Mathabhare Natho - 17 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 17

Featured Books
Categories
Share

માથાભારે નાથો - 17

માથાભારે નાથો [17]
"તમે લોકો તમારા મનમાં સમજો છો શું ? આપણી પ્રેફેસર તરીકેની જવાબદારી શું ભણાવવા પૂરતી જ મર્યાદિત છે ? શું કોઈ ભોળી છોકરીને,આપણી નજર સામે ચાલાકીથી કોઈ ભોળવી જાય અને એનું શારીરિક શોષણ કરે તો પણ આપણે કશું જ નહીં કહેવાનું ? આંખ બંધ કરી દેવાની ? કોના ડરથી ? હાઈસ્કૂલ હોય તો ઠીક, પણ કોલેજમાં ગમે તેવા ભવાડા ચલાવી લેવાના ? અને તમે મી. દવે, કાન ખોલીને સાંભળી લો, હું એ બન્ને રાષ્કલોને નહિ છોડું..અને તમેં પણ તમારી મર્યાદા
માં જ રહેજો, નહિતર પસ્તાશો.." તારિણી દેસાઈ, ડિન વ્રજલાલ દવે
ની ઓફિસમાં ગરજી રહ્યાં હતાં.
મગન અને નાથો ઓફિસની બહાર ટોળે વળેલા વિદ્યાર્થીઓ પાસે ગયા ત્યારે "અલ્યા..આ બેઉં આવ્યા.." એમ થોડો ગણગણાટ થયો.
"જુઓ, મિસ તારિણી..મારું કહેવાનું એમ છે કે એ બેઉ કે જેને તમે રાષ્કલ, મવાલી અને ગુંડાઓ
ના બિરુદ આપી રહ્યાં છો, એમની વિરુદ્ધ હજુ સુધી કોઈ ફરિયાદ મારી સામે આવી નથી..છોકરી કંઈ નાની કિકલી નથી..તમે સમજતા કેમ નથી..? આ બાવીસ ત્રેવીસની ઉંમરમાંથી હું અને તમે નથી પસાર થયા ? યાદ કરો વો દિન......મિસ દેસાઈ.. જ્યારે તમારું દિલ કોઈની બાહોમાં સમાઈ જવા બાવરુ થયું હતું...તમારી આસપાસની દુનિયા, દુનિયા નહીં પણ એક મઘમઘતું ઉપવન તમને લાગતું'તું..." દવેનું કવિ હૃદય વધુ રાગ છેડે એ પહેલાં તારીણીએ ડોળા કાઢ્યા.
"મને એવું કંઈ જ નહોતું લાગતું..
અને મને એવા ફતવા પસંદ પણ નથી..મારું દિલ કોઇની બાહોમાં સમાઈ જવા બાવરુ નથી થયું,તમે આવી આડી અવળી વાતો ન કરો..મારી વાત સાંભળો."
દવે સાહેબ ઘડીભર તારીણીને તાકી રહ્યા. પછી ખૂબ જ દુઃખી સ્વરે ઓચર્યા..
"ખરેખર...? મિસ દેસાઈ..તમારી જિંદગીની ગાડી એક મહત્વના સ્ટેશન પર થોભવાનું ચુકી ગઈ છે..
એમ કરો..આપણે સાંજે મળીએ..
તમે આવો..ડુમસ ચોપાટી..હું તમને એક રંગીન દુનિયાનો પરિચય કરાવું..તમે હજુ..''
"મિસ્ટર દવે...માઈન્ડ યોર લેંગ્વેઝ,
વોટ ડું યુ મીન..? વ્હાઈ આઈ કમ એટ ઇવનિંગ..? આઈ ડોન્ટ વોન્ટ યોર કલરફુલ વર્લ્ડ.." તારીણી ખિજાઈ.
"જુઓ આમ અંગ્રેજી બોલવાથી તમારી સમસ્યાનું સમાધાન નહિ થાય..એતો ભૂસકો જ મારવો પડે..બહુ વિચારવાથી સમય ચાલ્યો જાય..સમય કોઈની રાહ જોતો નથી..આજે તમે યુવાન છો..હું પણ એક સમયે યુવાન હતો..શુ વાત કરું એ યુવાનીની.. આ..હા..હા...તેજીલો તોખાર જોઈ લો..." દવે સાહેબ થોડીવાર અટક્યા. એમની ટાલ ચમકી રહી હતી.
"તમે એ કાંટાવાળાને,એક ભજીયા
તળનાર ફરસાણના વેપારીને ખરા બપોરે યુનિવર્સીટીના ગાર્ડનમાં મળવા બોલાવેલો ખરું ?"
"હા, એ કાંટાવાળા..આ છોકરીનો બાપ છે એટલે.." તારીણીએ કહ્યું.
"ઓકે. તો તમને એ પલળી ગયેલા કોથળામાં રસ છે, અને અમારી જેવા કોરા કટ કાપડના તાકામાં બિલકુલ નથી એમને..? ઓહ મિસ તારીણી, આપની ચોઇસ આટલી ઘટીયા હશે એવી તો મને કલ્પના પણ નહોતી......" દવેએ ચમકતી ટાલમાં હાથ ફેરવ્યો.
"હું તમારી જેવા લંપટ માણસો સાથે વાત કરવા માંગતી નથી..મારે તમારી કોઈ જરૂર નથી..હું જાતે જ આ કેસનો નિકાલ કરીશ.." એમ કહીને, કંટાળીને તારીણી દેસાઈ બહાર નીકળ્યા.
મગન અને નાથો બારણાની બહાર જ ઉભા હતા. ચમેલી મગનની બાજુમાં ઉભી હતી. બીજા વિદ્યાર્થીઓ દવે સાહેબના ડાયલોગ સાંભળીને હસી રહ્યા હતા.
હાફ ડોરને ધક્કો મારીને લાલઘૂમ ચહેરે બહાર નીકળેલા તારીણી બહેને ચમેલીને કહ્યું, "મૂર્ખ છોકરી, તું આવ મારી સાથે..આપણે પોલીસ સ્ટેશન જવું પડશે.."
"કેમ..? પોલીસ સ્ટેશન કેમ ? હું તમાડી સાઠે કેમની આવું ? ટમે જાવની જટા હોય ટો.." ચમેલીએ ઘસીને ના પાડી.
"એમ નહીં ચાલે.. ચાલ..તને કંઈ સમજ નથી પડતી..આ બન્ને જણ તને ફસાવી રહ્યાં છે.." મગન અને નાથા તરફ ઈશારો કરીને તારિણી
બહેને કહ્યું.
નાથો હવે આખી વાત સમજ્યો હતો. ચાલુ કલાસે મગન અને ચમેલી વચ્ચે જે નેનમટકકા થયા હતા,એ વખતે મગનની સ્પેશિયલ વાણી વડે તારીણી બહેનને ભાગવું ભારે થઈ પડેલું, એ વાતનો બદલો આ બહેન લેવા માગે છે..એ વખતે મગને ડિન સાહેબને ફરિયાદ કરવાની ધમકી આપી હતી..એટલે આણે પહેલા જ ફરિયાદ કરી નાખી.. અને હવે પેલો દવે ફરિયાદ સાંભળવાને બદલે બીજા ગીત ગાઈ રહ્યો છે એટલે આને પોલીસ સ્ટેશને મગનની વિરુદ્ધ છેડતીનો કેસ કરવો છે..એટલે ચમેલીને સાથે લઈ જવી છે..
"ચલ ચમેલી બાગમે.....મેવા.... ખિલાઉંગા..." નાથાએ ચમેલીનો હાથ પકડ્યો. મગન પણ એની પાછળ ચાલ્યો. વિદ્યાર્થીઓને તો આ નવું જ જોવા મળી રહ્યું હતું.
"મેડમ..જો તમે પોલીસ સ્ટેશન ન આવો તો, તમારી માં, જીવતી હોય તો મરે..ચાલો..તમારે અમને જેલમાં નાખવા છે ને ! ચાલ ચમેલી પોલીસ સ્ટેશન ચાલ, ત્યાં જઈને કહે પોલીસ ઇન્સ્પેક્ટરને... કે અમે બેઉ તારી પાછળ પડ્યા છીએ કે તું આદું ખાઈને આ મગનની પાછળ પડી છો.."
નાથો ચમેલીને તારીણી દેસાઈની પાછળ એને ખેંચવા લાગ્યો. હવે મગને બાજી સાંભળ્યા વગર છૂટકો નહોતો. એણે તારીણી દેસાઈ ને ઉભા રાખતા કહ્યું..
"મેડમ, એક મિનિટ.! તમને ડિસ્ટર્બ
કરવા બદલ હું ખૂબ જ દિલગીર છું..તમને શા માટે અમારા પ્રત્યે નફરત છે એ હું જાણતો નથી,પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈનો દેખાવ જોઈને એના વિશે ગમે તેવો અભિપ્રાય બાંધવો ન જોઈએ, તમે તો એક પ્રોફેસર છો,તમારું નોલેજ અમારા કરતાં અનેકગણું હશે, તમે કૂવો કહેવાવો અને અમે તો અવેડા છીએ,તમે એમ માનતા હોવ કે આ
ચમેલીને અમે લોકો ફસાવી રહ્યા છીએ તો તમે બિલકુલ ગેરસમજ કરી રહ્યા છો, તેમ છતાં તમારે જો અમારી વિરુદ્ધ પગલાં જ લેવાના હોય તો અમે ખુશીથી તમારી સાથે પોલીસ સ્ટેશન કે બીજે ગમે ત્યાં આવવા તૈયાર છીએ,પણ એકવાર
તમે ચમેલીને તો પૂછી જુઓ.."
તારીણી દેસાઈને વિદ્યાર્થીઓએ ઘેરી લીધા.મગન,નાથો અને ચમેલી
એમની સમક્ષ ઉભા હતા.
"અરે મેડમ,ટમે મારી ચિંટા ની કડો,
મને આ લોકો કંઈ ફસાવટા ની મલે
મેં કોઈની ચાલમાં ની ફસાઉ.."
ચમેલીએ પણ સ્પષ્ટ કહ્યું, ત્યારે તારીણી દેસાઈએ મામલો પડતો મુક્યો, "તો પડ કૂવામાં..મારા ફાધર
નું કઈ જતું નથી..." કહીને એ બધા વિદ્યાર્થીઓને ખીજવાયા..
"ચાલો બધા કલાસમાં બેસો, તમાશો જોવા ભેગા થયા છો તે.."
કહીને એ સ્ટાફરૂમમાં જઈને પોતાની ખુરશીમાં ફસડાઈ પડયા.
એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.શું કામ એ રડતા હતા એની એમને ખુદને જ સમજ નહોતી પડતી.
"મગન અને નાથા જેવા વિદ્યાર્થી
ઓ, મને કેમ પસંદ નથી? એમણે શું બગાડ્યું હતું મારું ? બિચારાએ આવીને વગર વાંકે સજા માગી લીધી..એની આંખો કેટલી નિર્દોષ હતી..?"
તારિણી દેસાઈએ મગનને એકદમ નજીકથી જોયો ત્યારે એની આંખો
નું ભોળપણ એમને સ્પર્શી ગયું.એ છોકરાની આંખો જ કહેતી હતી કે એ ક્યારેય ખરાબ ન હોઈ શકે !!
પણ આ આંખો કેમ વહી રહી હતી ? મગન અને નાથા જેવા છોકરાઓને કારણ વગર નફરત કરી એટલે ? મી. દવેએ રંગીન દુનિયા બતાવવાનું આમંત્રણ આપ્યું એટલે ? ચંપકલાલ કાલે જે ગેરસમજથી પોતાને મળવા દોડી આવ્યો એટલે ? કે પછી વરસો પહેલા પ્રેમ નામની જાળમાં માછલીની જેમ પોતે ફસાયેલી એ ઘટનાનું જખમ કોઈએ ખોતર્યું ?
તારીણી દેસાઈ એકલી જ રહેતી હતી. અડાજણ પાટિયા પાસેના એપાર્ટમેન્ટમાં એનો ટેરેસફ્લેટ હતો. ઘેર એની કોઈ રાહ નહોતું જોતું..એના ફ્લેટની ચાર દીવાલો જેવી સપાટ, એની જિંદગી હતી. આનંદ અને ખુશી એના જીવન માંથી વર્ષો પહેલા ચાલ્યા ગયા હતા. કોઈના પ્રત્યે એને પ્રેમ નહોતો.. કોઈ લાગણીનું ઝરણું એના કાળમીંઢ ખડક જેવા થઈ ગયેલા હૈયામાંથી ફૂટે એમ નહોતું. શા માટે ચમેલી માટે એણે આટલી તસ્દી લીધી ? શા માટે એ મૂર્ખ કાંટાવાળાને ફોન કર્યો ? શા માટે એની સાથે બગીચામાં મુલાકાત કરી ? અને શા માટે લાળ ટપકાવતા દવેને ફરિયાદ કરવા ગઈ? અને શા માટે આ ગામડીયા,
નિર્દોષ અને ભોળા છોકરાઓને મવાલી અને રાષ્કલો કહ્યા ? શા માટે ? શા માટે ? શા માટે ?...
તારીણી દેસાઈના માથામાં આ "શા માટે ?" નામનો સવાલ ઘણની જેમ વાગવા લાગ્યો. માથું ફાટ ફાટ થવા લાગ્યું. લમણાંની નસો ફુલવા લાગી..હૃદયના ધબકારા તેજ ગતિએ ધડકવા લાગ્યા..અને ધીરે ધીરે મગજ પર અંધારું છવાઈ જવા લાગ્યું..જાણે કે સૂર્ય ક્ષિતિજમાં ડૂબવા લાગ્યો..
તારીણી દેસાઈ સ્ટાફરુંમના ટેબલ પર માથું નાખીને ઢળી પડ્યા.
સ્ટાફરૂમમાં એ વખતે કોઈ નહોતું.
આજની જે ઘટના બની એને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ટીખળ ફેલાયેલું હતું. તારિણી બહેનના લેક્ચર સિવાય અન્ય બે લેક્ચર હોવાથી બધા કલાસમાં બેઠા હતા.
છેક સાંજે ચાર વાગ્યે પટ્ટાવાળો બધા રૂમ બંધ કરવા આવ્યો ત્યારે એણે તારીણી બહેનને ટેબલ પર માથું નાખીને ઊંઘતા જોયા.એટલે એણે સાદ પાડ્યો, પણ કોઈ પ્રત્યુતર ન મળતાં એ ગભરાયો.
સાવ નજીક આવીને ફરી એણે સાદ પાડ્યો.
"બહેન, કોલેજમાં હવે કોઈ નથી..તમે બહુ સૂતાં.. હવે જાગો અને ઘેર જાવ.."
છતાં કોઈ પ્રત્યુતર ન મળતા એ ગભરાયો અને બહાર દોડ્યો.
કાર્યાલયમાં બીજા બે પટ્ટાવાળા સફાઈ કરી રહ્યા હતા.બીજી ત્રણ લેડીઝ પ્યુન પણ બધુ સમેટીને ઘેર જઇ રહી હતી..
"અલ્યા કોઈક જલ્દી સ્ટાફરૂમમાં આવો..તારીણી બહેન બેભાન થઈ ગયા છે.."એણે જોરથી રાડ પાડી.
મગન,નાથો અને ચમેલી બરાબર એ જ વખતે કાર્યાલય તરફ આવતાં હતાં. તારિણી દેસાઈ સાથે આજે બધી બાબતો સ્પષ્ટ કરી લેવાની નાથાની ઈચ્છા હતી. એ લોકોએ પ્યુનનો સાદ સાંભળ્યો.
દોડાદોડ એ લોકો સ્ટાફરૂમમાં ધસી ગયા..
ચમેલીએ તારીણી બહેનના ખભા પકડીને હલાવ્યા..નાક આગળ આંગળી રાખીને શ્વાસોચ્છવાસ તપસ્યા.
"મગન જલ્ડી રીક્ષા લઈ આવ..
મેડમ બેભાન ઠેઈ ગ્યા છે..આપને હોસ્પિટલ લેઇ જવા પડશે..જાવ
જલડી ડોડો ટમેં લોકો...."
નાથો પળવારમાં પરિસ્થિતિ સમજ્યો.
"હું જાઉં છું..તું અહીં રહે.." એમ કહી એ બહાર ભાગ્યો. ત્યાં સુધીમાં બધા પ્યુન ભેગા થઈ ગયા.
નાથો તાબડતોબ રીક્ષા પકડી લાવ્યો અને તારીણી બહેનને અઠવાગેટની સીટી હોસ્પિટલમાં લઈ જવાયા.
તારીણી દેસાઈના સગા વ્હાલા કોણ હશે એની ખબર મગન, નાથા કે ચમેલીને નહોતી. એટલે એ લોકોને તારીણી દેસાઈ સાથે હોસ્પિટલમાં રોકાયા વગર છૂટકો નહોતો.
જો કે ટૂંકી સારવાર બાદ તરત જ તારીણી બહેન ભાનમાં આવી ગયા. અને એમણે ડૉક્ટરનું બિલ પણ ચૂકવી આપ્યું. પોતાને આ રીતે અહીં લઈ આવવા બદલ એમણે આ ત્રણેયનો આભાર પણ માન્યો. અને માફી પણ માગી.
આખરે સૌ છુટા પડ્યા. પણ આ ઘટનાને કારણે નાથા અને મગન પ્રત્યે તારિણી બહેનના મનમાં જે તીરસ્કારભાવ હતો એ દૂર થયો અને સારા છોકરાઓ તરીકે એમન મનમાં મગન અને નાથાએ સ્થાન લીધું.
*** * * * * * * * * * * * * *
જેન્તી એની પત્ની અને બાળકને મળીને ગામડેથી આવ્યો ત્યારે સવારના પાંચ વાગ્યા હતા. રચના સોસાયટી હજી આળસ મરડીને ઉઠી રહી હતી.દૂધવાળા અને દુરની સ્કૂલમાં ભણવા જતા બાળકોની રિક્ષાઓની અવર જવર હતી.
મગનની બેગમાંથી ચોરી થયા પછી હવે રૂમને અંદરથી બંધ કરવાની જરૂર રહી નહોતી, એટલે જેન્તીએ,બારણાને હળવેથી ધક્કો માર્યો કે તરત બારણું ખુલી ગયું.
રમેશ, નાથો અને મગન ઊંઘી રહ્યા હતા.જેન્તીએ પણ બેગ અને
થેલી મૂકીને પલંગમાં લંબાવ્યું. બસની મુસાફરીને કારણે એ થાકી ગયો હતો એટલે થોડી જ વારમાં ઊંઘી ગયો.
રમેશ સાત વાગ્યે તૈયાર થઈને એની સ્કૂલે જતો રહ્યો.નાથો અને મગન પણ સાડા સાતે ઉઠ્યા. જેન્તીને આવેલો જોઈને મગનને પેલું પર્સ તરત જ યાદ આવ્યું.
"આ @#$ના ને અત્યારે જ મેથીપાક આપીએ..જો પર્સ લીધું હશે તો માની જશે.."મગને નાથાને હળવેથી કહ્યું.
નાથાએ બ્રશ પર ટૂથપેસ્ટ લગાવતા મગન સામે જોયું અને હસ્યો..
"વાહ..અત્યાર સુધી મારવાની વાત હું કરતો હતો અને તું મને ના કહીને વારતો હતો..પણ આજ તું ઉતાવળો થયો છો..તારી બુદ્ધિ હવે બેડ મારી ગઈ છે..ડફોળ આ રૂમ એના બનેવીની છે,અને એમણે આ
રમેશને ભાડે આપી છે..આનું બયરૂ આવે એટલે,આપણે પણ બીજે ક્યાંક વ્યવસ્થા કરવાની છે, હું અને તું છીએ કોણ ? આ જેન્તીને મારીએ એટલે ઉપરથી એનો બનેવી છગનલાલ સોટો લઈને ઉતરે અને આપણને બેયને ઢીબી નાખશે..જો મગન,એમ અકળાઈ જવાની જરૂર નથી.તું શાંતી રાખ,
જે થવાનું હશે એ જરૂર થઈને રહેશે..!"
"એમ કેમ થવાનું હોય એ થઈને રહે ? આપણે કંઈક તો કરવું પડશે ને..એમને એમ કંઈ એ પર્સ ખોળા
માં આવીને નહીં પડે..કે લ્યો ભાઈ, મને રાખી લો, હું જરીક બહાર આંટો મારવા ગ્યું'તું.."મગને નિરાશ થઈને કહ્યું.
"તે તું ક્યાં એ બધું રળવા ગ્યો'તો..
અમથું પણ હું તને એ રાખવા તો ન જ દેત.. એટલે તું વધુ બળતરા કરવાની રહેવા દે અને છાનોમાનો બ્રશ કરીને તૈયાર થા......આપણે
કોલેજ જવાનું લેટ થાય છે.."
નાથાએ કોગળા કરીને કહ્યું અને બાથરૂમમાં ચાલ્યો ગયો. મગન, ઊંઘી રહેલા જેન્તીને મનમાં ને મનમાં ગાળો દેતો દેતો બ્રશ કરવા લાગ્યો.એકાએક એનું ધ્યાન કબાટ તરફ ગયું. બારણાં વગરના કબાટ
ના ખાનામાં,નવા અને એકદમ સરસ, બે જોડી કપડાં પડ્યા હતા.
મોંઘા સ્પોર્ટશૂઝનું એક બોક્સ પણ એ કપડાં પાસે પડ્યું હતું.
મગન બ્રશ ઘસતો ઘસતો કબાટ પાસે આવ્યો.એ ખાનામાં ત્રણેય મિત્રોના કપડાં અને અન્ય ચીજો પડી રહેતી.મગને કપડાં પર હાથ ફેરવ્યો. પેન્ટ અને શર્ટ મોંઘા હોવાનો એને ખ્યાલ આવ્યો.સ્પોર્ટ શૂઝનું બોક્સ એ જોઈ રહ્યો. એ બોક્સ પર 1200 રૂપિયા MRP (1991-92ની વાત છે) વાંચીને એની નવાઈનો પાર રહ્યો નહીં.એ નવાઈ શમે એ પહેલાં જ ખૂણામાં અત્તરનો સ્પ્રે દેખાયો.
"મારું બેટુ.. આ બધું કોણ લાવ્યું ? આટલા મોંઘા કપડાં અને બ્રાન્ડેડ સ્પોર્ટ શૂઝ..." મગનને પોતાના ગુમ થયેલા હીરાના પર્સનું પગેરું દેખાવા લાગ્યું.
"નક્કી આ જેન્તીયો જ મારી બેગમાંથી પર્સ ઠોકી ગયો છે, એની માટે કપડાં, સ્પ્રે અને બુટ લઈ આવ્યો..હરામી..પેલા દસ હજાર રોકડા હતા એ જ વાપરી નાખ્યા હશે સાલ્લાએ..અને એની બયરી છોકરા માટે પણ ઘણું ઘણું લઈ ગ્યો હશે..પૈસા અને હીરા આણે જ લીધા છે એ પાક્કું...."
એટલીવારમાં નાથો નહાઈને નીકળ્યો.એટલે તરત જ મગને કહ્યું
"તારા બાપ ગોતરમાં તેં કોઈ દિવસ આવા બુટ પહેર્યા છે..? આ કપડાં અને અત્તર તો જો..વાહ શું સ્મેલ છે સાલી...આ બધું આ જેન્તીયો લાવ્યો છે, ખાલી આ બુટ જ બારસો ના છે.."
"મને ખબર છે...."નાથાએ કહ્યું.
"તને ખબર છે એમ ? તેં ક્યારે જોયું..આ જેન્તીયો આવ્યો ત્યારે તું જાગ્યો'તો..?"
"અરે આ કપડાં અને આ બુટ..આ સ્પ્રે..વગેરે રમેશનું છે..એક જોડી તો એ પહેરીને ગયો છે..અને હા તને હજી ખબર નથી એણે હીરો હોન્ડા પણ લીધું..નવું..!"નાથાએ પોતાના કપડાં પહેરતા ઉમેર્યું, "તારે આમ મોઢામાં ડોયો ઘાલીને ક્યાં સુધી આંટા ઠોકવા છે ? આમ ના'વા જાને બાપા.."
"રમલો આટલા બધા રૂપીયા ક્યાંથી લાવ્યો..? એનો પગાર તો ખાલી 700 રૂપિયા જ છે..આ જોડા જ ખાલી 1200ના છે.." મગનનો શક હવે રમેશ ઉપર તોળાઈ રહ્યો..
"મગના..તે હવે હદ કરી છે હો..તું ભલો થઈને એ પર્સ ભુલીજા ભાઈ અને તૈયાર થા.. રમલાનો પગાર સાતસો હોય એટલે ઇ બિચારો બારસોના બુટ નો પહેરી શકે ? એ બિચારો સાંજ સુધી ટ્યૂશન પણ કરે છે..એ બિચારાએ રળી રળીને પૈસા ભેગા કર્યા છે તો પોતાનો શોખ પણ પૂરો કરે ને ! આપણે ફદીયું'ય કમાતા નથી..એટલે આ સ્લીપરિયા ઢહડીએ છીએ.."
"સ્લીપરિયા ઢહડીએ છીએ..તો બાપાના પૈસે ઢહડીએ છીએ, કોઈના બઠાવી નથી લીધા સમજ્યો..? તારા બાપાને સગવડ છે એટલે તને જોડા લઈ દીધા..ભેંસના ચામડાના..એટલે તને બીજાના સ્લીપરિયા ઢહડાતા
દેખાય છે.."મગનને નાથાનો ટોન્ટ બિલકુલ ન ગમ્યો.આજ સવારથી જ એનું મન ખાટું થઈ ગયું હતું. રમેશ એક સાથે ત્રણ જોડી મોંઘા કપડાં,મોંઘા શૂઝ અને સ્પ્રે વગેરે લઈ આવે, અને નવું હીરોહોન્ડા બાઇક છોડાવે એટલી બચત એની પાસે હોય એ વાત એના ગળે ઉતરી નહીં.. અને નાથો પોતાની વાત સમજતો નહોતો..એણે બ્રશ કાઢીને કોગળા કર્યા.અને ન્હાવા ચાલી ગયો.
નહાઈને બહાર આવ્યો ત્યારે નાથો નવા કપડાં અને સ્પોર્ટશૂઝ પહેરીને સ્પ્રે છાંટતો હતો.
"લે ચાલ તું પણ તૈયાર થઈ જા,લાવ તારા કપડાં પર સ્પ્રે છાંટુ..
બહુ મસ્ત છે.." રમેશે અરીસામાં જોઈને માથું ઓળતા કહ્યું.
"મને એવો કોઈ શોખ નથી..પગમાં સ્લીપરિયા ઢહડનારના લૂગડાં પર સ્પ્રે નો છાંટવાના હોય..તમારી જેવા પૈસાદાર લોકોને એ બધા શોખ પોસાય.."મગનનું મોં ઉતરી ગયું હતું.
"તને શું થયું છે..અલ્યા..કેમ આજ ઉઠ્યો ત્યારનો લવારે ચડ્યો છો ?" નાથાએ ખિજાઇને કહ્યું.
નાથાના અવાજથી જેન્તી ઉઠી ગયો.મગન અને નાથાને તૈયાર થતા જોઈને આળસ મરડતા એ બોલ્યો..
"એ..ગુ..ઉ..ઉ..ડ મોર..ની..ગ......
નાથાભાઇ.. ગુ..ઉ..ડ..મોરની..ગ..
મગનભાઈ.."
"ગુડ મોર્નિંગ..જેન્તીભાઈ..કેમ છે તમારો મુનિયો..અને મુનિયાની માં..કુવામાંથી ઉલ્લાળો લઈને આવ્યા હશો ને.." નાથાએ આંખ મારીને હસતા હસતા કહ્યું..
"અરે..એ બેય તો જલસા કરે છે..
અને મારી ઘરવાળી મારા હાહરાને નયાં છે..ન્યાકણે ઉલ્લાળો લેવાનો મેળ થોડો પડે યાર,સવાર સવારમાં
તમે ક્યાં ઇ યાદ કરાવી દીધું....." કહીને એ હસી પડ્યો.પછી મૂડ આઉટ મગનને જોઈને બોલ્યો, ''મગનલાલે કેમ મુતર પી જ્યા હોય એવું મોઢું કર્યું છે..? આટલું સુગંધી અંતર (અત્તર) કોણ લાયુ ? અને શું છે નાથાલાલ...આ કપડાં તો મસ્ત કરાવ્યા છે ને શુ !!"
જેન્તી હવે પૂરેપૂરો જાગી ગયો હતો.
"આ તો માસ્તરના છે, સાલો છે બહુ શોખીન..જોને બુટ પણ લાવ્યો છે નવા જ, મેં તો ખાલી કેવા લાગે ઇ જોવા માટે પહેર્યા છે,
બાકી યાર આપડે એવો ક્યાં વેંત છે..બાપાએ ભેંસના ચામડામાંથી સિવેલા આ જોડા જ આપડે તો બરાબર..આ મગનાને ઇના સ્લીપરિયાનું નામ લીધું ઈનું વહમૂ લાગ્યું છે..કહે છે કે તારાથી મારા સડી ગયેલા સલીપરીયાનું નામ લેવાય જ કેમ..! એટલે તો ભાઈનું મોઢું..કેવું કીધું તેં.. એં..?" નાથો હસ્યો.
"મુતર પી જ્યો હોય એવું..." જેન્તીએ નાથાને તાળી આપી.
"ખાલી મુતર પી જ્યો હોય એવું નઈ.. ભેંસનું મુતર પી જ્યો હોય એવું છે જેન્તીયા.." નાથાને વધુ ટીખળ સુજ્યું.
"તારી જાતનો નાથિયો મારુ,હાળા
ઉભો રે તું..."કહીને મગન એને મારવા દોડ્યો..અને એનાથી પણ હસી પડાયું. નાથાએ મગનને જકડી લીધો.અને હળવેથી કમરે વિટાળેલો રૂમાલ ખેંચી લીધો....
મગન નહાઈને હજુ બહાર જ આવ્યો હતો.
બરાબર એ જ વખતે કાંતા ચા અને ભાખરી ખાવા માટે બોલાવવા આવી. દિગંબર મગનને જોઈને અને હસી રહેલા જેન્તી અને નાથાને જોઈને એ તરત જ શરમાઈને ભાગી..
"મુવા આ વાંઢા અને ઢાંઢા બેય હરખા..આમને તો રૂમ ભાડે જ નો દેવાય..નાગા પુગા આંટા મારતા'ય શરમાતા નથી..સાવ નશરમીના...
સા..ભાખરી ખાવાના હોવ તો ગુડાવ હવે..તિયાર થઈ જયું સે.."
કાંતા રાડો પાડતી પાડતી ભાગી.
"મગનેશ્વર મહારાજ કી જે હો..
જેય..દિગંબર..બાબા.." જેન્તીએ પલંગમાં બેઠા બેઠા બે હાથ જોડીને મગનને પ્રણામ કર્યા અને હસી પડ્યો. નાથો હજુ પણ રૂમાલ પકડીને ઉભી હતો.કાંતાને આવેલી
જોઈને મગને બન્ને હાથનો સંપુટ
બે પગ વચ્ચે કરી રાખ્યો હતો.
"તારી જાતના..નાથીયા..તું માર ખાઈશ હો..લાવ મારો રૂમાલ.."
મગને ગુસ્સાથી કહ્યું.
"કાંતાભાભી દર્શન કરીને ધન્ય થઈ ગયા.. અને પ્રસાદ પણ તૈયાર છે..નાગડા બાવા, મગનબાબા પધારો.." નાથો અને જેન્તી બન્ને હસી રહ્યા હતા..
આખરે મગન નાથા ઉપર ધસ્યો. નાથાએ રૂમાલ જેન્તી તરફ ફેંક્યો એટલે મગન જેન્તી તરફ દોડ્યો. જેન્તીએ રૂમાલનો ઘા કરીને નાથાને આપ્યો. મગન નગ્ન અવસ્થામાં નાથા અને જેન્તી વચ્ચે રૂમાલ લેવા દોડતો રહ્યો અને જેન્તી અને નાથો હસી હસીને બેવડ વળી ગયા.
આખરે મગન થાક્યો. રૂમાલ પડતો મૂકીને એણે પોતાના થેલામાંથી કપડાં કાઢીને પહેર્યા.
"નાથીયા.. તું યાદ રાખજે..હાળા તને નાગો કરીને આખી શેરીમાં નો દોડાવું તો કે'જે..ઓલી કાંતુડી ભાળી ગઈ.."કહીને મગન પણ હસી પડ્યો.
"મજા આવી ગઈ હો..ચાલ હવે તારા કાંતાભાભીએ ધરાવેલો મહાપ્રસાદ આરોગીને કોલેજ ભેગા થઈએ.." નાથાએ હસીને કહ્યું.
મગન અને નાથો ચા ભાખરી ખાતા હતા ત્યારે કાંતા મગનને જોઈને હસવું રોકી શકતી નહોતી.
** ** ** ** ** ** ** ** ** **
એક એક સાંઠીકડું ભેગું કરીને બનાવેલો માળો કોઈ જબરું જનાવર આવીને પીંખી નાખે ત્યારે જે લાચારી બિચારા નિર્બળ પંખીના જીવનમાં વ્યાપી જાય એવી જ કંઈક લાચારી રાઘવના જીવનમાં વ્યાપી ગઈ હતી.
નરશી માધાએ રામા ભરવાડના તબેલામાં એને કેદ કરાવ્યો હતો અને ઘણો ખરો માલ એણે પડાવી લીધો હતો.અને છતાં રાઘવ સાવ ખાલી થયો નહોતો. નરશી એને બરાબર ઓળખી ગયો એ વાતનો એને ખૂબ જ અફસોસ હતો.
રામા ભરવાડે એકાએક એને શા માટે છોડી મુક્યો એ એને સમજાતું નહોતું.મહિધરપુરા હીરા બજારમાં થયેલા અકસ્માત વિશે એને કોઈ જાણકારી ન્હોતી. નરશીની શંકા સાચી જ હતી. એના માનવા મુજબ રાઘવ એક ઉત્તમ કલાકાર હતો અને એણે જે રીતે હીરા બદલાવીને માલ ભેગો કર્યો હતો એ જ એની ઉત્તમ કળાનો નમૂનો હતો.
નરશીએ જ્યારે રાઘવ પાસેથી પડાવી લીધેલા હીરા જોયા ત્યારે એ દંગ રહી ગયો હતો. રાઘવ જેવો ઉત્તમ હીરા પારખું હજારોમાં એકાદ હોય છે,રાઘવના હીરા જોઈને નરશી મનોમન એને શાબાશી આપી રહ્યો હતો.
"આવો વ્યક્તિ મારો ભાગીદાર હોય અને પ્રામાણિક હોય તો દોમ દોમ સાહેબી મારા પગમાં આળોટે"
રાઘવ પણ નરશીની ઓળખતો હતો.હીરાબજારનો એ કિંગ હતો.અને રાઘવ આવા કિંગનું જ કરી નાખવામાં પાવરધો હતો !
રામા ભરવાડ પાસેથી છૂટીને ઘેર જતા પહેલા એ એણે છુપાવેલો માલ લેવા ગયો હતો ત્યારે રાઘવના હાથમાં લાખો રૂપિયાનો માલ આવી ગયો હતો.એ જમાનામાં એટલી દોલત, કોઈપણ ફકીરને દોલતમંદ બનાવી શકવા માટે કાફી હતી !!
(ક્રમશ :)