Khoufnak Game - 3 - 3 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 3 - 3

Featured Books
Categories
Share

ખોફનાક ગેમ - 3 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

રહસ્યમય હવેલી

ભાગ - 3

હવેલીની બાઉન્ડ્રી પાસે એક વડનું મોટું વૃક્ષ તેની નજરે ચડ્યું અને તે વૃક્ષની મોટી ડાળીઓ અને વડવાઇઓ હવેલીની બાઉન્ડ્રીની અંદર ફેલાયેલી હતી. આદિત્ય તરત તે વડના વૃક્ષ ઉપર ચડી ગયો. ઉપર ચડી ગયા બાદ થોડીવાર તે વૃક્ષ પર બેસી રહ્યો અને હવેલીની બાઉન્ડ્રી અંદરની હિલચાલ જોવાનો પ્રયન્ત કરવા લાગ્યો. અંદરના તે પ્રાંગણમાં કોઇ જ ન હતું. હવેલીની ઇમારતની બહાર અને બાઉન્ડ્રીની અંદરના તે પ્રાંગણમાં ચારે જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. તે સિવાય મોટાં મોટાં વૃક્ષો ઊગેલાં હતાં. અંદર બનાવેલો બગીચો માવજત વગર સુકાઇ ગયો હતો. પડેલા વરસાદના ભેજની એક જાતની ગંધ ચારે તરફ પ્રસરેલી હતી. હવેલીની ઇમારતનો દરવાજો પણ પુરાણી હવેલીઓ જેવો લાકડાનો બનેલો હતો. દરવાજા પર લોખંડના મોટા-મોટાં ખીલાઓ જડેલા હતા.

તીવ્ર સન્નાટા તમરાંઓનો તીણો અવાજ ગુંજતો હતો.

એક મજબૂત ડાળ પર ધીરે ધીરે સરકતો આદિત્ય હવેલીની અંદર તરફ જવા લાગ્યો. દીવાલ ઉપરથી પસાર થઇ તે ડાળ પર હવેલીના પ્રાંગણમાં પહોંચ્યો. ત્યારબાદ અંદરની તરફ લટકતી તે વડની એક વડવાઇ તેણે હાથના પંજાની મજબૂત રીતે પકડી અને હાથમાં પંજાના બળ પર લટકતાં-લટકતાં નીચેની તરફ સરકવા લાગ્યો.

ધીરે ધીરે વડવાઇ પર સરકતાં. સરકતાં તે નીચે ઊતરતો હતો. પગના પંજા જમીન પર અડતાં તેણે વડવાઇને છોડી દીધી. હવે તે હવેલીની બાઉન્ડ્રીની અંદર હતો.

‘હાશ’...વડવાઇને છોડી હાથ ખંખેરતા હાશકારો લઇને તે દબાતા પગલે દીવાલ સરસો આગળ વધ્યો.

અચાનક પાછળથી કોઇના પગરવનો અવાજ સંભળાયો.

ચમકીને આદિત્યે પીઠ ફેરવી.

અને...થોડી ક્ષણો પહેલા જમીન પર સ્થિર થયેલા તેના પગ ઊખડી ગયા.

તેના શરીરમાં ધ્રુજારીનું એક લખ-લખું ફરી વળ્યું.

તેની આંખો નર્યા નીતર્યા ત્રાસથી ફાટી પડી.

તેની સામે એક મહાકાય દૈત્ય ઊભો હતો અને ક્રોધ ભરેલી ભયાનક લાલચોળ આંખો વડે તેને તાકી રહ્યો હતો. તેની આંખોમાં જાણે ‘લાવા’ ભભૂકી રહ્યો હોય તેવું લાગતું હતું.

આફ્રિકાના ભયાનક જંગલોમાં વસતા આદિવાસી જેવો અને ગીરના ચાર-પાંચ સિંહો ધરાઇ જાય તેવો પાડા જેવો, નાના ખડકનો ભાસ આપતો હતો. તેની લંબાઇ સાત ફૂટ, કસાયેલો દેહ અને શરીર પર જાનવર જેવી રૂવાંટી અને આંખો તે આંખો નહીં પણ સળગતા કોલસા હોય તેવી લાગી રહી હતી. હાથના પંજા મોટા અને લાંબા હતા અને તેના નખ વાઘના પંજા નહોરની જેમ અણીદાર અને વધેલા હતા. શરીર પર કપડાંના નામ પૂરતું એક પોતિયું પહેર્યું હતું.

બલ્બના આછા પીળા પ્રકાશમા ‘તામ્રવર્ણા’ રંગનો ચહેરો ધરાવતો તે માનવી બેહદ ભયંકર લાગતો હતો.

‘કોણ છો તું...?’ કેમ અંદર આવ્યો

સાગરના ઘુઘવાટ જેવા ભયાનક અને ઘોઘરા અવાજે તેણે પૂછ્યું.

‘હું...હું...મારા કૂતરાને ગોતવા માટે અહીં આવ્યો છું. મારો કૂતરો મોન્સુ અહીં ક્યાંક ખોવાઇ ગયો છે, ભાઇ સાબ...તમે તેને જોયો છે...? વાંધો નહીં હું તેને શોધી શકીશ...’ આદિત્ય એટલો ભયભીત થઇ ગયો હતો કે તેને રિર્વોલ્વર કાઢવાનું પણ યાદ ન આવ્યું અને જ્યારે યાદ આવ્યું ત્યારે તેનો ઉપયોગ કરવાનો સમય હાથમાંથી નીકળી ગયો હતો.

થોડીવાર ઊભા-ઊભા તે દૈત્ય, આદિત્યને આંખની અગ્નિથી સળગાવી દેવાનો હોય તેમ તાકી રહ્યો, પછી અચાનક તેણે પોતાના બંને હાથ લંબાવીને આદિત્યને કમરથી પકડ્યો. ત્યારબાદ બંને હાથના બળે આદિત્યને અધ્ધર ઉઠાવ્યો.

‘અરે...અરે...ભીમભાઇ નથી જોતો મને મારો કૂતરો...તમે રાખી લ્યો બસને...’છોડો...છોડો...મને જવા દો. અરે બાપ રે...પડી જઇશ ને તો મારાં હાડકાં તૂટી જશે...’ બોલતાં-બોલતાં આદિત્ય માથું નમાવા નીચો નમ્યો અને તે દૈત્યના કાંડામાં પોતાના દાંત ભરાવી દીધા અને જોરથી બચકું ભર્યું.

સૂવર જેવા તેના જાડા ચામડામાં આદિત્યનાં દાંત ઘૂસ્યા નહીં.

તે દૈત્યના ગળામાંથી એક તીણી ચીસ નીકળી પણ તે સિવાય તેને કાંઇ જ થયું નહિં...

‘વા...વા...ભીમભાઇ...શું તમારી બોડી છે...સખત સૂવરના ચામડા જેવી હે...વા...ભઇ...વા...યાર પૈદાશી સૂવર લાગે છો...’ ઠેકડી ઉડાડતાં આદિત્ય બોલ્યો.

તે દૈત્ય ક્રોધથી નસકોરા ફુલાવ્યાં પણ પછી અચાનક તેણે આદિત્યને નીચે ઉતારી જમીન પર ઊભો રાખ્યો અને પછી આદિત્ય કાંઇ જ સમજે તે પહેલાં એકાએક તેના પેટમાં જોરદાર મુક્કો માર્યો.

‘ઓ મા...આદિત્યના મોંમાંથી ચીસ સરી પડી અને તે ઊછળીને પાછળ વૃક્ષનાં સૂકાં પાંદડાઓના ઢગલા પર જઇ પડ્યો.’

‘બોલ કોણ છે તું...?’ ઘોઘરા અવાજે તેણે પૂછ્યું.

‘મારો કૂતરો...કૂતરાને શોધું છું. બહેરો છે તું...? તને એક વખત તો કહ્યું...સાલ્લા લબાડ...અક્કલનો બળદિયો લાગે છે...સમજતો નથી હે...’ ખીજ ભર્યા અવાજે આદિત્ય પેટ દબાવી ઊભા થતાં બોલ્યો.

દાંત કચકચાવીને અગ્નિભરી નજરે તે દૈત્ય આદિત્યને તાકી રહ્યો અને પછી એકાએક તે આદિત્ય તરફ ધસ્યો.

આદિત્ય પાછળની તરફ ખસતો ગયો પણ થોડીવારમાં જ પાછળ તોતિંગ દીવાલ અવરોધ બનીને આડી આવી ગઇ.

આદિત્ય પાછળ ખસતો અટકી ગયો.

તે દૈત્યે આદિત્યનું ગળું પીસી નાખવા પોતાના બંને હાથને આગળ લંબાવ્યા અને પછી તેના મોટા અને ખરબચડા હાથના લોખંડી પંજા સાણસાની જેમ આદિત્યની ગરદન ફરતે જકડાઇ ગયા અને પછી તે આદિત્યની ગરદનને બળપૂર્વક દબાવવા લાગ્યો.

આદિત્યનો શ્વાસ રુંધાવા લાગ્યો.

તેના હાથ અને પગ ખેંચલા લાગ્યો.

સાક્ષાત મોતને નજર સામે જોઇ આદિત્યે પોતના મનને મક્કમ કર્યુ અને દૈત્યના હાથીના પગ જેવા તેના બે પગની વચ્ચે પોતાના ડાબા પગના ઘુંડણને વાળ્યો અને પીઠને પાછળથી તે દીવાલના ટેકે બરાબર ભરાવી અને શરીરની બધી તાકાત લગાવીને તે દૈત્યના બે પગ વચ્ચે ગુપ્ત ભાગમાં જોરથી પોતાનો ઘૂંટણ માર્યો.

ઘૂંટણનો ફટકો એટલો જોરદાર હતો કે તે દૈત્યના ગળામાંથી તીવ્ર પીડાભરી ચીસ સરી પડી. તેની આંખોમાં ઘેરા અવિશ્વાસ અને આશ્ચર્યના ભાવ છવાઇ ગયા. આદિત્યની ગરદન પરની તેની પક્કડ ઢીલી થઇ અને આદિત્યને તેનો લાભ ઉઠાવ્યો અને ફરીથી ભરપૂર તાકાત સાથે તેના ગુપ્તાંગ પર ગોઠણ માર્યો.

ઘૂંટણના બીજી વખતના ‘ઘા’ સાથે તે દૈત્ય લડખડાયો. તેના પગ ધરતી પરથી ઊખડી ગયા. તે પાછળની તરફ નમી પડ્યો અને તેના હાથ આદિત્યની ગરદન પરથી છૂટી ગયા.

‘કાં...? મઝા આવીને...? મ...મારો કૂતરો ક્યાં ગયો તે બતાવ...?’ ઠેકડી ઉડાડતાં આદિત્ય બોલ્યો.

‘તારો કૂતરો ગયો ઊંડા ભમરિયા કૂવામાં...!’ સાલ્લા હવે તો તને હું મારી જ નાખીશ...’ પોતાની કાયાને સંભાળતા, બેલેન્સ બનાવતાં તે દૈત્ય તાડૂક્યો.

‘રાખ...રાખ...હવે માર્યા તે...જોયો મચ્છરના દૂત જેવો સાલ્લા લબાડ’

‘તારા બાપનું રાજ હાલે છે કે મને મારી નાખીશ...? હેં...કે પછી નેપાળને તારા પિતાશ્રીએ કરીદી લીધું છું. બોલ...ગમચા...?’

જવાબમાં રાનીપશુની જેમ ભયાનક ચિચિયારી પાડતો, પગને પછાડતો તે આદિત્ય તરફ ધસી આવ્યો.

‘માર્યા ઠાર...મારા બાપ...આદિત્ય ભાઇ આજ તો તારાં સૌ વર્ષ થઇ ગયાં પૂરા, દૈત્યને પોતાના તરફ ધસી આવતો જોઇ આદિત્યે બબડતા-બબડતા નીચેની તરફ નજર ફેરવી.

ત્યાં જ બાજુમાં એક મોટો પથ્થર તેની નજરે ચડ્યો. કાંઇક વિચારીને તેણે નીચા નમીને પાસે પડેલા તે મોટા પથ્થર બંને હાથેથી ઉપર ઉઠાવ્યો અને પછી બળપૂર્વક જોરથી તે દૈત્યના મોં પર ફેંક્યો.

હવાની સપાટી પર સનસનાટી બોલાવતો એ પથ્થર ‘ધડામ’ કરતો તેના મોં સાથે અથડાયો.

જોશ પૂર્વક મારેલ પથ્થર તેના મોં પર અથડાતાં તેના નાક અને હોઠ ફાટી ગયા અને તેમાંથી લોહીની ધાર થઇ અને તેના મોંમાંથી લોહીનો કોગળો બહાર નીકળ્યો તેની સાથે તેના બે-ત્રણ દાંત પણ તૂટીને મોંમાંથી બહાર ફેંકાઇ ગયા.

‘કાં...કેમ છો ભાઇ...મઝા આવીને...?’

‘કેટલા તૂટ્યા...?’ દૂર ઊભા રહી તેની મશ્કરી કરતાં આદિત્ય બોલ્યો.

‘સમજ્યો નહીં...? અરે હું તારા દાંતની વાત કરું છું. અરે...અરે...ભેગુ નાક પણ તૂટી ગયું. નાક વગરનો તારો ચહેરો સુંદર લાગે છે...વા...વા...હવે તો હું તને નકટાભાઇ કહીને જ બોલાવીશ.’

‘ના...ના...મને ના ન કહેતો યાર...’ તે દૈત્યને ચિડાવવાના આશયથી આદિત્ય બોલ્યો.

‘હરામખોર’...ભયાનક ગુસ્સા સાથે તે ગજર્યો અને પછી તે ઊભો હતો ત્યાં નજીકમાં ઊગેલા એક મોટા વૃક્ષની જાડી ડાળને બંને હાથે પકડી અને જોર કરીને ઝાટકો આપ્યો.

કડડડ...ભૂસ અવાજ સાથે તે ડાળ તૂટી પડી.

તૂટેલી ડાળને બંને હાથે ઊંચી ઉઠાવીને તે આદિત્ય તરફ ફર્યો.

ક્રોધથી તમતમતો તેનો લોહીલુહાણ ચહેરો ખૂબ જ ભયાનક લાગતો હતો.

‘વા...વા...હવે ચોખ્ખો નકાસુર રાક્ષસ જેવો જ લાગસ...વા ડાળ તો તારા હાથમાં ગદાની જેમ શોભે છે. નકટા...પણ મારો કૂતરો...’

આદિત્યના મોંમાંથી નીકળતા શબ્દો અધૂરા રહી ગયા.

અચાનક તે તોતિંગ ડાળને તે દૈત્ય આદિત્ય પર વીંઝી.

આદિત્ય જમ્પ મારીને એક તરફ ખસી ગયો. તે દૈત્યનો ‘ઘા’ નિષ્ફળ ગયો.

‘અરે...અરે...ડફોળ તને ગદા વીંઝતા જ નથી આવડતી. જો તું કહેતો હો તો મારા ભાઇના કાકા અને મામાના ભાણેજ, ફુવાના ભત્રીજાના ભાઇ...અરે ભાઇ થોભતો ખરો મારે પહેલાં તેનો પૂરો સંબંધ બતાવું પછી તેની પાસે તને ગદાબાજી શીખવા...અરે...બસ...બસ...બાપ રે...!’

અચાનક બે પગલાં આગળ વધીને તે દૈત્યે ડાળને જોરથી બકબક કરતા આદિત્ય પર ફરીથી વીંઝી.

આદિત્ય એકદમ નીચા નમીને દીવાલ તરફ દોડ્યો. ‘હાસ માંડ...માંડ બચ્યા’ તે બબડયો.

‘ હવે કૂતરો રાખજે તારી પાસે...હું જાઉ છું. બાય બાય...’ કહેતાં આદિત્ય તે વડના વૃક્ષની વડવાઇ પકડીને ઝડપથી દીવાલ પર ચડવા લાગ્યો.

હેન્ડઝપ...તારા હાથ ઉપર લઇ લે. અચાનક સર્પના ફૂંફાડા જેવો એક અવાજ આદિત્યને તેની પાછળ સંભળાયો.

‘વા...ભાઇ...વા હાથ ઉપર લઇ લઉં તો ધડામ દેતો નીચે પડું...ના ભાઇ ના...મારાં હાડકાં તૂટી જાય...હજી તો મારે મારા કૂતરાને શોધવા છે.

‘તું જલદી નીચે ઊતરી અને પછી હાથ ઊંચા કરીને ઊભો રહે નહીંતર મારા હાથમાં રિર્વોલ્વર પકડેલી છે અને તે રિર્વોલ્વર તારા કાકાના ભત્રીજાની સગી નહીં થાય સમજ્યો...’

‘અરે...!વાહ...તમને પણ મારા સંબંધોની ખબર છે...લ્યો ત્યારે હું નીચે ઊતરું છું.’ કહેતાં-કહેતાં આદિત્ય નીચે ઊતર્યો અને તે વ્યક્તિ તરફ ફર્યો. આ સાલ્લા ડફોળને ક્યારનોય સમજાવતો હતો કે મારા કાકા...બસ-બસ...’ તે વ્યક્તિને પોતાની તરફ રિર્વોલ્વર તાકતો જોઇ આદિત્ય ચૂપ થઇ ગયો.

તે એક યુરોપિયન દેશનો વતની લાગતો હતો. તેની આંખો માંજરી હતી અને શરીરનો રંગ સફેદ, સિંદુરિયો હતો. સશક્ત બાંધો, ચહેરા પર સોનેરી કલરની દાઢી અને મૂછો હતો. તેણે જીન્સના પેન્ટ ઉપર કોટનના સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેરેલો હતો. પગમાં શિકારી પહેરે તેવા ઘૂંટણ સુધી લાંબા બૂટ પહેર્યા હતા. તેના હાથમાં મજબૂતાઇથી રિર્વોલ્વર પકડેલી હતી.

આદિત્યને નીચે ઊતરતો જોઇ તે દૈત્ય આદિત્યને રહેંસી નાખવા માટે તે વૃક્ષની મોટી ડાળ લઇને તેના તરફ દોડ્યો.

‘માર્યા...હવે આ મને જીવતો નહીં મૂકે...’ આદિત્ય બબડયો.

‘રેમો...બસ શાંતિથી ઊભો રહે...’ હાથમાંની ડાળને ઊંચી કરી આદિત્યને મારવા ધસી જતા તે દૈત્યને સંબોધીને તે વિદેશી બોલ્યો. પછી આદિત્ય તરફ ફરીને બોલ્યો, ‘હા...યુવાન આ તને જીવતો નહીં છોડે...’ આમાં બુદ્ધિ ઓછી છે. પણ શરીરમાં હાથી જેવું બળ છે. એટલે હવે ચૂપચાપ તું કોણ છે...? તે સીધી રીતે બતાવી દે.’

‘સર...હું...હું...મારો કૂતરો, હા...પાડેલો આના જેવો...કૂતરો મારો ખોવાઇ...’

‘ તું એમ સીધી રીતે નહીં બોલે...ઠીક છે. ચૂપચાપ મારી સાથે અંદર ચાલ અને જરાય ડબ-ડબ કર્યું છે, તો આ રિર્વોલ્વર તારા કાકાના ભત્રીજાની સગી નહીં થાય...આનો કોઇ સંબંધ નડતો નથી...સમજ્યો...’

‘અરે વા...મારા કાકાનો ભત્રીજો અને બીજા સંબંધો પણ ચૂપ...ચૂપ...ચૂપ બસ ચૂપ થઇ ગયો...’ તે વિદેશીને કરડી નજરે પોતાના તરફ તાકતો જોઇ, પોતાના નાક પર આંગળી મૂકી આદિત્ય ચૂપ થઇ ગયો.

‘રેમો...આના હાથ-પગ સખ્ત રીતે બાંધીને ઊંચકી લે...’ સખ્ત અવાજે તે બોલ્યો.

રેમોએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું પછી તે દોરી લેવા ગયો અને ઝડપથી ક્યાંકથી રેશમની દોરી લઇ આવ્યો અને આદિત્યના હાથ બાંધવા લાગ્યો.

‘અરે...મહાદેવના દૂત...યાની કી પોઠીયા એટલે કે પાડા જરા દોરી ઢીલી બાંધજે...નહીંતર એક વખત મારા હાથમાં આવ્યો ને તો તારું કચુંબર કરી નાખીશ...કાંઇ તારા બાપનું રાજ...’

દૈત્યે એક વખત ગુસ્સાભરી નજરે આદિત્ય તરફ નજર ફેરવી. તેનાં નસકોરા ફુલાઇ ગયાં અને ક્રોધથી મોંમાંથી ઘુરઘુરાટીનો અવાજ નીકળ્યો. જાણે હમણાં જ આદિત્યને કાચે-કાચો ખાઇ જશે તેવો તેનો દેખાવ થઇ ગયો.

‘બાપનું...ભાઇ તારા બાપનું જ રાજ છે. યાર બાંધ તું તારે તને મઝા આવે તેમ બાંધ બાકી આમ તિરછી નજરથી જો નહીં નહીંતર હમણાં જ હું બેભાન થઇ જઇશ...’ તેની ગુસ્સાભરી નજરથી હેબતાઇ આદિત્ય બોલ્યો.

પછી તે દૈત્યે આદિત્યની બક-બક પર જરાય ધ્યાન આપ્યા વગર આદિત્યને મુશ્કેરાટ બાંધી નાખ્યો અને આદિત્યને અનાજના બાચકાની જેમ ખભા પર નાખી હવેલી તરફ ચાલ્યો.

‘એય...ધીમે...ધીમે મારા બાપ જરા ધીમે, હું તારી ગાય બસને...’ આદિત્ય બબડતો રહ્યો.

કાલથી આદિત્ય ગુમ થયો હતો.

પ્રલયને છેલ્લે આદિત્યના મોબાઇલ પરથી મેસેજ આવ્યો ત્યારે તે પુરાણી હવેલી જેવા તે નિર્જન મકાનને યોજના પ્રમાણે ચેક કરવા અંદર ઘૂસી જવાની પેરવીમાં હતો પણ પછી શું થયું તેના કાંઇ જ સમાચાર ન હતા કે ન તો આદિત્યનો પત્તો હતો. તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. ‘જરૂર આદિત્ય ફસાઇ ગયો હશે.’ પ્રલયે વિચાર્યું અને તેથી પ્રલયે આજ રાત્રીના તે હવેલી ચેક કરવાનું નક્કી કરીને આવ્યો હતો.

દિવસ ઢળી ચૂક્યો હતો. સૂર્ય આથમી રહ્યો હતો. સૂર્યના ધરતી પર પડતાં નારંગી કિરણોમાં અંધકારના કાળાશ છવાતી જતી હતી.

તે હવેલીવાળુ સ્થળ પ્રલયે જોયું હતું. અહીં તે એક મોટર-બાઇક ભાડેથી લઇને આવ્યો હતો, આ પહેલાં પણ તે એક વખત અહીં ચક્કર લગાવી ગયો હતો. આજુ-બાજુનો પૂરો એરિયા જંગલથી છવાયેલો હતો. પ્રલયે તે હવેલીથી થોડે દૂર એક ટેકરીની પાછળ મોટર-બાઇક છુપાવી દીધી. પછી ત્યાં જ બેઠા બેઠા રાત્રી થવાની રાહ જોવા લાગ્યો.

છેવટે રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો.

ટન...ટન...ટન હવેલીમાં લાગેલા ટાવર પર ઘડિયાળના અગિયાર ટકોરા થયા.

બાઇકનું ટૂલબોક્સ ખોલીને તેમાંથી પ્રલયે પોતાની રિર્વોલ્વરન બહાર કાઢી અને કમરના પેન્ટની નીચે ખોસી, પછી તે વૃક્ષોની ઓથમાં છુપાઇને ચાલતો હવેલી તરફ આગળ વધ્યો.

ચારે તરફ કાળો ડિબાંગ અંધકાર છવાયેલો હતો. વિસ્તાર શહેરની બહાર જંગલમાં એરિયામાં હોવાથી ક્યાય સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી.

ચારે તરફ એકદમ સન્નાટો છવાઇ ગયો હતો. તમરાંના તીવ્ર તીણા અવાજ સિવાય ક્યાંય કોઇ જાતનો અવાજ આવતો ન હતો. વૃક્ષના ઝુંડો પાછળ થઇને તે હવેલી જેવા તે વિશાળ મકાન પાસે આવ્યો.

પ્રલયે ચારે તરફ નજર ફેરવી. ક્યાંય કોઇ જ દેખાતું ન હતું. તે હવેલીના લાકડાના મોટા ગેટ પર એક ઇલેક્ટ્રિક બલ્બ પીળો અને આછો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. પ્રલય હવેલી ફરતા ચક્કર મારીના પાછળના ભાગમાં પહોંચ્યો.

હવેલી ફરતે દસ-બાર ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ હતી. પાછળના ભાગમાં આવેલ એક વૃક્ષ પર ચડીને પ્રલય કમ્પાઉન્ડ વોલ પર ચડી ગયો. કમ્પાઉન્ડ વોલ પર ઊભા રહીને તેણે હવેલીના અંદરના પ્રાંગણમાં નિરીક્ષણ કર્યું. હવેલી અત્યારે એકદમ સૂમસામ લાગત હતી. થોડી પળો બાદ તે અંદરની તરફ કૂદી પડ્યો.

***