Hu chu ne in Gujarati Short Stories by Artisoni books and stories PDF | હું છું ને

Featured Books
Categories
Share

હું છું ને

હું છું ને

જ્યારે જ્યારે મારે સ્કૂલમાં કોઈની સાથે બોલાચાલી થતી ડેડી સામે મોં ઢીલું કરી ફરિયાદ કરતી, તો ડેડી કહેતા, 'કંઈ વાંધો નહી! હું છું ને..'

પછી બાપુડી કોઈની તાકાત છે આપણી સામે આવે.. એવો રોફ વધી જતો હતો. પરીક્ષા પછી પેપર સારું ન જાય તો ડેડી સમજી જતાં માથે હાથ ફેરવી કહેતા,

'હું છું ને..'

ઇવન રિઝલ્ટ લેવા જતા પણ ડરી રહી હતી. તો એમણે સમજાવ્યું કે,

'બેટા જે થશે જોયું જશે, થઈ થઈ ને શું થશે? ઓછા માર્કસ આવશે એમાં ડરવાનું શું?

'હું છું ને?'

અને મારામાં હિંમત આવી જતી હતી. ચહેરા પર ખુશીની લહેર પ્રસરી જતી.

એકવાર મને યાદ છે, હું કોઈ છોકરાના પ્રેમમાં પડી હતી ત્યારે કોઈ વાત પર મારે અને એ છોકરાને બોલાચાલી થઈ ગઈ હતી. હું એની સાથે વાત કરવા પણ નહોતી માંગતી. ડેડીને કહેવાની હિંમત નહોતી થતી. મારા હાવભાવ પરથી સમજી ગયાં હતાં ડેડી, હું કોઈની મોહજાળમાં ફસાઈ છું. એમણે પુછપરછ કરતા વાતવાતમાં જાણી લીધું ને કહ્યું હતું,

'ચિંતા ન કર બેટા, હું છું ને.'

ને મારામાં હિંમત આવી ગઈ બધું આપોઆપ સોલ્વ થતું ગયું.

પછી તો ડેડીના કહ્યાં મુજબ એકવાર એક છોકરા સાથે જોવાનું ગોઠવાયું. છોકરો ભણેલો ગયેલો હોશિયાર. મને ઓછો ગમ્યો, ડેડી સમજાવવા પ્રયત્નો કરવા લાગ્યાં, પણ હું આ વખતે મક્કમ હતી .મારી પસંદગીના છોકરા સાથે જ લગ્ન કરવા. ડેડી ખૂબ ગુસ્સે ભરાયાં, વઢ્યાં પણ ખરા.. પણ હું મક્કમ હતી, ડેડી નું પણ કંઈ ન ચાલ્યું. હું ઉદાસ.. ડેડી ઉદાસ... ઘરમાં વાતાવરણ ગંભીર થતું ગયું. રોજ સાંજે ડેડી ઓફિસથી આવે ને ઘરમાં એક જ ચર્ચા. વિવેક... હું તો બસ કંટાળી ગઈ હતી. એક દિવસ ડેડી જમી પરવારી મારી રૂમમાં આવ્યા. કહ્યું,

'જો મીનું બેટા તારી જિંદગી છે, તારે જે નિર્ણય લેવો હોય તું લઈ શકે છે, પણ એકવાર આંખ બંધ કરીને વિચાર કર, તેં જાતે જે છોકરો પસંદ કર્યો એની સાથે તારે રકઝક થઈ ગઈ હતી. હવે તું અમારું માની વિવેક સાથે લગ્ન કરીશ તને કોઈ જ તકલીફ નહી આવે.. એ મારી જવાબદારી છે. હું છું ને?'

બસ આ ત્રણ શબ્દો મારા જીવનને બદલવા માટે કાફી હતાં. હું તરત બોલી ઉઠી

'હા તમે છો ને!!'

હું વિવેક સાથે લગ્ન ગ્રંથિ જોડાઈ ગઈ. હું સાચે જ ખૂબ ખુશ હતી. સમય નીકળતો ગયો. એક દીકરી ને દીકરો.. દીકરાને સ્કૂલની બાબતે એકવાર વિવેક સાથે થોડીક જીભા જોડી ચાલી. એમાંથી ઘરમાં મહાભારત રચાયું. એના પેરેન્ટ્સ પણ એક તરફી થતાં દેખાવા લાગ્યાં. હું એકલી પડી ગઈ હતી. ડેડી યાદ આવી ગયા. આંખો બંધ કરી વિચારવા લાગી ડેડી હું એકલી પડી ગઈ છું, જોયું તમે કહેતાં હતાં ને કે કોઈ તકલીફ નહી આવે. મારી જવાબદારી છે.! તો પણ થયું ને.? ને એક અવાજ આવ્યો..

હું છું ને!? બસ એ ત્રણ શબ્દના યાદથી ગુસ્સો ન જાણે કેમ ઓગળી ગયો.? બધું જે ધૂંધળું હતું એ ઉજળું લાગ્યું. મનમાંથી રાગ દ્રેશ એકાએક ખતમ થઈ ગયાં. નથી કોઈ વેર ભાવ કે નથી ચિંતા. કદાચ જો એ શબ્દ ના હોત તો? જીવવું અને જીતવું મુશ્કેલ થઈ પડત.. આમ
સમય સાથે ઉંમર પણ વહેતી નીકળી.. મારા ડેડી- મમ્માની પણ ઉંમર ખાસી થઈ ગઈ હતી અને એકવાર અચાનક મારા મમ્માની તબિયત બગડી ગઈ. અને દોડધામ થઈ ગઈ. એટેક આવતા મારી મમ્માને હૉસ્પિટલાઈઝ કરવી પડી. સિરિયસ થઈ ગયેલી મમ્માને જોઈ મારો ભાઈ પણ આકળવિકળ થઈ ગયો હતો. એ વખતે ડેડીના પણ હોશ ઉડી ગયેલા. મેં પહેલી વાર ડેડીને ચિંતામાં જોયા. હંમેશા માથે હાથ ફેરવી ખુશી આપનાર ડેડી આજે ચિંતિત બની એક ખૂણામાં ઉભાં હતાં. ડેડીની તકલીફ મારાથી ન જોઈ શકાઈ. હું એમની પાસે ગઈ . ખભે હાથ મૂકી પુછ્યું,

'શું હું આપના માટે કંઈ પણ કરી શકું?'

એમણે મારા તરફ સજળ નયને દ્રષ્ટિ ફેરવી અને કંઈ ન બોલી શક્યા. એમની આંખો ઘણું બધું કહી રહી હતી.. મેં કહ્યું, 'પપ્પા ચિંતા ન કરો 'હું છું ને?'

એ ત્રણ શબ્દોએ એમના ડગમગ થતાં પગમાં તાકાત ભરી દીધી. અને બોલી ઉઠ્યાં, 'હા બેટા તું છે ને?' હવે આ દુનિયામાં મારાથી મજબૂત અને શક્તિશાળી વ્યક્તિ કોઈ નથી..'

ડેડી કહેતા, 'તું મુંઝાય મને ખબર છે. પણ હું છું ને ખબર છે મને.. જિંદગીની સમસ્યાઓથી ડગી જાય છે પણ.. પણ ચિંતા ન કર હું છું ને?' હશે.. ભલેને રહી કાંટાળી કેડી.. હું પુષ્પોની ચાદર બિછાવીશ.. 'હું છું ને" રુહાના આ ત્રણ શબ્દો કાફી છે મારી રક્ષા કાજે..©

-અસ્તુ


-આરતીસોની