Jalsa Karo Jayantilal in Gujarati Moral Stories by RAGHAVJI MADHAD books and stories PDF | જલસા કરો, જયંતીલાલ

Featured Books
Categories
Share

જલસા કરો, જયંતીલાલ

ટૂંકીવાર્તા :

જલસા કરો, જીવનલાલ...!

રાઘવજી માધડ

ખરા બપોરનો તાપ આકરાપાણીએ હતો.પુલ પરથી પસાર થતા વાહનોનો કાન ફાડી નાખે તેવો કર્કશ અવાજ અને ધુમાડો એક સંપ થઇ કાળો કેર વર્તાવી રહ્યા હતા.આવા અકળાવનારા સમયે જીવનલાલ આપઘાત કરવાના ઈરાદાથી અહીં આવ્યા હતા.પછી પુલ પરથી નદીમાં કૂદવા ગયા હતા. આ વેળા તેમનો શ્વાસ અદ્ધર થઇ ગયો હતો.શરીર શૂન્ય બની ગયું હતું. કોઈ જાતનો ભાર રહ્યો નહોતો. આમ તો તેઓ મનથી મૃત્યુને વરી ચૂક્યા હતા. હવે તો માત્ર તનનો જ નાશ કરવાનો હતો.

પણ નદીમાં ઝંપલાવવા લાંબી છલાંગ ભરી હતી ત્યાં પાછળથી કોઈએ ખમીશની ચાળ પકડીને રોક્યા હતા.તેઓ અટકીને પાછા ખેંચાયા હતા...અને જીવનલાલ તળથી છેક માથા લગી,ભૂકંપગ્રસ્ત કોઈ ઈમારત માફક આખાય ખળભળી ઉઠ્યા હતા.

પોતાને કોઈ મરતા અટકાવે, છટકાવે...તેની ઊંડે ઊંડે રાહ હોય તેમ જીવનલાલનો કાળઝાળ આવેગ,મોટામસ ટૂકડાઓમાં વિભાજીત થઇ ઓછી ક્ષણોમાં અટકી ગયો હતો. વળી સામા છેડે મૃત્યુ પામવા માટેનો આવેગ પણ શાંત પડી રહેલા વાવાઝોડા જેમ ઓછરવા લાગ્યો હતો.આ આવેગને ટકાવી કે રોકી રાખવાની લગીરેય દાનત જીવનલાલમાં, સમ ખાવા પૂરતી પણ જોવા મળી નહી. જે ખુદ માટે પણ અચરજભર્યું હતું.

ખરું પૂછો તો જીવનલાલને મરી જવાના નિર્ણય પર આવતા આંખે પાણી આવી ગયા હતા. મહા વ્યથામાંથી તેમને પસાર થવું પડ્યું હતું.જીવવાની સમસ્યા કરતા મરવાની સમસ્યા આકરી ને અઘરી લાગી હતી. એક સમયે તો હાથ ઊંચા કરી કહી દીધું હતું: ‘મારે કાંઇ મરવું નથી, સમસ્યા ગઈ ભાડમાં !’

પછી : ‘અને સમસ્યાનો ઉકેલ મોત જ હોય એવું કોણે કહ્યું !?’ જીવનલાલ રીતસરના છટક્યા હતા. : ‘ના, મારે કોઇપણ સંજોગોમાં મરવું તો નથી જ...’

પણ મરવાના આ પ્રયાસમાંથી કોઈએ રોકતા જીવનલાલે કાળજાળ નજરે પાછું ફરીને જોયું હતું.

એક સ્ત્રી તદ્દન ઓછા અંતરે લાંબો હાથ કરીને ઊભી હતી.તેને જોઈ જીવનલાલને કાબૂ બહારનો ગુસ્સો આવ્યો હતો.અપશબ્દ કહેવાના બદલે જોરથી લાફો ઝીંકી દેવા હાથ ઊંચે ઉપાડી સળગતા સ્વરે કહ્યું હતું :‘શું કરવા પકડ્યો, મને...!’

પણ ઉગામેલો હાથ સ્ત્રીના ગાલ પર પડે તે પહેલા,સ્ત્રીના હાથે જ ઝીલાઇ ગયો હતો.પ્રયત્ન કર્યો હોતતો અટકી ગયેલો હાથ છટકીને સટાક કરતો સ્ત્રીના ગાલને લાલ કરી ગયો હોત ! પણ પ્રયત્ન કર વામાં જીવનલાલ જન્મથી જ ઢીલા રહ્યા હતા.

એક ડગલું આગળ વધી તે સ્ત્રીએ હળવેકથી જીવનલાલનો હાથ હડસેલ્યો હતો.તેની નજર સતેજ થઇ હતી,ધાર નીકળી હતી. તેનાં ઓઘરાળાવાળા મોં પર ગુસ્સાના બદલે મંદગતિએ માંદલું હાસ્ય ઉઘડવા લાગ્યું હતું.બરછટ વાળની લટો,માંજવા વાંકે મેલા દેખાતા વાસણ જેવા સપાટ ગાલ પર,નાકના ટેરવાંને અડકી વડલાની વડવાઈ જેમ ઝૂલવા લાગી હતી.વીરડા જેવી ઊંડી ને ભીની આંખો થોડીક બહાર આવી હતી.સુકાઇ ગયેલા હોઠ ફફડ્યા હતા.પણ સ્વર સ્પષ્ટ થયો નહોતો.પછી સમગ્ર ઘટનાની પ્રતિક્રિયા પાઠવતી હોય એમ સ્ત્રીનો એક હાથ,પંડ્ય પડખે લપાઈને ઉભેલી છોકરીનાં માથા પર ફરવા લાગ્યો હતો..સામે જીવનલાલની તંગ નજર ઢીલી પડી હતી. અને નજરનું ઠેકાણું પણ બદલાયું હતું.

છોકરી જીવનલાલ સામે ભય અને વિસ્મયતાથી એકીટશે જોઈ રહી હતી.તેની નજરમાં કદાચ માં પર હાથ ઉપાડતો બાપ દેખાયો હોય !

પણ છોકરીને જોઈ જીવનલાલ હરકતમાં આવી ગયા હતા.તેમને છોકરીમાં ટીનુ દેખાયો હતો... તેથી ઢીલા-પોચા થતા જીવણલાલે નિકટભાવે સ્ત્રી પર ફરી નોંધ માંડી હતી. ધારીને જોઈ લીધું હતું.

હા, તે સ્ત્રી ટીનુની મમ્મી તો નહોતી જ તેની પૂરી સભાનતા જીવનલાલને હતી.

આ વેળા સ્ત્રીના મોં પરની ભાવ-ભંગીમા બદલાઈ રહી હતી.માંદલું સ્મિત ભૂંસાઇ ને ત્યાં ક્રોધની આભા ઉપસવા લાગી હતી. તે જોઈ જીવનલાલનો હાથ જ નહી, આખું શરીર ઢીલું પડવા લાગ્યું હતું.

હજુ તો ગણતરીની પળો પહેલા જ મોતને ભેટવું હતું.માથે કાળનું સામ્રાજ્ય છવાયું હતું.બસ હવે તો આ લોકમાંથી સીધાજ પરલોકમાં...એવું નિશ્ચિત થઇ ગયું હતું.પણ એકાએક આ સ્ત્રીના વચ્ચે આવ વાથી તે સઘળું છિન્નભિન્ન થઇ ગયું હતું.એક અજાણ્યા માણસની જેમ અળગું ને ઓશિયાળું થઈ એકબાજુ ઊભું રહી ગયું હતું. એકાએક વણસી ગયેલી સ્થિતિને સાક્ષી કે લાચાર ભાવે જોવા સિવાયનો જીવનલાલ પાસે હાથવગો કોઈ ઉપાય હતો નહી.

આ બધું આંગળીના વેઢે ગણી શકાય એવા નજીવા કાળમાં ઘટી ગયું હતું. જીવનલાલને થયું કે પોતે મરવા જતો હતો એ સાચું કે પછી હેમખેમ ઊભો છે તે સાચું ! આ ખરાઇ કરવામાં જીવનલાલની માંહ્ય પડેલો જીવન-મરણનો કાળઝાળ ધખારો માથું મારી,અગણિત આવેગ સાથે બહાર આવી ગયો હતો. જીવનલાલની જીભ કાબૂમાં રહી નહોતી.કારણ કે પોતે કેટલા મનોમંથન પછી આ નિર્ણય પર આવ્યો હતો. અને આ સ્ત્રી એ ઘડી,પળમાં નિર્ણય પર પોતું નહી, પાણી ફેરવી દીધું હતું.

જીવનલાલ આગના જેમ ભડભડી ઉઠ્યા હતા:‘ભાળી નથી બચાવવાવાળીની તે..!’

આ અપશબ્દ સ્ત્રી સમજી હશે કે કેમ ?પ્રશ્ન અદ્ધરતાલ હતો પણ જીવનલાલનું રૌદ્રરૂપ જોઈ સ્ત્રી સડક થઇ ગઈ હતી. તેનું રૂપ પણ બદલાઈ રહ્યું હતું અને વિચિત્રભાવે જીવનલાલને તાકી રહી હતી.

‘દયાળુની દીકરી...’જીવનલાલને ચાનક ચઢી હતી.તેણે તુચ્છકારથી કહ્યું હતું:‘લ્યે લઇ જા,તારા ઘેર !’ પછી લાચારી સાથે ભીના અને દબાતા સ્વરે બોલ્યા હતા : ‘મારા ઘેર તો શું મોં લઈને જાંવ !’

સ્ત્રીને જીવનલાલનું કહેવું સમજાયું હોય એમ:‘ઘેર !?’કહી તે ચિત્કારી ઉઠી હતી :‘મારાં ઘેર !?’

ઘરનું નામ સાંભળતા સ્ત્રી ધુઆફુઆ થઇ ઉઠી હતી.તેનું થીજી ગયેલું લોહી ધગધગીને ઉછળી ઊઠ્યું હતું.શાનભાન સળગીને રાખ થઇ ગઇ હતી.ને તેનાં ઢીલા-પોચા હાથનો કઠણ લાફો જીવનલાલ સામે ઉગામાયો હતો..પછી કહ્યું હતું :‘રાંડના...ભીખરીને તે ઘર હોય !?’

-પણ મારે તો ઘર છે...! જીવનલાલ આવું અનાયસે બોલવા ગયા તે પૂવે વીજળીના જેમ ચમ કારો થયો હતો : ‘ઘર-બાર નથી... લોકો ભીખ માગી ને પણ જીવી લે છે !’

આ વિગત જીવનલાલને લાગુ પડતી હતી.તેથી સ્વબચાવમાં સ્વગત બોલી ગયા હતા:‘અમે આપઘાતનો નિર્ણય સમજી વિચારીને લીધો છે...કહોતો, વાજબી ને નક્કર કારણો કહી બતાવીએ !’

‘હા, કહી બતાવો...!’ત્યાં જીવનલાલ ક્ષણભર અટવાઇ ગયા હતા :‘ભાઈ, જીવવાના કારણો હોય, બાકી મરવાના ક્યાંય કારણો જ હોતા નથી.’

પણ જીવનલાલને તે સ્ત્રીની ગાળના બદલે ગાલ પર લાફો પડ્યો હોય એવું જ લાગ્યું હતું. તેથી તેઓને ચક્કર આવી ગયા હતા.ચારેબાજુથી સઘળું ઘુમવા લાગ્યું હતું.તત્કાલ કોઈ જ પ્રતિક્રિયા વગર તે બંને ગાલ પર હાથ મૂકી, મડદા માફક રેલીગના ટેકે લસરતા ફૂટપાથ પર ફસડાઈ પડ્યા હતા.

જીવનલાલનું ધારેલું ધૂળમાં મળી ગયું હતું.અને માં સમાણી ગાળ ખાધી હતી તે લટકામાં !

જીવનલાલ માટે રડવું,હસવું કે જે તે હાલતમાં રહેવું...બધું જ સરખું થઇ પડ્યું હતું.પછી તો તેઓ ભાગ્યને ભાંડતા હિબકે ચઢી ગયા હતા.ધરાઇને રડ્યા હતા.હા, કોઈ છાના રાખેતો રહી જવું હતું. પણ એવું બન્યું નહોતું છતાંય અંતર ને અંદરથી ઉલેચાઇને સાવ ખાલી, તળિયાઝાટક થઇ ગયા હતા.

ભીડ અને તાપ વધી રહ્યા હતા.પરસેવાના રેગાડા છેક નીચે ઊતરી,ખાનગી જગ્યાને ખરડવા લાગ્યા હતા.સહન ન થયું અને ઊભા થવાનું બહાનું મળી ગયું તેથી જીવનલાલ ઊભા થઇ ગયા હતા. અને પછી જાણે કાંઇ જ બન્યું નથી,બધું સમુસૂતરું ચાલે છે...એવું મનમાં મહામુસીબતે ઠસાવી સાક્ષીભાવે આમ તેમ જોવાનો લાગ્યા હતા.

‘આપણને જીવવા માટે કોઈ પ્રશ્ન નથી.’સામેથી પસાર થતાં માણસોને સંભળાવી દેવાનું મન થઇ આવ્યું હતું:‘હોય,ઘર-સંસાર છે.પ્રશ્નો હોય..પણ તેનાથી ડરી,હારીને જીવ દઈ દેવાનો ન હોય મારા ભાઈ !’

ત્યાં વળી થયું હતું:‘પ્રશ્નો હોય...તેની ના નહી પણ કેટલા ? મરવું પડે એટલા !?’ પછીતો જીવન લાલ જાત સામે સવાલ કરીને ઊભા રહ્યા હતા:‘પ્રશ્નો ઊભા કર્યા કોણે !?’

દીકરાને સારું શિક્ષણ મળશે,ભવિષ્ય સુધરશે ને જલસાથી જીવાશે એવા મનસૂબા સાથે જીવન લાલે ગામડું છોડી શહેરમાં વસવાટ કર્યો હતો.કમાણી ઠીકઠીક હતી.પણ અભાવમાં ઉછરેલો સ્વભાવ સખણો રહ્યો નહોતો.જિદંગીમાં જોયું નહોતું એવું ઘણું આ શહેરમાં હતું.પત્નીને કહી દીધું હતું:‘હવે તો જીવનલાલ જલસા કરવાના છે, જગત જખ મારે આપણે તો જીવી લેવાનું છે !’

ભરપૂર ભૌતિક સુવિધાઓ...એ જીવનલાલની સુખી-જીવનની વ્યાખ્યામાં આવી જતું હતું.

અને પત્નીએ પાછું વાળીને જોયું નહોતું.ઘરવખરીનો ખડકલો ખડકાતો જતો હતો. મઢી સાંકડીને બાવા જાજા જેવું થયું હતું.ઘર નાનુંને સામગ્રી વધારે હતી. પણ તેમાં ભલું થજો,હપ્તાવાળાઓનું !

છેલ્લે હાથી પૂંછડેથી અટક્યો હતો.દીકરાની સ્કુલ ફીના એક-બે તગડા હપ્તાતો જેમતેમ કરી ભરી દીધા હતા પણ પછીના હપ્તા ભરવાનો વેંત ન થતાં જીવનલાલને ભારે સલવાણી થઇ હતી.

ફીના અભાવે સ્કુલ બદલવાનું પણ જીવનલાલ કહી ચુક્યા હતા તો સામે-‘ના,એવી સ્કુલમાં નહી જ...ઇન્ટરનેશનલ અંગ્રેજી માધ્યમની સ્કુલ !’પત્નીની દલીલ નહી,મક્કમ નિર્ધાર હતો: ‘આપણો દીકરો જેવી તેવી સ્કુલમાં ભણતો હોયતો સોસાયટીમાં કેવું લાગે... !’

‘કેવું લાગે !?’ પણ પત્ની સામે આવી ગુસ્તાખી કરવાની જીવનલાલની મજાલ નહોતી.

દીકરા ટીનુની સ્કુલ ફીમાં આવેલા ઉછાળાથી જીવનલાલનું અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું.સરકારી કે ઓછી ફી વાળી સ્કૂલો હતી.પણ પ્રશ્ન ટીનુની કેરિયર ઉપરાંત સામાજિક પ્રતિષ્ઠાનો પણ હતો.

જીવનલાલનો તેમની જાત સાથેનો આ વાદ-સંવાદ લાંબો ચાલ્યો નહોતો.ભૂખના લીધે તેના પેટમાં લ્હાય લાગી હતી.મગજ ચક્કર-ચક્કર ભમવા લાગ્યું હતું.વળી ચારેબાજુથી હપ્તાની ઉઘરાણી વાળા ગીધના માફક શરીર ને તોડવા અને રાનીપશુ જેમ ચૂંથવા મંડ્યા હોય એવું પણ થવા લાગ્યું હતું.

જીવનલાલને મન,રીબાઇ રીબાઇને મરવું તેના કરતા એક જ ધુબાકે...રામ બોલો ભાઈ રામ !

અને ખાસ તો વીમો...

તેમણે ગરદન મરડી નદીમાં જોયું હતું.પાણીનો ઉછળતો ને ધસમસતો પ્રવાહ ફરી એકવાર આહ વાન આપી ગયો હતો:‘પ્યારા દોસ્ત જીવનલાલ...તમારા જીવ હશે ત્યાં સુધી અમે તમને સાથે વહેતા રાખીશું, સાથ આપીશું. પછી હળવેકથી કાંઠે મૂકી દઈશું, ચિંતા ન કરશો !’

‘હા..’ જીવનલાલે જવાબ પણ આપ્યો હતો : ‘એ ખરું !’

તેમણે રેલીંગ પર હાથ મૂક્યા ત્યારે તપી ગયેલા લોખંડથી દાઝી જવાયું હતું. અને સ્વગત બોલી પણ જવાયું હતું : ‘જીવનમાં દાઝવા સિવાય બીજું કાંઇ જ નથી હો જીવનલાલ !’

પોતે જિંદગીથી હાથ ધોઈ નાખ્યા છે...આ એક કારણ પણ જીવનલાલે મારવાની યાદીમાં ઉમેરીને આગળ રાખ્યું હતું.

તન-મનમાં પૂંછડી વાળી ને બેસી ગયેલો મરવાનો ધખારો,માથું મારીને હડફ કરતો ઊભો થયો હતો.પછી તો મોત નામની માતા જીવનલાલના પંડ્યમાં આવી ભૂવા જેમ થરથર ધૂણવા લાગી હતી.

‘હવે કોઈ રોકશો નહી,મારે મરી જ જાવું છે !’મરવાનો જાણે પાક્કો નિર્ધાર જાહેર કરી દેવો હતો.

- વીમાની તગડી રકમ મળશે...ટીનુ અને તેની મમ્મી માલામાલ ને પછી ભલે કરે મજા !

જીવનલાલને થયું કે,વીમો મળે એટલે મરવું છે.તો જીવતા વીમો ન મળે..!એજન્ટ પાસે જઇ તત્કાલ વિગત જાણવાની ઈચ્છા થઇ આવી હતી.પણ પૂછી લીધું હતું,ઘણા રૂપિયા મળશે...પણ પાકતી મુદ્દતે દસ વરસ પછી અથવા મૃત્યુ બાદ..!

ના..ના..દસ વરસની રાહ જોઈ શકાય એવું ક્યાં છે...? પછી નિર્ણયને મહોર મારી દીધી હતી.

હા,હપ્તાવાળા સામે તો હાથ ઊંચા કરી ટીનુની મમ્મીએ કહી દેવાનું: ‘જાવ ઉપર એની પાસે...!’

કોણ આવવાનું પાછળ...? જીવનલાલને હસવું આવી ગયું હતું, હપ્તાવાળાઓ પર !

ફરીવાર જીવનલાલે નદીમાં કૂદી પડવા પૂર્વે પાછા ફરીને જોઇ લીધું હતું.રોકવા,ટોકવા કે બચા વવાવાળું પેલી સ્ત્રી જેમ પાછળ કોઈ ઉભું નથી તેની ખાત્રી કરી લીધી હતી. હાશ..હવે મરજી મુજબ મરી શકાશે...આવું બોલ્યા પછી જીવનલાલના વલોપાતવાળા જીવને નિરાંત થઇ હતી.પણ આ નિરાંત ઘડીના છઠ્ઠા ભાગમાં તેમના સવાર થઇ ગઈ હોય તેમ તે સઘળું વિસરી અટકી,વટકીને ઊભા રહ્યા હતા.મરવા માટેની ધખના જાણે ભૂખી બકરીના જેમ આલોપાલો ચરવા નીકળી ગઈ હતી !

મંદીના માહોલમાં જીવનલાલને જરૂરિયાત મુજબ પગાર થતો કે ઉતરતો નહોતો.આ આર્થિક ભીંસના લીધે અનેક પ્રશ્નો ઊભા થયા હતા.તેમાં છેલ્લે દીકરાની સ્કુલ ફી નિમિત બની હતી...ને જીવન નો અંત લાવવો એવું પાક્કું કરી લીધું હતું...પણ સાવ છેલ્લી ઘડીએ,અણીના સમયે કોઈના બચાવથી બચી જવાયું હતું.જીવનલાલ ચિત્કારી ઉઠ્યા હોત:‘મને જીવવા નથી દેવો તો મરતો શું કરવા અટકાવો છો !?’પણ ગળું સિવાઈ ગયું હતું.શ્વાસ થંભી ગયો હતો.કારણ કે મરવાના પ્રશ્નો સામે જીવવાના પ્રશ્નો પણ ઊભા થયા હતા..તેથી જીવનલાલ કરવું શું ? એ સાવ નવો સવાલ સામે આવ્યો હતો.

જીવનલાલના શરીરના સ્નાયુ તંગ થવા લાગ્યા હતા.શ્વાસની વધઘટ સાથે છાતી સૂપડાવા લાગી હતી.નસકોરા ફૂલી ગયા હતા.મુખવટો બદલાઈ ગયો અને પરસેવો તો કઢીના જેમ ઊભરાવા લાગ્યો હતો.તેમણે જીભ અને જીવ ફાટી પડે એટલા ઊંચા અવાજે ત્રાડ નાખવી હતી:‘મેં તમારું શું બગાડ્યું છે, ક્યા ભવનું વેર લ્યો છો હરામીઓ !’

પણ છીંડીએ ચઢ્યો તે ચોર...હાલતો સઘળો દોષ પેલી સ્ત્રીનો છે.એવું અંદરથી ઊગી નીકળ્યું હતું.અને પાક્કું પણ થઇ ગયું હતું.ત્યાં સવાલ થયો હતો, પેલી સ્ત્રી એટલે કોણ, પત્ની...!?

‘ના ભાઈ,ના..પત્નીનું નામ રહેવા દ્યો.’તે સ્વગત બોલ્યો હતો:‘પેલી જીવાડી ગઈ એ સ્ત્રીની વાત કરું છું,ડૂબાડી ગઈ એની વાત નથી કરતો...’પછી તો મોચીની રીસે કાંટા પર ચાલે તેમ થયું હતું.ભયંકર ગુસ્સો આવ્યો હતો:‘શું કાંદો કાઢી લેવો હતો તે, તે મને મરતો બચાવ્યો !’

-સ્ત્રીએ પાછળથી ચાળ પકડી અટકાવ્યો હતો ને પૂછ્યું તો જવાબમાં ગાળ !

બચાવવાનું કોઈ કારણ તો હશે જ...જીવનલાલની જૂગુપ્સા બળુકી થઇ ઉઠી હતી.તેમણે સ્ત્રી પાછળ પગ ઉપાડ્યા હતા.પૂછી ને વળતા પગે અહીં આવી નદીમાં કૂદી પડવું હતું.પણ ટ્રાફિક ભરચક હતો.ઉતાવળ પોસાય એવી નહોતી.સહેજ ગફલત થાય તો કોઈ વાહન ચાલક અડફેટે લઇ,ચગદી નાખે !

‘ચગદી નાખે...’તેમના ચિતમાં એકાએક ચમકારો થયો હતો.આપઘાત માટે અકસ્માતથી બીજું રૂડું શું હોઈ શકે,વીમો ને વળતર...બેવડો લાભ.વળી કોઈ આંગળી ચીંધે નહી,વગર મોતે મર્યો તેની.

વાહ, વાહ...ધન્ય છે મારી આ બુદ્ધિને ! છેલ્લે પણ સારો ઉપાય સૂઝ્યો હતો.હવે તો કોઈ ભારે વાહન આગળ ઝંપલાવી દેવાનું.પછીતો ઘેર લાશ જશે.રોકકળ વચ્ચે અંતિમ વિધિ થશે.બેસણું ગોઠવાશે ...ને છેલ્લે સુખડના હારના ભાર નીચે કાયમના માટે ઢંકાઈ જઈશ...જિંદગીનો ખેલ ખતમ !

છેલ્લા ઘણા દિવસોથી, ખાસતો ટીનુના મમ્મીને રાહ જોવાનું વધી ને વિકરાળ થવા લાગ્યું હતું.

ફી ન ભરવાના લીધે ટીનુને સ્કુલમાં બેસવા દેતા નહોતા.તેની મમ્મીનો બળાપો સહી શકાય એવો નહોતો:‘પૈસાની ત્રેવડ ન હોયતો મારાં ઘરેણાં વેચી નાખો.પણ ટીનુની ફી ભરો..’પછી બે આંસુડા ખેરીને સંભળાવી દીધું હતું :‘તમારે તો ઠીક દિવસ આખો બહાર રહેવાનું છે.પણ ફી વાંકે ટીનુ ઘેર છે એવી ખબર સોસાયટીમાં પડે તો, મારે લોકોને મોં શું બતાવવું, શું કહેવું !’

કાલ ફી જેટલા રૂપિયાનો બંદોબસ્ત કરતો આવીશ...આ વાયદા પણ વૃદ્ધ થવા લાગ્યા હતા.

‘મોડું કરમાં !’યાદ આવી ગયું હોય એમ જીવનલાલ સ્વગત બોલી ઉઠ્યા હતા:‘પથારી કરવામાં સવાર થઇ જશે તો પછી સુવાનું ક્યારે...!’ આવી વાણી માટે તેઓ મનોમન હરખાયા પણ હતા.

તે સ્ત્રી પાછળ જવાનું વિસરી જીવનલાલ નદી બાજુ પીઠ રાખી,રોડ સામે ઊભા રહ્યા હતા.એવું કોઈ ભારે વાહન નીકળે એટલે સીધું જ ઝંપલાવી દેવાનું.ખિસ્સામાં આધારકાર્ડની એક નકલ રાખી હતી એટલે ઓળખનો પ્રશ્ન પેદા થાય એમ નહોતો.

-એવી રીતે વાહન આગળ પડવું કે વળતી ક્ષણે જ જીવ ચાલ્યો જાય. સહેજ પણ રીબાવું ન પડે.

તાપના લીધે પરસેવો પ્રસરી વળ્યો હતો.તેથી પવનની સહેજ લહેરખીએ ઠંડક વળતી હતી. સારું લાગતું હતું.ખાસતો ધાર્યા મુજબ મરશે...અને પાછળથી સઘળું સારી રીતે પાર પડશે...એવું જીવન લાલ ધારવા લાગ્યા હતા, રાજી થવા લાગ્યા હતા.

ત્યાં વળી પેલી સ્ત્રી યાદના આયનામાં ઝબૂકી ઉઠી હતી.

‘મને બચાવ્યો શું કરવા ? એ પૂછવું તો પડે.’ જીવનલાલ જીદ પર આવી ગયા હતા.

-મરવા માટેના જીવનલાલ પાસે પૂરતા ને સદ્ધર કારણો હતા...(એવું જીવનલાલનું માનવું છે) એમ જીવાડવા માટેના પણ એ સ્ત્રી પાસે ચોક્કસ કારણો હોવા જોઈએ...કારણ વગર કોઈ શું કરવા બચાવે ?

બસ,આ એક છેલ્લી ઈચ્છા હતી...સ્ત્રીને પૂછવાની. પછી મોડું કર્યા વગર મરી જ જવાનું હતું.

મૃત્યુદંડ પૂર્વે માણસની આખરી ઈચ્છા પૂરી કરવામાં આવે છે.મારી પણ એ સ્ત્રીને મળવાની, પૂછવાની ઈચ્છા છે...પછીતો જાતે જ નિર્ણય કરી,જીવનલાલ મૂઠ્ઠીઓ વાળી ઝડપથી ઉપડ્યા હતા. મર વાની મહાવ્યથા એ ભાંગીને ભૂક્કો કરી નાખ્યા હતા. પણ તેમનો જુસ્સો ગજબનો હતો.

એ સ્ત્રી સમજણી છોકરી સાથે ચોકમાં ઊભી હતી.સ્ત્રીને જોતા જાણે તેમના જીવમાં જીવ આવ્યો હતો.ખરું તો એ હતું કે અંતિમપળે ઉગારનારી, તારણહાર સ્ત્રી હતી.તેનાથી સ્વગત બોલી જવાયું હતું :‘વાહ મારા પ્રભુ,વાહ...તારી લીલા અપરંપાર છે !’

‘હે માવડી ! તે શા કારણે મને મરતો બચાવ્યો !’હાથ જોડી આમ પૂછવું હતું.પણ સ્ત્રી સામે જોયા પછી તો તેમાં પત્નીની પ્રતિકૃતિ ભાસી હતી...આંખોના ડોળા અદ્ધર થઇ ગયા હતા ને હ્રદય થડકારો ચૂકી ગયું હતું.

‘મારા મૃત્યુ પછી આ સ્ત્રી માફક તે પણ ચોક વચ્ચે ઊભી રહેશે !’ સ્વગત બોલી જવાયું હતું.

‘ભલે ભીખ માંગે, ખબર પડે પૈસે કેમ આવે છે...!’

પોતાના મૃત્યુ પછી પત્નીને કદાચ ચોકમાં ઊભા રહેવાનો પણ વખત આવે...આ કમોસમી વરસાદ જેવા વિચારે જીવનલાલ નજીવા સમયમાં હલબલીને ડહોળાઈ ગયા હતા. દરિયાના ઝંઝાવતી તોફાન વચ્ચે અટવાયેલા વહાણ જેમ હાલકડોલક થવા લાગ્યા હતા.

‘બોલી જા,જલ્દી બોલી જા...મને બચાવ્યો શું કરવા !?’ ધૂણતો ભૂવો વળગાડ વાળી વ્યક્તિને પૂછે એમ જીવનલાલ દૂર ઊભા સ્વગત પૂછી કે બોલી ઉઠ્યા હતા.

વળી થઇ આવ્યું હતું કે આવી ભાવનાશાળી સ્ત્રીનો ખરેખર આભાર માનવો જોઈએ. ભલે ભીખ માંગે પણ તેનામાં સંવેદના છલોછલ ભરી છે.ભલી હશેતો પાસે આવી શિખામણ કે ઠપરામણના બે શબ્દો પણ કહેશે :‘મરવાનું ન હોય ભૂંડા, ભીખ માગીને પણ જીવી લેવાનું...’

પછી હાથ લંબાવીને કહી દેશે : ‘જીવી ગયા છો તે પાંચ-દસ રૂપિયા આલતા જાવ.’

આ વિચિત્ર સ્થિતિમાં જીવનલાલ કાબૂના કવરેજ એરિયા બહાર નીકળવા લાગ્યા હતા.વિહ્વળતા સાથે શાનભાન ગુમાવવાની અણી પર આવી ગયા હતા. શું કરી બેસે તેનું ખુદને ભાન રહ્યું નહોતું.

સ્ત્રીએ બે-પાંચ ડગલા આગળ આવી,સામે ઊભેલા જીવનલાલ સામે વિચિત્રભાવે જોયું હતું.આ વખતે તેણે લાંબો હાથ કરવાના બદલે નજર લાંબી કરી હતી.વચ્ચે આંખો પણ પટપટાવી હતી.પછી પડખે ઊભેલી દીકરીના માથા પર હાથ મૂકી હેતથી ફેરવવા લાગી હતી.

માથે મમ્મીનો હાથ ફરતો અનુભવી દીકરીને સધિયારો સાંપડ્યો હતો. જીવનલાલ માટેનો ડર ઓછરી ગયો હતો. તે અજાણ્યા પણ રહ્યા નહોતા. તેથી કાલીઘેલી રીતે બોલી ઉઠી હતી : ‘અંકલ !’

જીવનલાલ અપલક નેત્રે છોકરી સામે તાકી રહ્યા હતા.

‘તમાલું ખમીશ...’ત્યાં છોકરીના મોં આડે સ્ત્રીએ હાથ દઈ બોલતી અટકાવી દીધી હતી.પણ છોકરીએ હાથ હડસેલી હસીને કહી જ દીધું હતું : ‘ફાટેલું છે...!’

આ વેળા સ્ત્રી મોંમાં આંગળા ઘાલી શરમાઈ ગઈ હતી.

‘હેં...શું કહ્યું !?’ જીવનલાલને કાન પર વિશ્વાસ બેઠો ન હતો તેથી ફરી પૂછ્યું હતું. પણ સ્ત્રી અને છોકરી ફરી બોલવાના બદલે મોં ફેરવી હસવા લાગી હતી.

ખમીશ...! સ્વગત બોલી જીવનલાલ ગાંડા માફક બદન પરના ખમીશને જોવા લાગ્યા હતા. પણ પછી ધડાકો થયો હતો કે,પાછળ વાંસામાં ખૂલ્લી બારી જેમ પવન કેમ આવે છે...હાથ ફેરવ્યો હતો તો ચાળ ઊભી ચિરાઈને મોટું બાકોરું પડી ગયું હતું.વાંસો ઉઘાડો થઇ ગયો હતો.પણ આ સઘળી લ્હાયમાં ખમીશ તૂટ્યાનો ખ્યાલ જ રહ્યો નહોતો.

રેલીંગ પરથી કૂદકો મારતી વેળાએ ચરરર...અવાજ સાથે અટકી જવાયું હતું. ખમીશની પાછલી ચાળ તૂટી ગયેલી રેલીંગમાં ભરાઇ ને ફાટી હોવાનો અંદાઝ આવ્યો હતો.

‘હે...મને મરતા રોક્યો નહોતો !!’ જીવનલાલને આંખે લાલપીળા અંધારા આવવા લાગ્યા હતા. પગ ડગમગવા લાગ્યા હતા.ઊભા રહી શકાય તેમ નહોતું. છતાંય નજર ઉપાડી તે સ્ત્રી સામે જોવાનો પ્રયાસ કર્યો હતો...

હાર્યો જુગારી બમણું રમે તેમ જીવનલાલને વગર કહ્યે એક જવાબ મળી ગયો હતો છતાંય પૂછવું હતું :‘પણ લાફો શું કરવા ઉગામ્યો’તો..!’

‘ઘરનું નામ લીધું’તું એટલે...’

પણ ત્યાં:‘જે બન્યું તે બની ગયું પણ જીવી ગયા છો...’વળતી પળે જ કાનની લગોલગ સંભળાયું હોય એવું થયું હતું : ‘હવે જલસા કરો, જીવનલાલ !’

જીવનલાલ ભડકીને બોલી ઉઠ્યા હતા : ‘કોણ, કોણ બોલ્યું...!?’

પછી તેઓ આપઘાતનું વિસરી, રઘવાયા થઇ ચારેબાજુ જોવા લાગ્યા હતા...

************************

પ્લોટ નં. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર (ગુજરાત) મો. ૯૪૨૭૦ ૫૦૯૯૫

Email : ra_madhad13@yahoo.com