સેક્સ – પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો છે. પણ મોટા ભાગ ના લોકો ઉચ્ચારી શકાતા નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ રહ્યો છું. સેક્સ શબ્દ જાહેરમાં બોલતાં બોલવાવાળાની જીભ થોથવાઈ જાય અને પસીનો વળવા માંડે અને સામે સાંભળનારનું નાકનું ટીચકું ચડી જાય. સમાજના કહેવાતા વડીલો આંખના ડોળા મોટાં કરવા લાગે,અને ફૂંફાડા નાખવા લાગે. અને સમાજ ની માનીતી સ્ત્રીઓ વાતો કરવા માંડે છે..કે શરમ જેવું કંઈ છે જ નહીં.. સંસ્કાર ના છાંટા જેવું કંઈ નથી.
હા માની લઈએ કે સંસ્કારની દ્રષ્ટિએ ક્યાં શું બોલવું અને શું નહીં એની સમજ હોવી એ જરૂરી છે. આવું બધું જોતાં લાગે કે કહેવાતાં શુશિક્ષિત સમાજની બુદ્ધિ બહેર ગઈ છે.એના પર કાટ ચડી ગયો છે….એવું સમાજ ના લોકો ને લાગી રહ્યું છે.વૃધ્ધ લોકો સંસ્કૃતિ ના ગુણગાન ગાઈ છે.જો કે તેના અમુક ગુણગાન મને ખોટી દિશા માં જતા હોઈ એવું લાગી રહ્યું છે.
આપણે કેટલાં મંદિર એવા જોયા છે જેના પર નર્તકીના શિલ્પો ન હોય? મંદિરના ગર્ભગૃહથી માંડીને પ્રવેશદ્વાર સુધીના નર્તકીના નૃત્ય-કળાના દ્રશ્યો એ જ સૂચવે છે કે ભારત દેશ આદિકાળથી શૃંગારને-‘કામ’ને પવિત્ર માનતો આવ્યો છે. ખજૂરાહોના શિલ્પોથી કેટલાં લોકો અજાણ છે? જો એ વસ્તુ જ સમાજને અવળા રસ્તે દોરી જાય છે તો એનો વિરોધ થવો જોઈએને? એ શિલ્પોને તોડી-ફોડી નાખવા જોઈએને? પરંતુ આજ સુધીમાં એક પણ ઘટના એવી બની નથી. આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણે ‘શિવલિંગ’ની પૂજા કરીએ છીએ.
સંસ્કૃત સાહિત્યના સુપ્રસિદ્ધ એવા ગ્રંથોમાં એક ગ્રંથ- ‘કામસૂત્ર’નું નામ જરૂર આવે. એના વગર સંસ્કૃત સાહિત્ય અધૂરાં જેવું લાગે! કહેવાતા સુસંસ્કૃત સમાજમાં કેટલા એવા લોકોને છે જેને ‘કામસૂત્ર’નું નામ સાંભળતા જ એ વાંચવાની એકેય વાર ઈચ્છા ના થઈ હોય? આજે થાઈલેન્ડ જવા વાળો હરએક ભારતીય ટુરિસ્ટ રશિયન શો માં રશિયન છોકરીઓના નિવસ્ત્ર ડાન્સ ને અને થાઈ યુવક યુવતીઓના પર્સનલ અંગોના વિવિધ બેનમૂન કરામતો ને પોતાના પરિવાર સાથે પણ જોઈ શકે સાથે ત્યાં કોઈનું નાકનું ટેરવું ઉંચુ થતું નથી. બલ્કે એ લાઈવ શો જોયા વગર પોતાની થાઈલેન્ડની ટુરને અધૂરી માને છે.
આ બધો જ ડોળ છે, દંભ છે. માણસ પારદર્શી બનતો જાય છે એ વાત આ દ્રષ્ટિએ જોતાં તદ્દન ખોટી લાગે! ઉલ્ટાનું દિવસે-ને દિવસે અપારદર્શી બનતો જાય છે.
80માં વર્ષે પણ ગુણવંત શાહે એવું લખ્યું કે, “હું આ ઉંમરે પણ વાસનાવિહીન નથી, આવી મારી ચેતવણીનો અનાદર કરનારી યુવતી પોતાના હિસાબે અને જોખમે મારી સમક્ષ આવી શકે છે. યુવતી મને વૃદ્ધ સમજીને મારી પાસે આવીને બેસે ત્યારે એ તો નિર્દોષ હોય છે પરંતુ હું નિર્દોષ કે નિર્મળ હોતો નથી!” આવું પ્રામાણિકપણે જાહેરમાં સ્વીકારવાની હિંમત-જીગર કેટલાંની? હકીકત અને સચ્ચાઈ જાણવાની ઈચ્છા હર એક વ્યક્તિ રાખે છે, પણ એ જાણ્યા પછી પચાવી શકે છે કેટલાં?
વ્યક્તિ જયારે પ્રામાણિક બને છે ત્યારે એ કોઈને છેતરવા નથી માંગતો, એ દંભ કરવા નથી માંગતો અને સૌથી પહેલાં તો એ પોતાની જાતને છેતરવાના ગુનામાંથી મુક્ત થઇ જાય છે.
આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં જીવનનાં મુખ્ય ધ્યેયો ધર્મ,અર્થ, કામ અને મોક્ષ ગણાવ્યાં છે.
કહેવાતાં સંસ્કારી સમાજમાં દરેક દંભી લોકો શૃંગારરસ અને ‘કામ’ને માત્ર ચાર દીવાલ અને બે પગ વચ્ચેનો વિષય બનાવી દીધો છે!
આપણે સેક્સ કરવામાં શરમ રાખતા નથી તો પછી સેક્સ વિષયક બાબતો પર વાત કરવામાં શરમ-સંકોચ કે પછી આટલાં બધાં સંસ્કારી અને સજ્જન બનવાનો ડોળ-દંભ શા માટે?
‘વત્સનાભ, આ દુનિયામાં કોઈ એવો પુરુષ નથી જેનું મન ક્યારેય દુષિત ન થયું હોય!’ – મહાભારત
આપણે ચોખલીયા અને સંસ્કારી બન્યા એના પહેલા સેક્સનો ખ્યાલ તો બહુ તંદુરસ્ત જ હતો. સેક્સ આપણે ત્યાં ધર્મ અને વિજ્ઞાન બન્નેને સ્પર્શે છે! મારા મતે સેક્સને ખુલ્લો પાડવો જોઈએ નહીં કે એનો દંભ કે દેખાડો કરી સજ્જન બનવું જોઈએ સંસ્કૃતિ શું કહે છે? તેની લોકોને જાણ નથી. સમાજે કરેલી વાતોને આધારે નકામી વાતો ને દોરવ્યા કરો છો. સંસ્કૃતિ સાંભળેલી વાતોને માન્યા ન કરો જો સંસ્કૃતિ શું કહે છે એ જાણવું જ હોય તો તેનો અભ્યાસ કરો..નહીં તો ખોટી વાતો કરી ને નવી પેઢી ને ગેરમાર્ગે ના દોરો. સવાલ છે માત્ર દ્રષ્ટિકોણનો!
-નીરજ નાવડિયા