઈ રહ્યું હતું.
કોઈક શુભેચ્છકે હળવેથી સાદ કરી આવનાર સૌને વિનંતી કરતાં કહ્યું, "સજ્જન બંધુઓમાંથી જેમને અંતિમ દર્શન કરવાનાં બાકી હોય એ દર્શન કરી લો અને પ્રદક્ષિણા ફરી બહાર આવો એટલે જલ્દી ઠાઠડી બંધાઈ જાય.. બીજા પહોરમાં નીકળી, સંધ્યા ટાણું થાય એ પહેલાં અગ્નિ સંસ્કાર પતાવવો પડશે, સ્મશાન ઘાટ અહીંથી ઘણો દૂર છે.
લીલાકાકીએ વિરાજના મસ્તક ઉપર હાથ ફેરવી છાતીએ વળગાડી ચાંપી દીધો, ને મોટી પોક મૂકી છાજીયા લેતાં લેતાં બોલ્યાં,
"અરરરર.. આ કૂમળા ફૂલ જેવા છોકરાઓને અઢેલી જગદીશભાઈ અતારથી તમે ચો સ્વરગની વાટ પકડી, હૂ થાહે કંચનનું અન આ સોકરાઓનું.. ઈમનાં મુઢા હોમું તો જોવું'તું.."
ડૂમો ભરાયેલા સ્વરે મણીકાકા વિરાજને પ્રદક્ષિણા કરવા લઈ ગયાં ને કહ્યું, "તારા બાપુને છેલ્લીવાર દિલથી પગે લાગી પ્રદક્ષિણા કરી લે." અને એના ચહેરા સામે જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં.
મણીકાકા વિરાજના બાપુ જગદીશના ખાસ મિત્ર હતા, લીલાકાકી એમની પત્ની હતાં.
વિરાજ નીતરતી આંખે બાપુના મૃતદેહ સામે તાકી રહ્યો. મણીકાકા હળવેથી પ્રદક્ષિણા કરવા લઈ ગયાં. વિરાજ ચોધારે ડૂસકાં ભરતો પગે લાગી, ક્યારનું રૂંધાઈ રહેલું વિરાજનું રુદન વછૂટતાં પોક મૂકીને રડી પડ્યો. પ્રદક્ષિણા કરી એ રૂમની બહાર આવ્યો.
નનામી બંધાઈ ગઈ હતી, ડાઘુઓએ નીકળવાની તૈયારી કરી. કંચન આક્રંદ કરતી રહી ને બધા ડાઘુઓ નનામી ઊંચકી 'રામ બોલો ભાઈ રામ' ની ધૂન કરતા ચાલવા લાગ્યાં.
ભોળા ભાવે વિરાજ બોલ્યો, "મા તુંયે ચલને.!!"
મા શું કહે બિચારી. ગળેથી થુંક ઉતારવાના હોશ નહોતાં, ત્યાં ગળેથી શબ્દો શું નીકળવાના હતાં.? કંચન એટલું જ બોલી શકી હતી,
"હે કાન્હા.. આવડા નોના સોકરાન મોથ આવડી મોટી જવાબદારી નાખી !!! એ ચમની નેભાવસે."
લાશ જેવી થઈ ગયેલી માને જોઈ, વિરાજ રડતો રડતો, હાથમાં દોણી પકડી 'રામ બોલો, ભાઈ રામ' બોલતો નનામીથી આગળ સૌની સાથે ચાલ ભરવા લાગ્યો. આ જોઈને સૌના હ્દયો વલોવાઈ દ્રવી ઉઠ્યાં હતાં. સ્મશાને જઈ ડાઘુઓના બતાવ્યા પ્રમાણે દોણી ફોડીને રડતાં રડતાં અગ્નિદાહ આપી વિરાજ વિધી કરતો ગયો..
મરી-મસાલા :
એણે જિંદગીમાં ઊર્મિ ઓને સંઘરી રાખી હતી.
થઈને લાશ કુંવારીજ મરતી, જીવતી ભારી હતી.
ક્રમશઃ વધુ આવતા પ્રકરણમાં..
© આરતી સોની
©કોપી રાઇટ ઓલ રિઝર્વ