ઘરે આવતાજ મયંક આનંદ અને નવાઈથી જોઇ રહ્યો. અનુ એક પાંચેક વર્ષની છોકરી સાથે રમતી હતી. મયંકને પછી ખ્યાલ આવ્યોકે આ સામેનો ખાલી ફ્લેટ ભાડે આપવો છે એવુ મકાન માલિક કહેતા હતાં, તો આ રિયા નવા આવેલા પડોશીની દિકરી છે.
ધીરે ધીરે ઘરનુ વાતાવરણ બદલાતૂ ગયુ. અનુ અને મયંકને પોતાનુ સંતાન તો નહોતુ એટલે આ રિયાના આવવાથી અનુ ખુશ રહેવા લાગી. રિયાને ખીર બહુ પસંદ તો વારેવારે ખીર બનવા માંંડી, રિયા વાતે વાતે હક્ક જતાવતી, ફરમાઈશ કરતી, અરે, અનુના શોપિંગ લિસ્ટમાં પણ રિયાની ફરમાઈશ જગા લેવા માંડી, ક્યારેક પીન્ક ફ્રોક, ક્યારેક એણે માંગેલૂ ટેડી, મયંક વિચારમાં પડી જતો, આટલી જલ્દી રિયા આમ હક્ક જતાવે, એના મમ્મી પપ્પા જો કે કંઇ વાંધો નહોતા લેતા.
મયંક અનુને ખુશ જોઈને આ બધા વીચારો ભૂલી જતો, ઘરે આવે ત્યારે અનુનુ ઉદાસ મોં, વાતવાતમાં અણગમો, એ બધા કરતા આ પ્રસન્ન માહોલ શુ ખોટો.
મયંકે એક બાળક દત્તક લેવાએ ઘણી વાર કહ્યુ હતુ પણ અનુ રાજી નહોતી થતી. એને હજીએ આશા હશે? ખબર નહી. ખુબસુરત અનુની ઉદાસ આંખો એ સહન ન કરી સકતો.
આમતો રિયા બહુ ચપળ, ચંચળ હતી. વધારે પડતી અનુ સાથે જ હોય, જાણે એની પોતાની દિકરી હોય એવું જ લાગવા માંડેલુ. એક શુક્રવારે એ જ્યારે ઓફિસેથી આવ્યો તો નવાઈ લાગી, રિયા ને ત્યાં લોક હતુ અને રિયા અને એના કપડાનો થેલો એની ઘરે!
અનુએ કહ્યુ કે " રિયાના નાના હોસ્પિટલમાં છે તો એ લોકો બરોડા ગયા છે. ત્યાં રિયા ને ક્યાં સાચવે, તો ભલે એક દિવસ અહીયા રહે." મયંકને વધારે પડતુ અને અજીબ લાગેલું, પણ અનુ આટલી ખુશ હતીને, ક્યાં ટોકવી એને.
એ લોકો બરોડાથી એકને બદલે ત્રણ દિવસે આવ્યા , ત્યાં સુધીમાં અનુ રિયામય થઈ ગયેલી. આખો રવીવાર તો કાંકરિયા રિવરફ્રન્ટમાં જ ગએલો. મોલમાં ગયા તો રિયાએ જીદ કરીને કેટલુએ લેવડાવ્યુ, ફ્રોક, સૂઝ, રમકડા. પોતે ઇચ્છા છતાંઍ અનુને રોકી નહોતો શક્યો.
જે વાતનો ડર હતો એ ધાર્યા કરતા બહુ જ વહેલુ બન્યુ, એક સાંજે ઘરે આવ્યો તો અનુનો રડી રડી ને સોજેલો ચહેરો, સામે ખાલી ખુલ્લુ ઘર, કે જે મકાન માલીક સાફ કરાવતા હતાં.
મયંકને પણ આંચકો લાગ્યો."રિયા?" એણે પુછ્યું અને અનુ એને ખભે માથુ નાખીને રડી પડી. તો એ લોકોને ઓછે ભાડે ક્યાંક ઘર મળતું હતુ. મકાન માલીકે અનુને કહેલું કે " એ લોકોએ તો 15 દિવસ પહેલા જ જાણ કરી દીધેલી! " અનુ ને જ નહોતી ખબર! રિયાને બાય કહેવાએ ન મોકલી એ લોકોએ, ન નવુ એડ્રેસ આપ્યું, બસ જતા રહ્યાં.
ફરીથી ઘરનુ વાતાવરણ સુમસામ થઈ ગયુ. મયંક કોશીષ કરતો અનુને બહેલાવવાની પણ બધુ વ્યર્થ. એક દીવસ એ અનુને સમજાવીને મુવી જોવા લઈ ગયો મન લાગે એનુતો.
થિએટરમાં બન્ને વિસ્મયથી જોઇ રહયા, રિયા સાથે કોઈ જુદુ જ કપલ હતુ, રિયા એ જ હક્કથી ચૉકોબાર ને પોપ કોર્નઁ લેવડાવી રહી હતી, અનુએ ઉમળકાથી રિયાને બોલાવી પણ એને જાણે અનુમાં રસ જ નહોતો. મયંકને મગજમાં ગડ બેસી ગઇ, એણે રિયા સાથે ભાઈ હતાં એને બોલાવીને જાણ્યુ, એ ઉત્સાહથી બતાવવા લાગ્યા કે રિયા ગયા મહીને જ શિફ્ટ થઈ પડૉશમાં પણ કેટલી મીક્સ થઈ ગઇ છે, કેવી વહાલી, મને તો એના વગર ગમતું જ નથી, આજે પણ જીદ કરીને સાથે આવી, અહીંથી સીધા મોલમાં જઈશું વગેરે.
અનુ સ્તબ્ધ થઇને જોઇ રહી, એણે આંસુ ખાળતા કહ્યુ મુવી નથી જોવું. બન્ને થોડી વાર ગાર્ડનમાં બેઠા. અનુ જાણે આખી વીખેરાઈ ગઇ હતી. કલાક સુધી સુનમૂન બેસી રહી, મયંક એની પીઠ પર હાથ ફેરવતો રહ્યો, અચાનક મક્કમતા દેખાઈ એનાં ચહેરા પર અને બોલી, "ચાલ, તું કહેતો હતોને, દતક લેવાનુ, અનાથ આશ્રમમાથી, ચાલ..લઇ આવીએ આપણુ પોતાનુ બાળક!"