64 Summerhill - 76 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 76

Featured Books
Categories
Share

64 સમરહિલ - 76

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 76

સૂસવાટાભેર ફૂંકાયેલું વાવાઝોડું ચંદ મિનિટમાં પસાર થઈ જાય પછી ચોતરફ વેરાયેલી તારાજી વચ્ચે સ્તબ્ધતા હિબકે ચડી હોય એવું વાતાવરણ કાંઠા પર સર્જાઈ ગયું હતું.

કેપ્ટિવ બોલ્ટ ગન મુક્તિવાહિનીનું લેથલ વેપન અમસ્તી ન્હોતી ગણાતી. ચીનાઓના ગાઢ સંપર્કને લીધે ત્રણસો વર્ષથી બારુદનો પરિચય ધરાવતા તિબેટના લડાયક ખામ્પાઓએ ધડાકા અંગે જાતભાતના અખતરા કરી કરીને આ શસ્ત્ર વિકસાવ્યું હતું.

મજબૂત ધાતુમાંથી બનેલાં બે અલગ અલગ ગેજના નળાકારને ફાસ્ટ્નર વડે જોડીને આશરે સાડા ત્રણ ફૂટનો સળંગ પાઈપ તૈયાર થતો હતો.

આગળનો બેરલ મુખ્યત્વે પિસ્તોલના સિધ્ધાંત પર જ કામ કરતો હતો. બેરલની અંદર સ્પ્રિંગ રોડ અને બુલેટ કેપ હતા. સ્પ્રિંગ રોડ બહારની તરફના ક્લચ સાથે જોડાયેલો રહેતો. ક્લચ કે ટ્રિગર ખેંચવાથી સળિયો બુલેટને ધક્કો મારે. જોશભેર આગળની તરફ ધકેલાતી બુલેટને સાવ આગળના છેડે ગોઠવેલી ફાયરિંગ પીન છેવટનો ફટકો મારે એટલે સેકન્ડના આશરે ત્રીસ મીટરની ઝડપે ફંગોળાયેલી બુલેટનો બારુદ ધડાકા સાથે ફાટે.

સિંગલ બેરલની આ રચના સાદી પિસ્તોલ જેવી અને તેની કામગીરી પિસ્તોલથી ય સાદી. મધ્યયુગના ચીની વણઝારાઓ, વગડામાં રખડતી જાતિના લોકો જંગલી હિંસક પ્રાણીઓથી બચવા આવી ગનનો ઉપયોગ કરતા. આ ગન અને પિસ્તોલમાં પાયાનો ફરક બુલેટની સાઈઝનો હતો. સિલિન્ડર ગનમાં ડાયામીટર મોટો હોય, બુલેટ કેપ પણ મોટી હોય એટલે ઠાંસેલો બારુદ પણ સાધારણ પિસ્તોલની બુલેટની સરખામણીએ ચાર-પાંચ ગણો વધુ હોય. પરિણામે જો નિશાન પર ધડાકો કરી શકાય તો એક જ ધડાકે જંગલી પાડાની કે હિંસક વાઘની ખોપરીનાં ય ફૂરચા ઊડી જાય.

એક જ ધડાકે ઢાળી દેતી આ સિલિન્ડર ગનની મર્યાદા એટલે તેની અત્યંત નબળી રેન્જ. ગોળી વજનદાર હોવાથી તેનો વેગ પણ ઓછો અને રેન્જ પણ ઓછી. માંડ દસ મીટર છેટેથી નિશાન લીધું હોય તો જ ટાર્ગેટ વિંધાય. માનવભક્ષી બનેલાં જંગલી પ્રાણીની સાવ લગોલગ જઈને તેની ત્રાડ કે તરાપથી ડર્યા વગર ગન દાગી શકાય અને સચોટ નિશાન તાકી શકાય તો જ કામનું, બાકી એક ગોળી વેડફાઈ ગઈ એ પછી શિકારી ખુદ શિકાર બની જાય તેની પાકી ગેરંટી.

ટૂંકી રેન્જની આ ગનને પહાડી ખામ્પાઓએ વધુ ઘાતક બનાવી. તેમને બર્ફીલા પહાડોના રીંછનો વારંવાર સામનો કરવાનો થતો. બે પગે ઊભા થઈને ચાલી જાણતા રિંછ બે પગાળા માણસની હાજરી સુધ્ધાં સહન ન કરી શકે. માણસને જુએ એટલે અચૂક હુમલો કરી દેતા અઢીસો-ત્રણસો કિલો વજનના રિંછની ઘ્રાણેન્દ્રિય અત્યંત તીવ્ર હોય એટલે માણસની ગંધ તે એક-દોઢ કિલોમીટર દૂરથી જ પારખી લે.

વળી, કુદરતે મૂકેલા સંકેતો મુજબ માણસની ગંધ માત્રથી રિંછના દિમાગમાં ખતરાની ઘંટડી વાગવા માંડે એટલે ગંધ પારખીને તરત જ એ આક્રમક મિજાજ ધારણ કરી લે. પરિણામે રિંછની સાવ નજીક જવાનું ય આસાન નહિ.

આથી ખામ્પાઓએ અત્યંત જ્વલનશીલ ગેસનો ઉપયોગ કરીને આ પરંપરાગત શસ્ત્રને બેહદ મારકણું બનાવી દીધું હતું. તેમણે આગળના બેરલની સાથે કપ્લિંગ વડે બીજો ય એક બેરલ જોડયો. તેમાં સ્પ્રિંગ રોડની જગ્યા ખાલી રાખી અને તેના પોલાણને ભારે દબાણથી ભરેલા ગેસ સિલિન્ડરની ટયુબ સાથે જોડી દીધું.

ઉચ્ચાલનના વૈજ્ઞાનિક નિયમને અનુસરતી પિસ્તોલની સ્પ્રિંગ હવે ગેસના ભારે દબાણથી ખેંચાવાની હતી. ટ્રિગર દબાવો એટલે પાછળના બેરલના પોલાણમાં રહેલો ગેસ આગળના બેરલના બોલ્ટને તીવ્ર ધક્કો મારે. ગેસ પોતે પણ પોતાના જ ધક્કાથી થયેલી જગ્યા વાટે આગળ વધે. સ્પ્રિંગે બુલેટને મારેલો ધક્કો પાંચ-સાત વર્ષના ટાબરિયાએ મારેલા ઠોંસા જેવો નાજૂક હોય તો ગેસના દબાણે મારેલો ધક્કો એ માઈક ટાયસનના જોરાવર મુક્કા જેવો કહી શકાય.

પરિણામે, સેકન્ડના ત્રીસ મીટરના વેગે છૂટતી ગોળી અઢીસો-ત્રણસો મીટર છેટેથી પણ એવું જ ધાર્યું પરિણામ આપે. વળી, જ્વલનશીલ વાયુ પણ ગોળીની સાથે છૂટતો હોવાથી આગના ભડકા સાથે બુલેટ છૂટે એટલે જંગલી પ્રાણી ચોંકીને સ્તબ્ધ પણ થઈ જાય અને શિકાર આસાન બની જાય.

ખામ્પાઓનું આ ભયાનક શસ્ત્ર મુક્તિવાહિનીનું બ્રહ્માસ્ત્ર હતું. પહાડો પર ગેસ કંઈ વારંવાર મળે નહિ. બે કે ચાર ફાયરમાં ગેસનું સિલિન્ડર ખાલી થઈ જતું હોય એ સંજોગોમાં સાવ અનિવાર્ય સંજોગો હોય ત્યારે જ આ કેપ્ટિવ બોલ્ટ ગન વાપરવી એવો કેસીનો કાયમી ઓર્ડર હતો.

આજે જીવ સટોસટના જંગમાં બે ફાયર કરવા જ પડયા હતા પણ એ બંને ફાયરે કાંઠો ઘેરીને ઊભેલા આદમીઓને ક્યાંય ફંગોળી દીધા હતા.

કેપ્ટિવ ગનના કારમા ધડાકા પછી ય જો થોડાંઘણાં હોશ બચ્યા હોય તો એ ય ખતમ કરી દેવા ખાઈના ઢોળાવ પરથી બિહામણી ચિચિયારી નાંખતા ગેરીલાઓના ધાડા ચારે દિશાએ આંધળા ધડાકા કરતાં ઉતર્યા હતા.

સૌથી મોખરે કેસી અને આઠ-દસ ગેરીલાઓ, તેમની પાછળ હિરન, પ્રોફેસર, ઉજમ, છપ્પન અને બીજા ચાર આદમીઓ અને છેલ્લે તાન્શી, રાઘવ, ત્વરિત, ઝુઝાર અને મુક્તિવાહિનીના છ-સાત લોકો... એમ આખો કાફલો કાંઠા સુધી ધસી આવ્યો.

કાંઠા પર કેપ્ટિવ ગનના બે ધડાકાએ વેરેલો વિનાશ ચારેકોર પથરાયેલો હતો. કાંઠાથી ખાસ્સી દૂર ઊંધી પટકાઈને નદીના હિલોળા વચ્ચે હાલકડોલક થતી રબ્બરની ડિંગી જોઈને કેસી વધુ ગંભીર બની ગયો હતો. બ્રહ્મપુત્રના બેય કાંઠે છૂટાછવાયા વસતાં પહાડી આદિવાસીઓ જરીપૂરાણા હોડકા વાપરતા હોય ત્યારે રબ્બરની ડિંગી લઈને આવેલા લોકો ચોક્કસ બહારના છે.

શક્ય છે કે એ લશ્કરના આદમી હોય. શક્ય છે કે નોર્થ-ઈસ્ટ સિવાયની કોઈ બોર્ડર ફોર્સ હોય. તેઓ વધુ સજ્જ છે અને પાક્કા આયોજન સાથે આવ્યા છે. રબ્બરની ડિંગીમાં આઉટર બોડી એન્જિન પણ હોય.

- અને જંગલના લાકડા કાપીને ઊભાઊભ બનાવેલા તરાપા વડે તેમણે હુમલાખોરોને ચકમો આપવાનો હતો.

કેસીના ચહેરા પર તંગદીલી પથરાઈ ગઈ.

આકાશમાં મેઘાડંબર બરાબર જામ્યો હતો. ક્યાંક આછકલી ઝબુકી જતી વીજળી, પર્વતોની બિહામણી કરાડોની પાછળ થઈ જતી ગડેડાટી, બ્રહ્મપુત્રના શાંત, ભેંકાર પ્રવાહ પર કાળના ખપ્પરની માફક ઝળુંબતા ઉત્તુંગ પહાડોના બિહામણા ઓળા અને અહીં નિર્જન કાંઠા પર સપાટાભેર કામે વળગેલા મુક્તિવાહિનીના મરજીવાઓ...

નદીનો આખો પટ પસાર કરીને તેમણે બે ઘાટ ઓળંગવાના હતા. ત્યાંથી ડેવિલ્સ બેડ તરીકે ઓળખાતો પહાડ ચડવાનો હતો. સીધા સપાટ આકારનો આ પહાડ તેના વિકરાળ કદને લીધે જાણે મહાકાય રાક્ષસની પથારી હોય તેવો લાગતો હતો એટલે ડેવિલ્સ બેડ તરીકે ઓળખાતો. ભારત અને ચીનને જોડતો એ છેલ્લો મુકામ. એ પહાડ ઉતરો એટલે ચીનની હદ શરૃ થઈ જતી હતી.

કેસીએ ગણતરીની મિનિટોમાં જ નિર્ણય લઈ લીધો હતો. આવનારા લોકો જો ભારતીય લશ્કરના જવાનો હોય તો હવે ગમે તેમ કરીને ચકમો આપવો અને ડેવિલ્સ બેડ ઉતરીને સરહદ ઓળંગી જવી એ એક માત્ર વિકલ્પ બચતો હતો.

તરાપાઓ તૈયાર થઈ રહ્યા હતા એ દરમિયાન બખોલમાંથી જંગલના રસ્તે હુમલાખોરો આવે તો એમને ખાળવા એક હરોળ રચાઈ ગઈ હતી. જંગલના રસ્તે આવતા લોકોનો સામનો કરવો ખાસ મુશ્કેલ ન હતો. પરંતુ નદીના રસ્તે બીજો કાફલો ય જો હુમલો લઈ આવે તો મુક્તિવાહિનીની હાલત ખરાબ થઈ જાય.

પણ આટલા નડતર પછી અચાનક જાણે મુક્તિવાહિનીની તકદીર જરાક ખુલી હોય તેમ, ધોધમાર વરસાદ શરૃ થઈ ગયો હતો.

***

રાઘવ સ્તબ્ધતાપૂર્વક કાંઠાના બદલાયેલા મિજાજને જોઈ રહ્યો હતો.

કેપ્ટિવ ગનના ધડાકા પછી ગેરિલાઓએ કાંઠા તરફ દોટ મૂકી ત્યારે ત્વરિતે રાઘવને ય આગળ હડસેલ્યો હતો, પણ પછી લૂંગીધારીઓ સપાટાભેર કામે વળગ્યા ત્યારે ત્વરિત પણ તેમની મદદમાં જોડાઈ ગયો હતો. લાકડા કાપવા, તરાશવા, ગોઠવવા અને પછી મજબૂત રસ્સીથી બાંધવા એ બધું તો અનુભવથી જ આવડે. ત્વરિતને એ કશું આવડતું ન હતું પણ વખત પારખીને લાકડા ઊઠાવવા, જ્યાં કહે ત્યાં ઢગલો કરવો, રસ્સીના માપસરના ટૂકડા કાપવા એ બધા કામમાં તે પોતાની મેળે જ લાગી પડયો હતો.

લપસણા કાંઠા પર અંધારામાં વરસતા વરસાદ વચ્ચે ઘાંઘા થઈને આમતેમ દોડાદોડી કરી રહેલા ત્વરિતને તે શૂન્યમનસ્કપણે જોઈ રહ્યો.

એ સ્વભાવથી અલગારી, રખડુ હતો પણ દિલનો સાફ હતો એવું રાઘવને પહેલી મુલાકાત પછી ક્રમશઃ સમજાવા લાગ્યું હતું. ખુબરાના ભીષણ જંગમાં મૂર્તિ બચાવવા માટે તેણે ઊઠાવેલા પારાવાર જોખમ વિશે તેણે સાંભળ્યું હતું. ઊંટની રાશ પર લટકીને રેગિસ્તાનના તોફાન વચ્ચે ફંગોળાઈ ગયેલા ત્વરિતને ગીધડાંઓ મરણતોલ હાલતમાં જીવતેજીવ ફોલી રહ્યા હતા એ તેણે નજરે જોયું હતું. તેની છાતી પર ધગધગતા ડામ પડી ગયા હતા.

- અને તોય છાતી સાથે કસોકસ બાંધેલી મૂર્તિ તેણે છોડી ન હતી.

એકેએક આદમી કોઈકને કોઈક કામમાં શિસ્તબધ્ધ રીતે જોતરાયેલો હતો અને ડઘાયેલો રાઘવ હતપ્રભ થઈને પોતાની અવઢવમાં વધુને વધુ ગરકાવ થઈ રહ્યો હતો.

ઉતાવળભેર બંધાઈ રહેલા તરાપાને નદીના પાણી સુધી હડસેલવામાં પ્રોફેસર પણ મદદે લાગ્યા હતા. તેમના પાતળા કદ અને નબળી કાઠી છતાં વજનદાર થડનો તરાપો ખેંચવામાં એ દાંત ભીંસીને મરણિયા પ્રયાસ કરી રહ્યા હતા.

'જિંદગી એટલે ફક્ત આપણી સમજણ. આપણને જે દેખાય, અનુભવાય અને સમજાય એટલું જ આપણે સ્વીકારતા હોઈએ. બટ માય ડિઅર, એ સિવાયનું સત્ય પણ હોય છે... જે આપણે જોયું નથી, અનુભવ્યું નથી. પણ આપણે સમજ્યા નથી માટે એ સત્ય મટી નથી જતું...'

રાઘવને આંખો સામે તરાપો ખેંચી રહેલા પ્રોફેસર દેખાતા હતા, પણ આંખોની ભીતર તેનું આ વાક્ય પડઘાઈ રહ્યું હતું અને એ પડઘા તળેથી ઝકઝોરાયેલો તેનો માંહ્યલો ખુદ તેને પૂછી રહ્યો હતો,

'ત્વરિત અને પ્રોફેસર તો સમજણની પેલે પાર જઈને પોતાને સમજાયેલા સત્યને પામવા મથે છે. તું શું કરી રહ્યો છે? એમને અવરોધીને તું શું હાંસલ કરીશ? તારી ફરજ બજાવ્યાનો સંતોષ?'

રાઘવની નજર કાંઠા પરની દોડધામ પર મંડાયેલી હતી પણ તેની કશ્મકશ વધુને વધુ અંદર ઉતરી રહી હતી... પોતાના માંહ્યલા તરફ.

ફરજ એટલે ફક્ત તેનો પોલિસ મેન્યુઅલ? એ સિવાય પણ એવી ફરજ હોઈ શકે, જેના વિશે આજ સુધી મેં કદી વિચાર્યું જ ન હોય?

પેલો હરિયાણાનો ઈન્સ્પેક્ટર અહલાવત તેના એરિયામાં ચોરાયેલી મૂર્તિના કેસનો વિંટો વાળી દે છે અને પછી બીજો કોઈ ચોર પકડાય ત્યારે તેના ગળામા મૂર્તિચોરીનો ગાળિયો નાંખીને કેસ સોલ્વ કરી નાંખે છે.

એવા જ કેસમાં અહલાવતની માફક વિંટો વાળવાને બદલે મેં આટલી લમણાફોડી કરી છે. મારો જીવ પણ જોખમમાં મૂકી દીધો છે. અહલાવતે ય ફરજ બજાવી હતી અને હું ય ફરજ બજાવી રહ્યો છું પણ તોય બંનેની ફરજ વિશેની સમજણમાં ફરક છે.

અહલાવતે ફક્ત કાગળ પર કેસ સોલ્વ કરી નાંખ્યો હતો કારણ કે ફરજ વિશેની તેની સમજ આટલી મર્યાદિત હતી. હું બિકાનેરથી વારંગલ અને હવે છેક દેશના સીમાડે આવા નિર્જન, ભેંકાર સ્થળે આટલા જોખમ વચ્ચે ઊભો હતો કારણ કે મારી સમજ જુદી હતી.

અહલાવતને જો મેં ઊઠાવેલા આવા જોખમની ખબર પડે તો એ મને પાગલ જ ગણે ને?

પોતાના મનમાં ઊઠેલા તર્કથી વિક્ષોભ અનુભવીને તેણે માથું ધૂણાવી નાંખ્યું... એ પોતે ય આ ત્વરિતને, આ પ્રોફેસરને, આ હિરનને એવા જ પાગલ ગણતો હતો ને?

શક્ય છે કે જિંદગી વિશેની, ફરજ વિશેની તેમની સમજણ મારા કરતાં વધુ વિસ્તૃત હોય?

'સમ્હાલકે...' કાળામેંશ અંધારામાં વરસતા વરસાદ વચ્ચે લપસી પડેલા એક આદમીનો ઠોંસો તેને વાગ્યો અને તેની તંદ્રા તૂટી.

એ છપ્પનનો અવાજ હતો. કાપેલા થડિયાં કાંઠા સુધી પહોંચાડતી હરોળમાંથી પરવારીને એ હવે દોડાદોડ બીજા કશાક કામ ભણી ભાગતો હતો. અંધારામાં આંખો ફાડીને તેણે રાઘવને ઓળખ્યો.

'મારી પાછળ આવો...' તેણે રાઘવનો ખભો ટપારીને કહ્યું અને આગળ દોડવા લાગ્યો.

કાંઠા પર તરાપાઓ ગોઠવાઈ રહ્યા હતા. નદીની દિશાએ કેસીએ મોરચો માંડી દીધો હતો પણ ત્યાં હજુ કોઈ ચહલપહલ વર્તાતી ન હતી.

હિરને વગર કહ્યે આગેવાની લઈને ખાઈની દિશાએ મોખરાની હરોળ રચી દીધી હતી. તેની પાછળ સ્હેજ ત્રાંસમાં તાન્શી અને બીજા કેટલાંક આદમીઓ ગોઠવાયા હતા. ઝુઝાર પણ ગ્રેનેડનો હારડો ગળા ફરતો વીંટાળીને જંગલ વિંધીને આવનારા કાફલાનું સ્વાગત કરવા તૈયાર હતો... અને તત્પર પણ...

મુક્તિવાહિનીના લડાકુઓએ ભોંયસરસા લપાઈને પોઝિશન લીધી હતી. છપ્પન પણ ગન તાકીને તેમની સાથે જોડાયો.

'તને તો ગન ચલાવવાનો ડર લાગે છે ને?' છપ્પને પરાણે ખેંચ્યો એટલે રાઘવે ય નીચે ઝુકતા પૂછી લીધું.

'હવે નથી લાગતો...' તેણે અંધારામાં જ મેગેઝિન ચેક કરીને સેફ્ટી પીન અનલોક કરી નાંખી.

'કેમ અચાનક?'

છપ્પન ચોર તરીકે જેટલો ખેપાની હતો એટલો જ પકડાઈ જવાની કલ્પના માત્રથી ડરનારો આદમી હતો પણ વારંગલ પછી તેનામાં અચાનક જ પરિવર્તન દેખાવા માંડયું હતું. અહીં સંડોવાયેલા દરેકને ભારે ઝીણવટથી અવલોકતા રાઘવે એ પરિવર્તન બરાબર પારખ્યું હતું. એ વધુને વધુ અંતર્મુખ થવા માંડયો હતો. તિબેટ જવાની તેની ઉત્સુકતા અજબ વર્તાતી હતી.

'કેટલીક સમજણ અચાનક જ આવી જતી હોય છે...' છપ્પને તેની સામે જોયા વગર જંગલ તરફ નજર માંડેલી રાખીને જવાબ આપ્યો.

'કઈ સમજણ? પ્રોફેસરનો કે હિરનનો હેતુ સ્પષ્ટ છે. ત્વરિતને નોલેજની ફિકર છે. તો તને વળી પૈસા સિવાય બીજી કઈ સમજણ આવી ગઈ અચાનક?'

'એ જ કે, પૈસા સિવાય... પોતાના વિશે વિચારવા સિવાય પણ કેટલીક ફરજ હોય છે' છપ્પને સ્હેજ નજીક ખસીને તેની આંખમાં આંખ પરોવતા ધીમા અવાજે જવાબ વાળ્યો, 'પ્રોફેસર કે હિરન કે ત્વરિત જે સમજે છે એ કદાચ હું નથી સમજતો પણ મને એ બરાબર સમજાયું છે કે આપણા બાપ-દાદાએ જેની જાળવણી માટે પોતાના જીવ આપી દીધા હતા, પેઢીઓ સુધી જેનું જીવની જતન જેમ કર્યું હતું એ ફરજ હવે મારા ભાગે આવી છે... '

રાઘવ શું જવાબ આપે છે તેની પરવા કર્યા વગર એ રીઢો, બદમાશ અને અત્યાર સુધી હળાહળ આપમતલબી જિંદગી જીવનારો ચોર ઉબડખાબડ, ચીકણી જમીનની પરવા કર્યા વગર ક્રાઉલિંગ કરતો આગળ ધસવા માંડયો.

કદાચ પહેલી વાર એક પોલિસ ઓફિસરને એક ચોર કશુંક શીખવી ગયો હતો.

(ક્રમશઃ)